યહોવાહનો ભય રાખતું હૃદય કેળવો
“જો આ લોકોનું હૃદય એવું હોય કે તેઓ મારો ડર રાખે ને મારા સર્વ હુકમ સદા પાળે તો કેવું સારૂં.”—પુનર્નિયમ ૫:૨૯.
ભય સદીઓથી માણસજાત પર રાજ કરે છે. ભૂખ, રોગ, ગુના કે યુદ્ધના ભયને કારણે અસંખ્ય લોકો સતત ચિંતામાં રહે છે. એ કારણે, માનવ હક્કોના વિશ્વવ્યાપી નિવેદનની પ્રસ્તાવનામાં સર્વ માણસજાત ભયથી મુક્ત થઈને આનંદ માણી શકે એવી દુનિયા લાવવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે.a આનંદની બાબત છે કે, પરમેશ્વર પોતે આપણને ખાતરી આપે છે કે આવી દુનિયા આવશે. પરંતુ, એ માનવીઓના પ્રયત્નોથી આવશે નહિ. યહોવાહ પોતાના પ્રબોધક મીખાહ દ્વારા આપણને વચન આપે છે કે તેમની ન્યાયી નવી દુનિયામાં, ‘કોઈ તેમના લોકોને બીવડાવશે નહિ.’—મીખાહ ૪:૪.
૨ બીજી બાજુ, ભય લાભદાયી પણ બની શકે છે. બાઇબલમાં, યહોવાહના સેવકોને તેમનો ભય રાખવાની વારંવાર વિનંતી કરવામાં આવી છે. મુસાએ ઈસ્રાએલીઓને કહ્યું: “યહોવાહ તારા દેવનો ડર રાખ; અને તેની જ સેવા કર, ને તેના નામના સમ ખા.” (પુનર્નિયમ ૬:૧૩) સદીઓ પછી સુલેમાને લખ્યું: “દેવનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે.” (સભાશિક્ષક ૧૨:૧૩) દૂતોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહેલા પ્રચાર કાર્ય દ્વારા આપણે પણ સર્વ લોકોને ‘દેવથી બીહીને તેમને મહિમા આપવાની’ વિનંતી કરીએ છીએ. (પ્રકટીકરણ ૧૪:૬, ૭) યહોવાહનો ભય રાખવા ઉપરાંત, આપણે પૂરા હૃદયથી તેમને પ્રેમ કરવો જોઈએ. (માત્થી ૨૨:૩૭, ૩૮) કઈ રીતે આપણે પરમેશ્વરને પ્રેમ કરી શકીએ અને એ જ સમયે તેમનો ભય પણ રાખી શકીએ? પ્રેમાળ પરમેશ્વરનો ભય રાખવો શા માટે જરૂરી છે? પરમેશ્વરનો ભય રાખવાથી આપણે કયા લાભો મેળવીએ છીએ? આ પ્રશ્નોના જવાબ મેળવવા, આપણે સૌ પ્રથમ પરમેશ્વરનો ભય રાખવાનો શું અર્થ થાય છે અને કઈ રીતે આ પ્રકારનો ભય યહોવાહ સાથેના આપણા સંબંધમાં મહત્ત્વનો ભાગ ભજવે છે એ સમજવું જ જોઈએ.
આદરયુક્ત ભય, પૂજ્યભાવ અને ભય
૩ ખ્રિસ્તીઓએ પોતાના સર્જનહારનો ભય રાખવો જ જોઈએ. ભયની એક વ્યાખ્યા આમ આપવામાં આવી છે, “ઉત્પન્નકર્તા માટે આદરયુક્ત ભય અને ઊંડો પૂજ્યભાવ તેમ જ તેમને નાખુશ કરવાનો યોગ્ય ભય.” આમ, પરમેશ્વરનો ભય આપણા જીવનના બે મહત્ત્વનાં પાસાંને અસર કરે છે: પરમેશ્વર પ્રત્યેનું આપણું વલણ અને તે જે બાબતોને ધિક્કારે છે એ પ્રત્યેનું આપણું વલણ. દેખીતી રીતે જ, બંને પાસાંઓ મહત્ત્વનાં છે અને આપણે એને કાળજીપૂર્વક વિચારણામાં લઈએ એ જરૂરી છે. વાઈનની એક્સપોઝીટરી ડિક્શનરી ઓફ ન્યૂ ટેસ્ટામેન્ટ વડ્ર્સ બતાવ્યા પ્રમાણે, ખ્રિસ્તીઓ માટે આ પૂજ્યભાવવાળા ભયનો અર્થ, ‘આત્મિક અને નૈતિક બાબતોમાં, જીવનના પ્રેરણા બળને કાબૂમાં રાખવું થાય છે.’
૪ આપણે કઈ રીતે આપણા ઉત્પન્નકર્તા માટે આદરયુક્ત ભય અને પૂજ્યભાવ વિકસાવી શકીએ? આપણે કોઈ કુદરતી દૃશ્ય, પાણીનો ધોધ કે અદ્ભુત સૂર્યાસ્તને જોઈએ છીએ ત્યારે, આપણે આશ્ચર્યયુક્ત ભયની લાગણી અનુભવીએ છીએ. આપણે વિશ્વાસની આંખોથી જોઈએ છીએ કે આ ઉત્પત્તિ કાર્ય પાછળ પરમેશ્વરનો હાથ છે ત્યારે, આપણો વિશ્વાસ વધારે દૃઢ થાય છે. વધુમાં, રાજા દાઊદની જેમ, આપણે પોતાને યહોવાહની અદ્ભુત ઉત્પત્તિ સાથે સરખાવીએ છીએ ત્યારે આપણે નકામા લાગીએ છીએ. “આકાશો, જે તારા હાથનાં કૃત્યો છે, અને ચંદ્ર તથા તારાઓ, જેઓને તેં ઠરાવ્યા છે, તેઓ વિષે હું વિચાર કરૂં છું; ત્યારે [હું કહું છું, કે] માણસ તે કોણ છે, કે તું તેનું સ્મરણ કરે છે?” (ગીતશાસ્ત્ર ૮:૩, ૪) આ ઊંડો આદરયુક્ત ભય પૂજ્યભાવમાં પરિણમે છે કે જે આપણને યહોવાહે આપણા માટે જે સર્વ કર્યું છે એ બદલ તેમનો આભાર માનવા અને તેમની સ્તુતિ કરવા પ્રેરે છે. દાઊદે પણ લખ્યું: “ભય તથા આશ્ચર્ય પમાડે એવી રીતે મને રચવામાં આવ્યો છે, માટે હું તારી ઉપકારસ્તુતિ કરીશ; તારાં કામ આશ્ચર્યકારક છે, એ મારો જીવ સારીપેઠે જાણે છે.”—ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪.
૫ આદરયુક્ત ભય અને પૂજ્યભાવ, આપણામાં પરમેશ્વરની ઉત્પન્નકર્તા તરીકેની શક્તિ અને વિશ્વના યોગ્ય શાસક તરીકેની સત્તા પ્રત્યે યોગ્ય ભય પેદા કરે છે. પ્રેષિત યોહાને સંદર્શનમાં, “જેઓએ શ્વાપદ પર, તેની મૂર્તિ પર તથા તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો હતો” તેઓને, અર્થાત્ ખ્રિસ્તના અભિષિક્ત અનુયાયીઓને તેઓના સ્વર્ગીય સ્થાનમાં જોયા. તેઓ જાહેર કરતા હતા: “હે સર્વશક્તિમાન પ્રભુ દેવ, તારાં કામો મહાન તથા અદ્ભુત છે; હે યુગોના રાજા, તારા માર્ગ ન્યાયી તથા સત્ય છે. હે પ્રભુ, [તારાથી] કોણ નહિ બીશે, અને તારા નામની સ્તુતિ કોણ નહિ ગાશે?” (પ્રકટીકરણ ૧૫:૨-૪) પરમેશ્વરનો ભય, તેમના ગૌરવ માટે ઊંડા પૂજ્યભાવમાંથી આવે છે કે જે આ સહશાસકોને ખ્રિસ્ત સાથે, સ્વર્ગીય રાજ્યમાં પરમેશ્વરને સર્વોચ્ચ અધિકારી તરીકે માન આપવા પ્રેરે છે. યહોવાહે સિદ્ધ કરેલી બાબતો અને જે ન્યાયી માર્ગોથી તે વિશ્વનું સંચાલન કરે છે એ સર્વનો વિચાર કરીએ છીએ ત્યારે, શું આપણી પાસે પણ તેમનો ભય રાખવાને પુષ્કળ કારણો નથી?—ગીતશાસ્ત્ર ૨:૧૧; યિર્મેયાહ ૧૦:૭.
૬ તેમ છતાં, આદરયુક્ત ભય અને પૂજ્યભાવ ઉપરાંત પરમેશ્વરનો ભય રાખવામાં તેમને નાખુશ કરવાનો કે તેમને અનાજ્ઞાધીન થવાના ભયનો પણ સમાવેશ થવો જોઈએ. શા માટે? કારણ કે યહોવાહ ‘મંદરોષી અને અનુગ્રહ કરવામાં ભરપૂર’ છે છતાં, આપણે યાદ રાખવું જોઈએ કે તે ‘દોષિતને નિર્દોષ નહિ જ ઠરાવશે.’ (નિર્ગમન ૩૪:૬, ૭) વળી, યહોવાહ પ્રેમાળ અને દયાળુ હોવા છતાં, તે અન્યાય કે જાણીજોઈને ખોટું કરનારાઓને સાંખી લેતા નથી. (ગીતશાસ્ત્ર ૫:૪, ૫; હબાક્કૂક ૧:૧૩) જેઓ જાણીજોઈને અને પસ્તાવો કર્યા વગર દુષ્ટતા આચરે છે અને યહોવાહની વિરુદ્ધ જાય છે તેઓને તે ક્યારેય શિક્ષા કર્યા વગર છોડતા નથી. પ્રેષિત પાઊલે કહ્યું તેમ, “જીવતા દેવના હાથમાં પડવું એ ભયંકર છે.” આથી, આવી પરિસ્થિતિમાં નહિ આવી પડવાનો ભય છેવટે આપણું રક્ષણ કરે છે.—હેબ્રી ૧૦:૩૧.
“તમે તેને વળગી રહો”
૭ આપણે યહોવાહમાં વિશ્વાસ અને ભરોસો રાખવો હોય તો સૌ પ્રથમ, આપણે પરમેશ્વરના આદરયુક્ત ભય અને તેમની અદ્ભુત શક્તિથી વાકેફગાર બનવું જોઈએ. નાનું બાળક તેના પિતા પાસે હોય છે ત્યારે રક્ષણ અનુભવે છે તેમ, આપણે યહોવાહના માર્ગદર્શન હેઠળ સલામતી અને વિશ્વાસ અનુભવીએ છીએ. યહોવાહ ઈસ્રાએલીઓને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા પછી, તેઓ કઈ રીતે વર્ત્યા એની નોંધ લો: “યહોવાહે મિસરીઓ વિરૂદ્ધ કરેલું એ મહાભારત કૃત્ય ઈસ્રાએલે જોયું, ત્યારે તે લોકો યહોવાહથી બીધા; અને યહોવાહ પર . . . તેમનો વિશ્વાસ બેઠો.” (નિર્ગમન ૧૪:૩૧) એલીશાનો અનુભવ પણ પુરાવો આપે છે કે “યહોવાહના ભક્તોની આસપાસ તેનો દૂત છાવણી કરે છે, અને તેમને છોડાવે છે.” (ગીતશાસ્ત્ર ૩૪:૭; ૨ રાજા ૬:૧૫-૧૭) યહોવાહના લોકોનો આધુનિક સમયનો ઇતિહાસ અને આપણો પોતાનો વ્યક્તિગત અનુભવ ખાતરી આપે છે કે યહોવાહ તેમની સેવા કરનારાઓના ભલા માટે પોતાની શક્તિનો ઉપયોગ કરે છે. (૨ કાળવૃત્તાંત ૧૬:૯) આમ, આપણે અનુભવવા લાગીએ છીએ કે “યહોવાહના ભયમાં દૃઢ વિશ્વાસ સમાએલો છે.”—નીતિવચનો ૧૪:૨૬.
૮ પરમેશ્વર માટેનો ભય આપણને તેમનામાં વિશ્વાસ અને ભરોસો મૂકવા ઉત્તેજન આપે છે એટલું જ નહિ, એ આપણને તેમના માર્ગમાં ચાલવા પણ પ્રેરે છે. સુલેમાને મંદિરનું ઉદ્ઘાટન કર્યું ત્યારે, તેમણે યહોવાહને પ્રાર્થના કરી: “જે દેશ તેં અમારા પિતૃઓને આપ્યો છે તેમાં તેઓ રહે ત્યાં સુધી તેઓ [ઈસ્રાએલીઓ] તારાથી બીને તારા માર્ગોમાં ચાલે.” (૨ કાળવૃત્તાંત ૬:૩૧) શરૂઆતમાં, મુસાએ ઈસ્રાએલીઓને વિનંતી કરી: “તમે યહોવાહ તમારા દેવની પાછળ ચાલો, ને તેનો ડર રાખો, ને તેની આજ્ઞાઓ પાળો, ને તેનું કહ્યું કરો ને તમે તેની સેવા કરો, ને તેને વળગી રહો.” (પુનર્નિયમ ૧૩:૪) આ કલમો સ્પષ્ટ રીતે બતાવે છે તેમ, જો આપણને યહોવાહમાં વિશ્વાસ અને ભરોસો હશે તો આપણે તેમના માર્ગમાં ચાલીશું અને તેમને “વળગી” રહીશું. હા, પરમેશ્વરનો ભય આપણને યહોવાહને આધીન રહેવા, તેમની સેવા કરવા અને એક નાનું બાળક તેના પિતામાં સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો કરતું હોવાથી તેમને શાબ્દિક રીતે વળગી રહે છે તેમ, પરમેશ્વરને વળગી રહેવા મદદ કરે છે.—ગીતશાસ્ત્ર ૬૩:૮; યશાયાહ ૪૧:૧૩.
પરમેશ્વરને પ્રેમ કરવા તેમનો ભય રાખવો
૯ બાઇબલની દૃષ્ટિએ, પરમેશ્વરનો ભય રાખવો અને એ જ સમયે તેમને પ્રેમ કરવો એ કંઈ અશક્ય નથી. હકીકતમાં, ઈસ્રાએલીઓને આજ્ઞા આપવામાં આવી હતી કે, ‘યહોવાહ તારા દેવનો ડર રાખ, તેના સર્વ માર્ગોમાં ચાલ, ને તેના પર પ્રીતિ કર.’ (પુનર્નિયમ ૧૦:૧૨) આમ, પરમેશ્વરનો ભય રાખવો અને તેમને પ્રેમ કરવો એકબીજા સાથે ગાઢપણે સંકળાયેલા છે. પરમેશ્વરનો ભય આપણને તેમના માર્ગમાં ચાલવા પ્રેરે છે અને એ આપણા તેમના પ્રત્યેના પ્રેમનો પુરાવો આપે છે. (૧ યોહાન ૫:૩) એ તર્કપૂર્ણ છે કેમ કે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ ત્યારે, તેમને દુઃખ પહોંચાડવાનો આપણને ભય લાગે છે. ઈસ્રાએલીઓએ રાનમાં બળવો પોકારીને યહોવાહને દુઃખ પહોંચાડ્યું. સાચે જ, આપણે એવું કંઈ પણ કરવાનું ઇચ્છીશું નહિ કે જેનાથી યહોવાહને દુઃખ પહોંચે. (ગીતશાસ્ત્ર ૭૮:૪૦, ૪૧) બીજી બાજુ, ‘જેઓ તેમનાથી બીએ છે તેઓ પર યહોવાહ રાજી રહેતા’ હોવાથી, આપણી આજ્ઞાધીનતા અને વિશ્વાસ તેમના હૃદયને આનંદ પમાડે છે. (ગીતશાસ્ત્ર ૧૪૭:૧૧; નીતિવચનો ૨૭:૧૧) પરમેશ્વરનો પ્રેમ તેમને ખુશ કરવા આપણને પ્રેરે છે અને પરમેશ્વરનો ભય તેમને દુઃખ પહોંચાડતી બાબતોથી આપણને દૂર રાખે છે. આ રીતે, એ ગુણો એકબીજાના વિરોધી નહિ પણ પૂરક છે.
૧૦ ઈસુ ખ્રિસ્તનું જીવન સ્પષ્ટપણે બતાવે છે કે કઈ રીતે આપણે યહોવાહને પ્રેમ કરી શકીએ અને સાથે તેમનો ભય પણ રાખી શકીએ. ઈસુ વિષે પ્રબોધક યશાયાહે લખ્યું: “યહોવાહનો આત્મા, સુબુદ્ધિ તથા સમજનો આત્મા, વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાહના ભયનો આત્મા તેના પર રહેશે. તે યહોવાહના ભયમાં હરખાશે; અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ઈન્સાફ કરશે નહિ, ને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહિ.” (યશાયાહ ૧૧:૨, ૩) આ ભવિષ્યવાણી અનુસાર, પવિત્ર આત્માએ ઈસુને પોતાના પિતાનો ભય રાખવાની પ્રેરણા આપી. વધુમાં, આપણે જોઈએ છીએ કે આ ભયમાં બંધનો નથી પરંતુ એનાથી સંતોષ મળે છે. ઈસુએ એકદમ મુશ્કેલ સમયમાં પણ પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે ચાલવામાં અને તેમને ખુશ કરવામાં આનંદ અનુભવ્યો. વધસ્થંભનું મરણ પોતાની સામે ઝઝૂમી રહ્યું હતું ત્યારે પણ, તેમણે યહોવાહને કહ્યું: “મારી ઈચ્છા પ્રમાણે નહિ, પણ તારી ઈચ્છા પ્રમાણે થાઓ.” (માત્થી ૨૬:૩૯) ઈસુ પરમેશ્વરનો ભય રાખતા હોવાથી, યહોવાહે તેમની આજીજી સાંભળી, તેમને દૃઢ કર્યા અને મરણમાંથી છોડાવ્યા.—હેબ્રી ૫:૭.
યહોવાહનો ભય રાખતા શીખવું
૧૧ આપણે કુદરતની શક્તિ અને ભવ્યતા જોઈએ છીએ ત્યારે, આપોઆપ આદરસહિત ભય પામીએ છીએ એમ, પરમેશ્વર માટેનો ભય આપોઆપ આવી જતો નથી. એ કારણે મોટા દાઊદ, ઈસુ ખ્રિસ્ત આપણને આમંત્રણ આપે છે: “આવો, દીકરાઓ, મારૂં સાંભળો; હું તમને યહોવાહનું ભય રાખતાં શીખવીશ.” (ગીતશાસ્ત્ર ૩૪:૧૧) કઈ રીતે આપણે ઈસુ પાસેથી યહોવાહનો ભય રાખવાનું શીખી શકીએ?
૧૨ ઈસુ આપણને આપણા પિતા, યહોવાહના અદ્ભુત ગુણો સમજવામાં મદદ કરીને યહોવાહનો ભય રાખવાનું શીખવે છે. (યોહાન ૧:૧૮) ઈસુએ પોતાના પિતાના ગુણોનું આબેહૂબ અનુકરણ કર્યું હોવાથી, તેમનું પોતાનું ઉદાહરણ બતાવે છે કે યહોવાહ કેવું વિચારે છે અને તે બીજાઓ સાથે કઈ રીતે વર્તે છે. (યોહાન ૧૪:૯, ૧૦) વધુમાં, ઈસુના બલિદાન દ્વારા, આપણે યહોવાહ પાસે આપણા પાપોની માફી માંગી શકીએ છીએ. પરમેશ્વરની દયાનું આ ઉત્તમ વક્તવ્ય આપણને તેમનો ભય રાખવા પ્રેરે છે. ગીતકર્તાએ લખ્યું: “પરંતુ તારી પાસે માફી છે, જેથી તારૂં ભય રહે.”—ગીતશાસ્ત્ર ૧૩૦:૪.
૧૩ નીતિવચનોનું પુસ્તક ક્રમવાર આપણને બતાવે છે કે કઈ રીતે આપણે પરમેશ્વરનો ભય રાખી શકીએ. “મારા દીકરા, જો તું મારાં વચનોનો અંગીકાર કરશે, અને મારી આજ્ઞાઓને તારી પાસે સંઘરી રાખીને, જ્ઞાન તરફ તારો કાન ધરશે, અને બુદ્ધિમાં તારૂં મન પરોવશે; જો તું વિવેકબુદ્ધિને માટે ઘાંટો પાડશે, અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે; . . . તો તને યહોવાહના ભયની સમજણ પડશે, અને દેવનું જ્ઞાન તારે હાથ લાગશે.” (નીતિવચનો ૨:૧-૫) તેથી, યહોવાહનો ભય રાખવા આપણે તેમના શબ્દ, બાઇબલનો અભ્યાસ કરવો જ જોઈએ. એ ઉપરાંત, એનાં સૂચનોને ખંતપૂર્વક સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અને ત્યાર પછી એની સલાહને કાળજીપૂર્વક ધ્યાન આપવું જોઈએ.
૧૪ પ્રાચીન ઈસ્રાએલના દરેક રાજાને નિયમની એક નકલ કરવાની અને ‘આયુષ્યના સર્વ દિવસો પર્યંત એમાંથી વાંચવાની’ સૂચના આપવામાં આવી હતી જેથી, ‘તે યહોવાહનો ડર રાખતાં શીખીને સર્વ વચનો તથા વિધિઓ પાળે.’ (પુનર્નિયમ ૧૭:૧૮, ૧૯) જો આપણે યહોવાહનો ભય રાખવાનું શીખવું હોય તો, આપણે બાઇબલ વાંચન અને અભ્યાસ કરીએ એ ખૂબ જ મહત્ત્વનું છે. આપણે બાઇબલ સિદ્ધાંતોને આપણા જીવનમાં લાગુ પાડીએ છીએ તેમ, ધીમે ધીમે પરમેશ્વરનું ડહાપણ અને જ્ઞાન મેળવીએ છીએ. આપણને “યહોવાહના ભયની સમજણ” પડે છે કેમ કે આપણે પોતાના જીવનમાં ઉપજેલાં સારાં ફળોને જોઈએ છીએ અને પરમેશ્વર સાથેના આપણા સંબંધનો આનંદ માણીએ છીએ. વધુમાં, સાથી વિશ્વાસુઓ સાથે નિયમિતપણે ભેગા મળીને આપણે સર્વ, પરમેશ્વર શીખવે છે એ સાંભળીને તેમનો ભય રાખવાનું અને તેમના માર્ગમાં ચાલવાનું શીખીએ છીએ.—પુનર્નિયમ ૩૧:૧૨.
યહોવાહનો ડર રાખનારને ધન્ય છે
૧૫ આ લેખની શરૂઆતથી જોયું તેમ, આપણે સર્વએ પરમેશ્વરનો ભય રાખવાનું વલણ કેળવવું જ જોઈએ. કેમ કે એમ કરવું યહોવાહને આપણી ઉપાસનાનો મહત્ત્વનો ભાગ છે. એ આપણને તેમનામાં સંપૂર્ણ ભરોસો મૂકવા, તેમના માર્ગમાં ચાલવા અને તેમને વળગી રહેવા મદદ કરે છે. ઈસુ ખ્રિસ્તની જેમ, પરમેશ્વરનો ભય આપણને આપણા સમર્પણ પ્રમાણે હમણાં અને અનંતકાળ સુધી ચાલવા પ્રેરે છે.
૧૬ પરમેશ્વરનો ભય રાખવામાં કદી પણ વધારે પડતા બંધનો નથી. બાઇબલ આપણને ખાતરી આપે છે કે “જેઓ યહોવાહથી ડરે છે અને તેના માર્ગમાં ચાલે છે તે સર્વને ધન્ય છે.” (ગીતશાસ્ત્ર ૧૨૮:૧) યહોવાહ આપણને તેમનો ભય રાખવાનું ઉત્તેજન આપે છે કારણ કે તે જાણે છે કે આ ગુણ આપણું રક્ષણ કરશે. આપણે તેમની પ્રેમાળ ચિંતા, મુસાને કહેલા તેમના શબ્દોમાંથી જોઈ શકીએ છીએ: “અરે, જો આ લોકોનું હૃદય એવું હોય કે તેઓ [ઈસ્રાએલીઓ] મારો ડર રાખે ને મારા સર્વ હુકમ સદા પાળે તો કેવું સારૂં, કેમકે ત્યારે તો તેમનું તથા તેમના વંશજોનું સદા ભલું થાય!”—પુનર્નિયમ ૫:૨૯.
૧૭ એવી જ રીતે, જો આપણે યહોવાહનો ભય રાખનાર હૃદય કેળવીશું તો, એનાથી આપણું ભલું થશે. કઈ રીતે? સૌ પ્રથમ, તેમનો ભય રાખવાથી યહોવાહને ખુશી થશે અને તે આપણને તેમની તરફ ખેંચશે. દાઊદ પોતાના વ્યક્તિગત અનુભવથી જાણતા હતા કે “તેના ભક્તોની ઈચ્છા તે તૃપ્ત કરશે; તે તેઓનો પોકાર પણ સાંભળશે, અને તેઓને તારશે.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૯) બીજી બાબત એ કે, પરમેશ્વરનો ભય આપણને લાભ કરશે કારણ કે એ જે ખોટું છે એનાથી દૂર રહેવા આપણને મદદ કરશે. (નીતિવચનો ૩:૭) હવે પછીનો લેખ બતાવશે કે કઈ રીતે આ ભય આત્મિક જોખમોથી આપણું રક્ષણ કરશે અને એ પરમેશ્વરનો ભય રાખીને દુષ્ટતાથી દૂર રહેનાર કેટલીક આત્મિક વ્યક્તિઓનાં ઉદાહરણોની પણ સમીક્ષા કરશે.
[ફુટનોટ]
a સંયુક્ત રાષ્ટ્રસંઘના સામાન્ય સંમેલને ડિસેમ્બર ૧૦, ૧૯૪૮ના રોજ માનવ હક્કોના વિશ્વવ્યાપી નિવેદનને સ્વીકાર્યું.
તમે કેવો જવાબ આપશો?
• પરમેશ્વરનો ભય રાખવાનો શું અર્થ થાય છે અને એનાથી આપણને કયા લાભો મળે છે?
• પરમેશ્વરનો ભય રાખવો અને તેમના માર્ગમાં ચાલવા વચ્ચે શું સંબંધ છે?
• કઈ રીતે ઈસુનું ઉદાહરણ બતાવે છે કે પરમેશ્વરનો ભય રાખવો એ પરમેશ્વરને પ્રેમ કરવા સાથે સંકળાયેલું છે?
• કઈ રીતે આપણે યહોવાહનો ભય રાખનારું હૃદય કેળવી શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧. આપણે કઈ રીતે ખાતરી રાખી શકીએ કે એક દિવસ લોકો ભયમુક્ત થઈને આનંદ માણશે?
૨. (ક) કઈ રીતે બાઇબલ આપણને પરમેશ્વરનો ભય રાખવાની વિનંતી કરે છે? (ખ) આપણે યહોવાહનો ભય રાખવો જોઈએ એવું વિચારીએ છીએ ત્યારે કયા પ્રશ્નો ઊભા થઈ શકે?
૩. પરમેશ્વરનો ભય રાખવાનો શું અર્થ થાય છે?
૪. આપણે કઈ રીતે આપણા ઉત્પન્નકર્તા માટે આદરયુક્ત ભય અને પૂજ્યભાવ વિકસાવી શકીએ?
૫. શા માટે આપણે યહોવાહનો ભય રાખવો જોઈએ અને આ બાબતમાં આપણી પાસે કયું સરસ ઉદાહરણ છે?
૬. શા માટે આપણે યહોવાહને નાખુશ કરવાનો યોગ્ય ભય રાખવો જોઈએ?
૭. યહોવાહની બચાવવાની શક્તિમાં ભરોસો રાખવા માટે આપણી પાસે કયાં કારણો છે?
૮. (ક) શા માટે પરમેશ્વર માટેનો ભય આપણને તેમના માર્ગમાં ચાલવા પ્રેરે છે? (ખ) આપણે કઈ રીતે યહોવાહને “વળગી” રહેવું જોઈએ?
૯. પરમેશ્વર માટેના પ્રેમ અને ભય વચ્ચે શું સંબંધ છે?
૧૦. ઈસુએ કઈ રીતે બતાવ્યું કે યહોવાહનો ભય રાખવામાં તેમને આનંદ મળતો હતો?
૧૧, ૧૨. (ક) શા માટે આપણે યહોવાહનો ભય રાખવાનું શીખવું જોઈએ? (ખ) ઈસુ કઈ રીતે આપણને યહોવાહનો ભય રાખવાનું શીખવે છે?
૧૩. યહોવાહનો ભય રાખવા નીતિવચનો આપણને કઈ રીતે મદદ કરે છે?
૧૪. ઈસ્રાએલના રાજાઓને આપવામાં આવેલી સલાહને આપણે કઈ રીતે અનુસરી શકીએ?
૧૫. કઈ રીતે પરમેશ્વરની ઉપાસના તેમનો ભય રાખવા સાથે સંકળાયેલી છે?
૧૬. શા માટે યહોવાહ આપણને તેમનો ભય રાખવાનું શીખવે છે?
૧૭. (ક) પરમેશ્વરનો ભય રાખવાથી આપણે કયા લાભો મેળવીએ છીએ? (ખ) હવે પછીના લેખમાં પરમેશ્વરનો ભય રાખવા વિષે આપણે શું શીખીશું?
[પાન ૧૭ પર ચિત્ર]
ઈસ્રાએલના રાજાઓને નિયમની એક વ્યક્તિગત નકલ કરવાની અને એને નિયમિત વાંચવાની આજ્ઞા આપવામાં આવી હતી
[પાન ૧૮ પર ચિત્ર]
યહોવાહનો ભય આપણને, એક પુત્ર પિતા પર ભરોસો રાખે છે એમ ભરોસો રાખવા પ્રેરે છે
[પાન ૧૫ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
તારાઓ: Photo by Malin, © IAC/RGO 1991