વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w01 ૫/૧ પાન ૮-૧૩
  • યહોવાહની જેમ આનંદ જાળવી રાખો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાહની જેમ આનંદ જાળવી રાખો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • તેઓએ પોતાનો આનંદ ગુમાવ્યો નહિ
  • પ્રચાર કાર્ય પ્રત્યે યોગ્ય વલણ જાળવો
  • ભાઈબહેનો મદદ કરશે
  • તમારા મંડળમાં જુઓ
  • આનંદ—ઈશ્વર તરફથી મળતો ગુણ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • “ન્યાયીઓ યહોવામાં આનંદ કરશે”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • બીજાને આપવાનો આનંદ માણો!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
w01 ૫/૧ પાન ૮-૧૩

યહોવાહની જેમ આનંદ જાળવી રાખો

‘છેવટે, હે ભાઈઓ, આનંદ કરો. અને પ્રેમ તથા શાંતિ આપનાર દેવ તમારી સાથે રહેશે.’—૨ કોરીંથી ૧૩:૧૧.

આખરાબ જગતમાં, ઘણા લોકો કોઈને કોઈ રીતે દુઃખી છે. તેઓ પર કે તેઓના પ્રિયજનો પર કોઈ દુઃખદ ઘટના આવી પડે છે ત્યારે, તેઓ પણ અગાઉ થઈ ગયેલા અયૂબ જેવું અનુભવે છે. અયૂબે કહ્યું: “સ્ત્રીજન્ય મનુષ્ય અલ્પાયુ, અને સંકટથી ભરપૂર છે.” (અયૂબ ૧૪:૧) ખ્રિસ્તીઓને પણ આ ‘સંકટના વખતોમાં’ દુઃખ અને તકલીફો સહન કરવી પડે છે. તેથી, યહોવાહના વિશ્વાસુ સેવકો આવી પરિસ્થિતિમાં હતાશ થઈ જાય એમાં કોઈ આશ્ચર્ય નથી.—૨ તીમોથી ૩:૧.

૨ જોકે, આવી પરિસ્થિતિમાં પણ ખ્રિસ્તીઓ આનંદિત રહી શકે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૪૦, ૪૧) પરંતુ, કઈ રીતે? એ જોતાં પહેલાં, ચાલો આપણે આનંદની વ્યાખ્યા જોઈએ. આનંદ એટલે કે “કંઈક સારું મેળવીએ કે મેળવવાની આશાથી ઉત્પન્‍ન થતી લાગણી.”a તેથી, આપણે સમય કાઢીને હાલમાં મળી રહેલા અને નવી દુનિયામાં મળનાર આશીર્વાદો પર મનન કરીએ તો, આપણે વધારે આનંદ મેળવી શકીએ છીએ.

૩ દરેક પાસે આભારી થવાને કંઈને કંઈ સારી બાબત છે. કુટુંબમાં પિતા નોકરી ગુમાવી દઈ શકે. તે ચિંતિત બને એ સ્વાભાવિક છે કેમ કે તે પોતાના કુટુંબનું ભરણપોષણ કરવા માંગે છે. તોપણ, જો તેમની તંદુરસ્તી સારી હોય તો, તે એના માટે આભારી બની શકે. તેમને નોકરી મળે ત્યારે, તે સારી તંદુરસ્તીના લીધે સખત મહેનત કરી શકશે. બીજું ઉદાહરણ વિચારો. એક ખ્રિસ્તી બહેન ગંભીર બીમારીમાં સપડાઈ શકે. તોપણ, તે પોતાની બીમારીનો હિંમતથી સામનો કરવા મિત્રો અને કુટુંબે કરેલી પ્રેમાળ મદદ માટે આભારી થઈ શકે. દરેક સાચા ખ્રિસ્તીઓ ભલેને ગમે તેવી સ્થિતિમાં હોય છતાં, “[સુખી] દેવ” યહોવાહ અને ‘ધન્ય તથા એકમાત્ર સ્વામી’ ઈસુ ખ્રિસ્તને ઓળખવાના લહાવા માટે આનંદિત બની શકે છે. (૧ તીમોથી ૧:૧૧; ૬:૧૫) હા, યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્ત સૌથી વધારે આનંદી છે. યહોવાહે જે હેતુથી પૃથ્વી બનાવી હતી એના કરતાં, આજે પરિસ્થિતિ એકદમ અલગ છે. તેમ છતાં, તેઓએ પોતાનો આનંદ જાળવી રાખ્યો છે. તેઓનું ઉદાહરણ શીખવે છે કે આપણે કઈ રીતે આપણો આનંદ જાળવી રાખી શકીએ.

તેઓએ પોતાનો આનંદ ગુમાવ્યો નહિ

૪ એદન બાગમાં આદમ અને હવાને સંપૂર્ણ તંદુરસ્તી અને મન હતા. તેઓએ સુંદર વાતાવરણમાં રહીને અદ્‍ભુત કાર્ય કરવાનું હતું. સૌથી ઉત્તમ બાબત તો એ હતી કે તેઓ નિયમિત રીતે યહોવાહ સાથે વાત કરતા હતા. તેઓ સુખી ભાવિનો આનંદ માણે એવો પરમેશ્વરનો હેતુ હતો. પરંતુ આપણા પ્રથમ માબાપને આ ઉત્તમ ભેટોથી સંતોષ ન હતો; તેઓએ મના કરેલા ‘ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું’ ફળ ચોરીને ખાધું. આમ, પરમેશ્વરનું કહ્યું ન માનવાને લીધે, આપણે તેમના વંશજો પણ આજે દુઃખ ભોગવી રહ્યા છીએ.—ઉત્પત્તિ ૨:૧૫-૧૭; ૩:૬; રૂમી ૫:૧૨.

૫ તેમ છતાં, આદમ અને હવાએ કરેલા એ અપકારથી યહોવાહે પોતાનો આનંદ ગુમાવ્યો નહિ. તેમને ભરોસો હતો કે આદમ અને હવાનાં અમુક બાળકો જરૂર તેમની ભક્તિ કરશે. હકીકતમાં તેમને એટલો બધો ભરોસો હતો કે આદમ અને હવાને કોઈ સંતાન થાય એ પહેલાં, તેમણે ભાવિ આજ્ઞાંકિત વંશજોને છૂટકારો અપાવવાનો હેતુ જાહેર કર્યો! (ઉત્પત્તિ ૧:૩૧; ૩:૧૫) સદીઓ પસાર થતી ગઈ તેમ, મોટા ભાગના લોકો આદમ અને હવાના પગલે ચાલ્યા. પરંતુ, એ કારણે યહોવાહ પોતાના હેતુમાંથી પાછા હઠ્યા નહિ. એને બદલે, તેમણે ‘પોતાના હૃદયને આનંદ પમાડનાર’ લોકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ લોકો યહોવાહને પ્રેમ કરતા હોવાથી તેમને ખુશ કરવાનો ખરેખર પ્રયત્ન કરતા હતા.—નીતિવચન ૨૭:૧૧; હેબ્રી ૬:૧૦.

૬ ઈસુ વિષે શું? તેમણે કઈ રીતે પોતાનો આનંદ જાળવી રાખ્યો? તે સ્વર્ગમાં એક મહાન વ્યક્તિ હતા. તેથી, તેમને પૃથ્વી પરના દરેક લોકો શું કરે છે, એ જોવાની તક હતી. માનવીઓ અપૂર્ણ હતા એ દેખીતું હતું. છતાં, ઈસુએ તેઓને પ્રેમ કર્યો. (નીતિવચન ૮:૩૧) તે પૃથ્વી પર આવ્યા અને માણસજાત વચ્ચે ‘વસ્યા’ ત્યારે પણ, માણસજાત માટેના તેમના પ્રેમમાં કંઈ ખામી આવી નહિ. (યોહાન ૧:૧૪) કઈ બાબતને લીધે પરમેશ્વરના સંપૂર્ણ પુત્ર ઈસુ પાપી માણસજાત માટે એવો પ્રેમ રાખી શક્યા?

૭ સૌ પ્રથમ, ઈસુએ પોતાની કે બીજાઓ પાસેથી વધારે પડતી અપેક્ષા ન રાખી. તે જાણતા હતા કે તે કંઈ જગતને બદલવા આવ્યા ન હતા. (માત્થી ૧૦:૩૨-૩૯) તેથી, કોઈ એક પાપી વ્યક્તિ પણ રાજ્ય સંદેશને સ્વીકારતી ત્યારે, તેમને ખૂબ આનંદ થતો. ઈસુના શિષ્યોનું વલણ અને વર્તણૂક કેટલીક વખત અયોગ્ય હતા છતાં, તે જાણતા હતા કે હૃદયથી તેઓ પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા ઇચ્છે છે. એ કારણે તે તેઓને પ્રેમ કરતા હતા. (લુક ૯:૪૬; ૨૨:૨૪, ૨૮-૩૨, ૬૦-૬૨) સ્વર્ગીય પિતાને પ્રાર્થનામાં ઈસુએ પોતાના શિષ્યોએ લીધેલા સારા માર્ગની સમીક્ષા કરતા કહ્યું: “તેઓએ તારી વાત પાળી છે.”—યોહાન ૧૭:૬.

૮ યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્તે બેસાડેલા ઉદાહરણને ધ્યાનપૂર્વક વિચારવાથી, આપણે સર્વ એમાંથી લાભ મેળવી શકીએ છીએ. આપણે ધારતા હોય એમ બાબતો ન બને ત્યારે, વધુ પડતા ચિંતિત થવાને બદલે યહોવાહના ઉદાહરણને અનુસરીએ. શું આપણે આપણા સંજોગો પ્રત્યે ખરું વલણ રાખીને, તેમ જ પોતાના અને બીજાઓ પાસેથી વધારે પડતી અપેક્ષાઓ ન રાખીને ઈસુના પગલે ચાલીએ છીએ? ચાલો આપણે જોઈએ કે આખી પૃથ્વી પરના ઉત્સાહી ખ્રિસ્તીઓને મનગમતા ખૂબ મહત્ત્વના પ્રચાર કાર્યમાં આ સિદ્ધાંતો કઈ રીતે લાગુ પાડી શકાય.

પ્રચાર કાર્ય પ્રત્યે યોગ્ય વલણ જાળવો

૯ યહોવાહ ઇચ્છે છે કે આપણે આનંદથી તેમની સેવા કરીએ. આપણો આનંદ આપણી સફળતા પર આધારિત ન હોવો જોઈએ. (લુક ૧૦:૧૭, ૨૦) પ્રબોધક યિર્મેયાહે વર્ષો સુધી એવા વિસ્તારમાં પ્રચાર કર્યો, જ્યાં કોઈ સફળતા મળી નહિ. તેથી, લોકોએ સાંભળ્યું નહિ એના પર તેમણે ધ્યાન આપ્યું ત્યારે, તેમણે પોતાનો આનંદ ગુમાવ્યો. (યિર્મેયાહ ૨૦:૮) પરંતુ, એ સંદેશાના મહત્ત્વ પર મનન કરવાથી, તે પોતાનો આનંદ પાછો મેળવી શક્યા. યિર્મેયાહે યહોવાહને કહ્યું: “તારાં વચનો મને પ્રાપ્ત થયાં ને મે તેઓને ખાધાં; અને તારાં વચનોથી મારા હૃદયમાં આનંદ તથા હર્ષ ઉત્પન્‍ન થયો; કેમકે, હે યહોવાહ, . . . તારા નામથી હું ઓળખાઉં છું.” (યિર્મેયાહ ૧૫:૧૬) યિર્મેયાહે પરમેશ્વરનાં વચનોનો પ્રચાર કરવાનો આનંદ માણ્યો. આપણે પણ એવો જ આનંદ માણી શકીએ છીએ.

૧૦ મોટા ભાગના લોકો સુસમાચાર ન સાંભળે તોપણ, આપણે પ્રચાર કાર્યમાં આનંદ માણી શકીએ છીએ. યાદ રાખો કે યહોવાહને પૂરો ભરોસો હતો કે કેટલાક લોકો તેમની સેવા જરૂર કરશે. યહોવાહની જેમ, આપણે પણ કદી આશા છોડી દેવી જોઈએ નહિ કે કેટલાક લોકો આખરે રાજ્ય સંદેશનું મહત્ત્વ જાણશે અને એ સ્વીકારશે. આપણે કદી નહિ ભૂલીએ કે લોકોના સંજોગો બદલાય છે. કેટલાક અણધાર્યા બનાવો બને ત્યારે, એકદમ સુખી લોકો પણ જીવનના હેતુ વિષે વિચારવાનું શરૂ કરી શકે. ‘આત્મિક જરૂરિયાત વિષે સજાગ બનનાર’ આવી વ્યક્તિઓને મદદ કરવા શું તમે તૈયાર હશો? (માત્થી ૫:૩, NW) તમે ફરી વાર પ્રચાર કરવા જાવ ત્યારે, કોઈ રાજ્યના સુસમાચાર સાંભળવા માટે આતુર પણ હોય શકે!

૧૧ પ્રચાર વિસ્તારના લોકો પણ બદલાઈ શકે છે. નીચેના ઉદાહરણનો વિચાર કરો. એક નાના શહેરમાં કેટલાંક યુગલો પોતાનાં બાળકો સાથે રહેતા હતાં. યહોવાહના સાક્ષીઓ તેઓની મુલાકાત લેતા ત્યારે, દરેક ઘરે એક સરખો જવાબ મળતો, “અમને એમાં રસ નથી!” કોઈ વ્યક્તિ સંદેશામાં રસ બતાવતું ત્યારે, તરત જ પાડોશીઓ તેને સાક્ષીઓ સાથે વધારે ચર્ચા ન કરવાનું જણાવતા. દેખીતી રીતે જ, ત્યાં પ્રચાર કાર્ય ઘણું જ મુશ્કેલ બન્યું હતું. તોપણ, સાક્ષીઓએ પડતું મૂક્યું નહિ; તેઓએ પ્રચાર કરવાનું ચાલું જ રાખ્યું. એનું શું પરિણામ આવ્યું?

૧૨ સમય જતાં, એ શહેરનાં બાળકો મોટાં થયાં, તેઓએ લગ્‍ન કર્યા અને ત્યાં જ સ્થાયી થયા. પરંતુ, તેઓએ જોયું કે તેઓ જે રીતે જીવન જીવી રહ્યાં છે એનાથી સાચું સુખ મળતું નથી. તેથી, તેઓમાંના કેટલાક સત્યની શોધ કરવા લાગ્યા. સાક્ષીઓએ જણાવેલા સુસમાચાર સ્વીકાર્યા ત્યારે, તેઓને સત્ય મળ્યું. પરિણામે, ઘણાં વર્ષો પછી ત્યાં એક નાના મંડળની શરૂઆત થઈ. જેઓએ પડતું ન મૂક્યું, એ રાજ્ય પ્રચારકોના આનંદનો વિચાર કરો! ચાલો આપણે પણ રાજ્ય સંદેશ જાહેર કરવામાં મંડ્યા રહીને આનંદ મેળવીએ!

ભાઈબહેનો મદદ કરશે

૧૩ આપણા જીવનમાં ચઢાવ-ઉતાર આવે ત્યારે, આપણે ક્યાંથી દિલાસો મેળવી શકીએ? યહોવાહના લાખો સમર્પિત સેવકો પહેલા પ્રાર્થનામાં યહોવાહ પાસે અને ત્યાર પછી પોતાના ખ્રિસ્તી ભાઈબહેનો પાસે જાય છે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમણે પોતાના શિષ્યોની મદદની કદર કરી. પોતાના મરણની રાત્રે, તેમણે તેઓને “મારાં પરીક્ષણોમાં મારી સાથે રહેનાર” કહ્યા. (લુક ૨૨:૨૮) ખરું કે એ શિષ્યો અપૂર્ણ હતા, પરંતુ તેઓની વફાદારીએ પરમેશ્વરના દીકરાને દિલાસો આપ્યો. આપણે પણ સાથી ભાઈબહેનો પાસેથી દિલાસો મેળવી શકીએ છીએ.

૧૪ મિશેલ અને ડાયના નામના એક ખ્રિસ્તી યુગલને પોતાના ભાઈબહેનોની મદદ કેટલી મૂલ્યવાન છે એ જાણવા મળ્યું. તેઓને જોનાથાન નામે ૨૦ વર્ષનો દીકરો હતો, જે સેવાકાર્યમાં ઉત્સાહી હતો અને ભાવિના તેણે કેટકેટલાં સપના જોયાં હતાં. તેને મગજના કેન્સરની ગાંઠ થઈ. ડૉક્ટરોએ તેને બચાવવાનો ઘણો પ્રયત્ન કર્યો. પરંતુ જોનાથાનની હાલત દિવસે દિવસે બગડતી ગઈ અને એક બપોરે તે મરણ પામ્યો. મિશેલ અને ડાયના એકદમ ભાંગી પડ્યા. તેઓને ખબર હતી કે એ દિવસની સેવા સભા લગભગ પૂરી થવા આવી હશે. પરંતુ, દિલાસાની ખૂબ જ જરૂર હોવાથી, તેઓએ એક વડીલને પોતાની સાથે રાજ્યગૃહમાં આવવા જણાવ્યું. મંડળને જોનાથાનના મરણના સમાચાર આપવામાં આવી રહ્યા હતા, એ જ સમયે તેઓ ત્યાં પહોંચ્યા. સભા પછી, દુઃખી માબાપની આજુબાજુ ભાઈબહેનો ઘેરાઈ વળ્યા, તેઓ તેઓને ભેટ્યા અને દિલાસાના બે શબ્દો કહ્યા. ડાયના યાદ કરતા કહે છે: “અમે સભામાં આવ્યા ત્યારે એકદમ ભાંગી પડેલા હતા, પરંતુ ભાઈબહેનોએ અમને ઘણો દિલાસો અને ઉત્તેજન આપ્યું! તેઓ અમારું દુઃખ તો દૂર કરી શકતા ન હતા, પરંતુ તેઓએ અમને એનો સામનો કરવા મદદ કરી!”—રૂમી ૧:૧૧, ૧૨; ૧ કોરીંથી ૧૨:૨૧-૨૬.

૧૫ આ દુઃખદ અનુભવને લીધે મિશેલ અને ડાયના પોતાના ખ્રિસ્તી ભાઈબહેનોની વધારે નજીક આવ્યા. એનાથી તેઓ બંને પણ એકબીજાની વધારે નજીક આવ્યા. મિશેલ કહે છે, “હું મારી વહાલી પત્નીને વધારે ચાહવા લાગ્યો છું. નિરુત્સાહની ઘડીઓમાં, અમે એકબીજા સાથે બાઇબલ સત્ય વિષે અને યહોવાહે અમને કઈ રીતે ટકાવી રાખ્યા છે એ વિષે વાત કરીએ છીએ.” ડાયના ઉમેરે છે: “યહોવાહના રાજ્યની આશામાં અમારો ભરોસો પહેલાં કરતાં વધારે દૃઢ થયો.”

૧૬ હા, આપણા ખ્રિસ્તી ભાઈબહેનો મુશ્કેલીના સમયમાં “દિલાસારૂપ” થઈ શકે છે. આમ, આપણો આનંદ જાળવી રાખવામાં મદદ મળે છે. (કોલોસી ૪:૧૧) જોકે, તેઓ આપણું મન વાંચી શકતા નથી. તેથી, મદદની જરૂર હોય ત્યારે આપણે તેઓને જણાવવું જોઈએ. પછી આપણા ભાઈબહેનો જે કંઈ દિલાસો આપે એ યહોવાહ પાસેથી આવે છે એમ માનીને હૃદયપૂર્વક કદર બતાવવી જોઈએ.—નીતિવચન ૧૨:૨૫; ૧૭:૧૭.

તમારા મંડળમાં જુઓ

૧૭ ભાઈબહેનો વિષે જેટલું વધારે વિચારશો, એટલા તમે તેઓની વધારે કદર કરશો અને તેઓની સંગતનો આનંદ માણશો. તમારા મંડળમાં જુઓ. તમે શું જુઓ છો? શું કોઈ એકલવાયી માતા છે, જે પોતાનાં બાળકને સત્યમાં ઉછેરવા સખત મહેનત કરતી હોય? શું તમે તેણે બેસાડેલા સારા ઉદાહરણનો વિચાર કર્યો છે? તેણે સામનો કરવી પડતી કેટલીક સમસ્યાઓનો વિચાર કરો. એક જેનીન નામની એકલવાયી માતા કેટલીક સમસ્યાઓ વિષે જણાવે છે: એકલાપણું, નોકરી પર જાતીય સતાવણી, પૈસાની ખેંચ. પરંતુ તે કહે છે કે સૌથી વધારે મુશ્કેલ બાળકોની લાગણીમય જરૂરિયાત પૂરી પાડવી છે, કેમ કે દરેક બાળકની જરૂરિયાત અલગ અલગ હોય છે. જેનીન બીજી સમસ્યા વિષે કહે છે, “પતિની ગેરહાજરીમાં તમારા દીકરાને ઘરનો શિર ન બનવા દેવાનું વલણ ટાળવું ખરેખર મુશ્કેલ છે. મારી એક દીકરી છે અને તેને મારી પોતાની સમસ્યાઓથી લાદી નહિ દેવા વિષે સજાગ રહેવું ખરેખર મને ખૂબ અઘરું લાગે છે.” પરમેશ્વરનો ભય રાખનારા હજારો એકલવાયાં મા/બાપની જેમ, જેનીન પૂરા સમયની નોકરી કરીને પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે. તે પોતાનાં બાળકો સાથે બાઇબલ અભ્યાસ કરે છે, તેઓને પ્રચાર કાર્યની તાલીમ આપે છે અને નિયમિત મંડળની સભાઓમાં પણ લઈ જાય છે. (એફેસી ૬:૪) આ કુટુંબ પ્રમાણિકતા જાળવી રાખવા જે પ્રયત્ન કરી રહ્યું છે એ જોઈને યહોવાહ કેટલા આનંદિત થતા હશે! આપણા મંડળમાં આવા લોકોને જોઈને શું આપણા હૃદયને ખરેખર આનંદ નથી થતો? હા, જરૂર થાય છે.

૧૮ ફરી એક વાર મંડળમાં નજર નાખો. તમે વિશ્વાસુ વિધવા કે વિધુરને જોયા હશે, જેઓ ક્યારેય સભાઓમાં આવવાનું ચૂકતા નથી. (લુક ૨:૩૭) શું તેઓ ઘણી વાર એકલા પડી જાય છે? હા, તેઓ તેમના સાથીઓને ઘણા જ યાદ કરતા હોય છે! પરંતુ તેઓ યહોવાહની સેવામાં વ્યસ્ત રહે છે અને બીજાઓમાં વધારે રસ બતાવે છે. તેઓનું મક્કમ સ્થાન મંડળના આનંદમાં વધારો કરે છે! ત્રીસ કરતાં વધારે વર્ષથી પૂરા સમયનું સેવાકાર્ય કરતી એક ખ્રિસ્તી બહેન કહે છે: “ઘણી મુશ્કેલીઓ છતાં વૃદ્ધ ભાઈબહેનો હજુ પણ યહોવાહની વિશ્વાસુપણે સેવા કરી રહ્યા છે એ જોઈને મને ખૂબ જ આનંદ મળે છે!” હા, વૃદ્ધ ખ્રિસ્તી ભાઈબહેનો યુવાનો માટે ઉત્તેજન આપનાર છે.

૧૯ મંડળ સાથે સંગત રાખવાનું શરૂ કરનાર નવી વ્યક્તિઓ વિષે શું? સભાઓમાં તેઓ પોતાનો વિશ્વાસ વ્યક્ત કરે છે એ જોઈને શું આપણને ઉત્તેજન નથી મળતું? તેઓએ બાઇબલ અભ્યાસ શરૂ કર્યો ત્યારથી કરેલી પ્રગતિનો વિચાર કરો. યહોવાહને પણ એ જોઈને ખરેખર આનંદ થતો હશે. શું આપણને થાય છે? તેઓએ કરેલા પ્રયત્નોની પ્રશંસા કરીને શું આપણો આનંદ બતાવીએ છીએ?

૨૦ શું તમે પરિણીત, અપરિણીત કે એકલા મા કે બાપ છો? શું તમે મા કે બાપ વગરનાં બાળકો અથવા વિધવા કે વિધુર છો? શું તમે મંડળ સાથે વર્ષોથી સંગત ધરાવો છો કે પછી મંડળમાં નવા નવા આવ્યા છો? ભલે તમે ગમે તે હોવ, પરંતુ ખાતરી રાખો કે તમારું વિશ્વાસુ ઉદાહરણ અમારા સર્વ માટે ઉત્તેજન આપનાર છે. તમે રાજ્ય ગીત ગાવામાં જોડાવ કે ટીકા આપો અથવા દેવશાહી સેવા શાળામાં વાર્તાલાપ આપો છો એનાથી અમારા આનંદમાં વધારો થાય છે. સૌથી મહત્ત્વનું તો, એનાથી યહોવાહના હૃદયને આનંદ થાય છે.

૨૧ હા, આ મુશ્કેલીઓના સમયોમાં પણ, આપણે પરમેશ્વરની ભક્તિ કરવામાં આનંદિત બની શકીએ છીએ. પાઊલે આપેલા ઉત્તેજનને ધ્યાનથી સાંભળવાના ઘણાં કારણો છે: “હે ભાઈઓ, આનંદ કરો. . . . અને પ્રેમ તથા શાંતિ આપનાર દેવ તમારી સાથે રહેશે.” (૨ કોરીંથી ૧૩:૧૧) પરંતુ આપણે કુદરતી આફત, સતાવણી કે તીવ્ર આર્થિક તંગીનો ભોગ બન્યા હોય તો શું? શું આવી પરિસ્થિતિમાં પણ આનંદ જાળવી રાખવો શક્ય છે? હવે પછીનો લેખ ધ્યાનમાં લઈને તમે પોતે જ એ નક્કી કરો.

[ફુટનોટ]

a યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત ઈન્સાઈટ ઓન ધ સ્ક્રિપ્ચર્સ ગ્રંથ ૨, પાન ૧૧૯ જુઓ.

શું તમે જવાબ આપી શકો?

• આનંદનું કઈ રીતે વર્ણન કરવામાં આવ્યું છે?

• કઈ રીતે યોગ્ય વલણ આપણો આનંદ જાળવી રાખવા મદદ કરી શકે?

• કઈ બાબત આપણને મંડળના પ્રચાર વિસ્તાર પ્રત્યે યોગ્ય વલણ રાખવા મદદ કરશે?

• તમે તમારા મંડળના ભાઈબહેનોની કઈ રીતે કદર કરી શકો?

[અભ્યાસ પ્રશ્નો]

૧, ૨. (ક) શા માટે આજે ઘણા લોકો આનંદી નથી? (ખ) આનંદ એટલે શું, અને એ આપણે કઈ રીતે મેળવી શકીએ?

૩. શા માટે એવું કહી શકાય કે દરેક પાસે આનંદિત થવાનું કારણ છે?

૪, ૫. (ક) પ્રથમ યુગલે બંડ પોકાર્યું ત્યારે યહોવાહે કેવું વલણ બતાવ્યું? (ખ) કઈ રીતે યહોવાહે આપણા માટે સારું ઉદાહરણ બેસાડ્યું?

૬, ૭. કઈ બાબતે ઈસુને પોતાનો આનંદ જાળવી રાખવા મદદ કરી?

૮. આપણે કઈ રીતે યહોવાહ અને ઈસુ ખ્રિસ્તનું અનુકરણ કરીને, આપણો આનંદ જાળવી રાખી શકીએ?

૯. યિર્મેયાહે કઈ રીતે પોતાનો આનંદ પાછો મેળવ્યો અને એ કઈ રીતે આપણને મદદ કરી શકે?

૧૦. આપણા પ્રચાર વિસ્તારમાં હમણાં કંઈ ફળ ન મળતું હોય તોપણ, કઈ રીતે આપણો આનંદ જાળવી રાખી શકીએ?

૧૧, ૧૨. એક શહેરમાં શું બન્યું અને એનાથી આપણે શું શીખી શકીએ?

૧૩. આપણને દિલાસાની જરૂર હોય ત્યારે કોની પાસે જઈ શકીએ?

૧૪, ૧૫. એક યુગલને પોતાના દીકરાના મરણ સમયે ક્યાંથી દિલાસો મળ્યો, અને તમે એ અનુભવમાંથી શું શીખ્યા?

૧૬. આપણી જરૂરિયાતો વિષે ભાઈબહેનોને શા માટે જણાવવું જોઈએ?

૧૭. એક એકલવાયી માતાને બાળકો ઉછેરતા કઈ મુશ્કેલીઓ પડે છે, અને તેમના જેવા લોકો પ્રત્યે આપણું વલણ કેવું હોવું જોઈએ?

૧૮, ૧૯. આપણે મંડળના સભ્યો માટે કઈ રીતે કદર વધારી શકીએ?

૨૦. મંડળમાં દરેક વ્યક્તિ મહત્ત્વનો ભાગ ભજવે છે એવું કઈ રીતે કહી શકાય?

૨૧. આપણી પાસે શું કરવાનાં કારણો છે, પરંતુ કયા પ્રશ્નો ઊભા થાય છે?

[પાન ૧૦ પર ચિત્રો]

આપણા વિસ્તારના લોકો બદલાઈ શકે

[પાન ૧૨ પર ચિત્ર]

તમારા મંડળના સભ્યો કઈ મુશ્કેલીઓનો સામનો કરે છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો