પ્રકરણ ૧૧
“શિષ્યોનાં મન પવિત્ર શક્તિ અને આનંદથી ઊભરાતાં રહ્યાં”
પાઉલે જે રીતે વિરોધનો સામનો કર્યો એનાથી શું શીખવા મળે છે?
પ્રેરિતોનાં કાર્યો ૧૩:૧-૫૨ના આધારે
૧, ૨. બીજા ભાઈઓ કરતાં બાર્નાબાસ અને શાઉલની જવાબદારી કઈ રીતે અલગ હતી? તેઓએ કઈ રીતે પ્રેરિતોનાં કાર્યો ૧:૮ની ભવિષ્યવાણી પૂરી કરવા મદદ કરી?
અંત્યોખ મંડળ માટે આજે ખુશીનો દિવસ છે. ઘણા પ્રબોધકો અને શિક્ષકો ભેગા મળ્યા છે. તેઓમાંથી બાર્નાબાસ અને શાઉલને પવિત્ર શક્તિ એક ખાસ કામ માટે પસંદ કરે છે. તેઓને દૂર દૂરના વિસ્તારો સુધી ખુશખબર ફેલાવવાની જવાબદારી સોંપવામાં આવે છે.a (પ્રે.કા. ૧૩:૧, ૨) આના પહેલાં અમુક ભાઈઓને એવા વિસ્તારોમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં પહેલેથી અમુક ખ્રિસ્તીઓ હતા. (પ્રે.કા. ૮:૧૪; ૧૧:૨૨) પણ બાર્નાબાસ અને શાઉલને એવા વિસ્તારોમાં મોકલવામાં આવે છે, જ્યાં મોટા ભાગના લોકોને ખુશખબર સાંભળવાની તક મળી ન હતી. એ બંને ભાઈઓ સાથે માર્કને સેવક તરીકે મોકલવામાં આવે છે.
૨ આશરે ૧૪ વર્ષ પહેલાં ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું: “તમે યરૂશાલેમમાં, આખા યહૂદિયા અને સમરૂનમાં અને દુનિયાના દૂર દૂરના વિસ્તારો સુધી મારા સાક્ષી થશો.” (પ્રે.કા. ૧:૮, ફૂટનોટ) હવે બાર્નાબાસ અને શાઉલ દૂર દૂરના વિસ્તારોમાં પ્રચાર કરશે અને ઈસુની એ ભવિષ્યવાણી પૂરી કરવા મદદ કરશે.b
પ્રચારકામ “માટે તેઓને અલગ રાખો” (પ્રે.કા. ૧૩:૧-૧૨)
૩. પ્રેરિતોના જમાનામાં લાંબી મુસાફરી કરવી કેમ અઘરી હતી?
૩ આજે આપણી પાસે વાહનો અને વિમાનની સુવિધા છે. એટલે લાંબી મુસાફરી પણ કલાકોમાં કરી શકીએ છીએ. પણ પ્રેરિતોના જમાનામાં એવું ન હતું. તેઓએ દૂર દૂરની મુસાફરી મોટા ભાગે ચાલીને કરવી પડતી હતી, એ પણ ખાડા-ટેકરાવાળા રસ્તાઓ પર. એક દિવસમાં એક માણસ ત્રીસેક કિલોમીટર ચાલી શકતો હતો. એટલું ચાલીને તો તે થાકીને લોથપોથ થઈ જતો.c બાર્નાબાસ અને શાઉલ માટે પણ એ સહેલું નહિ હોય. તેઓને મળેલી જવાબદારીથી તેઓ બહુ ખુશ હતા, પણ તેઓ જાણતા હતા કે એ માટે ઘણી મહેનત કરવી પડશે, ઘણું જતું કરવું પડશે.—માથ. ૧૬:૨૪.
૪. (ક) બાર્નાબાસ અને શાઉલને કઈ રીતે પસંદ કરવામાં આવ્યા અને એ સમયે બીજા ભાઈઓએ શું કર્યું? (ખ) મંડળના જવાબદાર ભાઈઓને આપણે કઈ રીતે સાથ આપી શકીએ?
૪ કેમ બાર્નાબાસ અને શાઉલને જ એ કામ માટે ‘અલગ રાખવામાં’ આવ્યા હતા? (પ્રે.કા. ૧૩:૨) બાઇબલમાં એનું કોઈ ખાસ કારણ જણાવ્યું નથી. પણ આપણે જાણીએ છીએ કે તેઓને પવિત્ર શક્તિના માર્ગદર્શન દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. અંત્યોખ મંડળના પ્રબોધકો અને શિક્ષકોએ એ માર્ગદર્શન સ્વીકાર્યું અને પૂરો સાથ-સહકાર આપ્યો. તેઓએ ઈર્ષા કર્યા વગર બાર્નાબાસ અને શાઉલ માટે ઉપવાસ કર્યો, પ્રાર્થના કરી, તેમજ તેઓ “પર હાથ મૂક્યા અને તેઓને મોકલ્યા.” (પ્રે.કા. ૧૩:૩) જરા વિચારો, બાર્નાબાસ અને શાઉલને કેટલું સારું લાગ્યું હશે! આજે પણ ભાઈઓને મંડળમાં અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવે છે. તેઓને દેખરેખ રાખનાર તરીકે નીમવામાં આવે છે. એવા ભાઈઓની ઈર્ષા કરવાને બદલે “તેઓનાં કામને લીધે તેઓને પ્રેમથી અનેક ગણો આદર” આપવો જોઈએ. એમ કરીશું તો તેઓને પૂરો સાથ આપી શકીશું.—૧ થેસ્સા. ૫:૧૩.
૫. સૈપ્રસ ટાપુ પર ખુશખબર જણાવવા બાર્નાબાસ અને શાઉલે શું કર્યું?
૫ બાર્નાબાસ અને શાઉલ અંત્યોખથી સલૂકિયા બંદર ચાલીને પહોંચ્યા. ત્યાંથી તેઓ વહાણમાં સૈપ્રસ ટાપુ ગયા, જે આશરે ૨૦૦ કિલોમીટર દૂર હતો.d સૈપ્રસ બાર્નાબાસનું વતન હતું. એટલે ત્યાંના લોકોને ખુશખબર જણાવવા તે અધીરા હશે. પછી બાર્નાબાસ અને શાઉલ ટાપુના પૂર્વ ભાગમાં આવેલા સલામિસ શહેર પહોંચ્યા. તરત જ તેઓ “યહૂદીઓનાં સભાસ્થાનોમાં ઈશ્વરનો સંદેશો જાહેર કરવા લાગ્યા.”e (પ્રે.કા. ૧૩:૫) તેઓ સૈપ્રસ ટાપુના એક છેડાથી બીજા છેડા સુધી ગયા અને રસ્તામાં આવતાં મોટાં મોટાં શહેરોમાં ખુશખબર જણાવી. એવું લાગે છે કે એ ભાઈઓ આશરે ૧૬૦ કિલોમીટર ચાલ્યા હતા!
૬, ૭. (ક) સર્ગિયુસ પાઉલ કોણ હતા? બાર-ઈસુ કેમ ચાહતો હતો કે સર્ગિયુસ પાઉલ સંદેશો ન સ્વીકારે? (ખ) શાઉલે કઈ રીતે બાર-ઈસુને અટકાવ્યો?
૬ પહેલી સદીમાં સૈપ્રસ ટાપુ પર ચારે બાજુ જૂઠી ભક્તિ ફેલાયેલી હતી. બાર્નાબાસ અને શાઉલ પશ્ચિમ તટે આવેલા પાફસ શહેર પહોંચ્યા ત્યારે, તેઓને ખ્યાલ આવ્યો કે ત્યાંના લોકો કેટલી હદે જૂઠી ભક્તિમાં ડૂબેલા હતા. ત્યાં તેઓ બાર-ઈસુને મળ્યા, “જે જાદુગર અને જૂઠો પ્રબોધક હતો. તે માણસ સર્ગિયુસ પાઉલ નામના રાજ્યપાલ સાથે હતો. સર્ગિયુસ એક બુદ્ધિશાળી માણસ હતો.”f એ દિવસોમાં રોમના મોટા મોટા માણસો, અરે સર્ગિયુસ પાઉલ જેવા ‘બુદ્ધિશાળી માણસો’ પણ મહત્ત્વના નિર્ણયો લેવા જાદુગરો કે જ્યોતિષીઓની સલાહ લેતા હતા. પણ સર્ગિયુસ પાઉલને ઈશ્વરના સંદેશામાં રસ પડ્યો અને તે “સંદેશો સાંભળવા ઘણો આતુર હતો.” એ વાત બાર-ઈસુને જરાય ન ગમી. બાર-ઈસુ એલિમાસ તરીકે પણ ઓળખાતો હતો, જેનો અર્થ થાય “જાદુગર.”—પ્રે.કા. ૧૩:૬-૮.
૭ બાર-ઈસુ જાણતો હતો કે જો સર્ગિયુસ પાઉલ સંદેશામાં શ્રદ્ધા મૂકશે, તો તેની સલાહ લેવાનું છોડી દેશે. એટલે તેણે “રાજ્યપાલને શ્રદ્ધામાંથી પાડી નાખવાનો પ્રયત્ન કર્યો.” (પ્રે.કા. ૧૩:૮) એ જોઈને શાઉલ ચૂપચાપ બેસી ન રહ્યા. અહેવાલમાં જણાવ્યું છે: ‘શાઉલ જે પાઉલ પણ કહેવાતા હતા, તે પવિત્ર શક્તિથી ભરપૂર થયા. તેમણે એલિમાસ સામે તાકીને જોયું અને કહ્યું: “ઓ શેતાનની ઓલાદ! દરેક જાતના કપટ અને કાવતરાંથી ભરેલા માણસ, સત્યના દુશ્મન, તું યહોવાના સીધા માર્ગોને વાંકા કરવાનું ક્યારે છોડીશ? જો! યહોવાનો હાથ તારી વિરુદ્ધ છે, તું આંધળો થઈ જઈશ અને થોડા સમય સુધી સૂર્યનો પ્રકાશ જોઈ શકીશ નહિ.” તરત જ, તેના પર ગાઢ ધુમ્મસ અને અંધકાર છવાઈ ગયાં. તેને હાથ પકડીને દોરે એવી કોઈ વ્યક્તિને તે શોધવા લાગ્યો. એ બધું જોઈને રાજ્યપાલે ઈસુમાં શ્રદ્ધા મૂકી, કેમ કે યહોવાના શિક્ષણથી તે ઘણો પ્રભાવિત થયો હતો.’g—પ્રે.કા. ૧૩:૯-૧૨.
આપણે વિરોધીઓથી ડરવાને બદલે પાઉલની જેમ હિંમતથી આપણી શ્રદ્ધાના પક્ષમાં બોલીએ છીએ
૮. આપણે પાઉલની જેમ કઈ રીતે હિંમત બતાવી શકીએ?
૮ આજે પણ ઘણા લોકો સંદેશામાં રસ બતાવે છે અને વિરોધીઓ તેઓને રોકવાની કોશિશ કરે છે. પણ પાઉલ જેમ બાર-ઈસુથી ડર્યા નહિ, તેમ આપણે પણ વિરોધીઓથી ન ડરીએ અને હિંમતથી આપણી શ્રદ્ધાના પક્ષમાં બોલીએ. જોકે, લોકો સાથે વાત કરીએ ત્યારે આપણા ‘શબ્દો માયાળુ’ હોય એનું હંમેશાં ધ્યાન રાખીએ. (કોલો. ૪:૬) લોકો વિરોધ કરે તોપણ, જેઓ યહોવા વિશે શીખવા માંગે છે તેઓ માટે આપણે બનતું બધું કરીએ. બાર-ઈસુની જેમ જૂઠી વાતો શીખવતા ધર્મો ‘યહોવાના સીધા માર્ગોને વાંકા કરે’ છે. એટલે આપણે ડર્યા વગર જૂઠા શિક્ષણને ખુલ્લું પાડીએ. (પ્રે.કા. ૧૩:૧૦) ચાલો, આપણે પાઉલની જેમ હિંમતથી સંદેશો ફેલાવતા રહીએ અને યહોવા વિશે શીખવા માંગતા નેક લોકોને મદદ કરતા રહીએ. યહોવા આજે આપણને ચમત્કાર કરવાની શક્તિ નથી આપતા, જેમ તેમણે પાઉલને આપી હતી. પણ એક વાતની તો ખાતરી રાખી જ શકીએ છીએ કે તે પવિત્ર શક્તિ દ્વારા નમ્ર લોકોને પોતાની પાસે દોરી લાવશે.—યોહા. ૬:૪૪.
‘ઉત્તેજન આપવા કોઈ વાત જણાવો’ (પ્રે.કા. ૧૩:૧૩-૪૩)
૯. મંડળમાં જવાબદારી ઉપાડતા ભાઈઓ પાઉલ અને બાર્નાબાસ પાસેથી શું શીખી શકે?
૯ પછી બાર્નાબાસ, પાઉલ અને માર્કે પાફસ શહેર છોડ્યું. ત્યાંથી તેઓ વહાણમાં આશરે ૨૫૦ કિલોમીટર દૂર પેર્ગા શહેર જવા નીકળ્યા. એ શહેર એશિયા માઈનોરના દરિયા કિનારે હતું. અત્યાર સુધી જ્યારે પણ એ ભાઈઓની વાત થઈ છે, ત્યારે બાર્નાબાસનું નામ સૌથી પહેલા આવ્યું છે, પણ હવે એક ફેરફાર થાય છે. લેખક પ્રેરિતોનાં કાર્યો ૧૩:૧૩માં “પાઉલ અને તેના સાથીઓ” એવા શબ્દો વાપરે છે. એનાથી ખ્યાલ આવે છે કે હવેથી પાઉલ પ્રચારકાર્યમાં આગેવાની લેતા હતા. પણ બાઇબલમાં એવું ક્યાંય જોવા નથી મળતું કે બાર્નાબાસ પાઉલની ઈર્ષા કરવા લાગ્યા. એના બદલે એ બંને ભાઈઓ યહોવાની ઇચ્છા પૂરી કરવા ખભેખભા મિલાવીને કામ કરતા રહ્યા. આજે મંડળમાં જવાબદારી ઉપાડતા ભાઈઓ પાઉલ અને બાર્નાબાસ પાસેથી ઘણું શીખી શકે છે. સાચા ઈશ્વરભક્તો ક્યારેય એકબીજા સાથે હરીફાઈ કરતા નથી. પણ તેઓ ઈસુની આ સલાહ યાદ રાખે છે: “તમે બધા ભાઈઓ છો. . . . જે કોઈ પોતાને ઊંચો કરશે તે નીચો કરાશે અને જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે.”—માથ. ૨૩:૮, ૧૨.
૧૦. પિસીદિયાના અંત્યોખ સુધીની મુસાફરી કેવી હતી?
૧૦ માર્ક પેર્ગા પહોંચીને, પાઉલ અને બાર્નાબાસને છોડીને યરૂશાલેમ પાછા જતા રહ્યા. બાઇબલમાં એ નથી જણાવ્યું કે માર્ક કેમ અચાનક જતા રહ્યા. પણ પાઉલ અને બાર્નાબાસે મુસાફરી ચાલુ રાખી. તેઓ પેર્ગાથી પિસીદિયાના અંત્યોખ શહેર ગયા. એ શહેર ગલાતિયા પ્રાંતમાં હતું. ત્યાંની મુસાફરી જરાય સહેલી ન હતી. કેમ કે પિસીદિયાનું અંત્યોખ દરિયાની સપાટીથી ૧,૧૦૦ મીટર ઊંચે આવેલું હતું. પહાડી રસ્તો હોવાને લીધે ત્યાં પહોંચવું બહુ અઘરું હતું. ચોર-લુટારાઓનો પણ ખતરો હતો. અધૂરામાં પૂરું, એ સમયે પાઉલની તબિયત સારી ન હતી.h
૧૧, ૧૨. લોકોને સંદેશામાં રસ પડે એ માટે પાઉલે સભાસ્થાનમાં શું કર્યું?
૧૧ પિસીદિયાના અંત્યોખમાં પાઉલ અને બાર્નાબાસ સાબ્બાથના દિવસે સભાસ્થાનમાં ગયા. અહેવાલ જણાવે છે: “નિયમશાસ્ત્ર અને પ્રબોધકોનાં લખાણોનું વાંચન પૂરું થયું એ પછી સભાસ્થાનના મુખ્ય અધિકારીએ તેઓને સંદેશો મોકલ્યો: ‘ભાઈઓ, લોકોને ઉત્તેજન આપવા જો તમારી પાસે કોઈ વાત હોય તો જણાવો.’” (પ્રે.કા. ૧૩:૧૫) પછી પાઉલ બોલવા માટે ઊભા થયા.
૧૨ પાઉલે આ રીતે શરૂઆત કરી: “ઓ ઇઝરાયેલીઓ અને ઈશ્વરનો ડર રાખતા બીજી પ્રજાના લોકો, સાંભળો.” (પ્રે.કા. ૧૩:૧૬) એ દિવસે સભાસ્થાનમાં અમુક યહૂદીઓ અને યહૂદી થયેલા લોકો ભેગા થયા હતા. એ લોકોએ હજી સુધી ઈસુને મસીહ તરીકે સ્વીકાર્યા ન હતા. તેઓને સંદેશામાં રસ પડે એ માટે પાઉલે શું કર્યું? સૌથી પહેલા તેમણે થોડા શબ્દોમાં ઇઝરાયેલનો ઇતિહાસ જણાવ્યો. તેમણે સમજાવ્યું કે ઇઝરાયેલીઓ “ઇજિપ્તમાં પરદેશીઓ તરીકે રહેતા હતા ત્યારે, [યહોવાએ] તેઓને મદદ કરી.” તેઓ આઝાદ થયા પછી ૪૦ વર્ષ સુધી ઈશ્વરે “વેરાન પ્રદેશમાં તેઓને સહન કર્યા.” પાઉલે એ પણ સમજાવ્યું કે ઇઝરાયેલીઓએ કઈ રીતે વચનના દેશ પર જીત મેળવી અને કઈ રીતે યહોવાએ “એ દેશ તેઓને વારસામાં આપ્યો.” (પ્રે.કા. ૧૩:૧૭-૧૯) એવું કહેવામાં આવે છે કે સાબ્બાથના દિવસે જે શાસ્ત્રવચનો વાંચવામાં આવ્યા હતા, એ વિશે જ પાઉલે વાત કરી હતી. જો એ સાચું હોય તો એનાથી દેખાઈ આવે છે કે પાઉલ ‘દરેક પ્રકારના લોકો સાથે તેઓના જેવા બન્યા.’—૧ કોરીં. ૯:૨૨.
૧૩. લોકોને સંદેશામાં રસ પડે એ માટે આપણે શું કરી શકીએ?
૧૩ લોકોને સંદેશામાં રસ પડે એ માટે પાઉલની જેમ આપણે શું કરી શકીએ? આપણે એ જાણવાની કોશિશ કરીએ કે વ્યક્તિ કયો ધર્મ પાળે છે, જેથી તેને રસ પડે એવા વિષયો પર વાત કરી શકીએ. વધુમાં, વ્યક્તિને મદદ મળે એવી કોઈ કલમનો વિચાર જણાવી શકીએ. જો આપણે પોતાના બાઇબલમાંથી વ્યક્તિ પાસે એ કલમ વંચાવીશું તો વધારે ફાયદો થઈ શકે છે. લોકોનાં દિલ સુધી સંદેશો પહોંચી શકે એ માટે અલગ અલગ રીતો શોધતા રહીએ.
૧૪. (ક) પાઉલે ઈસુ વિશે જણાવવાનું કઈ રીતે શરૂ કર્યું? તેમણે લોકોને કઈ ચેતવણી આપી? (ખ) પાઉલની વાત સાંભળીને લોકો પર કેવી અસર પડી?
૧૪ સભાસ્થાનમાં પાઉલે સમજાવ્યું કે ઇઝરાયેલી રાજાઓના વંશમાંથી ‘છોડાવનાર, એટલે કે ઈસુ’ આવ્યા અને તેમના આવતા પહેલાં બાપ્તિસ્મા આપનાર યોહાને માર્ગ તૈયાર કર્યો. પછી પાઉલે જણાવ્યું કે ઈસુને મારી નાખવામાં આવ્યા અને તેમને જીવતા કરવામાં આવ્યા. (પ્રે.કા. ૧૩:૨૦-૩૭) પાઉલે આગળ જણાવ્યું, “હું જાહેર કરું છું કે તેમના દ્વારા ઈશ્વર તમારાં પાપો માફ કરશે. . . . શ્રદ્ધા મૂકનાર દરેક માણસને ઈસુ દ્વારા સર્વ વાતોમાં નિર્દોષ ઠરાવવામાં આવે છે.” પછી પાઉલે ત્યાં હાજર રહેલા લોકોને ચેતવણી આપી: “સાવચેત રહો કે પ્રબોધકોનાં લખાણોમાં જણાવેલું તમારા પર આવી ન પડે: ‘ઓ ધિક્કાર કરનારાઓ, જુઓ, આશ્ચર્ય પામો અને નાશ પામો, કેમ કે તમારા દિવસોમાં હું એવું કામ કરું છું, જેના વિશે જો તમને વિગતવાર કહેવામાં આવે, તોપણ તમે કદી નહિ માનો.’” પાઉલે જે કહ્યું એની લોકો પર જોરદાર અસર પડી. “લોકોએ તેઓને આજીજી કરી કે એ વાતો વિશે આવનાર સાબ્બાથે પણ જણાવે,” એટલું જ નહિ, સભાસ્થાનમાંથી છૂટા પડ્યા પછી “યહૂદીઓ અને યહૂદી થયેલા ઘણા ઈશ્વરભક્તો પાઉલ અને બાર્નાબાસની પાછળ ગયા.”—પ્રે.કા. ૧૩:૩૮-૪૩.
“અમે બીજી પ્રજાઓ તરફ ફરીએ છીએ” (પ્રે.કા. ૧૩:૪૪-૫૨)
૧૫. પછીના સાબ્બાથે શું થયું?
૧૫ પછીના સાબ્બાથે પાઉલની વાતો સાંભળવા “લગભગ આખું શહેર ભેગું થયું.” પણ એ જોઈને અમુક યહૂદીઓ ભડકી ઊઠ્યા. ‘તેઓએ પાઉલની વાતોનો વિરોધ કર્યો અને તેમની નિંદા કરવા લાગ્યા.’ પાઉલ અને બાર્નાબાસે હિંમતથી તેઓને કહ્યું: “ઈશ્વરનો સંદેશો તમને પહેલા જણાવવામાં આવે એ જરૂરી હતું. પણ તમે એનો સ્વીકાર કરતા નથી અને પોતાને હંમેશ માટેના જીવનને લાયક ગણતા નથી. એટલે જુઓ, અમે બીજી પ્રજાઓ તરફ ફરીએ છીએ. કેમ કે યહોવાએ અમને આમ કહીને આજ્ઞા કરી છે: ‘મેં તો તને બીજી પ્રજાઓ માટે પ્રકાશ ઠરાવ્યો છે, જેથી ઉદ્ધારનો સંદેશો તું પૃથ્વીના છેડા સુધી જાહેર કરે.’”—પ્રે.કા. ૧૩:૪૪-૪૭; યશા. ૪૯:૬.
“તેઓએ પાઉલ અને બાર્નાબાસની સતાવણી કરાવી . . . શિષ્યોનાં મન પવિત્ર શક્તિ અને આનંદથી ઊભરાતાં રહ્યાં.”—પ્રેરિતોનાં કાર્યો ૧૩:૫૦-૫૨
૧૬. પાઉલ અને બાર્નાબાસની વાત સાંભળીને યહૂદીઓએ શું કર્યું? વિરોધ થયો ત્યારે પાઉલ અને બાર્નાબાસે શું કર્યું?
૧૬ પાઉલ અને બાર્નાબાસની વાત સાંભળીને બીજી પ્રજાના લોકો ખુશ થઈ ગયા અને “જેઓનું દિલ સારું હતું તેઓએ શ્રદ્ધા મૂકી, જેથી હંમેશ માટેનું જીવન મેળવી શકે.” (પ્રે.કા. ૧૩:૪૮) થોડા જ સમયમાં યહોવાનો સંદેશો આખા દેશમાં ફેલાઈ ગયો. પણ યહૂદીઓને એ જરાય ન ગમ્યું. પાઉલ અને બાર્નાબાસે તેઓને કહ્યું હતું કે ઈશ્વરનો સંદેશો તેઓને સૌથી પહેલા જણાવવામાં આવ્યો હતો, પણ તેઓએ મસીહનો સ્વીકાર કર્યો નહિ. એટલે તેઓ ઈશ્વરની સજાને લાયક ઠર્યા હતા. અહેવાલમાં આગળ જણાવ્યું છે કે યહૂદીઓએ શહેરની મોભાદાર સ્ત્રીઓને અને મુખ્ય માણસોને ભડકાવ્યાં. “તેઓએ પાઉલ અને બાર્નાબાસની સતાવણી કરાવી અને તેઓને પોતાના શહેરમાંથી બહાર કાઢી મૂક્યા.” પણ પાઉલ અને બાર્નાબાસે શું કર્યું? તેઓએ એ લોકોની વિરુદ્ધ “પોતાના પગની ધૂળ ખંખેરી નાખી અને ઇકોનિયા જતા રહ્યા.” શું એનો અર્થ એ હતો કે પિસીદિયાના અંત્યોખમાં ખ્રિસ્તી ધર્મનો અંત આવી ગયો? ના, જરાય નહિ! કલમમાં જણાવ્યું છે કે અંત્યોખમાં રહેતા શિષ્યોનાં મન “પવિત્ર શક્તિ અને આનંદથી ઊભરાતાં રહ્યાં.”—પ્રે.કા. ૧૩:૫૦-૫૨.
૧૭-૧૯. પાઉલ અને બાર્નાબાસના દાખલામાંથી શું શીખવા મળે છે? તેઓના દાખલાને અનુસરવાથી કઈ રીતે આનંદ જાળવી શકીશું?
૧૭ એ વફાદાર શિષ્યોએ જે રીતે વિરોધનો સામનો કર્યો, એમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. ભલેને દુનિયાના મોટા મોટા લોકો આપણને રોકવા ધમપછાડા કરે, આપણે પ્રચાર બંધ કરતા નથી. બીજી એક વાત પર પણ ધ્યાન આપો. અંત્યોખના લોકોએ યહોવાનો સંદેશો ન સ્વીકાર્યો ત્યારે પાઉલ અને બાર્નાબાસે “પોતાના પગની ધૂળ ખંખેરી નાખી.” શું તેઓ લોકો પર ગુસ્સે હતા એટલે એવું કર્યું? ના! પણ એ બતાવતું હતું કે પાઉલ અને બાર્નાબાસે યહોવાએ સોંપેલું કામ પૂરું કર્યું હતું અને લોકો પર જે આવી પડવાનું હતું એ માટે તેઓ જવાબદાર ન હતા. એ ભાઈઓ જાણતા હતા કે લોકો ઈસુના શિષ્યો બનવા પગલાં ભરશે કે નહિ ભરે, એ તેઓના હાથમાં ન હતું. પણ પ્રચાર કરતા રહેવું તેઓના હાથમાં હતું અને એ ભાઈઓએ એવું જ કર્યું. તેઓ અંત્યોખ છોડીને ઇકોનિયા જતા રહ્યા અને ત્યાં ખુશખબર ફેલાવતા રહ્યા.
૧૮ પણ અંત્યોખના શિષ્યો વિશે શું? હવે પાઉલ અને બાર્નાબાસ તેઓની સાથે ન હતા. વધુમાં, તેઓ એવા લોકોની વચ્ચે રહેતા હતા જેઓ પ્રચારકાર્યનો વિરોધ કરતા હતા. જો તેઓએ એના પર ધ્યાન આપ્યું હોત કે કેટલા લોકો તેઓનો સંદેશો સાંભળે છે, તો કદાચ નિરાશ થઈ ગયા હોત. પણ ઈસુએ કહ્યું હતું: “સુખી છે તેઓ, જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાળે છે!” (લૂક ૧૧:૨૮) શિષ્યોએ એવું જ કર્યું. તેઓ ઈસુના કહ્યા પ્રમાણે પ્રચાર કરતા રહ્યા. આમ તેઓ પોતાનો આનંદ જાળવી શક્યા.
૧૯ આપણે પાઉલ અને બાર્નાબાસની જેમ હંમેશાં યાદ રાખીએ કે આપણું કામ ખુશખબર ફેલાવવાનું છે. લોકો ખુશખબર સાંભળશે કે નહિ, એ તેઓ પર છે. જ્યારે લોકો આપણું ન સાંભળે, ત્યારે આપણે પહેલી સદીના શિષ્યોના દાખલાને અનુસરીએ. આપણે બાઇબલના સત્યને અનમોલ ગણીએ, એની કદર કરતા રહીએ અને ઈશ્વરની પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલતા રહીએ. એમ કરીશું તો વિરોધ છતાં આપણો આનંદ જાળવી શકીશું.—ગલા. ૫:૧૮, ૨૨.
a “બાર્નાબાસ—‘દિલાસાનો દીકરો’” બૉક્સ જુઓ.
b એ સમય સુધીમાં અમુક દૂરના વિસ્તારોમાં નવાં મંડળો શરૂ થઈ ગયાં હતાં, જેમ કે સિરિયાના અંત્યોખમાં આવેલું મંડળ. એ યરૂશાલેમથી આશરે ૫૫૦ કિલોમીટર ઉત્તરે આવેલું હતું.
c “પ્રેરિતોના દિવસોમાં રસ્તાઓ કેવા હતા?” બૉક્સ જુઓ.
d પહેલાંના સમયમાં જો હવાની દિશા બરાબર હોય તો વહાણ એક દિવસમાં લગભગ ૧૬૦ કિલોમીટરનું અંતર કાપી શકતું હતું. પણ જો હવામાન ખરાબ હોય તો વધારે સમય લાગતો.
e “યહૂદીઓનાં સભાસ્થાન” બૉક્સ જુઓ.
f સૈપ્રસમાં રોમન સરકારનું રાજ હતું. તેઓએ ત્યાં એક રાજ્યપાલ નીમ્યો હતો.
g એ બનાવ પછી શાઉલ, પાઉલ નામથી ઓળખાવા લાગ્યા. અમુક લોકોનું કહેવું છે કે શાઉલે સર્ગિયુસ પાઉલના માનમાં એ રોમન નામ અપનાવ્યું હતું. પણ એ સાચું નથી. કેમ કે, સૈપ્રસ છોડ્યા પછી પણ પાઉલ એ નામ વાપરતા રહ્યા. એ નામ વાપરવાના બે કારણો હોય શકે. પહેલું, તેમને ‘બીજી પ્રજાઓ માટે પ્રેરિત’ પસંદ કરવામાં આવ્યા હતા. બીજું, શાઉલ નામનો હિબ્રૂ ભાષામાં જે ઉચ્ચાર થતો હતો, એ ઉચ્ચારનો ગ્રીક ભાષામાં ખોટો અર્થ નીકળતો હતો.—રોમ. ૧૧:૧૩.