વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 એપ્રિલ પાન ૨૬-૩૧
  • યુવાન ભાઈઓ, માર્ક અને તિમોથીના પગલે ચાલો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યુવાન ભાઈઓ, માર્ક અને તિમોથીના પગલે ચાલો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • માર્કની જેમ સેવા કરવા તૈયાર રહો
  • તિમોથીની જેમ બીજાઓની દિલથી સંભાળ રાખો
  • પાઉલની સલાહમાંથી તમે ઘણું શીખી શકો છો
  • બીજાઓની સેવા કરવાથી આશીર્વાદો મળે છે
  • તેઓએ “મંડળોને ઉત્તેજન આપ્યું”
    ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
  • ભાઈઓ—શું તમે સહાયક સેવક બનવાનો ધ્યેય રાખ્યો છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • શું મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે મને યહોવા પર ભરોસો છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • યહોવા “જીવતા ઈશ્વર” છે એ યાદ રાખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 એપ્રિલ પાન ૨૬-૩૧

અભ્યાસ લેખ ૧૮

ગીત ૪૫ આગળ ચાલો

યુવાન ભાઈઓ, માર્ક અને તિમોથીના પગલે ચાલો

“માર્કને તારી સાથે લેતો આવજે, કેમ કે સેવામાં તે મને મદદરૂપ થશે.”—૨ તિમો. ૪:૧૧.

આપણે શું શીખીશું?

માર્ક અને તિમોથીના દાખલામાંથી યુવાન ભાઈઓ શીખી શકશે કે યહોવા અને ભાઈ-બહેનોની સેવામાં વધારે કરવા કયા ગુણો કેળવવાની જરૂર છે.

૧-૨. યહોવાની સેવામાં વધારે કરવા માર્ક અને તિમોથીને કઈ વાત રોકી શકી હોત?

યુવાન ભાઈઓ, શું તમે યહોવાની સેવામાં વધારે કરવા માંગો છો? શું તમે મંડળનાં ભાઈ-બહેનોને વધારે મદદ કરવા માંગો છો? ચોક્કસ એમ કરવાની તમારી ઇચ્છા હશે. અમને એ જોઈને ઘણી ખુશી થાય છે કે ઘણા યુવાન ભાઈઓ બીજાઓને મદદ કરવા રાજીખુશીથી આગળ આવે છે. (ગીત. ૧૧૦:૩) પણ તમારા માટે કદાચ એમ કરવું સહેલું ન હોય. તમારી સામે અમુક પડકારો હોય. જેમ કે, તમે પ્રચારમાં વધારે કરતા અચકાતા હો, કેમ કે તમને ડર હોય કે કોઈ નવી જગ્યાએ જવાનું થાય તો શું થશે. તમે કોઈ સોંપણી સ્વીકારતા પીછેહઠ કરતા હો, કેમ કે તમને લાગતું હોય કે એ સોંપણી સારી રીતે પૂરી નહિ કરી શકો. જો એમ હોય તો તમે એકલા નથી.

૨ માર્ક અને તિમોથીએ પણ એવા જ પડકારોનો સામનો કર્યો હતો. તેઓ જાણતા ન હતા કે નવી જગ્યાએ જીવન કેવું હશે. કદાચ તેઓને લાગ્યું હશે કે તેઓ નવી સોંપણી સારી રીતે પૂરી નહિ કરી શકે. એ પડકારો છતાં તેઓએ યહોવાની સેવામાં વધારે કરવાનું નક્કી કર્યું. એવું લાગે છે કે જ્યારે પ્રેરિત પાઉલે અને બાર્નાબાસે પ્રચારકાર્યની પહેલી મુસાફરી દરમિયાન માર્કને પોતાની સાથે આવવા કહ્યું, ત્યારે તે પોતાની મા સાથે આરામદાયક ઘરમાં રહેતા હતા. (પ્રે.કા. ૧૨:૧૨, ૧૩, ૨૫) યહોવાની સેવામાં વધારે કરવા માર્કે પોતાનું ઘર છોડ્યું. પહેલા તે અંત્યોખ ગયા. પછી તેમણે પાઉલ અને બાર્નાબાસ સાથે દૂર દૂર મુસાફરી કરી. (પ્રે.કા. ૧૩:૧-૫) એવી જ રીતે, પાઉલે તિમોથીને પોતાની સાથે પ્રચારકામમાં જવા કહ્યું ત્યારે તે કદાચ પોતાનાં માતા-પિતા સાથે રહેતા હતા. તિમોથી યુવાન હતા અને તેમની પાસે ખાસ કોઈ અનુભવ ન હતો. એટલે તેમને લાગ્યું હોય શકે કે પાઉલ સાથે જવા તે યોગ્ય નથી. (૧ કોરીંથીઓ ૧૬:૧૦, ૧૧ અને ૧ તિમોથી ૪:૧૨ સરખાવો.) જોકે તે પાઉલ સાથે જવા રાજી થઈ ગયા. પરિણામે, યહોવાએ તેમને ઘણા આશીર્વાદો આપ્યા.—પ્રે.કા. ૧૬:૩-૫.

૩. (ક) કઈ રીતે ખબર પડે છે કે પાઉલને માર્ક અને તિમોથી ખૂબ વહાલા હતા? (૨ તિમોથી ૪:૬, ૯, ૧૧) (ચિત્રો પણ જુઓ.) (ખ) આ લેખમાં કયા સવાલોની ચર્ચા કરીશું?

૩ માર્ક અને તિમોથી યુવાનીથી જ મંડળની ભારે જવાબદારીઓ ઉપાડવાનું શીખ્યા. પાઉલને એ બંને ભાઈઓ ખૂબ વહાલા હતા. એટલે જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે બહુ જલદી તેમનું મરણ થવાનું છે, ત્યારે તેમણે એ ભાઈઓને પોતાની પાસે બોલાવ્યા. (૨ તિમોથી ૪:૬, ૯, ૧૧ વાંચો.) માર્ક અને તિમોથીના કયા ગુણોને લીધે તેઓ પાઉલને ખૂબ વહાલા હતા? યુવાન ભાઈઓ કઈ રીતે માર્ક અને તિમોથી જેવા બની શકે? પાઉલે એક પિતાની જેમ આપેલી પ્રેમાળ સલાહથી યુવાન ભાઈઓ શું શીખી શકે?

ચિત્રો: ૧. માર્ક પાઉલ અને બાર્નાબાસ માટે ખાવા-પીવાની તૈયારી કરે છે. ૨. તિમોથી વડીલો આગળ પત્ર વાંચે છે અને બધા વડીલો ધ્યાનથી એ સાંભળે છે.

પાઉલને માર્ક અને તિમોથી ખૂબ જ વહાલા હતા, કેમ કે તેઓએ યુવાનીથી જ મોટી મોટી જવાબદારીઓ ઉપાડી હતી (ફકરો ૩ જુઓ)b


માર્કની જેમ સેવા કરવા તૈયાર રહો

૪-૫. માર્કે કઈ રીતે બતાવી આપ્યું કે તે બીજાઓની સેવા કરવા હંમેશાં તૈયાર હતા?

૪ બીજાઓની સેવા કરવાનો અર્થ થાય, તેઓને મદદ કરવા સખત મહેનત કરવી અને અઘરું લાગે તોપણ મદદ કરતા રહેવું. એ બાબતમાં માર્કે જોરદાર દાખલો બેસાડ્યો છે. પાઉલે પ્રચારકાર્યની બીજી મુસાફરીમાં માર્કને સાથે લઈ જવાની ના પાડી. એ સાંભળીને માર્કને દુઃખ લાગ્યું હશે અને તે ઉદાસ થઈ ગયા હશે. (પ્રે.કા. ૧૫:૩૭, ૩૮) પણ શું એના લીધે તેમણે ભાઈ-બહેનોની સેવા કરવાનું છોડી દીધું? ના, જરાય નહિ.

૫ માર્ક પોતાના પિતરાઈ ભાઈ બાર્નાબાસ સાથે બીજા વિસ્તારમાં સેવા આપવા ગયા. આશરે ૧૧ વર્ષ પછી જ્યારે પાઉલ રોમમાં પહેલી વાર કેદ હતા, ત્યારે માર્કે તેમને ઘણી મદદ કરી. (ફિલે. ૨૩, ૨૪) પાઉલને માર્કના સાથથી એટલી મદદ મળી કે તેમણે લખ્યું: માર્કે “મને ઘણો દિલાસો આપ્યો છે.”—કોલો. ૪:૧૦, ૧૧.

૬. અનુભવી ભાઈઓ સાથે સમય વિતાવવાથી માર્કને કયો ફાયદો થયો? (ફૂટનોટ જુઓ.)

૬ માર્કને અનુભવી અને વફાદાર ભાઈઓ સાથે સમય વિતાવવાથી ઘણો ફાયદો થયો. રોમમાં પાઉલ સાથે થોડો સમય વિતાવ્યા પછી તે પ્રેરિત પિતર સાથે કામ કરવા બાબેલોન ગયા. તેઓ વચ્ચેનો સંબંધ એટલો ગાઢ થઈ ગયો કે પિતરે માર્કને “મારો દીકરો” કહ્યો. (૧ પિત. ૫:૧૩) એવું લાગે છે કે સાથે કામ કરતી વખતે પિતરે માર્કને ઈસુના જીવન અને સેવાકાર્ય વિશે ઘણી વાતો જણાવી હશે. પછીથી માર્કે એ વાતો ખુશખબરનાં પુસ્તકમાં લખી લીધી, જે આજે તેમના નામથી ઓળખાય છે.a

૭. સ્યુંગ-વૂ નામના ભાઈ કઈ રીતે માર્કના પગલે ચાલ્યા? (ચિત્ર પણ જુઓ.)

૭ માર્ક યહોવાની સેવામાં વ્યસ્ત રહ્યા અને વફાદાર ભાઈઓની નજીક રહ્યા. તમે કઈ રીતે માર્કના પગલે ચાલી શકો? કદાચ તમે યહોવાની સેવામાં વધારે કરવા માંગો છો, કદાચ સહાયક સેવક કે વડીલ બનવા માંગો છો. પણ હજી સુધી એ લહાવો તમને મળ્યો નથી. જો એમ હોય તો નિરાશ ન થશો. એને બદલે વિચારો કે તમે યહોવા અને મંડળનાં ભાઈ-બહેનોની બીજી કઈ રીતોએ સેવા કરી શકો છો. સ્યુંગ-વૂ નામના ભાઈનો દાખલો લો, જે આજે વડીલ તરીકે સેવા આપે છે. તે યુવાન હતા ત્યારે પોતાની સરખામણી બીજા યુવાન ભાઈઓ સાથે કરતા. એમાંના અમુક ભાઈઓને તેમના કરતાં પહેલા મંડળની જવાબદારીઓ મળી હતી. સ્યુંગ-વૂને લાગતું કે કોઈ તેમના પર ધ્યાન નથી આપતું. સમય જતાં, તેમણે વડીલોને પોતાની લાગણીઓ જણાવી. એક વડીલે તેમને સરસ સલાહ આપી કે બીજાઓના ધ્યાનમાં આવે કે ન આવે, તે ભાઈ-બહેનોની સેવા કરવા પોતાનાથી થાય એટલું કરતા રહે. સ્યુંગ-વૂએ તેમની સલાહ લાગુ પાડી. તે મંડળનાં વૃદ્ધ અને બીજાં ભાઈ-બહેનોને સભાઓમાં આવવા-જવા મદદ કરવા લાગ્યા. એ જૂના દિવસોને યાદ કરતા તે કહે છે: “હું શીખ્યો કે બીજાઓની સેવા કરવાનો ખરો અર્થ શું થાય. બીજાઓને મદદ કરવાથી જે ખુશી મળે છે, એનો મેં પોતે અનુભવ કર્યો.”

યુવાન ભાઈ એક ઉંમરવાળા ભાઈને પોતાની ગાડીમાં બેસાડીને મંડળની સભામાં લાવે છે.

યુવાન ભાઈઓએ કેમ અનુભવી અને વફાદાર ભાઈઓ સાથે સમય વિતાવવો જોઈએ? (ફકરો ૭ જુઓ)


તિમોથીની જેમ બીજાઓની દિલથી સંભાળ રાખો

૮. પાઉલે કેમ તિમોથીને પોતાની સાથે લઈ જવા પસંદ કર્યા? (ફિલિપીઓ ૨:૧૯-૨૨)

૮ પાઉલને મુસાફરીમાં પોતાની પડખે બહાદુર ભાઈઓની જરૂર હતી, કેમ કે તે હવે એવાં શહેરોમાં પાછા જવાના હતા, જ્યાં તેમની સતાવણી થઈ હતી. તેમણે પોતાની સાથે આવવા સૌથી પહેલા સિલાસને પસંદ કર્યા. તે ઘણાં વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હતા. (પ્રે.કા. ૧૫:૨૨, ૪૦) પછીથી તેમણે તિમોથીને પસંદ કર્યા. પાઉલ કેમ ચાહતા હતા કે તિમોથી તેમની સાથે આવે? એનું એક કારણ હતું કે તિમોથીની શાખ સારી હતી. (પ્રે.કા. ૧૬:૧, ૨) વધુમાં, તે દિલથી લોકોની સંભાળ રાખતા હતા.—ફિલિપીઓ ૨:૧૯-૨૨ વાંચો.

૯. તિમોથીએ કઈ રીતે બતાવ્યું કે તે ભાઈ-બહેનોની દિલથી સંભાળ રાખતા હતા?

૯ તિમોથીએ પાઉલ સાથે પ્રચારની શરૂઆત કરી ત્યારથી જ બતાવ્યું કે તે પોતાના કરતાં બીજાઓની વધારે સંભાળ રાખતા હતા. એટલે જ્યારે પાઉલે બેરીઆ છોડ્યું ત્યારે તિમોથીને ત્યાં જ રહેવા દીધા. તેમને ખાતરી હતી કે તિમોથી એ ભાઈ-બહેનોની ખૂબ સારી રીતે સંભાળ રાખશે, જેઓ હાલમાં જ ખ્રિસ્તના શિષ્યો બન્યા હતા. (પ્રે.કા. ૧૭:૧૩, ૧૪) એ વખતે સિલાસ પણ ત્યાં હતા. તેમના દાખલામાંથી તિમોથીને ચોક્કસ ઘણું શીખવા મળ્યું હશે. જોકે પછીથી પાઉલે તિમોથીને થેસ્સાલોનિકા મોકલ્યા, જેથી ત્યાંનાં ભાઈ-બહેનોની શ્રદ્ધા મક્કમ કરી શકે. પણ આ વખતે તે એકલા હતા. (૧ થેસ્સા. ૩:૨) પછીનાં ૧૫ વર્ષો દરમિયાન, તિમોથીનો ભાઈ-બહેનો માટેનો પ્રેમ એટલો ગાઢ થયો કે અમુક વાર તે તેઓની સાથે ‘રડ્યા’ પણ ખરા. (રોમ. ૧૨:૧૫; ૨ તિમો. ૧:૪) યુવાન ભાઈઓ, તમે કઈ રીતે તિમોથીના પગલે ચાલી શકો?

૧૦. વૂ-જે નામના ભાઈ કઈ રીતે બીજાઓમાં રસ લેવાનું શીખ્યા?

૧૦ વૂ-જે નામના ભાઈ બીજાઓમાં રસ લેવાનું શીખ્યા. તે યુવાન હતા ત્યારે તેમને મોટી ઉંમરનાં ભાઈ-બહેનો સાથે વાત કરવી બહુ અઘરું લાગતું હતું. એટલે તે સભામાં બસ તેઓને “કેમ છો?” કહેતા અને વધારે વાત ન કરતા. એક વડીલે તેમને વાતચીત શરૂ કરવા માટે સરસ સૂચન આપ્યું. તેમણે કહ્યું કે તે ભાઈ-બહેનોને જણાવે કે તેમને તેઓની કઈ વાત ગમે છે. તેમણે એમ પણ કહ્યું કે ભાઈ-બહેનોને કયા વિષયો પર વાત કરવી ગમશે એનો વિચાર કરે. વૂ-જેએ વડીલની એ સલાહ પાળી. વૂ-જે આજે એક વડીલ છે. તે કહે છે: “હવે હું સહેલાઈથી બધી ઉંમરના લોકો સાથે વાતચીત કરી શકું છું. હું ખુશ છું કે હું ભાઈ-બહેનોના સંજોગો સારી રીતે જાણું છું. એટલે હું તેઓને સારી રીતે મદદ કરી શકું છું.”

૧૧. યુવાન ભાઈઓ કઈ રીતે મંડળમાં બધાની દિલથી સંભાળ રાખવાનું શીખી શકે? (ચિત્ર પણ જુઓ.)

૧૧ યુવાન ભાઈઓ, તમે પણ બીજાઓમાં રસ લેવાનું અને તેઓની સંભાળ રાખવાનું શીખી શકો છો. સભાઓમાં જાઓ ત્યારે બધી ઉંમરનાં અને બધા સમાજનાં ભાઈ-બહેનો સાથે વાત કરો. તેઓના હાલચાલ પૂછો અને પછી તેઓનું ધ્યાનથી સાંભળો. સમય જતાં, તમે સમજી શકશો કે તેઓને કઈ રીતે મદદ કરી શકો. કદાચ તમને જાણવા મળે કે મોટી ઉંમરનાં કોઈ પતિ-પત્નીને JW લાઇબ્રેરી એપ વાપરવા મદદની જરૂર છે. અથવા તેઓએ પ્રચારમાં જવું છે, પણ કોઈના સાથની જરૂર છે. શું તમે તેઓને ફોન કે ટેબ્લેટ વાપરવાનું શીખવી શકો? શું તમે તેઓ સાથે પ્રચારમાં જઈ શકો? જો તમે મદદ કરવા પહેલ કરશો, તો મંડળમાં બીજાં ભાઈ-બહેનો માટે સારો દાખલો બેસાડશો.

એક યુવાન ભાઈ એક ઉંમરવાળા ભાઈ સાથે ઘર ઘરનો પ્રચાર કરી રહ્યા છે. ઉંમરવાળા ભાઈ એક માણસ સાથે વાત કરી રહ્યા છે અને યુવાન ભાઈએ વીડિયો બતાવવા માટે ટેબ્લેટ હાથમાં પકડ્યું છે.

યુવાન ભાઈઓ ઘણી અલગ અલગ રીતે મંડળને મદદ કરી શકે છે (ફકરો ૧૧ જુઓ)


પાઉલની સલાહમાંથી તમે ઘણું શીખી શકો છો

૧૨. પાઉલે તિમોથીને આપેલી સલાહમાંથી યુવાન ભાઈઓ કઈ રીતે શીખી શકે?

૧૨ પાઉલે એક પિતાની જેમ તિમોથીને અમુક જોરદાર સલાહ આપી, જેથી તે પોતાના જીવનમાં ખુશ રહી શકે અને યહોવાની સેવામાં પોતાનો જીવ રેડી શકે. (૧ તિમો. ૧:૧૮; ૨ તિમો. ૪:૫) યુવાન ભાઈઓ, તમે પણ પાઉલની સલાહમાંથી ઘણું શીખી શકો છો. કઈ રીતે? પાઉલે તિમોથીને લખેલા બે પત્રોને એ રીતે વાંચો, જાણે તેમણે તમને લખ્યા હોય. વાંચતી વખતે ધ્યાન આપો કે તમે કઈ સલાહ જીવનમાં લાગુ પાડી શકો. ચાલો અમુક દાખલા જોઈએ.

૧૩. ઈશ્વરની ભક્તિમાં શાનો સમાવેશ થાય છે?

૧૩ “ઈશ્વરની ભક્તિને તારું લક્ષ બનાવીને પોતાને તાલીમ આપતો રહેજે.” (૧ તિમો. ૪:૭ખ) ઈશ્વરની ભક્તિમાં શાનો સમાવેશ થાય છે? એમાં યહોવાને વફાદાર રહેવાનો અને તે ખુશ થાય એવાં કામો કરવાની ઇચ્છા હોવાનો સમાવેશ થાય છે. ખરું કે, આપણામાં જન્મથી જ ઈશ્વરની ભક્તિ કરવાની ઇચ્છા નથી હોતી, એટલે એ કેળવવી પડે છે. જે ગ્રીક શબ્દનું ભાષાંતર ‘પોતાને તાલીમ આપજે’ કરવામાં આવ્યું છે, એ ઘણી વાર સ્પર્ધાની તૈયારી કરતા ખેલાડીઓની તાલીમને બતાવતો હતો. એ ખેલાડીઓએ સારી આદતો કેળવવા અને સ્પર્ધા જીતવા પોતાને તાલીમ આપવાની હતી. આપણે પણ પોતાને તાલીમ આપવાની જરૂર છે, જેથી એવી આદતો કેળવી શકીએ જે આપણને યહોવાની વધારે નજીક લઈ જાય.

૧૪. બાઇબલ વાંચવાનો આપણો ધ્યેય કયો હોવો જોઈએ? દાખલો આપીને સમજાવો.

૧૪ દરરોજ બાઇબલ વાંચવાની ટેવ હોવી સારી વાત છે. પણ યાદ રાખવું જોઈએ કે બાઇબલ વાંચવાનો આપણો ધ્યેય કયો છે. આપણે યહોવાની વધારે નજીક જવા માંગીએ છીએ. ચાલો જોઈએ કે ઈસુએ એક ધનવાન શાસક સાથે જે રીતે વાત કરી, એમાંથી યહોવા વિશે શું શીખવા મળે છે. (માર્ક ૧૦:૧૭-૨૨) એ યુવાન માનતો હતો કે ઈસુ જ મસીહ છે. પણ તેનામાં એટલી શ્રદ્ધા ન હતી કે તે ઈસુનો શિષ્ય બને. તોપણ ઈસુએ તેની સાથે પ્રેમથી વાત કરી. શું એ વાત તમારાં દિલને સ્પર્શી જતી નથી? ઈસુ ચાહતા હતા કે એ યુવાન સારો નિર્ણય લે. ઈસુને તેના માટે વહાલ ઊભરાઈ આવ્યું હતું. એનાથી દેખાઈ આવે છે કે યહોવાને પણ એ યુવાન માટે એવું જ લાગતું હતું. (યોહા. ૧૪:૯) આ અહેવાલનો અને તમારા સંજોગોનો વિચાર કરો ત્યારે પોતાને પૂછો: ‘યહોવાની વધારે નજીક જવા અને બીજાઓની સેવામાં પોતાને ખર્ચી નાખવા મારે શું કરવાની જરૂર છે?’

૧૫. યુવાન ભાઈઓએ કેમ બીજાઓ માટે સારો દાખલો બેસાડવો જોઈએ? સમજાવો. (૧ તિમોથી ૪:૧૨, ૧૩)

૧૫ “વફાદાર લોકો માટે સારો દાખલો બેસાડજે.” (૧ તિમોથી ૪:૧૨, ૧૩ વાંચો.) પાઉલે તિમોથીને અરજ કરી કે તે વાંચવાની અને શીખવવાની કળા વિકસાવે. પણ એની સાથે સાથે તે પ્રેમ અને શ્રદ્ધા જેવા ગુણો કેળવે તેમજ શુદ્ધ ચારિત્ર રાખે. શા માટે? શબ્દો કરતાં કામોની વધારે અસર થાય છે. ધારો કે તમારે સભામાં એક પ્રવચન આપવાનું છે અને પ્રચાર માટે ભાઈ-બહેનોનો ઉત્સાહ વધારવાનો છે. જો તમે પોતે પ્રચારમાં પૂરા ઉત્સાહથી ભાગ લેતા હશો, તો એ વિશે વાત કરતા તમારી જીભ નહિ થોથવાય. યાદ રાખજો, તમારા શબ્દો કરતાં તમારા દાખલાનું વધારે વજન પડશે.—૧ તિમો. ૩:૧૩.

૧૬. (ક) યુવાન ભાઈઓ કયા પાંચ મુદ્દામાં સારો દાખલો બેસાડી શકે? (ખ) “બોલવામાં” સારો દાખલો બેસાડવા એક યુવાન ભાઈ શું કરી શકે?

૧૬ પહેલો તિમોથી ૪:૧૨માં પાઉલે પાંચ મુદ્દા જણાવ્યા છે, જેનાથી એક યુવાન ભાઈને સારો દાખલો બેસાડવા મદદ મળી શકે છે. સારું રહેશે કે તમે સમય કાઢીને એકેએક મુદ્દાનો ઊંડો અભ્યાસ કરો. ધારો કે તમે “બોલવામાં” સારો દાખલો બેસાડવા માંગો છો. વિચાર કરો કે તમે કઈ અલગ અલગ રીતોએ તમારા શબ્દોથી બીજાઓને ઉત્તેજન આપી શકો. તમારાં મમ્મી-પપ્પા તમારા માટે ઘણું કરે છે. શું તમે તેઓનો આભાર માની શકો? શું સભા પછી કોઈને જણાવી શકો કે તેમના ભાગમાંથી તમને શું ગમ્યું? તમે કદાચ સભાઓમાં પોતાના શબ્દોમાં જવાબ આપવાની પણ કોશિશ કરી શકો. બોલવામાં સારો દાખલો બેસાડવા તમે જે મહેનત કરો છો, એનાથી દેખાઈ આવશે કે તમે યહોવાની ભક્તિમાં પ્રગતિ કરી રહ્યા છો.—૧ તિમો. ૪:૧૫.

૧૭. યહોવાની ભક્તિમાં રાખેલા ધ્યેયો પૂરા કરવા યુવાન ભાઈઓને શાનાથી મદદ મળશે? (૨ તિમોથી ૨:૨૨)

૧૭ ‘યુવાનીમાં જાગતી ઇચ્છાઓથી નાસી જજે, પણ સત્ય મેળવવા [અથવા, જે ખરું છે એ કરવા] ખૂબ પ્રયત્ન કરજે.’ (૨ તિમોથી ૨:૨૨ વાંચો.) પાઉલે તિમોથીને અરજ કરી કે તે એવી ઇચ્છાઓ સામે લડે, જેના લીધે યહોવાની ભક્તિથી તેમનું ધ્યાન ફંટાઈ શકે અને યહોવા સાથેનો તેમનો સંબંધ નબળો પડી શકે. કદાચ તમને ખ્યાલ આવે કે અમુક આદતો તમારો ઘણો સમય ખાઈ જાય છે અને એના લીધે યહોવાની ભક્તિમાં વધારે કરવા સમય મળતો નથી. દાખલા તરીકે, વિચાર કરો કે રમતો રમવામાં, ઇન્ટરનેટ પર કંઈક જોવામાં કે વીડિયો ગેમ રમવામાં તમારો કેટલો સમય જાય છે. શું તમે એમાંથી થોડો સમય કાઢીને યહોવા અને બીજાઓ માટે કંઈક કરી શકો? કદાચ તમે તમારા પ્રાર્થનાઘરની સાફ-સફાઈમાં કે સમારકામમાં મદદ કરી શકો અથવા ટ્રૉલી દ્વારા પ્રચાર કરવામાં ભાગ લઈ શકો. એવાં કામોમાં લાગુ રહેવાથી તમે નવા મિત્રો બનાવી શકશો, જેઓ તમને યહોવાની ભક્તિમાં ધ્યેયો રાખવા અને એ પૂરા કરવા મદદ કરશે.

બીજાઓની સેવા કરવાથી આશીર્વાદો મળે છે

૧૮. માર્ક અને તિમોથીને કયા આશીર્વાદો મળ્યા?

૧૮ માર્ક અને તિમોથીએ બીજાઓની સેવામાં વધારે કરવા ઘણું બધું જતું કર્યું. એમ કરવાથી તેઓને ઘણા આશીર્વાદો મળ્યા અને સાચી ખુશી મળી. (પ્રે.કા. ૨૦:૩૫) પોતાનાં ભાઈ-બહેનોને મદદ કરવા માર્કે દૂર દૂર સુધી મુસાફરી કરી. તેમણે ઈસુના જીવન અને સેવાકાર્ય વિશે જોરદાર અહેવાલ પણ લખ્યો. તિમોથીએ પાઉલને નવાં નવાં મંડળો શરૂ કરવા અને ભાઈ-બહેનોની શ્રદ્ધા વધારવા મદદ કરી. માર્ક અને તિમોથીએ જે કંઈ જતું કર્યું, એ યહોવાની નજર બહાર ન હતું. તેમને એનાથી બહુ જ ખુશી મળી!

૧૯. યુવાન ભાઈઓએ કેમ પાઉલની સલાહ પર ધ્યાન આપવું જોઈએ અને એનું કયું પરિણામ આવશે?

૧૯ પાઉલે યહોવાની પ્રેરણાથી તિમોથીને જે પત્રો લખ્યા હતા, એનાથી સ્પષ્ટ જોવા મળે છે કે તે પોતાના યુવાન મિત્ર તિમોથીને કેટલો બધો પ્રેમ કરતા હતા. એનાથી એ પણ જોઈ શકાય છે કે યહોવા યુવાન ભાઈઓને કેટલો બધો પ્રેમ કરે છે. તે ચાહે છે કે તમને તેમની સેવામાં જોરદાર અનુભવો થાય. એટલે પાઉલની સલાહને દિલમાં ઉતારો અને બીજાઓની સેવા કરવાની ઇચ્છા હજી વધારો. જો એમ કરશો, તો હમણાં તમે ખુશ રહી શકશો અને ભાવિમાં મળનાર “ખરા જીવન પર મજબૂત પકડ મેળવી” શકશો.—૧ તિમો. ૬:૧૮, ૧૯.

તમે શું કહેશો?

  • માર્કના દાખલામાંથી તમે શું શીખ્યા?

  • બીજાઓની દિલથી સંભાળ રાખવા તમે કઈ રીતે તિમોથીના પગલે ચાલી શકો?

  • યુવાન ભાઈઓને યહોવાની ભક્તિમાં પ્રગતિ કરવા પાઉલે આપેલી કઈ સલાહથી મદદ મળી શકે?

ગીત ૧ યહોવાના ગુણો

a પિતર ખૂલીને પોતાની લાગણીઓ જાહેર કરતા. એટલે તે બહુ સહેલાઈથી માર્કને જણાવી શક્યા હશે કે અમુક પ્રસંગોએ ઈસુને કેવું લાગ્યું હતું અને તેમણે શું કર્યું હતું. એ પણ એક કારણ હોય શકે કે માર્કે કેમ પોતાનાં લખાણોમાં વારંવાર ઈસુની લાગણીઓ અને તેમનાં કામો વિશે જણાવ્યું.—માર્ક ૩:૫; ૭:૩૪; ૮:૧૨.

b ચિત્રની સમજ: માર્ક પ્રચારકાર્યની મુસાફરી દરમિયાન પાઉલ અને બાર્નાબાસની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. તિમોથી રાજીખુશીથી મંડળની મુલાકાત લે છે, જેથી ભાઈ-બહેનોની શ્રદ્ધા વધારી શકે અને તેઓને ઉત્તેજન આપી શકે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો