વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w20 જૂન પાન ૨૪-૨૯
  • ‘મારી તરફ પાછા ફરો’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘મારી તરફ પાછા ફરો’
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • ખોવાયેલા સિક્કાને શોધો
  • યહોવાનાં દીકરા-દીકરીઓને મંડળમાં પાછા આવવા મદદ કરો
  • ભક્તિમાં ઠંડા પડી ગયેલાઓને પ્રેમથી મદદ કરીએ
  • સ્વર્ગમાં અને પૃથ્વી પર આનંદ છવાયો
  • ‘મોડું કર્યા વગર પાછા ફરો’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • નિષ્ક્રિય ભાઈ-બહેનોને તમે ઉત્તેજન આપી શકો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • ‘હું મારાં ઘેટાંને શોધી કાઢીશ’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • ભક્તિમાં ઠંડા પડી ગયેલામાં ભક્તિ ફરી જગાડીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
w20 જૂન પાન ૨૪-૨૯

અભ્યાસ લેખ ૨૬

‘મારી તરફ પાછા ફરો’

‘મારી તરફ પાછા ફરો, તો હું તમારી તરફ પાછો ફરીશ.’—માલા. ૩:૭.

ગીત ૪૨ ‘નબળાઓને મદદ કરીએ’

ઝલકa

૧. કોઈ યહોવા પાસે પાછું આવે ત્યારે તેમને કેવું લાગે છે?

ગયા લેખમાં આપણે જોઈ ગયા કે યહોવા પોતાને એક ઘેટાંપાળક સાથે સરખાવે છે. તે એવા ઘેટાંપાળક છે જે પોતાનાં ઘેટાંની પ્રેમથી સંભાળ રાખે છે. જો એક પણ ઘેટું ખોવાય, તો તે તરત એને શોધવા નીકળી પડે છે. જે ઇઝરાયેલીઓ તેમને છોડીને જતા રહ્યા તેઓને યહોવાએ કહ્યું, ‘મારી તરફ પાછા ફરો, તો હું તમારી તરફ પાછો ફરીશ.’ આપણે જાણીએ છીએ કે તે આજે પણ એવા લોકોને પોતાની પાસે પાછા ફરવા કહે છે. કારણ કે યહોવા ક્યારેય બદલાતા નથી. (માલા. ૩:૬, ૭) ઈસુએ કહ્યું હતું કે તેઓમાંથી કોઈ યહોવા પાસે પાછું આવે ત્યારે યહોવા અને સ્વર્ગદૂતોને ઘણી ખુશી થાય છે.—લુક ૧૫:૧૦, ૩૨.

૨. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૨ ચાલો આપણે ઈસુએ આપેલા ત્રણ ઉદાહરણ પર ધ્યાન આપીએ. એનાથી આપણે એવા લોકોને મદદ કરી શકીશું જેઓ યહોવાથી દૂર થઈ ગયા છે. તેઓને મદદ કરવા આપણે કેવા ગુણો કેળવવા જોઈએ એની પણ ચર્ચા કરીશું. તેઓને મદદ કરવાથી આપણને કેટલી ખુશી મળે છે એ પણ જોઈશું.

ખોવાયેલા સિક્કાને શોધો

૩-૪. લુક ૧૫:૮-૧૦ પ્રમાણે સ્ત્રીએ પોતાનો ખોવાયેલો સિક્કો શોધવા કેમ મહેનત કરી?

૩ જેઓ યહોવા પાસે પાછા આવવા માંગે છે, તેઓને શોધવા આપણે ઘણી મહેનત કરવી પડશે. એ વાત આપણને ઈસુએ આપેલા ઉદાહરણમાંથી શીખવા મળે છે, જે લુકના પુસ્તકમાં જોવા મળે છે. એમાં ઈસુ એક સ્ત્રીનું ઉદાહરણ આપે છે, જેનો એક ચાંદીનો સિક્કો ખોવાઈ ગયો હતો. એ ઉદાહરણમાં જોવા મળે છે કે સિક્કો શોધવા સ્ત્રી કેટલી મહેનત કરે છે.—લુક ૧૫:૮-૧૦ વાંચો.

૪ ઈસુએ એ પણ બતાવ્યું કે સ્ત્રીને ખોવાયેલો સિક્કો પાછો મળી ગયો ત્યારે તેને કેટલી ખુશી થઈ. ઈસુના જમાનામાં અમુક યહુદી સ્ત્રીઓ પોતાની દીકરીઓને લગ્‍ન વખતે ચાંદીના દસ સિક્કા ભેટમાં આપતી. કદાચ એ સ્ત્રીને પણ ચાંદીનો સિક્કો પોતાની મા પાસેથી મળ્યો હશે. તેને લાગ્યું હશે કે સિક્કો જમીન પર પડી ગયો છે. એટલે તે દીવો લઈને એને શોધવા લાગી. પણ દીવાનો પ્રકાશ ઓછો હોવાને લીધે તેને સિક્કો ન મળ્યો. એટલે તેણે આખા ઘરમાં ઝાડું માર્યું ત્યારે, તેને ધૂળમાંથી એ ચમકતો સિક્કો મળ્યો. એ સિક્કાને જોઈને તેના દિલને કેટલી રાહત મળી હશે! એ ખુશીની વાત તેણે પોતાની બહેનપણીઓ અને પડોશીઓને જણાવી.

૫. જેઓ ભક્તિમાં ઠંડા પડી ગયા છે તેઓને શોધવા શા માટે આપણે ઘણી મહેનત કરવી પડે?

૫ એ ઉદાહરણમાંથી જોવા મળ્યું કે કોઈ વસ્તુ ખોવાય તો એને શોધવા ઘણી મહેનત કરવી પડે છે. એવી જ રીતે જેઓ ભક્તિમાં ઠંડા પડી ગયા છે, તેઓને શોધવા આપણે કદાચ ઘણી મહેનત કરવી પડે. તેઓએ વર્ષોથી સભામાં આવવાનું છોડી દીધું હોય. તેઓ એવા વિસ્તારમાં રહેવા ગયા હોય, જ્યાંના ભાઈ-બહેનો તેઓને ઓળખતા ન હોય. પણ હવે તેઓમાંથી અમુક યહોવા પાસે પાછા આવવા ચાહે છે. તેઓ ફરીથી મંડળમાં ભાઈ-બહેનો સાથે મળીને યહોવાની ભક્તિ કરવા ઇચ્છે છે. એ માટે તેઓને આપણી મદદની જરૂર છે.

૬. એવા લોકોને શોધવા આપણે બધા કઈ રીતે મદદ કરી શકીએ?

૬ એવા લોકોને શોધવા કોણ મદદ કરી શકે? આપણે બધા જ, પછી ભલેને આપણે વડીલ, પાયોનિયર, કુટુંબના સભ્યો કે મંડળના પ્રકાશક હોઈએ. શું તમારા મિત્ર કે સગાં-વહાલાંમાંથી કોઈ ભક્તિમાં ઠંડું પડી ગયું છે? ઘરેઘરે કે જાહેરમાં ખુશખબર ફેલાવતી વખતે શું તમને એવું કોઈ મળ્યું છે? જો તેઓ પોતાનું નામ અને સરનામું આપે તો તરત જ વડીલોને આપો.

૭. થોમસભાઈ પાસેથી શું શીખવા મળે છે?

૭ એવા લોકોને શોધવાની જવાબદારી ખાસ તો વડીલોની છે. તેઓ એવું કઈ રીતે કરી શકે? ચાલો જોઈએ કે એ વિશે થોમસભાઈb શું કહે છે. તે એક વડીલ છે અને સ્પેનમાં રહે છે. તેમણે ૪૦થી વધારે ભાઈ-બહેનોને યહોવા પાસે પાછા ફરવા મદદ કરી છે. તે કહે છે, ‘હું અલગ અલગ ભાઈ-બહેનોને પૂછું છું કે તેઓ એવા કોઈને ઓળખે છે, જે ભક્તિમાં ઠંડા પડી ગયા હોય. પછી તેમનું નામ અને સરનામું ભાઈ-બહેનોને પાસેથી મેળવું છું. મોટા ભાગનાં ભાઈ-બહેનો ખુશી ખુશી મદદ કરે છે. જ્યારે હું એવાં ભાઈ-બહેનોને મળવા જાઉં છું, ત્યારે તેઓનાં બાળકો અને તેઓના સગા-વહાલાઓની ખબરઅંતર પૂછું છું. એમાંથી અમુક પોતાનાં બાળકોને સભામાં લાવતા હતા અને એક સમયે એ બાળકો પ્રકાશક હોઈ શકે. એ બાળકોને પણ યહોવા પાસે પાછા આવવા મદદ કરી શકીએ.’

યહોવાનાં દીકરા-દીકરીઓને મંડળમાં પાછા આવવા મદદ કરો

૮. ખોવાયેલો દીકરો પાછો આવ્યો ત્યારે પિતાએ શું કર્યું?

૮ જેઓ યહોવા પાસે પાછા આવવા માગે છે, તેઓને મદદ કરવા આપણે કેવા ગુણો કેળવવા જોઈએ? એ વિશે આપણે ઈસુના ઉદાહરણમાંથી શીખી શકીએ છીએ. તેમણે ખોવાયેલા દીકરાનું ઉદાહરણ આપ્યું જે ઘર છોડીને જતો રહ્યો હતો. (લુક ૧૫:૧૭-૨૪ વાંચો.) ઈસુએ સમજાવ્યું કે જ્યારે એ દીકરાની અક્કલ ઠેકાણે આવી ત્યારે તે ઘરે પાછો ફર્યો. તેને જોતા જ તેના પિતા દોડીને ગયા અને તેને ભેટ્યા. દીકરાનું દિલ ડંખતું હતું એટલે તેણે પિતાને કહ્યું કે તે તેમનો દીકરો ગણાવાને લાયક નથી. પિતાનું દિલ ભરાઈ આવ્યું. પિતા તેનું દુઃખ સારી રીતે સમજતા હતા. એટલે તેમણે દીકરાને એવી ખાતરી કરાવી કે પોતે હજુ પણ તેને પ્રેમ કરે છે. તેમણે તેને પહેરવા સારા કપડાં આપ્યા. તેના પાછા આવવાની ખુશીમાં મોટી મિજબાની રાખી.

૯. મંડળથી દૂર થઈ ગયેલાઓને પાછા લાવવા આપણે કેવા ગુણો કેળવવા જોઈએ? (“જેઓ યહોવા પાસે પાછા આવવા માગે છે તેઓને મદદ કરીએ” બૉક્સ જુઓ.)

૯ યહોવા એ ઉદાહરણમાં બતાવેલા પિતા જેવા છે. તે એવા બધા ભાઈ-બહેનોને પ્રેમ કરે છે, જે મંડળથી દૂર જતા રહ્યા છે. તે ચાહે છે કે તેઓ તેમની પાસે પાછા ફરે. યહોવાની જેમ આપણે પણ તેઓને મદદ કરી શકીએ. એ માટે આપણે તેઓને પ્રેમ, ધીરજ અને દયા બતાવીએ. આપણે એ કઈ રીતે કરી શકીએ? એમ કરવું શા માટે જરૂરી છે?

જેઓ યહોવા પાસે પાછા આવવા માગે છે તેઓને મદદ કરીએ

ચિત્રો : ૧. વડીલ નિષ્ક્રિય ભાઈને મૅસેજ કરે છે. એ ભાઈ રીસેસમાં એ મૅસેજ જુએ છે. ૨. બીજા એક વડીલ એ નિષ્ક્રિય ભાઈ માટે ફળો લાવે છે. એ નિષ્ક્રિય ભાઈ પોતાની કાર રીપેર કરી રહ્યા છે. ૩. બીજા એક વડીલ એ નિષ્ક્રિય ભાઈ સાથે બહાર બેસીને કૉફી પીવે છે. વડીલ એ નિષ્ક્રિય ભાઈનું ધ્યાનથી સાંભળી રહ્યા છે.

(ફકરો ૯ જુઓ)d

તેઓના પાકા મિત્ર બનીએ અને તેઓને મદદ કરીએ. એ માટે આપણે . . .

  • તેઓ સાથે વાત કરતા રહીએ અને તેઓને વારંવાર મળતા રહીએ.

  • તેઓને દિલથી પ્રેમ કરીએ અને તેઓને ખાતરી કરાવીએ કે યહોવા અને ભાઈ-બહેનો તેઓને ખૂબ પ્રેમ કરે છે.

  • તેઓનું ધ્યાનથી સાંભળીએ અને તેઓની લાગણીઓ સમજવાનો પ્રયત્ન કરીએ. તેઓની મુશ્કેલીઓ સમજીએ અને તેઓને ભૂલો બતાવવા બેસી ન જઈએ.

૧૦. મંડળથી દૂર થઈ ગયેલાં ભાઈ-બહેનો સાથે આપણે શા માટે ધીરજથી વર્તવું જોઈએ?

૧૦ એવાં ભાઈ-બહેનો સાથે આપણે ધીરજથી વર્તવું જોઈએ. શા માટે? કારણ કે તેઓને યહોવા પાસે પાછા ફરવામાં સમય લાગે છે. જે ભાઈ-બહેનો મંડળમાં પાછાં આવ્યાં છે, તેઓમાંનાં ઘણા કહે છે કે મંડળનાં વડીલો અને ભાઈ-બહેનો વારંવાર તેઓને મળવા આવતાં હતાં. એટલે તેઓ મંડળમાં ફરી આવી શક્યાં. એશિયામાં રહેતાં નેન્સીબેન કહે છે, ‘મંડળમાં મારી એક પાકી બહેનપણી છે. તે મને મોટી બેન ગણતી અને મને ખૂબ મદદ કરતી. તે મને યાદ અપાવતી કે એકબીજા સાથે મળીને અમે કેટલો સારો સમય વિતાવ્યો હતો! હું તેની આગળ મારું દિલ ઠાલવતી ત્યારે તે ધીરજથી સાંભળતી. તે મને સારી સલાહ પણ આપતી. તે હંમેશાં મને મદદ કરવા તૈયાર રહેતી. સાચે જ તેણે એક મિત્ર હોવાની ફરજ નિભાવી છે.’

૧૧. જેઓનાં દિલને ઠેસ પહોંચી હોય તેઓ માટે કેમ લાગણી બતાવવી જોઈએ?

૧૧ બીજાઓ માટે લાગણી બતાવવાથી એ મલમ જેવું કામ કરે છે. એ દિલના ઘા રૂઝાવવા મદદ કરે છે. અમુક ભાઈ-બહેનો મંડળથી એટલે દૂર થઈ ગયાં, કારણ કે કોઈએ તેઓનાં દિલને ઠેસ પહોંચાડી હતી. વર્ષો પછી પણ તેઓ એ ભૂલી શકતા ન હતા. એ ઘા તેઓનાં દિલમાં એટલા ઊંડે ઊતર્યા હતા કે તેઓને યહોવા પાસે પાછા આવવું ખૂબ અઘરું લાગતું. એવા સમયે તેઓને કોઈકની જરૂર હતી, જે તેઓનું સાંભળે અને તેઓની લાગણીઓ સમજે. (યાકૂ. ૧:૧૯) મારિયાબેન એક સમયે મંડળથી દૂર થઈ ગયાં હતાં. તે કહે છે, ‘મને એવી વ્યક્તિની જરૂર હતી જે મારી વાત સાંભળે, જેની આગળ હું મારું દિલ ઠાલવી શકું અને જે મને હાથ પકડીને સાચે માર્ગે લાવે.’

૧૨. યહોવાનો પ્રેમ કઈ રીતે એક દોરી જેવો છે? સમજાવો.

૧૨ બાઇબલમાં બતાવવામાં આવ્યું છે કે યહોવાનો પ્રેમ એક દોરી જોવો છે. કઈ રીતે? એ સમજવા ચાલો એક દાખલો જોઈએ. કલ્પના કરો કે તમે દરિયામાં ડૂબી રહ્યા છો. પાણી બહુ ઠંડું છે અને મોટાં મોટાં મોજાં આવી રહ્યા છે. એટલામાં કોઈ તમને બચાવવા કંઈક ફેંકે છે, જે પકડીને તમે તરી શકો છો. એ જોઈને તમને રાહત થાય છે કે હવે તમે ડૂબશો નહિ. પણ બચવા માટે ફક્ત એટલું જ પૂરતું નથી. કારણ કે તમારે પાણીમાંથી બહાર પણ આવવું પડશે. એ માટે જરૂરી છે કે કોઈ તમારા માટે દોરડું ફેંકે અને તમને હોડીમાં ખેંચી લે. ઇઝરાયેલીઓ યહોવાથી દૂર થઈ ગયા હતા ત્યારે, તેમણે તેઓ માટે એવું જ કંઈક કર્યું હતું. યહોવાએ કહ્યું, ‘મેં તેઓને પ્રેમની દોરીથી ખેંચ્યા.’ (હોશી. ૧૧:૪) આજે જેઓ યહોવાથી દૂર થઈ ગયા છે, તેઓ માટે પણ યહોવાને એવું જ લાગે છે. તેઓ જાણે મુશ્કેલીઓ અને ચિંતાઓનાં વાદળોથી ઘેરાયેલા છે. યહોવા તેઓને ખાતરી કરાવવા માંગે છે કે તે હજુ પણ તેઓને ખૂબ પ્રેમ કરે છે. તે ચાહે છે કે તેઓ તેમની પાસે પાછા આવે. તેઓ યહોવાના પ્રેમનો અહેસાસ કરી શકે માટે તે તમારો ઉપયોગ કરી શકે છે.

૧૩. ભક્તિમાં ઠંડા પડી ગયેલાઓ પર ભાઈ-બહેનોના પ્રેમની કેવી અસર થાય છે? દાખલો આપીને સમજાવો.

૧૩ આપણે તેઓને ખાતરી કરાવવી જોઈએ કે યહોવા અને ભાઈ-બહેનો તેઓને ખૂબ પ્રેમ કરે છે. આગલા લેખમાં આપણે પેબલોભાઈ વિશે જોઈ ગયા. તે ૩૦ વર્ષથી ભક્તિમાં ઠંડા પડી ગયા હતા. તે કહે છે, ‘એક સવારે હું ઘરેથી નીકળ્યો ત્યારે એક મોટી ઉંમરનાં બેન મને મળ્યા. તેમણે મારી સાથે ખૂબ પ્રેમથી વાત કરી. એની મારા પર એટલી અસર થઈ કે, હું નાના બાળકની જેમ રડવા લાગ્યો. મેં તેમને કહ્યું, લાગે છે કે યહોવાએ જ તમને મારી પાસે મોકલ્યાં છે. એ જ ઘડીએ મેં નક્કી કર્યું કે હું યહોવા પાસે પાછો આવીશ.’

ભક્તિમાં ઠંડા પડી ગયેલાઓને પ્રેમથી મદદ કરીએ

૧૪. ખોવાયેલું ઘેટું પાછું મળે ત્યારે ઘેટાંપાળક શું કરે છે?

૧૪ ભક્તિમાં ઠંડા પડી ગયેલાઓને પ્રેમથી મદદ કરતા રહેવું જોઈએ. ઈસુએ આપેલા ઉદાહરણમાં ખોવાયેલા દીકરાની જેમ તેઓનાં દિલ પર ઊંડા ઘા લાગ્યા હશે. એ ઘાને રૂઝાતા વાર લાગે છે. એટલું જ નહિ, શેતાનની દુનિયામાં હોવાથી તેઓનો યહોવા સાથેનો સંબંધ નબળો પડી ગયો હશે. તેઓ યહોવા સાથે પોતાનો સંબંધ ફરી મજબૂત કરી શકે માટે આપણે તેઓને મદદ કરવી જોઈએ. એ કઈ રીતે કરી શકીએ? ચાલો ઈસુએ આપેલા ખોવાયેલા ઘેટાના ઉદાહરણ પર ધ્યાન આપીએ. એમાં ઈસુએ બતાવ્યું કે ખોવાયેલું ઘેટું પાછું મળે ત્યારે, ઘેટાંપાળક શું કરે છે. ઘેટાંપાળકે ઘેટાને શોધવા ઘણાં સમય-શક્તિ વાપર્યાં હતા. પણ ઘેટું મળ્યા પછી તે જુએ છે કે એ ઘણું ઘવાયેલું છે. એ જાતે ટોળામાં પાછું આવી શકે એમ નથી. એટલે તે એને પોતાના ખભા પર ઊંચકીને ટોળામાં પાછું લાવે છે.—લુક ૧૫:૪, ૫ વાંચો.

૧૫. ભક્તિમાં ઠંડા પડી ગયેલાઓ યહોવા પાસે પાછા આવે માટે આપણે શું કરવું જોઈએ? (“યહોવાના પ્રેમનો પુરાવો” બૉક્સ જુઓ.)

૧૫ ભક્તિમાં ઠંડા પડી ગયેલાઓને મદદ કરવામાં આપણે વધારે સમય-શક્તિ આપવાં પડે. કદાચ કોઈ મુશ્કેલીને લીધે તેઓને યહોવા પાસે પાછા આવવું અઘરું લાગતું હોય. પરંતુ યહોવાની પવિત્ર શક્તિ, બાઇબલ અને સાહિત્ય દ્વારા આપણે તેઓને મદદ કરી શકીએ છીએ. એટલે એની મદદથી તેઓ યહોવા સાથેનો પોતાનો સંબંધ પાછો મજબૂત કરી શકે છે. (રોમ. ૧૫:૧) આપણે એ કઈ રીતે કરી શકીએ? એક ભાઈ વર્ષોથી વડીલ છે. તે જણાવે છે, ‘ભક્તિમાં ઠંડા પડી ગયેલાં ભાઈ-બહેનો યહોવા પાસે પાછા આવવાનું નક્કી કરે ત્યારે, અમુક સાથે બાઇબલ અભ્યાસ કરવાની જરૂર પડે.’c એટલે તમને એવા કોઈ ભાઈ કે બહેનનો બાઇબલ અભ્યાસ ચલાવવાનું કહેવામાં આવે તો એને એક લહાવો ગણો. એ વડીલ આગળ જણાવે છે, ‘જે પ્રકાશક એવાં ભાઈ-બહેનો સાથે બાઇબલ અભ્યાસ કરે, તેમણે એવા મિત્ર બનવું જોઈએ, જેના પર તેઓ ભરોસો રાખી શકે અને પોતાનું દિલ ઠાલવી શકે.’

યહોવાના પ્રેમનો પુરાવો

‘યહોવા પાસે પાછા આવો’ પુસ્તિકા.

યહોવા પાસે પાછા આવો પુસ્તિકાથી ભક્તિમાં ઠંડા પડી ગયેલાઓને મદદ કરી શકાય છે. આ પુસ્તિકાની મદદથી તેઓનાં દિલમાં મંડળમાં પાછા આવવાની ઇચ્છા જગાડી શકાય છે.

મારિયાબેન જેમના વિશે આ લેખમાં જણાવવામાં આવ્યું છે, તે કહે છે: ‘આ પુસ્તિકાથી મને અહેસાસ થયો કે યહોવા મને કેટલો પ્રેમ કરે છે અને તે હંમેશાં મારી પડખે ઊભા રહે છે.’

કેમેરુનમાં રહેતાં ફ્લોરાબેન જણાવે છે, ‘યહોવા પાસે પાછા આવો પુસ્તિકાના ભાગ ચારમાંથી મને ઘણો ફાયદો થયો. એ પુસ્તિકાની મદદથી હું યહોવા આગળ મારું દિલ હિંમતથી ઠાલવી શકી. મારી હાલત વિશે વડીલોને જણાવી શકી. તેઓએ મને ઘણી મદદ કરી.’

બલ્ગેરિયામાં રહેતાં તાત્યાનાબેન કહે છે, ‘આ પુસ્તિકા વાંચીને મને લાગ્યું કે યહોવા પોતે મને તેમની પાસે પાછા આવવા કહી રહ્યા છે. ભલે ભાઈ-બહેનો ગમે એ કારણને લીધે મંડળથી દૂર થઈ ગયા હોય, યહોવા હજુ પણ તેઓની સાંભળ રાખે છે.’

સ્વર્ગમાં અને પૃથ્વી પર આનંદ છવાયો

૧૬. ભક્તિમાં ઠંડા પડી ગયેલાં ભાઈ-બહેનોને શોધવા સ્વર્ગદૂત કઈ રીતે આપણી મદદ કરે છે?

૧૬ ઘણા અનુભવોથી ખબર પડે છે કે ભક્તિમાં ઠંડા પડી ગયેલાં ભાઈ-બહેનોને શોધવા સ્વર્ગદૂતો પણ આપણી મદદ કરે છે. (પ્રકટી. ૧૪:૬) ચાલો ઇક્વેડોરમાં રહેતા સિલવિયોભાઈનો દાખલો જોઈએ. તે યહોવા પાસે પાછા આવવા માગતા હતા. એટલે તેમણે યહોવાને પ્રાર્થનામાં કાલાવાલા કર્યા. તે પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે તેમના બારણે ટકોરા પડ્યા. તેમણે દરવાજો ખોલ્યો તો સામે બે વડીલો ઊભા હતા. તેઓએ તરત જ તેમની તરફ મદદનો હાથ લંબાવ્યો.

૧૭. ભક્તિમાં ઠંડા પડી ગયેલાં ભાઈ-બહેનોની મદદ કરવાથી આપણને કયો ફાયદો થાય છે?

૧૭ એવાં ભાઈ-બહેનોને મદદ કરીએ છીએ ત્યારે, આપણને ઘણી ખુશી થાય છે. સાલ્વાડોરભાઈ એક પાયોનિયર છે. તે એવાં ભાઈ-બહેનોને મદદ કરવા સખત મહેનત કરે છે. તે જણાવે છે, ‘જેઓ યહોવા પાસે પાછા ફર્યા છે તેઓનો વિચાર કરું છું ત્યારે, મારી આંખો ખુશીથી ભરાય આવે છે. યહોવાએ એ ભાઈ-બહેનોને શેતાનની દુનિયાના પંજામાંથી બચાવ્યા છે. એ જોઈને મને ઘણો આનંદ થાય છે. યહોવા સાથે મળીને તેઓને મદદ કરવાનો મારા માટે એ એક લહાવો છે.’—પ્રે.કા. ૨૦:૩૫.

૧૮. જો તમે ભક્તિમાં ઠંડા પડી ગયા હો તો તમે કઈ વાતનો ભરોસો રાખી શકો?

૧૮ શું તમે ભક્તિમાં ઠંડા પડી ગયા છો? જો એમ હોય, તો ભરોસો રાખો કે યહોવા તમને હજુ પણ ખૂબ પ્રેમ કરે છે. તે ચાહે છે કે તમે તેમની પાસે પાછા આવો. પણ એ માટે તમારે અમુક પગલાં ભરવાં પડશે. ભરોસો રાખો, ખોવાયેલા દીકરાના ઉદાહરણમાં બતાવેલા પિતાની જેમ યહોવા તમારી કાગડોળે રાહ જુએ છે. તે ખુશી ખુશી તમારું સ્વાગત કરવા તૈયાર છે.

તમે કેવો જવાબ આપશો?

  • ભક્તિમાં ઠંડા પડી ગયેલાં ભાઈ-બહેનો માટે આપણે શું કરી શકીએ?

  • મંડળથી દૂર થઈ ગયેલાઓને પાછા લાવવા આપણે કેવા ગુણો કેળવવા જોઈએ?

  • આપણે શા માટે તેઓને મદદ કરતા રહેવું જોઈએ?

ગીત ૬૦ યહોવા આપશે તને સાથ

a યહોવા ચાહે છે કે, જેઓ ભક્તિમાં ઠંડા પડી ગયા છે તેઓ તેમની પાસે પાછા ફરે. યહોવા તેઓને અરજ કરે છે, ‘મારી તરફ પાછા ફરો.’ આપણે પણ એવાં ભાઈ-બહેનોને યહોવા પાસે પાછા આવવા ઉત્તેજન આપવું જોઈએ. આ લેખમાં જોઈશું કે આપણે તેઓને કઈ રીતે મદદ કરી શકીએ.

b અમુક નામ બદલ્યાં છે.

c અમુક ભાઈ-બહેનોની સાથે બાઇબલ અભ્યાસ ચલાવતી વખતે ઈશ્વરના પ્રેમની છાયામાં રહો પુસ્તકના અમુક ભાગ પર ચર્ચા કરી શકાય. અમુક સાથે ડ્રો ક્લોઝ ટુ જેહોવા (અંગ્રેજી) પુસ્તકના અધ્યાયોની ચર્ચા કરવાથી મદદ મળે છે. મંડળની સેવા સમિતિ નક્કી કરશે કે એ ભાઈ-બહેનો સાથે કોણ બાઇબલ અભ્યાસ ચલાવશે.

d ચિત્રની સમજ: ત્રણ અલગ અલગ ભાઈ એક એવા ભાઈને મદદ કરી રહ્યા છે, જે યહોવા પાસે પાછા આવવા ચાહે છે. તેઓ તેમને વારંવાર મળવા જાય છે. તેમને ભરોસો અપાવે છે કે તેઓ તેમને ખૂબ પ્રેમ કરે છે. તેમની વાત ધ્યાનથી સાંભળે છે અને તેમની લાગણીઓ સમજવાનો પ્રયત્ન કરે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો