વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w04 ૩/૧૫ પાન ૧૫-૧૯
  • “તારૂં સેવાકાર્ય પૂર્ણ કર”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “તારૂં સેવાકાર્ય પૂર્ણ કર”
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવાહનું ગૌરવ પ્રકાશવા દો
  • લોકોને બાઇબલનું શિક્ષણ આપીને પ્રકાશ ફેલાવો
  • વ્યક્તિને ઉદાહરણો સમજવા મદદ કરો
  • વિચારતા કરે એવા પ્રશ્નો પૂછો
  • આપણો અમૂલ્ય ખજાનો
  • બાઇબલ શીખવે છે એ પાળવા બીજાઓને મદદ કરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • આપણી શીખવવાની કળામાં સુધારો કરીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • બાઇબલ વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરીએ—ભાગ ૧
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • યહોવાની સેવામાં બનતું બધું કરીએ!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
w04 ૩/૧૫ પાન ૧૫-૧૯

“તારૂં સેવાકાર્ય પૂર્ણ કર”

‘ઈશ્વરના સેવક તરીકેની તારી ફરજ સંપૂર્ણ રીતે અદા કર.’—૨ તીમોથી ૪:૫, પ્રેમસંદેશ.

શું તમે યહોવાહના રાજ્યનો પ્રચાર કરો છો? જો એમ હોય, ખરેખર એ આશીર્વાદ માટે યહોવાહનો આભાર માનો. શું તમે મંડળમાં વડીલ છો? એમ હોય તો, એ તો હજુ મોટો આશીર્વાદ કહેવાય. પરંતુ, પ્રચાર કામ કરવા કે મંડળની દેખરેખ રાખવા આપણને કોણ લાયક ઠરાવે છે? એ માટે દુનિયાની કોઈ પણ કૉલેજનું ભણતર મદદ નથી કરતું. કે પછી આપણે સારી રીતે બોલી જાણતા હોઈએ, એટલે આપણે લાયક ઠરીએ એવું પણ નથી. પરંતુ, યહોવાહ પોતે આપણને પ્રચાર કરવા લાયક ઠરાવે છે. વળી આપણામાંના અમુક ભાઈઓ, યહોવાહે બાઇબલમાં બેસાડેલાં ધોરણો પ્રમાણે જીવીને, વડીલો તરીકે સેવા આપવા માટે લાયક ઠરે છે.—૨ કોરીંથી ૩:૫, ૬; ૧ તીમોથી ૩:૧-૭.

૨ યહોવાહના સર્વ ભક્તો શુભસંદેશો ફેલાવે છે. પરંતુ, ખાસ કરીને વડીલો આપણા માટે પ્રચાર કાર્યમાં સુંદર દાખલો બેસાડે છે. જે વડીલો “ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ લે છે,” તેઓને યહોવાહ અને ખ્રિસ્ત ધ્યાનમાં લે છે. તેમ જ, મંડળમાં ભાઈ-બહેનો પણ ઉત્તેજન પામે છે. (૧ તીમોથી ૫:૧૭; એફેસી ૫:૨૩; હેબ્રી ૬:૧૦-૧૨) તેથી, કોઈ પણ સંજોગો હોય, વડીલનું શિક્ષણ ભાઈ-બહેનોને તાજગી આપતું હોવું જોઈએ. પ્રેષિત પાઊલે તીમોથી, જે વડીલ હતા તેમને જણાવ્યું: “એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહિ; પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને સારૂ ભેગા કરશે; તેઓ સત્ય તરફ આડા કાન કરશે, અને કલ્પિત વાતો તરફ ફરશે. પરંતુ તું સર્વ બાબતોમાં સાવધ રહે, દુઃખ સહન કર, સુવાર્તિકનું કામ કર, તારૂં સેવાકાર્ય પૂર્ણ કર.”—૨ તીમોથી ૪:૩-૫.

૩ મંડળ પર કોઈ પણ જાતનાં જૂઠાં શિક્ષણનું જોખમ આવી ન પડે, એ માટે વડીલો પાઊલની સલાહ માને છે: “તું સર્વ બાબતોમાં સાવધ રહે, . . . તારૂં સેવાકાર્ય પૂર્ણ કર.” (૨ તીમોથી ૪:૫) ખરેખર, વડીલોએ પોતાનું સેવાકાર્ય પૂરેપૂરી રીતે કરવાનું છે. આ બાબતમાં તેઓએ જરાય કચાશ રાખવાની નથી. એટલે જ તેઓ પોતાનું કામ એકદમ સારી રીતે કરે છે. આ રીતે વડીલ પોતાની જવાબદારી સારી રીતે ઉપાડીને, કોઈ પણ બાબત તરફ આંખ આડા કાન કરતા નથી. આવા ભાઈઓ ખરેખર નાની વાતમાં પણ વિશ્વાસુ છે.—લુક ૧૨:૪૮; ૧૬:૧૦.

૪ આપણી સેવા સારી રીતે કરવા હંમેશાં વધારે સમય જોઈએ એવું જ નથી. પરંતુ, મોટે ભાગે આપણે જે સમય કાઢીએ એને સારી રીતે વાપરવાની જરૂર પડે છે. સારી રીતે ગોઠવણ કરીએ તો, આપણને બધાને આપણી સેવા સારી રીતે કરવામાં ઘણી મદદ મળશે. વડીલ પોતે વધારે સમય પ્રચાર કરવા શું કરી શકે? તે પોતાની જવાબદારી સંભાળવા સારી રીતે ગોઠવણો કરે. તેમ જ, બધી જવાબદારીઓ પોતે જ લઈને ફરવાને બદલે, અમુક જવાબદારી બીજા ભાઈઓને સોંપી દઈ શકે. (હેબ્રી ૧૩:૧૭) પરંતુ, જેમ નહેમ્યાહે યરૂશાલેમની દીવાલ બાંધવા પોતે પણ કામ કર્યું, એમ વડીલ પોતાની જવાબદારી પણ ચોક્કસ ઉપાડશે. (નહેમ્યાહ ૫:૧૬) આમ, યહોવાહના દરેક ભક્તો તેમના રાજ્યનો પ્રચાર કરવા વારંવાર જશે.—૧ કોરીંથી ૯:૧૬-૧૮.

૫ યહોવાહના રાજ્યનો પ્રચાર કરવાનો આપણને ખરેખર એક મોટો આશીર્વાદ મળ્યો છે. તેથી, આ દુનિયા પરથી દુષ્ટ લોકોનો અંત આવે એ પહેલાં, ચાલો આપણે પૂરા જોશથી લોકોને શુભસંદેશ જણાવીએ! (માત્થી ૨૪:૧૪) એ માટે આપણે પાઊલની આ સલાહ દિલમાં ઉતારીએ: “અમારી પાસે આ ખજાનો માટીનાં પાત્રોમાં રહેલો છે, કે જેથી પરાક્રમની અધિકતા દેવથી છે અને અમારામાંથી નથી એ જાણવામાં આવે.” (૨ કોરીંથી ૪:૭) આ રીતે આપણે યહોવાહની શક્તિથી ભરપૂર થઈને, પૂરા દિલથી આપણી સેવા આપીએ.—૧ કોરીંથી ૧:૨૬-૩૧.

યહોવાહનું ગૌરવ પ્રકાશવા દો

૬ યહોવાહે મુસાને દસ આજ્ઞાઓ લખેલી બે શિલાપાટીઓ આપી. એ લઈને મુસા સિનાય પર્વત પરથી ઊતર્યા ત્યારે, તેમના ચહેરા પર એટલું તેજ હતું કે ઈસ્રાએલીઓ એ તરફ જોઈ પણ શકતા ન હતા. એટલે મુસાએ ચહેરા પર પડદો રાખવો પડ્યો. પરંતુ, સમય જતાં મોટી મુશ્કેલી આવી, કેમ કે ઈસ્રાએલીઓનાં “મન કઠણ થયાં” અને જાણે કે તેઓનાં હૃદય પર પડદો પડી ગયો. મુસા દ્વારા ઈસ્રાએલીઓ સાથે થયેલો કરાર અને ઈસુ ખ્રિસ્ત દ્વારા નવા ઈસ્રાએલ સાથે થયેલા નવા કરાર વચ્ચે પાઊલ તફાવત બતાવે છે. નવા ઈસ્રાએલીઓ, એટલે કે યહોવાહના પવિત્ર આત્માથી પસંદ થયેલા ભાઈ-બહેનો વિષે પાઊલ કહે છે કે પરમેશ્વરે “અમને નવા કરારના સેવકો થવા યોગ્ય કર્યા છે.” એટલે તે કહે છે: ‘આપણે સર્વે ઉઘાડે મુખે આરસીની જેમ પ્રભુનો મહિમા’ પ્રકાશવા દઈએ છીએ. (૨ કોરીંથી ૩:૬-૮, ૧૪-૧૮; નિર્ગમન ૩૪:૨૯-૩૫) ખરેખર, આજે ઈસુનાં “બીજાં ઘેટાં” પણ યહોવાહના ગૌરવનો પ્રકાશ આપે છે.—યોહાન ૧૦:૧૬.

૭ જોકે, યહોવાહને જોઈને કોઈ પણ માનવી જીવતો ન રહી શકે તો, કઈ રીતે પાપી માનવ યહોવાહનું ગૌરવ પ્રકાશવા દઈ શકે? (નિર્ગમન ૩૩:૨૦) આપણે જાણીએ છીએ કે યહોવાહનું પોતાનું અજોડ ગૌરવ છે. પણ એની સાથે યહોવાહ જ વિશ્વના રાજા છે, એવું તેમના રાજ્ય દ્વારા સાબિત કરવાનો મહાન હેતુ પણ બંધાયેલો છે. એ રાજ્ય વિષેની સત્ય હકીકતો “દેવનાં મોટાં કામો” છે. એ જાહેર કરવાનું પેન્તેકોસ્ત ૩૩ની સાલથી શરૂ થયું, જ્યારે યહોવાહનો પવિત્ર આત્મા ભાઈ-બહેનો પર રેડાયો. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧૧) આમ, યહોવાહની શક્તિથી તેઓ પ્રચાર કરવાની પોતાની જવાબદારી પૂરેપૂરી રીતે ઉપાડી શક્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૧:૮.

૮ પાઊલે મનમાં નક્કી કર્યું હતું કે ભલે ગમે એ થાય, પણ પોતે પૂરેપૂરી રીતે પ્રચાર કરતા જ રહેશે. તેમણે લખ્યું: “તેથી અમારા પર દયા થઈ તે પ્રમાણે, અમને આ ધર્મસેવા સોંપેલી હોવાથી, અમે નાહિંમત થતા નથી; પણ શરમભરેલી ગુપ્ત વાતોનો ઇનકાર કરીને અમે કાવતરાં કરતા નથી, અને દેવની વાત પ્રગટ કરવામાં ઠગાઈ કરતા નથી; પણ સત્ય પ્રગટ કર્યાથી દેવની આગળ અમે પોતાના વિષે સર્વ માણસોનાં અંતઃકરણમાં ખાતરી કરી આપીએ છીએ.” (૨ કોરીંથી ૪:૧, ૨) પાઊલ જેને “આ ધર્મસેવા” કહે છે, એના દ્વારા સત્ય પ્રગટ થયું અને પરમેશ્વરના જ્ઞાનનો પ્રકાશ ફેલાયો.

૯ એ પ્રકાશ કોની પાસેથી આવે છે? પાઊલ લખે છે: “જે દેવે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું, તેણે આપણાં હૃદયમાં પ્રકાશ પાડ્યો છે, કે જેથી તે ઈસુ ખ્રિસ્તના મોં પર દેવનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે.” (૨ કોરીંથી ૪:૬; ઉત્પત્તિ ૧:૨-૫) આમ, યહોવાહના ભક્તો થવાનો આ મહાન આશીર્વાદ આપણને મળ્યો છે. તેથી, ચાલો આપણે બધી રીતે એવા ચોખ્ખા રહીએ, જેથી યહોવાહના ગૌરવનો પ્રકાશ આપણે સારી રીતે ફેલાવી શકીએ.

૧૦ જે કોઈ યહોવાહની નજરે અંધારામાં હોય, એ તેમનું ગૌરવ જોઈ શકતા નથી. અરે મહાન મુસા, ઈસુ ખ્રિસ્ત પાસેથી પણ એ પ્રકાશ મેળવી શકતા નથી. પરંતુ, યહોવાહના ભક્તો તરીકે આપણે શાસ્ત્રમાંથી એ પ્રકાશ પામીએ છીએ અને એ બીજાઓને પણ આપીએ છીએ. જેઓ અંધારામાં છે, તેઓએ આવનાર વિનાશમાંથી બચી જવું હોય તો, જલદી જ યહોવાહના પ્રકાશમાં આવવાની જરૂર છે. તેથી, પૂરા ઉમંગ અને ઉત્સાહથી આપણે યહોવાહના ગૌરવનો પ્રકાશ આ જગતમાં ફેલાવીને, તેમની આજ્ઞા પાળીએ.

લોકોને બાઇબલનું શિક્ષણ આપીને પ્રકાશ ફેલાવો

૧૧ ઈસુએ પોતાના શિષ્યોને જણાવ્યું: “તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી. અને દીવો કરીને તેને માપ તળે નહિ, પણ દીવી પર મૂકવામાં આવે છે, ત્યારે ઘરમાંનાં બધાંને તે અજવાળું આપે છે. તેમજ તમે તમારૂં અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂડી કરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે.” (માત્થી ૫:૧૪-૧૬) આપણા વાણી ને વર્તન સારા હશે તો, લોકો યહોવાહનો જયજયકાર કરશે. (૧ પીતર ૨:૧૨) આપણે જુદી જુદી રીતે પ્રચાર કરીએ તેમ, એવા ઘણા સંજોગો ઊભા થાય છે. આપણો એક ધ્યેય એ છે, કે આપણે લોકોને બાઇબલ શીખવતી વખતે બને એમ બાઇબલમાંથી પ્રકાશ ફેલાવા દઈએ. આમ આપણે આપણું પ્રચાર કાર્ય પૂરેપૂરી રીતે કરી શકીએ છીએ. સત્ય શોધનારાના દિલમાં ઊતરી જાય, એવી રીતે બાઇબલ શીખવવા આપણને શું મદદ કરી શકે?

૧૨ આપણે યહોવાહને એ વિષે દિલથી પ્રાર્થના કરી શકીએ. એનાથી દેખાઈ આવશે કે આપણે ઈશ્વરનું જ્ઞાન લોકોના દિલ સુધી પહોંચાડવા માંગીએ છીએ. (હઝકીએલ ૩૩:૭-૯) યહોવાહ ચોક્કસ એવી પ્રાર્થના સાંભળશે અને પ્રચાર કાર્યની આપણી મહેનત પર આશીર્વાદ આપશે. (૧ યોહાન ૫:૧૪, ૧૫) પરંતુ, ફક્ત એ જ પ્રાર્થના કરીએ નહિ કે બાઇબલ વિષે જાણવા માંગતી કોઈ વ્યક્તિ આપણને મળે. ના, પણ એ વ્યક્તિને કેવી મદદની જરૂર છે એ વિષે પ્રાર્થના કરતા રહીએ. એનાથી, દર વખતે વ્યક્તિ પર બાઇબલની બહુ જ અસર થશે.—રૂમીઓને પત્ર ૧૨:૧૨.

૧૩ તેમ જ, કોઈને સારી રીતે બાઇબલ શીખવવા આપણે પોતે બરાબર તૈયારી કરવી પડે છે. મંડળમાં પુસ્તક અભ્યાસ લેનાર ભાઈ જે રીતે અભ્યાસ ચલાવે છે, એમાંથી પણ આપણને ઘણી મદદ મળી શકે. વળી, કોઈને બાઇબલ શીખવવામાં અનુભવી હોય, એવા ભાઈ કે બહેન સાથે કોઈ વાર જઈને પણ આપણે શીખી શકીએ. ખાસ તો ઈસુ ખ્રિસ્તના સ્વભાવ અને શિક્ષણ આપવાની રીતમાંથી આપણે બધા ઘણું શીખી શકીએ છીએ.

૧૪ ઈસુને યહોવાહની ઇચ્છા પૂરી કરતા અને તેમના વિષે લોકોને જણાવતા બહુ જ આનંદ થતો. (ગીતશાસ્ત્ર ૪૦:૮) ઈસુ બહુ જ સારા સ્વભાવના હતા અને તે લોકોના દિલ સુધી પહોંચી શકતા હતા. (માત્થી ૧૧:૨૮-૩૦) ચાલો આપણે પણ લોકોને એવી રીતે બાઇબલ શીખવીએ, કે તેઓના દિલ પર એની કાયમી અસર થાય. એમ માટે આપણે વ્યક્તિને બાઇબલ શીખવવા જઈએ ત્યારે, એના સંજોગો ધ્યાનમાં રાખીએ. દાખલા તરીકે, કોઈ વ્યક્તિ પહેલેથી જ બાઇબલમાં માનતી ન હોય. તો આપણે તેમને ખાતરી કરાવવી પડશે કે બાઇબલ સત્ય છે. એ માટે આપણે ઘણાં શાસ્ત્રવચનો વાંચીને એની સમજણ આપવી પડશે.

વ્યક્તિને ઉદાહરણો સમજવા મદદ કરો

૧૫ એમ બની શકે કે શાસ્ત્રવચન જણાવતું હોય, એ ઉદાહરણ વ્યક્તિ સારી રીતે સમજી ન શકે. દાખલા તરીકે, દીવો અને દીવો મૂકવાની દીવીના ઉદાહરણ દ્વારા ઈસુ શું કહેવા માગતા હતા, એ વ્યક્તિ સમજી ન હોય. (માર્ક ૪:૨૧, ૨૨) ઈસુએ કહ્યું કે દીવાને એવી ઊંચી જગ્યાએ મૂકવામાં આવતો, જેથી બધી બાજુ પ્રકાશ ફેલાઈ શકે. પછી ઈસુએ એની સમજણ આપી. વ્યક્તિને મદદ કરવા, તમે એ વિષે કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસ પુસ્તકમાં પ્રકરણ ૩૫ની સમજણ અને ચિત્ર પણ જોઈ શકો.a આવી રીતે શોધ કરીને વ્યક્તિને સમજણ આપીએ તો, એ વ્યક્તિ બાઇબલ સારી રીતે સમજી શકશે. એનાથી તેમને કેટલો આનંદ થશે અને એ જોઈને આપણે પણ રાજી રાજી થઈશું!

૧૬ તેમ જ, આપણાં પુસ્તકોમાં પણ એવું કોઈ ઉદાહરણ આવે, જેનાથી વ્યક્તિ અજાણ હોય. એમ હોય તો આપણે તેમને સમજાવવા સમય આપીએ. એ જ મુદ્દો સાબિત કરતું બીજું કોઈ ઉદાહરણ આપીએ. દાખલા તરીકે, આપણું પુસ્તક કહેતું હોય કે લગ્‍ન માટે એવા બે કુશળ, સંપીલા સાથી જોઈએ, જેઓ સુખ-દુઃખમાં એકબીજાનો સાથ ન છોડે. એ માટે ઉદાહરણ હોય કે સરકસમાં કઈ રીતે એક ખેલાડી ઝૂલતા દોરડાં પરથી પડતું મૂકે. જ્યારે સામેથી બીજા ઝૂલતા દોરડાં પરથી આવીને તેનો સાથી એને પકડી લે. જો આ ઉદાહરણ વ્યક્તિ ન સમજી હોય, તો તમારે કદાચ બીજું વાપરવું પડે, જે સંપ બતાવતું હોય. જેમ કે, વહાણ કે બોટમાંથી સામાન ઉતારતી વખતે કઈ રીતે કામદારો એકથી બીજાને બૉક્સ પસાર કરે છે.

૧૭ એકને બદલે બીજું યોગ્ય ઉદાહરણ જણાવવા પહેલેથી તૈયારી કરવાની જરૂર પડશે. પણ એ રીતે આપણે બાઇબલ શીખતી વ્યક્તિ પર પ્રેમ બતાવી શકીએ. ઈસુએ મુશ્કેલ વિષયો પર સહેલાં ઉદાહરણો આપીને સમજણ આપી હતી. ઈસુએ પહાડ પર આપેલા ઉપદેશમાં એવા ઘણાં જ ઉદાહરણો છે. બાઇબલ બતાવે છે કે તેમણે જે રીતે શિક્ષણ આપ્યું એ લોકોના દિલમાં સહેલાઈથી ઊતરી ગયું. (માત્થી ૫:૧-૭:૨૯) ઈસુએ ધીરજથી સમજણ આપી, જેમાં લોકો માટેનો તેમનો પ્રેમ નીતરતો હતો.—માત્થી ૧૬:૫-૧૨.

૧૮ આપણને લોકો પર પ્રેમ છે, એટલે જ આપણે તેઓને શાસ્ત્રમાંથી ખાતરી કરાવવા માંગીએ છીએ. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨, ૩) એ માટે પ્રાર્થનામાં યહોવાહની મદદ માંગીએ. વળી, ‘વિશ્વાસુ તથા શાણા કારભારી’ પાસેથી આવતા પુસ્તક-પુસ્તિકાઓનો ભરપૂર ઉપયોગ કરીએ. (લુક ૧૨:૪૨-૪૪) જેમ કે, જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકમાં ઘણાં જ શાસ્ત્રવચનો છે.b પરંતુ, પુસ્તકમાં પૂરતી જગ્યા ન હોવાને લીધે, અમુક કલમો આખી આપવામાં આવતી નથી. તેથી, એ જરૂરી છે કે બાઇબલ શીખવતી વખતે એવી અમુક કલમો આપણે વાંચીને સમજાવીએ. છેવટે તો આપણે લોકોને બાઇબલ શીખવવા જ માંગીએ છીએ, જેમાં યહોવાહની શક્તિ છે. (હેબ્રી ૪:૧૨) ચાલો આપણે ફકરામાંનાં વચનો વાંચીને બાઇબલનો છૂટથી ઉપયોગ કરીએ. બાઇબલ શીખનારને એ જોવા મદદ કરીએ કે અમુક વિષય પર બાઇબલ શું કહે છે. તેમ જ, બાઇબલ પ્રમાણે જીવીને પરમેશ્વરનું કહેવું માનવાથી કઈ રીતે તેમને જ લાભ થશે.—યશાયાહ ૪૮:૧૭, ૧૮.

વિચારતા કરે એવા પ્રશ્નો પૂછો

૧૯ ઈસુએ લોકોના દિલમાં શું છે એ જાણવા સરસ પ્રશ્નો પૂછ્યા. (માત્થી ૧૭:૨૪-૨૭) આપણે પણ એવા પ્રશ્નો પૂછીએ, કે બાઇબલ શીખનાર વિચારવા લાગે અને દિલ ખોલીને વાત કરે. તેઓને શરમાવે એવા પ્રશ્નો ન પૂછીએ. જો આપણને એવું લાગે કે તે હજુ પણ ખોટી માન્યતામાં માને છે તો શું? જેમ કે, તે હજુ ત્રૈક્યમાં માનતા હોય. એમ હોય તો, જ્ઞાન પુસ્તકનું ત્રીજું પ્રકરણ જણાવે છે કે “ત્રૈક્ય” શબ્દ બાઇબલમાં ક્યાંય જોવા મળતો નથી. તેમ જ, એ પુસ્તકમાં જુદાં જુદાં શાસ્ત્રવચનો પણ જણાવે છે કે યહોવાહ અને ઈસુ અલગ વ્યક્તિઓ છે. વળી, પવિત્ર આત્મા યહોવાહની શક્તિ છે, કોઈ વ્યક્તિ નહિ. બાઇબલમાંથી આવા શાસ્ત્રવચનો વાંચીને ચર્ચા કરવાથી તેમને મદદ મળશે. પરંતુ, તેમને હજુ ખાતરી ન થઈ હોય તો શું? એમ હોય તો, નિયમિત ચર્ચા પછી થોડો સમય શું તમારે ત્રૈક્યમાં માનવું જોઈએ? એના જેવી યહોવાહના સાક્ષીઓની કોઈ પુસ્તિકા કે પુસ્તકની મદદથી તમે ચર્ચા કરી શકો. પછીનાં સપ્તાહોમાં જ્ઞાન પુસ્તકમાંથી તમારી વાતચીત ચાલુ રાખી શકો.

૨૦ માનો કે તમે પૂછેલા પ્રશ્નનો ચોંકાવી નાખે એવો કે તમને નિરાશ કરતો જવાબ મળે. જો ધૂમ્રપાન કે સ્મોકિંગ અથવા એના જેવા કોઈ વિષય પર વાત કરતા હોય, તો કદાચ તમે કોઈ બીજી વાર એની ચર્ચા કરવાનું સૂચન કરી શકો. પરંતુ, તમને ખબર તો પડી કે તે હજુ સિગારેટ પીએ છે. એટલે તમે એવી માહિતી શોધીને ચર્ચા કરી શકો જેનાથી તેને પ્રગતિ કરવા મદદ મળે. તેમના દિલ પર બાઇબલની અસર થાય, એ માટે આપણે મહેનત કરીએ તેમ યહોવાહને પ્રાર્થના પણ કરીએ.

૨૧ આપણે યહોવાહની મદદથી અને સારી તૈયારી કરીને, બાઇબલ શીખનારને સારી રીતે શીખવી શકીશું. સમય જતાં, આપણે તેમને યહોવાહની દિલથી ભક્તિ કરવા મદદ કરી શકીશું. તેમ જ, યહોવાહના સંગઠન માટે આદર અને કદર વધારવા પણ તેમને મદદ કરી શકીશું. જરા વિચાર કરો, કે ‘ખરેખર તમારામાં દેવ છે એવું તે કબૂલ કરશે’ ત્યારે, આપણો આનંદ નહિ સમાય! (૧ કોરીંથી ૧૪:૨૪, ૨૫) તેથી, આપણે લોકોને એવી રીતે બાઇબલ શીખવીએ, કે તેઓ પોતે ઈસુના શિષ્યો બને.

આપણો અમૂલ્ય ખજાનો

૨૨ આપણું પ્રચાર કાર્ય સારી રીતે કરવા આપણે યહોવાહની શક્તિ પર પૂરો આધાર રાખવો જોઈએ. પાઊલે પ્રચાર કાર્ય વિષે લખ્યું: “અમારી પાસે આ ખજાનો માટીનાં પાત્રોમાં રહેલો છે, કે જેથી પરાક્રમની અધિકતા દેવથી છે અને અમારામાંથી નથી એ જાણવામાં આવે.”—૨ કોરીંથી ૪:૭.

૨૩ આપણી આશા સ્વર્ગમાં જવાની હોય કે પૃથ્વી પર હંમેશ માટેના જીવનની હોય, આપણે બધા માટીનાં નાજુક વાસણ છીએ. (યોહાન ૧૦:૧૬) તોપણ, યહોવાહ આપણને એવી શક્તિ આપી શકે છે, જેથી આપણે ખુશીથી તેમની સેવા કરી શકીએ. પછી ભલેને આપણા પર ગમે એવા દબાણો આવે. (યોહાન ૧૬:૧૩; ફિલિપી ૪:૧૩) તેથી, ચાલો આપણે યહોવાહમાં, હા ફક્ત યહોવાહમાં પૂરો ભરોસો રાખીએ. આપણા પ્રચાર કાર્યનો અમૂલ્ય ખજાનો સાચવીએ. તેમ જ, આપણું સેવાકાર્ય સંપૂર્ણ રીતે અદા કરીએ!

[ફુટનોટ્‌સ]

a યહોવાહના સાક્ષીઓનું પુસ્તક.

b યહોવાહના સાક્ષીઓનું પુસ્તક.

આપણે શું શીખ્યા?

• વડીલો પોતાનું સેવાકાર્ય પૂરેપૂરી રીતે કરવા શું કરી શકે?

• લોકોને સારી રીતે બાઇબલ શીખવવા આપણે શું કરવું જોઈએ?

• જો બાઇબલ શીખનાર ઉદાહરણ ન સમજે અથવા તેને કોઈ વિષય પર વધારે મદદની જરૂર હોય તો તમે શું કરશો?

[અભ્યાસ પ્રશ્નો]

૧, ૨. યહોવાહના બધા જ ભક્તો પ્રચાર કરે છે, પણ ખાસ વડીલોને શાસ્ત્ર શું જણાવે છે?

૩. મંડળ પર જૂઠાં શિક્ષણનું જોખમ ન આવે એ માટે શું કરવાની જરૂર છે?

૪. આપણે કઈ રીતે વધારે પ્રચાર કરી શકીએ?

૫. પ્રચાર વિષે આપણું વલણ કેવું હોવું જોઈએ?

૬. જન્મથી ઈસ્રાએલીઓ અને નવા ઈસ્રાએલના લોકો વચ્ચે કયો તફાવત જોવા મળે છે?

૭. કઈ રીતે પાપી માનવ યહોવાહનું ગૌરવ પ્રકાશવા દઈ શકે?

૮. પોતાના પ્રચાર કાર્ય વિષે પાઊલે શું કરવાનું નક્કી કરી લીધું હતું?

૯, ૧૦. આપણે કઈ રીતે યહોવાહના ગૌરવનો પ્રકાશ ફેલાવી શકીએ?

૧૧. આપણો પ્રકાશ ફેલાવવા વિષે ઈસુએ શું કહ્યું? આપણા પ્રચાર કાર્યમાં કઈ એક રીતે એમ કરી શકાય?

૧૨. બીજાને બાઇબલ વિષે શીખવવા પ્રાર્થના કેટલી જરૂરી છે?

૧૩. કોઈને બાઇબલ સારી રીતે શીખવવા શું મદદ કરી શકે?

૧૪. આપણે કઈ રીતે વ્યક્તિના દિલ પર કાયમી અસર પાડી શકીએ?

૧૫, ૧૬. (ક) બાઇબલમાં આપેલા ઉદાહરણની વ્યક્તિને સમજણ ન પડે તો શું કરવું જોઈએ? (ખ) આપણા પુસ્તકમાં આપેલું ઉદાહરણ વ્યક્તિ જાણતી ન હોય તો આપણે શું કરી શકીએ?

૧૭. ઈસુએ આપેલાં ઉદાહરણો પરથી આપણે શું શીખી શકીએ?

૧૮. આપણાં પુસ્તકોમાં અમુક કલમો આખી લખેલી નથી હોતી, એ વિષે શું કરવું જોઈએ?

૧૯, ૨૦. (ક) બાઇબલ શીખનારને વિચારતા કરે એવા પ્રશ્નો પૂછવા કેમ જરૂરી છે? (ખ) જો કોઈ વિષય પર વધારે ચર્ચા કરવાની જરૂર પડે તો શું કરી શકાય?

૨૧. બાઇબલ શીખનારને આપણે સારી રીતે શીખવીએ તો શું બની શકે?

૨૨, ૨૩. આપણું સેવાકાર્ય સંપૂર્ણ રીતે અદા કરવા આપણને શાની જરૂર છે?

[પાન ૧૬ પર ચિત્ર]

વડીલો મંડળમાં શીખવે છે અને ભાઈ-બહેનોને પ્રચાર કાર્ય માટે તૈયાર કરે છે

[પાન ૧૮ પર ચિત્ર]

લોકોના દિલને અસર કરે એ રીતે બાઇબલ શીખવીને, આપણો પ્રકાશ ફેલાવીએ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો