વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w03 ૮/૧૫ પાન ૯-૧૩
  • યહોવાહના સેવકોની આશા અમર છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાહના સેવકોની આશા અમર છે
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • મીખાહનાં ભવિષ્યવચનોનો સાર
  • પરમેશ્વર યહોવાહ બોલે છે
  • ચારે બાજુ પાપ!
  • મીખાહના જેવો જ જમાનો
  • અમે હંમેશાં યહોવાહના નામમાં શ્રદ્ધા રાખીશું!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • યહોવાહ શું માગે છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • પ્રબોધકોનો દાખલો લો—મીખાહ
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
  • આપણે કઈ રીતે ‘રાહ જોવાનું’ વલણ રાખી શકીએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
w03 ૮/૧૫ પાન ૯-૧૩

યહોવાહના સેવકોની આશા અમર છે

‘યાકૂબના બચેલાઓ ઘણી પ્રજાઓમાં યહોવાહે મોકલેલા ઓસ જેવા થશે, જે મનુષ્યને માટે થોભતા નથી.’—મીખાહ ૫:૭.

ઝરમર ઝરમર વરસતો વરસાદ કે પછી ઝાકળ બિંદુઓ ધરતીને લીલીછમ બનાવે છે. એ સર્વના રચનાર પરમેશ્વર યહોવાહ છે. આવી કુદરતી કરામતો કોઈ પણ માણસ કરી શકતો નથી. તેથી, પ્રબોધક મીખાહ જણાવે છે: “યાકૂબના બચેલાઓ ઘણી પ્રજાઓમાં યહોવાહે મોકલેલા ઓસ જેવા, તથા ઘાસ ઉપર પડતાં ઝાપટાં જેવા થશે; કે જે મનુષ્યને માટે થોભતાં નથી, કે મનુષ્યપુત્રોને માટે વિલંબ કરતાં નથી.” (મીખાહ ૫:૭) આ “યાકૂબના બચેલાઓ” કોણ છે? તેઓ તો પૃથ્વી પરના અભિષિક્ત જનો છે, જેઓ “દેવના ઈસ્રાએલ” તરીકે પણ ઓળખાય છે. (ગલાતી ૬:૧૬) તેઓ આજે “ઘણી પ્રજાઓમાં” યહોવાહના રાજ્યની ખુશખબર જણાવીને, લોકોને તાજગી આપી રહ્યા છે. અભિષિક્ત જનો દ્વારા, યહોવાહ ઘણા આશીર્વાદો આપીને, આપણી આશા અમર કરે છે.

૨ આજકાલ લોકોની આશાનો દીવો સાવ હોલવાઈ ગયો છે. રાજકારણમાં શું ચાલે છે એની કંઈ ખબર પડતી નથી. નેતાઓ કાચીંડાની જેમ રંગ બદલતા રહે છે. આજે કોઈ કોઈનું સગું નથી, અને લોકોમાં સંસ્કાર જેવું તો કંઈ રહ્યું જ નથી. ચારે બાજુ ગુંડાગીરી, લૂંટફાટ, ત્રાસવાદ સિવાય બીજું કંઈ સંભળાતું નથી. તેથી રાત હોય કે દિવસ, લોકો બીતા હોય છે. એવી હાલત માટે જવાબદાર આ જગતનો રાજા શેતાન છે. (૧ યોહાન ૫:૧૯) પરંતુ, યહોવાહના સેવકોએ ડરવાની જરૂર નથી, કેમ કે આપણી આશા યહોવાહમાં છે. યહોવાહ પરમેશ્વરમાં આપણી શ્રદ્ધાનો દીવો કદી હોલવાશે નહિ, કેમ કે તે આપણું ભલું જ ચાહે છે અને પોતાનાં સર્વ વચનો પૂરાં કરે છે.

૩ ભાવિમાં થનારી બાબતો વિષે યહોવાહે મીખાહને લખવા કહ્યું. ખરું કે એ ભવિષ્યવચનો લગભગ ૨,૮૦૦ વર્ષ પહેલાં લખાયાં, છતાં એ આજે પણ આપણી શ્રદ્ધા દૃઢ કરે છે. એ જમાનામાં યહુદી દેશના બે ભાગલા પડી ગયા હતા. એક ભાગ ઈસ્રાએલ અને બીજો યહુદાહ તરીકે ઓળખાતો હતો. ભલે લોકો એ બંનેમાંથી ગમે એ બાજુ રહેવા ગયા, પણ તેઓ યહોવાહને ભૂલી ગયા હતા. એનું પરિણામ શું આવ્યું? દિવસે દિવસે લોકો બગડતા ગયા. તેઓને મન તો યહોવાહને બદલે પૈસો જ પરમેશ્વર હતો. ખરેખર, લોકોનાં પાપ છાપરે ચઢી પોકારતા હતાં. તેથી, યહોવાહે તેઓને શિક્ષા કરી. યહોવાહે તેઓને કરેલી શિક્ષામાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. ચાલો આપણે મીખાહના સાતેય અધ્યાયોમાં નજર નાખીએ અને શીખીએ.

મીખાહનાં ભવિષ્યવચનોનો સાર

૪ મીખાહના પુસ્તકનો સાર શું છે? પહેલા અધ્યાયમાં યહોવાહે, ઈસ્રાએલ અને યહુદાહનો ઢોંગ ખુલ્લો પાડ્યો. તેમણે જણાવ્યું કે ઈસ્રાએલનો નાશ થશે અને યહુદાહમાં રહેનારાઓને શિક્ષા થશે. બીજો અધ્યાય બતાવે છે, કે અમીરો ગરીબો પર જોરજુલમ કરતા હતા. તેમ છતાં, યહોવાહે વચન આપ્યું કે તે પોતાના ખરા ભક્તોને બચાવશે. પછી તેઓ એકબીજા સાથે હળી-મળીને રહેશે. ત્રીજો અધ્યાય બતાવે છે, કે યહોવાહનો કોપ આગેવાનો અને પ્રબોધકો પર સળગી ઊઠ્યો હતો. એનું કારણ એ હતું કે આગેવાનો લોકોને ખોટે માર્ગે લઈ જતા હતા અને અન્યાય કરતા હતા. પ્રબોધકો પણ ખોટું ખોટું ભવિષ્ય ભાખતા હતા. આવા સંજોગોમાં યહોવાહે મીખાહને શક્તિ આપી, જેથી તે ન્યાયચુકાદાનો સંદેશો જણાવી શકે.

૫ ચોથો અધ્યાય બતાવે છે કે સાચી ભક્તિ કંઈ જેવી તેવી નથી. એના સંસ્કાર બહુ જ ઊંચા છે. છેલ્લા દિવસોમાં યહોવાહ બધી જ નાત-જાતના લોકોને એ માર્ગે ચલાવશે. જો કે એ પહેલાં, યહુદાહના લોકોને પકડીને બાબેલોનની ગુલામીમાં લઈ જવાશે. એમાંથી યહોવાહ તેઓને છોડાવશે. પાંચમો અધ્યાય જણાવે છે, કે મસીહનો જન્મ બેથલેહેમમાં થશે. તેમ જ મસીહ યહોવાહના ભક્તોનું ધ્યાન રાખશે અને તેઓને જોરજુલમમાંથી બચાવશે.

૬ મીખાહનો છઠ્ઠો અધ્યાય બતાવે છે કે યહોવાહે યહુદીઓ સાથે વાદવિવાદ કર્યો. લોકોએ પાપ કર્યું હતું. યહોવાહે તેઓના ગજા ઉપરાંત કંઈ પણ માંગ્યું ન હતું. યહોવાહ દરેક સંજોગો સારી રીતે સમજતા હતા, એટલે તેઓ પર દયા બતાવતા હતા. તે ઇચ્છતા હતા કે પોતાના ભક્તો દયાભાવ બતાવે અને નમ્રતા રાખે. એને બદલે, ઈસ્રાએલ અને યહુદાહના લોકો પાપના ફાંદામાં ફસાઈને દુઃખી થયા.

૭ છેવટે સાતમા અધ્યાયમાં મીખાહે, યહોવાહના ભક્તોનો ઢોંગ ખુલ્લો પાડ્યો. મીખાહે હિંમત રાખતા કહ્યું: “હું મારૂં તારણ કરનાર દેવની વાટ જોઈશ.” (મીખાહ ૭:૭) તે આગળ જણાવે છે કે કઈ રીતે યહોવાહે પોતાના લોકો પર દયા બતાવી. ઇતિહાસ બતાવે છે કે ઈ.સ. પૂર્વે ૫૩૭માં યહોવાહે પોતાના વિશ્વાસુ ભક્તોને ગુલામીની જંજીરોમાંથી છોડાવ્યા. પછી તેઓ પોતાના વતનમાં પાછા આવીને સુખ-ચેનથી રહેવા લાગ્યા.

૮ પ્રબોધક મીખાહ દ્વારા, યહોવાહ આપણને કેટલી સરસ માહિતી આપે છે! તે બતાવે છે, કે યહોવાહની ભક્તિનો ઢોંગ કરનારાઓને તે કેવી શિક્ષા કરે છે. વળી, મીખાહનું પુસ્તક આપણા દિવસો વિષે પણ જણાવે છે. એ જણાવે છે કે આપણી આશા અમર રાખવા આપણે આ છેલ્લા દિવસોમાં કઈ રીતે જીવવું જોઈએ.

પરમેશ્વર યહોવાહ બોલે છે

૯ ચાલો હવે આપણે મીખાહના પુસ્તકમાં જરા ઊંડા ઊતરીએ. મીખાહ ૧:૨ જણાવે છે: “હે પ્રજાઓ, તમે સર્વ સાંભળો; હે પૃથ્વી, તથા તે ઉપર જે છે તે સર્વ, ધ્યાન દો; અને પ્રભુ પોતાના પવિત્ર મંદિરમાંથી, એટલે પ્રભુ યહોવાહ, તમારી વિરૂદ્ધ સાક્ષી થાઓ.” એ શબ્દો તમારા કાને પડ્યા હોત તો, શું તમે ચોંકી ગયા ન હોત? અરે, યહોવાહના આ શબ્દો ફક્ત ઈસ્રાએલીઓ માટે જ નહિ, પણ પૃથ્વીના સર્વ લોકો માટે છે. મીખાહના જમાનામાં લોકોએ યહોવાહનું જરાય ન માન્યું, એટલે તેમણે પગલાં લેવા પડ્યા.

૧૦ મીખાહના જમાનાની જેમ, આપણા દિવસમાં પણ યહોવાહ પોતાના મંદિર અથવા સ્વર્ગમાંથી પોકાર કરે છે. એ આપણને પ્રકટીકરણ ૧૪:૧૮-૨૦માં જોવા મળે છે. હવે જલદી જ યહોવાહ એવા પગલાં લેશે, જેનાથી આખું જગત ચોંકી ઊઠશે! એ વખતે ‘પૃથ્વીના દ્રાક્ષાવેલાને,’ એટલે કે યહોવાહની ભક્તિ ન કરનારાઓને યહોવાહ ખૂંદી નાખશે. ખરેખર, શેતાનની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે, કેમ કે જલદી જ તેનો નાશ થશે.

૧૧ હવે, યહોવાહ જે કરવાના છે એ ધ્યાનથી સાંભળો. મીખાહ ૧:૩, ૪ જણાવે છે: “જુઓ, યહોવાહ પોતાના સ્થાનમાંથી નીકળી આવે છે, ને તે નીચે ઊતરીને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર ચાલશે. તેના પગ તળેથી, અગ્‍નિની પાસેના મીણની પેઠે, પર્વતો પીગળી જશે, તથા સીધા કરાડા પરથી પડતા પાણીના ધોધની પેઠે ખીણો ફાટી જશે.” શું યહોવાહ ખરેખર સ્વર્ગમાંથી પૃથ્વી પર ઊતરી આવશે? ના. યહોવાહને પૃથ્વી પર આવવાની કંઈ જરૂર નથી. તે જે ચાહે એ સ્વર્ગમાંથી જ કરી શકે છે. આ કલમમાં પૃથ્વી એટલે કે પૃથ્વીના લોકો છે. યહોવાહ તેઓનો, એટલે કે ઢોંગી ભક્તોનો ન્યાય કરશે અને તેઓને શિક્ષા કરશે. તેથી, તેઓ મીણની જેમ પીગળી જશે.

૧૨ મીખાહ ૧:૩, ૪ વાંચીને તમને કદાચ પીતરે લખેલી ભવિષ્યવાણી યાદ આવતી હશે. બીજો પીતર ૩:૧૦ જણાવે છે: “જેમ ચોર આવે છે, તેમ પ્રભુનો દિવસ આવશે; તે વેળાએ આકાશો મોટી ગર્જનાસહિત જતાં રહેશે, ને તત્ત્વો અગ્‍નિથી પીગળી જશે, અને પૃથ્વીને તથા તે પરનાં કામોને બાળી નાખવામાં આવશે.” મીખાહના સમયની જેમ, પીતરના આ શબ્દો પણ મહાન વિપત્તિમાં સાચા પડશે, જ્યારે આ જગતનો નાશ થશે.

૧૩ આ જગતનો નાશ મહાન વિપત્તિમાં જરૂર થશે. પરંતુ યહોવાહના સેવકો તેમનામાં પૂરી શ્રદ્ધા રાખીને, પીતરના એ પછીના શબ્દો પાળે છે. તે જણાવે છે: “સર્વ લય પામનાર છે, માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ? દેવના જે દિવસે આકાશો સળગીને લય પામશે તથા તત્ત્વો બળીને પીગળી જશે, તેના આવવાની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી.” (૨ પીતર ૩:૧૧, ૧૨) આ બધું થનાર છે ત્યારે, આપણે કઈ રીતે આપણી આશા ઝાંખી પડવા ન દઈએ? આપણે યહોવાહની બધી આજ્ઞાઓ તન, મન અને ધનથી પાળીએ. આપણી વાણી અને વર્તન પરમેશ્વરના લોકોને શોભે એવા રાખીએ. તેમ જ બને એટલી ધગશથી, આપણે યહોવાહના માર્ગમાં ચાલીએ. એ ન ભૂલીએ કે યહોવાહનો મહાન દિવસ આંગણે જ આવીને ઊભો છે.

૧૪ મીખાહના સમયમાં ઈસ્રાએલીઓને શા માટે શિક્ષા થઈ? યહોવાહ ખુદ મીખાહ ૧:૫માં સમજાવે છે: “યાકૂબના અપરાધને લીધે તથા ઈસ્રાએલ લોકનાં પાપોને લીધે એ સર્વ થયું છે. યાકૂબનો અપરાધ શો છે? શું તે સમરૂન નથી? અને યહુદાહનાં ઉચ્ચસ્થાનો ક્યાં છે? શું યરૂશાલેમ નહિ?” યહોવાહે ઈસ્રાએલ અને યહુદાહના લોકોને જીવન આપ્યું હતું. તેમ છતાં, તેઓ પાપમાં પડ્યા. અરે, તેઓનાં પાપ છેક સમરૂન અને યરૂશાલેમ સુધી પહોંચ્યાં હતાં.

ચારે બાજુ પાપ!

૧૫ મીખાહના સમયમાં, મોટા ભાગના યહોવાહના સેવકો પાપમાં પડ્યા હતા. એ વિષે મીખાહ ૨:૧, ૨ જણાવે છે: “જેઓ પોતાનાં બિછાનાંમાં સૂતા સૂતા અન્યાયની યોજના કરે છે તથા દુષ્ટતાનો વિચાર કરે છે તેઓને અફસોસ! સવારનો પ્રકાશ થતાં તેઓ તેનો અમલ કરે છે, કેમકે તે કરવું તેમના હાથમાં છે. તેઓ ખેતરોનો લોભ કરીને તેમને છીનવી લે છે; અને ઘરોનો લોભ કરીને તેમને પડાવી લે છે; તેઓ માણસ તથા તેના ઘર પર, એટલે માણસ તથા તેના વારસા પર, જુલમ કરે છે.”

૧૬ યહુદીઓ એટલા લોભિયા હતા, કે તેઓને સૂતા સૂતા પણ શાંતિ ન હતી. તેઓ પથારીમાં પણ વિચાર કરતા કે કાલે કોની જમીન પડાવી લેવી. જો તેઓએ યહોવાહનું વચન યાદ રાખ્યું હોત તો એવું કર્યું ન હોત. મુસાના નિયમ પ્રમાણે યહોવાહે ગરીબોનું રક્ષણ કરવાની ગોઠવણ કરી હતી. એ કહે છે: “જેમ પોતા પર તેમજ તારા પડોશી પર પ્રીતિ રાખ.” (લેવીય ૧૯:૧૮) આ નિયમ પ્રમાણે કોઈ પણ બીજાની જમીન છીનવી લઈ શકે નહિ. પરંતુ, સ્વાર્થ અને લોભમાં આંધળા થયેલા લોકોને યહોવાહના નિયમની શું પડી હોય?

૧૭ આ બતાવે છે કે માણસ જ્યારે ઈશ્વરને બદલે પૈસાને પૂજે છે ત્યારે કેવી ખરાબ હાલત થાય છે. પાઊલે ખ્રિસ્તીઓને ચેતવણી આપી: “જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે, કે જેઓ માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડુબાવે છે.” (૧ તીમોથી ૬:૯) જ્યારે કોઈ પૈસાને પોતાનો પરમેશ્વર બનાવે છે, ત્યારે તે નાશના માર્ગે જઈ રહ્યો છે. પૈસો સાચું સુખ આપતો નથી કે પૈસો આપણી આશા અમર રાખી શકતો નથી.—માત્થી ૬:૨૪.

૧૮ મીખાહના જમાનાના યહુદીઓને, કડવા ઝેર જેવા અનુભવો થયા. પછી તેઓ શીખ્યા કે પૈસામાં ભરોસો મૂકવાથી કંઈ જ ફાયદો નથી. મીખાહ ૨:૪ જણાવે છે: “તે દિવસે તેઓ તમને મહેણાં મારશે, ને શોકથી વિલાપ કરશે, ને રૂદન કરીને કહેશે, કે અમે છેક પાયમાલ થયા છીએ; તે મારા લોકનો વારસો બદલી નાખે છે; તેણે તેને મારી પાસેથી કેવી રીતે લઈ લીધો છે! તે દંગાખોરોને અમારાં ખેતરો વહેંચી આપે છે.” જે લોકો ગરીબો પાસેથી ખેતરો ખૂંચવી લેતા હતા તેઓ પોતે દુઃખી થયા અને પોતાની જ જમીન ખોઈ બેઠા. તેઓને ગુલામ તરીકે લઈ જવામાં આવ્યા. તેઓની બધી ધન-દોલત ‘દંગાખોરો’ આવીને લૂંટી ગયા. તેઓનાં મોટાં મોટાં સપનાં, બસ સપનાં જ બનીને રહી ગયા.

૧૯ પરંતુ, યહોવાહમાં શ્રદ્ધા રાખનારા સુખી થાય છે. યહોવાહે વર્ષો અગાઉ ઈબ્રાહીમ અને દાઊદ સાથે જે કરાર કર્યો હતો એ પાળ્યો. યહુદીઓને ગુલામીમાં લઈ જવાયા, ત્યાંથી પણ યહોવાહે તેઓને છોડાવ્યા. મીખાહની જેમ યહોવાહને દિલથી પ્રેમ કરનારાઓ અને બીજાના દુ:ખોમાં દુઃખી થનારાઓ પર તે જરૂર દયા બતાવશે.

૨૦ મીખાહના જમાનામાં, યહોવાહમાં શ્રદ્ધા રાખનારા લોકોને તેમણે ઈ.સ. પૂર્વે ૫૩૭માં બચાવ્યા. બાબેલોનનો નાશ થયો અને વિશ્વાસુ યહુદીઓ એના પંજામાંથી છૂટીને યરૂશાલેમ પાછા જઈ શક્યા. એ વખતે મીખાહ ૨:૧૨ના શબ્દો સાચા પડ્યા: “હે યાકૂબ, હું તારા સર્વ લોકને નિશ્ચે ભેગા કરીશ; હું ઈસ્રાએલના બચેલાઓને નિશ્ચે એકઠા રાખીશ; હું તેઓને બોસ્રાહનાં ઘેટાંની પેઠે એકઠા કરીશ; બીડમાં ચરતાં ઘેટાંબકરાંના ટોળાની પેઠે તેઓ માણસોના જથાને લીધે મોટો ઘોંઘાટ કરશે.” યહોવાહ કેટલા પ્રેમાળ છે! તેમણે યહુદીઓને શિક્ષા તો કરી, પણ પોતાનામાં શ્રદ્ધા રાખનારાઓને નિરાશ કર્યા નહિ. તેઓને મુક્તિ અપાવીને યરૂશાલેમ પાછા જવા દીધા, જ્યાં તેઓ યહોવાહની ભક્તિ કરી શકે.

મીખાહના જેવો જ જમાનો

૨૧ મીખાહના સમય જેવી જ હાલત આજે પણ છે. એ જમાનામાં યહુદીઓ ધર્મને નામે ધતિંગ કરતા હતા. આજે પણ એવું જ છે. મીખાહના જમાનામાં લોકોમાં સંપ ન હતો. એ જ રીતે આજે પણ લોકો અંદરો-અંદર લડે છે. પોતાને ખ્રિસ્તી માનનારાઓ, ગરીબો પર જુલમ કરે છે. બાઇબલમાં ચોખ્ખી મના કરવામાં આવી છે છતાં, ઘણા ધર્મોમાં ખરાબ અને ખોટી બાબતો ચલાવી લેવામાં આવે છે. તેથી, એવા લોકોના પાપ છાપરે ચઢીને પોકારે છે અને તેઓનો અંત જલદી જ આવશે. તેમ જ, “મોટું બાબેલોન” કહેવામાં આવતા બીજા ખોટા ધર્મોનો અંત પણ હવે આવી જ પહોંચ્યો છે. (પ્રકટીકરણ ૧૮:૧-૫) પરંતુ, યહોવાહમાં શ્રદ્ધા રાખનારાઓ બચી જશે, કારણ કે તેઓની આશા અમર છે.

૨૨ યહોવાહના અભિષિક્ત જનો ૧૯૧૯માં જૂઠા ખ્રિસ્તીઓથી તદ્દન અલગ થઈ ગયા. પછી તેઓ ઈશ્વરના રાજ્યનો સંદેશો બધી પ્રજાઓમાં જણાવવા લાગ્યા. (માત્થી ૨૪:૧૪) સૌથી પહેલા તેઓ આ સંદેશો જણાવીને અભિષિક્ત જનોને ભેગા કરવા લાગ્યા. ત્યાર બાદ, તેઓ “બીજાં ઘેટાં” એટલે કે જે લોકો પૃથ્વી પર કાયમ રહેવાના છે તેઓને ભેગા કરવા લાગ્યા. એ રીતે તેઓ સર્વ “એક ટોળું, એક ઘેટાંપાળક” બને છે. (યોહાન ૧૦:૧૬) આજે યહોવાહના સેવકો ૨૩૪ દેશોમાં પ્રચાર કરે છે. બધા દેશો અને જાતિના યહોવાહના સેવકો એકબીજા સાથે સંપીને રહે છે. ખરેખર, તેઓ ‘ઘેટાંબકરાંના ટોળાની પેઠે માણસોના જથાને લીધે મોટો ઘોંઘાટ’ કરે છે. તેઓને આ દુનિયાની મોહ-માયા પર જરાય ભરોસો નથી. એને બદલે તેઓને પૂરેપૂરી શ્રદ્ધા છે કે યહોવાહનું રાજ્ય જલદી જ આવશે અને આ પૃથ્વીને સુંદર બનાવશે.

૨૩ યહોવાહમાં પૂરી શ્રદ્ધા મૂકનારા વિષે મીખાહ ૨:૧૩ જણાવે છે: “તેઓનો રાજા તેઓની આગળ ચાલ્યો ગયો છે, ને યહોવાહ તેમનો આગેવાન છે.” રાજા ઈસુની જીત થાય છે અને યહોવાહ આગેવાની લે છે. શું એ તમે જોઈ શકો છો? જો તમે એ જોઈ શકતા હોવ તો ખરેખર તમારી શ્રદ્ધા દૃઢ થાય છે. ચાલો આપણે મીખાહના પુસ્તકમાંથી એ વિષે વધુ શીખીએ.

શું તમને યાદ છે?

• મીખાહના દિવસોમાં યહોવાહે શા માટે યહુદાહ અને ઈસ્રાએલને શિક્ષા કરી?

• ઈશ્વરને બદલે પૈસાને પૂજનારાઓની શું હાલત થશે?

• મીખાહના પહેલા બે અધ્યાયમાંથી તમારી શ્રદ્ધા કઈ રીતે દૃઢ થઈ છે?

[અભ્યાસ પ્રશ્નો]

૧. આજે અભિષિક્ત જનો કઈ રીતે તાજગી આપે છે?

૨. આજના જગતની હાલત જોઈને આપણે શા માટે ગભરાવું ન જોઈએ?

૩. (ક) શા માટે યહોવાહે ઈસ્રાએલ અને યહુદાહના લોકોને શિક્ષા કરી? (ખ) શા માટે આપણે મીખાહનાં ભવિષ્યવચનો વિચારવા જોઈએ?

૪. મીખાહના પહેલા ત્રણ અધ્યાયો શું જણાવે છે?

૫. મીખાહના ચોથા અને પાંચમા અધ્યાયો શું જણાવે છે?

૬, ૭. આપણે અધ્યાય છ અને સાતમાંથી શું શીખી શકીએ?

૮. મીખાહનું પુસ્તક બીજું શું શીખવે છે?

૯. મીખાહ ૧:૨ પ્રમાણે યહોવાહ શું કરવાના હતા?

૧૦. મીખાહ ૧:૨ના શબ્દો શા માટે બહુ જ મહત્ત્વના છે?

૧૧. મીખાહ ૧:૩, ૪ સમજાવો.

૧૨, ૧૩. બીજો પીતર ૩:૧૦-૧૨ પ્રમાણે યહોવાહમાં પૂરી શ્રદ્ધા રાખવા શું કરવું જોઈએ?

૧૪. શા માટે ઈસ્રાએલ અને યહુદાહના લોકોને શિક્ષા થઈ?

૧૫, ૧૬. મીખાહના વખતમાં યહુદીઓ કેવા પાપ કરતા હતા?

૧૭. પરમેશ્વરને બદલે પૈસાને પૂજનારાઓનું શું થશે?

૧૮. મીખાહના દિવસોમાં પૈસામાં ભરોસો રાખનારાનું શું થયું?

૧૯, ૨૦. યહોવાહમાં શ્રદ્ધા રાખનાર યહુદીઓને કેવા આશીર્વાદો મળ્યા?

૨૧. આપણા દિવસો, કઈ રીતે મીખાહના દિવસો જેવા જ છે?

૨૨. આજે યહોવાહના રાજ્યમાં શ્રદ્ધા મૂકનારા કોણ છે?

૨૩. તમારી શ્રદ્ધા દૃઢ છે એની તમને કઈ રીતે ખાતરી થઈ શકે?

[પાન ૯ પર ચિત્ર]

મીખાહની ભવિષ્યવાણી આપણી શ્રદ્ધા દૃઢ કરે છે

[પાન ૧૦ પર ચિત્ર]

બચી ગયેલા યહુદીઓની જેમ, અભિષિક્તો અને તેઓના સાથીઓ સત્યનો દીવો પ્રગટાવે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો