યહોવાહના સંદેશમાં શું હું ખરેખર માનું છું?
“ઈશ્વરનું રાજ આવી પહોંચ્યું છે. તમારાં પાપથી પાછા ફરો અને શુભસંદેશ પર વિશ્વાસ કરો.”—માર્ક ૧:૧૫, પ્રેમસંદેશ.
આ ૩૦ની સાલ છે. ઈસુ ખ્રિસ્ત ગાલીલમાં પ્રચારનું મહાન કામ ઉપાડે છે. તે ‘ઈશ્વરના રાજના શુભસંદેશ’ જણાવીને કહેતા હતા: “સમય પાકી ચૂક્યો છે અને ઈશ્વરનું રાજ આવી પહોંચ્યું છે. તમારાં પાપથી પાછા ફરો અને શુભસંદેશ પર વિશ્વાસ કરો.” (માર્ક ૧:૧૪, ૧૫, પ્રેમસંદેશ) એ સંદેશો ગાલીલના ઘણા લોકોના દિલમાં ઊતરી ગયો.
૨ જો કે શાનો ‘સમય પાકી ચૂક્યો હતો’? એ સમય ઈસુ માટે પ્રચાર કાર્ય શરૂ કરવાનો, અને લોકોએ યહોવાહની કૃપા પામવા ખરો નિર્ણય કરવાનો હતો. (લુક ૧૨:૫૪-૫૬) “ઈશ્વરનું રાજ આવી પહોંચ્યું છે” એમ કહેવામાં આવ્યું, કેમ કે એ રાજ્યના રાજા ઈસુ ત્યાં હાજર હતા. ઈસુનું સાંભળીને લોકોએ શું કર્યું? સાચા દિલના ઘણા લોકોએ પસ્તાવો કર્યો અને પાપોથી પાછા ફર્યા. તેઓએ કઈ રીતે “શુભસંદેશ પર વિશ્વાસ” મૂક્યો? ચાલો એ જોઈએ અને શીખીએ કે આપણે કઈ રીતે એમ જ કરી શકીએ?
૩ ઈસુની જેમ જ, પ્રેષિત પીતરે પણ લોકોને પસ્તાવો કરીને, પાપોથી પાછા ફરવાની અરજ કરી. યરૂશાલેમમાં ૩૩ની સાલના પેન્તેકોસ્તના દિવસે, પીતરે યહુદીઓને કહ્યું: “પસ્તાવો કરો, અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો, કે તમારાં પાપનું નિવારણ થાય; અને તમને પવિત્ર આત્માનું દાન મળશે.” હજારો લોકોએ પસ્તાવો કર્યો અને બાપ્તિસ્મા પામીને ઈસુના શિષ્યો બન્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૮, ૪૧; ૪:૪) યહુદીઓ ન હતા, એવા ઘણા લોકોએ પણ ૩૬ની સાલમાં એવા જ ફેરફારો કર્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૧-૪૮) આજે પણ, હજારો લોકો પાપોનો પસ્તાવો કરીને, યહોવાહના સેવકો બને છે અને બાપ્તિસ્મા પામે છે. તેઓ જીવન બચાવનાર સંદેશો સ્વીકારીને, ઈસુના બલિદાનમાં પૂરો વિશ્વાસ મૂકે છે. વળી, તેઓ યહોવાહના માર્ગે ચાલે છે અને તેમના રાજ્યને પૂરો ટેકો આપે છે.
૪ જો કે વિશ્વાસ એટલે શું? પ્રેષિત પાઊલે લખ્યું: “વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે, અને અદૃશ્ય વસ્તુઓની સાબિતી છે.” (હેબ્રી ૧૧:૧) આપણો વિશ્વાસ એવી ખાતરી આપે છે કે, યહોવાહનાં વચનો કોઈ પણ હિસાબે ચોક્કસ પૂરા થશે. માનો કે તમે તમારા ઘરના માલિક છો, એવો દસ્તાવેજ તમારી પાસે હોય તો, શું તમે એની શંકા કરશો? ના. વળી, વિશ્વાસ “અદૃશ્ય વસ્તુઓની સાબિતી છે.” યહોવાહ વિષેની સમજણ અને કદર આપણને એવી ખાતરી આપે છે, કે જાણે એ બનાવો નજર સામે જ બનતા હોય.—૨ કોરીંથી ૫:૭; એફેસી ૧:૧૮.
શા માટે વિશ્વાસ જરૂરી છે?
૫ આપણે જન્મથી જ પરમેશ્વરમાં માનીએ છીએ, પણ ત્યારથી જ આપણને વિશ્વાસ હોતો નથી. બાઇબલ કહે છે કે, “સર્વ માણસો વિશ્વાસ કરનાર નથી.” (૨ થેસ્સાલોનીકી ૩:૨) જો કે યહોવાહના આશીર્વાદો મેળવવા, ખ્રિસ્તીઓએ વિશ્વાસ રાખવો જ જોઈએ. (હેબ્રી ૬:૧૨) જેઓ વિશ્વાસથી જીવ્યા છે, એવા ઘણા અનુભવો જણાવ્યા પછી, પાઊલે લખ્યું: “આપણી આસપાસ શાહેદોની એટલી મોટી વાંદળારૂપ ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ, અને આપણે સારૂ ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ.” (હેબ્રી ૧૨:૧, ૨) આ “વળગી રહેનાર પાપ” શું છે? એ અવિશ્વાસ છે. અરે, એક વખત આપણને વિશ્વાસ હોય શકે, પણ એ ગુમાવી શકીએ છીએ. તો પછી, આપણો વિશ્વાસ વધારે દૃઢ કરતા રહેવા શું કરવું જોઈએ? આપણે “ઈસુ તરફ લક્ષ રાખીએ” અને તેમના પગલે પગલે ચાલીએ. આપણે દેહની વાસના અને વ્યભિચારથી દૂર નાસી જઈએ. તેમ જ, ધન-દોલતની ભૂખ, ફિલસૂફીઓ અને બાઇબલ વિરોધી માન્યતાનો સખત વિરોધ કરીએ. (ગલાતી ૫:૧૯-૨૧; કોલોસી ૨:૮; ૧ તીમોથી ૬:૯, ૧૦; યહુદા ૩, ૪) વધુમાં, આપણે પૂરો ભરોસો રાખીએ કે જેમ પિતા પોતાના વહાલા બાળકને, તેમ યહોવાહ આપણને માર્ગ બતાવે છે.
૬ પરંતુ, આપણે પોતાની જાતે જ વિશ્વાસ કેળવી શકતા નથી. એ તો યહોવાહના પવિત્ર આત્માથી કેળવી શકાય છે. (ગલાતી ૫:૨૨, ૨૩) તેથી, આપણો વિશ્વાસ વધારે દૃઢ કરવો હોય તો, ઈસુની વાત માનીએ: “જો તમે . . . તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?” (લુક ૧૧:૧૩) ચાલો, આપણે યહોવાહને પ્રાર્થના કરીએ કે વિશ્વાસ કેળવવા શક્તિ આપે. જેથી, ગમે એવી મુશ્કેલીમાં પણ આપણે પૂરા ભરોસાથી યહોવાહની ઇચ્છા પ્રમાણે જ જીવીએ.—એફેસી ૩:૨૦.
૭ આપણો વિશ્વાસ વધારવા પ્રાર્થના કરવામાં કંઈ ખોટું નથી. ભૂત વળગેલા એક યુવાનના પિતાએ, ઈસુને અરજ કરી: “હું વિશ્વાસ તો રાખું છું, પણ તે અધૂરો છે. મારો વિશ્વાસ વધારો.” (માર્ક ૯:૨૪, પ્રેમસંદેશ) ઈસુના શિષ્યોએ કહ્યું: “અમારો વિશ્વાસ વધાર.” (લુક ૧૭:૫) આપણે પણ વિશ્વાસ વધારવા યહોવાહને પ્રાર્થના કરીએ, અને પૂરો ભરોસો રાખીએ કે તે જરૂર મદદ કરશે.—૧ યોહાન ૫:૧૪.
બાઇબલમાં સો ટકા ભરોસો
૮ ઈસુના મરણના થોડા જ સમય અગાઉ, તેમણે શિષ્યોને કહ્યું: “તમારાં હૃદયોને વ્યાકુળ [દુઃખી] થવા ન દો; તમે દેવ પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો.” (યોહાન ૧૪:૧) આપણે યહોવાહ પરમેશ્વર અને તેમના પુત્ર, ઈસુ બંનેમાં માનીએ છીએ. પરંતુ, બાઇબલ વિષે શું? જો આપણે એ નિયમિત વાંચીને એ જ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરીએ, તો એનાથી સુખના દરવાજા ખુલી જશે.—હેબ્રી ૪:૧૨.
૯ આપણા દરેકના જીવનમાં કંઈને કંઈ મુશ્કેલીઓ તો હોય જ છે, પણ બાઇબલ આપણને ખૂબ જ મદદ કરી શકે છે. (અયૂબ ૧૪:૧) દાખલા તરીકે, અચાનક કોઈ મુસીબત આવી પડે અને તમને થાય, કે હવે શું કરવું? બાઇબલ સલાહ આપે છે: “તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો દેવ જે સર્વેને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતો નથી, તેની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે. પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માગવું; કેમકે જે કોઈ સંદેહ રાખે છે, તે પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે. એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું. બે મનવાળું માણસ પોતાનાં સઘળાં કાર્યમાં અસ્થિર છે.”—યાકૂબ ૧:૫-૮.
૧૦ આપણે જ્ઞાન કે ડહાપણ માટે પ્રાર્થના કરીએ તો, યહોવાહ આપણાથી નારાજ થશે નહિ. એને બદલે, તે તો આપણને મદદ કરશે. કદાચ કોઈ રીતે અમુક શાસ્ત્રવચન યાદ અપાવે, અથવા તો કોઈ બીજી રીતે માર્ગ દેખાડશે. જો આપણે ‘કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માગતા’ રહીએ, તો તે જરૂર મદદ કરશે. પરંતુ, આપણે શંકા રાખીને, પવનમાં આમ-તેમ અફળાતા સમુદ્રના મોજા જેવા બનીએ તો, યહોવાહ કઈ રીતે મદદ કરી શકે? એ તો બતાવશે કે આપણે બે મનવાળા છીએ, અને યહોવાહ પરનો આપણો વિશ્વાસ અધૂરો છે. તેથી, યહોવાહના માર્ગદર્શનમાં પૂરેપૂરો, હા સો ટકા, ભરોસો રાખીએ, અને જરાય શંકા ન કરીએ. પરંતુ, બાઇબલ કઈ રીતે મદદ અને માર્ગદર્શન આપે છે?
વિશ્વાસ અને રોજી-રોટી
૧૧ આપણે ગરીબ હોઈએ અને ખાવાના પણ ફાંફાં પડતા હોય તો શું? બાઇબલમાં ભરોસો રાખવાથી આપણને ખાતરી મળે છે કે, યહોવાહ જરૂરી ચીજો ચોક્કસ પૂરી પાડશે. (લુક ૧૧:૨, ૩) વળી, જલદી જ આવનાર નવી દુનિયામાં, તે પુષ્કળ પ્રમાણમાં બધી જ ચીજો પૂરી પાડશે. (ગીતશાસ્ત્ર ૭૨:૧૬) શું તમે એવો પૂરો ભરોસો રાખો છો? ઈશ્વર-ભક્ત એલીયાહનો વિચાર કરો. યહોવાહે દુકાળમાં એલીયાહને જે રીતે ખોરાક પૂરો પાડ્યો, એના પર મનન કરો. યહોવાહે કેવો ચમત્કાર કરીને લોટ અને તેલ પૂરા પાડ્યા! એ ચમત્કારથી એક સ્ત્રી, તેનો દીકરો અને એલીયાહ જીવતા રહી શક્યા. (૧ રાજાઓ ૧૭:૨-૧૬) બાબેલોને યરૂશાલેમ પર ઘેરો ઘાલ્યો ત્યારે, યહોવાહે પોતાના ભક્ત યિર્મેયાહની જરૂરિયાતો પણ પૂરી પાડી હતી. (યિર્મેયાહ ૩૭:૨૧) ભલે યિર્મેયાહ અને એલીયાહને જાત-જાતના ભોજન ખાવા ન મળ્યા, પણ તેઓની જરૂરિયાત યહોવાહે પૂરી પાડી. આજે પણ, યહોવાહ પોતાના ભક્તોની એ જ રીતે સંભાળ રાખે છે.—માત્થી ૬:૧૧, ૨૫-૩૪.
૧૨ બાઇબલ સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખીને એ પ્રમાણે જીવવાથી કોઈ ફાયદો છે? હા, એનાથી આપણે ધનવાન તો નહિ બનીએ, પણ ખાવા રોટલો જરૂર મળી રહેશે. બાઇબલ સલાહ આપે છે કે આપણે સચ્ચાઈથી જીવીએ, અને મહેનતની કમાઈ ખાઈએ. (નીતિવચનો ૨૨:૨૯; સભાશિક્ષક ૫:૧૮, ૧૯; ૨ કોરીંથી ૮:૨૧) મહેનતનાં ફળ મીઠાં છે, એટલે જ સારું કામ ભાગ્યે જ મળતું હોય તો, મહેનત કરવામાં કદી શરમાવું નહિ. વળી સચ્ચાઈથી જીવીને, બંગલો તો નહિ બંધાય. પરંતુ, મહેનતની કમાઈ ખાતા હોવાને કારણે, જીવનમાં મોટો સંતોષ મળે છે.—૨ થેસ્સાલોનીકી ૩:૧૧, ૧૨.
શોકમાં દિલાસો આપતો વિશ્વાસ
૧૩ આપણું કોઈ સગું-વહાલું મરણ પામે ત્યારે, કોને દુઃખ નથી થતું? બાઇબલ જણાવે છે કે શોક કરવામાં કંઈ ખોટું નથી. યહોવાહના વિશ્વાસુ ભક્ત, ઈબ્રાહીમ પણ પોતાની વહાલી પત્ની, સારાહના મરણથી કેટલા દુઃખી થઈ ગયા હતા! (ઉત્પત્તિ ૨૩:૨) દાઊદે જ્યારે સાંભળ્યું કે પોતાનો દીકરો આબ્શાલોમ મરણ પામ્યો છે, ત્યારે તે મોટેથી રડી પડ્યા. (૨ શમૂએલ ૧૮:૩૩) અરે, સંપૂર્ણ ઈસુ પણ પોતાના વહાલા મિત્ર લાજરસના મરણ પર રડ્યા હતા. (યોહાન ૧૧:૩૪-૩૬) ખરેખર, આપણું પ્રિયજન મરણ પામે ત્યારે આપણે ખૂબ દુઃખી થઈએ છીએ. પરંતુ, યહોવાહનાં વચનોમાં ભરોસો રાખવાથી, એ શોક સહન કરવા આપણને મદદ મળી શકે છે.
૧૪ પ્રેષિત પાઊલે યહોવાહમાં પૂરો વિશ્વાસ રાખ્યો, કે ન્યાયીઓ અને અન્યાયીઓ સજીવન થશે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) હમણાં મરણની ઊંઘમાં છે, એવા લાખોને નવી દુનિયામાં ફરીથી જીવન આપવામાં આવશે. એ યહોવાહની ગોઠવણ છે, અને બેશક આપણે પણ એમાં ભરોસો રાખીએ. (યોહાન ૫:૨૮, ૨૯) યહોવાહ જેઓને ફરીથી જીવન આપશે, એવા લોકોમાં ઈબ્રાહીમ અને સારાહ, ઇસ્હાક અને રિબકાહ, યાકૂબ અને લેઆહ પણ હશે. (ઉત્પત્તિ ૪૯:૨૯-૩૨) જરા કલ્પના તો કરો, કે આપણા પ્રિયજનો મરણની ઊંઘમાંથી પાછા ઊઠે છે. એ કેવી આનંદની ઘડી થશે! (પ્રકટીકરણ ૨૦:૧૧-૧૫) હા, યહોવાહમાં પૂરો વિશ્વાસ રાખવાથી, આપણું દુઃખ જતું તો નહિ રહે. પરંતુ, એક પ્રેમાળ માબાપની જેમ, તે આપણને ખૂબ દિલાસો આપે છે.—ગીતશાસ્ત્ર ૧૨૧:૧-૩; ૨ કોરીંથી ૧:૩.
નિરાશામાં આશા આપતો વિશ્વાસ
૧૫ વધુમાં, બાઇબલ જણાવે છે કે પરમેશ્વરના ભક્તો પણ કોઈ વાર નિરાશામાં ડૂબી જઈ શકે. અયૂબનો વિચાર કરો. તેમના પર કસોટીઓ આવી પડી ત્યારે, તેમને લાગ્યું કે યહોવાહ તેમને ભૂલી ગયા છે. (અયૂબ ૨૯:૨-૫) યરૂશાલેમની હાલત વિષે જાણીને, નહેમ્યાહના મોં પર ઉદાસી છવાઈ ગઈ. (નહેમ્યાહ ૨:૧-૩) ઈસુનો નકાર કર્યા પછી, પીતર ‘બહુ જ રડ્યા.’ (લુક ૨૨:૬૨) પાઊલે થેસ્સાલોનીકાના મંડળને અરજ કરી કે નિરાશ થયેલા ભાઈ-બહેનોને દિલાસો આપો. (૧ થેસ્સાલોનીકી ૫:૧૪) તેથી, તમે વિશ્વાસુ હોવા છતાં, નિરાશ થઈ જાવ તો ગભરાતા નહિ. જો કે એમ બને તો આપણે શું કરવું જોઈએ?
૧૬ એકસાથે ઘણી મુશ્કેલીઓ આવી પડે ત્યારે, આપણે નિરાશ બની શકીએ. આપણે બધી જ મુશ્કેલીઓ એકસાથે તો ઉકેલી શકતા નથી. તેથી, કેમ નહિ કે એક પછી એક મુશ્કેલીનો બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડીને ઉકેલ શોધીએ. એનાથી કદાચ આપણી ઉદાસી ઓછી થઈ શકે. તેમ જ, પોતાનાથી થાય એટલું જ કરીને, પૂરતો આરામ પણ મદદ કરી શકે. એક વાત ચોક્કસ સાચી છે, કે યહોવાહ આપણને ખૂબ ચાહે છે અને એટલે જ તે બાઇબલ દ્વારા આપણા ભલા માટે માર્ગદર્શન આપે છે.
૧૭ પીતર આપણને હજુ પણ વધારે દિલાસો આપે છે: “દેવના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચપદે મૂકે. તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમકે તે તમારી સંભાળ રાખે છે.” (૧ પીતર ૫:૬, ૭) દાઊદે કહ્યું: “સર્વ પડતા માણસોને યહોવાહ આધાર આપે છે, અને સર્વ દબાઇ રહેલાઓને તે ઊભા કરે છે.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૪) આમ, બાઇબલ જણાવે છે, એથી આપણે એમાં જરૂર ભરોસો કરીએ. ભલે નિરાશા આપણો પીછો ન છોડે, છતાં યહોવાહ પાસે આપણે ગમે ત્યારે હૈયું ઠાલવી શકીએ છીએ, એ કદી ન ભૂલીએ!
વિશ્વાસ અને બીજી કસોટીઓ
૧૮ આપણને કે આપણા સગાને કોઈ કાયમી બીમારી થઈ શકે છે. એ આપણા વિશ્વાસની કસોટી કરી શકે છે. બાઇબલ એપાફ્રોદિતસ, તીમોથી અને ત્રોફિમસના જેવા અનુભવો જણાવે છે, જેઓ બહુ જ બીમાર હતા. તેઓની બીમારી ચમત્કારથી દૂર કરવામાં આવી નહિ. પરંતુ, યહોવાહે ચોક્કસ શક્તિ આપી કે તેઓ એ બીમારીઓ સહન કરી શકે. (ફિલિપી ૨:૨૫-૩૦; ૧ તીમોથી ૫:૨૩; ૨ તીમોથી ૪:૨૦) વળી, દાઊદે કહ્યું કે ‘જે દરિદ્રીની ચિંતા કરે છે . . . તેની બીમારીના બિછાના પર યહોવાહ તેનો આધાર થશે; તેના મંદવાડમાં આખી પથારી તે બિછાવે છે.’ (ગીતશાસ્ત્ર ૪૧:૧-૩) કોઈ બીમાર હોય તેને દિલાસો આપવા, આ શબ્દો આપણને કઈ રીતે મદદ કરે છે?
૧૯ એક રીત એ છે કે આપણે તેમને મળીએ ત્યારે, તેમની સાથે મદદ માટે પ્રાર્થના કરી શકીએ. ખરું કે કોઈ ચમત્કારથી તેમની બીમારી દૂર કરવાની વિનંતી આપણે કરી શકતા નથી. પરંતુ, યહોવાહને અરજ કરી શકીએ કે તેમને સહન કરવાની શક્તિ આપે. તેમ જ, એ ભાઈ કે બહેન આ મુશ્કેલીમાં યહોવાહ પર પૂરો ભરોસો રાખશે તો, તે તેમને ચોક્કસ ટકાવી રાખશે. વળી, યહોવાહના એવા વચનમાં તેમનો વિશ્વાસ હજુ પણ દૃઢ થશે, જ્યારે “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” (યશાયાહ ૩૩:૨૪) ખરેખર, આપણને કેટલો દિલાસો મળે છે કે, જલદી જ યહોવાહનું રાજ્ય પૃથ્વી પર પણ આવશે. એમાં આપણને ઈસુ ખ્રિસ્ત પાપ, બીમારી અને મરણની જંજીરમાંથી કાયમ માટે છોડાવી લેશે! એ માટે, ચાલો આપણે યહોવાહનો ખૂબ ખૂબ આભાર માનીએ, જે ‘આપણા સર્વ રોગ મટાડે છે.’—ગીતશાસ્ત્ર ૧૦૩:૧-૩; પ્રકટીકરણ ૨૧:૧-૫.
૨૦ યહોવાહનાં વચનોમાં પૂરો ભરોસો રાખવાથી, ઘડપણમાં પણ હિંમત મળી શકે. (સભાશિક્ષક ૧૨:૧-૭) દાઊદે ઘડપણમાં પણ પ્રાર્થના કરી: “હે પ્રભુ યહોવાહ, તું મારી આશા છે; . . . વૃદ્ધાવસ્થાને સમયે [ઘડપણમાં] મને તજી ન દે; મારી શક્તિ ખૂટે ત્યારે મારો ત્યાગ ન કર.” (ગીતશાસ્ત્ર ૭૧:૫, ૯) દાઊદને યહોવાહની મદદની ઘણી જ જરૂર લાગી. એ જ રીતે યહોવાહની સેવા કરતા કરતા, ઘરડા થયેલા આપણા ઘણા ભાઈ-બહેનોને પણ લાગી શકે. અડગ વિશ્વાસથી, તેઓ ચોક્કસ ખાતરી રાખી શકે, કે યહોવાહનો શક્તિશાળી હાથ કાયમ તેઓની સાથે જ છે.—પુનર્નિયમ ૩૩:૨૭.
બાઇબલમાં ભરોસો જાળવી રાખો
૨૧ બાઇબલમાં આપેલા યહોવાહના સંદેશ પર પૂરેપૂરો ભરોસો રાખવાથી, આપણે જરૂર યહોવાહના મિત્ર બનીશું. (યાકૂબ ૪:૮) તમે કહેશો કે યહોવાહ તો વિશ્વના રાજા છે, તેમની સાથે કઈ રીતે મિત્રતા બાંધી શકાય? ભૂલો નહિ, યહોવાહ આપણને બનાવનાર આપણા પિતા પણ છે. (યશાયાહ ૬૪:૮; માત્થી ૬:૯; પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૪) ગીતશાસ્ત્રના એક લેખકે કહ્યું કે ‘તમે મારા પિતા, મારા દેવ તથા મારા તારણના ખડક છો.’ (ગીતશાસ્ત્ર ૮૯:૨૬) આપણે યહોવાહમાં પૂરેપૂરો ભરોસો રાખીશું તો, તે આપણા ‘તારણના ખડક’ બનશે. જરા વિચારો, આ કેવો મોટો આશીર્વાદ કહેવાય!
૨૨ આપણી આશા ભલે સ્વર્ગમાં રાજ કરવાની હોય કે પૃથ્વી પર કાયમના જીવનની હોય, પણ યહોવાહ આપણા બધાના પિતા છે. (રૂમીઓને પત્ર ૮:૧૫) આપણા પ્રેમાળ પિતા યહોવાહ આપણને કદી પણ તજી દેશે નહિ. દાઊદે કહ્યું હતું તેમ, ‘મારા બાપ તથા મારી મા મને તજી દે, તોપણ યહોવાહ મને સંભાળશે.’ (ગીતશાસ્ત્ર ૨૭:૧૦) વળી, આપણને ગેરંટી છે કે “યહોવાહ પોતાના મોટા નામની ખાતર પોતાના લોકને તજી દેશે નહિ.”—૧ શમૂએલ ૧૨:૨૨.
૨૩ પરંતુ, યહોવાહના કાયમ માટે મિત્ર બનવું હોય તો શું કરવું જોઈએ? એ માટે આપણે બાઇબલમાં વિશ્વાસ રાખવો જ જોઈએ, કેમ કે એ યહોવાહ પાસેથી છે. (૧ થેસ્સાલોનીકી ૨:૧૩) આપણે યહોવાહને પૂરા દિલથી વળગી રહીએ અને તેમના વચનોને આપણા માર્ગનો પ્રકાશ બનાવીએ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫; નીતિવચનો ૩:૫, ૬) આપણે પૂરા ભરોસાથી યહોવાહની મદદ અને દયાની ભીખ માંગીએ તેમ, આપણો વિશ્વાસ દિવસે દિવસે વધતો જ જશે.
૨૪ આપણે વિશ્વાસ કરીને જ, યહોવાહને કાયમ માટે અર્પણ થયા છીએ. આપણો વિશ્વાસ દૃઢ હશે અને આપણે મરણ પામીએ તો, યહોવાહ ફરીથી જીવન આપશે. હકીકતમાં, “આપણે જીવીએ કે મરીએ, તોપણ આપણે પ્રભુના [યહોવાહના] જ છીએ.” (રૂમીઓને પત્ર ૧૪:૮) તેથી, ચાલો આપણે પૂરા દિલથી યહોવાહના સંદેશમાં, હા બાઇબલમાં વિશ્વાસ મૂકીએ અને જાળવી રાખીએ.
આપણે શું શીખ્યા?
• વિશ્વાસ એટલે શું અને શા માટે એ ખૂબ જરૂરી છે?
• શા માટે આપણે બાઇબલમાં પૂરો ભરોસો રાખવો જ જોઈએ?
• કસોટીઓમાં ટકી રહેવા વિશ્વાસ આપણને કઈ રીતે મદદ કરે છે?
• આપણો વિશ્વાસ દિવસે દિવસે વધારવા શું મદદ કરશે?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. માર્ક ૧:૧૪, ૧૫ સમજાવો.
૩. લોકોએ કઈ રીતે બતાવ્યું કે તેઓ શુભસંદેશમાં વિશ્વાસ કરે છે?
૪. વિશ્વાસ એટલે શું?
૫. શા માટે આપણે વિશ્વાસ રાખવો જ જોઈએ?
૬, ૭. વિશ્વાસ વધારવા શા માટે પ્રાર્થના કરવી જોઈએ?
૮. બાઇબલમાં સો ટકા ભરોસો મૂકવાથી કઈ મદદ મળશે?
૯, ૧૦. યાકૂબ ૧:૫-૮ વિશ્વાસ વિષે શું શીખવે છે?
૧૧. બાઇબલમાં ભરોસો રાખવાથી આપણને કઈ ખાતરી થાય છે?
૧૨. બાઇબલનું કહેવું માનવાથી શું ફાયદો છે?
૧૩, ૧૪. આપણો વિશ્વાસ કઈ રીતે શોકના સમયે મદદ કરશે?
૧૫, ૧૬. (ક) આજે યહોવાહના ભક્તો નિરાશ થાય, એ શા માટે નવું નથી? (ખ) આપણે નિરાશ થઈએ તો શું કરવું જોઈએ?
૧૭. યહોવાહ આપણી સંભાળ રાખે છે, એવો ભરોસો શા માટે કરીએ છીએ?
૧૮, ૧૯. (ક) કઈ રીતે વિશ્વાસ આપણી બીમારીમાં મદદ કરે છે? (ખ) બીજાને દિલાસો આપવામાં વિશ્વાસ કઈ રીતે મદદ કરે છે?
૨૦. શા માટે એમ કહી શકાય કે ઘડપણમાં પણ વિશ્વાસ ટકાવી રાખે છે?
૨૧, ૨૨. આપણે દૃઢ વિશ્વાસ રાખીએ તો યહોવાહ સાથે કેવો સંબંધ બાંધવાની તક છે?
૨૩. યહોવાહના કાયમ માટે મિત્ર બનવા આપણે શું કરવું જોઈએ?
૨૪. રૂમી ૧૪:૮ આપણને કયું ઉત્તેજન આપે છે?
[પાન ૧૨ પર ચિત્ર]
વિશ્વાસુ યિર્મેયાહ અને એલીયાહને યહોવાહે ટકાવી રાખ્યા
[પાન ૧૩ પર ચિત્ર]
અયૂબ, પીતર અને નહેમ્યાહને દૃઢ વિશ્વાસ હતો
[પાન ૧૫ પર ચિત્ર]
યહોવાહના કાયમ માટે મિત્ર બનવા, આપણને દૃઢ વિશ્વાસ હોવો જ જોઈએ