વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w03 ૨/૧ પાન ૧૩-૧૮
  • “એકબીજા પર પ્રેમ રાખો”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “એકબીજા પર પ્રેમ રાખો”
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • “પ્રેમમાં પુષ્કળ વધારો કરો”
  • ખોવાયેલું ઘેટું અને ખોવાયેલો સિક્કો
  • ખોવાયેલું તોપણ કીમતી
  • પહેલ કરો
  • પ્રેમાળ બનો
  • ખંતથી પ્રયત્ન કરતા રહો
  • ‘નબળાઓને મદદ કરીએ’
    યહોવા માટે ગાઓ
  • ‘હું મારાં ઘેટાંને શોધી કાઢીશ’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • ‘મારી તરફ પાછા ફરો’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • વડીલો, ઉત્તમ ઘેટાંપાળકોને અનુસરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
w03 ૨/૧ પાન ૧૩-૧૮

“એકબીજા પર પ્રેમ રાખો”

“તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.”—યોહાન ૧૩:૩૫.

ઈસુએ તેમના મરણના થોડા જ કલાકો પહેલાં પોતાના શિષ્યોને પ્યારથી કહ્યું: “અત્યંત વહાલા બાળકો.” (યોહાન ૧૩:૩૩, IBSI) ઈસુએ આના પહેલાં આટલા પ્યારથી તેમના શિષ્યોને બોલાવ્યા હોય એવું માત્થી, માર્ક કે લુકના પુસ્તકમાં ક્યાંય જોવા મળતું નથી. પરંતુ, એ ખાસ રાત્રે ઈસુએ શિષ્યોને ‘વહાલા બાળકો’ કહીને બતાવ્યું કે તેઓ તેમને કેટલા પ્રિય છે. એ રાત્રે ઈસુએ તેમના શિષ્યો સાથે વાત કરતા લગભગ ૩૦ વાર પ્રેમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે શા માટે પ્રેમ બતાવવા પર આટલો બધો ભાર મૂક્યો?

૨ ઈસુએ સમજાવ્યું કે એકબીજાને પ્રેમ બતાવવો કેટલું મહત્ત્વનું છે. તેમણે કહ્યું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહાન ૧૩:૩૫; ૧૫:૧૨, ૧૭) એ શબ્દોથી જોઈ શકાય છે કે, આપણે ખ્રિસ્તના શિષ્ય થવું હોય તો મંડળમાં ભાઈબહેનોને પ્રેમ બતાવવો જ જોઈએ. આજે સાચા ખ્રિસ્તીઓ બીજા ધર્મની માફક અલગ પ્રકારનાં કપડાં કે રિવાજોથી ઓળખાતા નથી. પરંતુ તેઓ એકબીજાને ખ્રિસ્ત જેવો પ્રેમ બતાવે છે એનાથી ઓળખાય છે. આપણે અગાઉના લેખમાં જોયું હતું કે ખ્રિસ્તના શિષ્યોએ ત્રણ મહત્ત્વની જરૂરિયાતો પૂરી કરવાની છે. એમાંની બીજી જરૂરિયાત છે કે, આપણે એકબીજાને પ્રેમ બતાવવો જોઈએ. એ માટે આપણને શું મદદ કરી શકે?

“પ્રેમમાં પુષ્કળ વધારો કરો”

૩ પ્રથમ સદીમાં ઈસુના શિષ્યો જે રીતે એકબીજાને પ્રેમ બતાવતા હતા એવો જ પ્રેમ આજે પણ ઈસુના સાચા શિષ્યોમાં જોવા મળે છે. પ્રેષિત પાઊલે પહેલી સદીના ખ્રિસ્તીઓને આમ લખ્યું: ‘ભાઈ પરની પ્રીતિ વિષે કોઈને તમારા પર લખવાની કંઈ જરૂર નથી, કેમકે તમે પોતે એકબીજા પર પ્રેમ રાખવાને દેવથી શીખવેલા છો. તમે ખરેખર સઘળા ભાઈઓ પર એ પ્રમાણે પ્રેમ રાખો છો.’ તોપણ, પાઊલે આગળ લખ્યું: “તમે હજુ વધારે પ્રેમ રાખો.” (૧ થેસ્સાલોનીકી ૩:૧૨; ૪:૯, ૧૦) આપણે પણ પાઊલની સલાહને ધ્યાન આપીને એકબીજાને ‘હજુ વધારે પ્રેમ બતાવતા’ રહેવું જોઈએ.

૪ એ જ પત્રમાં પાઊલે ખ્રિસ્તી ભાઈઓને ઉત્તેજન આપ્યું: “બીકણોને [ઉદાસીનોને] ઉત્તેજન આપો, નિર્બળોને આશ્રય આપો.” (૧ થેસ્સાલોનીકી ૫:૧૪) બીજા એક પ્રસંગે તેમણે ખ્રિસ્તીઓને યાદ કરાવ્યું કે “આપણે જેઓ વિશ્વાસમાં દૃઢ છીએ, તેઓએ નિર્બળોના બોજ ઊંચકવામાં મદદ કરવી જોઈએ.” (રૂમીઓને પત્ર ૧૫:૧, પ્રેમસંદેશ) એ જ રીતે, ઈસુએ પણ નબળાઓને મદદ કરવાની સલાહ આપી હતી. ઈસુએ એ રાત્રે ભાખ્યું કે તેમની ધરપકડ થયા પછી પીતર તેમને ઓળખવાનો નકાર કરશે. એમ કહ્યા પછી, તેમણે પીતરને કહ્યું: “તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે.” શા માટે? કેમ કે તેઓએ પણ ઈસુને છોડી દીધા હોવાથી, તેમના તરફ પાછા ફરવા તેઓને મદદ જોઈશે. (લુક ૨૨:૩૨; યોહાન ૨૧:૧૫-૧૭) આ રીતે, બાઇબલ આપણને ઉત્તેજન આપે છે કે જેઓ પરમેશ્વરની સેવામાં નબળા પડી ગયા હોય અને મંડળમાં પણ આવવાનું બંધ કરી દીધું હોય તેઓને આપણે પ્રેમ બતાવીએ. (હેબ્રી ૧૨:૧૨) આપણે શા માટે તેઓને પ્રેમ બતાવવો જોઈએ? ઈસુએ આપેલા બે સુંદર દૃષ્ટાંતો એનો જવાબ આપે છે.

ખોવાયેલું ઘેટું અને ખોવાયેલો સિક્કો

૫ પરમેશ્વરની સેવા કરવાનું જેઓએ છોડી દીધું છે, તેઓ વિષે તેમને કેવું લાગે છે? એ જણાવવા ઈસુએ બે ટૂંકા દૃષ્ટાંતો આપ્યાં. એમાંનું એક ઘેટાંપાળકનું છે. ઈસુએ કહ્યું: “જો કોઈ માણસ પાસે સો ઘેટાં હોય અને તેમાંનું એક ખોવાઈ જાય અને અરણ્યમાં તે ભૂલું પડી જાય, તો પેલા નવ્વાણું ઘેટાંને મૂકીને ખોવાઈ ગયેલું ઘેટું મળે ત્યાં સુધી શું તે તેની શોધ નહીં કરે? ઘેટું મળતાં જ તે તેને આનંદથી પોતાના ખભા પર ઊંચકીને ઘરે લઈ જશે. ઘરે આવીને તે પોતાના મિત્રોને તથા પડોશીઓને બોલાવીને તેઓની સાથે આનંદ કરશે; કારણ, ખોવાયેલું ઘેટું તેને પાછું મળ્યું છે. હું કહું છું કે એ જ પ્રમાણે નવ્વાણું ન્યાયી માણસો કરતાં એક પાપી માણસ પસ્તાવો કરી ઈશ્વર તરફ પાછો ફરે તેને લીધે સ્વર્ગમાં ઘણો આનંદ થશે.”—લુક ૧૫:૪-૭, IBSI.

૬ બીજું દૃષ્ટાંત એક સ્ત્રીનું છે. ઈસુએ કહ્યું: “એક સ્ત્રી પાસે ચાંદીના દસ સિક્કા છે અને તેમાંથી એક ખોવાઈ જાય, તો તે શું કરશે? તે દીવો સળગાવે છે, પોતાનું ઘર સાફસૂફ કરે છે અને તે મળે ત્યાં લગી તેની કાળજીપૂર્વક શોધ કરે છે. જ્યારે તે તેને મળે છે, ત્યારે તે પોતાની બહેનપણીઓને અને પડોશીઓને એકઠાં કરે છે અને તેમને કહે છે, ‘મારો ખોવાઈ ગયેલો સિક્કો મને પાછો મળ્યો છે તેથી મને ઘણો આનંદ થાય છે. તમે પણ મારી સાથે આનંદ કરો.’ એ જ પ્રમાણે હું તમને કહું છું કે પસ્તાવો કરતા એક પાપીને લીધે ઈશ્વરના દૂતો આનંદ કરે છે.”—લુક ૧૫:૮-૧૦, પ્રેમસંદેશ.

૭ આ દૃષ્ટાંતોમાંથી આપણને બે બાબતો શીખવા મળે છે. (૧) પરમેશ્વરની સેવામાં નબળા પડી ગયા છે તેઓ વિષે આપણને કેવું લાગવું જોઈએ? (૨) તેઓને મદદ કરવા આપણે શું કરવું જોઈએ? ચાલો આપણે એના પર વિચાર કરીએ.

ખોવાયેલું તોપણ કીમતી

૮ નોંધ લો કે બંને દૃષ્ટાંતોમાં ખોવાયેલા ઘેટા અને સિક્કાના માલિકોએ શું કર્યું. ઘેટાંના માલિકે એમ કહ્યું ન હતું કે: ‘મારી પાસે તો બીજા ૯૯ ઘેટાં છે. એક ખોવાઈ ગયું એમાં શું થઈ ગયું?’ સ્ત્રીએ પણ એવું વિચાર્યું ન હતું કે: ‘એક સિક્કો ખોવાઈ ગયો એમાં શું ચિંતા કરવી? મારી પાસે બીજા નવ સિક્કા છે.’ એના બદલે, ઘેટાંપાળક એ રીતે શોધવા લાગ્યો કે જાણે તેની પાસે બીજાં ઘેટાં છે જ નહિ. સ્ત્રીએ પણ જાણે તેની પાસે બીજા કોઈ સિક્કા ન હોય એ રીતે ખોવાયેલા સિક્કાની શોધ કરી. આમ, બંને કિસ્સામાં માલિકના મનમાં ખોવાયેલી વસ્તુ કીમતી હતી. આ દૃષ્ટાંતમાંથી આપણે શું શીખી શકીએ?

૯ નોંધ કરો કે બંને કિસ્સામાં ઈસુએ છેલ્લે શું કહ્યું: “એક પાપી માણસ પસ્તાવો કરી ઈશ્વર તરફ પાછો ફરે તેને લીધે સ્વર્ગમાં ઘણો આનંદ થશે.” “એ જ પ્રમાણે હું તમને કહું છું કે પસ્તાવો કરતા એક પાપીને લીધે ઈશ્વરના દૂતો આનંદ કરે છે.” આપણે દૃષ્ટાંતમાં જોયું કે, ઘેટાંપાળકની નજરમાં ખોવાયેલું ઘેટું કીમતી હતું. તેમ જ સ્ત્રીની નજરમાં ખોવાયેલો સિક્કો અમૂલ્ય હતો. એવી જ રીતે, જેઓ યહોવાહના લોકોથી અલગ થઈ ગયા છે અને તેમની સેવા કરવાનું છોડી દીધું છે તેઓ પણ યહોવાહ અને સ્વર્ગદૂતોની નજરમાં અમૂલ્ય છે. (યિર્મેયાહ ૩૧:૩) આવા લોકો મોટા ભાગે પરમેશ્વરની સેવા કરવામાં ઠંડા પડી ગયા હોય છે. પરંતુ, એથી આપણે એમ ન માની લેવું જોઈએ કે તેઓ યહોવાહના દુશ્મન છે. તેઓ યહોવાહને ગમે છે એવી બાબતો અમુક હદે હજુ પણ કરતા હોય શકે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૭૬; પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૯) જેવી રીતે પ્રાચીન સમયમાં યહોવાહે પોતાના લોકોનો “નાશ કરવા ચાહ્યું નહિ,” તેમ આજે પણ તે ચાહતા નથી.—૨ રાજાઓ ૧૩:૨૩.

૧૦ યહોવાહ અને ઈસુની જેમ, આપણે પણ મંડળમાં જેઓ નબળા કે ઠંડા પડી ગયા છે અને સભાઓમાં આવતા નથી તેઓની ચિંતા કરીએ છીએ. (હઝકીએલ ૩૪:૧૬; લુક ૧૯:૧૦) આપણે તેઓને નકામા ગણતા નથી પણ ખોવાયેલાં ઘેટાં તરીકે જોઈએ છીએ. આપણે તેઓ વિષે કદી એવું વિચારતા નથી કે, ‘વિશ્વાસમાં જેઓ ઠંડા પડી ગયા છે, તેઓ વિષે ચિંતા કરવાની શી જરૂર છે? તેઓ સભામાં આવે કે ન આવે એની મંડળ પર કોઈ અસર પડવાની નથી.’ એના બદલે, જેઓ મંડળ છોડી ગયા છે અને પાછા આવવા માંગે છે તેઓને આપણે યહોવાહની જેમ અમૂલ્ય ગણીએ છીએ.

૧૧ તો પછી, આપણે તેઓની ચિંતા કરીએ છીએ એમ કઈ રીતે બતાવી શકીએ? ઈસુના બે દૃષ્ટાંત પ્રમાણે, આપણે (૧) પહેલ કરવી જોઈએ, (૨) પ્રેમાળ બનવું જોઈએ અને; (૩) તેઓને પાછા લાવવા સખત પ્રયત્ન કરવો જોઈએ. ચાલો આપણે એક પછી એક આ સૂચનો વિષે ચર્ચા કરીએ.

પહેલ કરો

૧૨ પહેલાં દૃષ્ટાંતમાં ઈસુ કહે છે કે ઘેટાંપાળક પોતે નવ્વાણું ઘેટાંને મૂકીને ‘ખોવાઈ ગયેલું ઘેટું જડે નહિ ત્યાં લગી એને શોધે’ છે. તે કોઈ જોખમ કે મુશ્કેલીની પણ પરવા કરતો નથી.—લુક ૧૫:૪.

૧૩ એવી જ રીતે, જેઓ વિશ્વાસમાં ઠંડા પડી ગયા છે તેઓને ઉત્તેજન આપવા આપણે પહેલ કરવી જોઈએ. પ્રાચીન સમયમાં યહોવાહના વફાદાર સેવકો પણ એમ જ કરતા હતા. દાખલા તરીકે, શાઊલ રાજાના પુત્ર, યોનાથાનને ખબર પડી કે તેના જિગરી દોસ્ત દાઊદને ઉત્તેજનની જરૂર છે ત્યારે, તે “દાવિદને શોધવા ગયો; અને હોરેશ નજીક તે તેને મળ્યો અને ઈશ્વર પરના તેના વિશ્વાસમાં તેને ઉત્તેજન આપ્યું.” (૧ શમૂએલ ૨૩:૧૫, ૧૬, IBSI) એની સદીઓ પછી, સૂબા નહેમ્યાહે પણ અમુક યહુદી ભાઈઓને નિરાશ થયેલા જોયા ત્યારે, તરત જ તેઓ પાસે જઈને યહોવાહની સેવામાં ઉત્સાહી રહેવા ઉત્તેજન આપ્યું. (નહેમ્યાહ ૪:૧૪) આજે પણ કોઈ હિંમત હારી ગયું હોય કે નબળું પડી ગયું હોય તો, આપણે તેઓને હિંમત આપવા પહેલ કરવી જોઈએ. પરંતુ, મંડળમાં એ કોણે કરવું જોઈએ?

૧૪ ખાસ કરીને ખ્રિસ્તી વડીલોની એ જવાબદારી છે કે તેઓ ‘ઢીલા હાથોને દૃઢ કરે અને લથડાતાં ઘૂંટણોને સ્થિર કરે.’ તેમ જ, ‘જેઓ સ્વભાવે ઉતાવળા છે, તેઓને કહે કે દૃઢ થાઓ, બીશો મા.’ (યશાયાહ ૩૫:૩, ૪; ૧ પીતર ૫:૧, ૨) તોપણ, અહીંયા પાઊલની સલાહને ધ્યાન આપો. તેમણે કહ્યું હતું કે “બીકણોને [ઉદાસીનોને] ઉત્તેજન આપો, નિર્બળોને આશ્રય આપો.” આ સલાહ પાઊલે ફક્ત વડીલોને જ આપી ન હતી. તેમણે ‘થેસ્સાલોનીકા મંડળના’ સર્વ ભાઈબહેનોને એમ કહ્યું હતું. (૧ થેસ્સાલોનીકી ૧:૧; ૫:૧૪) આમ, વિશ્વાસમાં નબળા અને હિંમત હારી ગયા છે તેઓને મદદ કરવાની આપણા બધાની જવાબદારી છે. દૃષ્ટાંતમાંના ઘેટાંપાળકની જેમ, આપણે દરેકે ખોવાયેલા ઘેટાની શોધ કરવી જોઈએ. જોકે, આપણે વડીલોની મદદથી એ કામ સારી રીતે કરી શકીએ છીએ. તમારા મંડળમાં કોઈ વિશ્વાસમાં નબળું પડી ગયું હોય તો, શું તમે તેઓને ઉત્તેજન આપી શકો છો?

પ્રેમાળ બનો

૧૫ ઘેટાંપાળકને ખોવાયેલું ઘેટું મળે છે ત્યારે તે શું કરે છે? “તેને એટલો આનંદ થાય છે કે તે તેને પોતાના ખભા પર ઊંચકીને ઘેર લાવે છે.” (લુક ૧૫:૫, પ્રેમસંદેશ) ઘેટાંપાળકના પ્રેમનું કેવું સુંદર વર્ણન! કદાચ ઘેટું કેટલાય દિવસો સુધી અજાણી જગ્યાઓએ ભટક્યું હશે. તેમ જ તે કદાચ સિંહના મોંમાંથી બચ્યું હોવાથી કેટલુંય ફફડતું હશે. (અયૂબ ૩૮:૩૯, ૪૦) એ ઉપરાંત, તેને પૂરતો ખોરાક મળ્યો ન હોવાથી કદાચ નબળું પણ થઈ ગયું હશે. ખરેખર, અશક્ત ઘેટાને ચાલીને પાછું વાડામાં જતાં ઘણી મુશ્કેલીઓ પડી હોય શકે. તેથી, ઘેટાંપાળક પ્રેમથી ઘેટાંને ઉઠાવે છે અને એને કોઈ પણ મુશ્કેલી પડ્યા વગર છેક વાડામાં ઊંચકીને લઈ જાય છે. આપણે પણ ઘેટાંપાળકની જેમ કઈ રીતે પ્રેમ બતાવી શકીએ?

૧૬ જે કોઈએ મંડળની સોબત છોડી દીધી હોય તો તેનો વિશ્વાસ તૂટી જઈ શકે. જેમ ઘેટું, ઘેટાંપાળકથી છૂટું પડીને ખોવાઈ જાય છે તેમ, આવી વ્યક્તિઓ પણ શેતાનના આ દુષ્ટ જગતની જાળમાં ખોવાઈ શકે છે. તેઓને ખ્રિસ્તી મંડળનું રક્ષણ ન હોવાથી, શેતાનનો શિકાર બનવાની વધારે શક્યતા રહેલી છે. કેમ કે “શેતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.” (૧ પીતર ૫:૮) એ ઉપરાંત, તેણે લાંબા સમયથી ઈશ્વરનું જ્ઞાન લીધું ન હોવાથી, તે વિશ્વાસમાં નબળો પડી ગયો હોય છે. તેથી, તે સહેલાઈથી પોતાની જાતે મંડળમાં પાછો આવી શકતો નથી. કારણ કે તેને પાછા આવવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે. જેવી રીતે ઘેટાંપાળક, નબળાં ઘેટાંની સંભાળ રાખે છે એ જ રીતે, આપણે પણ આવા ભાઈબહેનને વિશ્વાસમાં ફરી દૃઢ થવા મદદ કરવી જોઈએ. (ગલાતી ૬:૨) આપણે કઈ રીતે એમ કરી શકીએ?

૧૭ પ્રેષિત પાઊલે કહ્યું: “કોઈ નબળુ છે, તો હું પણ નબળાઈ અનુભવું છું.” (૨ કોરીંથી ૧૧:૨૯, પ્રેમસંદેશ; ૧ કોરીંથી ૯:૨૨) પાઊલને લોકો માટે ખૂબ દયા હતી. એમાં જેઓ વિશ્વાસમાં નબળા હતા તેઓનો પણ સમાવેશ થતો હતો. આપણે પણ તેઓને પાઊલ જેવો પ્રેમ બતાવવો જોઈએ. તેઓની મુલાકાત લઈએ ત્યારે, આપણે જણાવી શકીએ કે તેઓ યહોવાહની નજરમાં કેટલા મૂલ્યવાન છે અને મંડળના ભાઈબહેનોને પણ તેઓની ખૂબ ખોટ સાલે છે. (૧ થેસ્સાલોનીકી ૨:૧૭) તેમને જણાવો કે ભાઈબહેનો તેમને મદદ કરવા અને ઉત્તેજન આપવા તૈયાર છે. (નીતિવચનો ૧૭:૧૭; ગીતશાસ્ત્ર ૩૪:૧૮) આમ, આપણે સાચા દિલથી તેઓને પ્રેમ બતાવીશું તો, તેઓને મંડળમાં પાછા આવવા ધીમે ધીમે ઉત્તેજન મળશે. પછી આપણે શું કરવું જોઈએ? સ્ત્રી અને ખોવાયેલા સિક્કાનું દૃષ્ટાંત આપણને એનો જવાબ આપે છે.

ખંતથી પ્રયત્ન કરતા રહો

૧૮ જે સ્ત્રીનો ચાંદીનો સિક્કો ખોવાઈ ગયો હતો તે જાણતી હતી કે એને શોધવો સહેલું નથી. પરંતુ તે હિંમત હારી નહિ. જો સિક્કો ખેતરમાં કે ઊંડા તળાવમાં પડ્યો હોત તો, કદાચ તેણે એને શોધવાનું માંડી વાળ્યું હોત. પણ તે જાણતી હતી કે સિક્કો તેના ઘરમાં જ કંઈ આમતેમ પડ્યો છે. એટલે તેણે ખંતથી એને શોધવાનું શરૂ કર્યું. (લુક ૧૫:૮) સૌથી પહેલાં તેણે દીવો સળગાવ્યો. પછી તે સિક્કો શોધવા ઝાડુથી વાળવા લાગી. છેવટે તેણે દીવો લઈને ઘરના ખૂણે ખૂણા તપાસી જોયા. આખરે તેણે દીવાના પ્રકાશમાં સિક્કાને ચમકતો જોયો. આટલી મહેનત પછી તેને સિક્કો મળ્યો એનાથી તેને કેવી ખુશી થઈ હશે.

૧૯ આ દૃષ્ટાંતથી, બાઇબલ આપણને યાદ અપાવે છે કે વિશ્વાસમાં નબળા થઈ ગયેલા ભાઈબહેનોને મદદ કરવી આપણી ખ્રિસ્તી ફરજ છે. આપણે એ પણ જાણીએ છીએ કે એમ કરવા આપણે સખત મહેનત કરવી પડશે. પ્રેષિત પાઊલે એફેસસના વડીલોને કહ્યું: “ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) નોંધ લો કે સિક્કો ખોવાઈ ગયો ત્યારે, સ્ત્રીએ ઘરમાં આમતેમ ફાંફાં જ માર્યા ન હતા. તેણે સિક્કો ‘મળે ત્યાં લગી એની કાળજીપૂર્વક શોધ કરી’ અને આખરે તેને એ મળી ગયો. એવી જ રીતે, વિશ્વાસમાં નબળાઓને ફરીથી દૃઢ બનાવવા આપણે પણ ખંતથી પ્રયત્ન કરવો જોઈએ. આપણે એ કઈ રીતે કરી શકીએ?

૨૦ આપણે કઈ રીતે નબળા લોકોનો વિશ્વાસ દૃઢ કરી શકીએ? એ માટે આપણે વ્યક્તિને જે મદદની જરૂર છે એને લગતા બાઇબલના પ્રકાશનોનો જાતે અભ્યાસ કરી શકીએ. એ ઉપરાંત, નબળી વ્યક્તિ સાથે બાઇબલનો અભ્યાસ કરીને પણ આપણે તેમને નિયમિત મદદ કરી શકીશું. સેવા નિરીક્ષક નક્કી કરશે કે તેને કોણ જરૂરી મદદ પૂરી પાડશે. તે એ પણ જણાવી શકે કે કયા વિષય પર અભ્યાસ કરવો જોઈએ અને કયું પ્રકાશન સૌથી વધારે મદદરૂપ થશે. દૃષ્ટાંતમાં સ્ત્રીએ દીવો અને ઝાડુ જેવા સાધનોનો ઉપયોગ કરીને સિક્કો શોધ્યો હતો. એવી જ રીતે, આજે આપણી પાસે પણ નબળાઓને ઉત્તેજન આપવા ઘણા સાધનો છે. એની મદદથી આપણે પરમેશ્વરે આપેલી જવાબદારી સારી રીતે ઉપાડી શકીશું. આ કાર્યમાં આપણને બે નવા પુસ્તકો ઘણા મદદરૂપ થશે. એ પુસ્તકો વર્શીપ ધી ઓન્લી ટ્રુ ગોડ અને ડ્રો ક્લોઝ ટુ જહોવાહ છે.a

૨૧ આપણે નબળા ભાઈબહેનોને મદદ કરીએ છીએ ત્યારે, ખરેખર આપણને આશીર્વાદ મળે છે. જેઓને મદદ મળી છે તેઓ ફરીથી સાચા મિત્રોની સંગત માણે છે. બીજાઓને મદદ આપવાથી આપણે પણ આનંદ અનુભવીએ છીએ. (લુક ૧૫:૬, ૯; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) મંડળમાં બધા એકબીજાની કાળજી રાખે છે તેમ તેઓમાં પ્રેમ વધે છે. એ ઉપરાંત, આપણે આપણા પ્રેમાળ ઘેટાંપાળક યહોવાહ અને ઈસુને મહિમા આપીએ છીએ. કેમ કે એમ કરવાથી આપણે નબળા લોકોને મદદ કરવાની તેઓની ઇચ્છા પૂરી કરીએ છીએ. (ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪; માત્થી ૧૧:૨૮-૩૦; ૧ કોરીંથી ૧૧:૧; એફેસી ૫:૧) તો પછી, ચાલો આપણે હંમેશાં ‘એકબીજા પર પ્રેમ રાખીએ.’

[ફુટનોટ્‌સ]

a યહોવાહના સાક્ષીઓએ બહાર પાડી છે.

તમે સમજાવી શકો?

• શા માટે આપણે દરેકે પ્રેમ બતાવવો જ જોઈએ?

• વિશ્વાસમાં નબળા છે તેઓને આપણે શા માટે પ્રેમ બતાવવો જોઈએ?

• ખોવાયેલું ઘેટું અને સિક્કાના દૃષ્ટાંતમાંથી આપણને શું શીખવા મળે છે?

• નબળી પડી ગયેલી વ્યક્તિને મદદ કરવા આપણે શું કરવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

૧. ઈસુએ પોતાના મરણની રાત્રે શાના પર વધારે ભાર મૂક્યો?

૨. આપણે શા માટે એકબીજાને પ્રેમ બતાવવો જ જોઈએ?

૩. પાઊલે પ્રેમ રાખવા વિષે કઈ સલાહ આપી?

૪. પાઊલ અને ઈસુના કહ્યા પ્રમાણે, આપણે કોને ખાસ મદદ કરવી જોઈએ?

૫, ૬. (ક) ઈસુએ કયા બે દૃષ્ટાંતો આપ્યા? (ખ) આ દૃષ્ટાંતો યહોવાહ વિષે શું બતાવે છે?

૭. ઈસુના દૃષ્ટાંતોમાંથી આપણને કઈ બે બાબતો શીખવા મળે છે?

૮. (ક) ઘેટાંપાળક અને સ્ત્રીએ પોતાની ખોવાઈ ગયેલી વસ્તુ વિષે કેવું વલણ બતાવ્યું? (ખ) તેઓ ખોવાઈ ગયેલી વસ્તુને કઈ રીતે જોતા હતા?

૯. ઘેટાંપાળક અને સ્ત્રીએ જે ચિંતા બતાવી એ કોને દર્શાવે છે?

૧૦, ૧૧. (ક) મંડળ છોડી દીધું છે તેઓ વિષે આપણે કેવું વિચારવું જોઈએ? (ખ) ઈસુના બે દૃષ્ટાંત પ્રમાણે આપણે તેઓને કઈ રીતે મદદ કરી શકીએ?

૧૨. ઘેટાંપાળક ‘ખોવાઈ ગયેલા ઘેટાને’ શોધવા શું કરે છે?

૧૩. પ્રાચીન સમયમાં વિશ્વાસમાં નબળા પડી ગયેલાઓને યહોવાહના સેવકોએ કઈ રીતે મદદ કરી, અને એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૪. મંડળમાં કોઈ વિશ્વાસમાં નબળું થઈ ગયું હોય તો, તેમને કોણે મદદ કરવી જોઈએ?

૧૫. ઘેટાંપાળકે શા માટે ઘેટાંને આટલો પ્રેમ બતાવ્યો?

૧૬. વિશ્વાસમાં નબળા છે તેઓને આપણે શા માટે ઘેટાંપાળક જેવો પ્રેમ બતાવવો જોઈએ?

૧૭. વિશ્વાસમાં નબળા પડી ગયા છે તેઓને આપણે કઈ રીતે પાઊલની જેમ ઉત્તેજન આપી શકીએ?

૧૮. (ક) સિક્કો ખોવાઈ ગયો તોપણ, સ્ત્રી શા માટે હિંમત હારી નહીં? (ખ) સ્ત્રીએ શું કર્યું અને એનું શું પરિણામ આવ્યું?

૧૯. નબળા થઈ ગયેલાઓને મદદ કરવા માટે સ્ત્રીના દૃષ્ટાંતમાંથી આપણને શું શીખવા મળે છે?

૨૦. જેઓ વિશ્વાસમાં નબળા છે તેઓને મદદ કરવા આપણે શું કરી શકીએ?

૨૧. વિશ્વાસમાં નબળા છે તેઓને મદદ કરવાથી કઈ રીતે બધાને આશીર્વાદ મળે છે?

[પાન ૧૬, ૧૭ પર ચિત્ર]

વિશ્વાસમાં નબળા પડી ગયેલાઓને પાછા લાવવા આપણે પહેલ કરીએ છીએ, પ્રેમાળ બનીએ છીએ અને ખંતથી પ્રયત્ન કરીએ છીએ

[પાન ૧૬, ૧૭ પર ચિત્ર]

નબળા પડી ગયેલા ભાઈબહેનોને મદદ કરવાથી બધાને આશીર્વાદ મળે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો