વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w02 ૬/૧ પાન ૧૮-૨૩
  • સારા કામ કરવા શુદ્ધ થયેલા લોકો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સારા કામ કરવા શુદ્ધ થયેલા લોકો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • સાચી ઉપાસના માટે શુદ્ધ
  • શારીરિક શુદ્ધતા
  • નિર્મળ હૃદય
  • સારાં કાર્યો માટે શુદ્ધ થયેલા
  • શુદ્ધ લોકોને ઈશ્વર ચાહે છે
    ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
  • યહોવા ચાહે છે કે તેમના ભક્તો શુદ્ધ રહે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સ્વચ્છતા ખરેખર એનો શું અર્થ થાય છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • ઈશ્વરની નજરે સાફ અને શુદ્ધ રહીએ
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
w02 ૬/૧ પાન ૧૮-૨૩

સારા કામ કરવા શુદ્ધ થયેલા લોકો

“આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ, અને દેવનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ.”​—⁠૨ કોરીંથી ૭:⁠૧.

“યહોવાહના પર્વત પર કોણ ચઢી શકશે? તેના પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે?” યહોવાહ સ્વીકારે છે એવી ઉપાસના કરવા સંબંધી પ્રાચીન ઈસ્રાએલના રાજા દાઊદે આપણને વિચાર કરવા પ્રેરે એવો પ્રશ્ન પૂછ્યો. ત્યાર પછી તેમણે એનો આવો જવાબ આપ્યો: “જેના હાથ શુદ્ધ છે, જેનું હૃદય નિર્મળ છે; જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી. અને જૂઠા સોગન ખાધા નથી તેજ ચઢી શકશે.” (ગીતશાસ્ત્ર ૨૪:​૩, ૪) પવિત્ર પરમેશ્વર યહોવાહને સ્વીકાર્ય બનવા માટે વ્યક્તિએ શુદ્ધ અને પવિત્ર થવું જ જોઈએ. શરૂઆતમાં, યહોવાહે ઈસ્રાએલના મંડળને યાદ દેવડાવ્યું: “એ માટે તમે પોતાને શુદ્ધ કરો, ને તમે પવિત્ર થાઓ; કેમકે હું પવિત્ર છું.”​—⁠લેવીય ૧૧:૪૪, ૪૫; ૧૯:⁠૨.

૨ સદીઓ પછી, પ્રેષિત પાઊલે અનૈતિક કોરીંથ શહેરના ખ્રિસ્તીઓને લખ્યું: “વહાલાઓ, આપણને એવાં વચન મળેલાં છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ, અને દેવનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ.” (૨ કોરીંથી ૭:⁠૧) આ બાબત ફરી એક વાર સ્પષ્ટ કરે છે કે પરમેશ્વર સાથે સંબંધ રાખવા અને તેમણે વચન આપેલા આશીર્વાદો મેળવવા માટે વ્યક્તિએ શારીરિક તેમ જ આત્મિક દૂષણોથી અને ભ્રષ્ટતાથી દૂર રહેવું જ જોઈએ. એવી જ રીતે, પરમેશ્વરને સ્વીકાર્ય ઉપાસના કરવા વિષે યાકૂબે બતાવ્યું: “વિધવાઓની અને અનાથોની તેઓનાં દુ:ખની વખતે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એજ દેવની, એટલે બાપની, આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે.”​—⁠યાકૂબ ૧:⁠૨૭.

૩ સાચી ઉપાસનામાં શુદ્ધ, પવિત્ર અને નિષ્કલંક હોવું ખૂબ જ મહત્ત્વનું છે. તેથી, પરમેશ્વરની સ્વીકૃતિ મેળવવા માંગતા લોકોએ તેમની ઈચ્છા પ્રમાણે કરવા માટે ગંભીરતાથી વિચારવું જોઈએ. આજે શુદ્ધતા વિષે લોકોના ધોરણો અને વિચારો એકદમ ભિન્‍ન છે. તેમ છતાં, આપણે યહોવાહ કઈ બાબતને શુદ્ધ અને સ્વીકાર્ય ગણે છે એને સમજવાની અને એ પ્રમાણે કરવાની જરૂર છે. આ બાબતમાં યહોવાહ પોતાના સેવકો પાસેથી શાની અપેક્ષા રાખે છે, અને તેમની નજરમાં શુદ્ધ તથા સ્વીકાર્ય બની રહેવા માટે તેઓને મદદ કરવા તેમણે શું કર્યું છે, એ પણ શોધી કાઢવાની જરૂર છે.​—⁠ગીતશાસ્ત્ર ૧૧૯:૯; દાનીયેલ ૧૨:⁠૧૦.

સાચી ઉપાસના માટે શુદ્ધ

૪ મોટા ભાગના લોકો માટે, શુદ્ધ થવાનો અર્થ ગંદકી કે કોઈ દૂષણથી દૂર રહેવું થાય છે. તેમ છતાં, બાઇબલમાં શુદ્ધતા માટે અનેક હેબ્રી અને ગ્રીક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ ફક્ત શારીરિક શુદ્ધતાને જ નહિ, પરંતુ ઘણી વાર નૈતિક અને આત્મિક શુદ્ધતાને પણ લાગુ પડે છે. એક બાઇબલ જ્ઞાનકોશ આમ બતાવે છે: “‘શુદ્ધ’ અને ‘અશુદ્ધ’ શબ્દનો ભાગ્યે જ સ્વચ્છતા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે પરંતુ એ ખાસ કરીને ધાર્મિક બાબતને લાગુ પડે છે. આ વ્યાખ્યા અનુસાર ‘શુદ્ધતાʼનો સિદ્વાંત જીવનના દરેક પાસાઓને અસર કરે છે.”

૫ ખરેખર, મુસાના નિયમમાં ઈસ્રાએલીઓના જીવનના લગભગ દરેક પાસાઓમાં નિયમો અને વિધિઓ બનાવવામાં આવ્યા હતા કે કઈ બાબત શુદ્ધ અને કઈ અશુદ્ધ છે. દાખલા તરીકે, લેવી પ્રકરણ ૧૧થી ૧૫માં, આપણને શુદ્ધતા અને અશુદ્ધતા વિષેની સવિસ્તાર માહિતી જોવા મળે છે. અમુક પ્રાણીઓ અશુદ્ધ હતા અને ઈસ્રાએલીઓએ એને ખાવાના ન હતા. બાળકના જન્મ પછી અમુક સમય સુધી સ્ત્રીઓ અશુદ્ધ રહેતી. અમુક ચામડીના રોગો, એમાંય ખાસ કરીને કોઢ અને સ્ત્રી-પુરૂષના ગુપ્તાંગમાંથી થતા સ્રાવથી પણ વ્યક્તિ અશુદ્ધ ગણાતી હતી. નિયમમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે અશુદ્ધ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ. દાખલા તરીકે, ગણના ૫:૨ માં વાંચવા મળે છે: “ઇસ્રાએલપુત્રોને આજ્ઞા કર, કે તેઓ પ્રત્યેક કોઢીઆને તથા પ્રત્યેક સ્ત્રાવના મરજવાળાને તથા હરકોઈ મુડદાથી અભડાએલાને છાવણીની બહાર કાઢે.”

૬ નિઃશંક, તબીબી અને શરીર વિજ્ઞાન વિષે યહોવાહે આપલા આ અને આવા બીજા નિયમોનું પાલન કરીને લોકોએ લાભ મેળવ્યો કે જેની લાંબા સમય પછી ડૉક્ટરોએ શોધ કરી. હા, આ નિયમો ફક્ત તંદુરસ્તી માટે કે ફક્ત તબીબી માર્ગદર્શન માટે જ આપવામાં આવ્યા ન હતા પણ એ સાચી ઉપાસનાનો ભાગ હતા. હકીકત તો એ છે કે નિયમો લોકોના રોજિંદા જીવનમાં પણ લાગુ પડતા હતા, જેમ કે જમવું, બાળકને જન્મ આપવો, વૈવાહિક સંબંધ વગેરે. એમાં એ બાબત પર ખાસ ભાર મૂકવામાં આવતો હતો કે તેઓના જીવનમાં શું યોગ્ય છે અને શું યોગ્ય નથી, એ નક્કી કરવાનો અધિકાર ફક્ત તેઓના પરમેશ્વર યહોવાહને છે, કેમ કે તેઓનું જીવન સંપૂર્ણપણે યહોવાહને સમર્પિત હતું.​—⁠પુનર્નિયમ ૭:૬; ગીતશાસ્ત્ર ૧૩૫:⁠૪.

૭ નિયમ કરાર ઈસ્રાએલીઓનું તેઓની આસપાસના રાષ્ટ્રના લોકોના ભ્રષ્ટ અને દુષ્ટ કૃત્યોથી પણ રક્ષણ કરતો હતો. યહોવાહની નજરમાં શુદ્ધ રહેવા અને, તેમના સર્વ નિયમોને વફાદારીથી પાળવા ઉપરાંત, ઈસ્રાએલીઓ તેઓના પરમેશ્વરની સ્વીકાર્ય ઉપાસના કરીને તેમનો આશીર્વાદ મેળવવાના હતા. આ બાબતે યહોવાહે ઈસ્રાએલીઓને કહ્યું: “જો તમે મારૂં કહેવું માનશો, ને મારો કરાર પાળશો, તો સર્વ લોકોમાંથી તમે મારૂં ખાસ ધન થશો; કેમકે આખી પૃથ્વી મારી છે; અને મારે સારૂ તમે યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશજાતિ થશો. એજ વાત તારે ઇસ્રાએલપુત્રોને કહેવી.”​—⁠નિર્ગમન ૧૯:​૫, ૬; પુનર્નિયમ ૨૬:⁠૧૯.

૮ ઈસ્રાએલીઓ કઈ રીતે યહોવાહની નજરમાં શુદ્ધ, પવિત્ર અને સ્વીકાર્ય બને એ વિષે નિયમમાં વિગતવાર માહિતી આપવામાં આવી હતી. પણ શું આજે ખ્રિસ્તીઓ માટે એ યોગ્ય નથી કે તેઓ કાળજીપૂર્વક વિચારે કે તેઓ આ જરૂરિયાતો પ્રમાણે કરે છે કે નહિ? જોકે, ખ્રિસ્તીઓ આજે નિયમ હેઠળ નથી છતાં, તેઓએ પાઊલે સમજાવેલી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ કે નિયમમાં આપવામાં આવેલી સર્વ વિધિઓ “તો ખ્રિસ્તમાં પૂર્ણ થનાર વાસ્તવિકતાની પ્રતિછાયારૂપ હતી.” (કોલોસી ૨:​૧૭, IBSI; હેબ્રી ૧૦:૧) “હું યહોવાહ અવિકારી છું” એમ કહેનાર પરમેશ્વર એ સમયે શુદ્ધતા અને અશુદ્ધતાને સાચી ઉપાસનાનો મહત્ત્વનો ઘટક ગણતા હતા. એમ હોવાથી, તેમની સ્વીકૃતિ અને આશીર્વાદ મેળવવા ઇચ્છતા આપણે આજથી જ સર્વ રીતે શુદ્ધ થવાની બાબતને ગંભીરતાથી લેવી જોઈએ.​—⁠માલાખી ૩:૬; રૂમી ૧૫:૪; ૧ કોરીંથી ૧૦:૧૧, ૩૧.

શારીરિક શુદ્ધતા

૯ શું શારીરિક શુદ્ધતા હજુ પણ સાચી ઉપાસનાનો ભાગ છે? જોકે ફક્ત શારીરિક શુદ્ધતાથી જ વ્યક્તિ પરમેશ્વરની સાચી ઉપાસના કરી શકતી નથી. આથી, સંજોગો પરવાનગી આપે એ પ્રમાણે સાચા ઉપાસકો શારીરિક રીતે શુદ્ધ રહે એ યોગ્ય છે. આજે ઘણા લોકો પોતાને, પોતાના કપડાંને કે તેઓની આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાને બહુ ધ્યાન આપતા નથી. તેથી સ્વચ્છ રાખનારાઓ તરફ લોકોનું તરત જ ધ્યાન જાય છે. એનાથી સારા પરિણામો આવી શકે, જેમ પાઊલે કોરીંથના ખ્રિસ્તીઓને કહ્યું: “અમારી સેવાનો દોષ કાઢવામાં ન આવે, માટે અમે કોઈ પણ બાબતમાં કોઈને ઠોકર ખાવાનું કારણ આપતા નથી; પણ સર્વ વાતે અમે દેવના સેવકોને શોભે એવી રીતે વર્તીએ છીએ.”​—⁠૨ કોરીંથી ૬:​૩, ૪.

૧૦ યહોવાહના સાક્ષીઓની તેઓના મહાસંમેલનોમાં શુદ્ધ, સુવ્યવસ્થિત અને આદરણીય વર્તણૂકને લીધે તેમ જ તેઓની સારી આદતોને લીધે અવારનવાર પ્રસંશા કરવામાં આવી છે. દાખલા તરીકે, ઇટાલી, સોવાનાના વિસ્તારમાં રાખવામાં આવેલા મહાસંમેલનો વિષે, લા સ્ટામ્પા છાપુ પ્રસંશા કરતા કહે છે: “સ્વચ્છ અને વ્યવસ્થિત સંમેલન હૉલ પાસેથી વ્યક્તિ પસાર થાય છે ત્યારે એ તરત જ તેમના ધ્યાન પર આવે છે.” બ્રાઝિલ, સાઓ પાઊલોના સ્ટેડિયમમાં સાક્ષીઓના સંમેલન પછી એક અધિકારીએ સફાઈ ટુકડીની દેખરેખ રાખનારને કહ્યું: “હવે પછી સ્ટેડિયમની સફાઈ યહોવાહના સાક્ષીઓએ કરી છે એ રીતે થવી જોઈએ.” એ જ સ્ટેડિયમના બીજા એક અધિકારીએ કહ્યું: “યહોવાહના સાક્ષીઓ સ્ટેડિયમ ભાડે રાખવા ઇચ્છતા હોય છે ત્યારે, અમે ફક્ત તારીખો વિષે જ ચિંતિત હોઈએ છીએ. બીજી કોઈ બાબતની અમને ચિંતા નથી.”

૧૧ જો આપણી ઉપાસનાનું સ્થળ સ્વચ્છ અને વ્યવસ્થિત હોવાને કારણે આપણા પરમેશ્વરની સ્તુતિ થતી હોય તો, આપણે વ્યક્તિગત જીવનમાં પણ આવા ગુણો બતાવીએ એ એટલું જ મહત્ત્વનું છે. તેમ છતાં, આપણને એવું લાગી શકે કે આપણે ઘરમાં આપણી પોતાની મરજી પ્રમાણે રહી શકીએ. પહેરવેશ અને શણગારની બાબત આવે છે ત્યારે, ચોક્કસ, આપણને યોગ્ય અને વ્યવસ્થિત હોય એવા કપડાંની પસંદગી કરવાની છૂટ છે! તોપણ, મોટા ભાગે તો આ છૂટમાં પણ મર્યાદા હોય છે. અમુક મનપસંદ ખોરાક વિષેની ચર્ચા કરતા પાઊલે પોતાના સાથી ખ્રિસ્તીઓને ચેતવણી આપી: “સાવધ રહો, રખેને આ તમારી છૂટ નિર્બળોને કોઈ પણ રીતે ઠોકરનું કારણ થાય.” ત્યાર પછી તેમણે મૂલ્યવાન સિદ્ધાંત બતાવ્યો: “સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉપયોગી નથી. સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉન્‍નતિકારક નથી.” (૧ કોરીંથી ૮:૯; ૧૦:૨૩) કઈ રીતે પાઊલની સલાહ આજે આપણને સ્વચ્છતાની બાબતમાં લાગુ પડે છે?

૧૨ પરમેશ્વરના સેવકો તરીકે આપણે આપણા જીવનના દરેક પાસામાં સ્વચ્છ અને વ્યવસ્થિત હોઈએ, એવી લોકો અપેક્ષા રાખે એ વાજબી છે. એ માટે, આપણે ખાતરી રાખવી જોઈએ કે આપણું ઘર અને એની આસપાસનો વિસ્તાર આપણે જે પરમેશ્વરની સેવા કરીએ છીએ તેમના પર લાંછન ન લાવે. આપણું ઘર, આપણા પોતાના વિષે અને આપણી માન્યતાઓ વિષે કેવી સાક્ષી આપે છે? શું આપણે એ બતાવીએ છીએ કે આપણે સાચે જ સ્વચ્છ અને વ્યવસ્થિત નવી ન્યાયી દુનિયામાં જીવવા ઇચ્છીએ છીએ કે જેના વિષે આપણે બીજાઓને દૃઢપણે બતાવીએ છીએ? (૨ પીતર ૩:૧૩) એવી જ રીતે, ભલે આપણે ફૂરસદના સમયમાં હોઈએ કે પ્રચાર કાર્યમાં ગયા હોઈએ, આપણો પહેરવેશ, આપણા પ્રચારને વધારે આકર્ષક બનાવી શકે છે અથવા એનું મૂલ્ય ઘટાડી શકે છે. દાખલા તરીકે, મેક્સિકોના એક છાપાના ખબરપત્રીએ આપેલી આ ટીકાને ધ્યાન પર લો: “સાચે જ, યહોવાહના સાક્ષીઓમાં મોટી સંખ્યામાં યુવાન લોકો છે જેઓ પોતાના યોગ્ય રીતે કાપેલા વાળ, સુઘડતા તેમ જ યોગ્ય પહેરવેશને કારણ અલગ તરી આવે છે.” આપણી મધ્યે આવા યુવાન લોકો હોવા કેવી આનંદની બાબત છે!

૧૩ જોકે, આપણું શરીર અને દેખાવ, આપણી ચીજવસ્તુઓ અને આપણું ઘર હંમેશાં સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવા જોઈએ, એમ કહેવા કરતાં કરવું ઘણું અઘરું છે. એ માટે બહુ જટીલ અને મોંઘા સાધનો નહિ પણ સારું આયોજન અને સતત પ્રયત્ન જરૂરી છે. આપણું શરીર, આપણા કપડાં, આપણું ઘર, આપણું વાહન વગેરે સાફ કરવા માટે સમય ફાળવવો જોઈએ. એ સાચું છે કે આપણે નોકરીધંધા ઉપરાંત સેવાકાર્ય, સભાઓમાં જવા અને વ્યક્તિગત અભ્યાસમાં વ્યસ્ત રહીએ છીએ. પરંતુ, એનાથી પરમેશ્વર અને લોકોની નજરમાં શુદ્ધ અને સ્વીકાર્ય બનવા બહુ ધ્યાન નહિ આપીએ તો ચાલશે એમ નથી. ‘દરેક બાબત માટે સમય હોય છે’ એ પ્રખ્યાત સિદ્ધાંત આપણા જીવનના આ પાસામાં પણ એટલો જ લાગુ પડે છે.​—⁠સભાશિક્ષક ૩:⁠૧.

નિર્મળ હૃદય

૧૪ શારીરિક શુદ્ધતા જેટલી મહત્ત્વની છે એનાથી પણ વધારે મહત્ત્વની નૈતિક અને આત્મિક શુદ્ધતા છે. આપણે યાદ કરી શકીએ કે યહોવાહે ઈસ્રાએલ જાતિને તેઓની શારીરિક અશુદ્ધતાને લીધે જ નહિ પરંતુ તેઓની નૈતિક અને આત્મિક અશુદ્ધતાને લીધે નકારી કાઢ્યા હતા. પ્રબોધક યશાયાહ દ્વારા યહોવાહે કહ્યું કે તેઓ “પાપ કરનારી પ્રજા, અન્યાયથી લદાએલા લોક” હોવાથી, તેઓના બલિદાનો, તેઓના ચંદ્રદર્શન તથા સાબ્બાથ, અરે તેઓની પ્રાર્થના પણ પરમેશ્વર માટે બોજરૂપ બની ગઈ હતી. તેઓએ ફરીથી પરમેશ્વરની કૃપા મેળવવા શું કરવું જોઈએ? યહોવાહે કહ્યું: “સ્નાન કરો, શુદ્ધ થાઓ; તમારાં ભૂંડાં કર્મો મારી આંખ આગળથી દૂર કરો; ભૂંડું કરવું મૂકી દો.”​—⁠યશાયાહ ૧:​૪, ૧૧-​૧૬.

૧૫ નૈતિક અને આત્મિક શુદ્ધતાના મહત્ત્વને સમજાવવા માટે ઈસુએ જે કહ્યું એનો વિચાર કરો. ફરોશીઓ અને શાસ્ત્રીઓએ ઈસુના શિષ્યો પર તહોમત મૂક્યું કે તેઓ અશુદ્ધ છે કેમ કે તેઓ ભોજન લેતા પહેલાં પોતાના હાથ ધોતા ન હતા. ત્યારે ઈસુએ તેમને આમ કહીને સુધાર્યાઃ “મોંમાં જે જાય છે તે માણસને વટાળતું નથી, પણ મોંમાંથી જે નીકળે છે તેજ માણસને વટાળે છે.” ત્યાર પછી ઈસુએ સમજાવ્યું: “પણ જે મોંમાંથી નીકળે છે, તે હૃદયમાંથી આવે છે, ને તેજ માણસને વટાળે છે. કેમકે ભૂંડી કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જારકર્મો, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ, તથા નિંદાઓ હૃદયમાંથી નીકળે છે. માણસને જે વટાળે છે તે એજ છે; પણ અણધોએલે હાથે ખાવું એ માણસને વટાળતું નથી.”​—⁠માત્થી ૧૫:૧૧, ૧૮-૨૦.

૧૬ ઈસુના શબ્દોમાંથી આપણે શું શીખી શકીએ? ઈસુ બતાવી રહ્યા હતા કે દુષ્ટ, અનૈતિક અને અશુદ્ધ હૃદયના લોકો જ આવું વલણ બતાવે છે. શિષ્ય યાકૂબે બતાવ્યું તેમ, “દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે.” (યાકૂબ ૧:૧૪, ૧૫) આથી, ઈસુએ વર્ણવેલા ઘોર પાપમાં ન પડવું હોય તો, આપણે આવા વલણને આપણા હૃદયમાંથી પૂરેપૂરું  દૂર  કરી નાખવું જોઈએ. એનો અર્થ એમ થાય કે આપણે જે વાંચીએ છીએ, જોઈએ છીએ અને સાંભળીએ છીએ એના પર કાળજીપૂર્વક ધ્યાન આપવું જોઈએ. આજે, વાણી સ્વાતંત્ર્ય અને કળાને નામે જાહેરાતો બનાવનારાઓ જાતીય લાલસા ઉત્પન્‍ન કરે એવા અવાજો  અને ચિત્રો બનાવે છે. આવા કોઈ પણ વિચારો આપણા હૃદયમાં ઘર ન કરી જાય એ માટે આપણે દૃઢ સંકલ્પ કરવો જોઈએ. મહત્ત્વનો સિદ્ધાંત એ છે કે પરમેશ્વરને ખુશ કરવા અને સ્વીકાર્ય બનવા, આપણે સતત ખંતીલા પ્રયત્ન કરવા જોઈએ જેથી આપણે હૃદયની શુદ્ધતા અને પવિત્રતા જાળવી શકીએ.​—⁠નીતિવચનો ૪:⁠૨૩.

સારાં કાર્યો માટે શુદ્ધ થયેલા

૧૭ યહોવાહની મદદથી આપણે તેમની સમક્ષ શુદ્ધ સ્થાન જાળવી રાખી શકીએ એ ખરેખર એક લહાવો અને આપણું રક્ષણ કરનાર છે. (૨ કોરીંથી ૬:​૧૪-​૧૮) આપણે એ પણ સમજી શકીએ છીએ કે યહોવાહ ખાસ હેતુ માટે પોતાના લોકોને શુદ્ધ સ્થાનમાં લાવ્યા છે. પાઊલે તીતસને કહ્યું કે ખ્રિસ્ત ઈસુએ “આપણે સારૂ પોતાનું સ્વાર્પણ કર્યું, કે જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને સારૂ ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોક તૈયાર કરે.” (તીતસ ૨:૧૪) શુદ્ધ થયેલા લોકો તરીકે, આપણે કયા કાર્યો માટે ઉત્સાહી થવું જોઈએ?

૧૮ સૌ પ્રથમ, આપણે પરમેશ્વરના રાજ્યના સુસમાચારનો પ્રચાર કરવા માટે સખત મહેનત કરવી જોઈએ. (માત્થી ૨૪:૧૪) એમ કરીને, આપણે લોકોને પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા આપીએ છીએ કે જે દરેક પ્રકારના પ્રદૂષણથી મુક્ત હશે. (૨ પીતર ૩:૧૩) આપણા સારાં કાર્યોમાં આપણા દૈનિક જીવનમાં પવિત્ર આત્માના ફળો બતાવવાનો પણ સમાવેશ થાય છે કે જેનાથી આપણે આપણા સ્વર્ગીય પિતાને મહિમાવંત કરીએ છીએ. (ગલાતી ૫:૨૨, ૨૩; ૧ પીતર ૨:૧૨) વધુમાં આપણે, જેઓ સત્યમાં નથી પરંતુ કુદરતી આફતો કે માનવ સર્જિત દુઃખોનો ભોગ બને છે તેઓને પણ ભૂલી જતા નથી. આપણે પાઊલની સલાહને ધ્યાનમાં રાખવી જોઈએ: “માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાંઓનું, અને વિશેષે કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારૂં કરીએ.” (ગલાતી ૬:૧૦) શુદ્ધ હૃદય અને સારી પ્રેરણાથી કરવામાં આવતી ઉપાસનાથી યહોવાહ ખુશ થાય છે.​—⁠૧ તીમોથી ૧:⁠૫.

૧૯ પરાત્પર પરમેશ્વરના સેવકો તરીકે, આપણે પાઊલની સલાહ સાંભળવી જોઈએ: “ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું, કે દેવની દયાની ખાતર તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો; એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે.” (રૂમી ૧૨:⁠૧) ચાલો, આપણે યહોવાહ દ્વારા શુદ્ધ થવાના લહાવાની કદર કરીએ. શારીરિક, નૈતિક અને આત્મિક શુદ્ધતાના ઉચ્ચ ધોરણોને જાળવી રાખવા આપણાથી બનતું બધું જ કરીએ. એમ કરીને આપણે હમણાં સ્વમાન અને સંતોષ મેળવીશું, એટલું જ નહિ, પરંતુ પરમેશ્વર ‘સઘળું નવું બનાવશે’ ત્યારે આજના દુષ્ટ અને ભ્રષ્ટ જગતની ‘પ્રથમની વાતોને’ પણ જતી રહેતા જોઈશું.​—⁠પ્રકટીકરણ ૨૧:૪, ૫.

શું તમને યાદ છે?

• શા માટે ઈસ્રાએલીઓને સ્વચ્છતા વિષે ઘણા નિયમો આપવામાં આવ્યા હતા?

• શા માટે શારીરિક સ્વચ્છતા આપણા સંદેશાને વધારે આકર્ષક બનાવે છે?

• શા માટે નૈતિક અને આત્મિક શુદ્ધતા શારીરિક શુદ્ધતા કરતાં વધારે મહત્ત્વના છે?

• આપણે કઈ રીતે બતાવી શકીએ કે આપણે સારા કામ માટે ઉત્સાહી છીએ?

[અભ્યાસ પ્રશ્નો]

૧. યહોવાહના ઉપાસકો પાસે શાની અપેક્ષા રાખવામાં આવે છે?

૨. કઈ રીતે પાઊલ અને યાકૂબે સાચી ઉપાસનામાં શુદ્ધતાના મહત્ત્વ પર ભાર મૂક્યો?

૩. આપણી ઉપાસના પરમેશ્વરને સ્વીકાર્ય બને એ માટે આપણે શું કરવાની જરૂર છે?

૪. બાઇબલ કઈ શુદ્ધતા વિષે કહે છે એ સમજાવો.

૫. કઈ રીતે મુસાનો નિયમ ઈસ્રાએલીઓના જીવનમાં શુદ્ધતા માટે માર્ગદર્શન આપતો હતો?

૬. શુદ્ધતા વિષે આપવામાં આવેલા નિયમોનો હેતુ શું હતો?

૭. નિયમો પાળીને, ઈસ્રાએલીઓ કયા આશીર્વાદો મેળવવાના હતા?

૮. શુદ્ધતા વિષે નિયમમાં જે કહેવામાં આવ્યું છે એમાં ખ્રિસ્તીઓએ શા માટે ધ્યાન આપવું જોઈએ?

૯, ૧૦. (ક) ખ્રિસ્તીઓ માટે શારીરિક શુદ્ધતા શા માટે મહત્ત્વની છે? (ખ) યહોવાહના સાક્ષીઓના મહાસંમેલનો વિષે અવારનવાર કેવી પ્રસંશા કરવામાં આવે છે?

૧૧, ૧૨. (ક) વ્યક્તિગત સ્વચ્છતાની બાબત આવે છે ત્યારે, આપણે કયા બાઇબલ સિદ્ધાંતને ધ્યાનમાં રાખવો જોઈએ? (ખ) આપણી વ્યક્તિગત ટેવો અને જીવન-ઢબ વિષે કયા પ્રશ્નો પૂછી શકાય?

૧૩. આપણા જીવનના દરેક પાસાઓ સ્વચ્છ અને વ્યવસ્થિત હોય એ માટે આપણે શું કરવાની જરૂર છે?

૧૪. શા માટે કહી શકાય કે શારીરિક શુદ્ધતા કરતા નૈતિક અને આત્મિક શુદ્ધતા વધારે મહત્ત્વની છે?

૧૫, ૧૬. માણસોને ભ્રષ્ટ કરે છે એ વિષે ઈસુએ શું કહ્યું અને આપણે ઈસુના શબ્દોમાંથી કઈ રીતે લાભ મેળવી શકીએ?

૧૭. શા માટે યહોવાહ પોતાના લોકોને શુદ્ધ સ્થિતિમાં લાવ્યા છે?

૧૮. આપણે કઈ રીતે બતાવી શકીએ કે આપણે સારાં કાર્યો માટે ઉત્સાહી છીએ?

૧૯. જો આપણે શારીરિક, નૈતિક અને આત્મિક રીતે શુદ્ધતાના ઉચ્ચ ધોરણોને જાળવી રાખીશું તો કયા આશીર્વાદો મેળવીશું?

[પાન ૨૧ પર ચિત્રો]

શારીરિક સ્વચ્છતા આપણે જે પ્રચાર કરીએ છીએ એને વધારે આકર્ષક બનાવે છે

[પાન ૨૨ પર ચિત્ર]

ઈસુએ ચેતવણી આપી કે દુષ્ટ વિચારો દુષ્ટ કાર્યો તરફ દોરી જાય છે

[પાન ૨૩ પર ચિત્રો]

શુદ્ધ થયેલા લોકો તરીકે, યહોવાહના સાક્ષીઓ સારા કાર્યો માટે ઉત્સાહી છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો