પાઠ ૭૬
ઈસુએ વેપારીઓને મંદિરમાંથી કાઢી મૂક્યા
સાલ ૩૦ની વસંત ૠતુમાં ઈસુ યરૂશાલેમ ગયા. ઘણા લોકો પાસ્ખાનો તહેવાર ઊજવવા યરૂશાલેમ આવ્યા હતા. પાસ્ખાનો તહેવાર ઊજવવા લોકો મંદિરમાં પ્રાણીઓનું બલિદાન ચઢાવતા હતા. અમુક લોકો પ્રાણીઓ લઈને આવ્યા હતા, જ્યારે કે અમુક લોકો યરૂશાલેમ આવીને પ્રાણીઓ ખરીદતા હતા.
ઈસુ મંદિરમાં ગયા ત્યારે, તેમણે જોયું કે લોકો ત્યાં પ્રાણીઓ વેચી રહ્યા છે. એ જગ્યા તો યહોવાની ભક્તિ માટે હતી, પણ લોકો ત્યાં ધંધો કરી રહ્યા હતા. એ જોઈને ઈસુએ શું કર્યું? તેમણે દોરડાંનો ચાબુક બનાવીને ઘેટાં અને ઢોરને મંદિરમાંથી કાઢી મૂક્યાં. તેમણે પૈસા બદલનારાઓની મેજો ઊથલાવી નાખી અને પૈસા વેરી નાખ્યા. તેમણે કબૂતર વેચનારાઓને કહ્યું: “આ બધું અહીંથી લઈ જાઓ! મારા પિતાના ઘરને બજાર ન બનાવો!”
ઈસુએ મંદિરમાં જે કર્યું એ જોઈને લોકોને ખૂબ નવાઈ લાગી. તેમના શિષ્યોને મસીહ વિશે લખેલી આ ભવિષ્યવાણી યાદ આવી: “તમારા મંદિર માટેનો ઉત્સાહ મને કોરી ખાય છે.”
સાલ ૩૩માં ઈસુએ ફરી એક વાર મંદિરને શુદ્ધ કર્યું. તેમણે કોઈને પણ પોતાના પિતાના મંદિરનું અપમાન કરવા દીધું નહિ.
“તમે ઈશ્વરની અને ધનદોલતની એકસાથે ચાકરી કરી શકતા નથી.”—લૂક ૧૬:૧૩