વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • bt પ્રકરણ ૧૫ પાન ૧૧૭-૧૨૩
  • તેઓએ “મંડળોને ઉત્તેજન આપ્યું”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તેઓએ “મંડળોને ઉત્તેજન આપ્યું”
  • ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
  • મથાળાં
  • સરખી માહિતી
  • ‘ચાલ, હવે પાછા જઈએ અને ભાઈઓને મળીએ’ (પ્રે.કા. ૧૫:૩૬)
  • “મોટી તકરાર થઈ” (પ્રે.કા. ૧૫:૩૭-૪૧)
  • “તિમોથીની શાખ સારી હતી” (પ્રે.કા. ૧૬:૧-૩)
  • “મંડળો શ્રદ્ધામાં મક્કમ થતાં ગયાં” (પ્રે.કા. ૧૬:૪, ૫)
  • ‘યહોવા પાસેથી મળેલા અધિકારથી તેઓએ હિંમતથી વાત કરી’
    ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
  • યુવાન ભાઈઓ, માર્ક અને તિમોથીના પગલે ચાલો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • “શિષ્યોનાં મન પવિત્ર શક્તિ અને આનંદથી ઊભરાતાં રહ્યાં”
    ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
bt પ્રકરણ ૧૫ પાન ૧૧૭-૧૨૩

પ્રકરણ ૧૫

તેઓએ “મંડળોને ઉત્તેજન આપ્યું”

પ્રવાસી નિરીક્ષકો મંડળોની શ્રદ્ધા મક્કમ કરે છે

પ્રેરિતોનાં કાર્યો ૧૫:૩૬–૧૬:૫ના આધારે

૧-૩. (ક) પાઉલે પ્રચારકાર્યની બીજી મુસાફરી માટે કોને પસંદ કર્યા? એ યુવાન વિશે થોડુંક જણાવો. (ખ) આ પ્રકરણમાં શું જોઈશું?

પ્રેરિત પાઉલ ખાડા-ટેકરાવાળા રસ્તા પર ચાલી રહ્યા છે. વચ્ચે વચ્ચે તે બાજુમાં ચાલતા યુવાન પર નજર નાખે છે. એ યુવાન છે, તિમોથી. તે વીસેક વર્ષના છે અને તેમનામાં ગજબનો ઉત્સાહ છે. આ તિમોથીની પહેલી મુસાફરી છે. તેમના દરેક પગલાથી તેમનું ઘર દૂર થતું જાય છે. દિવસ ઢળતો જાય છે તેમ, લુસ્ત્રા અને ઇકોનિયા શહેર પાછળ છૂટતા જાય છે. આગળની મુસાફરી કેવી હશે? એ વિશે પાઉલને થોડો-ઘણો અંદાજો છે, કેમ કે આ તેમની પ્રચારકાર્યની બીજી મુસાફરી છે. તે જાણે છે કે તેઓએ ડગલે ને પગલે જોખમો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પાઉલને થતું હશે કે યુવાન તિમોથી કઈ રીતે એ બધાનો સામનો કરશે.

૨ પણ પાઉલને પૂરો ભરોસો છે કે તિમોથી એ જવાબદારી સારી રીતે નિભાવી શકશે. તિમોથીને પોતાના પર જેટલો ભરોસો છે, એના કરતાં વધારે ભરોસો પાઉલને તિમોથી પર છે. આ મુસાફરીમાં તેઓ શું કરશે? તેઓ મંડળોની મુલાકાત લેશે અને ભાઈ-બહેનોને ઉત્તેજન આપશે. એ કામમાં તેઓએ પોતાનું દિલ રેડી દેવું પડશે, એકમનના થઈને કામ કરવું પડશે. એટલે પાઉલ સારી રીતે જાણે છે કે આવી મુસાફરીમાં એક યોગ્ય વ્યક્તિ સાથે હોય, એ ખૂબ જરૂરી છે. પાઉલને કેમ એવું લાગે છે? એનું એક કારણ એ હોય શકે કે થોડા સમય પહેલાં જ પાઉલ અને બાર્નાબાસ વચ્ચે એક મોટી તકરાર થઈ હતી અને તેઓ એકબીજાથી અલગ થઈ ગયા હતા.

૩ આ પ્રકરણમાં શીખીશું કે જો ભાઈ-બહેનો સાથે મતભેદ થાય, તો આપણે શું કરવું જોઈએ. એ પણ જોઈશું કે પાઉલે કેમ તિમોથીને મુસાફરી માટે પસંદ કર્યા. આપણે સરકીટ નિરીક્ષકોની જવાબદારી વિશે પણ વધારે જાણીશું.

‘ચાલ, હવે પાછા જઈએ અને ભાઈઓને મળીએ’ (પ્રે.કા. ૧૫:૩૬)

૪. પાઉલ કેમ ભાઈ-બહેનોને ફરી મળવા માંગતા હતા?

૪ ગયા પ્રકરણમાં જોઈ ગયા કે પાઉલ, બાર્નાબાસ, યહૂદા અને સિલાસ અંત્યોખના મંડળમાં ગયા હતા. તેઓએ સુન્‍નત વિશે નિયામક જૂથનો નિર્ણય જણાવ્યો અને ભાઈ-બહેનોને ઉત્તેજન આપ્યું હતું. એ પછી પાઉલે શું કર્યું? તેમણે બાર્નાબાસને બીજી મુસાફરીની યોજના વિશે જણાવ્યું. પાઉલે કહ્યું: “ચાલ, હવે આપણે પાછા જઈએ અને યહોવાનો સંદેશો જાહેર કર્યો હતો, એ દરેક શહેરમાં ભાઈઓને મળીને તેઓના ખબરઅંતર પૂછીએ.” (પ્રે.કા. ૧૫:૩૬) પાઉલ એ ભાઈ-બહેનોના ફક્ત હાલચાલ પૂછવા માંગતા ન હતા. પ્રેરિતોનાં કાર્યો પુસ્તકથી ખબર પડે છે કે એ મુસાફરી માટે પાઉલ પાસે બે મહત્ત્વનાં કારણો હતાં. એક, તે નિયામક જૂથે લીધેલા નિર્ણયો મંડળોને જણાવવા માંગતા હતા. (પ્રે.કા. ૧૬:૪) બીજું કારણ, પ્રવાસી નિરીક્ષક તરીકે તે મંડળનાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા માંગતા હતા અને તેઓની શ્રદ્ધા મજબૂત કરવા માંગતા હતા. (રોમ. ૧:૧૧, ૧૨) આજે યહોવાના સાક્ષીઓનું સંગઠન કઈ રીતે પ્રેરિતોએ બેસાડેલા નમૂનાને અનુસરે છે?

૫. આજે નિયામક જૂથ કઈ રીતે મંડળોને માર્ગદર્શન અને ઉત્તેજન આપે છે?

૫ ઈસુ ખ્રિસ્ત આજે યહોવાના સાક્ષીઓના નિયામક જૂથ દ્વારા બધાં મંડળોને માર્ગદર્શન આપે છે. નિયામક જૂથના અભિષિક્ત ભાઈઓ પત્રો, સભાઓ, છાપેલાં કે ડિજિટલ સાહિત્ય દ્વારા અને બીજી અનેક રીતે મંડળોને માર્ગદર્શન અને ઉત્તેજન આપે છે. વધુમાં, નિયામક જૂથ દરેક મંડળના સંપર્કમાં રહેવા માંગે છે, એટલે સરકીટ નિરીક્ષકોની ગોઠવણ કરવામાં આવી છે. આખી દુનિયામાં નિયામક જૂથે લાયકાત ધરાવતા હજારો વડીલોને સરકીટ નિરીક્ષક તરીકે નીમ્યા છે.

૬, ૭. સરકીટ નિરીક્ષકો શું કરે છે?

૬ આજે સરકીટ નિરીક્ષકો મંડળની મુલાકાત લે છે ત્યારે ભાઈ-બહેનોને સારી રીતે ઓળખવાની કોશિશ કરે છે અને તેઓની શ્રદ્ધા મજબૂત કરે છે. સરકીટ નિરીક્ષકો એ કઈ રીતે કરે છે? તેઓ પાઉલ જેવા ભાઈઓને અનુસરે છે. પાઉલે સાથી પ્રવાસી નિરીક્ષક તિમોથીને કહ્યું હતું: ‘તું સંદેશો જાહેર કર. સમય સારો હોય કે ખરાબ, એ જાહેર કરવામાં ઢીલ ન કર. તું પૂરી ધીરજ રાખીને અને કુશળતાથી શીખવીને લોકોને સુધાર, ઠપકો આપ અને ઉત્તેજન આપ. તું ખુશખબર જણાવતો રહેજે.’—૨ તિમો. ૪:૨, ૫.

૭ એ શબ્દોને ધ્યાનમાં રાખીને આજે સરકીટ નિરીક્ષકો ભાઈ-બહેનો સાથે મળીને અલગ અલગ રીતે પ્રચાર કરે છે. જો સરકીટ નિરીક્ષક પરણેલા હોય તો તેમની પત્ની પણ મંડળ સાથે પ્રચારમાં જાય છે. તેઓને ખુશખબર જણાવવું બહુ ગમે છે અને તેઓ બીજાઓને સારી રીતે શીખવે છે. તેઓનો ઉત્સાહ જોઈને મંડળનાં ભાઈ-બહેનોનો પણ ઉત્સાહ વધે છે. (રોમ. ૧૨:૧૧; ૨ તિમો. ૨:૧૫) સરકીટ નિરીક્ષક અને તેમની પત્ની ભાઈ-બહેનોને દિલથી પ્રેમ કરે છે, તેઓ માટે ઘણું જતું કરે છે. તેઓ ભાઈ-બહેનો માટે પોતાનાં સમય-શક્તિ ખર્ચી નાખે છે. મંડળોની મુલાકાત લેવામાં તેઓ જરાય પાછી પાની કરતા નથી. ભલે હવામાન ખરાબ હોય કે પછી કોઈ વિસ્તાર જોખમોથી ભરેલો હોય, તોપણ તેઓ ત્યાં જાય છે. (ફિલિ. ૨:૩, ૪) સરકીટ નિરીક્ષક બાઇબલને આધારે પ્રવચનો આપીને ભાઈ-બહેનોને ઉત્તેજન આપે છે, તેઓને શીખવે છે અને સલાહ આપે છે. જો સરકીટ નિરીક્ષકોના દાખલા પર ધ્યાન આપીશું અને તેઓ જેવી શ્રદ્ધા કેળવીશું, તો એનાથી આપણું જ ભલું થશે.—હિબ્રૂ. ૧૩:૭.

“મોટી તકરાર થઈ” (પ્રે.કા. ૧૫:૩૭-૪૧)

૮. પાઉલે કહ્યું કે ‘આપણે ભાઈઓને મળવા જઈએ’ ત્યારે બાર્નાબાસને કેવું લાગ્યું?

૮ જ્યારે પાઉલે કહ્યું કે ‘આપણે ભાઈઓને મળવા જઈએ,’ ત્યારે બાર્નાબાસ તેમની સાથે જવા તૈયાર થઈ ગયા. (પ્રે.કા. ૧૫:૩૬) પાઉલ અને બાર્નાબાસે સાથે મળીને ઘણું કામ કર્યું હતું. તેઓ એકબીજાને સારી રીતે સમજતા હતા. તેઓ એ શહેરોનાં ભાઈ-બહેનોને પણ ઓળખતા હતા. (પ્રે.કા. ૧૩:૨–૧૪:૨૮) એટલે તેઓને લાગ્યું કે મુસાફરીમાં સાથે જવું સારું રહેશે. પણ એક મુશ્કેલી ઊભી થઈ. પ્રેરિતોનાં કાર્યો ૧૫:૩૭માં જણાવ્યું છે: “બાર્નાબાસનો નિર્ણય દૃઢ હતો કે યોહાનને પણ સાથે લઈ જવો, જે માર્ક તરીકે ઓળખાતો હતો.” આ શબ્દોથી ખબર પડે છે કે માર્કને સાથે લઈ જવો કે નહિ, એ વિશે બાર્નાબાસ પાઉલને પૂછી રહ્યા ન હતા. પણ તેમણે તો ‘દૃઢ નિર્ણય કર્યો હતો’ કે તે પોતાના ભાઈ માર્કને સાથે લઈ જશે.

૯. પાઉલ કેમ બાર્નાબાસ સાથે સહમત ન હતા?

૯ પાઉલ બાર્નાબાસ સાથે સહમત ન હતા. તે માર્કને ‘સાથે લઈ જવા માંગતા ન હતા, કેમ કે માર્ક પમ્ફૂલિયામાં તેઓને છોડીને જતા રહ્યા હતા અને તેઓ સાથે પ્રચારકામમાં જોડાયા ન હતા.’ (પ્રે.કા. ૧૫:૩૮) પાઉલ અને બાર્નાબાસે પ્રચારકાર્યની પહેલી મુસાફરી કરી ત્યારે માર્ક તેઓની સાથે હતા, પણ તે છેલ્લે સુધી સાથે ન હતા. (પ્રે.કા. ૧૨:૨૫; ૧૩:૧૩) ભાઈઓએ મુસાફરી શરૂ કરી એના થોડા સમયમાં જ, પમ્ફૂલિયામાં માર્ક તેઓને છોડીને પોતાના ઘરે યરૂશાલેમ પાછા જતા રહ્યા હતા. તેમણે કેમ એવું કર્યું એ વિશે બાઇબલમાં કંઈ જણાવ્યું નથી. કદાચ પાઉલને લાગતું હતું કે માર્કે જે કર્યું એ બરાબર ન હતું. તેમ જ, માર્ક પર ભરોસો કરવો કે નહિ એ વિશે પણ તેમના મનમાં અમુક સવાલો ઊભા થયા હશે.

૧૦. પાઉલ અને બાર્નાબાસ વચ્ચે શું થયું અને એનું કેવું પરિણામ આવ્યું?

૧૦ પણ બાર્નાબાસ એ વાત પર અડી રહ્યા કે તે માર્કને સાથે લઈ જશે. પાઉલ પણ ટસના મસ ન થયા. પ્રેરિતોનાં કાર્યો ૧૫:૩૯માં જણાવ્યું છે: “એ વાતને લઈને બંને વચ્ચે એટલી મોટી તકરાર થઈ કે તેઓ એકબીજાથી જુદા પડી ગયા.” પછી બાર્નાબાસે માર્કને સાથે લીધા અને પોતાના વતન સૈપ્રસ જવા દરિયાઈ મુસાફરી કરી. પાઉલ પોતાની યોજના પ્રમાણે પ્રચારકાર્યની બીજી મુસાફરી માટે નીકળી પડ્યા. કલમમાં જણાવ્યું છે: ‘પાઉલે સિલાસને પસંદ કર્યા અને ભાઈઓએ પ્રાર્થના કરી કે યહોવા પાઉલને અપાર કૃપા બતાવે. પછી તેમણે વિદાય લીધી.’ (પ્રે.કા. ૧૫:૪૦) પાઉલ અને સિલાસ ‘સિરિયા અને કિલીકિયામાં થઈને ગયા અને ત્યાંનાં મંડળોને ઉત્તેજન આપ્યું.’—પ્રે.કા. ૧૫:૪૧.

૧૧. દોસ્તી તૂટી ન જાય એ માટે આપણે શું કરી શકીએ?

૧૧ આ બનાવ યાદ અપાવે છે કે આપણે બધા ભૂલભરેલા છીએ. પાઉલ અને બાર્નાબાસને નિયામક જૂથે પસંદ કર્યા હતા અને મંડળોની મુલાકાત લેવા મોકલ્યા હતા. આગળ જતાં, પાઉલ પણ કદાચ નિયામક જૂથના સભ્ય બન્યા હતા. તોપણ આ કિસ્સામાં બંને ભાઈઓએ પોતાનો પિત્તો ગુમાવ્યો. પણ શું એના લીધે તેઓની દોસ્તી તૂટી ગઈ? શું તેઓએ આખી જિંદગી એકબીજા માટે મનમાં ખાર ભરી રાખ્યો? ખરું કે બંને ભાઈઓમાં અમુક નબળાઈઓ હતી, પણ તેઓ નમ્ર હતા અને તેઓએ ખ્રિસ્ત ઈસુ જેવું મન કેળવ્યું હતું. એટલે સમય જતાં તેઓ એકબીજાને માફ કરી શક્યા અને ફરીથી દોસ્તી પાકી કરી શક્યા. (એફે. ૪:૧-૩) પછીથી પાઉલ અને માર્કે પણ સાથે મળીને કામ કર્યું હતું.a—કોલો. ૪:૧૦.

૧૨. પાઉલ અને બાર્નાબાસની જેમ આજે વડીલો અને સરકીટ નિરીક્ષકોમાં કેવા ગુણો હોવા જોઈએ?

૧૨ પાઉલ અને બાર્નાબાસ વચ્ચે મોટી તકરાર થઈ હતી. પણ એનો અર્થ એ નથી કે તેઓનો સ્વભાવ ગુસ્સાવાળો હતો. બાર્નાબાસ ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરતા હતા, હંમેશાં તેઓને મદદ કરતા હતા. એ સ્વભાવને લીધે પ્રેરિતોએ તેમને બાર્નાબાસ નામ આપ્યું હતું, જેનો અર્થ થાય “દિલાસાનો દીકરો.” આમ તો તેમનું ખરું નામ યૂસફ હતું. (પ્રે.કા. ૪:૩૬) પાઉલને પણ બીજાઓની ખૂબ ચિંતા હતી. તે તેઓ સાથે નરમાશથી વર્તતા. (૧ થેસ્સા. ૨:૭, ૮) આજે બધા વડીલોએ અને સરકીટ નિરીક્ષકોએ પાઉલ અને બાર્નાબાસના દાખલાને અનુસરવું જોઈએ. તેઓએ નમ્ર રહેવું જોઈએ. બીજા વડીલો અને મંડળનાં ભાઈ-બહેનો સાથે પ્રેમ અને નરમાશથી વર્તવું જોઈએ.—૧ પિત. ૫:૨, ૩.

“તિમોથીની શાખ સારી હતી” (પ્રે.કા. ૧૬:૧-૩)

૧૩, ૧૪. (ક) તિમોથી કોણ હતા? પાઉલ તેમને ક્યારે અને કઈ રીતે મળ્યા હતા? (ખ) શા માટે પાઉલનું ધ્યાન તિમોથી પર ગયું? (ગ) તિમોથીને કઈ જવાબદારી સોંપવામાં આવી?

૧૩ પાઉલ પ્રચારકાર્યની બીજી મુસાફરી વખતે રોમન સામ્રાજ્યના ગલાતિયા પ્રાંતમાં ગયા. ત્યાં પહેલેથી અમુક મંડળો હતાં. ‘તે દર્બે પહોંચ્યા અને પછી લુસ્ત્રા ગયા.’ કલમમાં જણાવ્યું છે કે ‘ત્યાં તિમોથી નામના એક શિષ્ય હતા. તેમની માતા શ્રદ્ધા રાખનારી યહૂદી સ્ત્રી હતી અને તેમના પિતા ગ્રીક હતા.’—પ્રે.કા. ૧૬:૧.b

૧૪ પાઉલ પ્રચારકાર્યની પહેલી મુસાફરી વખતે આશરે ૪૭ની સાલમાં લુસ્ત્રા આવ્યા હતા. એવું લાગે છે કે એ સમયે તે તિમોથીના કુટુંબને મળ્યા હતા. હવે બે ત્રણ વર્ષ પછી બીજી મુસાફરી વખતે તે ફરીથી લુસ્ત્રા આવ્યા. આ વખતે તેમનું ધ્યાન યુવાન તિમોથી પર ગયું. શા માટે? કેમ કે મંડળના “ભાઈઓમાં તિમોથીની શાખ સારી હતી.” ફક્ત તેમના મંડળમાં જ નહિ, આસપાસનાં મંડળોમાં પણ તેમનું સારું નામ હતું. જેમ કે, ઇકોનિયા મંડળમાં, જે લુસ્ત્રાથી આશરે ૩૦ કિલોમીટર દૂર હતું. (પ્રે.કા. ૧૬:૨) પછી પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે લુસ્ત્રાના વડીલોએ તિમોથીને એક ભારે જવાબદારી સોંપી. તેમણે પાઉલ અને સિલાસ સાથે એક પ્રવાસી નિરીક્ષક તરીકે કામ કરવાનું હતું.—પ્રે.કા. ૧૬:૩.

૧૫, ૧૬. ભાઈઓમાં તિમોથીની શાખ કેમ સારી હતી?

૧૫ તિમોથી કઈ રીતે આટલી નાની ઉંમરે સારું નામ બનાવી શક્યા? શું તેમનો દેખાવ સારો હતો, તે ખૂબ હોશિયાર હતા અથવા તેમનામાં સારી આવડતો હતી એટલે? મોટા ભાગે માણસોનું ધ્યાન સૌથી પહેલા એ બધી બાબતો પર જ જાય છે. એક સમયે શમુએલ પ્રબોધકે પણ એવું જ કર્યું હતું. એટલે યહોવાએ તેમને યાદ અપાવ્યું: “માણસની જેમ ઈશ્વર જોતા નથી. માણસ તો બહારનો દેખાવ જુએ છે, પણ યહોવા દિલ જુએ છે.” (૧ શમુ. ૧૬:૭) રંગરૂપ કે આવડતને લીધે નહિ, પણ સારા ગુણોને લીધે તિમોથીની ભાઈઓમાં શાખ સારી હતી.

૧૬ વર્ષો પછી પાઉલે પણ તિમોથીના સારા ગુણોના વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે તેમની પાસે તિમોથી જેવા સ્વભાવવાળું બીજું કોઈ નથી. વધુમાં, તેમણે જણાવ્યું કે તિમોથી ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરે છે અને મંડળ માટે અથાક મહેનત કરે છે. (ફિલિ. ૨:૨૦-૨૨) તિમોથી વિશે એમ પણ કહેવામાં આવતું હતું કે ‘તેમની શ્રદ્ધા ઢોંગ વગરની’ હતી.—૨ તિમો. ૧:૫.

૧૭. યુવાનો તિમોથી જેવા બનવા શું કરી શકે?

૧૭ આજે ઘણા યુવાનો તિમોથીની જેમ સારા ગુણો કેળવવા મહેનત કરે છે. એમ કરીને તેઓ નાની ઉંમરે જ યહોવા આગળ અને ભાઈ-બહેનો આગળ સારું નામ બનાવે છે. (નીતિ. ૨૨:૧; ૧ તિમો. ૪:૧૫) તેઓની શ્રદ્ધા ઢોંગ વગરની છે. તેઓ ભાઈ-બહેનો સામે સારા હોવાનો દેખાડો કરતા નથી. (ગીત. ૨૬:૪) એટલે તિમોથીની જેમ આ યુવાનો મંડળ માટે કીમતી રત્નો જેવા છે. જ્યારે યુવાનો પ્રકાશક બને છે, યહોવાને સમર્પણ કરે છે અને બાપ્તિસ્મા લે છે, ત્યારે મંડળનાં ભાઈ-બહેનોની ખુશી સમાતી નથી.

“મંડળો શ્રદ્ધામાં મક્કમ થતાં ગયાં” (પ્રે.કા. ૧૬:૪, ૫)

૧૮. (ક) પ્રવાસી નિરીક્ષક તરીકે પાઉલ અને તિમોથીએ શું કર્યું? (ખ) એનાથી મંડળોને કેવા આશીર્વાદ મળ્યા?

૧૮ પાઉલ અને તિમોથીએ ઘણાં વર્ષો સાથે કામ કર્યું. પ્રવાસી નિરીક્ષક તરીકે તેઓએ અલગ અલગ મંડળોની મુલાકાત લીધી અને નિયામક જૂથે સોંપેલું કામ પૂરું કર્યું. બાઇબલમાં જણાવ્યું છે કે “તેઓ જે પણ શહેરમાં થઈને જતા, ત્યાંના ભાઈઓને યરૂશાલેમના પ્રેરિતો અને વડીલોએ લીધેલા નિર્ણયો જણાવતા, જેથી તેઓ એ પ્રમાણે કરી શકે.” (પ્રે.કા. ૧૬:૪) મંડળોએ પણ યરૂશાલેમના પ્રેરિતો અને વડીલોનું માર્ગદર્શન ચોક્કસ પાળ્યું હશે. એટલે જ, “મંડળો શ્રદ્ધામાં મક્કમ થતાં ગયાં અને તેઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી ગઈ.”—પ્રે.કા. ૧૬:૫.

૧૯, ૨૦. આપણે કેમ ‘આગેવાની લેતા’ ભાઈઓનું માર્ગદર્શન પાળવું જોઈએ?

૧૯ જ્યારે આપણે પણ ‘આગેવાની લેતા’ ભાઈઓનું માર્ગદર્શન ખુશી ખુશી પાળીએ છીએ, ત્યારે ઘણા આશીર્વાદ મળે છે. (હિબ્રૂ. ૧૩:૧૭) દુનિયાનું દૃશ્ય બદલાઈ રહ્યું છે. એટલે “વિશ્વાસુ અને સમજુ ચાકર” પાસેથી આપણને જે કંઈ માર્ગદર્શન મળે, એના પર પૂરું ધ્યાન આપીએ અને એ તરત પાળીએ. (માથ. ૨૪:૪૫; ૧ કોરીં. ૭:૨૯-૩૧) એમ કરવાથી આપણી શ્રદ્ધા મજબૂત રાખી શકીશું અને દુનિયાના ખરાબ માર્ગોથી દૂર રહી શકીશું.—યાકૂ. ૧:૨૭.

૨૦ એ સાચું છે કે આજે મંડળના વડીલો અને નિયામક જૂથના સભ્યોથી અમુક વાર ભૂલો થઈ જાય છે. એવું પાઉલ, બાર્નાબાસ, માર્ક અને પહેલી સદીના બીજા અભિષિક્ત વડીલોથી પણ થયું હતું. (રોમ. ૫:૧૨; યાકૂ. ૩:૨) પણ આપણે નિયામક જૂથ પર પૂરેપૂરો ભરોસો રાખી શકીએ છીએ. કેમ કે એ જૂથ ઈશ્વરના શબ્દ બાઇબલ પર પૂરો આધાર રાખે છે અને પ્રેરિતોએ જે નમૂનો બેસાડ્યો છે એને વળગી રહે છે. (૨ તિમો. ૧:૧૩, ૧૪) એ જ કારણે આજે મંડળો દિવસે ને દિવસે શ્રદ્ધામાં મક્કમ થઈ રહ્યાં છે.

તિમોથીએ “ખુશખબર ફેલાવવા” સખત મહેનત કરી

તિમોથીએ પ્રેરિત પાઉલને સાથ આપવા સખત મહેનત કરી અને પાઉલે એની ખૂબ કદર કરી. આશરે ૧૧ વર્ષ સાથે કામ કર્યા પછી પાઉલે લખ્યું: “તિમોથી જેવું મારી પાસે બીજું કોઈ નથી, જે દિલથી તમારી સંભાળ રાખે. . . . તમે જાણો છો કે જેમ દીકરો પિતાની સાથે મળીને મહેનત કરે, તેમ તિમોથીએ મારી સાથે મળીને ખુશખબર ફેલાવવા મહેનત કરી છે અને પોતાને લાયક સાબિત કર્યો છે.” (ફિલિ. ૨:૨૦, ૨૨) તિમોથીએ પ્રચારકામ માટે પોતાને પૂરેપૂરા ખર્ચી નાખ્યા હતા. એટલે તે પાઉલને ખૂબ વહાલા હતા. તિમોથીએ આપણા માટે સારો દાખલો બેસાડ્યો છે.

તિમોથી.

તિમોથીના પિતા ગ્રીક હતા અને માતા યહૂદી. કદાચ તે લુસ્ત્રામાં મોટા થયા હતા. તે એકદમ નાના હતા ત્યારથી તેમની મા યુનીકે અને નાનીમા લોઈસે તેમને શાસ્ત્રની વાતો શીખવી હતી. (પ્રે.કા. ૧૬:૧, ૩; ૨ તિમો. ૧:૫; ૩:૧૪, ૧૫) પાઉલ પ્રચારકાર્યની પહેલી મુસાફરી વખતે લુસ્ત્રા આવ્યા હતા ત્યારે કદાચ આ ત્રણેય ખ્રિસ્તી બન્યા હશે.

અમુક વર્ષો પછી પાઉલ ફરી લુસ્ત્રા આવ્યા ત્યારે તિમોથી વીસેક વર્ષના હતા. “લુસ્ત્રા અને ઇકોનિયાના ભાઈઓમાં તિમોથીની શાખ સારી હતી.” (પ્રે.કા. ૧૬:૨) પવિત્ર શક્તિની પ્રેરણાથી તેમના વિશે અમુક “ભવિષ્યવાણીઓ” કરવામાં આવી હતી. એને ધ્યાનમાં રાખીને પાઉલ અને લુસ્ત્રાના વડીલોએ તિમોથીને એક ખાસ જવાબદારી સોંપવાનું નક્કી કર્યું. (૧ તિમો. ૧:૧૮; ૪:૧૪; ૨ તિમો. ૧:૬) એ જવાબદારી હતી કે તેમણે પાઉલ સાથે પ્રચારકાર્યની મુસાફરીમાં જવાનું હતું. એ માટે તેમણે ઘરથી દૂર જવાનું હતું. અરે સુન્‍નત પણ કરાવવાની હતી, જેથી યહૂદીઓ ઠોકર ન ખાય.—પ્રે.કા. ૧૬:૩.

તિમોથીએ દૂર દૂર સુધી મુસાફરીઓ કરી. તેમણે ફિલિપીમાં પાઉલ અને સિલાસ સાથે પ્રચાર કર્યો, પછી બેરીઆમાં સિલાસ સાથે અને થેસ્સાલોનિકામાં એકલા પ્રચાર કર્યો. તે કોરીંથમાં પાઉલને ફરી મળ્યા ત્યારે, તેમણે થેસ્સાલોનિકાનાં ભાઈ-બહેનો વિશે સારી ખબર આપી. તેમણે જણાવ્યું કે મુશ્કેલીઓ છતાં એ ભાઈ-બહેનોની શ્રદ્ધા અડગ હતી અને તેઓ વચ્ચે સાચો પ્રેમ હતો. (પ્રે.કા. ૧૬:૬–૧૭:૧૪; ૧ થેસ્સા. ૩:૨-૬) પાઉલ એફેસસમાં હતા ત્યારે તેમને કોરીંથ વિશે એવા સમાચાર મળ્યા કે તે હેરાન-પરેશાન થઈ ગયા. એટલે તેમણે તિમોથીને કોરીંથ મોકલવાનું વિચાર્યું. (૧ કોરીં. ૪:૧૭) સમય જતાં, પાઉલે એફેસસથી જ તિમોથી અને એરાસ્તસને મકદોનિયા મોકલ્યા. પણ પાઉલે રોમનોને પત્ર લખ્યો ત્યાં સુધીમાં તો તિમોથી પાઉલ સાથે કોરીંથમાં હતા. (પ્રે.કા. ૧૯:૨૨; રોમ. ૧૬:૨૧) આ તો અમુક જ દાખલા છે, જે બતાવે છે કે તિમોથીએ ખુશખબર માટે દૂર દૂર સુધી મુસાફરી કરી હતી.

એવું લાગે છે કે તિમોથી પોતાના અધિકારનો ઉપયોગ કરતા થોડું અચકાતા હતા. એટલે પાઉલે તેમને ઉત્તેજન આપ્યું: “તું યુવાન છે એ કારણે કોઈ તને મામૂલી ગણી લે, એવું કદી થવા ન દેતો.” (૧ તિમો. ૪:૧૨) પાઉલને પૂરો ભરોસો હતો કે તિમોથી પોતાની જવાબદારી સારી રીતે નિભાવશે. એટલે તેમણે તિમોથીને એવા મંડળમાં મોકલ્યા જ્યાં ઘણી મુશ્કેલીઓ હતી. મોકલતા પહેલાં તેમણે માર્ગદર્શન આપ્યું: “ત્યાંના લોકોને કડક સલાહ આપ, જેથી તેઓ જુદું શિક્ષણ શીખવે નહિ.” (૧ તિમો. ૧:૩) પાઉલે તિમોથીને વડીલો અને સહાયક સેવકો નીમવાનો અધિકાર પણ આપ્યો.—૧ તિમો. ૫:૨૨.

તિમોથીના સારા ગુણોને લીધે તે પાઉલને ખૂબ વહાલા હતા. બાઇબલમાં જણાવ્યું છે કે તિમોથી અને પાઉલનો સંબંધ એક બાપ-દીકરાના સંબંધ જેટલો ગાઢ હતો. તિમોથી પાઉલના દિલની ખૂબ નજીક હતા અને તે હંમેશાં પાઉલને સાથ આપતા હતા. એટલે પાઉલે લખ્યું કે તે તિમોથીનાં આંસુઓ યાદ કરે છે, તેમને જોવા તરસે છે અને રાત-દિવસ તેમના માટે વિનંતીઓ કરે છે. તિમોથીને કદાચ પેટની અમુક તકલીફ હતી, એટલે તે ‘વારંવાર બીમાર’ પડતા હતા. એક પિતાની જેમ પાઉલને તિમોથીની ઘણી ચિંતા હતી, એટલે તેમણે એ વિશે અમુક સલાહ આપી.—૧ તિમો. ૫:૨૩; ૨ તિમો. ૧:૩, ૪.

પાઉલને રોમમાં પહેલી વાર કેદ કરવામાં આવ્યા ત્યારે તિમોથી તેમની સાથે હતા. અમુક સમય માટે તિમોથીને પણ કેદ થઈ. (ફિલે. ૧; હિબ્રૂ. ૧૩:૨૩) જ્યારે પાઉલને અહેસાસ થયો કે હવે તેમની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે તેમણે તિમોથીને લખ્યું: “તું મારી પાસે જલદી આવવાની પૂરી કોશિશ કરજે.” (૨ તિમો. ૪:૬-૯) એનાથી ખબર પડે છે કે પાઉલ અને તિમોથીનો સંબંધ કેટલો ગાઢ હતો. તિમોથી પોતાના વહાલા દોસ્ત અને શિક્ષકને છેલ્લી વાર મળી શક્યા કે નહિ, એ વિશે બાઇબલમાં કંઈ જણાવ્યું નથી.

માર્કને ઈશ્વરની સેવામાં ઘણા લહાવા મળ્યા

માર્કે લખેલી ખુશખબરમાં જણાવ્યું છે કે જ્યારે લોકો ઈસુને પકડવા આવ્યા, ત્યારે તેઓએ ‘એક યુવાનને’ પણ પકડવાનો પ્રયત્ન કર્યો. જોકે તે “ઉઘાડા શરીરે નાસી ગયો.” (માર્ક ૧૪:૫૧, ૫૨) ફક્ત માર્કે જ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. એનો અર્થ થાય કે એ યુવાન બીજું કોઈ નહિ, માર્ક પોતે હતા. બની શકે કે તે ઈસુને ઓળખતા હતા અને અમુક પ્રસંગોએ તેમની સાથે હતા. માર્કને યોહાન માર્ક પણ કહેવામાં આવતા હતા.

એક વૃદ્ધ ભાઈ કંઈક જણાવી રહ્યા છે. માર્ક તેમનું ધ્યાનથી સાંભળી રહ્યા છે અને નોંધ લઈ રહ્યા છે.

ઉપર જણાવેલા બનાવના આશરે ૧૧ વર્ષ પછી, હેરોદ અગ્રીપાએ ખ્રિસ્તીઓની સતાવણી શરૂ કરી. એ સમયગાળામાં મંડળના “અમુક શિષ્યો” પ્રાર્થના કરવા મરિયમ, એટલે કે માર્કની માતાના ઘરે ભેગા મળતા હતા. જ્યારે પ્રેરિત પિતરને એક દૂતે કેદખાનામાંથી છોડાવ્યા, ત્યારે તે સીધા મરિયમના ઘરે ગયા હતા. (પ્રે.કા. ૧૨:૧૨) માર્ક કદાચ આ ઘરમાં જ મોટા થયા હતા, જ્યાં પછીથી સભાઓ રાખવામાં આવતી હતી. એટલે ઈસુના શરૂઆતના શિષ્યોને માર્ક સારી રીતે ઓળખતા હશે. તેઓની સંગતની તેમના પર સારી અસર થઈ હશે.

માર્કે મંડળમાં આગેવાની લેતા ઘણા ભાઈઓ સાથે કામ કર્યું હતું. એવું લાગે છે કે સૌથી પહેલા તેમણે પોતાના ભાઈ બાર્નાબાસ અને પ્રેરિત પાઉલ સાથે સિરિયાના અંત્યોખમાં સેવા આપી. (પ્રે.કા. ૧૨:૨૫) પછી બાર્નાબાસ અને પાઉલ પ્રચારકાર્યની પહેલી મુસાફરીમાં ગયા ત્યારે માર્ક તેઓની સાથે ગયા. પહેલા તેઓ સૈપ્રસ ગયા અને પછી એશિયા માઈનોર ગયા. પણ ત્યાંથી માર્ક યરૂશાલેમ પાછા આવી ગયા. તેમણે કેમ એવું કર્યું એ વિશે બાઇબલમાં કંઈ જણાવ્યું નથી. (પ્રે.કા. ૧૩:૪, ૧૩) માર્કને લીધે બાર્નાબાસ અને પાઉલ વચ્ચે તકરાર થઈ, એ પછી માર્ક અને બાર્નાબાસે સૈપ્રસમાં પ્રચારકાર્યની મુસાફરી ચાલુ રાખી.—પ્રે.કા. ૧૫:૩૬-૩૯.

સાલ ૬૦ કે ૬૧માં માર્કે ફરી એક વાર પાઉલ સાથે મળીને રોમમાં કામ કર્યું, જ્યાં પાઉલ કેદ હતા. એનાથી ખબર પડે છે કે આ બંને ભાઈઓએ ઝઘડો બાજુ પર મૂકીને સુલેહ કરી લીધી હતી. પાઉલે કોલોસે મંડળને લખ્યું: “મારી સાથે કેદમાં છે, એ અરિસ્તાર્ખસ તમને સલામ મોકલે છે. બાર્નાબાસનો સંબંધી માર્ક પણ સલામ મોકલે છે. (તેના વિશે તમને કહેવામાં આવ્યું છે કે તે તમારી પાસે આવે તો, તેનો આવકાર કરજો.)” (કોલો. ૪:૧૦) પાઉલ માર્કને રોમથી કોલોસે મોકલવાનું વિચારી રહ્યા હતા, જેથી તે ત્યાંના મંડળને મદદ કરી શકે.

માર્કે સાલ ૬૨-૬૪ની વચ્ચે પ્રેરિત પિતર સાથે બાબેલોનમાં કામ કર્યું હતું. આપણે આ પુસ્તકના પ્રકરણ ૧૦માં જોઈ ગયા કે તેઓનો સંબંધ ગાઢ થઈ ગયો હતો. પિતરે યુવાન માર્કને ‘મારા દીકરા માર્ક’ કહ્યા હતા.—૧ પિત. ૫:૧૩.

પછી સાલ ૬૫માં પાઉલને બીજી વાર રોમમાં કેદ થઈ. એ સમયે તિમોથી એફેસસમાં હતા. પાઉલે તિમોથીને પત્રમાં લખ્યું: “માર્કને તારી સાથે લેતો આવજે, કેમ કે સેવામાં તે મને મદદરૂપ થશે.” (૨ તિમો. ૪:૧૧) એ સમયે માર્ક પણ એફેસસમાં હતા. પાઉલે તેમને બોલાવ્યા છે એ વાત સાંભળીને માર્ક તરત રોમ જવા નીકળ્યા. એ કારણોને લીધે તે બાર્નાબાસ, પાઉલ અને પિતરને ખૂબ વહાલા હતા.

માર્કને ઈશ્વરની પ્રેરણાથી ખુશખબરનું એક પુસ્તક લખવાનો કીમતી લહાવો મળ્યો હતો. અમુક લોકોનું માનવું છે કે માર્કને મોટા ભાગની માહિતી પિતર પાસેથી મળી હતી. એવું કેમ કહી શકીએ? કેમ કે આ પુસ્તકમાં એવી ઝીણામાં ઝીણી માહિતી છે, જે ફક્ત એવી કોઈ વ્યક્તિ આપી શકે, જેણે એ બનાવો નજરોનજર જોયા હોય, જેમ કે પિતર. પણ માર્કે આ પુસ્તક રોમમાં લખ્યું હતું, તે બાબેલોનમાં પિતર સાથે હતા ત્યારે નહિ. માર્કે ઘણા લૅટિન શબ્દોનો ઉપયોગ કર્યો. એવા ઘણા હિબ્રૂ શબ્દોનું પણ ભાષાંતર કર્યું, જે કદાચ યહૂદી ન હોય એવા લોકો માટે સમજવા અઘરા હતા. એનાથી ખ્યાલ આવે છે કે માર્કે ખાસ કરીને બીજી પ્રજાના લોકોને ધ્યાનમાં રાખીને આ પુસ્તક લખ્યું હતું.

a “માર્કને ઈશ્વરની સેવામાં ઘણા લહાવા મળ્યા” બૉક્સ જુઓ.

b “તિમોથીએ ‘ખુશખબર ફેલાવવા’ સખત મહેનત કરી” બૉક્સ જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો