વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w01 ૧૨/૧૫ પાન ૯-૧૫
  • ચિંતામાંથી રાહત મેળવવાનો વ્યવહારુ ઉપાય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ચિંતામાંથી રાહત મેળવવાનો વ્યવહારુ ઉપાય
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • શું તમે પણ ચિંતામાં ડૂબેલા છો?
  • ઝૂંસરી હેઠળ કામ કરવું
  • તમે તાજગી મેળવી શકો છો
  • તાજગી મેળવવી
  • “મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • ઈસુએ લોકોને તાજગી આપી
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • કઠણ દિલની પેઢીને હાય હાય!
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • યહોવાહની ભક્તિમાં તાજગી મેળવીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
w01 ૧૨/૧૫ પાન ૯-૧૫

ચિંતામાંથી રાહત મેળવવાનો વ્યવહારુ ઉપાય

“ઓ વૈતરૂં કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ.”—માત્થી ૧૧:૨૮.

તમે સહમત થશો કે ઘણી ચિંતાઓ નુકસાનકારક હોય છે. વળી, એ ચિંતાઓ દુઃખમાં વધારો કરે છે. બાઇબલ બતાવે છે કે આખી માનવજાત ચિંતાઓના બોજા હેઠળ દબાઈ ગઈ છે. તેથી, ઘણા લોકો આજના ચિંતાથી ભરેલા જીવનમાંથી રાહત મેળવવા ઝંખે છે. (રૂમી ૮:૨૦-૨૨) તેમ છતાં, આપણે અત્યારે ચિંતાઓમાંથી કઈ રીતે રાહત મેળવી શકીએ એ પણ બાઇબલ બતાવે છે. લગભગ બે હજાર વર્ષ પહેલાં થઈ ગયેલા એક માણસની સલાહ અને ઉદાહરણમાંથી આપણને એ રાહત મળે છે. તે એક સુથાર હતા. તોપણ તેમણે પોતાના સુથારી કામને બદલે લોકોને વધારે પ્રેમ કર્યો. તેમણે લોકોનાં હૃદય પર ઊંડી અસર કરી, તેઓની જરૂરિયાતો તરફ ધ્યાન આપ્યું, નબળાઓને મદદ કરી અને ઉદાસીનોને દિલાસો આપ્યો. સૌથી મહત્ત્વનું તો, તેમણે ઘણા લોકોને આત્મિક જ્ઞાન મેળવવા મદદ કરી. આમ, લોકોએ વધુ પડતી ચિંતામાંથી રાહત મેળવી અને તમે પણ એ મેળવી શકો છો.—લુક ૪:૧૬-૨૧; ૧૯:૪૭, ૪૮; યોહાન ૭:૪૬.

૨ એ માણસ નાઝરેથના ઈસુ હતા. તેમનું શિક્ષણ પ્રાચીન રોમ, એથેન્સ કે એલેક્સઝાંડ્રિયાના કેટલાક લોકોની જેમ દુન્યવી જ્ઞાનથી અસર પામેલું ન હતું. તેમ છતાં, હજુ પણ તેમનું શિક્ષણ પ્રખ્યાત છે. તેમના શિક્ષણનો વિષય આ હતો: એક સરકાર કે જેના દ્વારા પરમેશ્વર પૃથ્વી પર રાજ કરશે. વળી, ઈસુએ રોજિંદા જીવનમાં લાગુ પાડવાના પાયાના સિદ્ધાંતો વિષે પણ સમજાવ્યું. એ સિદ્ધાંતો આજે પણ ખરેખર મૂલ્યવાન છે. ઈસુના શિક્ષણને જીવનમાં લાગુ પાડનારાઓ તરત જ એનો લાભ મેળવે છે, એટલે કે તેઓ જીવનની વધુ પડતી ચિંતાઓમાંથી રાહત અનુભવે છે. શું તમે એમાંથી લાભ નહિ મેળવો?

૩ તમે પૂછી શકો, ‘સદીઓ પહેલાં થઈ ગયેલી વ્યક્તિથી આજે મને કઈ રીતે લાભ થઈ શકે?’ ઈસુના ધ્યાન ખેંચતા શબ્દો સાંભળો: “ઓ વૈતરૂં કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ. મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો; કેમકે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો. કેમકે મારી ઝૂંસરી સહેલ છે, ને મારો બોજો હલકો છે.” (માત્થી ૧૧:૨૮-૩૦) તેમનો એમ કહેવાનો શું અર્થ થતો હતો? ચાલો આપણે આ શબ્દોને સવિસ્તાર તપાસીએ અને જોઈએ કે દબાવી નાખતી ચિંતાઓમાંથી આપણે કઈ રીતે રાહત મેળવી શકીએ.

૪ ઈસુએ, સાચી બાબતો કરવા ઉત્સુક હતા પરંતુ, “ભારથી લદાયેલા” હતા એવા લોકો સાથે વાત કરી. કેમ કે યહુદી આગેવાનોએ ધર્મને બોજારૂપ બનાવી દીધો હતો. (માત્થી ૨૩:૪) તેઓ જીવનની નાનામાં નાની બાબતો માટે પણ નિયમો બનાવવાને મહત્ત્વ આપતા હતા. “તમારે” આમ “ન કરવું જોઈએ” અથવા આમ જ કરવું જોઈએ, એવું સાંભળીને શું તમે ત્રાસી નહિ જાવ? એનાથી ભિન્‍ન, ઈસુનું સાંભળનારા લોકોને તેમનું આમંત્રણ સત્ય, ન્યાયી અને સારું જીવન જીવવા તરફ દોરી જતું હતું. હા, ઈસુ ખ્રિસ્તના શિક્ષણને ધ્યાન આપીને સાચા પરમેશ્વરને ઓળખી શકાય છે કેમ કે, તેમના દ્વારા મનુષ્યો એ સમયે અને ભવિષ્યમાં પણ જોઈ શકવાના હતા કે યહોવાહ કેવા પ્રકારના પરમેશ્વર છે. તેથી જ, ઈસુએ કહ્યું: “જેણે મને જોયો છે તેણે બાપને જોયો છે.”—યોહાન ૧૪:૯.

શું તમે પણ ચિંતામાં ડૂબેલા છો?

૫ તમારી નોકરી કે તમારા કુટુંબની પરિસ્થિતિને લીધે તમે ચિંતામાં ડૂબેલા હોય શકો અથવા બીજી જવાબદારીઓ તમને કચડી નાખતી હોય એવું લાગી શકે. જો એમ હોય તો, તમે એવી નમ્ર વ્યક્તિઓ જેવા છો જેઓને ઈસુ મળ્યા હતા અને મદદ કરી હતી. દાખલા તરીકે, ગુજરાન ચલાવવા કમાવાની સમસ્યાનો વિચાર કરો. આજે ઘણા લોકો ઈસુના સમયની જેમ જીવન જરૂરિયાતો પૂરી કરવામાં મુશ્કેલી અનુભવે છે.

૬ ઈસુના સમયમાં, સામાન્ય રીતે મજૂર ફક્ત એક દીનાર માટે આખા દિવસના ૧૨ કલાક કામ કરતો. આમ, તે સપ્તાહના છ દિવસ સખત મહેનત કરતો. (માત્થી ૨૦:૨-૧૦) એની કઈ રીતે તમારા કે તમારા મિત્રના પગાર સાથે સરખામણી કરી શકાય? આધુનિક સમયના પગારની, પ્રાચીન સમયના પગાર સાથે સરખામણી કરવી મુશ્કેલ લાગી શકે. તોપણ, રૂપિયાથી કેટલી વસ્તુઓ ખરીદી શકાય છે એનો વિચાર કરીને આપણે સરખામણી કરી શકીએ. એક વિદ્વાન કહે છે કે ઈસુના સમયમાં ચાર કપ ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી એક પાંઉરોટીની કિંમત લગભગ એક કલાકના પગાર જેટલી હતી. બીજા એક વિદ્વાન કહે છે કે સારા દારૂના એક પ્યાલાની કિંમત લગભગ બે કલાકના પગાર જેટલી હતી. આ માહિતી પરથી તમે જોઈ શકો કે લોકો પોતાની દૈનિક જરૂરિયાતો પૂરી કરવા કેવી સખત મહેનત કરતા હતા. આથી, તેઓને પણ આપણી જેમ જ રાહત અને તાજગીની જરૂર હતી. તમે નોકરી કરતા હોવ તો વધારે કામ કરવાનું દબાણ કરવામાં આવતું હોય શકે. આથી, ઘણી વાર આપણી પાસે વિચારીને નિર્ણય કરવાનો સમય હોતો નથી. દેખીતી રીતે જ, તમે રાહત મેળવવા ઝંખતા હશો.

૭ તો પછી, એ સ્પષ્ટ છે કે “વૈતરું કરનારાઓ અને ભારથી લદાયેલાઓ” સર્વને ઈસુનું આમંત્રણ ઘણું રાહત આપનારું લાગ્યું અને ઘણા સાંભળનારાઓ તેમની પાછળ ગયા. (માત્થી ૪:૨૫; માર્ક ૩:૭, ૮) ઈસુએ આપેલા વચનને પણ યાદ કરો કે, “હું તમને વિસામો આપીશ.” એ વચનની અસર આજે પણ જોવા મળે છે. જો આપણે ‘વૈતરું કરનારા અને ભારથી લદાયેલા’ હોઈએ તો, એ આપણને તેમ જ એવી જ સ્થિતિમાં રહેતા આપણા સ્નેહીજનોને પણ લાગુ પડે છે.

૮ લોકોને કચડી નાખતી બીજી ઘણી બોજારૂપ બાબતો છે. બાળકોને ઉછેરવાં એ સૌથી મોટો પડકાર છે. પરંતુ, એક બાળક હોવું પણ પડકારરૂપ બની શકે. દરેક ઉંમરના લોકો વધતી જતી માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સમસ્યાઓનો સામનો કરે છે. આજે લોકો લાંબું જીવી શકે છે અને તબીબી ક્ષેત્રમાં પણ ઘણી પ્રગતિ થઈ હોવા છતાં મોટી વયનાઓને ખાસ મુશ્કેલીઓ હોય છે.—સભાશિક્ષક ૧૨:૧.

ઝૂંસરી હેઠળ કામ કરવું

૯ ઈસુએ કહ્યું: “મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો.” શું તમે માત્થી ૧૧:૨૮, ૨૯ના આ શબ્દોની નોંધ લીધી? ઈસુના સમયમાં, સામાન્ય માણસને એવું લાગ્યું હોય શકે કે તે તેની સાથે ઝૂંસરી હેઠળ કામ કરી રહ્યા છે. પ્રાચીન સમયથી ઝૂંસરી ગુલામીને ચિત્રિત કરતી આવી છે. (ઉત્પત્તિ ૨૭:૪૦; લેવીય ૨૬:૧૩; પુનર્નિયમ ૨૮:૪૮) ઈસુ મળ્યા હતા એમાંના ઘણા મજૂરો ખરેખર પોતાના ખભા પર ભારે બોજની ઝૂંસરી ઊંચકતા હતા. ઝૂંસરી ગળા અને ખભાએથી આરામ આપનાર છે કે ઘોંચાય એવી છે એ એને કઈ રીતે બનાવવામાં આવી છે એના પર આધારિત હતું. એક સુથાર તરીકે, ઈસુએ ઝૂંસરીઓ બનાવી હશે અને તે જાણતા હશે કે કઈ રીતે “સહેલ” હોય એવી ઝૂંસરી બનાવવી. તેમણે ગળા અને ખભા પર આવતી ઝૂંસરી નીચે ચામડાં કે કપડાંનું અસ્તર મૂક્યું હશે કે જેથી એને ઊંચકવી વધુ સહેલું બને.

૧૦ “મારી ઝૂંસરી તમે પોતા પર લો” એમ કહીને ઈસુ પોતાને સારી ઝૂંસરી બનાવનાર સાથે સરખાવતા હતા કે જેને ગળા અને ખભાએથી ઊંચકવી મજૂર માટે “સહેલ” બનતું હતું. આમ, ઈસુએ આગળ જણાવ્યું કે “મારો બોજો હલકો છે.” એ બતાવે છે કે ઝૂંસરી ઉપયોગમાં લેવા માટે આરામદાયક હતી અને કામ પણ ગુલામી જેવું ન હતું. એ સાચું છે કે ઈસુ તેમનું સાંભળનારાઓને પોતાની ઝૂંસરી ઊંચકવાનું કહીને, સર્વ ચિંતાઓમાંથી તાત્કાલિક રાહત આપવાનું કહેતા ન હતા. તેમ છતાં, તેમણે ઝૂંસરી વિષે રજૂ કરેલાં વિવિધ દૃષ્ટિબિંદુએ તેઓને જરૂર રાહત આપી હશે. તેઓએ પોતાની જીવનઢબમાં અને જે રીતે બાબતો કરતા હતા એમાં ફેરફારો કરીને રાહત મેળવી હશે. સૌથી મહત્ત્વની બાબત એ હતી કે તેઓની સ્પષ્ટ અને મક્કમ આશાએ તેઓને જીવનની ચિંતાઓ ઓછી કરવામાં મદદ કરી હશે.

તમે તાજગી મેળવી શકો છો

૧૧ નોંધ લો કે ઈસુ એમ કહી રહ્યા ન હતા કે લોકો ઝૂંસરીની અદલાબદલી કરશે. કેમ કે આજે દરેક દેશો પર સરકારો રાજ કરે છે તેમ, એ સમયે રોમનો હજુ પણ શાસન કરવાના હતા. પ્રથમ સદીમાં રોમનોએ નાખેલા કરવેરામાંથી હજુ પણ તેઓને રાહત મળવાની ન હતી. સ્વાસ્થ્યને લગતી અને આર્થિક સમસ્યાઓ એવીને એવી જ રહેવાની હતી. લોકો પર અપૂર્ણતા અને પાપની અસર થવાની જ હતી. તોપણ, તેઓ ઈસુના શિક્ષણ પ્રમાણે ચાલીને તાજગી મેળવી શક્યા તેમ, આપણે પણ તાજગી મેળવી શકીએ છીએ.

૧૨ ઈસુનું ઝૂંસરીનું ઉદાહરણ ખાસ કરીને શિષ્યો બનાવવાના કાર્યને લાગુ પડે છે. નિઃશંક, પરમેશ્વરના રાજ્ય પર ભાર મૂકીને બીજાઓને શીખવવું એ તેમનું મુખ્ય કાર્ય હતું. (માત્થી ૪:૨૩) તેથી, “મારી ઝૂંસરી તમે પોતા પર લો” એમ તેમણે કહ્યું ત્યારે, એમાં તેમની સાથે એ જ કાર્યમાં જોડાવાનો સમાવેશ થતો હતો. સુવાર્તાનો અહેવાલ બતાવે છે કે ઈસુએ નમ્ર લોકોને તેઓનો વ્યવસાય બદલવા પ્રેર્યા કે જે તેઓના જીવનની મુખ્ય બાબત હતી. ઈસુએ પીતર, આંદ્રિયા, યાકૂબ અને યોહાનને આપેલા આમંત્રણને યાદ કરો: “મારી પાછળ આવો, તે હું તમને માણસોને પકડનારા કરીશ.” (માર્ક ૧:૧૬-૨૦) તેમણે એ માછીમારોને બતાવ્યું કે પોતે જે કાર્યને જીવનમાં પ્રથમ સ્થાને રાખતા હતા એ જ કામને જો તેઓ પણ તેમના માર્ગદર્શન પ્રમાણે અને તેમની મદદથી કરે તો તેઓ કેટલો સંતોષ મેળવશે.

૧૩ કેટલાક યહુદીઓ ઈસુના શિક્ષણને સમજ્યા અને એને પોતાના જીવનમાં લાગુ કર્યું. આપણને લુક ૫:૧-૧૧માં વાંચવા મળતા દરિયા કિનારાના દૃશ્યની કલ્પના કરો. ચાર માછીમારોએ આખી રાત માછલી પકડવા સખત મહેનત કરી, પરંતુ તેઓને કંઈ મળ્યું નહિ. અચાનક, તેઓની જાળ ભરાઈ ગઈ! આ કંઈ અચાનક બની ગયું ન હતું; એ ઈસુના જણાવ્યા પ્રમાણે કરવાથી થયું હતું. તેઓએ કિનારે લોકોનાં ટોળાંને ઈસુના શિક્ષણને ધ્યાનથી સાંભળતા જોયા. એણે આ ચાર માણસોને ઈસુએ જે કહ્યું એ સમજવામાં મદદ કરી: “હવેથી તું માણસો પકડનાર થશે.” તેઓએ શું કર્યું? “હોડીઓને કાંઠે લાવ્યા પછી તેઓ બધું મૂકીને તેની પાછળ ચાલ્યા.”

૧૪ તમે પણ એ પ્રમાણે કરી શકો છો. લોકોને બાઇબલ સત્ય શીખવવાનું કાર્ય હજુ પણ ચાલી રહ્યું છે. જગતવ્યાપી લગભગ ૬૦ લાખ યહોવાહના સાક્ષીઓએ ‘[તેમની] ઝૂંસરી પોતા પર લેવાના’ આમંત્રણને સ્વીકાર્યું છે; તેઓ “માણસોને પકડનારા” બન્યા છે. (માત્થી ૪:૧૯) કેટલાક આ કાર્યમાં પૂરા સમયના સેવકો તરીકે કામ કરે છે; બીજાઓ પોતાનાથી બનતો પ્રયત્ન કરીને આ સેવામાં શક્ય હોય એટલો સમય ફાળવે છે. આ સર્વ લોકોને એ કામ તાજગી આપનારું લાગે છે અને એનાથી તેઓના જીવનની ચિંતાઓ ઓછી થઈ જાય છે. તેઓ જે કાર્ય કરવાનો આનંદ માણે છે એમાં બીજાઓને ‘રાજ્યની સુવાર્તાનો’ પ્રચાર કરવાનો સમાવેશ થાય છે. (માત્થી ૪:૨૩) કોઈને સારા સમાચાર જણાવવાથી હંમેશા આનંદ મળે છે પરંતુ, આ સુસમાચાર વિષે વાત કરવાથી વધારે આનંદ મળે છે. બાઇબલમાં પાયાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે જે વિષે આપણે ઘણા લોકોને જણાવવાની જરૂર છે. એ માર્ગદર્શન પ્રમાણે જીવીને તેઓ જીવનની ચિંતાઓ ઓછી કરી શકે છે.—૨ તીમોથી ૩:૧૬, ૧૭.

૧૫ પરમેશ્વરના રાજ્ય વિષે શીખવાનું શરૂ જ કર્યું છે એવા લોકોએ પણ પોતાના જીવનમાં ઈસુના શિક્ષણમાંથી લાભ મેળવ્યો છે. ઘણા લોકો પ્રમાણિકતાથી કહી શકે છે કે ઈસુના શિક્ષણે તેઓને તાજગી આપી છે અને તેઓને પોતાના જીવનમાં સંપૂર્ણ ફેરફારો કરવા મદદ કરી છે. ઈસુના જીવન અને સેવાકાર્યના અહેવાલોમાં, ખાસ કરીને માત્થી, માર્ક અને લુક દ્વારા લખવામાં આવેલી સુવાર્તાઓમાં બતાવેલા સિદ્ધાંતોને તમે પોતે શોધીને એ પ્રમાણે કરી શકો.

તાજગી મેળવવી

૧૬ ઈસુએ ૩૧ સી.ઈ.ની વસંતઋતુમાં જે ઉપદેશ આપ્યો હતો એ આજે પણ પ્રખ્યાત છે. એને સામાન્ય રીતે પહાડ પરનો ઉપદેશ કહેવામાં આવે છે. એ માત્થીના પથી ૭ અધ્યાય અને લુકના ૬ઠા અધ્યાયમાં નોંધવામાં આવ્યો છે અને એમાં તેમના ઘણા શિક્ષણની સમીક્ષા કરવામાં આવી છે. તમે સુવાર્તાઓમાં ઈસુએ શીખવેલી બીજી ઘણી બાબતો શોધી શકો છો. તેમણે જે શીખવ્યું એ સર્વ પોતે અમલમાં મૂકીને એને સ્પષ્ટ કર્યું. તેમ છતાં, એ પ્રમાણે કરવું કંઈ સહેલું નથી. શા માટે એ અધ્યાયોને કાળજીપૂર્વક અને ધ્યાન આપીને વાંચતા નથી? તેમના શિક્ષણની તમારા વિચાર અને વલણ પર અસર થવા દો.

૧૭ ઈસુના શિક્ષણને અલગ રીતે પણ ગોઠવી શકાય છે. ચાલો આપણે તેમના શિક્ષણના મુખ્ય મુદ્દાઓને ભેગા કરીએ, જેથી મહિનાના દરેક દિવસે એમાંના એક મુદ્દાને આપણા જીવનમાં લાગુ પાડી શકીએ. કઈ રીતે? મુદ્દાઓ પર ફક્ત ઉપરછલ્લી નજર ફેરવી જશો નહિ. એક ધનવાન અધિકારીને યાદ કરો કે જેણે ઈસુને પ્રશ્ન પૂછ્યો હતો: “અનંતજીવનનો વારસો પામવાને હું શું કરૂં?” ઈસુએ પરમેશ્વરના નિયમોના મહત્ત્વના મુદ્દાઓ યાદ કરાવ્યા ત્યારે, એ માણસે જવાબ આપ્યો કે તે એ પ્રમાણે જ કરે છે. તોપણ, તે માણસને સમજાયું કે તેણે વધારે બાબતો કરવાની જરૂર છે. ઈસુએ કહ્યું કે તેણે ઉત્સાહી શિષ્ય બનવું હોય તો, પરમેશ્વરના સિદ્ધાંતોને પોતાના જીવનમાં અમલમાં મૂકવા તેણે વધારે પ્રયત્નો કરવાના હતા. દેખીતી રીતે જ, એ માણસ એટલી હદ સુધી પ્રયત્નો કરવા માટે તૈયાર ન હતો. (લુક ૧૮:૧૮-૨૩) તેથી, ઈસુના શિક્ષણને શીખવાનું ઇચ્છનારાઓએ યાદ રાખવાની જરૂર છે કે તેમના શિક્ષણ સાથે સહમત થવું અને એને અમલમાં મૂકવા વચ્ચે ફરક છે. તેમના શિક્ષણને જીવનમાં લાગુ પાડીને જ ચિંતાઓ ઓછી કરી શકાય છે.

૧૮ ઈસુના શિક્ષણને તપાસીને એને લાગુ પાડવાનું શરૂ કરો તેમ, સાથે આપેલા બૉક્સમાંના પ્રથમ મુદ્દાને જુઓ. એ માત્થી ૫:૩-૯નો ઉલ્લેખ કરે છે. ખરેખર, એ કલમોમાં આપવામાં આવેલી સરસ સલાહ પર મનન કરવા તમે થોડો સમય ફાળવી શકો. તેમ છતાં, એને જોતા તમે તમારા વલણ વિષે કેવા નિષ્કર્ષ પર આવો છો? જો તમે ખરેખર તમારા જીવનની વધારે પડતી ચિંતાઓને હલ કરવા માંગતા હોવ તો, કઈ બાબત તમને મદદ કરશે? જો તમે આત્મિક બાબતો પર વધારે ધ્યાન આપો અને એમાં જ રચ્યાપચ્યા રહો તો, કઈ રીતે તમે તમારી પરિસ્થિતિને સુધારી શકો? શું તમારા જીવનમાં એવી કોઈ ચિંતા છે કે જેને તમે આત્મિક બાબતો પર વધારે ધ્યાન આપીને ઓછી કરી શકો? જો તમે એમ કરી શકતા હોવ તો, તમે હમણાં તમારા સુખમાં વધારો કરશો.

૧૯ બીજી એક બાબત પણ છે જે તમે કરી શકો છો. શા માટે તમે એ કલમોની બીજા ભાઈબહેનો, તમારા લગ્‍નસાથી, નજીકના સગાસંબંધી કે મિત્રો સાથે ચર્ચા નથી કરતા? (નીતિવચનો ૧૮:૨૪; ૨૦:૫) યાદ કરો કે ધનવાન અધિકારીએ પણ ઈસુને આ બાબત વિષે પૂછ્યું હતું. તેમના જવાબે તેના સુખ અને હંમેશના જીવનની આશામાં વધારો કર્યો હશે. એ સાચું છે કે તમે સાથી વિશ્વાસીઓ સાથે કલમોની ચર્ચા કરશો ત્યારે એ ઈસુ સાથે ચર્ચા કરવા બરાબર નહિ હોય; તોપણ, ઈસુ વિષેના શિક્ષણની ચર્ચા તમને બંનેને લાભ કરશે. એના પર તરત જ અમલ કરો.

૨૦ “તમને મદદ કરતા શિક્ષણના મુદ્દાઓ” બૉક્સને ફરીથી જુઓ. આ મુદ્દાઓ એક સાથે આપવામાં આવ્યા છે જેથી, તમે દિવસમાં ઓછામાં ઓછા એક મુદ્દા પર મનન કરી શકો. સૌ પ્રથમ, ઈસુ આ ટાંકેલી કલમમાં શું કહે છે એ વાંચો. ત્યાર પછી એના પર વિચાર કરો. એને તમારા જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકાય એ વિષે મનન કરો. જો તમને એવું લાગે કે તમે એ જ પ્રમાણે કરી રહ્યા છો તો, તમે પરમેશ્વરના શિક્ષણ પ્રમાણે જીવવા માટે એથી વિશેષ શું કરી શકો એના પર વિચાર કરો. એ મુદ્દાને દિવસ દરમિયાન લાગુ પાડો. જો તમને મુદ્દાને સમજવામાં કે એને લાગુ પાડવામાં મુશ્કેલી પડતી હોય તો, એ મુદ્દા પર બીજો દિવસ ફાળવો. તેમ છતાં, યાદ રાખો કે તમે બીજા મુદ્દા પર જાવ એ પહેલાં પ્રથમ મુદ્દામાં પારંગત બની જાવ એ જરૂરી નથી. બીજા દિવસે, તમે બીજા મુદ્દાને વિચારણામાં લઈ શકો. સપ્તાહને અંતે, તમે ઈસુના શિક્ષણના ચાર કે પાંચ મુદ્દાઓને કઈ રીતે લાગુ પાડ્યા એની સમીક્ષા કરી શકશો. બીજા સપ્તાહે દરરોજ બીજા મુદ્દાઓ ઉમેરતા જાઓ. જો તમને એવું લાગે કે કેટલાક મુદ્દાઓ લાગુ પાડવામાં તમે નિષ્ફળ ગયા છો તો, હતાશ થશો નહિ. દરેક વ્યક્તિ એવો અનુભવ કરશે. (૨ કાળવૃત્તાંત ૬:૩૬; ગીતશાસ્ત્ર ૧૩૦:૩; સભાશિક્ષક ૭:૨૦; યાકૂબ ૩:૮) ત્રીજા અને ચોથા સપ્તાહે પણ આ મુદ્દાઓને લાગુ પાડવાનું ચાલુ રાખો.

૨૧ મહિના પછી કે ત્યાર પછી, તમે બધા જ ૩૧ મુદ્દાઓને આવરી લીધા હશે. પરિણામે તમને કેવું લાગશે? શું તમે કંઈક અંશે વધારે આનંદ અને વધારે રાહત અનુભવતા નહિ હોવ? જો તમે થોડો વધારે સુધારો કરો તો, દેખીતી રીતે જ તમે ઓછી ચિંતા અનુભવશો. અથવા તમે એને વધારે સારી રીતે હલ કરી શકશો અને તમારી પાસે એમ નિયમિત કરતા રહેવાની રીત હશે. આપેલી યાદી સિવાય પણ ઈસુના શિક્ષણના બીજા મુદ્દાઓ છે એ ભૂલી જશો નહિ. શા માટે એને શોધી કાઢીને એ પ્રમાણે કરતા નથી?—ફિલિપી ૩:૧૬.

૨૨ તમે જોઈ શકશો કે ઈસુની ઝૂંસરી ભલે સહેલ નથી પરંતુ એ બોજરૂપ પણ નથી. તેમનું શિક્ષણ અને શિષ્યો બનાવવાના કાર્યને જીવનમાં લાગુ પાડવું અઘરું નથી. સાઠ કરતાં વધારે વર્ષના વ્યક્તિગત અનુભવ પછી, ઈસુના વહાલા મિત્ર પ્રેષિત યોહાને લખ્યું: “આપણે દેવની આજ્ઞાઓ પાળીએ, એજ દેવ પરનો પ્રેમ છે; અને તેની આજ્ઞાઓ ભારે નથી.” (૧ યોહાન ૫:૩) તમે પણ એવો જ ભરોસો રાખી શકો. તમે ઈસુના શિક્ષણને જેટલું લાગુ પાડશો, એટલું વધારે તમને જોવા મળશે કે લોકોના જીવનને ચિંતાથી ભરી દેતી બાબતો તમારા માટે ચિંતાજનક રહી નથી. તમને જોવા મળશે કે તમે ઘણી રાહત અનુભવી છે. (ગીતશાસ્ત્ર ૩૪:૮) તોપણ, ઈસુની પ્રેમાળ ઝૂંસરીનું બીજુ એક પાસું પણ છે કે જેના પર તમારે વિચાર કરવાની જરૂર છે. ઈસુએ બતાવ્યું કે, “હું મનમાં નમ્ર તથા રાંકડો છું.” એ શીખવામાં અને તેમને અનુસરવામાં આપણને કઈ રીતે લાગુ પડે છે? હવે પછીના લેખમાં આપણે એ જોઈશું.—માત્થી ૧૧:૨૯.

તમે કેવો જવાબ આપશો?

• આપણે વધારે પડતી ચિંતાઓમાંથી રાહત મેળવવી હોય ત્યારે શા માટે ઈસુને ધ્યાન આપવું જોઈએ?

• ઝૂંસરી શાનું ચિહ્‍ન છે અને શા માટે?

• ઈસુ શા માટે લોકોને તેમની ઝૂંસરી લેવાનું કહે છે?

• આપણે કઈ રીતે આત્મિક તાજગી મેળવી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

૧, ૨. (ક) બાઇબલમાં એવી કઈ બાબત છે કે જે વધુ પડતી ચિંતાઓને ઓછી કરવા મદદ કરે છે? (ખ) ઈસુનું શિક્ષણ કેટલું અસરકારક હતું?

૩. ઈસુ કયું આમંત્રણ આપે છે?

૪. ઈસુએ વાત કરી તેઓમાંના ઘણા લોકોની પરિસ્થિતિ કેવી હતી અને યહુદી ધાર્મિક આગેવાનોએ તેમને જે કરવાનું કહ્યું એ પ્રમાણે કરવું તેઓને શા માટે અઘરું લાગ્યું હશે?

૫, ૬. કઈ રીતે ઈસુના સમયના કામની સ્થિતિ અને પગારને આપણા સમય સાથે સરખાવી શકાય?

૭. ઈસુના સંદેશાની લોકો પર કેવી અસર થઈ?

૮. કઈ રીતે બાળકો ઉછેરવાં અને મોટી વય ચિંતાઓમાં વધારો કરી શકે છે?

૯, ૧૦. પ્રાચીન સમયમાં, ઝૂંસરી શાને ચિત્રિત કરતી હતી અને શા માટે ઈસુએ પોતાની ઝૂંસરી લેવાનું જણાવ્યું?

૧૧. ઈસુ શા માટે ઝૂંસરીની અદલાબદલી કરવા વિષે કહેતા ન હતા?

૧૨, ૧૩. ઈસુએ કઈ બાબત પર ભાર મૂક્યો કે જે લોકો માટે તાજગી લાવવાનું હતું અને કેટલાકે એનો કેવો પ્રત્યુત્તર આપ્યો?

૧૪. (ક) આજે આપણે કઈ રીતે તાજગી મેળવી શકીએ? (ખ) ઈસુએ તાજગી આપનારા કયા સારા સમાચાર જાહેર કર્યા?

૧૫. તમે ઈસુના શિક્ષણમાંથી કઈ રીતે લાભ મેળવી શકો?

૧૬, ૧૭. (ક) ઈસુના શિક્ષણના કેટલાક મુદ્દાઓ ક્યાં જોવા મળે છે? (ખ) ઈસુના શિક્ષણ પ્રમાણે અનુસરીને તાજગી મેળવવા માટે શું જરૂરી છે?

૧૮. આપવામાં આવેલા બૉક્સમાંથી તમે કઈ રીતે લાભ મેળવી શકો એ સમજાવો.

૧૯. તમે વધારાની સમજણ મેળવવા માટે શું કરી શકો?

૨૦, ૨૧. ઈસુના શિક્ષણ વિષે વધારે શીખવા માટે તમે કયો કાર્યક્રમ અનુસરી શકો અને તમે કઈ રીતે તમારી પ્રગતિનું મૂલ્યાંકન કરી શકો?

૨૨. ઈસુના શિક્ષણને લાગુ પાડવાથી શું પરિણમી શકે, પરંતુ બીજી કઈ વધારાની બાબતને ધ્યાન આપવાની જરૂર છે?

[પાન ૧૪ પર બ્લર્બ]

યહોવાહના સાક્ષીઓનું વર્ષ ૨૦૦૨ માટેનું વાર્ષિક વચન આ હશે: “મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ.”—માત્થી ૧૧:૨૮.

[પાન ૧૨, ૧૩ પર બોક્સ/ચિત્ર]

તમને મદદ કરતા શિક્ષણના મુદ્દાઓ

માત્થીના અધ્યાય ૫થી ૭માં તમને કઈ સારી બાબતો જાણવા મળે છે? આ અધ્યાયોમાં કુશળ શિક્ષક, ઈસુએ ગાલીલીના પહાડ પર જે શિક્ષણ આપ્યું હતું એના વિષે બતાવવામાં આવ્યું છે. નીચે આપેલી કલમો તમારા પોતાના બાઇબલમાં ખોલીને વાંચો અને એને લગતા પ્રશ્નો પોતાને પૂછો.

૧. ૫:૩-૯ આ કલમો મને મારા વલણ વિષે શું કહે છે? વધારે સુખ મેળવવા હું શું કરી શકું? હું કઈ રીતે મારી આત્મિક જરૂરિયાતો પ્રત્યે વધારે ધ્યાન આપી શકું?

૨. ૫:૨૫, ૨૬ ઘણા લોકોની જેમ દલીલબાજી કરવાને બદલે શું કરવું વધારે સારું છે?—લુક ૧૨:૫૮, ૫૯.

૩. ૫:૨૭-૩૦ જાતીયતા વિષેનાં સ્વપ્નો પર ઈસુના શબ્દો શું ભાર આપે છે? એવા વિચારો ટાળવાથી કઈ રીતે એ મારા આનંદ અને મનની શાંતિમાં ફાળો આપે છે?

૪. ૫:૩૮-૪૨ આજના સમાજમાં વધારે પડતા હિંસક થવા પર જે ભાર આપવામાં આવે છે એને મારે શા માટે ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ?

૫. ૫:૪૩-૪૮ હું જેઓને દુશ્મન ગણતો હોવ એવા સંગાથીઓને કઈ રીતે ઓળખીને લાભ મેળવી શકું? કઈ બાબત તણાવને ઓછો કે દૂર કરશે?

૬. ૬:૧૪, ૧૫ જો હું કોઈ વખત માફી ન આપતો હોઉં તો, શું એ દુશ્મનાવટ કે ખારને કારણે છે? હું એ કઈ રીતે બદલી શકું?

૭. ૬:૧૬-૧૮ શું હું મારા આંતરિક દેખાવ કરતાં બાહ્ય દેખાવ પ્રત્યે વધારે ચિંતિત છું? મારે કઈ બાબતો વિષે વધારે સજાગ બનવું જોઈએ?

૮. ૬:૧૯-૩૨ હું ધનસંપત્તિ વિષે વધારે પડતો ચિંતિત હોઉં તો, એની શું અસર થશે? એનો વિચાર કરવાથી, કઈ બાબત મને સમતોલ દૃષ્ટિ રાખવા માટે મદદ કરશે?

૯. ૭:૧-૫ હું બીજાઓનો ન્યાય કરનારા, ટીકા કરનારા કે હંમેશા બીજાઓનો વાંક કાઢનારા લોકો વચ્ચે હોઉં ત્યારે કેવું અનુભવું છું? હું એવી વ્યક્તિ ન બનું એ શા માટે મહત્ત્વનું છે?

૧૦. ૭:૭-૧૧ યહોવાહને વિનંતી કરતો હોઉં ત્યારે સતત માંગતા રહેવું સારું હોય તો, જીવનના બીજા પાસાંઓ વિષે શું?—લુક ૧૧:૫-૧૩.

૧૧. ૭:૧૨ હું સોનેરી નિયમ જાણું છું છતાં, બીજાઓ સાથેના મારા વ્યવહારમાં એને કઈ રીતે લાગુ પાડું છું?

૧૨. ૭:૨૪-૨૭ હું મારા જીવન માટે જવાબદાર હોવાથી, કઈ રીતે મુશ્કેલીઓના તોફાન અને દુઃખોના પૂર માટે તૈયાર થઈ શકું? શા માટે આ વિષે હમણાં જ વિચારવું જોઈએ?—લુક ૬:૪૬-૪૯.

હું વિચારણામાં લઈ શકું એ માટેના વધારાના મુદ્દાઓ:

૧૩. ૮:૨, ૩ ઈસુએ ઘણી વાર દયા બતાવી તેમ, હું પણ કઈ રીતે દુઃખી લોકો પ્રત્યે દયા બતાવી શકું?

૧૪. ૯:૯-૩૮ દયા મારા જીવનમાં કયો ભાગ ભજવે છે અને હું કઈ રીતે એ વધારે બતાવી શકું?

૧૫. ૧૨:૧૯ ઈસુ વિષેની ભવિષ્યવાણીમાંથી શીખીને, શું હું વિરોધી દલીલ કરવાનું ટાળું છું?

૧૬. ૧૨:૨૦, ૨૧ બીજાઓને મારા શબ્દો કે કાર્યો દ્વારા દબાવી દેવાને બદલે હું બીજું શું સારું કરી શકું?

૧૭. ૧૨:૩૪-૩૭ મોટા ભાગે હું કઈ બાબતો વિષે વધારે વાત કરું છું? હું જાણું છું કે હું નારંગીને દબાવું તો નારંગીનો રસ બહાર આવે છે, તો પછી, મારા હૃદયમાં જે બાબતો રહેલી છે એના પર શું મારે ધ્યાન ન આપવું જોઈએ?—માર્ક ૭:૨૦-૨૩.

૧૮. ૧૫:૪-૬ ઈસુની ટીકામાંથી, વયોવૃદ્ધોની પ્રેમાળ કાળજી રાખવા વિષે હું શું શીખી શકું?

૧૯. ૧૯:૧૩-૧૫ મારે શું કરવા માટે વધારે સમય ફાળવવાની જરૂર છે?

૨૦. ૨૦:૨૫-૨૮ પોતાના લાભ માટે સત્તાનો ઉપયોગ કરવો શા માટે યોગ્ય નથી? આ બાબતમાં હું કઈ રીતે ઈસુનું અનુકરણ કરી શકું?

માર્કે નોંધેલા વધારાના વિચારો:

૨૧. ૪:૨૪, ૨૫ હું બીજાઓ સાથે જે રીતે વ્યવહાર કરું છું એનું શું મહત્ત્વ છે?

૨૨. ૯:૫૦ હું જે કહું છું અને કરું છું એ સારું હોય તો, એનાથી કયું સારું પરિણામ આવશે?

છેવટે, લુકે નોંધેલા શિક્ષણના કેટલાક મુદ્દાઓ:

૨૩. ૮:૧૧, ૧૪ જો હું મારા જીવનમાં ખૂબ ચિંતા કરતો હોઉં, સંપત્તિ અને આનંદપ્રમોદને વધારે મહત્ત્વ આપતો હોઉં તો, એનું શું પરિણામ આવી શકે?

૨૪. ૯:૧-૬ ઈસુ પાસે માંદાઓને સાજા કરવાની શક્તિ હતી છતાં, તેમણે કઈ બાબતોને મહત્ત્વ આપ્યું?

૨૫. ૯:૫૨-૫૬ શું મને તરત જ ખોટું લાગી જાય છે? હું બદલો લેવાનું વલણ કઈ રીતે ટાળી શકું?

૨૬. ૯:૬૨ પરમેશ્વરના રાજ્ય વિષે જણાવવાની મારી જવાબદારીને મારે કઈ રીતે જોવી જોઈએ?

૨૭. ૧૦:૨૯-૩૭ હું કઈ રીતે સાબિત કરી શકું કે હું પાડોશી છું અજાણ્યો નથી?

૨૮. ૧૧:૩૩-૩૬ હું સાદું જીવન જીવી શકું એ માટે, મારે જીવનમાં કયા ફેરફારો કરવા જોઈએ?

૨૯. ૧૨:૧૫ જીવન અને મિલકત વચ્ચે શું સંબંધ છે?

૩૦. ૧૪:૨૮-૩૦ જો મારે કાળજીપૂર્વક મહત્ત્વના નિર્ણયો લેવાના હોય તો, મારે શું ટાળવું જોઈએ અને એનાથી મને શું લાભ થશે?

૩૧. ૧૬:૧૦-૧૨ જીવનમાં પ્રમાણિકતા જાળવી રાખીને હું કયા લાભો મેળવી શકું?

[પાન ૧૦ પર ચિત્રો]

ઈસુની ઝૂંસરી હેઠળ જીવન બચાવનારું કામ તાજગી આપનારું છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો