વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w06 ૮/૧ પાન ૨૧-૨૬
  • ઈશ્વરનો ડર રાખો!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરનો ડર રાખો!
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • માણસનો નહિ, ઈશ્વરનો ડર રાખતા શીખીએ
  • મુશ્કેલીમાં પણ યહોવાહનો ડર રાખો
  • ઈશ્વરનો ડર ન રાખવાથી શું બન્યું
  • યહોવાહનો ડર રાખો, પાપથી બચો
  • ઈશ્વરનો ડર રાખનાર સુખી છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • ઈશ્વરનો ડર રાખીને સુખી થાઓ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • યહોવાહનો ભય રાખતું હૃદય કેળવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • ‘મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
w06 ૮/૧ પાન ૨૧-૨૬

ઈશ્વરનો ડર રાખો!

“યહોવાહનું ભય એ જ્ઞાનનો આરંભ છે.”—નીતિવચનો ૯:૧૦.

૧. બાઇબલ જણાવે છે કે ઈશ્વરનો ભય રાખો. એનો અર્થ શું નથી થતો?

રુવાંટાં ઊભા થઈ જાય એવા ન્યૂઝ જોઈએ ત્યારે આપણને બીક લાગે છે, ગભરાઈ જઈએ છીએ. પણ જ્યારે બાઇબલ જણાવે છે કે ઈશ્વરનો ભય કે ડર રાખો, ત્યારે એનો અર્થ એમ નહિ કે આપણે એનાથી ગભરાઈ જઈએ, બી જઈએ. તો એનો શું અર્થ થાય? ચાલો આપણે જોઈએ.

૨, ૩. ઈશ્વરનો ડર રાખવાનો અર્થ શું થાય છે?

૨ બાઇબલ પ્રમાણે ઈશ્વરનો ડર રાખવાનો અર્થ થાય કે આપણે ઈશ્વરને માન આપીએ અને દિલથી તેમની ભક્તિ કરીએ. એવું કંઈ ન કરીએ જેનાથી તે દુઃખી થાય. (ગીતશાસ્ત્ર ૧૧૫:૧૧) એ માટે આપણે યહોવાહના નીતિ-નિયમો દિલમાં ઉતારવા જોઈએ. એ જ પ્રમાણે ચાલવું જોઈએ. આ રીતે આપણે પોતે જ સુખી થઈશું. (યશાયાહ ૧૧:૩) બાઇબલ પરની એક ડિક્ષનરી જણાવે છે કે આપણે ઈશ્વરનો ડર રાખતા હોઈશું તો, ‘આપણા વાણી-વર્તન ઈશ્વરને ગમે એવા હશે. જે ખોટું છે એ કદીયે ન કરવા મનમાં ગાંઠ વાળીશું.’ એટલે જ બાઇબલ જણાવે છે કે “યહોવાહનું ભય એ જ્ઞાનનો આરંભ છે.”—નીતિવચનો ૯:૧૦.

૩ ઈશ્વરનો ભય રાખીને, તેમની ભક્તિ કરવાથી શું જ્ઞાન જ મળશે? ના. એનાથી આપણને આનંદ, શાંતિ અને સુખ પણ મળશે. લાંબું જીવી શકીશું. આશાઓ પૂરી થશે. ઈશ્વરમાં વિશ્વાસ વધશે. (ગીતશાસ્ત્ર ૨:૧૧; નીતિવચનો ૧:૭; ૧૦:૨૭; ૧૪:૨૬; ૨૨:૪; ૨૩:૧૭, ૧૮; પ્રેરિતોનાં કૃત્યો ૯:૩૧) શ્રદ્ધા અને પ્રેમ વધશે. એનાથી પરમેશ્વર સાથેનો નાતો પાકો થશે. આપણે એકબીજા સાથે પણ હળી-મળીને રહેતા શીખીશું. (પુનર્નિયમ ૧૦:૧૨; અયૂબ ૬:૧૪; હેબ્રી ૧૧:૭) એનાથી બીજા કયા કયા આશીર્વાદો મળશે? આપણને સો ટકા ખાતરી થશે કે ઈશ્વર પોતે આપણી સંભાળ રાખે છે. અરે, આપણે ભૂલ કરીએ તોપણ તે માફ કરવા તૈયાર છે. (ગીતશાસ્ત્ર ૧૩૦:૪) પણ જેઓ જાણીજોઈને પાપ કરતા રહે છે, તેઓએ ઈશ્વરથી બીવું જોઈએ, કેમ કે તે તેઓને સજા કરશે.a—હેબ્રી ૧૦:૨૬-૩૧.

માણસનો નહિ, ઈશ્વરનો ડર રાખતા શીખીએ

૪. આપણે કઈ રીતે ‘ઈશ્વરનો ડર રાખતા શીખી’ શકીએ?

૪ જીવનમાં ખરા નિર્ણયો લઈને, ઈશ્વરના આશીર્વાદો મેળવવા હોય તો શું કરવું જોઈએ? તેમનો ડર રાખવો, તેમની ભક્તિ કરવી જોઈએ. પણ આપણે કઈ રીતે ‘તેમનો ડર રાખતા શીખી’ શકીએ? (પુનર્નિયમ ૧૭:૧૯) બાઇબલમાં ઘણા ઈશ્વરભક્તોના દાખલા છે, જે ‘આપણને શિખામણ મળવાને માટે લખવામાં આવ્યા’ છે. (રૂમી ૧૫:૪) ચાલો આપણે ઈસ્રાએલના રાજા દાઊદનો દાખલો લઈએ. એમાંથી આપણે શીખીશું કે ઈશ્વરનો ડર રાખવો, તેમની દિલથી ભક્તિ કરવાનો શું અર્થ થાય.

૫. રાત્રે ઘેટાંની સંભાળ રાખતી વખતે, દાઊદ શું શીખ્યા?

૫ ઈસ્રાએલના પહેલા રાજા શાઊલે માણસનો ડર રાખીને યહોવાહની આજ્ઞા તોડી. એટલે યહોવાહની કૃપા તેમના પર ન રહી. (૧ શમૂએલ ૧૫:૨૪-૨૬) જ્યારે કે દાઊદ તો ઈશ્વરભક્ત હતા. તેમણે ડગલે ને પગલે યહોવાહનું કહેવું માન્યું. યહોવાહ સાથેનો તેમનો નાતો પાકો હતો. નાનપણથી દાઊદ તેમના પિતાના ઘેટાંની સંભાળ રાખતા હતા. (૧ શમૂએલ ૧૬:૧૧) દાઊદે ઘણી રાતો ઝગમગતા તારાઓથી ભરેલા આસમાન નીચે કાઢી હશે. તેમણે જોયું હશે કે યહોવાહ કેટલા મહાન છે! ખરું કે દાઊદે તો વિશ્વનો એક નાનકડો ભાગ જ જોયો. તોપણ એનાથી તે સમજ્યા કે યહોવાહને જ માન આપવું જોઈએ, તેમની જ ભક્તિ કરવી જોઈએ. એટલે જ તેમના દિલમાંથી આ શબ્દો નીકળ્યા: ‘આકાશો, જે તારા હાથનાં કામ છે, અને ચંદ્ર તથા તારાઓ, જેઓને તેં ઠરાવ્યા છે, તેઓ વિષે હું વિચાર કરૂં છું; ત્યારે હું કહું છું, કે માણસ તે કોણ છે, કે તું તેને યાદ કરે છે? અને મનુષ્યપુત્ર કોણ, કે તું તેની મુલાકાત લે છે?’—ગીતશાસ્ત્ર ૮:૩, ૪.

૬. યહોવાહની રચના જોઈને દાઊદને કેવું લાગ્યું?

૬ દાઊદે જોયું હશે કે વિશ્વ કેટલું મોટું છે અને પોતે કેટલા નાના! પણ એનાથી દાઊદ ગભરાઈ ગયા નહિ. તેમણે યહોવાહની આરાધના કરતા કહ્યું કે “આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે; અને અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે.” (ગીતશાસ્ત્ર ૧૯:૧) યહોવાહના હાથની રચના, તેમની કરામત જોઈને, દાઊદને યહોવાહની ભક્તિની લગન લાગી. તેમના જ્ઞાનની તરસ લાગી. તેમના જ માર્ગે ચાલવાની હોંશ જાગી. યહોવાહને આ ભજન ગાતી વખતે, દાઊદની લાગણીનો વિચાર કરો કે ‘તું મોટો છે ને અજાયબ કામો કરે છે; તું એકલો જ ઈશ્વર છે. હે યહોવાહ, મને તારો માર્ગ શીખવ; હું તારે સત્ય માર્ગે ચાલીશ; તારા નામનું ભય રાખવાને મારા હૃદયને એકાગ્ર કર.’—ગીતશાસ્ત્ર ૮૬:૧૦, ૧૧.

૭. દાઊદને ગોલ્યાથ પર જીત મેળવવા શામાંથી મદદ મળી?

૭ એક વખતે પલિસ્તીઓ ઈસ્રાએલ દેશ પર ચડી આવ્યા. તેઓના લશ્કરમાં ગોલ્યાથ નામનો લગભગ ૩ મીટર ઊંચો રાક્ષસ જેવો પલિસ્તી હતો. તે ઈસ્રાએલીઓને મહેણાં મારવા લાગ્યો. તેણે ચેલેંજ ફેંકી કે ‘છે કોઈ મારી સામે લડવાવાળો? જો કોઈ મને હરાવે, તો અમે તમારા ગુલામ બનીશું.’ (૧ શમૂએલ ૧૭:૪-૧૦) શાઊલ અને તેનું લશ્કર થર-થર કાંપતું હતું. પણ દાઊદને જરાય બીક લાગી નહિ. દાઊદને પૂરી શ્રદ્ધા હતી કે યહોવાહ સાથે હોય તો ગમે એવા માણસની બીક કેવી? દાઊદે ગોલ્યાથને કહ્યું, ‘હું સૈન્યોના યહોવાહને નામે તારી સામે આવું છું. આ સર્વ લોકો જાણે કે તરવાર ને બરછી વડે યહોવાહ બચાવ કરતો નથી; કેમ કે લડાઈ તો યહોવાહની છે.’ યહોવાહના સાથથી, દાઊદે ફક્ત એક નાના પથ્થર અને ગોફણથી ગોલ્યાથને મોતને ઘાટ ઉતારી દીધો.—૧ શમૂએલ ૧૭:૪૫-૪૭.

૮. દાઊદ અને નહેમ્યાહ જેવા ભક્તોના અનુભવો આપણને શું શીખવે છે?

૮ દાઊદની જેમ આપણે પણ તકલીફો સહેવી પડે. દુશ્મનો હેરાન કરતા હોઈ શકે. એવા સંજોગોમાં આપણે શું કરીશું? દાઊદ અને બીજા ઈશ્વરભક્તોની જેમ આપણે પણ યહોવાહનો ડર રાખીએ. તેમની ભક્તિ કરતા રહીએ. જો આપણે યહોવાહનો ડર રાખીને ચાલતા હોઈશું, તો માણસની બીક કેવી? ઈશ્વરભક્ત નહેમ્યાહનો વિચાર કરો. તેમના જમાનામાં દુશ્મનો ઈસ્રાએલી લોકોને બહુ હેરાન કરતા હતા. નહેમ્યાહે લોકોને હિંમત આપતા કહ્યું કે ‘તમારે તેઓથી બીવું નહિ; મહાન યહોવાહને યાદ રાખો.’ (નહેમ્યાહ ૪:૧૪) દાઊદ અને નહેમ્યાહ જેવા ભક્તોએ કેવી રીતે યહોવાહે સોંપેલી જવાબદારી નિભાવી? યહોવાહના સાથથી. તેઓની જેમ આપણે પણ યહોવાહનો ડર રાખીશું તો, તેમના સાથથી પૂરા દિલથી ભક્તિ કરી શકીશું.

મુશ્કેલીમાં પણ યહોવાહનો ડર રાખો

૯. કેવા કેવા સંજોગોમાં દાઊદે યહોવાહનો ડર રાખ્યો?

૯ દાઊદે ગોલ્યાથને મારી નાખ્યો. એ પછી યહોવાહે દાઊદને ઘણી જીતો અપાવી. રાજા શાઊલને એની અદેખાઈ થઈ. તેણે દાઊદને જાનથી મારી નાખવાનું નક્કી કર્યું. પહેલા તો તેણે દાઊદને ભાલાથી મારવાનો પ્રયત્ન કર્યો. પછી દાઊદને યુદ્ધમાં મોકલ્યા કે તે એમાં માર્યા જશે. છેવટે શાઊલ લશ્કર લઈને દાઊદને મારવા નીકળી પડ્યો. ખરું કે યહોવાહે દાઊદને ગેરંટી આપી હતી કે તે રાજા બનશે. પણ વર્ષો સુધી તેમણે નાસ-ભાગ કરવી પડી. લડાઈઓ લડવી પડી. યહોવાહ તેમને રાજા બનાવે એની રાહ જોવી પડી. તોપણ, દાઊદે યહોવાહનો ડર રાખ્યો. તેમની જ ભક્તિ કરી.—૧ શમૂએલ ૧૮:૯, ૧૧, ૧૭; ૨૪:૨.

૧૦. દાઊદે ખતરનાક સંજોગોમાં પણ શું કર્યું?

૧૦ એક વાર દાઊદે નાસતા નાસતા ગાથ શહેરના રાજા આખીશ પાસે આશરો લેવો પડ્યો. એ તો પલિસ્તી ગોલ્યાથનું શહેર હતું! (૧ શમૂએલ ૨૧:૧૦-૧૫) રાજાના ચાકરોએ દાઊદને જોઈને કહ્યું કે ‘આ તો આપણો દુશ્મન છે!’ દાઊદે આવા ખતરનાક સંજોગોમાં શું કર્યું? તેમણે મદદ માટે યહોવાહને કાલાવાલા કર્યા. (ગીતશાસ્ત્ર ૫૬:૧-૪, ૧૧-૧૩) દાઊદે ગાંડા હોવાનો ઢોંગ કર્યો. યહોવાહે તેમના ઢોંગને કામયાબ બનાવ્યો. દાઊદ જાણતા હતા કે યહોવાહની મદદથી જ તે ત્યાંથી છટકી શક્યા હતા. દાઊદ યહોવાહનો ડર રાખીને ચાલનાર માણસ હતા.—ગીતશાસ્ત્ર ૩૪:૪-૬, ૯-૧૧.

૧૧. દાઊદની જેમ આપણે પણ મુશ્કેલીઓમાં શું કરી શકીએ?

૧૧ આપણે પણ મુશ્કેલીઓમાં દાઊદની જેમ જ વર્તીએ. દાઊદે કહ્યું કે ‘તારા માર્ગો યહોવાહને સોંપ; તેના પર ભરોસો રાખ, અને તે તને સહાય કરશે.’ (ગીતશાસ્ત્ર ૩૭:૫) એનો અર્થ એમ નહિ કે આપણે યહોવાહ પર જ બધું છોડી દઈએ. પછી હાથ જોડીને બેસી રહીએ કે ક્યારે યહોવાહ કંઈક કરે. દાઊદ યહોવાહને પ્રાર્થના કરીને બેસી રહ્યા નહિ. યહોવાહે આપેલી શક્તિ અને બુદ્ધિ તેમણે વાપરી અને મુશ્કેલીમાંથી બહાર નીકળી આવ્યા. દાઊદને ખબર હતી કે તકલીફો સહન કરવા, ફક્ત પોતાના પ્રયત્નો જ નહિ, યહોવાહની મદદ પણ જોઈએ. આપણે પણ બનતું બધું જ કરીને, બાકીનું યહોવાહ પર છોડી દઈએ. ઘણી વાર એ સિવાય આપણે બીજું કંઈ કરી શકતા નથી. આવા સમયે આપણે પોતે બતાવી શકીએ કે આપણે પણ દિલથી યહોવાહની ભક્તિ કરીએ છીએ, તેમનો જ ડર રાખીએ છીએ. દાઊદના આ શબ્દો આપણા દિલને ઠંડક આપે છે: “યહોવાહનો મર્મ [મનની વાત] તેના ભક્તોની પાસે છે.”—ગીતશાસ્ત્ર ૨૫:૧૪.

૧૨. શા માટે પ્રાર્થનાને આશીર્વાદ ગણવો જોઈએ? આપણું વલણ કેવું ન હોવું જોઈએ?

૧૨ એટલા માટે આપણે કદીયે યહોવાહનો સાથ છોડીએ નહિ. પ્રાર્થનાને આશીર્વાદ ગણીએ. આપણે યહોવાહને પ્રાર્થના કરીએ ત્યારે, “તે છે, અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ [બદલો] આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ.” (હેબ્રી ૧૧:૬; યાકૂબ ૧:૫-૮) યહોવાહ આપણી પ્રાર્થના સાંભળે છે ત્યારે, ઈશ્વરભક્ત પાઊલે સલાહ આપી તેમ આપણે તેમનો ઉપકાર માનીએ. (કોલોસી ૩:૧૫, ૧૭) સ્વર્ગમાં જવા પસંદ થયેલા એક અભિષિક્ત ભાઈએ કહ્યું: ‘હોટલમાં લોકોને કંઈ જોઈએ ત્યારે જ વેઈટરને ચપટી વગાડીને બોલાવે. એ જ રીતે લોકોને મન ઈશ્વર જાણે વેઈટર જેવા છે. ગરજ હોય ત્યારે પ્રાર્થના કરે. મદદ માગે. પણ ગરજ પતે એટલે ઈશ્વરને ભૂલી જાય.’ આપણે કદીયે એવા ન બનીએ. જો બનીએ તો ખરેખર આપણને ઈશ્વરનો ડર નથી.

ઈશ્વરનો ડર ન રાખવાથી શું બન્યું

૧૩. દાઊદે કઈ રીતે યહોવાહનો નિયમ તોડ્યો?

૧૩ યહોવાહે દાઊદની ચડતી-પડતીમાં તેમને સાથ આપ્યો. દાઊદ ઈશ્વરનો ડર રાખીને ચાલનાર બન્યા. (ગીતશાસ્ત્ર ૩૧:૨૨-૨૪) પણ દુઃખની વાત છે કે અમુક વખતે દાઊદ યહોવાહનો માર્ગ છોડી ખોટે માર્ગે ચડી ગયા, જેના કારણે તેમણે બહુ ભોગવવું પડ્યું. ત્રણ પ્રસંગોનો વિચાર કરો. પહેલો પ્રસંગ કરારકોશ વિષેનો છે. યહોવાહના નિયમ પ્રમાણે કરારકોશને એકથી બીજે ખસેડવા, લેવીઓ એને પોતાના ખભા પર ઊંચકતા. પણ દાઊદે એને નવા ગાડામાં યરૂશાલેમ લઈ જવાની ગોઠવણ કરી. ઉઝ્ઝાહ ગાડું હાંકતો હતો. પણ બળદોએ ઠોકર ખાધી એટલે તેણે કરારકોશ પકડી લીધો. તેના એ “અપરાધને લીધે” ઉઝ્ઝાહ ત્યાંને ત્યાં જ મરણ પામ્યો. ખરું કે ઉઝ્ઝાહે ઘોર પાપ કર્યું, પણ એમાં વાંક કોનો હતો? દાઊદનો. તેમણે યહોવાહનો નિયમ પાળ્યો નહિ, જેના લીધે ઉઝ્ઝાહ માર્યો ગયો. જો આપણે યહોવાહનો ડર રાખીશું તો, તેમના નિયમો પાળીશું. એ જીવન-મરણનો સવાલ છે.—૨ શમૂએલ ૬:૨-૯; ગણના ૪:૧૫; ૭:૯.

૧૪. દાઊદે ઈસ્રાએલની ગણતરી કરી એટલે શું થયું?

૧૪ બીજા એક પ્રસંગે, દાઊદે શેતાનની ચાલમાં ફસાઈને ઈસ્રાએલના લશ્કરની ગણતરી કરી. (૧ કાળવૃત્તાંત ૨૧:૧) એમ કરવાથી તેમણે યહોવાહમાં ભરોસો ન રાખ્યો, તેમનો ડર ન રાખ્યો. ૭૦,૦૦૦ ઈસ્રાએલીઓ મરણ પામ્યા! ખરું કે દાઊદે દિલથી પસ્તાવો કર્યો. તોપણ તેમણે અને ઈસ્રાએલીઓએ સખત મુશ્કેલી સહન કરવી પડી.—૨ શમૂએલ ૨૪:૧-૧૬.

૧૫. દાઊદ કઈ રીતે બાથ-શેબા સાથે પાપ કરવા ફસાયા?

૧૫ ત્રીજો પ્રસંગ ઉરીયાહની પત્ની, બાથ-શેબા સાથેના વ્યભિચારનો છે. દાઊદ જાણતા હતા કે વ્યભિચાર કે એવો કોઈ વિચાર કરવો પણ પાપ કહેવાય. (નિર્ગમન ૨૦:૧૪, ૧૭) કઈ રીતે દાઊદ એ પાપમાં ફસાયા? બાથ-શેબા નાહતી હતી ત્યારે, દાઊદની નજર તેના પર પડી. દાઊદે યહોવાહનો ડર રાખ્યો હોત તો, તરત જ પોતાની નજર હટાવી લીધી હોત. પણ દાઊદે તેને જોયા કરી. આખરે તેણે બાથ-શેબા સાથે વ્યભિચાર કર્યો. મોટું પાપ કર્યું. (માત્થી ૫:૨૮; ૨ શમૂએલ ૧૧:૧-૪) એ વખતે દાઊદ યહોવાહને ભૂલી ગયા.—ગીતશાસ્ત્ર ૧૩૯:૧-૭.

૧૬. દાઊદે પોતાનાં પાપની કેવી સજા ભોગવવી પડી?

૧૬  દાઊદે બાથ-શેબા સાથે વ્યભિચાર કર્યો, એનાથી તેઓને છોકરો થયો. પછી યહોવાહે દાઊદનાં પાપ ખુલ્લાં પાડવા ઈશ્વરભક્ત નાથાનને મોકલ્યા. દાઊદને પોતાની ભૂલનું ભાન થયું. પાપ કબૂલ કરીને પસ્તાવો કર્યો. મનમાં ગાંઠ વાળી કે પોતે યહોવાહનો ડર રાખીને જ જીવશે. દાઊદે કાલાવાલા કર્યા કે યહોવાહ તેમની કૃપાનો હાથ પાછો ન ખેંચી લે, તેમનો આશીર્વાદ કાયમ પોતાના પર રહે. (ગીતશાસ્ત્ર ૫૧:૭, ૧૧) યહોવાહે દાઊદને માફ કર્યા. પણ દાઊદે પોતાનાં પાપોની સજા ભોગવવી પડી. તેમનો દીકરો મરણ પામ્યો. દાઊદ અને તેમના કુટુંબે ત્યારથી ઘણી તકલીફો સહન કરી. યહોવાહનો ડર ન રાખવાને લીધે દાઊદે કેવી મોટી કિંમત ચૂકવવી પડી!—૨ શમૂએલ ૧૨:૧૦-૧૪; ૧૩:૧૦-૧૪; ૧૫:૧૪.

૧૭. યહોવાહના નિયમો ન પાળીએ તો કેવી તકલીફો આવી શકે?

૧૭ આજે પણ લગ્‍ન-જીવનમાં યહોવાહના નિયમો પાળીને તેમનો ડર રાખવો જોઈએ. નહિતર જીવનભર પસ્તાવાનો વારો આવી શકે. એક યુવાન બહેનનો કડવો અનુભવ વિચારો. તેમના પતિ પણ યહોવાહને ભજનાર હતા. તે બીજા દેશમાં કામ-ધંધે ગયા. પછી પત્નીને ખબર પડી કે ત્યાં પતિએ બીજી સ્ત્રી સાથે આડા સંબંધ બાંધ્યા. પત્નીને માથે આભ તૂટી પડ્યું. રડી રડીને આંખો સૂજી ગઈ. હવે પતિ તેને શું મોં બતાવશે? શું પતિ પોતાની પત્નીનો પ્રેમ જીતી શકશે? માન મેળવી શકશે? જો યહોવાહના નિયમો પાળીને તેમનો ડર રાખીશું, તો લગ્‍ન-જીવનમાં આવી તકલીફોનો પડછાયો પણ નહિ પડે.—૧ કોરીંથી ૬:૧૮.

યહોવાહનો ડર રાખો, પાપથી બચો

૧૮. શેતાન શું ચાહે છે? એ માટે તે શું કરે છે?

૧૮ શેતાન દિવસે દિવસે દુનિયાના સંસ્કાર બગાડી રહ્યો છે. ખાસ કરીને તે યહોવાહના ભક્તોની શ્રદ્ધા તોડવા માગે છે. કઈ રીતે? એ માટે શેતાન એવી ચાલાકીઓ વાપરે છે, જે આપણા દિલોદિમાગ પર છવાઈ જાય. શેતાન આપણી આંખ અને કાનનો ખોટો ફાયદો ઉઠાવે છે. (એફેસી ૪:૧૭-૧૯) જો અચાનક ગંદા ચિત્રો કે સીન જોઈએ, કોઈને ગંદી ભાષા બોલતા સાંભળીએ કે ખરાબ લોકો મળે તો શું કરીશું?

૧૯. એક ભાઈ કઈ રીતે યહોવાહનો ડર રાખીને ચાલ્યા?

૧૯ આન્દ્રે નામના એક ભાઈનોb વિચાર કરો. તે યુરોપના એક મંડળમાં વડીલ છે, પોતાની પત્ની અને કુટુંબ સાથે સુખી છે. તે ડૉક્ટર હોવાથી હૉસ્પિટલમાં નાઈટ-ડ્યૂટી પણ કરતા. ત્યારે સાથે કામ કરનારી સ્ત્રીઓ તેમના તકિયા પર વારે-વારે હાર્ટ કે દિલવાળા કાર્ડ મૂકી જતી. કાર્ડમાં આવો કંઈક સંદેશો હોય કે ‘આજની રાત મારા નામે કરી દે.’ આન્દ્રે ભાઈએ તેઓના નખરાને જરાય ધ્યાન ન આપ્યું. તેમણે બીજી હૉસ્પિટલમાં નોકરી શોધી લીધી. આન્દ્રેભાઈએ આવા ફેરફારો કરીને યહોવાહનો ડર રાખ્યો. યહોવાહે પણ તેમને ઘણા આશીર્વાદો આપ્યા. અત્યારે તે પોતાના દેશમાં યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસમાં પાર્ટ-ટાઈમ સેવા આપે છે.

૨૦, ૨૧. (ક) યહોવાહનો ડર રાખીશું તો કેવાં પાપમાં નહિ પડીએ? (ખ) હવે પછીના લેખમાં શું શીખીશું?

૨૦ ખોટા વિચારો પર મન લગાડીશું તો, આપણે પણ યહોવાહને ભૂલી જઈ શકીએ. પછી ખોટાં કામો કે પાપ કરતા પણ આપણે અચકાઈશું નહિ. (યાકૂબ ૧:૧૪, ૧૫) જો આપણે યહોવાહનો ડર રાખીને દિલથી તેમની ભક્તિ કરીશું, તો ખરાબ લોકોની સોબત નહિ કરીએ. એ ધ્યાન રાખીશું કે મોજશોખ માટે જે કંઈ કરીએ, એનાથી આપણા સારા સંસ્કાર બગડે નહિ. (નીતિવચનો ૨૨:૩) ખરું કે કોઈ આપણી મજાક કરશે. છતાં પણ આપણે શરમાઈએ નહિ. બનતું બધું જ કરીએ, જેથી યહોવાહનો આશીર્વાદ ન ગુમાવીએ. તેમની કૃપા ન ગુમાવીએ. (માત્થી ૫:૨૯, ૩૦) યહોવાહનો ડર રાખીશું તો આપણે પોર્નોગ્રાફી જેવી સાઈટ નહિ જોઈએ કે બ્લ્યૂ ફિલ્મો પણ નહિ જોઈએ. આપણે ‘વ્યર્થ’ કે ખોટી બાબતો નહિ કરીએ. આમ કરીને આપણે યહોવાહમાં પૂરી શ્રદ્ધા રાખીને તેમનો ડર રાખીશું. આપણને જેની જરૂર છે એ યહોવાહ ચોક્કસ આપશે. અરે, તે પોતે આપણું ‘જીવન બચાવશે.’—ગીતશાસ્ત્ર ૮૪:૧૧; ૧૧૯:૩૭, કોમન લેંગ્વેજ.

૨૧ યહોવાહનો ડર રાખીને તેમની ભક્તિના માર્ગે ચાલવામાં આપણું જ ભલું છે. એનાથી આપણે સાચે જ સુખી થઈશું. (ગીતશાસ્ત્ર ૩૪:૯) ચાલો એ વિષે હવે પછીના લેખમાં શીખીએ. (w 06 8/1)

[ફુટનોટ્‌સ]

a યહોવાહના સાક્ષીઓનું મેગેઝિન સજાગ બનો! ફેબ્રુઆરી ૮, ૧૯૯૮માં, “બાઇબલનું દૃષ્ટિબિંદુ: તમે કઈ રીતે પ્રેમના દેવનો ભય રાખી શકો?” લેખ જુઓ.

b નામ બદલ્યું છે.

આપણે કેવી રીતે સમજાવીશું?

• યહોવાહનો ડર રાખીને ચાલવાથી આપણે કેવા બનીશું?

• યહોવાહનો ડર કઈ રીતે મનમાંથી માણસની બીક કાઢી નાખશે?

• પ્રાર્થના વિષે આપણું વલણ કેવું હોવું જોઈએ?

• યહોવાહનો ડર કઈ રીતે આપણને પાપ કરતા રોકી શકે?

[પાન ૨૩ પર ચિત્ર]

દાઊદ યહોવાહના હાથની કમાલ જોઈને શીખ્યા કે તે કેટલા મહાન છે!

[પાન ૨૪ પર ચિત્રો]

અચાનક તમારી સામે કોઈ લાલચ આવી જાય તો તમે શું કરશો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો