પાઠ ૧૦૦
પાઉલ અને તિમોથી
તિમોથી લુસ્ત્રા મંડળના એક યુવાન ભાઈ હતા. તેમના પિતા ગ્રીક અને માતા યહૂદી હતાં. નાનપણથી જ તેમનાં માતા યુનીકે અને નાની લોઈસ તેમને યહોવા વિશે શીખવતા હતાં.
પાઉલ પ્રચારકાર્યની બીજી મુસાફરીમાં લુસ્ત્રા ગયા. ત્યાં તેમણે જોયું કે તિમોથીને ભાઈઓ માટે ખૂબ પ્રેમ હતો અને તે હંમેશાં ભાઈઓની મદદ કરવા તૈયાર રહેતા હતા. પાઉલે તિમોથીને પોતાની સાથે મુસાફરીમાં આવવાનું કહ્યું. મુસાફરી દરમિયાન પાઉલે તિમોથીને ખુશખબર જણાવવાનું અને બીજાઓને શીખવવાનું કામ વધારે સારી રીતે કરતા શીખવ્યું.
પાઉલ અને તિમોથીને બધી જગ્યાએ પવિત્ર શક્તિથી માર્ગદર્શન મળતું હતું. પાઉલે એક રાતે દર્શન જોયું. એમાં એક માણસે પાઉલને કહ્યું કે મકદોનિયા આવીને તેઓને મદદ કરે. એટલે પાઉલ, તિમોથી, સિલાસ અને લૂક ત્યાં ગયા, જેથી તેઓ ત્યાં પ્રચાર કરે અને મંડળો બનાવે.
મકદોનિયાના થેસ્સાલોનિકા શહેરમાં ઘણા લોકો ઈસુના શિષ્ય બન્યા. પણ યહૂદીઓ પાઉલ અને તેમના સાથીઓની ઈર્ષા કરતા હતા. તેઓએ એક ટોળું ભેગું કર્યું અને ભાઈઓને ઘસડીને શહેરના અધિકારીઓ પાસે લઈ ગયા. તેઓ બૂમો પાડીને કહેવા લાગ્યા: ‘આ માણસો રોમન સરકારના દુશ્મન છે.’ પાઉલ અને તિમોથીનો જીવ જોખમમાં હતો, એટલે તેઓ રાતોરાત બેરીઆ જતા રહ્યા.
બેરીઆના લોકો ખુશખબર સાંભળવા ખૂબ આતુર હતા. ત્યાંના ઘણા ગ્રીક અને યહૂદી લોકો ઈસુના શિષ્ય બન્યા હતા. પણ થેસ્સાલોનિકાના અમુક યહૂદીઓ ત્યાં આવીને ધાંધલ-ધમાલ કરવા લાગ્યા. એટલે પાઉલ એથેન્સ જતા રહ્યા. તિમોથી અને સિલાસ બેરીઆમાં રહીને ભાઈઓની શ્રદ્ધા વધારતા રહ્યા. થોડા સમય પછી, પાઉલે તિમોથીને ભાઈઓની હિંમત વધારવા થેસ્સાલોનિકા પાછા મોકલ્યા. કેમ કે, ત્યાંના ભાઈઓની ખૂબ સતાવણી કરવામાં આવતી હતી. પછી પાઉલે તિમોથીને બીજા મંડળોની મુલાકાત લેવા અને તેઓને ઉત્તેજન આપવા મોકલ્યા.
પાઉલે તિમોથીને કહ્યું: ‘જે લોકો યહોવાની ભક્તિ કરવા માંગે છે, તેઓની સતાવણી થશે.’ શ્રદ્ધાને લીધે તિમોથીની સતાવણી થઈ અને તેમને જેલમાં નાખવામાં આવ્યા. તોપણ તે ખુશ હતા, કેમ કે તેમને એ સાબિત કરવાનો મોકો મળ્યો કે તે યહોવાને વફાદાર છે.
પાઉલે ફિલિપીના ભાઈઓને કહ્યું: ‘હું તિમોથીને તમારી પાસે મોકલું છું. તે તમને શીખવશે કે યહોવાના ભક્ત તરીકે કઈ રીતે જીવવું. તે તમને વધારે સારી રીતે પ્રચાર કરતા પણ શીખવશે.’ પાઉલને તિમોથી પર પૂરો ભરોસો હતો. તેઓ પાકા દોસ્ત હતા અને તેઓએ સાથે મળીને ઘણાં વર્ષો સેવા કરી.
“તિમોથી જેવું મારી પાસે બીજું કોઈ નથી, જે દિલથી તમારી સંભાળ રાખે. બીજા બધા તો પોતાનો જ ફાયદો જુએ છે. તેઓને ઈસુ ખ્રિસ્તની કંઈ પડી નથી.”—ફિલિપીઓ ૨:૨૦, ૨૧