મુશ્કેલીના સમયમાં યહોવાહ પર પૂરેપૂરો ભરોસો રાખો
“દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરાહજૂર મદદગાર છે.”—ગીતશાસ્ત્ર ૪૬:૧.
પરમેશ્વરમાં ભરોસો હોવાનો દાવો કરવો તો સહેલું છે. પરંતુ એ પ્રમાણે જીવન જીવવું અઘરું છે. દાખલા તરીકે, અમેરિકાના પૈસા પર એક સૂત્ર લખેલું છે કે “અમને પરમેશ્વરમાં ભરોસો છે.”a વર્ષ ૧૯૫૬માં અમેરિકાની સરકારે જાહેર કર્યું કે એ અમેરિકાનું રાષ્ટ્રિય સૂત્ર છે. હકીકત તો એ છે કે હાથીના દાંત બતાવવાના જુદાં અને ચાવવાના જુદાં. હા, ફક્ત અમેરિકામાં જ નહિ પણ, આખી દુનિયાના લોકો પરમેશ્વર કરતાં ધન-દોલતમાં વધારે ભરોસો મૂકે છે.—લુક ૧૨:૧૬-૨૧.
૨ આપણે હોઠોથી જ યહોવાહમાં ભરોસો બતાવો ન જોઈએ. આપણે આપણા કાર્યોથી બતાવવું જોઈએ કેમ કે ‘વિશ્વાસ કરણીઓ વગર નિર્જીવ છે.’ (યાકૂબ ૨:૨૬) આપણે અગાઉના લેખમાં જોયું કે યહોવાહમાં ભરોસો રાખવાનો અર્થ એ થાય કે, આપણે દિલ ખોલીને તેમને પ્રાર્થના કરીએ. બાઇબલની સલાહ પાળીએ. તેમ જ તેમના સંગઠન પાસેથી મળતું માર્ગદર્શન ધ્યાન પર લઈએ. પરંતુ, મુશ્કેલીઓ આવી પડે ત્યારે આ ત્રણ બાબતો તમને કઈ રીતે મદદ કરશે? ચાલો આપણે એ હવે જોઈએ.
નોકરી છૂટી જાય કે ઓછો પગાર હોય ત્યારે
૩ આ “સંકટના વખતમાં” આપણે પણ બીજાઓની જેમ પૈસાનું તાણ અનુભવીએ છીએ. (૨ તીમોથી ૩:૧) અચાનક આપણી નોકરી છૂટી જઈ શકે. અથવા આપણે ઓછા પગારમાં વધારે કલાકો કામ કરવું પડી શકે. આવા સંજોગોમાં, આપણને ‘પોતાના કુટુંબની સંભાળ રાખવી’ ખૂબ મુશ્કેલ બને છે. (૧ તીમોથી ૫:૮) આ સંજોગોમાં શું યહોવાહ આપણને મદદ કરશે? ચોક્કસ! જોકે, યહોવાહ આપણા જીવનની મુશ્કેલીઓને દૂર કરતા નથી. પરંતુ, જો આપણે તેમનામાં ભરોસો રાખીશું તો, આપણે ગીતશાસ્ત્ર ૪૬:૧ પ્રમાણે અનુભવીશું: “દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરાહજૂર મદદગાર છે.” પરંતુ, આપણે કઈ રીતે પૈસાની તંગી હોય ત્યારે પણ, યહોવાહમાં પૂરેપૂરો ભરોસો બતાવી શકીએ?
૪ પ્રાર્થના કરવાથી આપણે બતાવીએ છીએ કે આપણે યહોવાહમાં ભરોસો છે. પરંતુ, આપણે શાના માટે પ્રાર્થના કરી શકીએ? પૈસાની તાણ હોય ત્યારે, આપણને સારા સૂચનોની વધુ જરૂર હોય છે. તોપછી, એના માટે પ્રાર્થના કરો! બાઇબલ ખાતરી આપે છે: “તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો દેવ જે સર્વેને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતો નથી, તેની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે.” (યાકૂબ ૧:૫) હા, યહોવાહ આપણને એવી સમજણ આપશે કે આપણે સારા નિર્ણય લઈ શકીશું. યહોવાહ આપણી પ્રાર્થનાઓને જરૂર સાંભળશે. જો આપણે યહોવાહ પર પૂરેપૂરો ભરોસો મૂકીએ, તો તે હંમેશાં આપણને મદદ કરશે.—ગીતશાસ્ત્ર ૬૫:૨; નીતિવચનો ૩:૫, ૬.
૫ બાઇબલની સલાહ પાળીને પણ આપણે બતાવીએ છીએ કે આપણો ભરોસો યહોવાહ પર છે. બાઇબલમાં, તેમના સૂચનો “અતિ ખાતરીપૂર્વક” છે. (ગીતશાસ્ત્ર ૯૩:૫) જોકે ૧,૯૦૦ વર્ષ પહેલાં બાઇબલનું લખાણ પૂરું થયું હતું. તેમ છતાં, એમાં ઘણી સારી સૂચનાઓ છે, જે આપણે પૈસાના તાણ અનુભવતા હોય ત્યારે મદદ કરે છે. ચાલો આપણે બાઇબલમાંથી અમુક સૂચનો તપાસીએ.
૬ હજારો વર્ષ પહેલાં, રાજા સુલેમાને કહ્યું: “મજૂર ગમે તો થોડું અથવા વધારે ખાય, તોપણ તેની ઊંઘ મીઠી હોય છે; પણ દ્રવ્યવાનની સમૃદ્ધિ તેને ઊંઘવા દેતી નથી.” (સભાશિક્ષક ૫:૧૨) ઘરમાં ઘણો સામાન હોય તો એને સાફ રાખવા, અને સમારકામ કરાવવા સમય અને પૈસા માંગી લે છે. તેથી, નોકરી છૂટી જાય ત્યારે, આપણે આપણી રહેણીકરણીમાં થોડો ફેરફાર કરવાની જરૂર પડે છે. આપણે નક્કી કરવું પડશે કે જીવન જીવવા માટે કઈ વસ્તુઓની જરૂર છે, અને જરૂરી નથી. આપણે થોડું સાદું જીવન જીવી શકીએ. આપણે નાના ઘરમાં રહેવા જઈ શકીએ. અથવા લકઝરી વસ્તુઓ ન ખરીદીએ. આવા ફેરફારો કરવાથી આપણી ચિંતા ઓછી થઈ જશે.—માત્થી ૬:૨૨.
૭ ઈસુએ સલાહ આપી: “તમારા જીવને સારૂ ચિંતા ન કરો, કે અમે શું ખાઈશું અથવા શું પીઈશું; અને તમારા શરીરને સારૂ ચિંતા ન કરો, કે અમે શું પહેરીશું.”b (માત્થી ૬:૨૫) ઈસુ જાણતા હતા કે લોકો રોટી, કપડાં, મકાન માટે ચિંતા કરશે, પરંતુ, તેમણે કહ્યું: “ચિંતા ન કરો.” તોપછી, આપણે કઈ રીતે એ સલાહ પાળી શકીએ? જવાબમાં, ઈસુએ કહ્યું, ‘પહેલાં રાજ્યને શોધો.’ ભલે આપણા પર ગમે તેટલી મુશ્કેલીઓ આવે, આપણે જીવનમાં યહોવાહની સેવા પ્રથમ જ રાખવી જોઈએ. જો આપણે એ પ્રમાણે કરીશું તો, યહોવાહ ચોક્કસ આપણું ધ્યાન રાખશે.—માત્થી ૬:૩૩.
૮ ઈસુએ આગળ જણાવ્યું, “આવતી કાલને સારૂં ચિંતા ન કરો, કેમકે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે.” (માત્થી ૬:૩૪) ‘આવતી કાલ કેવી હશે’ એવી ચિંતા કરવી નકામી છે. એક વિદ્વાને કહ્યું: ‘આપણે આવતી કાલ વિષે ખોટી ચિંતા કરીને ગભરાતા હોઈએ છીએ. પરંતુ, હકીકતમાં એ દિવસ એટલો ખરાબ હોતો નથી.’ જો આપણે બાઇબલની સલાહ પાળીએ, તો જીવનમાં યહોવાહની ભક્તિ પહેલી આવશે. વળી, આપણે આવતી કાલની ચિંતા કરીશું નહિ. આમ આપણે ખોટી ખોટી ચિંતાઓથી દૂર રહી શકીશું.—૧ પીતર ૫:૬, ૭.
૯ પૈસાની તાણ હોય ત્યારે, આપણે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” તરફથી મળતા પ્રકાશનોમાંથી માર્ગદર્શન મેળવી શકીએ છીએ. આમ કરવાથી આપણે યહોવાહમાં ભરોસો બતાવી છીએ. (માત્થી ૨૪:૪૫) સજાગ બનો! મૅગેઝિનમાં સમયે સમયે પૈસાની તંગીનો સામનો કરવા માટે અમુક સારા સૂચનો આપ્યા છે. દાખલા તરીકે ઑગસ્ટ ૮, ૧૯૯૧ના (અંગ્રેજી) “નોકરી છૂટી ગઈ—હવે શું?” લેખમાં આઠ સારા સૂચનો હતા.c એમાંથી ઘણા લોકોને ચિંતા ઓછી કરવામાં મદદ મળી છે. આ જ અંકમાં એક લેખનો વિષે હતો: “પૈસા કરતાં શું વધારે મહત્ત્વનું છે?” એમાં સારા સૂચનો હતા જેથી આપણે દુનિયાના લોકો જેમ પૈસા પાછળ ન પડીએ.—સભાશિક્ષક ૭:૧૨.
બીમાર હોઈએ ત્યારે
૧૦ ગંભીર બીમારીમાં હોઈએ ત્યારે, શું યહોવાહમાં ભરોસો રાખવાથી આપણને મદદ મળશે? હા, જરૂર! યહોવાહ પોતાના બીમાર ભક્તોની ખૂબ કાળજી રાખે છે. વધુમાં, તે મદદ કરવા તૈયાર જ હોય છે. રાજા દાઊદનો વિચાર કરો. તે પોતે ઘણા બીમાર હોય શકે ત્યારે લખ્યું: “તેની માંદગીમાં પ્રભુ તેને ટકાવી રાખે છે, ને તેનાં દુઃખ તથા ચિંતાઓ લઈ લે છે.” (ગીતશાસ્ત્ર ૪૧:૧, ૩ IBSI, ૭, ૮) દાઊદે પરમેશ્વરમાં ભરોસો રાખ્યો અને છેવટે તે પોતાની માંદગીમાંથી સાજા થયા. આપણે પણ બીમાર હોઈએ ત્યારે, કઈ રીતે પરમેશ્વરમાં ભરોસો બતાવી શકીએ?
૧૧ આપણે બીમાર પડીએ ત્યારે પ્રાર્થનામાં યહોવાહને આજીજી કરવાથી, આપણને સહન કરવાની શક્તિ મળે છે. પ્રાર્થના કરવાથી આપણે યહોવાહમાં વિશ્વાસ બતાવીએ છીએ. આપણે “વિવેકબુદ્ધિ” માટે પ્રાર્થના કરી શકીએ, જેથી આપણે થોડી ઘણી રાહત મેળવી શકીએ. (નીતિવચનો ૩:૨૧) આપણે ધીરજથી એ બીમારીને સહન કરવા માટે શક્તિ પણ માંગી શકીએ. વધુમાં, આપણે યહોવાહને પ્રાર્થના કરી શકીએ કે ભલે ગમે તે થાય, આપણો તેમના પરનો વિશ્વાસ ઠંડો ન પડી જાય. (ફિલિપી ૪:૧૩) આપણે છેક મોતના મોંમાં પહોંચી જઈએ તોપણ, પરમેશ્વરને વફાદાર રહેવું સૌથી મહત્ત્વનું છે. જો આપણે વફાદાર રહીશું તો, યહોવાહ આપણને હંમેશ માટેનું નિરોગી જીવન આપશે.—હેબ્રી ૧૧:૬.
૧૨ આપણે બાઇબલમાંથી જરૂરી માર્ગદર્શન મેળવીને યહોવાહમાં ભરોસો બતાવી શકીએ છીએ. આપણે કઈ પ્રકારની સારવાર લેવી જોઈએ એનો નિર્ણય કરતા પહેલાં બાઇબલની સલાહને ધ્યાનમાં લેવી જોઈએ. દાખલા તરીકે, બાઇબલ “જાદુ” જેવી બાબતને ધિક્કારે છે. તેથી આપણે કોઈ ભૂવાઓ પાસે જઈશું નહિ કે અમુક દેશી દવાઓથી દૂર રહીશું. (ગલાતી ૫:૧૯-૨૧; પુનર્નિયમ ૧૮:૧૦-૧૨) બાઇબલમાં બીજી એક સરસ સલાહ જોવા મળે છે. “ભોળો માણસ દરેક શબ્દ ખરો માને છે, પણ ડાહ્યો પુરુષ પોતાની વર્તણૂક બરાબર ચોક્કસ રાખે છે.” (નીતિવચનો ૧૪:૧૫) તેથી, સારવાર લેવાનું વિચારતા હોઈએ ત્યારે, “દરેક શબ્દ” ખરો માનવાના બદલે આપણે વિચારીશું કે એ માહિતી હકીકત છે કે કેમ. તેથી, બે વાર વિચારવાથી આપણે સારા નિર્ણયો લઈ શકીશું.—તીતસ ૨:૧૨.
૧૩ વિશ્વાસુ ચાકરે બહાર પાડેલા પ્રકાશનોનો ઉપયોગ કરીને આપણે યહોવાહમાં ભરોસો બતાવી શકીએ. અમુક વાર ચોકીબુરજ અને સજાગ બનો!માં બીમારીઓ કે રોગો વિષે લેખો જોવા મળે છે.d વળી, આ મૅગેઝિનમાં એવા પણ લેખો છે, જે એવી વ્યક્તિઓ વિષે બતાવે છે કે તેઓ કઈ રીતે કોઈ પણ બીમારીનો સામનો કરી રહ્યા છે. વધુમાં, અમુક લેખોમાં બાઇબલમાંથી સૂચનો આપ્યા છે કે આપણે કોઈ પણ બીમારીને કઈ રીતે સહન કરી શકીએ. તેમ જ આ લેખો રોજિંદા જીવન માટે સારી સલાહ આપે છે.
૧૪ દાખલા તરીકે, જાન્યુઆરી ૨૨, ૨૦૦૧ના અંગ્રેજી સજાગ બનો!ના કવર લેખોનો વિષય હતો, “બીમાર લોકો માટે રાહત.” આ લેખોમાં ઘણા બાઇબલ સૂચનો હતા, અને ઘણા વર્ષોથી બીમાર હોય એવી વ્યક્તિઓના ઇન્ટર્વ્યૂં અને સૂચનો હતા. “તમારી બીમારીનો કઈ રીતે સામનો કરવો” લેખમાં આ સલાહ આપી: તમારી બીમારી વિષે બને એટલું જાણો. (નીતિવચનો ૨૪:૫) તમારાથી થાય એવા ધ્યેયો રાખો. તેમ જ બને તેમ બીજાઓને પણ મદદ કરો. પરંતુ, પોતાને બીજાઓ સાથે ન સરખાવો. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫; ગલાતી ૬:૪) પોતાને એકલા પાડવાનું ટાળો. (નીતિવચનો ૧૮:૧) બીજાઓ તમારી મુલાકાત લે ત્યારે, ખુશ રહો અને હળીમળીને વાત કરો. (નીતિવચનો ૧૭:૨૨) સૌથી મહત્ત્વનું તો એ છે કે યહોવાહ અને મંડળના ભાઈબહેનો સાથે ગાઢ સંબંધ રાખો. (નાહૂમ ૧:૭; રૂમીઓને પત્ર ૧:૧૧, ૧૨) યહોવાહ તેમના સંગઠન દ્વારા આપણને જે માર્ગદર્શન આપે છે, એ માટે ખરા દિલથી તેમનો આભાર માનવો જોઈએ.
નબળાઈના ફાંદામાં ફસાયા હોઈએ ત્યારે
૧૫ પ્રેષિત પાઊલે લખ્યું, “મારા દેહમાં, કંઈ જ સારૂં વસતું નથી.” (રૂમીઓને પત્ર ૭:૧૮) પાઊલ જાણતા હતા કે નબળાઈઓ વિરુદ્ધ લડત આપવી કેટલું અઘરું છે. તેમ છતાં, પાઊલને વિશ્વાસ હતો કે તે એમાં સફળ થશે. (૧ કોરીંથી ૯:૨૬, ૨૭) કઈ રીતે? યહોવાહમાં પૂરેપૂરો ભરોસો મૂકીને. તેથી પાઊલ કહી શક્યા: “હું કેવો દુર્ભાગ્ય માણસ છું! મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે? આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે હું દેવની ઉપકારસ્તુતિ કરૂં છું.” (રૂમીઓને પત્ર ૭:૨૪, ૨૫) આપણા વિષે શું? આપણે પણ આપણી નબળાઈઓ સામે લડીએ છીએ. આપણે આવી નબળાઈઓ સામે લડતા લડતા સહેલાઈથી હિંમત હારી શકીએ. પરંતુ, જો આપણે પાઊલની જેમ યહોવાહ પર પૂરેપૂરો ભરોસો રાખીશું તો, તે જરૂર મદદ કરશે.
૧૬ આપણે નબળાઈઓ દૂર કરવા સતત પ્રયત્ન કરવો જોઈએ. એ માટે આપણે વારંવાર યહોવાહને પ્રાર્થનામાં આજીજી કરવી જોઈએ. (લુક ૧૧:૯-૧૩) આમ, આપણે યહોવાહમાં વિશ્વાસ બતાવીએ છીએ. આપણે ખાસ કરીને સહનશીલતા માટે પ્રાર્થના કરી શકીએ, જે યહોવાહના પવિત્ર આત્માનું એક ફળ છે. (ગલાતી ૫:૨૨, ૨૩) જો આપણે પડી જઈએ, તો શું કરવું જોઈએ? આપણે હિંમત હારી જવી જોઈએ નહિ. આપણે ઘડીઘડી યહોવાહને નમ્રતાથી માફી અને મદદ માંગવી જોઈએ. યહોવાહ ખૂબ દયાળુ છે, તે કદી આપણને તરછોડશે નહિ તેમ જ આપણાથી મોં ફેરવી લેશે નહિ. ભલે આપણું મન ડંખતું હોય, યહોવાહ “રાંક” દિલવાળાના પાસે છે. (ગીતશાસ્ત્ર ૫૧:૧૭) જો આપણે નમ્ર દિલથી તેમને આજીજી કરીશું તો, તે આપણને ફાંદામાંથી બહાર નીકળવા મદદ કરશે.—ફિલિપી ૪:૬, ૭.
૧૭ બાઇબલમાંથી મદદ મેળવીને પણ આપણે યહોવાહમાં ભરોસો બતાવીએ છીએ. દર વર્ષે ચોકીબુરજની વિષયસૂચિનો ઉપયોગ કરીને, આપણે આ પ્રશ્નનો જવાબ મેળવી શકીએ કે, ‘મારી નબળાઈ વિષે યહોવાહને કેવું લાગે છે?’ એના પર મનન કરવાથી આપણે દૃઢ રહી શકીએ અને યહોવાહને ખુશ કરી શકીએ. આમ, આપણે પણ યહોવાહ જે બાબતોને ધિક્કારે છે એને ધિક્કારીશું. (ગીતશાસ્ત્ર ૯૭:૧૦) કેટલાક લોકોએ પોતાની નબળાઈઓને લગતી બાઇબલ કલમો યાદ કરીને પણ મદદ મેળવી છે. શું તમે તરત જ ભડકી ઊઠો છો? એમ હોય તો નીતિવચનો ૧૪:૧૭ અને એફેસી ૪:૩૧ જેવી કલમો યાદ કરો. શું તમને વગર-વિચાર્યું બોલી જવાની ટેવ છે? તો નીતિવચનો ૧૨:૧૮ અને એફેસી ૪:૨૯ જેવી કલમો પર મનન કરો. શું તમે ખરાબ ફિલ્મો જોવા કે સંગીત સાંભળવા લલચાવો છો? તો એફેસી ૫:૩ અને કોલોસી ૩:૫ જેવી કલમો ધ્યાનમાં રાખો.
૧૮ મંડળના વડીલો પાસેથી મદદ માંગીને પણ આપણે યહોવાહમાં ભરોસો બતાવી છીએ. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮) કેમ કે મંડળની કાળજી રાખવા યહોવાહે, ઈસુ દ્વારા ‘માણસોને દાન’ આપ્યા છે. (એફેસી ૪:૭, ૮, ૧૧-૧૪) હા, એ સાચું છે કે નબળાઈઓનો સામનો કરવા માટે મદદ માંગવી કંઈ સહેલી વાત નથી. આપણને એવું લાગી શકે કે જો આપણે મદદ માંગીશું તો, વડીલો આપણા વિષે શું વિચારશે. પરંતુ, આ અનુભવી ભાઈઓ આપણને માન આપીને ખૂબ કાળજી રાખશે. તેમ જ, વડીલો ભાઈબહેનો સાથે વાતચીત કરતી વખતે યહોવાહના સદ્ગુણો જરૂર બતાવશે. બાઇબલમાંથી તેઓની સલાહ અને સૂચનો આપણને આપણી મુશ્કેલીઓનો સામનો કરવા દૃઢ કરશે.—યાકૂબ ૫:૧૪-૧૬.
૧૯ આપણે હંમેશાં યાદ રાખવું જોઈએ કે શેતાન પાસે હવે થોડો સમય રહેલો છે. (પ્રકટીકરણ ૧૨:૧૨) તે આ જગતથી આપણને ડિપ્રેસ કરવા માગે છે. વળી, તે ઇચ્છે છે કે આપણે હિંમત હારી જઈએ. પરંતુ, આપણે પાઊલના જેમ, રૂમીઓને પત્ર ૮:૩૫-૩૯ પ્રમાણે કહેવું જોઈએ: “ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? શું વિપત્તિ, કે વેદના, કે સતાવણી, કે દુકાળ, કે નગ્નતા, કે જોખમ, કે તરવાર? . . . તોપણ જેણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે, તેને આશરે આપણે એ બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ. કેમકે મારી ખાતરી છે કે મરણ કે જીવન, દૂતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું, કે પરાક્રમીઓ, ઊંચાણ કે ઊંડાણ, કે કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ, દેવની જે પ્રીતિ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે, તેનાથી આપણને જુદા પાડી શકશે નહિ.” યહોવાહમાં કેવો ભરોસો! તેમ છતાં, આ ભરોસો અંધશ્રદ્ધા કે કંઈ લાગણી જ નથી. પરંતુ, આપણે યહોવાહ વિષે સમજી-વિચારીને નિર્ણયો લઈ. આવી રીતે આપણે રોજબરોજના જીવનમાં બતાવીશું કે આપણને યહોવાહમાં પૂરેપૂરો ભરોસો છે. તેથી, ચાલો આપણે મુશ્કેલીના સમયમાં પણ યહોવાહમાં પૂરેપૂરો ભરોસો બતાવીએ.
[ફુટનોટ્સ]
a નવેમ્બર ૨૦, ૧૮૬૧માં અમેરિકામાં ટ્રેઝરીના વડા સેમન પી. ચેસે, પૈસા છપાતા હોય ત્યાં પત્ર લખ્યો: “પરમેશ્વર વગર દેશો મજબૂત બની શકતા નથી. તેમ જ તેમના વગર રક્ષણ પણ મળતું નથી. તેથી, પરમેશ્વર પર આપણો જે ભરોસો છે એ પૈસા પર છાપીને જાહેર કરવો જોઈએ.” તેથી, ૧૮૮૪માં સિક્કા પર એવું સૂત્ર છાપવામાં આવ્યું કે “અમને પરમેશ્વરમાં ભરોસો છે.”
b ઈસુએ એવી ચિંતાઓ વિષે વાત કરી જે “જીવનની ખુશી લૂંટી લઈ, કોરી ખાય છે.”
c એ આઠ મુદ્દાઓ આ છે: (૧) ગભરાય જશો નહિ. (૨) હિંમત ન હારો. (૩) બીજા કોઈ પ્રકારનું કામ કરવા તૈયાર રહો. (૪) બીજાનો મહેલ જોઈને પોતાની ઝૂંપડી તોડી ન નાખો. (૫) ઉધાર લેતા પહેલાં બે વાર વિચાર કરવો. (૬) કુટુંબમાં ખુશ રહો. (૭) પોતાનું માન જાળવી રાખો. (૮) બજેટ બનાવો.
d આ મૅગેઝિનોમાં વ્યક્તિઓએ કેવી સારવાર લેવી જોઈએ કે ન લેવી જોઈએ એ વિષે જણાવતું નથી. સારવાર વિષે દરેક વ્યક્તિએ પોતે નિર્ણય લેવો જોઈએ. આ મૅગેઝિનો બીમારી વિષે તાજી માહિતી આપે છે.
તમને શું યાદ છે?
• આપણને પૈસાની તાણ હોય ત્યારે, આપણે કઈ રીતે યહોવાહમાં ભરોસો મૂકી શકીએ?
• બીમાર હોઈએ ત્યારે આપણે કઈ રીતે યહોવાહમાં ભરોસો બતાવી શકીએ?
• નબળાઈઓનો સામનો કરતા હોઈએ ત્યારે, આપણે કઈ રીતે યહોવાહમાં ભરોસો બતાવી શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. (ક) કયું ઉદાહરણ બતાવે છે કે પરમેશ્વરમાં માનવાનો દાવો કરવું જ પૂરતું નથી? (ખ) યહોવાહમાં ભરોસો મૂકવાનો અર્થ શું થાય છે?
૩. આપણે “સંકટના વખતમાં” કઈ રીતે પૈસાની તાણ અનુભવી શકીએ? શું એ વખતે યહોવાહ આપણને મદદ કરશે?
૪. પૈસાની તંગી પડે ત્યારે, આપણે શાના માટે પ્રાર્થના કરી શકીએ? યહોવાહ આવી પ્રાર્થનાનો કેવો જવાબ આપે છે?
૫, ૬. (ક) પૈસાની તંગી હોય ત્યારે, શા માટે આપણને બાઇબલને તપાસવું જોઈએ? (ખ) નોકરી ગુમાવીએ ત્યારે, ચિંતાઓ ઓછી કરવા આપણે શું કરી શકીએ?
૭, ૮. (ક) ઈસુએ શું કહ્યું જે બતાવી આપે છે કે આપણે રોજબરોજની વસ્તુઓ વિષે વધારે પડતી ચિંતા કરીએ છીએ? (ખ) ખોટી ચિંતાઓ ટાળવા વિષે ઈસુએ કઈ સલાહ આપી?
૯. પૈસાની તાણ હોય ત્યારે, પ્રકાશનોમાંથી કઈ મદદ મળી શકે?
૧૦. દાઊદે બીમાર હતા, ત્યારે પણ કઈ રીતે બતાવ્યું કે તે યહોવાહ પર ભરોસો રાખે છે?
૧૧. આપણે બીમાર પડીએ ત્યારે, કઈ બાબતો માટે પ્રાર્થના કરી શકીએ?
૧૨. સારવાર વિષે બાઇબલ કઈ સલાહ આપે છે?
૧૩, ૧૪. (ક) ચોકીબુરજ અને સજાગ બનો!માં બીમારી વિષે કેવા લેખો આવ્યા છે? (પાન ૧૭ પર આપેલાનું બૉક્સ જુઓ.) (ખ) જાન્યુઆરી ૨૨, ૨૦૦૧ના અંગ્રેજી સજાગ બનો!માં બીમારી વિષે કેવી સલાહ આપવામાં આવી છે?
૧૫. પાઊલ કઈ રીતે પોતાની નબળાઈઓ સામે લડી શક્યા? એમાંથી આપણને કઈ ખાતરી મળે છે?
૧૬. નબળાઈઓનો સામનો કરવા, આપણે શાના માટે પ્રાર્થના કરવી જોઈએ? અને ફાંદામાં ફસાઈ જ ગયા હોઈએ તો શું કરવું જોઈએ?
૧૭. (ક) નબળાઈઓ વિષે યહોવાહને કેવું લાગે છે, એના પર મનન કરવાથી કઈ રીતે મદદ મળી શકે? (ખ) આપણામાં કેવી નબળાઈઓ હોય શકે, અને એનો સામનો કરવા કઈ કલમો ધ્યાનમાં રાખી જોઈએ?
૧૮. આપણી નબળાઈઓનો સામનો કરવા, શા માટે વડીલો પાસે મદદ માંગવી જોઈએ?
૧૯. (ક) શેતાન આપણને શું કરવા માગે છે? (ખ) યહોવાહમાં ભરોસો રાખવાનો શું અર્થ થાય છે, અને આપણે શું કરવું જોઈએ?
[પાન ૧૭ પર બોક્સ]
શું તમને આ લેખો યાદ છે?
આપણે બીમાર હોઈએ ત્યારે, બીજાઓએ કઈ રીતે બીમારીઓ અને અપંગતાનો સામનો કર્યો એ વિષે વાંચવાથી ઉત્તેજન મળે છે. નીચે અમુક લેખો આપ્યા છે કે ચોકીબુરજ અને સજાગ બનો!માં આવી ગયા છે.
“યહોવાહે અમને સહન કરતા અને અડગ રહેતા શીખવ્યું.”—ચોકીબુરજ, ફેબ્રુઆરી ૧, ૨૦૦૨.
“યહોવાહે સર્વ દિવસો મારી સંભાળ રાખી.” આ એક અપંગ ભાઈનો અનુભવ છે.—ચોકીબુરજ, માર્ચ ૧, ૨૦૦૧.
“કાલે શું થશે એની તમને ખબર નથી.” આ લેખમાં ભાઈ મગજ રોગનો સામનો કરે છે એના વિષે છે.—ચોકીબુરજ, ડિસેમ્બર ૧, ૨૦૦૦.
“સંકટોથી અમે દેવ પર ભરોસો રાખતા શીખ્યા.” આ લેખમાં એક એવા માબાપનો અનુભવ છે કે જેનું બાળક ખૂબ બીમાર હતું.—સજાગ બનો!, જાન્યુઆરી ૮, ૨૦૦૦.
“અંધ છતાં વ્યસ્ત અને સુખી.”—સજાગ બનો!, માર્ચ ૮, ૧૯૯૯.
“અકસ્માતે મારું જીવન બદલી નાખ્યું.”—સજાગ બનો!, જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૩.
[પાન ૧૫ પર ચિત્ર]
નોકરી ગુમાવીએ ત્યારે, આપણી રહેણીકરણીમાં ફેરફારો કરવા પડે
[પાન ૧૬ પર ચિત્ર]
અવેક! મે ૮, ૨૦૦૦ના અંકમાં લોઈડાનો અનુભવ બતાવે છે કે યહોવાહમાં ભરોસો રાખવાથી તે કઈ રીતે બીમારીને સહન કરી શકી. (પાન ૧૭ પરનું બૉક્સ જુઓ)
[પાન ૧૮ પર ચિત્ર]
આપણે નબળાઈઓનો સામનો કરવા માટે મદદ માગતા શરમાવું ન જોઈએ