પાઠ ૧૦૨
યોહાનને દર્શન બતાવવામાં આવ્યાં
પ્રેરિત યોહાન પાત્મસ ટાપુ પર કેદ હતા. એ વખતે ઈસુએ તેમને એક પછી એક ૧૬ દર્શન બતાવ્યાં. દર્શન, એટલે કે એવાં દૃશ્યો જે બતાવે કે ભાવિમાં શું થવાનું છે. એ દર્શનોમાં બતાવ્યું છે કે યહોવાનું નામ કઈ રીતે પવિત્ર મનાવવામાં આવશે. એટલું જ નહિ, એ પણ બતાવ્યું છે કે યહોવાનું રાજ્ય કઈ રીતે આવશે અને પૃથ્વી પર તેમની ઇચ્છા કઈ રીતે પૂરી થશે, જેમ સ્વર્ગમાં પૂરી થઈ રહી છે.
એક દર્શનમાં યોહાને જોયું કે સ્વર્ગમાં યહોવા પોતાના ભવ્ય રાજ્યાસન પર બેઠા છે. તેમની ચારે બાજુ ૨૪ વડીલો છે. તેઓએ સફેદ કપડાં પહેર્યાં છે અને તેઓનાં માથાં પર સોનાના મુગટ છે. તેમના રાજ્યાસનમાંથી વીજળીઓ ઝબૂકી રહી છે અને ગર્જનાનો અવાજ સંભળાય છે. ૨૪ વડીલો યહોવા આગળ નમીને તેમની ભક્તિ કરે છે. બીજા એક દર્શનમાં યોહાન એક મોટા ટોળાને યહોવાની ભક્તિ કરતા જુએ છે. એ ટોળું દરેક દેશ, જાતિ અને અલગ અલગ ભાષા બોલતા લોકોમાંથી આવ્યું છે. ઈસુને ઘેટું પણ કહેવામાં આવ્યા છે. તે ટોળાની સંભાળ રાખે છે અને તેઓને જીવનના પાણી પાસે લઈ જાય છે. બીજા એક દર્શનમાં યોહાને જોયું કે ઈસુ સ્વર્ગમાં રાજા બન્યા છે અને ૨૪ વડીલો સાથે મળીને રાજ કરે છે. એ પછીના દર્શનમાં યોહાને જોયું કે અજગર, એટલે કે શેતાન અને તેના દુષ્ટ દૂતો સામે ઈસુ લડે છે. ઈસુ તેઓને સ્વર્ગમાંથી પૃથ્વી પર ફેંકી દે છે.
પછી યોહાને એક સુંદર દૃશ્ય જોયું, જેમાં ઘેટું અને ૧,૪૪,૦૦૦ સિયોન પહાડ પર ઊભા છે. તેમણે એ પણ જોયું કે એક દૂત પૃથ્વીની ચારે બાજુ ઊડી રહ્યો છે અને લોકોને કહી રહ્યો છે કે ઈશ્વરનો ડર રાખો અને તેમને મહિમા આપો.
એ પછીના દર્શનમાં યોહાને આર્માગેદનનું યુદ્ધ જોયું. એ યુદ્ધમાં ઈસુ અને તેમની સેના શેતાનની ખરાબ દુનિયાને હરાવી દે છે. છેલ્લા દર્શનમાં યોહાને જોયું કે સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે એકતા છે. શેતાન અને તેના વંશનો પૂરેપૂરો સફાયો કરવામાં આવે છે. સ્વર્ગમાં અને પૃથ્વી પર રહેતા બધા લોકો યહોવાનું નામ પવિત્ર મનાવે છે અને ફક્ત તેમની ભક્તિ કરે છે.
“હું તારી અને સ્ત્રીની વચ્ચે દુશ્મની કરાવીશ. તારા વંશજ અને તેના વંશજની વચ્ચે પણ દુશ્મની કરાવીશ. તે તારું માથું કચડી નાખશે અને તું તેની એડીએ ડંખ મારશે.”—ઉત્પત્તિ ૩:૧૫