પાઠ ૭૨
બાર વર્ષના ઈસુ
યૂસફ અને મરિયમ નાઝરેથમાં ઈસુ અને તેઓનાં બીજાં દીકરા-દીકરીઓ સાથે રહેતાં હતાં. યૂસફ કુટુંબ ચલાવવા સુથારી કામ કરતા હતા. તે પોતાના કુટુંબને યહોવા વિશે અને તેમના નિયમો વિશે શીખવતા. યૂસફ પોતાના કુટુંબ સાથે નિયમિત ભક્તિ કરવા સભાસ્થાનમાં જતા અને દર વર્ષે પાસ્ખાનો તહેવાર ઊજવવા યરૂશાલેમ જતા.
આ એ સમયની વાત છે, જ્યારે ઈસુ બાર વર્ષના હતા. તેમનું કુટુંબ દર વર્ષની જેમ લાંબી મુસાફરી કરીને યરૂશાલેમ ગયું. ઘણા લોકો પાસ્ખાનો તહેવાર ઊજવવા આવ્યા હતા, એટલે શહેરમાં ખૂબ જ ભીડ હતી. તહેવાર ઊજવ્યા પછી યૂસફ અને મરિયમ ઘરે પાછાં જઈ રહ્યાં હતાં. તેઓને લાગ્યું કે ઈસુ તેઓનાં સગાઓ સાથે હશે, પણ સગાઓ વચ્ચે શોધ્યા ત્યારે ઈસુ મળ્યા નહિ.
તેઓ યરૂશાલેમ પાછા ગયા. તેઓ ત્રણ દિવસ સુધી ઈસુને શોધતા રહ્યા. આખરે તેઓ મંદિરે ગયા. ત્યાં તેઓએ જોયું કે ઈસુ ધર્મગુરુઓની વચ્ચે બેઠા છે, તેઓની વાતો ધ્યાનથી સાંભળે છે અને સવાલો પૂછે છે. તેમની વાતોથી ધર્મગુરુઓને એટલી નવાઈ લાગી કે તેઓ ઈસુને સવાલો પૂછવા લાગ્યા. તેમના જવાબો સાંભળીને ધર્મગુરુઓ છક થઈ ગયા. તેઓ જોઈ શકતા હતા કે ઈસુને યહોવાના નિયમોની સારી સમજણ છે.
યૂસફ અને મરિયમ ઈસુને શોધતાં શોધતાં હેરાન-પરેશાન થઈ ગયાં હતાં. એટલે મરિયમે કહ્યું: ‘બેટા! તું ક્યાં જતો રહ્યો હતો? અમે તને બધે જ શોધતાં હતાં.’ ઈસુએ કહ્યું: ‘શું તમે જાણતા ન હતા કે હું અહીંયા મારા પિતાના ઘરમાં જ હોઈશ!’
ઈસુ પોતાના માતા-પિતા સાથે નાઝરેથ પાછા ગયા. યૂસફે તેમને સુથારી કામ શીખવ્યું. તમને શું લાગે છે, ઈસુ મોટા થયા તેમ કેવા માણસ બન્યા? તે મોટા થયા તેમ, સમજદાર થતા ગયા. તે ઈશ્વરને અને લોકોને ખૂબ ગમવા લાગ્યા.
“હે મારા ઈશ્વર, તમારી ઇચ્છા પૂરી કરવામાં જ મારી ખુશી છે. તમારો નિયમ મારા દિલમાં છે.”—ગીતશાસ્ત્ર ૪૦:૮