પાઠ ૯૮
ઘણા દેશોમાં ઈસુનો સંદેશો ફેલાયો
ઈસુએ પ્રેરિતોને આજ્ઞા આપી હતી કે તેઓ આખી દુનિયામાં ખુશખબર જણાવે. પ્રેરિતોએ ઈસુનું કહ્યું માન્યું. સાલ ૪૭માં અંત્યોખના ભાઈઓએ પાઉલ અને બાર્નાબાસને પ્રચારકાર્યની મુસાફરી માટે મોકલ્યા. એટલે કે, તેઓએ અલગ અલગ જગ્યાએ જઈને ખુશખબર જણાવવાની હતી. તેઓને પ્રચાર માટે ખૂબ ઉત્સાહ હતો. તેઓએ એશિયા માઈનોરના અલગ અલગ વિસ્તારમાં પ્રચાર કર્યો, જેમ કે દર્બે, લુસ્ત્રા અને ઇકોનિયામાં.
પાઉલ અને બાર્નાબાસે દરેકને પ્રચાર કર્યો, પછી ભલે તેઓ અમીર હોય કે ગરીબ, યુવાન હોય કે વૃદ્ધ. ઘણા લોકોએ ઈસુ વિશેની ખુશખબરનો સ્વીકાર કર્યો. જ્યારે પાઉલ અને બાર્નાબાસ સૈપ્રસના રાજ્યપાલ સર્ગિયુસને પ્રચાર કરતા હતા, ત્યારે એક જાદુગરે તેઓને રોકવાની કોશિશ કરી. પાઉલે જાદુગરને કહ્યું: ‘યહોવા તને સજા કરશે.’ એ જ ઘડીએ જાદુગર આંધળો થઈ ગયો. એ જોઈને રાજ્યપાલ સર્ગિયુસ ઈસુના શિષ્ય બન્યા.
પાઉલ અને બાર્નાબાસે દરેક જગ્યાએ પ્રચાર કર્યો. તેઓએ ઘરે ઘરે, બજારોમાં, રસ્તાઓ પર અને સભાસ્થાનોમાં પ્રચાર કર્યો. તેઓએ લુસ્ત્રામાં એક અપંગ માણસને સાજો કર્યો. એ ચમત્કાર જોનારાઓને લાગ્યું કે પાઉલ અને બાર્નાબાસ દેવો છે. તેઓએ પાઉલ અને બાર્નાબાસની પૂજા કરવાની કોશિશ કરી. પણ પાઉલ અને બાર્નાબાસે તેઓને રોકતા કહ્યું: ‘ફક્ત ઈશ્વરની ભક્તિ કરો! અમે તો બસ માણસો છીએ.’ એવામાં અમુક યહૂદીઓ આવ્યા અને તેઓએ લોકોને પાઉલ વિરુદ્ધ ભડકાવ્યા. લોકોએ પાઉલને પથ્થરોથી માર્યા. લોકોને લાગ્યું પાઉલ મરી ગયા છે એટલે ઘસડીને શહેરની બહાર લઈ ગયા. પણ પાઉલ તો જીવતા હતા! ત્યાંના ભાઈઓ તરત પાઉલની મદદે દોડી આવ્યા અને તેમને શહેરમાં પાછા લઈ ગયા. થોડા સમય પછી પાઉલ અંત્યોખ પાછા ગયા.
સાલ ૪૯માં પાઉલ પ્રચારકાર્યની બીજી મુસાફરીમાં ગયા. સૌથી પહેલા તે એશિયા માઈનોરના ભાઈઓને ફરી મળવા ગયા. એ પછી તેમણે યુરોપના દૂર દૂરના વિસ્તારોમાં ખુશખબર જણાવી. તે એફેસસ, ફિલિપી, એથેન્સ, થેસ્સાલોનિકા અને બીજી જગ્યાઓએ પણ ગયા. એ મુસાફરીમાં પાઉલ સાથે સિલાસ, લૂક અને એક યુવાન ભાઈ તિમોથી પણ હતા. તેઓએ સાથે મળીને અલગ અલગ જગ્યાઓએ મંડળો શરૂ કર્યા અને તેઓની શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરી. પાઉલે દોઢ વર્ષ કોરીંથમાં રહીને ત્યાંના ભાઈઓની શ્રદ્ધા મજબૂત કરી. તેમણે લોકોને પ્રચાર કર્યો, શીખવ્યું અને મંડળોને પત્રો પણ લખ્યા. તે તંબુ બનાવવાનું કામ પણ કરતા હતા. થોડો સમય ત્યાં રોકાઈને પાઉલ અંત્યોખ પાછા ગયા.
બાવનની સાલમાં પાઉલ પ્રચારકાર્યની ત્રીજી મુસાફરીમાં ગયા. તેમણે એ મુસાફરી એશિયા માઈનોરથી શરૂ કરી. તે લાંબી મુસાફરી કરીને ઉત્તરમાં ફિલિપી ગયા અને પછી નીચે દક્ષિણમાં કોરીંથ ગયા. પાઉલે એફેસસમાં ઘણાં વર્ષો વિતાવ્યાં. તેમણે ત્યાંના લોકોને શીખવ્યું, બીમારોને સાજા કર્યા અને મંડળને મજબૂત કર્યું. તે એક શાળાના સભાખંડમાં દરરોજ પ્રવચન આપતા. ઘણા લોકોએ તેમના પ્રવચન સાંભળીને પોતાના જીવનમાં ફેરફાર કર્યા. આમ, ઘણા દેશોમાં પ્રચાર કર્યા પછી, છેવટે પાઉલ યરૂશાલેમ પાછા ગયા.
“એ માટે જાઓ, બધા દેશના લોકોને શિષ્યો બનાવો.”—માથ્થી ૨૮:૧૯