દૃઢ હૃદયથી યહોવાહની સેવા કરો
“હે ઇશ્વર, મારૂં હૃદય દૃઢ છે, મારૂં હૃદય દૃઢ છે.”—ગીતશાસ્ત્ર ૫૭:૭.
યહોવાહ આપણને વિશ્વાસમાં દૃઢ કરે છે. તેથી, આપણે તેમના સમર્પિત સેવકો તરીકે સાચા ખ્રિસ્તી ધર્મને વળગી રહી શકીએ. (રૂમી ૧૪:૪) આથી, આપણે ગીતકર્તા દાઊદની જેમ ખાતરી રાખી શકીએ: “હે ઇશ્વર, મારૂં હૃદય દૃઢ છે.” (ગીતશાસ્ત્ર ૧૦૮:૧) જો આપણું હૃદય દૃઢ હોય તો, એ આપણને પરમેશ્વરને કરેલા સમર્પણ પ્રમાણે જીવવા પ્રેરણા આપશે. માર્ગદર્શન અને સામર્થ્ય માટે તેમના પર આધાર રાખીને, ‘પ્રભુના કામમાં સદા મચ્યા રહીને’ તેમ જ આપણા નિર્ણય અને વિશ્વાસમાં મક્કમ રહીને આપણે પ્રમાણિકતા જાળવનારાઓ તરીકે દૃઢ છીએ એમ પુરવાર કરી શકીએ.—૧ કોરીંથી ૧૫:૫૮.
૨ પ્રેષિત પાઊલે, કોરીંથ મંડળના ખ્રિસ્તીઓને આપેલી સલાહ આજના ખ્રિસ્તીઓને પણ એટલી જ લાગુ પડે છે. તેમણે કહ્યું: “સાવધ રહો, વિશ્વાસમાં દૃઢ રહો, પુરુષાતન દેખાડો, બળવાન થાઓ.” (૧ કોરીંથી ૧૬:૧૩) ગ્રીકમાં આ કલમમાં દરેક આજ્ઞા વર્તમાનકાળમાં આપવામાં આવી છે. આમ, એ આ પ્રમાણે સતત કરતા રહેવાની વિનંતી કરે છે. આ સલાહનો શું અર્થ થાય છે?
૩ આપણે શેતાનનો સામનો કરીને તેમ જ પરમેશ્વરની નજીક રહીને આત્મિક રીતે ‘સાવધ રહી’ શકીએ. (યાકૂબ ૪:૭, ૮) યહોવાહ પર ભરોસો રાખવાથી આપણને એકતામાં અને ‘ખ્રિસ્તી વિશ્વાસમાં દૃઢ રહેવા’ મદદ મળે છે. આપણે સર્વ રાજ્ય પ્રચારકો તરીકે પરમેશ્વરની હિંમતથી સેવા કરીને ‘પુરુષાતન દેખાડી’ શકીએ, એમાં આપણી મધ્યે રહેલી બહેનોનો પણ સમાવેશ થાય છે. (ગીતશાસ્ત્ર ૬૮:૧૧) આપણે યહોવાહ પાસે તેમની ઇચ્છા પ્રમાણે કરવા સામર્થ્ય માંગીને ‘બળવાન થવા’ તેમના પર મીટ માંડવી જોઈએ.—ફિલિપી ૪:૧૩.
૪ આપણે યહોવાહને પૂરેપૂરું સમર્પણ કરીને પાણીનું બાપ્તિસ્મા લીધું ત્યારે, આપણે બતાવ્યું કે આપણે સત્યને સ્વીકાર્યું છે. પરંતુ, બાપ્તિસ્મા લેવા આપણે કયાં પગલાં લીધાં? સૌ પ્રથમ, આપણે પરમેશ્વરના શબ્દનું ચોકસાઈભર્યું જ્ઞાન લીધું. (યોહાન ૧૭:૩) એનાથી આપણામાં વિશ્વાસ ઉત્પન્ન થયો અને એણે આપણને ભૂતકાળમાં કરેલી ભૂલો પર ખરેખર પસ્તાવો કરવા પ્રેર્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૯; હેબ્રી ૧૧:૬) ત્યાર પછી આપણે આપણા જીવનમાં પરિવર્તન લાવ્યા અને પરમેશ્વરની ઇચ્છાના સુમેળમાં જીવવા માટે સર્વ ખોટી બાબતો છોડી દીધી. (રૂમી ૧૨:૨; એફેસી ૪:૨૩, ૨૪) પછી આપણે પૂરા હૃદયથી યહોવાહને પ્રાર્થનામાં સમર્પણ કર્યું. (માત્થી ૧૬:૨૪; ૧ પીતર ૨:૨૧) આપણે સારા અંતઃકરણ માટે યહોવાહને વિનંતી કરી અને તેમને કરેલા સમર્પણની સંજ્ઞારૂપે બાપ્તિસ્મા લીધું. (૧ પીતર ૩:૨૧) આપણે આ જે પગલાં લીધાં છે એના પર મનન કરીશું તો, એ આપણને ખંતપૂર્વક આપણા સમર્પણ પ્રમાણે જીવવામાં અને દૃઢ હૃદયથી યહોવાહની સેવા કરતા રહેવામાં મદદ કરશે.
સતત ચોકસાઈભર્યું જ્ઞાન લેવું
૫ યહોવાહને કરેલા આપણા સમર્પણ પ્રમાણે જીવવા માટે, આપણે વિશ્વાસ વધારનાર બાઇબલ જ્ઞાનને સતત લેતા રહેવું જોઈએ. આપણે પહેલી વાર બાઇબલ સત્ય જાણ્યું ત્યારે, આપણે આત્મિક ખોરાક લઈને કેટલા ખુશ થયા હતા! (માત્થી ૨૪:૪૫-૪૭) એ “ખોરાક” સ્વાદિષ્ટ હતો અને એનાથી આપણે આત્મિક રીતે સારું પોષણ પણ મેળવ્યું. હવે આપણે પૌષ્ટિક ખોરાક લેતા રહીએ એ બહુ જ જરૂરી છે જેથી, આપણે યહોવાહના સમર્પિત સેવકો તરીકે દૃઢ હૃદય જાળવી રાખીએ.
૬ બાઇબલનું વધારે જ્ઞાન લેતા રહેવા આપણે પ્રયત્નો કરીએ એ જરૂરી છે. એ છુપાવેલા ખજાના જેવું છે કે જે સખત મહેનત માંગી લે છે. પરંતુ, “દેવનું જ્ઞાન” મેળવવું કેટલું આનંદ આપનારું છે! (નીતિવચનો ૨:૧-૬) રાજ્ય પ્રચારકોએ પહેલી વાર તમારી સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો ત્યારે, તેમણે જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકનો ઉપયોગ કર્યો હશે. દરેક પ્રકરણની ચર્ચા કરવા તમે સારો એવો સમય લીધો હોય શકે અથવા એક કરતાં વધારે વખત અભ્યાસ કરવા ભેગા મળ્યા હોય શકો. તમે ઉલ્લેખેલી કલમો વાંચી અને ચર્ચા કરીને એમાંથી લાભ મેળવ્યો. કોઈ મુદ્દો સમજવામાં તમને અઘરો લાગ્યો હોય તો, તમને એની સમજણ આપવામાં આવી. તમારી સાથે બાઇબલ અભ્યાસ ચલાવનાર વ્યક્તિએ સારી તૈયારી કરી, પરમેશ્વરના પવિત્ર આત્મા માટે પ્રાર્થના કરી અને તમને સત્ય માટે હૃદયપૂર્વકની કદર વિકસાવવામાં મદદ કરી.
૭ એવા પ્રયત્નો કરવા યોગ્ય હતા કેમ કે પાઊલે લખ્યું: “સુવાર્તા વિષે જે શીખનાર છે તેણે શિખવનારને સર્વ સારાં વાનાંમાંથી હિસ્સો આપવો.” (ગલાતી ૬:૬) અહીં ગ્રીક કલમ બતાવે છે કે પરમેશ્વરના શબ્દને ‘શીખનારના’ મન અને હૃદયમાં એ ઠસાવવું જોઈએ. એ રીતે શીખીને તમે બીજાઓને શીખવવા લાયક બનો છો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૨૫) તમારા સમર્પણ પ્રમાણે જીવવા માટે, તમારે પોતાની આત્મિક તંદુરસ્તી જાળવી રાખવી જોઈએ અને પરમેશ્વરના શબ્દનો નિયમિત અભ્યાસ કરીને દૃઢ થવું જોઈએ.—૧ તીમોથી ૪:૧૩; તીતસ ૧:૧૩; ૨:૨.
તમારો પસ્તાવો અને પરિવર્તન યાદ રાખો
૮ તમે સત્ય શીખ્યા, પસ્તાવો કર્યો અને પછી ખ્રિસ્તના ખંડણી બલિદાનને આધારે માફી મેળવી, ત્યારે તમને જે રાહત મળી હતી એ શું તમને યાદ છે? (ગીતશાસ્ત્ર ૩૨:૧-૫; રૂમી ૫:૮; ૧ પીતર ૩:૧૮) સાચે જ, તમે પાછા એ પાપી જીવનમાં જવા ઇચ્છતા નથી. (૨ પીતર ૨:૨૦-૨૨) એ ઉપરાંત, યહોવાહને નિયમિત પ્રાર્થના કરવાથી તમને દૈવી વર્તણૂક જાળવી રાખવા, તમારા સમર્પણ પ્રમાણે જીવવા અને યહોવાહની વિશ્વાસુપણે સેવા કરવામાં મદદ મળશે.—૨ પીતર ૩:૧૧, ૧૨.
૯ ખરાબ કાર્યો છોડી દીધા પછી, તમે તમારા હૃદયને દૃઢ રાખવા યહોવાહની મદદ માંગતા રહો. વાસ્તવમાં, તમે ખોટા માર્ગે જઈ રહ્યા હતા પરંતુ, ભરોસાપાત્ર નકશાનો ઉપયોગ કરીને તમે સાચા માર્ગે ચાલવાનું શરૂ કર્યું. તો પછી, હવે એમાંથી ફંટાઈ ન જાવ. યહોવાહના માર્ગદર્શન પર ભરોસો રાખો અને જીવનના માર્ગ પર ચાલતા રહેવાનો નિશ્ચય કરો.—યશાયાહ ૩૦:૨૦, ૨૧; માત્થી ૭:૧૩, ૧૪.
તમારા સમર્પણ અને બાપ્તિસ્માને ક્યારેય ન ભૂલો
૧૦ યાદ રાખો કે તમે યહોવાહને પ્રાર્થનામાં તમારું સમર્પણ કર્યું ત્યારે, હંમેશ માટે તેમને વફાદાર રહીને તેમની સેવા કરવાનો નિર્ણય કર્યો હતો. (યહુદા ૨૦, ૨૧) સમર્પણ, પવિત્ર હેતુ માટે અલગ રાખવું કે અલગ પાડવાને બતાવે છે. (લેવીય ૧૫:૩૧; ૨૨:૨) તમારું સમર્પણ કંઈ થોડા સમય માટેનું કે માણસો સાથે કરેલો કોઈ કરાર નથી. એ તો વિશ્વના સર્વોપરીને હંમેશ માટે કરેલું સમર્પણ છે અને એ પ્રમાણે જીવવામાં મરણપર્યંત પરમેશ્વરને વફાદાર રહેવું જરૂરી છે. હા, ‘આપણે જીવીએ કે મરીએ એ યહોવાહની ખાતર છે.’ (રૂમી ૧૪:૭, ૮) આપણું સુખ પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા અને દૃઢ હૃદયથી તેમની સેવામાં લાગુ રહેવા પર આધારિત છે.
૧૧ હંમેશાં યાદ રાખો કે તમારું બાપ્તિસ્મા એ પરમેશ્વરને તમારા હૃદયપૂર્વકના સમર્પણનું પ્રતીક છે. તમને કોઈ બળજબરી કરવામાં આવી ન હતી, પણ તમે પોતે એ નિર્ણય લીધો હતો. શું હવે તમે તમારું બાકીનું જીવન યહોવાહની ઇચ્છાના સુમેળમાં જીવવાનો સંકલ્પ નહીં કરો? તમે સારા અંતઃકરણ માટે પરમેશ્વરને વિનંતી કરી અને તેમને સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું. તો પછી, તમારા સમર્પણ પ્રમાણે જીવવા સારું અંતઃકરણ જાળવી રાખો અને યહોવાહના ભરપૂર આશીર્વાદો તમારા પર હશે.—નીતિવચનો ૧૦:૨૨.
તમારી ઇચ્છા ભાગ ભજવે છે
૧૨ સમર્પણ અને બાપ્તિસ્માથી સાચે જ આખી દુનિયામાં લાખો લોકોને ભરપૂર આશીર્વાદો મળ્યા છે. આપણે પરમેશ્વરને પોતાનું સમર્પણ કરીને પાણીનું બાપ્તિસ્મા લઈએ છીએ ત્યારે, આપણા ભૂતકાળનાં કાર્યો નાશ પામે છે. પરંતુ, આપણી ઇચ્છા નાશ પામતી નથી. કેમ કે યોગ્ય શિક્ષણ લીધા પછી, આપણે પોતાની ઇચ્છાથી જ પરમેશ્વરને પ્રાર્થનામાં સમર્પણ કર્યું અને બાપ્તિસ્મા લીધું. આમ, પરમેશ્વરને આપણા જીવનનું સમર્પણ કરીને બાપ્તિસ્મા લેવામાં, આપણે પરમેશ્વરની ઇચ્છા જાણીએ અને જાતે જ એ પ્રમાણે કરવાનું પસંદ કરીએ એ જરૂરી છે. (એફેસી ૫:૧૭) આ રીતે, આપણે ઈસુનું અનુકરણ કરીએ છીએ કે જેમણે પોતાની ઇચ્છાથી સુથારી કામ છોડ્યું, બાપ્તિસ્મા લીધું અને સ્વર્ગીય પિતાની ઇચ્છાને પૂરી કરવા પોતાને પૂરેપૂરા સમર્પિત કર્યા.—ગીતશાસ્ત્ર ૪૦:૭, ૮; યોહાન ૬:૩૮-૪૦.
૧૩ યહોવાહ પરમેશ્વરનો હેતુ તેમનો દીકરો “દુઃખસહન દ્વારા સંપૂર્ણ” થાય એવો હતો. આથી, ઈસુએ તેમની ઇચ્છા પ્રમાણે કરવા વિશ્વાસુપણે આ પ્રકારનાં દુઃખ સહન કરવાનાં હતા. તેમણે પોતાને એટલી હદે અર્પી દીધા કે “મોટે ઘાંટે તથા આંસુસહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા, અને તેણે દેવનો ડર રાખ્યો, માટે તેની પ્રાર્થના સાંભળવામાં આવી.” (હેબ્રી ૨:૧૦, IBSI; ૧૮; હેબ્રી ૫:૭, ૮) જો આપણે પણ એવો જ યોગ્ય ભય બતાવીએ તો, આપણે ખાતરી રાખી શકીએ કે આપણી પ્રાર્થના “સાંભળવામાં” આવશે અને યહોવાહ આપણને તેમના સમર્પિત સાક્ષી તરીકે દૃઢ બનાવશે.—યશાયાહ ૪૩:૧૦.
તમે દૃઢ હૃદય જાળવી રાખી શકો
૧૪ કઈ બાબત તમને દૃઢ હૃદય જાળવી રાખવા અને પરમેશ્વરને કરેલા સમર્પણ પ્રમાણે જીવવા મદદ કરશે? પરમેશ્વરના શબ્દના જ્ઞાનમાં વધારો કરવા, નિયમિત બાઇબલ વાંચો. આ એક એવી બાબત છે કે જેના માટે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” આપણને સતત વિનંતી કરે છે. આ સલાહ આપવામાં આવી છે કારણ કે આપણા સમર્પણ પ્રમાણે જીવવા માટે આપણે પરમેશ્વરના સત્યમાં ચાલીએ એ જરૂરી છે. જો યહોવાહનું સંગઠન જાણીજોઈને ખોટા શિક્ષણને ચલાવી લેતું હોય તો, યહોવાહના સાક્ષીઓ અને તેઓ જેઓને પ્રચાર કરે છે તેઓને ક્યારેય બાઇબલ વાંચવાની સલાહ આપવામાં આવી ન હોત.
૧૫ આપણે કોઈ પણ નિર્ણય લઈએ ત્યારે, હંમેશાં યાદ રાખવું જોઈએ કે એની યહોવાહને કરેલા આપણાં સમર્પણ પર કેવી અસર પડશે. એ પછી તમારી નોકરી કે વ્યવસાયને લગતી બાબત પણ હોય શકે. શું તમે એનો સાચી ઉપાસનાને આગળ વધારવામાં મદદ કરે એવો પ્રયત્ન કરો છો? જોકે, સામાન્ય રીતે માલિકોને જોવા મળ્યું છે કે સમર્પિત ખ્રિસ્તીઓ ભરોસાપાત્ર અને કુશળ હોય છે. વળી, તેઓએ એ પણ નોંધ લીધી છે કે યહોવાહના સાક્ષીઓ જગતમાં નામના મેળવવા માટે લાલચુ હોતા નથી, તેમ જ તેઓ સારો હોદ્દો મેળવવા બીજાઓ સાથે હરીફાઈ પણ કરતા નથી. સંપત્તિ, નામના, મોભો કે સત્તા મેળવવી એ કંઈ સાક્ષીઓનો ધ્યેય નથી. પરમેશ્વરને કરેલા સમર્પણ પ્રમાણે જીવે છે તેઓ, તેમની ઇચ્છા પ્રમાણે કરવાને સૌથી વધારે મહત્ત્વ આપે છે. તેઓ જીવનની જરૂરિયાતો પૂરી કરતા નોકરી-ધંધાને ગૌણ ગણે છે. પ્રેષિત પાઊલની જેમ ખ્રિસ્તી સેવાકાર્ય એ તેઓનું સૌથી મહત્ત્વનું કામ છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૩, ૪; ૨ થેસ્સાલોનીકી ૩:૭, ૮; ૧ તીમોથી ૫:૮) શું તમે તમારા જીવનમાં પરમેશ્વરના રાજ્યને પ્રથમ રાખો છો?—માત્થી ૬:૨૫-૩૩.
૧૬ કેટલાક લોકો સત્ય શીખ્યા પહેલાં જીવનની વિવિધ ચિંતાઓથી લદાયેલા હતા. પરંતુ, હવે રાજ્ય આશા સ્વીકારવાથી તેઓના હૃદય કેવા આનંદ, કદર અને યહોવાહ માટેના પ્રેમથી ઊભરાઈ ગયા છે! તેઓએ પોતે મેળવેલા આશીર્વાદો પર મનન કર્યું હોવાથી, તેઓને યહોવાહને કરેલા સમર્પણ પ્રમાણે જીવવામાં મદદ મળી છે. બીજી બાજુ, જેમ કાંટાઓ ફણગાંને આગળ વધતા રોકે છે તેમ, આ જગતની બિનજરૂરી ચિંતાઓ ‘દેવના વચનને’ દાબી નાખે તો શું? (લુક ૮:૭, ૧૧, ૧૪; માત્થી ૧૩:૨૨; માર્ક ૪:૧૮, ૧૯) જો તમને એમ લાગતું હોય કે તમને કે તમારા કુટુંબમાં એવું થવા લાગ્યું છે તો, તમારી ચિંતાઓ યહોવાહ પર નાખી દો અને પ્રાર્થના કરો કે તે તમને પ્રેમ અને કદર વધારવામાં મદદ કરે. જો તમે તમારો બોજો યહોવાહ પર નાખી દેશો તો, તે તમને ટકાવી રાખશે અને તમને દૃઢ હૃદય સાથે આનંદથી તેમની સેવા કરવા જરૂરી સામર્થ્ય આપશે.—ગીતશાસ્ત્ર ૫૫:૨૨; ફિલિપી ૪:૬, ૭; પ્રકટીકરણ ૨:૪.
૧૭ તમે યહોવાહને પોતાનું સમર્પણ કરતી વખતે પ્રાર્થના કરી હતી તેમ, તેમને નિયમિત પ્રાર્થના કરતા રહો. (ગીતશાસ્ત્ર ૬૫:૨) તમે કંઈ ખોટું કરવા લલચાવ કે સખત કસોટીનો સામનો કરો ત્યારે, પરમેશ્વરનું માર્ગદર્શન મેળવો અને એ પ્રમાણે ચાલવા તેમની મદદ માંગો. વિશ્વાસ માટે મદદ માંગવાનું ભૂલો નહિ, જેના માટે શિષ્ય યાકૂબે લખ્યું: “તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં [કસોટી સહન કરવાની શક્તિમાં] અપૂર્ણ હોય, તો દેવ જે સર્વેને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતો નથી, તેની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે. પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માગવું; કેમકે જે કોઈ સંદેહ રાખે છે, તે પવનથી ઉછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે. એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું. બે મનવાળું માણસ પોતાનાં સઘળાં કાર્યમાં અસ્થિર છે.” (યાકૂબ ૧:૫-૮) કોઈ વાર આપણને એવું લાગે કે આપણે કસોટીનો સામનો કરી શકીશું નહિ ત્યારે, આપણે પરમેશ્વરના આ વચનમાં ખાતરી રાખી શકીએ: “માણસ સહન ન કરી શકે એવું કંઈ પરીક્ષણ તમને થયું નથી. વળી દેવ વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ; પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.”—૧ કોરીંથી ૧૦:૧૩.
૧૮ તમે ખાનગીમાં કરેલા કોઈ ગંભીર પાપને લીધે તમારું અંતઃકરણ ડંખતું હોય અને પરમેશ્વરને કરેલા સમર્પણ પ્રમાણે જીવવામાં તમે પાછા પડતા હોવ તો શું? જો તમે પસ્તાવો કર્યો હોય તો, તમે એ જાણીને દિલાસો મેળવી શકો કે યહોવાહ ‘રાંક અને નમ્ર હૃદયને ધિક્કારશે નહિ.’ (ગીતશાસ્ત્ર ૫૧:૧૭) પ્રેમાળ ખ્રિસ્તી વડીલો યહોવાહનું અનુકરણ કરતા હોવાથી તેઓની મદદ માંગો. તમે યહોવાહ સાથે ફરીથી સારો સંબંધ બાંધવા ઇચ્છતા હોવાથી, તેઓ તમને દરેક રીતે મદદ કરશે. (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૦-૧૪; યાકૂબ ૫:૧૩-૧૫) ત્યાર પછી, ફરીથી આત્મિક રીતે સામર્થ્ય પામીને અને દૃઢ હૃદયથી, તમે તમારા માર્ગો સીધા કરી શકશો અને પરમેશ્વરને કરેલા તમારા સમર્પણને પરિપૂર્ણ કરી શકશો.—હેબ્રી ૧૨:૧૨, ૧૩.
દૃઢ હૃદયથી સેવા કરતા રહો
૧૯ આ સંકટના સમયોમાં, આપણે યહોવાહને કરેલા સમર્પણ પ્રમાણે જીવવા અને દૃઢ હૃદયથી તેમની સેવા કરવા સખત મહેનત કરવી જોઈએ. ઈસુએ કહ્યું: “પણ અંત સુધી જે કોઈ ટકશે તેજ તારણ પામશે.” (માત્થી ૨૪:૧૩) આપણે “છેલ્લા સમયોમાં” જીવી રહ્યા હોવાથી, અંત ગમે ત્યારે આવી શકે. (૨ તીમોથી ૩:૧) વધુમાં, આપણામાંનું કોઈ પણ ખાતરીપૂર્વક કહી શકે નહિ કે કાલે આપણે જીવતા હોઈશું કે નહિ. (યાકૂબ ૪:૧૩, ૧૪) તેથી, આપણે આજે જ આપણા સમર્પણ પ્રમાણે જીવીએ એ ખૂબ મહત્ત્વનું છે!
૨૦ પ્રેષિત પીતરે આ બાબત તેમના બીજા પત્રમાં ભારપૂર્વક જણાવી. તેમણે બતાવ્યું કે દુષ્ટ લોકોનો જળપ્રલયમાં નાશ થયો તેમ, “યહોવાહના દિવસે” સાંકેતિક પૃથ્વીનો અર્થાત્ આજના સર્વ દુષ્ટ લોકોનો પણ નાશ થશે. તેથી પીતરે પૂછ્યું: “પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ?” તેમણે તેઓને એ પણ વિનંતી કરી કે, “તમે અગાઉથી ચેતીને સાવધ થાઓ, કે અધર્મીઓની [જૂઠા શિક્ષકો અને દુષ્ટ લોકોની] ભૂલથી ખેંચાઈ જઈને તમે તમારી સ્થિરતાથી ન ડગો.” (૨ પીતર ૩:૫-૧૭) જો બાપ્તિસ્મા લીધા પછી વ્યક્તિ ભટકી જાય અને દૃઢ હૃદય જાળવી રાખવામાં નિષ્ફળ ગયેલાઓની જેમ મરણ પામે તો, એ કેટલું દુઃખદ કહેવાય!
૨૧ જો તમે તમારા બાપ્તિસ્માના આનંદી દિવસને ધ્યાનમાં રાખો અને પરમેશ્વરના હૃદયને ખુશ કરે એવાં કાર્યો કરવા માટે તેમની મદદ શોધશો તો, પરમેશ્વરને કરેલા તમારા સમર્પણ પ્રમાણે જીવવાનો તમારો નિર્ણય દૃઢ થશે. (નીતિવચનો ૨૭:૧૧) યહોવાહ કદી પણ પોતાના સેવકોને નિરાશ કરતા નથી અને આપણે પણ તેમને વિશ્વાસુ રહેવું જોઈએ. (ગીતશાસ્ત્ર ૯૪:૧૪) તેમણે દાઊદના દુશ્મનોની યોજનાઓને નિષ્ફળ બનાવી અને તેમને બચાવીને દયા અને સહાનુભૂતિ બતાવી. એ માટે આભારી બનીને દાઊદ રાજાએ પોતાના બચાવનાર પ્રત્યે મક્કમ અને દૃઢ પ્રેમ પ્રદર્શિત કર્યો. ઊંડી લાગણીથી તેમણે ગાયું: “હે ઇશ્વર, મારૂં હૃદય દૃઢ છે, મારૂં હૃદય દૃઢ છે; હું ગાયન કરીશ, હા, હું સ્તોત્રો ગાઈશ.”—ગીતશાસ્ત્ર ૫૭:૭.
૨૨ દાઊદની જેમ સાચા ખ્રિસ્તીઓ પરમેશ્વરને કરેલા પોતાના સમર્પણથી ઢચુપચુ થતા નથી. તેઓ દૃઢ હૃદયથી પોતાને છોડાવનાર અને રક્ષણ કરનાર યહોવાહની કદર કરીને આનંદથી તેમની સ્તુતિ કરે છે. જો તમારું હૃદય દૃઢ હોય તો, એ પરમેશ્વર પર આધાર રાખતું હશે અને તેમની મદદથી તમે તમારા સમર્પણ પ્રમાણે જીવી શકશો. હા, તમે પણ “ન્યાયીઓ” જેવા બની શકો કે જેના વિષે ગીતકર્તાએ ગાયું: “તે માઠા સમાચારથી બીનાર નથી; તેનું હૃદય યહોવાહ પર ભરોસો રાખીને સુદૃઢ રહે છે.” (ગીતશાસ્ત્ર ૧૧૨:૬, ૭) તમે પરમેશ્વરમાં ભરોસો મૂકીને તેમના પર પૂરેપૂરો આધાર રાખશો તો, તમે તમારા સમર્પણ પ્રમાણે જીવી શકશો અને દૃઢ હૃદયથી યહોવાહની સેવા કરી શકશો.
શું તમને યાદ છે?
• શા માટે આપણે સતત બાઇબલનું ચોકસાઈભર્યું જ્ઞાન લેવું જોઈએ?
• શા માટે આપણે આપણા પસ્તાવા અને પરિવર્તનને યાદ રાખવું જોઈએ?
• આપણા સમર્પણ અને બાપ્તિસ્માને યાદ રાખવાથી આપણને કઈ રીતે લાભ થશે?
• કઈ બાબત આપણને દૃઢ હૃદયથી યહોવાહની સેવા કરતા રહેવા મદદ કરશે?
[Questions]
૧. શા માટે આપણે દાઊદ જેવી ખાતરી રાખી શકીએ?
૨, ૩. પહેલો કોરીંથી ૧૬:૧૩માંની પાઊલની સલાહનો શું અર્થ થાય છે?
૪. બાપ્તિસ્મા લેવા આપણે કયાં પગલાં લીધાં?
૫. શા માટે આપણે સતત આત્મિક જ્ઞાન લેવું જોઈએ?
૬. બાઇબલ સત્યની કદર વધારવા તમને કઈ રીતે મદદ કરવામાં આવી?
૭. કઈ બાબત વ્યક્તિને બીજાઓને પરમેશ્વરનો શબ્દ શીખવવા લાયક બનાવે છે?
૮. આપણે કઈ રીતે દૈવી વર્તણૂક જાળવી રાખી શકીએ?
૯. ખરાબ કાર્યો છોડી દીધા પછી, આપણે કયા માર્ગે ચાલવું જોઈએ?
૧૦. આપણે યહોવાહને કરેલા સમર્પણ વિષે કયા મુદ્દાઓ મનમાં રાખવા જોઈએ?
૧૧. શા માટે તમારા બાપ્તિસ્માને યાદ રાખવું જોઈએ અને એનું શું મહત્ત્વ છે?
૧૨, ૧૩. કઈ રીતે આપણી પોતાની ઇચ્છા સમર્પણ અને બાપ્તિસ્મા સાથે સંકળાયેલી છે?
૧૪. શા માટે આપણે નિયમિત બાઇબલ વાંચવું જોઈએ?
૧૫. (ક) નિર્ણયો કરતી વખતે આપણે કઈ બાબતોને મહત્ત્વ આપવું જોઈએ? (ખ) શા માટે ખ્રિસ્તીઓ દુન્યવી કામને ગૌણ ગણે છે?
૧૬. બિનજરૂરી ચિંતાઓ આપણને પરમેશ્વરને કરેલા સમર્પણ પ્રમાણે કરતા અટકાવતી હોય તો, આપણે શું કરી શકીએ?
૧૭. સખત કસોટીનો સામનો કરવો કઈ રીતે શક્ય છે?
૧૮. જો ખાનગીમાં કરેલું ગંભીર પાપ યહોવાહને કરેલા આપણા સમર્પણ પ્રમાણે જીવવામાં પાછા પાડતું હોય તો, આપણે શું કરી શકીએ?
૧૯, ૨૦. આપણે આપણા સમર્પણ પ્રમાણે જીવીએ એ શા માટે મહત્ત્વનું છે?
૨૧, ૨૨. ગીતશાસ્ત્ર ૫૭:૭ના શબ્દો કઈ રીતે દાઊદ અને સાચા ખ્રિસ્તીઓના કિસ્સામાં સાચા પુરવાર થયા છે?
[પાન ૧૮ પર ચિત્રો]
શું તમે પરમેશ્વરના શબ્દનો નિયમિત અભ્યાસ કરીને તમારી આત્મિક તંદુરસ્તી અને દૃઢતા જાળવી રાખો છો?
[પાન ૧૮ પર ચિત્ર]
ખ્રિસ્તી સેવાકાર્યને આપણું મુખ્ય કાર્ય બનાવીએ તો, એ આપણને દૃઢ હૃદયથી યહોવાહની સેવા કરવા મદદ કરે છે