મારો અનુભવ
યુવાનીથી આપણા ઉત્પન્નકર્તાની સેવા કરવી
ડેવિડ ઝેડ. હિબ્સમેનના જણાવ્યા પ્રમાણે
“જો આ મારા જીવનનો અંત હોય તો, હું ખરેખર આશા રાખું કે હું યહોવાહને વિશ્વાસુ રહી છું. મેં તેમને મારા ડેવિડની કાળજી રાખવા વિનંતી કરી. હે યહોવાહ, તેમના માટે અને અમારા અદ્ભુત, સુખી લગ્ન માટે તમારો ઘણો જ આભાર!”
માર્ચ ૧૯૨૨માં મારી પત્નીના અંતિમ સંસ્કાર કર્યા પછી મારી લાગણીનો વિચાર કરો, જેમ મેં આ છેલ્લું વાક્ય તેની ડાયરીમાં જોયું. પાંચ મહિના પહેલાં જ, હેલનને પૂરા-સમયના સેવાકાર્યમાં ૬૦ વર્ષ થયા, એની અમે ઉજવણી કરી હતી.
મને હજુ પણ ૧૯૩૧નો એ દિવસ યાદ છે જ્યારે કોલંબસ, ઓહાયો, યુ.એસ.એ.ના મહાસંમેલનમાં હેલન અને હું બાજુ બાજુમાં બેઠા હતા. હેલનને હજુ ૧૪ વર્ષ પણ થયા ન હતા. પરંતુ, તેણે એ પ્રસંગના મહત્ત્વની મારા કરતાં વધારે કદર કરી. એ પછી ટૂંક સમયમાં, સેવાકાર્ય માટેનો હેલનનો ઉત્સાહ દેખાઈ આવ્યો. તે અને તેની વિધવા માતા પાયોનિયર, એટલે યહોવાહના સાક્ષીઓમાં ઓળખાતા પૂરા સમયના સુવાર્તિક બન્યા. દક્ષિણ યુનાઈટેડ સ્ટેટ્સના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કરવા માટે તેઓએ પોતાનું સુખસગવડવાળું ઘર છોડ્યું.
મારો ખ્રિસ્તી વારસો
મારાં માબાપ ૧૯૧૦માં તેમનાં બે બાળકો સાથે પૂર્વ પેન્સીલ્વેનિયાથી ગ્રોવ શહેર, રાજ્યના પશ્ચિમ ભાગ તરફ રહેવા ગયા. તેઓએ ત્યાં અમુક રકમ આપીને ઘર લીધું અને પ્રોટેસ્ટંટ ચર્ચના સભ્યો બન્યા. પછી, ટૂંક સમયમાં બાઇબલ વિદ્યાર્થી તરીકે ઓળખાતા યહોવાહના સાક્ષી, વિલિયમ એવન્સે તેઓની મુલાકાત લીધી. એ સમયે, મારા પિતા લગભગ પચીસેક વર્ષના હતા અને માતા કે જે તેમનાથી પાંચેક વર્ષ નાની હતી. તેઓએ વેલ્સની આ મૈત્રીપૂર્ણ વ્યક્તિને સાંભળ્યા અને તેમને જમવા બોલાવ્યા. જલદી જ, તેઓએ પોતે જે શીખતા હતા એ બાઇબલ સત્ય સ્વીકાર્યું.
મંડળની નજીક રહેવા પિતા કુટુંબ સાથે ૪૦ કિલોમીટર દૂર શેરોન શહેરમાં રહેવા ગયા. અમુક મહીના પછી, ૧૯૧૧ કે ૧૯૧૨માં પિતા અને માતા બાપ્તિસ્મા પામ્યા. વૉચટાવર સોસાયટીના પ્રથમ પ્રમુખ, ભાઈ ચાર્લ્સ ટૅઝ રસેલે બાપ્તિસ્માનો વાર્તાલાપ આપ્યો. મારો જન્મ ડિસેમ્બર ૪, ૧૯૧૬માં થયો ત્યારે, મારાં માબાપને ચાર બાળકો હતાં. મારા જન્મ સમયે કહેવામાં આવ્યું: “ચાહવા માટે એક બીજો ભાઈ.” તેથી, મારું નામ ડેવિડ પડ્યું, જેનો અર્થ થાય “અતિ પ્રિય.”
હું માંડ એક મહિનાનો હતો ત્યારે, મારા પહેલા સંમેલનમાં મને લઈ જવામાં આવ્યો. શરૂઆતના એ દિવસોમાં મારા પિતા અને મોટા ભાઈઓ મંડળની સભાઓમાં જવા અમુક કિલોમીટર ચાલીને જતા, જ્યારે મારી માતા મારી બહેન અને મને બસમાં લઈ જતી. સભાઓમાં સવાર અને બપોરનો કાર્યક્રમ હતો. ઘરમાં મોટે ભાગે ચોકીબુરજ અને ધ ગોલ્ડન એજ, જે હવે સજાગ બનો! છે, એના લેખોમાંથી વાતચીત થતી.
સારાં ઉદાહરણોમાંથી લાભ મેળવવો
અમારા મંડળની મુલાકાત લેવા ઘણા ભાઈઓ પ્રવાસી વક્તા તરીકે આવતા હતા. મોટે ભાગે તેઓ એક-બે દિવસ અમારી સાથે વીતાવતા. વૉલ્ટર જે. થોર્ન નામના વક્તા હજુ પણ મને યાદ છે. તેમણે મહાન ઉત્પન્નકર્તાની સેવા ‘તેમની યુવાવસ્થામાં’ કરી હતી. (સભાશિક્ષક ૧૨:૧) હું કિશોર હતો ત્યારે “ફોટો-ડ્રામા ઑફ ક્રિએશન” બતાવવા મારા પિતા સાથે જતો. એ માનવજાતના ઇતિહાસ પર, ચાર ભાગનો દૃશ્ય અને રેકર્ડીંગવાળો અહેવાલ હતો.
ભાઈ એવન્સ અને તેમના પત્ની મિરિયમને કોઈ બાળકો ન હતા છતાં, તેઓ અમારા કુટુંબ માટે આત્મિક માબાપ અને દાદાદાદી બન્યા. વિલિયમ પિતાને હંમેશા “દીકરા” કહીને બોલાવતા. તેમણે અને મિરિયમે અમારા કુટુંબમાં સુવાર્તિકનો આત્મા રેડ્યો. વીસમી સદીની શરૂઆતમાં, ભાઈ એવન્સ સ્વૉનસી વિસ્તારમાં બાઇબલ સત્યનો પ્રચાર કરવા વેલ્સ આવ-જા કરતા. ત્યાં તેઓ અમેરિકાના પ્રચારક તરીકે જાણીતા હતા.
ભાઈ એવન્સે ૧૯૨૮માં નોકરી છોડીને પશ્ચિમ વર્જિનિયાના પહાડી વિસ્તારમાં પ્રચારકાર્યની શરૂઆત કરી. મારા બે મોટા ભાઈઓ, ૨૧ વર્ષનો ક્લૅરેન્સ અને ૧૯ વર્ષનો કાર્લ તેમની સાથે જોડાયા. અમે ચારેય ભાઈઓએ પૂરા-સમયના સેવાકાર્યમાં ઘણા વર્ષો વિતાવ્યા. હકીકતમાં, અમે બધાએ અમારી યુવાનીમાં યહોવાહના સાક્ષીઓના પ્રવાસી નિરીક્ષક તરીકે સેવા આપી. થોડા સમય પહેલાં જ, ૯૦થી વધુ ઉંમરના મારા માસી, મેરીએ મને લખ્યું: “આપણે કેટલા આભારી છીએ કે ભાઈ એવન્સને સેવાકાર્ય માટે ઉત્સાહ હતો, અને તેમણે ગ્રોવ શહેરની મુલાકાત લીધી!” મારા માસી મેરીએ પણ તેમની યુવાનીથી ઉત્પન્નકર્તાની સેવા કરી હતી.
મહાસંમેલનોમાં જવું
સીદાર પોઈન્ટ, ઓહાયો ખાતેના ૧૯૨૨ના મહાસંમેલનમાં ફક્ત પિતા અને ક્લૅરેન્સ હાજરી આપી શક્યા. જોકે, ૧૯૨૪ સુધીમાં અમારી પાસે કાર આવી, અને અમારા આખા કુટુંબે કોલંબસ, ઓહાયોના સંમેલનમાં હાજરી આપી. આઠ દિવસના સંમેલનમાં, અમારે બાળકોએ પોતપોતાની બચતમાંથી જમવા માટે પૈસા ચૂકવવાના હતા. મારાં માબાપ અમને શીખવવા માંગતા હતા કે કુટુંબના દરેકે પોતાની કાળજી લેવી જોઈએ. તેથી અમે મરઘાં અને સસલાં ઉછેરતા, તથા મધપૂડા રાખતા. તેમ જ, અમારી પાસે ઘરે-ઘરે પેપર નાખવા જવાનું કામ પણ હતું.
ટોરન્ટો, કૅનેડા ખાતે ૧૯૨૭માં મહાસંમેલન આવ્યું ત્યારે, અમારી પાસે છ-મહિનાનો ભાઈ, પૉલ હતો. મારે ઘરે રહીને મારા માસીની મદદથી પૉલની કાળજી રાખવાની હતી, જ્યારે મારાં માબાપ બીજાં બાળકો સાથે ટોરન્ટો ગયાં. મને દસ ડૉલરનું ઇનામ આપવામાં આવ્યું, જેનાથી મેં મારા માટે નવું સૂટ લીધું. અમને હંમેશા સભાઓમાં સરસ રીતે તૈયાર થઈને જવાની અને અમારાં કપડાંની કાળજી રાખવાની તાલીમ મળી હતી.
કોલંબસ, ઓહાયોના ૧૯૩૧ના યાદગાર મહાસંમેલન સુધી તો ક્લૅરેન્સ અને કાર્લ પરણી ગયા હતા, અને પોતપોતાની પત્ની સાથે પાયોનિયરીંગ કરતા હતા. તેઓ હાથે બનાવેલા એકથી બીજી જગ્યાએ લઈ જવાય એવા ઘરોમાં રહેતા હતા. કાર્લે પશ્ચિમ વર્જિનિયા, વ્હીલીંગની ક્લેર હાઉસ્ટન સાથે લગ્ન કર્યા હતા. એ રીતે, હું ક્લેરની નાની બહેન હેલન સાથે કોલંબસના મહાસંમેલનમાં બેઠો હતો.
પૂરા-સમયનું સેવાકાર્ય
હું ૧૫ વર્ષનો હતો ત્યારે, ૧૯૩૨માં માધ્યમિક શાળામાંથી ગ્રેજ્યુએટ થયો. એ પછીના વર્ષે દક્ષિણ કેરોલીનામાં પાયોનિયર કાર્ય કરી રહેલા મારા ભાઈ, ક્લૅરેન્સને હું એક વપરાયેલી કાર આપવા ગયો. મેં પાયોનિયર સેવા માટે અરજી કરી, અને ક્લૅરેન્સ તથા તેની પત્ની સાથે કાર્ય કરવાનું શરૂ કર્યું. એ સમયે, હેલન હોપ્કીન્સવીલ, કેન્ટકીમાં પાયોનિયરીંગ કરતી હતી, અને મેં તેને પ્રથમ વાર પત્ર લખ્યો. તેના જવાબમાં, તેણે પૂછ્યું: “શું તમે પાયોનિયર છો?”
મેં મારા પત્રમાં જવાબ આપ્યો: “હા, હું પાયોનિયર છું, અને આશા રાખું કે હંમેશા પાયોનિયર રહું.” હેલને એ પત્ર તેના મૃત્યુ સુધી, લગભગ ૬૦ વર્ષ સુધી જાળવી રાખ્યો. એ પત્રમાં મેં હેલનને જણાવ્યું હતું કે, રાજ્ય, જગતની આશા (અંગ્રેજી) શીર્ષકવાળી પુસ્તિકા મેં મારા પ્રચાર વિસ્તારમાંના પાદરીઓ અને ન્યાયકચેરીના અધિકારીઓને આપી હતી.
પિતાએ ૧૯૩૩માં મને કારથી ખેંચી શકાય એવો પૈડાંવાળો તંબુ બનાવી આપ્યો. એ લગભગ ૨.૪મીટર લાંબો અને બે મીટર પહોળો હતો, એની દિવાલો કેન્વાસની બનેલી હતી, અને આગળ પાછળ બંને બાજુએ બારીઓ હતી. એ પછીનાં ચાર વર્ષોના પાયોનિયર કાર્યમાં એ મારું ગરીબખાનું હતું.
માર્ચ ૧૯૩૪માં, ક્લૅરેન્સ અને કાર્લ, તેઓની પત્નીઓ, હેલન અને તેની માતા, ક્લૅરેન્સની સાળી અને હું, કુલ આઠ જણ લોસ એંજલીસ, કૅલિફૉર્નિયામાં મહાસંમેલનમાં હાજરી આપવા પશ્ચિમ તરફ ગયા. અમુક જણે મારી સાથે મુસાફરી કરી, અને તંબુમાં સૂઈ ગયા. હું કારમાં સૂઈ ગયો, અને બાકીના ભાડેની જગ્યામાં સૂઈ ગયા. કારમાં સમસ્યા થવાથી, અમે લોસ એંજલીસના છ દિવસના મહાસંમેલનમાં બીજે દિવસે પહોંચ્યા. છેવટે, માર્ચ ૨૬ના રોજ, હેલન અને હું યહોવાહને અમારું સમર્પણ પાણીના બાપ્તિસ્મા દ્વારા ચિહ્નિત કરી શક્યા.
એ મહાસંમેલનમાં, વૉચ ટાવર સોસાયટીના એ સમયના પ્રમુખ, જોસફ એફ. રધરફર્ડ પોતે સર્વ પાયોનિયરોને મળ્યા. તેમણે અમને આમ કહીને ઉત્તેજન આપ્યું કે અમે બાઇબલ સત્યના બહાદુર સૈનિકો છીએ. એ પ્રસંગે પાયોનિયરો પોતાનું સેવાકાર્ય ચાલુ રાખી શકે એ માટે તેઓને નાણાંકીય મદદની જોગવાઈ કરવામાં આવી.
જીવનભરનું શિક્ષણ
લોસ એંજલીસમાંના મહાસંમેલનમાંથી પાછા ફર્યા બાદ, અમે સર્વ દક્ષિણ કેરોલિના, વર્જિનિયા, પશ્ચિમ વર્જિનિયા અને કેન્ટકી આ બધી જગ્યાએ લોકો સાથે રાજ્ય સંદેશાના સહભાગી થયા. વર્ષો પછી હેલને એ સમય વિષે લખ્યું હતું: “ત્યાં ટેકો આપનાર મંડળ કે મદદ કરવા માટે મિત્રો પણ ન હતા, કારણ કે એ અજાણ્યા દેશમાં અમે ખરેખર અજાણ્યા હતા. પરંતુ, મને ખબર છે કે હું શિક્ષણ મેળવી રહી હતી. હું આત્મિકતામાં ઘણી આગળ વધી.”
તેણે પૂછ્યું: “ઘરના વાતાવરણથી અને મિત્રોથી દૂર રહીને યુવાન છોકરી પોતાનો સમય ક્યાં પસાર કરે? એ કંઈ એટલું ખરાબ ન હતું. મને યાદ નથી કે હું ક્યારેય કંટાળી ગઈ હોઉં. મેં ખૂબ વાંચ્યું. બાઇબલ સાહિત્યનું વાંચન અને અભ્યાસ કરવાનું અમે ક્યારેય ભૂલતા નહિ. હું મારી માતાની નજીક રહી, અને અમારી આવકનું નિયંત્રણ કરવાનું, ખરીદી કરવાનું, કારનાં ટાયર બદલવાનું, રાંધવાનું, કપડાં સીવવાનું અને પ્રચાર કરવાનું શીખી. મને એનો કોઈ ખેદ નથી અને એ જ ફરીથી કરવા હું રાજી છું.”
હેલનની માતાનું પોતાનું સુંદર ઘર હતું, છતાં, તે અને હેલન એ વર્ષોમાં કારથી ખેંચી શકાય એવા નાનકડાં ઘરમાં ખુશીથી રહેતા. કોલંબસ ઓહાયો ખાતેના ૧૯૩૭ના મહાસંમેલન પછી હેલનની માતાની તબિયત વધારે બગડી, અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. નવેમ્બર ૧૯૩૭માં ફિલિપી, દક્ષિણ વર્જિનિયામાં પોતાની કાર્યસોંપણીમાં જ તેનું અવસાન થયું.
લગ્ન અને ફરીથી સેવા
જૂન ૧૦, ૧૯૩૮ના રોજ, દક્ષિણ વર્જિનિયામાં વ્હીલીંગ પાસેના એલ્મ ગ્રોવમાંના હેલનના ઘરે, હું અને હેલન સાદી વિધિથી પરણી ગયા, જ્યાં હેલનનો જન્મ થયો હતો. અમારા વહાલા ભાઈ એવન્સ, જેમણે હું જન્મ્યો એ પહેલાં અમારા કુટુંબને સત્ય શીખવ્યું હતું, તેમણે લગ્નનો વાર્તાલાપ આપ્યો. લગ્ન પછી, મેં અને હેલને પૂર્વ કેન્ટકીમાં પાયોનિયર કાર્યમાં પાછા જવાની યોજના કરી. પરંતુ, અમને ઝોન કાર્ય માટે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે અમને આશ્ચર્ય થયું. આ કાર્યમાં પશ્ચિમ કેન્ટકી અને ટેનિસીમાં યહોવાહના સાક્ષીઓના જૂથની મુલાકાત લઈને તેમના સેવાકાર્યમાં મદદ કરવાનો સમાવેશ થતો હતો. એ સર્વ જગ્યાઓએ અમે મુલાકાત લીધી, ત્યાં ફક્ત ૭૫ રાજ્ય પ્રચારકો હતા.
એ સમયે, બધી બાજુ રાષ્ટ્રવાદ ફેલાયેલો હતો. તેથી, હું ધારતો હતો કે ખ્રિસ્તી તટસ્થતાને કારણે જલદી જ મારી ધરપકડ થશે. (યશાયાહ ૨:૪) છતાં, મારી પ્રચાર પ્રવૃત્તિને કારણે, સમાજના અધિકારીએ મને પૂરા-સમયનું સેવાકાર્ય ચાલુ રાખવાની પરવાનગી આપી.
અમે પ્રવાસી સેવાકાર્ય શરૂ કર્યું ત્યારે, લગભગ બધાએ અમારી યુવાવસ્થાની નોંધ લીધી. હૉપ્કિન્ઝવિલ, કેન્ટકીમાં એક ખ્રિસ્તી બહેને હેલનને આલિંગન કરીને આવકારતા પૂછ્યું: “શું તમને મારી ઓળખાણ પડી?” હેલને ૧૯૩૩માં, તેમને તેમના પતિની દુકાનમાં સાક્ષી આપી હતી. એ સમયે, તે સન્ડે સ્કૂલની શિક્ષિકા હતા. પરંતુ, હેલને આપેલું પુસ્તક વાંચ્યા પછી, તે સ્કૂલના વર્ગ સામે ગયા, અને માફી માંગી કે, તેમણે બાઇબલથી અલગ જ શિક્ષણ આપ્યું હતું. ચર્ચમાંથી રાજીનામું આપ્યા બાદ તે પોતાના સમાજમાં બાઇબલ સત્ય જાહેર કરવા લાગ્યા. હેલન અને હું પશ્ચિમ કેન્ટકીમાં ત્રણ વર્ષ સુધી પ્રવાસી કાર્યમાં હતા તે દરમિયાન, આ બહેન અને તેમના પતિએ તેઓનું ઘર અમારા માટે ખુલ્લું મૂક્યું.
એ દિવસોમાં નાનાં સ્થાનિક સંમેલનો થતાં, અને એ. એચ. મેકમીલન એમાંનાં એકમાં આવ્યા હતા. હેલન બાળક હતી ત્યારે, તે હેલનનાં માબાપના ઘરે રહ્યા હતા. તેથી, સંમેલન સમયે તેમણે અમારા પાંચ મીટર લાંબા કાર સાથે જોડાયેલા હરતાફરતા ઘરમાં રહેવાની પસંદગી કરી, જેમાં અમારી પાસે એક વધારાની પથારી હતી. તેમણે પણ પોતાની યુવાનીથી ઉત્પન્નકર્તાની સેવા કરી હતી. વર્ષ ૧૯૦૦માં તેઓ ૨૩ વર્ષના હતા ત્યારે, તેમણે યહોવાહને પોતાનું જીવન સમર્પિત કર્યું.
નવેમ્બર ૧૯૪૧માં, પ્રવાસી ભાઈઓનું કાર્ય અમુક સમય માટે મુલતવી રાખવામાં આવ્યું. મને કેન્ટકી, હાજૅર્ડ શહેરમાં પાયોનિયર તરીકે મોકલવામાં આવ્યો. ફરીથી અમે મારા ભાઈ કાર્લ અને તેની પત્ની ક્લેર સાથે કામ કર્યું. અહીં હેલનનો ભત્રીજો જોસફ હાઉસ્ટન અમારી સાથે જોડાયો, અને પાયોનિયરીંગની શરૂઆત કરી. તેણે સતત લગભગ ૫૦ વર્ષ સુધી પૂરા-સમયનું સેવાકાર્ય કર્યું. પરંતુ, ૧૯૯૨માં યહોવાહના સાક્ષીઓના જગત મુખ્ય મથક ન્યૂયૉર્ક, બ્રુકલિનમાં વિશ્વાસુપણે સેવા આપતા હતા ત્યારે, એકદમ જ હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું.
અમને ૧૯૪૩માં રૉકવીલ, કનેક્ટિકટમાં મોકલવામાં આવ્યા. એ હેલન અને મારા માટે એકદમ નવું નવું હતું, કારણ કે અમે દક્ષિણમાં પ્રચાર કરવા ટેવાયેલા હતા. રૉકવીલમાં હેલન સપ્તાહની અંદર ૨૦ કરતાં વધારે બાઇબલ અભ્યાસ ચલાવતી હતી. આખરે અમે રાજ્યગૃહ માટે એક રૂમ ભાડે લીધી, અને નાના મંડળની સ્થાપના કરવામાં આવી.
રૉકવીલમાં સેવા આપતા હતા ત્યારે, અમને વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડ, દક્ષિણ લેંસિંગ, ન્યૂયૉર્કમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું. અમે ઓબ્રે અને બર્થ બિવન્સને ત્યાં જોઈને ઘણા જ ખુશ થયા, જેઓ કેન્ટકીમાં અમારા પાયોનિયર મિત્ર હતા અને હવે અમારા વર્ગના સહાધ્યાયીઓ પણ હતા.
શાળા અને અમારી નવી કાર્યસોંપણી
અમે હજુ યુવાનીમાં હતા, છતાં અમારા વર્ગના સહાદ્યાયીઓ અમારાથી પણ નાની ઉંમરના હતા. હા, તેઓ પણ મહાન ઉત્પન્નકર્તાની સેવા પોતાની યુવાનીથી કરી રહ્યા હતા. બીજું વિશ્વયુદ્ધ પૂરું થઈ રહ્યું હતું તેમ, અમે જુલાઈ ૧૯૪૫માં સ્નાતક થયા. અમારી મિશનરિ કાર્યસોંપણીની રાહ જોતા અમે ન્યૂયૉર્ક, બ્રુકલિનના ફ્લેટબુશ મંડળ સાથે કાર્ય કર્યું. અંતે, ઑક્ટોબર ૨૧, ૧૯૪૬ના રોજ, બિવન્સ સહિત વર્ગના બીજા છ સહાદ્યાયીઓ સાથે, અમે ગ્વાટેમાલા શહેરમાં અમારા નવા ઘરે ગયા. એ સમયે આખા મધ્ય અમેરિકી દેશમાં ૫૦ કરતાં ઓછા યહોવાહના સાક્ષીઓ હતા.
એપ્રિલ ૧૯૪૯માં, અમારામાંથી કેટલાકને ક્યુએટ્ઝાલ્ટેનાન્ગોમાં મોકલવામાં આવ્યા, જે દેશમાં કદ અને મહત્ત્વમાં બીજા નંબરે હતું. આ શહેર સમુદ્રની સપાટીથી ૨,૩૦૦ મીટર ઊંચુ આવેલું છે, જ્યાં પહાડી હવા ઠંડી અને શુદ્ધ હોય છે. અમારી અહીંની પ્રવૃત્તિ વિષે ટૂંકમાં હેલને લખ્યું: “અહીં સંખ્યાબંધ શહેરો અને ગામડાંઓમાં પ્રચાર કરવાનો અમને લહાવો હતો. અમે સવારે ચાર વાગ્યે ઊઠતા અને બસમાં (બસની બારીઓ કેનવાસની બનેલી હતી) દૂર દૂરના શહેરમાં જતા. ત્યાં અમે સાંજે પાછા ફરતા પહેલાં લગભગ આઠ કલાક પ્રચાર કાર્ય કરી શકતા હતા.” આજે આવી જગ્યાઓએ પણ મંડળો છે, જેમાં ક્યુએટ્ઝાલ્ટેનાન્ગોનાં છ મંડળોનો પણ સમાવેશ થાય છે.
જલદી જ, ગ્વાટેમાલાના કેરેબીયન સમુદ્ર કાંઠે આવેલા, ત્રીજા નંબરના શહેર પોર્ટો બેરીઑસમાં મિશનરિઓની જરૂર ઊભી થઈ. અમારો વહાલા બિવન્સ મિત્રો જેઓની સાથે અમે ગ્વાટેમાલામાં પાંચ વર્ષ સેવા કરી, તેઓ પણ આ નવા વિસ્તારમાં જનારાઓમાં હતા. છૂટા પડવું ઘણું જ દુઃખદ હતું, અને અમે તેઓની કાયમ ખોટ અનુભવી. હવે, ફક્ત હેલન અને હું મિશનરિ ઘરમાં હોવાથી, અમે નાના એપાર્ટમેન્ટમાં રહેવા ગયા. હું અને હેલન ૧૯૫૫માં માજાટેનાન્ગોના અત્યંત ગરમ શહેરમાં નવી કાર્યસોંપણીમાં ગયા. મારો નાનો ભાઈ, પૉલ અને તેની પત્ની ડીલૉરીસે ૧૯૫૩માં ગિલયડમાંથી સ્નાતક થઈને, અમે પહોંચ્યા એ પહેલાં જ ત્યાં સેવા કરી હતી.
ગ્વાટેમાલામાં ૧૯૫૮ સુધીમાં તો ૭૦૦ કરતાં વધારે સાક્ષીઓ, ૨૦ મંડળો, અને ત્રણ સરકીટ હતી. હેલન અને હું ફરીથી પ્રવાસી કાર્ય કરવા લાગ્યા, જેમાં ક્યુએટ્ઝાલ્ટેનાન્ગો સહિત, સાક્ષીઓનાં નાના વૃંદો અને કેટલાંક મંડળોની મુલાકાત લેવાનો સમાવેશ થતો હતો. પછી, ઑગસ્ટ ૧૯૫૯માં અમને ગ્વાટેમાલા શહેર પાછા ફરવાનું આમંત્રણ આપવામાં આવ્યું, જ્યાં અમે શાખા કચેરીમાં રહ્યા. મને શાખામાં કામ કરવાની સોંપણી મળી, જ્યારે હેલને મિશનરિ સેવામાં બીજાં ૧૬ વર્ષ ગાળ્યા. પછી તેણે પણ શાખા કચેરીમાં કામ કરવાનું શરૂ કર્યું.
બીજા આશીર્વાદો
શાખા કચેરીમાં ત્રણ વર્ષ કાર્ય કર્યા બાદ, ૧૯૬૨માં મને ગિલયડના ૩૮માં વર્ગમાં જવાનું આમંત્રણ મળ્યું, જેમાં શાખા કર્મચારી માટે દસ મહિનાનો અભ્યાસક્રમ હતો. હું ત્યાં હતો ત્યારે, હેલને લખ્યું: “એમ કહેવામાં આવે છે કે કોઈ વાર જુદા પડવું સારું છે. મને ખબર નથી—પણ એક વાતની મને ખબર છે કે આ અનુભવે મને ઘણું શીખવ્યું, અને હું કાગના ડોળે તમારી રાહ જોઉં છું. . . . હું જીવનમાં બે બાબતો કરવા ચાહું છું—યહોવાહની સતત સેવા કરવી, અને તમારી સાથે જ રહેવું.”
વર્ષ ૧૯૭૦ની શરૂઆતમાં કૅનેડા અને યુનાઈટેડ સ્ટેટ્સમાંથી ઘણાં કુટુંબો ગ્વાટેમાલામાં આવ્યાં. તેઓ પોતાના વતનથી દૂર રાજ્ય પ્રચારકોની વધારે જરૂર હતી એટલે સેવા કરવા માટે આવ્યા. તેઓમાંના મોટા ભાગના પોતાની યુવાનીથી મહાન ઉત્પન્નકર્તાની સેવા કરનારા હતા. પોતાના વતનમાં રહીને ભૌતિક સુખસગવડોમાં મહાલવાને બદલે, તેઓએ અહીં આવી, રાજ્યગૃહ, સંમેલનગૃહ તથા નવી શાખા કચેરી બાંધવામાં મદદ કરી, અને રાજ્ય પ્રચારમાં સહભાગી થયા.
વર્ષો અગાઉ લાગતું હતું કે યહોવાહની સેવા કરનારાઓમાં હું હંમેશા નાની ઉંમરનો હતો. આજે મોટા ભાગે હું મોટી ઉંમરનો હોઉં છું. હું ૧૯૯૬માં પૅટરસન, ન્યૂયૉર્કની શાખા શાળામાં ગયો ત્યારે એમ જ બન્યું. મેં મારી યુવાનીમાં મોટી ઉંમરના પાસેથી ઘણી મદદ મેળવી તેમ, જે યુવાનો પોતાના ઉત્પન્નકર્તાની સેવા કરવા ચાહે છે, તેઓને મદદ કરવાનો હવે મારી પાસે લહાવો છે.
અહીં ગ્વાટેમાલામાં યહોવાહ પોતાના લોકો પર આશીર્વાદ વરસાવવાનું ચાલુ જ રાખે છે. ગ્વાટેમાલા શહેરમાં ૧૯૯૯માં ૬૦થી વધારે મંડળો હતાં. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ બધી બાજુ ઘણાં મંડળો છે, અને દેવના રાજ્યના સુસમાચારના હજારો પ્રચારકો છે. લગભગ ૫૩ વર્ષ પહેલાં, અમે આવ્યા ત્યારે, ૫૦ કરતાં ઓછા રાજ્ય પ્રચારકો હતા, જે હવે ૧૯,૦૦૦ કરતાં પણ વધારે છે!
આભારી થવાનાં ઘણાં કારણો
જીવનમાં દરેકને સમસ્યા હોય છે. પરંતુ, આપણે હંમેશા આપણો “બોજો યહોવાહ પર” નાખી શકીએ છીએ. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) ઘણી વાર, તે આપણને પ્રેમાળ સાથીઓની મદદથી ટકાવી રાખે છે. દાખલા તરીકે, હેલન મૃત્યુ પામી એનાં થોડાં વર્ષ પહેલાં, તેણે મને હેબ્રી ૬:૧૦ની કલમ લખેલી નાની તકતી ભેટ તરીકે આપી, જે કહે છે: “દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, અને સંતોની જે સેવા કરી છે, અને હજુ કરો છો, તેને વિસરે એવો અન્યાયી નથી.”
તેની સાથેનો પત્ર અમુક ભાગમાં આ પ્રમાણે વંચાય છે: “મારા વહાલા, મારી પાસે મારા પ્રેમ સિવાય તમને આપવા માટે કંઈ જ નથી . . . આ કલમ તમારા માટે બહુ યોગ્ય છે, એટલે એ તમારા ટેબલ પર મૂકશો એમ હું ચાહું છું, એ ભેટ મેં આપી છે એટલા માટે નહિ, પણ એ તમારી વર્ષોની સેવાને લાગુ પડે છે.” આજે પણ એ ભેટ ગ્વાટેમાલાની શાખામાં મારી ઑફિસના ટેબલ પર મેં રાખી છે.
મેં મારી યુવાવસ્થાથી યહોવાહની સેવા કરી, અને હવે ઘડપણમાં પણ સારી તંદુરસ્તી માટે હું યહોવાહનો આભાર માનું છું, જેથી મને સોંપેલાં કાર્યો હું કરી શકું. હું નિયમિત બાઇબલ વાંચન કરું છું તેમ, ઘણી વાર એવાં શાસ્ત્રવચનો પાસે અટકું છું, જેની નીચે મારી વહાલી હેલને પોતાના બાઇબલમાં લીટી દોરી હોત. મેં ફરીથી ગીતશાસ્ત્ર ૪૮:૧૪ વાંચી ત્યારે એમ થયું: “આ દેવ આપણો સનાતન દેવ છે; તે મરણ પર્યંત આપણો દોરનાર થશે.”
હું બીજાઓની જેમ જ પુનરુત્થાનના દિવસની આતુરતાથી રાહ જોઉં છું, જ્યારે નવી દુનિયામાં અગાઉના સર્વ દેશોમાંથી લોકો પોતાના પ્રિયજનોને જીવનમાં આવકારશે. કેવો અદ્ભુત આશીર્વાદ! એ સમયે, આપણે યાદ કરીશું કે, યહોવાહ ખરેખર “દીનજનોને દિલાસો આપનાર” દેવ છે ત્યારે, કેવા હર્ષના આંસુ આવશે!—૨ કોરીંથી ૭:૬.
[પાન ૨૫ પર ચિત્ર]
ઉપર ડાબેથી જમણી બાજુ: માતા, પિતા, ઈવા ફોઈ, અને ભાઈઓ કાર્લ અને ક્લૅરેન્સ, ૧૯૧૦
[પાન ૨૬ પર ચિત્રો]
વર્ષ ૧૯૪૭ અને ૧૯૯૨ હેલન સાથે