પાઠ ૯૩
ઈસુ પાછા સ્વર્ગમાં ગયા
ઈસુ ગાલીલમાં પોતાના શિષ્યોને મળ્યા. તેમણે શિષ્યોને એક મહત્ત્વની આજ્ઞા આપી. ઈસુએ કહ્યું: ‘જાઓ અને બધા દેશના લોકોને શિષ્યો બનાવો. મેં તમને જે શીખવ્યું છે એ બધું જ તેઓને શીખવો અને બાપ્તિસ્મા આપો.’ પછી ઈસુએ તેઓને એક વચન આપ્યું: ‘યાદ રાખજો! હું હંમેશાં તમારી સાથે રહીશ.’
મરણમાંથી જીવતા થયા પછી, ઈસુ ૪૦ દિવસ સુધી ગાલીલ અને યરૂશાલેમમાં સેંકડો શિષ્યોને દેખાયા. ઈસુએ તેઓને મહત્ત્વની વાતો શીખવી અને ઘણા ચમત્કાર કર્યા. પછી તે છેલ્લી વાર પોતાના પ્રેરિતોને જૈતૂન પહાડ પર મળ્યા. તેમણે પ્રેરિતોને કહ્યું: ‘તમે યરૂશાલેમ છોડીને જતા નહિ. પિતાએ જે વચન આપ્યું છે, એ પૂરા થવાની રાહ જોતા રહેજો.’
પ્રેરિતો તેમની વાત સમજ્યા નહિ. તેઓએ પૂછ્યું: ‘શું તમે હમણાં જ ઇઝરાયેલના રાજા બનવાના છો?’ ઈસુએ કહ્યું: ‘મને રાજા બનાવવાનો યહોવાનો સમય હજુ આવ્યો નથી. જલદી જ તમને પવિત્ર શક્તિની મદદથી તાકાત મળશે અને તમે મારા સાક્ષી થશો. જાઓ! તમે યરૂશાલેમ, યહૂદિયા, સમરૂન અને દુનિયાના છેડા સુધી પ્રચાર કરો.’
એ પછી ઈસુને ઉપર લઈ લેવામાં આવ્યા અને એક વાદળે તેમને ઢાંકી દીધા. તેમના શિષ્યો આકાશમાં એકીટસે જોઈ રહ્યા, પણ તે હવે દેખાતા ન હતા.
શિષ્યો જૈતૂન પર્વત પરથી નીચે આવ્યા અને યરૂશાલેમ ગયા. તેઓ નિયમિત રીતે એક ઘરના ઉપરના માળે મળતા અને પ્રાર્થના કરતા. હવે આગળ શું કરવું એ વિશે તેઓ ઈસુના માર્ગદર્શનની રાહ જોતા હતા.
“રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે અને પછી જ અંત આવશે.”—માથ્થી ૨૪:૧૪