વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w01 ૨/૧ પાન ૧૪-૧૯
  • શું તમે તમારા સમર્પણ પ્રમાણે જીવો છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે તમારા સમર્પણ પ્રમાણે જીવો છો?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • સમર્પણને નકારનારા નહિ
  • સમર્પણનાં આધુનિક ઉદાહરણો
  • આપણા સમર્પણ માટે યોગ્ય વલણ
  • દરરોજ મન લગાડીને સેવા કરો
  • હંમેશા સજાગ રહો
  • તમારો નિર્ણય શું છે?
  • દૃઢ હૃદયથી યહોવાહની સેવા કરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • યહોવાહને કેમ સમર્પણ કરવું જોઈએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • શિષ્ય બનાવો અને બાપ્તિસ્મા આપો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
w01 ૨/૧ પાન ૧૪-૧૯

શું તમે તમારા સમર્પણ પ્રમાણે જીવો છો?

“માણસોને સારૂ નહિ પણ જાણે પ્રભુને સારૂ છે, એમ સમજીને જે કંઈ તમે કરો, તે સઘળું ખરા દિલથી કરો.”—કોલોસી ૩:૨૩.

કઈ રીતે ખેલાડીઓ જીતી શકે છે? ટેનિસ, ફૂટબોલ, બાસ્કેટબોલ, બેઈઝબોલ, દોડ, ગોલ્ફ કે અન્ય રમતોમાં પ્રથમ આવવા, ખેલાડીઓ તનમનને જરૂરી તાલીમ આપે છે. તેઓ રાત-દિવસ સખત મહેનત કરે છે, જેથી પસંદ કરેલી રમતમાં પારંગત બની શકે. એ માટે ખેલાડીઓ તનમનને કેળવણી આપવાને જીવનમાં પ્રથમ મૂકે છે. તો પછી, બાઇબલ જે સમર્પણની વાત કરે છે એ શું આવા જ પ્રકારનું છે?

૨ બાઇબલ પ્રમાણે સમર્પણનો અર્થ શું થાય? હેબ્રી ક્રિયાપદ “સમર્પણ થવું”નો અર્થ “અલગ રાખવું, અલગ થયેલું, પાછું રાખવું”a થાય છે. પ્રાચીન ઈસ્રાએલમાં પ્રમુખ યાજક હારૂન પોતાની પાઘડી પર સમર્પણની એક “પવિત્ર” નિશાની પહેરતા, એ નિશાની ચોખ્ખા સોનાના પતરાની હતી. એના પર હેબ્રીમાં “યહોવાહને સારૂ પવિત્ર” લખેલું હતું. એ પ્રમુખ યાજકને યાદ કરાવતું હતું કે તેણે પવિત્ર સ્થાનને અભડાવે એવું કંઈ પણ કરવું નહિ, “કેમકે પોતાના દેવના અભિષેકના તેલનો મુગટ તેને માથે છે.”—નિર્ગમન ૨૯:૬; ૩૯:૩૦; લેવીય ૨૧:૧૨.

૩ આમ ઉપરના ઉદાહરણમાં આપણે જોઈ શકીએ છીએ કે સમર્પણ બહુ ગંભીર બાબત છે. એનો અર્થ એ થાય કે વ્યક્તિ પોતાને સ્વેચ્છાથી પરમેશ્વરના સેવક તરીકે ઓળખાવે છે અને પોતાનું જીવન શુદ્ધ રાખે છે. તેથી, યહોવાહે કહ્યું: “હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ.” (૧ પીતર ૧:૧૫, ૧૬) પીતરે આ શબ્દો લખ્યા એ આપણા માટે કેટલા મહત્ત્વના છે. સમર્પિત ખ્રિસ્તીઓ તરીકે, આપણી જવાબદારી છે કે અંત સુધી વફાદાર રહીને, આપણા સમર્પણના સુમેળમાં જીવીએ. પરંતુ ખ્રિસ્તી સમર્પણમાં શાનો સમાવેશ થાય છે?—લેવીય ૧૯:૨; માત્થી ૨૪:૧૩.

૪ આપણે યહોવાહ પરમેશ્વર અને તેમના હેતુઓ વિષે તથા ઈસુ ખ્રિસ્ત અને પરમેશ્વરના હેતુઓ પૂરા કરવામાં તેમની ભૂમિકા વિષેનું ચોક્સાઈભર્યું જ્ઞાન મેળવ્યું છે. એ પછી જ આપણે પૂરા હૃદયથી, જીવથી, બુદ્ધિથી અને શક્તિથી યહોવાહ પરમેશ્વરની ભક્તિ કરવાનો વ્યક્તિગત નિર્ણય લીધો છે. (માર્ક ૮:૩૪; ૧૨:૩૦; યોહાન ૧૭:૩) એમ કરીને જાણે વ્યક્તિએ સોગંદ ખાઈને, અચકાયા વગર પરમેશ્વરને સમર્પણ કર્યું છે એમ કહી શકાય. આપણે લાગણીશીલ બની જઈને સમર્પણ કર્યું નથી. પરંતુ, આપણે પ્રાર્થનાપૂર્વક અને સમજી વિચારીને નિર્ણય લીધો છે. તેથી, એ કાયમી નિર્ણય છે. આપણે એવી વ્યક્તિ જેવા બની શકતા નથી કે જેણે ખેડવાનું કામ શરૂ કર્યા પછી બહુ અઘરું લાગતા એને છોડી દે અથવા કાપણીને તો હજુ ઘણી વાર છે એવું વિચારીને છોડી દે કે પછી પાક થશે કે નહિ એ વિષે અચોક્કસ હોવાથી છોડી દે. ચાલો આપણે અમુક વ્યક્તિઓનાં ઉદાહરણો તપાસીએ કે જેઓએ ગમે તેવી મુશ્કેલીઓમાં પણ પરમેશ્વરે સોંપેલી જવાબદારીઓ નિભાવી.—લુક ૯:૬૨; રૂમી ૧૨:૧, ૨.

સમર્પણને નકારનારા નહિ

૫ યરૂશાલેમમાં યિર્મેયાહે લગભગ ૪૦ કરતાં વધુ વર્ષો (૬૪૭-૬૦૭ બી.સી.ઈ.) સુધી પ્રબોધક તરીકે સેવા કરી એ કંઈ એટલું સહેલું ન હતું. તે પોતાની મર્યાદાઓ જાણતા હતા. (યિર્મેયાહ ૧:૨-૬) તેમને દરરોજ યહુદાના માથાભારે લોકોનો સામનો કરવા હિંમત અને સહનશક્તિની જરૂર હતી. (યિર્મેયાહ ૧૮:૧૮; ૩૮:૪-૬) તેથી, તેમણે પોતાનો પૂરો ભરોસો યહોવાહ પર મૂક્યો અને તેમણે તેમને શક્તિ પણ આપી. પરિણામે, તે ખરેખર પરમેશ્વરના સમર્પિત સેવક પુરવાર થઈ શક્યા.—યિર્મેયાહ ૧:૧૮, ૧૯.

૬ વફાદાર પ્રેષિત યોહાનને મોટી ઉંમરે “દેવના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે” પાત્મસ નામના ટાપુ પર ગુલામી ભોગવવી પડી હતી, તેમના વિષે શું? (પ્રકટીકરણ ૧:૯) પોતાનું સમર્પણ કર્યા પછી તે લગભગ ૬૦ વર્ષો સુધી દુઃખ સહન કરીને ખ્રિસ્તી સમર્પણ પ્રમાણે જીવ્યા. રોમન લશ્કરોએ યરૂશાલેમનો વિનાશ કર્યો એ પછી પણ તે જીવતા હતા. તેમણે બાઇબલમાં પોતાના નામનું એક પુસ્તક લખ્યું, યહોવાહની પ્રેરણા હેઠળ ત્રણ પત્રો લખ્યા અને પ્રકટીકરણનું પુસ્તક લખ્યું, જેમાં તેમણે આર્માગેદ્દોન યુદ્ધના સંદર્શન વિષે પણ લખ્યું. યોહાનને ખબર પડી કે પોતાના જીવનમાં આર્માગેદ્દોન જોવા નહિ મળે ત્યારે, શું તેમણે પોતાનું કાર્ય છોડી દીધું? શું તે એકદમ નિરાશ થઈ ગયા? ના, યોહાન જાણતા હતા કે નિયુક્ત “સમય પાસે છે” છતાં, તેમને થયેલા સંદર્શનની પરિપૂર્ણતાને ઘણી વાર હતી, તોપણ તે પોતાના મૃત્યુ સુધી વફાદાર રહ્યા.—પ્રકટીકરણ ૧:૩; દાનીયેલ ૧૨:૪.

સમર્પણનાં આધુનિક ઉદાહરણો

૭ આપણા સમયમાં, હજારો વિશ્વાસુ ખ્રિસ્તીઓ પોતાના જીવનમાં આર્માગેદ્દોન જોશે કે નહિ એ જાણતા ન હોવા છતાં, મરણ સુધી ઉત્સાહથી પોતાના સમર્પણ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમાંના એક ઇંગ્લૅંડના ભાઈ અરનેસ્ટ ઈ. બીવર હતા. તે બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં જ યહોવાહના સાક્ષી બન્યા હતા. તેમણે પૂરા સમયની સેવા કરવા માટે પ્રેસમાં ફોટોગ્રાફીની નોકરી છોડી દીધી. તે ખ્રિસ્તી તરીકે તટસ્થ રહ્યા. તેથી તેમને બે વર્ષની જેલ થઈ હતી. તેમના કુટુંબે તેમને પૂરો ટેકો આપ્યો અને ૧૯૫૦માં તેમનાં ત્રણ બાળકોને ન્યૂયૉર્કની વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડમાં બોલાવવામાં આવ્યા. ભાઈ બીવર પ્રચારકાર્યમાં એટલા બધા ઉત્સાહી હતા કે તેમના મિત્રો તેમને આર્માગેદ્દોન અરની તરીકે બોલાવતા હતા. તે વફાદારીપૂર્વક પોતાના સમર્પણ પ્રમાણે જીવ્યા અને ૧૯૮૬માં પોતાના મૃત્યુ સુધી પરમેશ્વરના યુદ્ધ આર્માગેદ્દોન વિષે પ્રચાર કરતા રહ્યા. જોકે તેમણે કદી એવું ન વિચાર્યું કે પોતાનું જીવન પરમેશ્વરને ફક્ત થોડા સમય માટે જ સમર્પણ કર્યું છે.b—૧ કોરીંથી ૧૫:૫૮.

૮ એવો જ ઉત્સાહ સ્પેનમાં પણ જોવા મળ્યો. ફ્રાન્કોના શાસન દરમિયાન, (૧૯૩૯-૭૫) સેંકડો સમર્પિત યુવાન સાક્ષીઓ ખ્રિસ્તી તરીકે તટસ્થ રહ્યા. તેથી એમાંના ઘણા યુવાનોએ ૧૦ કે એથી વધુ વર્ષો જેલમાં ગાળ્યા. જીસસ માર્ટીન નામના એક ભાઈને જુદા જુદા આરોપો હેઠળ કુલ ૨૨ વર્ષની જેલની સજા થઈ. તે ઉત્તર આફ્રિકાની મિલીટરી જેલમાં હતા ત્યારે, તેમને ભયંકર રીતે માર મારવામાં આવ્યો. એ સહન કરવું કંઈ સહેલું ન હતું છતાં, તે એકના બે ન થયા.

૯ આ યુવાન ભાઈઓને એક પછી એક સજા થઈ રહી હતી. પોતે છૂટશે કે કેમ એ વિચારવું પણ તેઓ માટે અઘરું હતું. તોપણ, કેદમાં તેઓએ પ્રમાણિકતા જાળવી રાખી અને પ્રચારકાર્યમાં તેઓનો ઉત્સાહ ઠંડો પડ્યો નહિ. વર્ષ ૧૯૭૩માં પરિસ્થિતિ સુધરી ત્યારે, તેઓમાંથી ઘણા ભાઈઓ કેદમાંથી છૂટ્યા. પછી તેઓ તરત પૂરા સમયની સેવામાં જોડાઈ ગયા. અમુક ખાસ પાયોનિયરો બન્યા અને બીજાઓ પ્રવાસી નિરીક્ષકો બન્યા. તેઓ કેદમાં હતા ત્યારે પોતાના સમર્પણ પ્રમાણે જીવ્યા અને એમાંથી છૂટ્યા પછી પણ એ પ્રમાણે જીવી રહ્યા છે.c આજે આપણા વિષે શું? શું આપણે પણ આ વફાદાર ભાઈઓની જેમ આપણા સમર્પણ પ્રમાણે જીવી રહ્યા છીએ?—હેબ્રી ૧૦:૩૨-૩૪; ૧૩:૩.

આપણા સમર્પણ માટે યોગ્ય વલણ

૧૦ પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવા આપણે જે સમર્પણ કર્યું છે એ માટે કેવું વલણ હોવું જોઈએ? શું એ આપણા જીવનમાં પ્રથમ છે? આપણે યુવાન કે વૃદ્ધ, પરિણીત કે કુંવારા, તંદુરસ્ત કે બીમાર, કે પછી ગમે તે સંજોગોમાં હોઈએ છતાં, આપણે બની શકે એટલું આપણા સમર્પણ પ્રમાણે જીવવું જોઈએ. વ્યક્તિના સંજોગો તેને પાયોનિયર, વૉચટાવર સોસાયટીની શાખા કચેરીમાં સ્વયંસેવક, મિશનરિ કે પ્રવાસી નિરીક્ષક તરીકે કામ કરવા પરવાનગી આપી શકે. બીજી બાજુ, કેટલાંક માબાપ પોતાના કુટુંબની ભૌતિક અને આત્મિક જરૂરિયાતો પૂરી પાડે છે. તેઓ પ્રચારકાર્યમાં મહિનામાં ફક્ત થોડા કલાકો જ ગાળે છે. તો શું તેઓ કરતાં પૂરા સમયની સેવામાં વધુ કલાક કરનારા ભાઈ-બહેનો યહોવાહની નજરમાં વધુ મૂલ્યવાન છે? ના. આપણે જેટલું કરી શકીએ છીએ એના કરતાં વધારેની યહોવાહ અપેક્ષા રાખતા નથી. પ્રેષિત પાઊલે આ સિદ્ધાંત જણાવ્યો: “જો ઇચ્છા હોય, તો તે કોઈની પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે માન્ય છે.”—૨ કોરીંથી ૮:૧૨.

૧૧ જોકે, આપણે જે કાર્યો કરીએ છીએ એનાથી જ તારણ મળી જવાનું નથી, પરંતુ એ ઈસુ ખ્રિસ્ત દ્વારા યહોવાહની અપાત્ર કૃપા પર આધારિત છે. પાઊલે સ્પષ્ટપણે સમજાવ્યું: “સઘળાએ પાપ કર્યું છે, અને દેવના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે; પણ ઈસુ ખ્રિસ્તથી જે ઉદ્ધાર છે, તેની મારફતે દેવની કૃપાથી તેઓ વિનામૂલ્ય ન્યાયી ગણાય છે.” તેમ છતાં, આપણાં કામો પરથી એ દેખાઈ આવે છે કે આપણને પરમેશ્વરનાં વચનોમાં પૂરો ભરોસો છે કે કેમ.—રૂમી ૩:૨૩, ૨૪; યાકૂબ ૨:૧૭, ૧૮, ૨૪.

૧૨ આપણે પ્રચારમાં કેટલો સમય ગાળીએ છીએ, કેટલું સાહિત્ય આપીએ છીએ અથવા કેટલા બાઇબલ અભ્યાસ ચલાવીએ છીએ એ વિષે કોઈ સાથે સરખામણી કરવાની જરૂર નથી. (ગલાતી ૬:૩, ૪) ભલેને આપણે સેવાકાર્યમાં ગમે તેટલું કર્યું હોય તેમ છતાં, ઈસુએ નમ્રતાના જે શબ્દો કહ્યા એ આપણે યાદ રાખવા જોઈએ: “જે આજ્ઞાઓ તમને આપેલી છે તે સર્વ પાળ્યા પછી તમારે પણ એમ કહેવું, કે અમે નકામા ચાકરો છીએ; કેમકે જે કરવાની અમારી ફરજ હતી તેજ અમે કર્યું છે.” (લુક ૧૭:૧૦) આપણે શું હર વખતે એમ કહી શકીએ કે ‘જે આજ્ઞાઓ અમને આપેલી’ છે એ સર્વ અમે પૂરી કરી છે? તેથી પ્રશ્ન ઊભો થાય છે કે આપણે યહોવાહની જે સેવા કરીએ છીએ એ કેવી હોવી જોઈએ?—૨ કોરીંથી ૧૦:૧૭, ૧૮.

દરરોજ મન લગાડીને સેવા કરો

૧૩ પત્નીઓ, પતિઓ, બાળકો, માબાપો અને નોકરોને સલાહ આપ્યા પછી, પાઊલે લખ્યું: “માણસોને સારૂ નહિ પણ જાણે પ્રભુને સારૂ છે, એમ સમજીને જે કંઈ તમે કરો, તે સઘળું ખરા દિલથી કરો; કેમકે તમે જાણો છો કે પ્રભુ પાસેથી તમને વારસાનો બદલો મળશે; તમે તો પ્રભુ ખ્રિસ્તની સેવા કરો છો.” (કોલોસી ૩:૨૩, ૨૪) આમ, આપણે લોકો પાસેથી પ્રશંસા મેળવવા યહોવાહની સેવા કરતા નથી. પરંતુ આપણે ઈસુની જેમ યહોવાહની સેવા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તેમણે પ્રચારની બાબતમાં ઓછા સમયમાં પોતાનાથી બનતું બધું જ કર્યું.—૧ પીતર ૨:૨૧.

૧૪ સમય ઓછો છે, એના પર પ્રેષિત પીતરે પણ ભાર મૂક્યો. તેમણે પોતાના બીજા પત્રમાં ચેતવણી આપી કે છેલ્લા દિવસોમાં મશ્કરી કરનારાઓ, ધર્મ વિરોધીઓ તથા શંકા કરનારાઓ ઊભા થશે. તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે ખ્રિસ્તના પાછા આવવા વિષે શંકાઓ ઊભી કરશે. પરંતુ, પીતરે કહ્યું: “વિલંબનો જેવો અર્થ કેટલાએક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી; પણ કોઈનો નાશ ન થાય પણ સઘળાં પશ્ચાત્તાપ કરે, એવું ઈચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે. પણ જેમ ચોર આવે છે, તેમ પ્રભુનો દિવસ આવશે.” હા, યહોવાહનો દિવસ ચોક્કસ આવશે. તેથી આપણે દરરોજ તપાસવું જોઈએ કે પરમેશ્વરનાં વચનોમાં આપણો વિશ્વાસ કેટલો મક્કમ છે.—૨ પીતર ૩:૩, ૪, ૯, ૧૦.

૧૫ આપણે આપણા સમર્પણ પ્રમાણે જીવવું હોય તો, દરેક દિવસ યહોવાહની સેવામાં વાપરવો જોઈએ. એમ કરવાથી દરરોજ દિવસના અંતે આપણે જોઈ શકીશું કે યહોવાહના નામને પવિત્ર મનાવવા અને રાજ્યનો પ્રચાર કરવા આપણે શું કર્યું છે. આપણે કદાચ આપણા સારા વર્તનથી, કોઈને ઉત્તેજન આપવાથી અને કુટુંબ તથા મિત્રો માટે પ્રેમાળ કાળજી રાખીને એમ કર્યું હોય શકે. આપણી ખ્રિસ્તી આશા વિષે બીજા લોકોને જણાવવાની જેટલી તક મળી હતી એનો શું આપણે ઉપયોગ કર્યો છે? શું પરમેશ્વરે આપેલી આશા વિષે કોઈને શીખવવામાં આપણે ખરેખર મદદ કરી છે? ચાલો આપણે યહોવાહની ભક્તિમાં દરરોજ કંઈક એવું કરતા રહીએ, જેનાથી પોતાને સારું આત્મિક બૅંકના ખાતામાં ધન જમા થતું રહે.—માત્થી ૬:૨૦; ૧ પીતર ૨:૧૨; ૩:૧૫; યાકૂબ ૩:૧૩.

હંમેશા સજાગ રહો

૧૬ અત્યારનો સમય ખ્રિસ્તીઓ માટે વધુને વધુ મુશ્કેલ બનતો જાય છે. આપણે સાચા અને ખોટાં, શુદ્ધ અને અશુદ્ધ, નૈતિક અને અનૈતિક, નીતિ અને અનીતિ વચ્ચે ભેદ ન જોઈ શકીએ માટે શેતાન અને તેના ભૂતો ખૂબ જ પ્રયત્ન કરે છે. (રૂમી ૧:૨૪-૨૮; ૧૬:૧૭-૧૯) તે આપણાં મન અને હૃદયોને ભ્રષ્ટ કરવા ઇંટરનેટ અને ટીવીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યો છે. તેથી વિશ્વાસમાં દૃઢ નહિ રહીએ તો, આપણે શેતાનના શિકાર બનીશું અને “હળ” પરની આપણી પકડ ઢીલી થશે. પરિણામે, આપણા સમર્પણ પ્રમાણે જીવવામાં નિષ્ફળ જઈ શકીએ.—લુક ૯:૬૨; ફિલિપી ૪:૮.

૧૭ તેથી થેસ્સાલોનીકાના ભાઈઓને પાઊલે જે લખ્યું એ સમયસરનું છે: “દેવની ઇચ્છા એવી છે, કે તમારૂં પવિત્રીકરણ થાય, એટલે કે તમે વ્યભિચારથી દૂર રહો; અને તમારામાંનો દરેક, દેવને ન જાણનારા વિદેશીઓની પેઠે, વિષયવાસનામાં નહિ, પણ પવિત્રતામાં તથા માનમાં પોતાનું પાત્ર રાખી જાણે.” (૧ થેસ્સાલોનીકી ૪:૩-૫) જેઓ પોતાના સમર્પણ પ્રમાણે ન જીવ્યા, તેઓને અનૈતિકતાએ પોતાના પંજામાં ફસાવી દીધા અને છેવટે તેઓ ખ્રિસ્તી મંડળમાંથી બહિષ્કૃત થયા. તેઓનો પરમેશ્વર સાથેનો સંબંધ એટલો નબળો પડી ગયો કે તેઓને એનું કંઈ જ મૂલ્ય ન રહ્યું. એટલે જ પાઊલે કહ્યું: “દેવે આપણને અશુદ્ધતાને સારૂ નહિ, પણ પવિત્રતામાં તેડ્યા છે. એ માટે જે અનાદર કરે છે તે તો માણસનો નહિ, પણ તમને પોતાનો પવિત્ર આત્મા આપનાર દેવનો અનાદર કરે છે.”—૧ થેસ્સાલોનીકી ૪:૭, ૮.

તમારો નિર્ણય શું છે?

૧૮ આપણે યહોવાહ પરમેશ્વરને સમર્પણ કર્યું છે એને ગંભીરતાથી લેતા હોઈએ, તો શું કરવાનો નિર્ણય લેવો જોઈએ? આપણી વર્તણૂક અને સેવાકાર્ય સંબંધી સારું અંતઃકરણ રાખવાનો આપણે પાકો નિર્ણય લેવો જોઈએ. પીતરે ભલામણ કરી: “શુદ્ધ અંતઃકરણ રાખો, કે જેથી જે બાબત વિષે તમારૂં ભૂંડું બોલાય છે તે વિષે જેઓ ખ્રિસ્તમાંની તમારી સારી ચાલની નિંદા કરે છે તેઓ શરમાઈ જાય.” (૧ પીતર ૩:૧૬) ખ્રિસ્તી વર્તણૂકને લીધે આપણે અપમાન કે દુઃખ પણ સહેવું પડે, પરંતુ ઈસુએ પણ પરમેશ્વરને વફાદાર અને પ્રમાણિક રહેવા બધું જ સહ્યું હતું. તેથી, પીતરે કહ્યું: “હવે ખ્રિસ્તે આપણે સારૂ દેહમાં દુઃખ સહ્યું છે, માટે તમે પણ એવું જ મન રાખીને હથિયારબંધ થાઓ; કેમકે જેણે દેહમાં દુઃખ સહ્યું છે તે પાપથી મુક્ત થયો છે.”—૧ પીતર ૪:૧.

૧૯ આપણા સમર્પણ પ્રમાણે જીવવાનો પાકો નિર્ણય કરવાથી, આત્મિકતામાં, નૈતિકતામાં અને શારીરિક રીતે તોડી પાડે એવી શેતાનની ચાલથી આપણું રક્ષણ થશે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે પરમેશ્વરની કૃપા આપણી સાથે છે. શેતાન કે એનું જગત આપી શકે એના કરતાં પરમેશ્વરની એ કૃપા બહુ મૂલ્યવાન છે. તેથી, આપણા વિષે કદી એવું કહેવામાં ન આવે કે આપણે હવે યહોવાહની ભક્તિમાં પહેલાંની જેમ ઉત્સાહી નથી. એને બદલે, પ્રથમ સદીના થુઆતૈરા મંડળની જેમ આપણા વિષે પણ આમ કહેવામાં આવવું જોઈએ: “તારાં કામ, તારો પ્રેમ, તારી સેવા, તારો વિશ્વાસ તથા તારી ધીરજ હું જાણું છું, અને તારાં છેલ્લાં કામ પહેલાંના કરતાં અધિક છે એ પણ હું જાણું છું.” (પ્રકટીકરણ ૨:૪, ૧૮, ૧૯) તેથી ચાલો, આપણે આપણા સમર્પણ સંબંધી હૂંફાળા ન બનીએ, પરંતુ અંત સુધી ‘આત્મામાં ઉત્સાહી થઈએ,’ કેમ કે અંત બહુ પાસે છે.—રૂમી ૧૨:૧૧; પ્રકટીકરણ ૩:૧૫, ૧૬.

[ફુટનોટ્‌સ]

a ચોકીબુરજ (અંગ્રેજી) એપ્રિલ ૧૫, ૧૯૮૭, પાન ૩૧ જુઓ.

b ચોકીબુરજ (અંગ્રેજી) માર્ચ ૧૫, ૧૯૮૦, પાન ૮-૧૧ પર અરનેસ્ટ બીવરના જીવન વિષે વિગતવાર માહિતી જુઓ.

c વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત ૧૯૭૮ યરબુક ઑફ જેહોવાઝ વીટનેસીસ, પાન ૧૫૬-૮, ૨૦૧-૧૮ જુઓ.

શું તમને યાદ છે?

• સમર્પણમાં શું સમાયેલું છે?

• પ્રાચીન અને આજના કયાં ઉદાહરણોનું આપણે અનુકરણ કરવું જોઈએ?

• પરમેશ્વરની સેવા માટે આપણું વલણ કેવું હોવું જોઈએ?

• પરમેશ્વરને સમર્પણ સંબંધી આપણો નિર્ણય શું હોવો જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

૧. ખેલાડીઓ પ્રથમ આવવા શું કરે છે?

૨. બાઇબલ પ્રમાણે સમર્પણનો અર્થ શું થાય? ઉદાહરણ આપો.

૩. આપણા સમર્પણની આપણા જીવન પર શું અસર પડવી જોઈએ?

૪. આપણે કઈ રીતે સમર્પણ કરી શકીએ અને એ શાના જેવું છે?

૫. પરમેશ્વરના વફાદાર સેવક તરીકે યિર્મેયાહનું ઉદાહરણ કઈ રીતે નોંધપાત્ર છે?

૬. પ્રેષિત યોહાને આપણા માટે કેવું ઉદાહરણ પૂરું પાડ્યું?

૭. એક ભાઈએ કઈ રીતે ખ્રિસ્તી સમર્પણનું સારું ઉદાહરણ પૂરું પાડ્યું?

૮, ૯. (ક) ફ્રાન્કોના શાસન દરમિયાન સ્પેનમાં ઘણા યુવાન ભાઈઓએ કેવું ઉદાહરણ બેસાડ્યું? (ખ) આપણે ક્યા પ્રશ્નો પૂછવા જોઈએ?

૧૦. (ક) આપણે આપણા સમર્પણ માટે કેવું વલણ રાખવું જોઈએ? (ખ) આપણે યહોવાહની ભક્તિમાં જે કંઈ કરીએ છીએ એને તે કેવું ગણે છે?

૧૧. આપણું તારણ શાના પર આધારિત છે?

૧૨. શા માટે આપણે કોઈની સાથે પોતાની સરખામણી ન કરવી જોઈએ?

૧૩. આપણા સમર્પણ પ્રમાણે જીવવામાં આપણું વલણ કેવું હોવું જોઈએ?

૧૪. છેલ્લા દિવસો વિષે પીતરે કઈ ચેતવણી આપી હતી?

૧૫. આપણે દરરોજ પોતાને શું પૂછવું જોઈએ?

૧૬. કઈ રીતોએ શેતાન આપણું સમર્પણ નિષ્ફળ કરવાનો પ્રયત્ન કરે છે?

૧૭. પાઊલની સલાહ કઈ રીતે આપણને પરમેશ્વર સાથેનો સંબંધ જાળવી રાખવા મદદ કરે છે?

૧૮. આપણે કેવો નિર્ણય લેવો જોઈએ?

૧૯. આપણા વિષે શું કહેવાય એવું આપણે ઇચ્છીએ છીએ?

[પાન ૧૫ પર ચિત્ર]

યિર્મેયાહ સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો છતાં તે વફાદાર રહ્યા

[પાન ૧૬ પર ચિત્ર]

અરનેસ્ટ બીવરે પોતાનાં બાળકો માટે ઉત્સાહી ખ્રિસ્તી તરીકેનું ઉદાહરણ પૂરું પાડ્યું

[પાન ૧૭ પર ચિત્ર]

સ્પેનમાં સેંકડો યુવાનોએ કેદમાં પણ પ્રમાણિકતા જાળવી રાખી

[પાન ૧૮ પર ચિત્રો]

દરરોજ આત્મિક ધન ભેગું કરતા રહીએ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો