વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w00 ૧/૧ પાન ૬-૧૧
  • ચોકીદાર સાથે સેવા કરવી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ચોકીદાર સાથે સેવા કરવી
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • બાબેલોન—જૂઠા ધર્મોનું મૂળ
  • સાક્ષીઓનું રાષ્ટ્ર
  • સાવધ રહેતો “ચોકીદાર”
  • ધીમે ધીમે થતો સુધારો
  • “બાબેલ પડ્યું છે!”
    યશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
  • ‘મેં તને ચોકીદાર ઠરાવ્યો છે’
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
w00 ૧/૧ પાન ૬-૧૧

ચોકીદાર સાથે સેવા કરવી

“હે પ્રભુ, હું દિવસે નિરંતર પહેરાના બુરજ ઉપર ઊભો રહું છું, ને આખી રાત પણ મને મારી ચોકી પર ઊભો રાખવામાં આવે છે.”—યશાયાહ ૨૧:૮.

યહોવાહ હેતુઓના દેવ છે. તેમનો હેતુ પોતાનું નામ પવિત્ર કરવાનો અને પારાદેશ પૃથ્વી પર મહિમાવંત રાજ્ય સ્થાપવાનો છે. તેમના હેતુને શેતાન, ડેવિલ બનનાર બંડખોર દૂત અટકાવી શકતો નથી. (માત્થી ૬:૯, ૧૦) એ રાજ્યમાં, માણસજાત સાચે જ આશીર્વાદિત હશે. દેવ ‘સદાને માટે મરણ રદ કરશે; અને પ્રભુ યહોવાહ સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે.’ સુખી, સંગઠિત માનવીઓ શાંતિ અને સફળતાનો હંમેશા આનંદ માણશે. (યશાયાહ ૨૫:૮; ૬૫:૧૭-૨૫) યહોવાહ પોતે આ મહાન વચનોના સાક્ષી છે!

૨ તેમ છતાં, મહાન ઉત્પન્‍નકર્તાની સાક્ષી મનુષ્યો પણ આપે છે. ખ્રિસ્તી સમય અગાઉ, હાબેલથી “સાક્ષીઓની વાદળાંરૂપ ભીડ” શરૂ થઈ, તથા અનેક જોખમો હોવા છતાં, તેઓ ધીરજથી જીવનની દોડ દોડ્યા. તેઓના સુંદર અનુભવો આજના વફાદાર ખ્રિસ્તીઓને ઉત્તેજન આપે છે. હિંમતવાન સાક્ષી તરીકે સૌથી ઉત્તમ ઉદાહરણ ઈસુ ખ્રિસ્તનું છે. (હેબ્રી ૧૧:૧-૧૨:૨) દાખલા તરીકે, પંતિયસ પીલાત સમક્ષ તેમણે આપેલી છેલ્લી સાક્ષીને યાદ કરો. ઈસુએ કહ્યું: “એજ માટે હું જનમ્યો છું, અને એજ માટે હું જગતમાં આવ્યો છું, કે સત્ય વિષે હું સાક્ષી આપું.” (યોહાન ૧૮:૩૭) ઉત્સાહી ખ્રિસ્તીઓ ૩૩ સી.ઈ.થી માંડીને ૨૦૦૦ સી.ઈ. સુધી, ઈસુના ઉદાહરણને અનુસરી રહ્યા છે. આમ, તેઓ હિંમતથી “દેવના મોટાં કામો” જાહેર કરીને, સાક્ષી આપવાનું ચાલુ રાખે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૧૧.

બાબેલોન—જૂઠા ધર્મોનું મૂળ

૩ હજારો વર્ષોથી મહાન શત્રુ શેતાન, કપટી રીતે દેવના લોકોની સાક્ષીને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ‘જૂઠાના બાપ’ તરીકે, આ ‘મોટો અજગર, જૂનો સર્પ’ “આખા જગતને ભમાવે છે.” ખાસ કરીને આ છેલ્લા દિવસોમાં, “જેઓ દેવની આજ્ઞા પાળે છે,” તેઓ સાથે તે કઠોરતાથી લડી રહ્યો છે.—યોહાન ૮:૪૪; પ્રકટીકરણ ૧૨:૯, ૧૭.

૪ કંઈક ૪૦૦૦ વર્ષ પહેલાં, નુહના દિવસના જળપ્રલય પછી શેતાન નિમ્રોદને “યહોવાહની આગળ બળવાન શિકારી” તરીકે ઊભો કરે છે. (ઉત્પત્તિ ૧૦:૯, ૧૦) નિમ્રોદનું મહાન શહેર, બાબેલોન (બાબેલ) શેતાની ધર્મોનું કેન્દ્ર બન્યું. બાબેલમાં બુરજ બાંધનારાઓની ભાષા યહોવાહે ગૂંચવી નાખી ત્યારે, લોકો પૃથ્વી પર વિખેરાઈ ગયા અને પોતાના જૂઠા ધર્મોને પણ સાથે લઈ ગયા. આમ, બાબેલોનમાંથી જૂઠા ધર્મોની શરૂઆત થઈ, જેને પ્રકટીકરણમાં મહાન બાબેલોન કહેવામાં આવ્યું છે. એ પુસ્તક આ પ્રાચીન ધાર્મિક વ્યવસ્થાના અંતિમ ફેંસલા વિષે ભાખે છે.—પ્રકટીકરણ ૧૭:૫; ૧૮:૨૧.

સાક્ષીઓનું રાષ્ટ્ર

૫ નિમ્રોદ પછી લગભગ ૫૦૦ વર્ષે, યહોવાહે પૃથ્વી પર પોતાના સાક્ષી તરીકે વફાદાર ઈબ્રાહીમનાં સંતાનોને ઈસ્રાએલના રાષ્ટ્રમાં ભેગા કર્યા. (યશાયાહ ૪૩:૧૦, ૧૨) એ રાષ્ટ્રના ઘણા લોકોએ વફાદારીથી યહોવાહની સેવા કરી. છતાં, સમય જતાં, આજુબાજુનાં રાષ્ટ્રોની જૂઠી માન્યતાઓએ ઈસ્રાએલમાં સડો લગાડ્યો, અને યહોવાહના કરારના લોકો તેમના બદલે, જૂઠા દેવોની ઉપાસના કરવા લાગ્યા. તેથી, બાબેલોનના લશ્કરે, નિમ્રોદની આગેવાની હેઠળ ૬૦૭ બી.સી.ઈ.માં યરૂશાલેમ અને એના મંદિરનો વિનાશ કર્યો. તેમ જ, મોટા ભાગના યહુદીઓને બંદીવાન બનાવીને બાબેલોન લઈ ગયા.

૬ એ જીતને કારણે જૂઠા ધર્મો ફૂલ્યા નહિ સમાતા હોય! છતાં, બાબેલોનની સત્તા લાંબુ ટકી નહિ. એ બનાવ બન્યો એના ૨૦૦ વર્ષ અગાઉ, યહોવાહે આજ્ઞા કરી હતી: “ચાલ, ચોકીદારને ઊભો રાખ; તે જે કંઈ જુએ તેની તે ખબર આપે.” આ ચોકીદાર શું જુએ છે? “બાબેલ પડ્યું છે, પડ્યું છે; તેના દેવોની સર્વ કોરેલી મૂર્તિઓને તેણે ભાંગી નાખીને જમીનદોસ્ત કરી છે.” (યશાયાહ ૨૧:૬, ૯) આમ, ૫૩૯ બી.સી.ઈ.માં એ ભવિષ્યવાણી સો ટકા સાચી પડી. મહાન બાબેલોન પડ્યું, અને દેવના કરારના લોકો જલદી જ પોતાના દેશમાં પાછા ફરી શક્યા.

૭ પાછા ફરેલા યહુદીઓએ મૂર્તિપૂજા અને પિશાચવાદ છોડ્યા, કેમ કે હવે તેઓને બરાબર ખબર પડી કે એની કેવી ખરાબ અસર પડે છે. છતાં, સમય જતાં તેઓ પાછા ફસાયા. કેટલાક ગ્રીક ફિલસૂફીના ફાંદામાં પડ્યા. બીજાઓ દેવના શબ્દ કરતાં માણસે રચેલી માન્યતાને વધુ મહત્ત્વ આપવા લાગ્યા. વળી, બીજાઓ રાષ્ટ્રવાદથી ભોળવાઈ ગયા. (માર્ક ૭:૧૩; પ્રેરિતોનાં કૃત્યો ૫:૩૭) ઈસુનો જન્મ થયો ત્યાં સુધીમાં તો, તેઓ ફરીથી શુદ્ધ ઉપાસનાની વિરુદ્ધ જતા રહ્યા હતા. ઈસુએ જાહેર કરેલા સુસમાચાર અમુક યહુદીઓએ સ્વીકાર્યા, પણ મોટા ભાગના યહુદીઓએ ઈસુને નકાર્યા. તેથી, દેવે તેઓનો નકાર કર્યો. (યોહાન ૧:૯-૧૨; પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૬) હવે, ઈસ્રાએલ દેવનું સાક્ષી રહ્યું ન હતું, અને ૭૦ સી.ઈ.માં યરૂશાલેમ અને એના મંદિરનો ફરીથી વિનાશ કરવામાં આવ્યો. આ વખતે એ વિનાશ રોમન લશ્કરે કર્યો.—માત્થી ૨૧:૪૩.

૮ એ દરમિયાન, ‘દેવના ઈસ્રાએલનો’ જન્મ થયો, જે હવે લોકોમાં દેવના સાક્ષી તરીકે કાર્ય કરે છે. (ગલાતી ૬:૧૬) પરંતુ, જલદી જ, શેતાને આ નવા, આત્મિક રાષ્ટ્રને ભ્રષ્ટ કરવાની યોજના ઘડી. પ્રથમ સદીના અંત સુધીમાં, મંડળોમાં ભાગલા પડવા માંડ્યા. (પ્રકટીકરણ ૨:૬, ૧૪, ૨૦) તેથી જ, પાઊલની ચેતવણી સમયસરની હતી: “સાવધાન રહો, રખેને ફિલસુફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહિ, પણ માણસોના સંપ્રદાય પ્રમાણે ને જગતનાં તત્ત્વો પ્રમાણે છે, તેથી કોઈ તમને ફસાવે.”—કોલોસી ૨:૮.

૯ છેવટે, ગ્રીક ફિલસૂફી, બાબેલોનના ધાર્મિક વિચારો અને પછીથી ઉત્ક્રાંતિવાદ જેવા માનવ “ડહાપણ” તથા બાઇબલના ટીકાકારોએ, ખ્રિસ્તી કહેવાતા ઘણાને ભ્રષ્ટ કર્યા. પાઊલે અગાઉ કહ્યું હતું એમ જ બન્યું: “હું જાણું છું કે મારા ગયા પછી ટોળા પર દયા નહિ રાખે એવા ક્રુર વરૂઓ તમારામાં દાખલ થશે; અને તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે, અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે અવળી વાતો બોલશે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯, ૩૦) આ ધર્મત્યાગના પરિણામે, ખ્રિસ્તીરાષ્ટ્ર ઊભું થયું.

૧૦ ખરેખર, સાચી ઉપાસનાને વળગી રહેનારાઓએ ‘જે વિશ્વાસ સંતોને એક જ વાર આપવામાં આવ્યો હતો, તેની ખાતર ખંતથી યત્ન કરવો’ પડ્યો. (યહુદા ૩) શું સાચી ઉપાસના અને યહોવાહ દેવની સાક્ષી પૃથ્વી પર બંધ થઈ જશે? ના, બંડખોર શેતાન અને તેનાં બધાં કામોનો નાશ કરવાનો સમય આવ્યો તેમ, એ સાબિત થયું કે બધા લોકો કંઈ ધર્મત્યાગી ખ્રિસ્તીરાષ્ટ્રથી અસર પામ્યા ન હતા. પ્રમાણિક બાઇબલ વિદ્યાર્થીઓનું એક જૂથ, ૧૯મી સદીને અંતે યુ.એસ.એ., પેન્સીલ્વેનિયા, પિટ્‌સબર્ગમાં ભેગું થયું, જે આજે દેવના સાક્ષીઓનું મૂળ સંગઠન બન્યું છે. આ ખ્રિસ્તીઓએ જગતનો અંત નજીકમાં છે, એના શાસ્ત્ર આધારિત પુરાવાઓ પર ધ્યાન દોર્યું. બાઇબલે ભાખ્યું હતું એમ જ, ૧૯૧૪માં પ્રથમ વિશ્વયુદ્ધથી આ જગતના “અંતની” શરૂઆત થઈ. (માત્થી ૨૪:૩, ૭) એ વર્ષ પછી, શેતાન અને તેનાં ભૂતોને આકાશમાંથી હાંકી કાઢવામાં આવ્યા એનો દૃઢ પુરાવો છે. મુશ્કેલીભરી આ વીસમી સદી શેતાનનાં કાર્યોનો સ્પષ્ટ પુરાવો આપે છે. તેમ જ, એ આકાશી રાજ્યસત્તામાં ઈસુની હાજરીની નિશાની પણ પરિપૂર્ણ કરે છે.—માત્થી ૨૪ અને ૨૫મા અધ્યાયો; માર્ક ૧૩મો અધ્યાય; લુક ૨૧મો અધ્યાય; પ્રકટીકરણ ૧૨:૧૦, ૧૨.

૧૧ જૂન ૧૯૧૮માં, કેટલાક દેશોમાં પ્રચાર કરતા, એ બાઇબલ વિદ્યાર્થીઓનો નાશ કરવા શેતાને બધા જ પ્રયત્નો કર્યા. તેણે તેઓના કાયદેસરના જૂથ, વૉચ ટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટીનો પણ નાશ કરવાનો પ્રયાસ કર્યો. સોસાયટીના જવાબદાર ભાઈઓને કેદ કરવામાં આવ્યા, અને પ્રથમ સદીમાં ઈસુની જેમ, તેઓ પર જૂઠા આરોપો મૂકવામાં આવ્યા. (લુક ૨૩:૨) પરંતુ ૧૯૧૯માં, આ ભાઈઓને છોડી મૂકવામાં આવ્યા, અને તેઓ પ્રચારકાર્ય ચાલુ રાખી શક્યા. પછી, તેઓને પૂરેપૂરા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.

સાવધ રહેતો “ચોકીદાર”

૧૨ તેથી, ‘અંતનો સમય’ શરૂ થયો ત્યારે, યહોવાહે બનાવો પર નજર રાખવા ફરીથી ચોકીદાર ઊભો કર્યો. જેથી, દેવના હેતુઓ પૂરા થવા સંબંધી બનાવો વિષે લોકોને સાવધ કરવામાં આવે. (દાનીયેલ ૧૨:૪; ૨ તીમોથી ૩:૧) આજે પણ અભિષિક્ત ખ્રિસ્તીઓ, દેવના ઈસ્રાએલનો બનેલો, એ ચોકીદાર વર્ગ યશાયાહે ભાખેલા ચોકીદારના વર્ણન પ્રમાણે જ કામ કરી રહ્યો છે: “ખૂબ ધ્યાન રાખી તે કાન દઈને સાંભળે. પછી તેણે સિંહની પેઠે પોકાર્યું, કે હે પ્રભુ, હું દિવસે નિરંતર પહેરાના બુરજ ઉપર ઊભો રહું છું, ને આખી રાત પણ મને મારી ચોકી પર ઊભો રાખવામાં આવે છે.” (યશાયાહ ૨૧:૭, ૮) આ ચોકીદાર પોતાનું કાર્ય જવાબદારીથી કરે છે!

૧૩ આ ચોકીદારે શું જોયું? ફરીથી, યહોવાહના ચોકીદાર, તેમના સાક્ષી પોકારી ઊઠે છે: “બાબેલ પડ્યું છે, પડ્યું છે; તેના દેવોની સર્વ કોરેલી મૂર્તિઓને તેણે [યહોવાહે] ભાંગી નાખીને જમીનદોસ્ત કરી છે.” (યશાયાહ ૨૧:૯) આ વખતે, પ્રથમ વિશ્વયુદ્ધ પછી જૂઠા ધર્મોનું જગત સામ્રાજ્ય, મહાન બાબેલોન એની પ્રભાવશાળી સત્તા ગુમાવી બેઠું. (યિર્મેયાહ ૫૦:૧-૩; પ્રકટીકરણ ૧૪:૮) શું એમાં કંઈ નવાઈ છે કે, એ સમયનું મહાન યુદ્ધ ખ્રિસ્તીરાષ્ટ્રમાં શરૂ થયું! એમાં બંને બાજુના પાદરીઓ યુવાનોને યુદ્ધમાં જવા ઉશ્કેરીને બળતામાં ઘી રેડતા હતા. કેટલું શરમજનક! જોકે, મહાન બાબેલોન, આજે યહોવાહના સાક્ષીઓ તરીકે ઓળખાતા બાઇબલ વિદ્યાર્થીઓને, ક્રિયાશીલ થતા રોકી શક્યું નહિ. તેઓએ ૧૯૧૯માં જગતવ્યાપી સાક્ષીકાર્યની ઝુંબેશ ઉપાડી, જે હજુ પણ ચાલુ છે. (માત્થી ૨૪:૧૪) એનાથી મહાન બાબેલોનની પડતી શરૂ થઈ, જેમ છઠ્ઠી સદી બી.સી.ઈ.માં ઈસ્રાએલની મુક્તિ પ્રાચીન બાબેલોનના પતનનું ચિહ્‍ન હતું.

૧૪ ચોકીદારે હંમેશાં પોતાનું કાર્ય ઉત્સાહથી, અને જે સત્ય છે, એ જ પ્રમાણે કરવાની તીવ્ર ઇચ્છાથી કર્યું છે. જુલાઈ ૧૮૭૯માં, બાઇબલ વિદ્યાર્થીઓએ આ સામયિક શરૂ કર્યું જે સિયોનનું ચોકીબુરજ અને ખ્રિસ્તની હાજરીની જાહેરાત (અંગ્રેજી) તરીકે ઓળખાતું હતું. વર્ષ ૧૮૭૯થી ડિસેમ્બર ૧૫, ૧૯૩૮ સુધી દરેક અંકના પ્રથમ પાન પર આ શબ્દો હતા “‘ચોકીદાર, રાત કેટલી ગઈ?’—યશાયાહ ૨૧:૧૧.”a વફાદારીથી ચોકીબુરજ ૧૨૦ વર્ષોથી જગતના બનાવો અને એના પ્રબોધકીય મહત્ત્વ વિષે સાવધ છે. (૨ તીમોથી ૩:૧-૫, ૧૩) દેવનો ચોકીદાર વર્ગ અને તેઓના સાથી “બીજાં ઘેટાં” આ સામયિકનો પૂરેપૂરો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ ઉત્સાહથી માણસજાતને જાહેર કરે છે કે, ખ્રિસ્તના રાજ્ય દ્વારા યહોવાહની સર્વોપરિતા દોષમુક્ત કરવાનો સમય એકદમ નજીક છે. (યોહાન ૧૦:૧૬) શું આ સામયિકની સાક્ષીને યહોવાહે આશીર્વાદ આપ્યો છે? હા, (અંગ્રેજી) ચોકીબુરજના ૧૮૭૯માંના પ્રથમ અંકની ૬,૦૦૦ પ્રતો વધીને આજે જગતમાં ૧૩૨ ભાષાઓમાં ૨,૨૦,૦૦,૦૦૦ થઈ છે, જેમાંની ૧૨૧ એક સાથે પ્રકાશિત કરવામાં આવે છે. ખરેખર, એ કેટલું યોગ્ય છે કે, પૃથ્વી પર સૌથી વધુ વિતરણ થનારું ધાર્મિક સામયિક સાચા દેવ, યહોવાહના નામને મહિમા આપે!

ધીમે ધીમે થતો સુધારો

૧૫ ખ્રિસ્તે ૧૯૧૪માં આકાશમાં રાજ કરવાનું શરૂ કર્યું. લગભગ એ ૪૦ વર્ષોમાં, બાઇબલ વિદ્યાર્થીઓએ ઘણો સુધારો કર્યો. તેઓને ખ્રિસ્તીરાષ્ટ્રે બાઇબલથી અલગ ઘણા સિદ્ધાંતો શીખવ્યા હતા, જેવા કે શિશુનું બાપ્તિસ્મા, માનવ જીવનું અમરપણું, શોધનાગ્‍નિ, નર્કાગ્‍નિની રિબામણી, અને ત્રૈક્ય. તેઓએ એમાંથી છુટકારો મેળવ્યો. પરંતુ બધા ખોટા વિચારોમાં સુધારો કરવામાં સમય લાગ્યો. દાખલા તરીકે, ૧૯૨૦ પછી ઘણા બાઇબલ વિદ્યાર્થીઓ કોટ કે જાકીટ પર ક્રોસ અને મુગટના પ્રતીકવાળી પિન પહેરતા અને નાતાલ તથા બીજા વિધર્મી તહેવારો ઉજવતા હતા. છતાં, શુદ્ધ ઉપાસના કરવા માટે બધા જ પ્રકારની મૂર્તિપૂજાનો ત્યાગ કરવો જોઈએ. ફક્ત દેવનું પવિત્ર બાઇબલ ખ્રિસ્તીઓના વિશ્વાસનો પાયો અને જીવન માર્ગ હોવું જોઈએ. (યશાયાહ ૮:૧૯, ૨૦; રૂમી ૧૫:૪) બાઇબલમાં કંઈ પણ ઉમેરવું કે એમાંથી કાઢી નાખવું એ યોગ્ય બાબત નથી.—પુનર્નિયમ ૪:૨; પ્રકટીકરણ ૨૨:૧૮, ૧૯.

૧૬ એ કેટલું મહત્ત્વનું છે એના પર ભાર મૂકતા એક ઉદાહરણનો વિચાર કરો. સી. ટી. રસેલે ૧૮૮૬માં ધ ડિવાઈન પ્લાન ઑફ એજીસ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું. આ ગ્રંથમાં માણસજાતના આયુષ્યને મિસરના મહાન પિરામિડ સાથે સાંકળતો નકશો આપવામાં આવ્યો હતો. એમ માનવામાં આવતું હતું કે, ફેરો કુફુના સ્મારક ચિહ્‍નનો આ સ્તંભ, યશાયાહ ૧૯:૧૯, ૨૦માંના સ્તંભને ચિત્રિત કરે છે: “તે દિવસે મિસર દેશમાં યહોવાહને સારૂ વેદી થશે, ને તેની સીમ ઉપર યહોવાહના સ્મરણને સારૂ સ્તંભ થશે. તે મિસર દેશમાં સૈન્યોના દેવ યહોવાહને સારૂ ચિહ્‍નરૂપ તથા સાક્ષ્યરૂપ થશે.” બાઇબલ સાથે આ પિરામિડને શું સંબંધ હોય શકે? દાખલા તરીકે, એમ માનવામાં આવતું કે, મહાન પિરામિડના અમુક માર્ગની લંબાઈ માત્થી ૨૪:૨૧માંની “મહાન વિપત્તિ” શરૂ થવાના સમયને દર્શાવે છે. કેટલાક બાઇબલ વિદ્યાર્થીઓને એ પિરામિડનું એટલું ઘેલું લાગ્યું હતું કે, તેઓ એના જુદા જુદા ભાગોને માપતા, જેથી તેઓ ક્યારે સ્વર્ગમાં જશે, કે પછી એના જેવી બાબતો જાણી શકે!

૧૭ આ પિરામિડને ઘણાં વર્ષો સુધી પવિત્ર માનવામાં આવ્યો. પરંતુ, નવેમ્બર ૧૫ અને ડિસેમ્બર ૧, ૧૯૨૮ના ચોકીબુરજ (અંગ્રેજી) સામયિકે સ્પષ્ટ કર્યું કે, બાઇબલના લખાણની સાક્ષી માટે યહોવાહ દેવને વિધર્મી ફેરો દ્વારા બનાવેલા પથ્થરનાં સ્મારકોની કોઈ જરૂર નથી, જેમાં જ્યોતિષને લગતાં શેતાની ચિહ્‍નો છે. એને બદલે, યશાયાહની ભવિષ્યવાણીનો સાંકેતિક અર્થ થતો હતો. જેમ કે, પ્રકટીકરણ ૧૧:૮માં “મિસર” શેતાનનું આત્મિક જગત કહેવાય છે. “યહોવાહને સારુ વેદી” આપણને એવા સ્વીકાર્ય બલિદાનોની યાદ અપાવે છે, જે અભિષિક્ત ખ્રિસ્તીઓ આપે છે, જેઓ આ જગતમાં ટૂંક સમય માટે જ રહેવાના છે. (રૂમી ૧૨:૧; હેબ્રી ૧૩:૧૫, ૧૬) મિસરની ‘સીમ ઉપરનો’ સ્તંભ અભિષિક્ત ખ્રિસ્તીઓના મંડળને ચિહ્‍નિત કરે છે, જે “સત્યનો સ્તંભ તથા પાયો છે.” તેમ જ, તેઓ “મિસર,” એટલે કે, જે જગતમાં રહે છે, અને જલદી જ છોડી જવાના છે, એમાં સાક્ષીરૂપ છે.—૧ તીમોથી ૩:૧૫.

૧૮ વર્ષો પસાર થયા તેમ, યહોવાહ સત્યની વધુ સમજણ આપવાનું ચાલુ રાખે છે, જેમાં તેમણે કહેલી ભવિષ્યવાણીની સ્પષ્ટ સમજણ પણ સામેલ છે. (નીતિવચન ૪:૧૮) હાલમાં, આપણને ઊંડી સમજણ પર ફરીથી મનન કરવાનું ઉત્તેજન આપવામાં આવ્યું છે. જેમાં અંત પહેલાં આ પેઢી ગુજરી જશે નહિ, ઘેટાં અને બકરાંનું દૃષ્ટાંત, અમંગળપણાની નિશાની અને એ ક્યારે પવિત્ર જગામાં ઊભી રહેશે, નવો કરાર, રૂપાંતર અને હઝકીએલના પુસ્તકમાંનાં મંદિરનું દર્શન વગેરેનો સમાવેશ થાય છે. ઘણી વખત આવી સમયસરની સમજણ અઘરી લાગી શકે, પણ સમય જતાં એનાં કારણો સ્પષ્ટ બને છે. કોઈ ખ્રિસ્તીને શાસ્ત્રવચનની નવી સમજણ પૂરી રીતે સમજાય નહિ તો, તેણે પ્રબોધક મીખાહના શબ્દો નમ્રતાથી સ્વીકારવા જોઈએ: “હું મારૂં તારણ કરનાર દેવની વાટ જોઈશ.”—મીખાહ ૭:૭.

૧૯ યાદ કરો કે ચોકીદારે “સિંહની પેઠે પોકાર્યું, કે હે પ્રભુ, હું દિવસે નિરંતર પહેરાના બુરજ ઉપર ઊભો રહું છું, ને આખી રાત પણ મને મારી ચોકી પર ઊભો રાખવામાં આવે છે.” (યશાયાહ ૨૧:૮) અભિષિક્ત શેષભાગે જૂઠા ધર્મોને ખુલ્લા પાડવા સિંહ જેવી હિંમત બતાવી છે, અને લોકોને છુટકારાનો માર્ગ બતાવ્યો છે. (પ્રકટીકરણ ૧૮:૨-૫) “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” તરીકે, તેઓએ બાઇબલ, સામયિકો અને અનેક ભાષાઓમાં બીજાં સાહિત્યો, “વખતસર ખાવાનું” પૂરું પાડ્યું છે. (માત્થી ૨૪:૪૫) તેઓએ ‘સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના લોકોની એક મોટી સભા’ ભેગી કરવામાં આગેવાની લીધી છે. આ લોકોને પણ ખંડણી આપતા ઈસુના રક્તથી શુદ્ધ કરવામાં આવ્યા, અને તેઓ પણ “રાતદહાડો પવિત્ર સેવા” કરવા સિંહ જેવી હિંમત બતાવે છે. (પ્રકટીકરણ ૭:૯, ૧૪, ૧૫) આ છેલ્લાં વર્ષમાં યહોવાહના અભિષિક્ત સાક્ષીઓનું નાનું ટોળું અને તેઓના સાથી, મોટી સભાએ કયાં પરિણામો મેળવ્યાં છે? હવે પછીનો લેખ એ વિષે જણાવશે.

[ફુટનોટ]

a જાન્યુઆરી ૧, ૧૯૩૯થી એ શબ્દો બદલવામાં આવ્યા: “‘તેઓ જાણશે કે હું યહોવાહ છું.’—હઝકીએલ ૩૫:૧૫.”

શું તમને યાદ છે?

• વર્ષો દરમિયાન યહોવાહે કયા સાક્ષીઓ ઊભા કર્યા છે?

• મહાન બાબેલોન ક્યાંથી ઊભું થયું?

• શા માટે યહોવાહે પોતાના સાક્ષીઓના મુખ્ય શહેર યરૂશાલેમને ૬૦૭ બી.સી.ઈ. અને ૭૦ સી.ઈ.માં નાશ થવા દીધું?

• યહોવાહના ચોકીદાર વર્ગ અને તેમના સાથીઓએ કેવું વલણ બતાવ્યું છે?

[અભ્યાસ પ્રશ્નો]

૧. કયા મહાન વચનોના યહોવાહ પોતે સાક્ષી છે?

૨. યહોવાહે મનુષ્યોમાં કયા સાક્ષીઓ ઊભા કર્યા છે?

૩. યહોવાહ અને તેમના હેતુઓ વિષેની સાક્ષીનો શેતાન કઈ રીતે વિરોધ કરે છે?

૪. કઈ રીતે મહાન બાબેલોનનો ઉદ્‍ભવ થયો?

૫. કોને યહોવાહે પોતાના સાક્ષી બનાવ્યા, પણ શા માટે તેમણે તેઓને બંદીવાસમાં જવા દીધા?

૬. યહોવાહના પ્રબોધકીય ચોકીદારે કયા સુસમાચાર જાહેર કર્યા, અને એ ક્યારે પરિપૂર્ણ થયા?

૭. (ક) યહોવાહની શિસ્તથી યહુદીઓ શું શીખ્યા? (ખ) બંદીવાસમાંથી પાછા ફરેલા યહુદીઓ કયા ફાંદાઓમાં સપડાયા અને એના કયાં પરિણામો આવ્યાં?

૮. કોણ યહોવાહના સાક્ષીઓ બન્યા, અને શા માટે પાઊલની ચેતવણી આ સાક્ષીઓ માટે સમયસરની હતી?

૯. પાઊલે આપેલી ચેતવણી પ્રમાણે, કઈ ઘટનાઓથી ખ્રિસ્તીરાષ્ટ્ર ઊભું થયું?

૧૦. કઈ ઘટનાઓએ સાબિત કર્યું કે બધા લોકો ખ્રિસ્તીરાષ્ટ્રથી અસર પામ્યા ન હતા?

૧૧. શેતાને કયા પ્રયત્નો કર્યા, પણ તેના પ્રયત્નો કઈ રીતે નિષ્ફળ ગયા?

૧૨. આજે યહોવાહનો “ચોકીદાર” કોણ છે, અને તેઓનું વલણ કેવું હતું?

૧૩. (ક) યહોવાહના ચોકીદારે કયો સંદેશો જાહેર કર્યો? (ખ) કઈ રીતે કહી શકાય કે મહાન બાબેલોન ભાંગી પડ્યું છે?

૧૪. યહોવાહના ચોકીદાર વર્ગે કયા સામયિકનો ઉપયોગ કર્યો, અને યહોવાહે કઈ રીતે એને આશીર્વાદ આપ્યો?

૧૫. છેક ૧૯૧૪ અગાઉ ધીમે ધીમે કયો સુધારો થયો?

૧૬, ૧૭. (ક) ઘણાં વર્ષો સુધી ચોકીદાર વર્ગે કઈ ખોટી માન્યતાઓ પકડી રાખી હતી? (ખ) ‘મિસરની’ “વેદી” અને ‘સ્તંભની’ સાચી સમજણ કઈ છે?

૧૮. (ક) સાચા બાઇબલ વિદ્યાર્થીઓને યહોવાહ કઈ રીતે સમજણ આપી રહ્યા છે? (ખ) કોઈ ખ્રિસ્તીને શાસ્ત્રવચન સમજવું અઘરું લાગે તો, તેણે કયું નમ્ર વલણ અપનાવવું જોઈએ?

૧૯. આ છેલ્લા દિવસોમાં અભિષિક્ત શેષભાગ અને તેમના સાથી બીજાં ઘેટાં કઈ રીતે સિંહ જેવી હિંમત બતાવે છે?

[પાન ૭ પર ચિત્ર]

‘હે યહોવાહ, હું નિરંતર પહેરાના બુરજ ઉપર ઊભો રહું છું’

[પાન ૧૦ પર ચિત્રો]

યહોવાહનો ચોકીદાર વર્ગ પોતાનું કાર્ય જવાબદારીથી કરે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો