પાઠ ૮૪
ઈસુ પાણી પર ચાલ્યા
ઈસુ બીમારોને સાજા કરી શકતા હતા અને ગુજરી ગયેલાઓને જીવતા કરી શકતા હતા. અરે, તોફાન અને વરસાદને પણ રોકી શકતા હતા. પહાડ પર પ્રાર્થના કર્યા પછી ઈસુએ જોયું કે ગાલીલ સરોવરમાં તોફાન ઊઠ્યું છે. પ્રેરિતો હોડીમાં હતા અને તોફાનમાં હોડી ચલાવવી અઘરું થઈ રહ્યું હતું. ઈસુ પહાડ પરથી નીચે આવ્યા અને પાણી પર ચાલીને પ્રેરિતોની હોડી તરફ ગયા. પાણી પર કોઈકને ચાલતા જોઈને પ્રેરિતો ડરી ગયા. પણ ઈસુએ તેઓને કહ્યું: ‘ડરશો નહિ! એ તો હું જ છું.’
પિતરે કહ્યું: ‘માલિક, જો એ તમે હો, તો આજ્ઞા કરો કે હું ચાલીને તમારી પાસે આવું.’ ઈસુએ પિતરને કહ્યું: ‘મારી પાસે આવ.’ એટલા તોફાનમાં પણ પિતર હોડીમાંથી ઊતર્યા અને પાણી પર ચાલીને ઈસુ પાસે જવા લાગ્યા. પણ જેવા તે ઈસુની નજીક પહોંચ્યા, તેમણે તોફાન તરફ જોયું. તે ડરી ગયા અને ડૂબવા લાગ્યા. પિતરે બૂમ પાડી: ‘માલિક મને બચાવો.’ ઈસુએ તેમનો હાથ પકડી લીધો અને કહ્યું: ‘તેં શંકા કેમ કરી? તારી શ્રદ્ધા કેમ ખૂટી ગઈ?’
ઈસુ અને પિતર હોડીમાં ચઢી ગયા અને તરત તોફાન શાંત પડી ગયું. શું તમે કલ્પના કરી શકો કે એ જોઈને પ્રેરિતોને કેવું લાગ્યું હશે? તેઓએ કહ્યું: ‘તમે સાચે જ ઈશ્વરના દીકરા છો!’
ઈસુએ બીજી એક વાર પણ તોફાનને શાંત પાડ્યું હતું. ઈસુ અને પ્રેરિતો સરોવરની પેલે પાર જતા હતા ત્યારે, ઈસુ હોડીના પાછળના ભાગમાં સૂતા હતા. એ વખતે ભારે તોફાન આવ્યું. મોજાં હોડીને અથડાવાં લાગ્યાં અને હોડીમાં પાણી ભરાવા લાગ્યું. પ્રેરિતો ઈસુને જગાડીને કહેવા લાગ્યા: ‘ગુરુજી, અમને મદદ કરો, નહિ તો આપણે મરી જઈશું.’ ઈસુએ ઊઠીને સરોવરને કહ્યું: ‘શાંત થઈ જા!’ તોફાન અને સરોવર તરત શાંત થઈ ગયાં. ઈસુએ પ્રેરિતોને પૂછ્યું: ‘શું તમારામાં હજુ પણ શ્રદ્ધા નથી?’ પ્રેરિતો એકબીજાને કહેવા લાગ્યા તોફાન અને સરોવર પણ તેમનું કહેવું માને છે. પ્રેરિતો શીખ્યા કે જો તેઓ ઈસુ પર પૂરો ભરોસો રાખશે, તો તેઓએ કશાથી ડરવાની જરૂર નથી.
“હું મારા જીવનમાં યહોવાની ભલાઈ જોઈશ, એવી શ્રદ્ધા મારામાં ન હોત તો હું ક્યાં હોત?”—ગીતશાસ્ત્ર ૨૭:૧૩