વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w01 ૪/૧૫ પાન ૨૨-૨૪
  • નિરાશાનો સામનો કરવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નિરાશાનો સામનો કરવો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધો
  • યહોવાહની સલાહ સ્વીકારો
  • પરમેશ્વરના શિક્ષણને લાગુ પાડવાથી મળતા લાભ
  • યહોવા નિરાશ લોકોને બચાવે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • “જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની”
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • રૂથ અને નાઓમી
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • રૂથ પુસ્તકના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
w01 ૪/૧૫ પાન ૨૨-૨૪

નિરાશાનો સામનો કરવો

● આસાફે ફરિયાદ કરતા કહ્યું: “ખરેખર, મેં મારૂં હૃદય અમથું શુદ્ધ કર્યું છે, અને મેં મારા હાથ નિરર્થક નિર્દોષ રાખ્યા છે; કેમકે આખો દિવસ હું પીડાયા કરૂં છું, અને દર સવારે મને શિક્ષા થયા કરે છે.”—ગીતશાસ્ત્ર ૭૩:૧૩, ૧૪.

● બારૂખે નિસાસા નાખતા કહ્યું: “મને હાય હાય! યહોવાહે મારા દુઃખમાં દુઃખ ઉમેર્યું છે; હું નિસાસા નાખીને થાકી ગયો છું, ને મને કંઈ ચેન પડતું નથી.”—યિર્મેયાહ ૪૫:૩.

● નાઓમીએ વિલાપ કરતા કહ્યું: “સર્વસમર્થે મારા પર ઘણી સખ્તાઈ ગુજારી છે. અહીંથી હું ભરપૂરપણે નીકળી હતી, પણ યહોવાહ મને ખાલી સ્વદેશમાં પાછી લાવ્યો છે; યહોવાહે મારી વિરૂદ્ધ સાક્ષી પૂરી છે, ને સર્વસમર્થે મને વિપત્તિમાં આણી છે, તો તમે મને નાઓમી કહીને કેમ બોલાવો છો?”—રૂથ ૧:૨૦, ૨૧.

બાઇબલમાં એવાં અસંખ્ય ઉદાહરણો જોવા મળે છે જેમાં, યહોવાહના વફાદાર સેવકો ઘણી વખત નિરાશાની લાગણીઓથી કચડાઈ ગયા હતા. હકીકત તો એ છે કે આપણે અપૂર્ણ માનવીઓ હોવાથી, ઘણી વખત આવી લાગણીઓ અનુભવીએ છીએ. આપણે જીવનમાં જે દુઃખદ કે કડવા અનુભવો કર્યા હોય છે એની યાદ આવતા, આપણામાંના ઘણા બીજાઓ કરતા બહુ જલદી નિરાશ થઈ જાય છે અને પોતાને બિચારા ગણવા લાગે છે.

તેમ છતાં, આવી લાગણીઓને રોકવામાં ન આવે તો એ બીજાઓ સાથેના અને યહોવાહ પરમેશ્વર સાથેના આપણા સંબંધને હાનિ પહોંચાડી શકે. નિરાશાની લાગણીઓ તળે કચડાઈ ગયેલી અને પોતાને બિચારી ગણતી એક ખ્રિસ્તી બહેન આમ કહે છે: “મંડળના ઘણા ભાઈબહેનો મને તેઓના ઘરે બોલાવતા હતા, પરંતુ નકામાપણાની લાગણીને કારણે હું તેઓને ના પાડી દેતી હતી.” આવી નિરાશાજનક લાગણીઓની એક વ્યક્તિના જીવન પર કેવી વિનાશક અસર પડે છે! એને આંબવા તમે શું કરી શકો?

યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધો

આસાફે ગીતશાસ્ત્રના અધ્યાય ૭૩માં ખુલ્લી રીતે પોતાની માનસિક મૂંઝવણને રજૂ કરી. જ્યારે તેમણે દુષ્ટ લોકોના સમૃદ્ધ જીવન સાથે પોતાની સરખામણી કરી ત્યારે, તેમને તેઓની અદેખાઈ આવી. તેમણે એ પણ જોયું કે દુષ્ટ લોકો અભિમાની અને હિંસક હતા અને તેઓ એ રીતે વર્તતા હતા કે જાણે તેઓનાં દુષ્ટ કામોની કોઈ સજા થવાની ન હોય. છેવટે આસાફને લાગ્યું કે તે જે સાચા માર્ગે ચાલી રહ્યા છે એનો કોઈ અર્થ નથી.—ગીતશાસ્ત્ર ૭૩:૩-૯, ૧૩, ૧૪.

શું તમે પણ આસાફની જેમ દુષ્ટોને પોતાના દુષ્ટ કામોની સફળતા મેળવતા અને બડાઈ હાંકતા જોયા છે? આસાફ કઈ રીતે પોતાની નકારાત્મક લાગણીઓને આંબી શક્યા? તે આગળ જણાવે છે: “આ સમજવાને માટે જ્યારે મેં વિચાર કર્યો, ત્યારે એ વાત મને કષ્ટમય લાગી; ત્યાં સુધી કે મેં ઈશ્વરના પવિત્રસ્થાનમાં જઇને તેઓનો અંત ધ્યાનમાં લીધો.” (ગીતશાસ્ત્ર ૭૩:૧૬, ૧૭) આમ, આસાફે પ્રાર્થનામાં યહોવાહ પાસે મદદ માગી હતી. પ્રેષિત પાઊલના શબ્દોમાં કહીએ તો, આસાફે પોતાની અંદર રહેલા “આધ્યાત્મિક” માણસને જાગૃત કરીને “સાંસારિક” માણસને દબાવી દીધો. હવે આધ્યાત્મિક દૃષ્ટિએ જોતા, આસાફને સમજાયું કે યહોવાહ ખરાબ કામોને ધિક્કારે છે અને તેમના સમયે તે દુષ્ટ લોકોને જરૂર સજા કરશે.—૧ કોરીંથી ૨:૧૪, ૧૫.

તો પછી, જીવનની હકીકતને સમજવા તમે બાઇબલ શિક્ષણમાંથી મદદ મેળવો એ કેટલું મહત્ત્વનું છે! યહોવાહ આપણને યાદ કરાવે છે કે તે દુષ્ટ લોકો પ્રત્યે આંખ આડા કાન કરતા નથી. બાઇબલ સલાહ આપે છે: “ભૂલો મા; દેવની મશ્કરી કરાય નહિ: કોઈ માણસ જે કંઈ વાવે તેજ તે લણશે . . . તો સારૂં કરતાં આપણે થાકવું નહિ.” (ગલાતી ૬:૭-૯) યહોવાહ દુષ્ટ લોકોને “લપસણી જગામાં” મૂકશે; પછી તે તેઓનો “વિનાશ” કરશે. (ગીતશાસ્ત્ર ૭૩:૧૮) છેવટે તો પરમેશ્વરના ન્યાયની જ જીત થશે.

યહોવાહે આત્મિક ખોરાકની જે જોગવાઈ કરી છે એમાંથી સતત લાભ લઈને તથા યહોવાહના લોકો સાથે સંગત રાખવાથી, તમે વિશ્વાસમાં વધુ દૃઢ થશો અને નિરાશાની કે નકારાત્મક લાગણીઓને આંબવામાં મદદ મળશે. (હેબ્રી ૧૦:૨૫) આસાફની જેમ, યહોવાહ પરમેશ્વરની વધુ નજીક જવાથી તમે પણ તેમની પ્રેમાળ મદદનો અનુભવ કરશો. આસાફ આગળ જણાવે છે: “પરંતુ હું નિત્ય તારી પાસે રહું છું; તેં મારો જમણો હાથ ઝાલ્યો છે. તું તારા બોધથી મને માર્ગ બતાવશે, અને પછી તારા મહિમામાં મારો સ્વીકાર કરશે.” (ગીતશાસ્ત્ર ૭૩:૨૩, ૨૪) બાળપણમાં અત્યાચારનો ભોગ બનેલી એક ખ્રિસ્તી બહેનના કિસ્સામાં પણ ઉપરના શબ્દો સાચા હતા. તે કહે છે, “મંડળ સાથે ગાઢ સંબંધ જાળવી રાખવાથી, મને જીવનને અલગ રીતે જોવામાં મદદ મળી. મને સ્પષ્ટ જોવા મળ્યું કે ખ્રિસ્તી વડીલો પ્રેમાળ છે, તેઓ પોલીસ નહિ પણ સારી દેખરેખ રાખનારા છે.” હા, માયાળું વડીલો જોખમી લાગણીઓને દૂર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.—યશાયાહ ૩૨:૧, ૨; ૧ થેસ્સાલોનીકી ૨:૭, ૮.

યહોવાહની સલાહ સ્વીકારો

યિર્મેયાહના અંગત મંત્રી, બારૂખ ખૂબ દુઃખી થઈ ગયા હતા કારણ કે તે પોતાના કામથી ભારે માનસિક તણાવનો સામનો કરતા હતા. છતાં પણ, યહોવાહે માયાળુ રીતે બારૂખનું હકીકત તરફ ધ્યાન દોર્યું. “શું તું તારે પોતાને સારૂ મહત્તા શોધે છે? શોધીશ મા; કેમકે યહોવાહ કહે છે, કે હું માણસમાત્ર પર વિપત્તિ લાવીશ; પણ તું જ્યાં જ્યાં જશે, ત્યાં ત્યાં હું તારો જીવ લૂંટ તરીકે તને આપીશ.”—યિર્મેયાહ ૪૫:૨-૫.

યહોવાહે મિત્રભાવે બારૂખને સમજાવ્યું કે તે પોતાના સ્વાર્થના કારણે નિરાશા અનુભવતા હતા. જો તે સ્વાર્થના કારણે યહોવાહે સોંપેલું કાર્ય કરશે તો એમાં તેમને આનંદ મળશે નહિ. આપણા કિસ્સામાં પણ આવું બની શકે. આપણે નિરાશાનો સામનો કરવો હોય તો, સૌ પ્રથમ સ્વાર્થી બાબતો તરફ ખેંચી જતી ઇચ્છાઓને દબાવી દેવાની જરૂર છે. એ પછી જ આપણે પરમેશ્વર તરફથી આવતી મનની શાંતિ મેળવી શકીશું.—ફિલિપી ૪:૬, ૭.

નાઓમીના પતિ અને બે દીકરાઓ મૃત્યુ પામ્યા ત્યારે, તે મોઆબમાં જ રહી જવાની લાગણીને વશ ન થઈ ગઈ. તેમ છતાં, જોવા મળે છે કે, પોતાનો અને પોતાની બે પુત્રવધુઓનો વિચાર કરતા તે નિરાશ થઈ ગઈ. છેવટે, પોતાની બે પુત્રવધુઓને તેઓના દેશમાં પાછી મોકલતા નાઓમીએ કહ્યું: “તમારી ખાતર મને ઘણું દુઃખ થાય છે, કેમકે યહોવાહનો હાથ મારી વિરૂદ્ધ થયો છે.” (રૂથ ૧:૧૩, ૨૦) તેઓ બેથલેહેમ પહોંચ્યા ત્યારે, તેણે ફરીથી ભારપૂર્વક જણાવ્યું: મને નાઓમી એટલે મીઠી ન કહો, મને તો મારા એટલે કડવી કહો; કેમકે સર્વસમર્થે મારા પર ઘણી સખ્તાઈ ગુજારી છે.”—રૂથ ૧:૧૩, ૨૦.

છતાં પણ, નાઓમી નિરાશામાં એટલી ડૂબી ન ગઈ, તેમ જ તે યહોવાહ અને તેમના લોકોને ભૂલી ગઈ ન હતી. મોઆબ દેશમાં તેણે સાંભળ્યું હતું, કે “યહોવાહે પોતાના લોકોની ખબર લીધી છે, એટલે કે તેઓને અન્‍ન આપ્યું છે.” (રૂથ ૧:૬) તે સમજી કે તેના માટે સૌથી સારી જગ્યા યહોવાહના લોકો મધ્યે છે. ત્યાર પછી નાઓમી તેની પુત્રવધુ રૂથ સાથે યહુદાહ પાછી ફરી અને કુનેહપૂર્વક રૂથને માર્ગદર્શન આપ્યું કે તેણે તેઓના નજીકના સગા બોઆઝ સાથે કઈ રીતે વર્તવું જે તેનો છોડાવનાર હતો.

એ જ રીતે, આજે પણ પોતાના લગ્‍નસાથીને મૃત્યુમાં ગુમાવનાર ઘણા વફાદાર ભાઈ-બહેનો મંડળની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીને લાગણીમય તણાવોનો સફળતાપૂર્વક સામનો કરે છે. નાઓમીની જેમ, તેઓ આત્મિક બાબતોમાં પોતાનું મન લગાડે છે અને દરરોજ બાઇબલ વાંચે છે.

પરમેશ્વરના શિક્ષણને લાગુ પાડવાથી મળતા લાભ

ઉપરના બાઇબલ અહેવાલો આપણને ઊંડી સમજણ આપે છે કે કઈ રીતે આપણે નકારાત્મક લાગણીઓનો સામનો કરી શકીએ. આસાફે યહોવાહના પવિત્રસ્થાનમાં મળતા શિક્ષણમાંથી મદદ શોધી અને ધીરજપૂર્વક યહોવાહના સમયની રાહ જોઈ. બારૂખે, મળેલી સલાહ પર તરત જ અમલ કર્યો અને ભૌતિકવાદના આકર્ષણથી દૂર રહ્યા. નાઓમીએ યહોવાહના લોકો મધ્યે રહેવાનું પસંદ કર્યું અને યુવાન સ્ત્રી રૂથને સાચા પરમેશ્વરની સેવા કરવાના લહાવા માટે તૈયાર કરી.—૧ કોરીંથી ૪:૭; ગલાતી ૫:૨૬; ૬:૪.

તમે પણ યહોવાહે જે રીતે સમુહમાં કે વ્યક્તિગત રીતે તેમના લોકોને વિજય અપાવ્યો છે એને ધ્યાન આપીને નિરાશા કે નકારાત્મક લાગણીઓનો સફળતાપૂર્વક સામનો કરી શકો છો. યહોવાહે તમારા માટે જે ખંડણીની જોગવાઈ કરીને પ્રેમનો સૌથી મોટો પુરાવો આપ્યો છે એ પર મનન કરો. ખ્રિસ્તીઓ મધ્યે જે સાચો પ્રેમ જોવા મળે છે એની કદર કરો. નજીકના ભાવિમાં આવનાર નવી દુનિયા પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. પછી તમે પણ કદાચ આસાફની જેમ કહી શકશો: “પણ ઇશ્વર પાસે આવવું, તેમાં મારૂં કલ્યાણ છે; મેં પ્રભુ યહોવાહને મારો આશ્રય કર્યો છે, જેથી હું તારાં સર્વ કૃત્યો પ્રગટ કરૂં.”—ગીતશાસ્ત્ર ૭૩:૨૮.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો