વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w05 ૧/૧ પાન ૨૭-૩૦
  • જન્મ અને મરણની ખોટી વિધિઓથી દૂર રહો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જન્મ અને મરણની ખોટી વિધિઓથી દૂર રહો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • શું આપણામાં આત્મા જેવું કંઈ છે?
  • બાળકનો જન્મ અને નામ પાડવાની વિધિઓ
  • શું આત્માઓ નવો આવતર લઈ શકે છે?
  • દબાણ હેઠળ હિંમતવાન બનો
  • માણસોના બદલે યહોવાહને ખુશ રાખો
  • સાદી, સરળ અને યહોવાહને પસંદ હોય એવી દફનવિધિ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • શું મરણ પામેલાઓને માન આપવું જોઈએ?
    સજાગ બનો!—૧૯૯૯
  • લોકપ્રિય રિવાજો વિષે યોગ્ય વલણ
    સજાગ બનો!—૨૦૦૦
  • મરણ વિશેનાં જૂઠાણાંથી છેતરાશો નહિ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
w05 ૧/૧ પાન ૨૭-૩૦

જન્મ અને મરણની ખોટી વિધિઓથી દૂર રહો

આફ્રિકાના એક નાના ચોકમાં એક શબપેટી ખુલ્લી રાખી છે. શોક કરનારાઓ એક પછી એક શબને જોઈને ચાલતા જાય છે. પણ એક ઘરડો માણસ પેટી પાસે ઊભો. રડતા રડતા મૂએલાં માણસને કહે છે: ‘અરે તમે ચાલ્યા ગયા ને મને કહ્યું પણ નહિ! તમે શા માટે મને એકલા મૂકીને ચાલ્યા ગયા? કંઈ વાંધો નહિ, સારું કે તમે પાછો જનમ લીધો છે. મને મદદ કરતા રહેશો ને?’

આફ્રિકાના બીજા એક ખૂણામાં એક બાળક જન્મે છે. પણ કોઈ સગા કે કોઈ મિત્રો બાળકને જોવા આવી શકતા નથી. અમુક દિવસો પછી જ જ્યારે બાળકને નામ આપવાની વિધિ થાય ત્યારે જ સગા-વહાલાંઓને બાળક જોવા મળે છે.

જો કોઈ મૂએલાં સાથે વાત કરે, તો આપણને લાગી શકે કે તેઓનું મગજ ખસી ગયું છે. તેમ જ, જો કુટુંબીજનો અમુક દિવસો સુધી તેઓના નવા જન્મેલા બાળકને સગા-વહાલાંઓને જોવા ન દે તો આપણને વિચિત્ર લાગે. પણ અમુક સમાજો માને છે કે મૂએલાંઓ ખરેખર મરી ગયા નથી. તેઓનો આત્મા હજી જીવતો-જાગતો છે ને નવા જન્મેલા બાળકોનો અવતાર લે છે.

આ માન્યતા પેઢીઓથી ઉતરતી આવી છે. એ લોકોના આખા જીવનને અસર કરે છે. દાખલા તરીકે, કરોડો લોકો માને છે કે જીવન ફક્ત એક ચક્ર છે. બાળક જન્મે, મોટું થાય, લગ્‍ન કરે, એના પણ બાળકો થાય અને છેવટે મરણ પામે છે. મોતના સમયે આ વ્યક્તિનો આત્મા બીજા સગા-વહલાના આત્મા સાથે ભટકે છે. તેઓ માને છે કે આ આત્મા હજી કુટુંબીજનોને મદદ કરતો રહે છે. એટલું જ નહિ, આ આત્મા ફરી જન્મ લઈ શકે છે.

લોકો શા માટે જિંદગીભર અવી અનેક વિધિઓ પાળે છે? કેમ કે તેઓ માને છે કે આપણામાં આત્મા છે જે મરણ પછી જીવતો રહે છે. તેઓ જન્મથી મંડીને જીવનમાં અનેક વિધિઓ પાળે છે, જેથી આત્મા જીવન ચક્રમાં સારી સફર કરી શકે. પણ યહોવાહના સાક્ષીઓ આવી વિધિઓ અને માન્યતાઓથી દૂર રહે છે. શા માટે? ચાલો આપણે જોઈએ.

શું આપણામાં આત્મા જેવું કંઈ છે?

શું મૂએલાંઓ ખરેખર જીવતા રહે છે? બાઇબલ કહે છે: ‘જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે; પણ મૂએલા કંઈ જાણતા નથી, તેમનો પ્રેમ તેમજ તેમનાં દ્વેષ તથા ઇર્ષા હવે નષ્ટ થયાં છે; શેઓલમાં [કબરમાં] કંઇ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.’ (સભાશિક્ષક ૯:૫, ૬, ૧૦) યહોવાહના ભક્તો આ જ માને છે. તેઓ જાણે છે કે શાસ્ત્ર પ્રમાણે આત્મા કે અમર આત્મા જેવું કંઈ નથી. તેથી, મરણ પછી કંઈ જીવતું રહેતું નથી. (હઝકીએલ ૧૮:૪) જૂના જમાનામાં, યહોવાહે તેમના ભક્તોને એવી માન્યતાથી અને મૂએલાંઓ માટેની વિધિઓથી દૂર રહેવાનું કહ્યું હતું.—પુનર્નિયમ ૧૪:૧; ૧૮:૯-૧૩; યશાયાહ ૮:૧૯, ૨૦.

પ્રથમ સદીમાં પણ યહોવાહના ભક્તો એવી ખોટી માન્યતા અને રિવાજોથી દૂર રહ્યા. (૨ કોરીંથી ૬:૧૫-૧૭) આજે પણ, યહોવાહના સાક્ષીઓ ભલે ગમે એ જાતિ કે સંસ્કૃતિના હોય, તેઓ સર્વ જુઠી રીત-રિવાજો, માન્યતા અને વિધિથી દૂર રહે છે.

પણ પ્રશ્ન ઊભો થાય છે કે આપણે કયાં રીત-રિવાજોને પાળી શકીએ? કયાં રીત-રિવાજાથી દૂર રહેવું જોઈએ? પહેલા, આપણે વિચારવું જોઈએ કે એ રિવાજનું મૂળ શું છે? શું એ વિધિ કોઈ આત્મા માટે છે? શું એ બાઇબલ શિક્ષણથી વિરુદ્ધ છે? જો આપણે એ વિધિમાં ભાગ લઈએ કે પછી એ રિવાજો પાળીએ, તો શું સાક્ષીઓ કે બીજા વ્યક્તિઓ ઠોકર ખાશે? ચાલો આપણે જન્મ અને મરણના રીત-રિવાજો વિષે થોડું-ઘણું જાણીએ.

બાળકનો જન્મ અને નામ પાડવાની વિધિઓ

નવા જન્મેલા બાળકો માટે અમુક રિવાજો પાળવામાં કંઈ ખોટું નથી. પણ આપણે ધ્યાન રાખવાની જરૂર છે કે બાળકનું જે કંઈ નામ પાડીએ એનો અર્થ એ ન થાય કે આપણે આત્મામાં માનીએ છીએ. આફ્રિકાના અમુક ભાગોમાં એક રિવાજ છે કે બાળક જન્મે ત્યારે તેને અમુક દિવસો સુધી ઘરની અંદર જ રાખવું પડે. કેટલા દિવસો તે ઘરમાં રહે, એ સમાજ નક્કી કરે છે. આ સમય પછી, માબાપ બાળકને બહાર લાવે છે જેથી સગા-વહાલાઓ તેને જોઈ શકે. એ વખતે બાળકનું નામ પાડવામાં આવે છે.

લોકો માટે આ વિધિ ખૂબ મહત્ત્વની છે. એના વિષે ઘાનાના લોકો અને સંસ્કૃતિ વિષેનું અંગ્રેજી પુસ્તક કહે છે: ‘લોકો માને છે કે બાળકના પહેલાં સાત દિવસ જાણે એક “સફર” જેવા છે. એ સમય દરમિયાન, આત્મા અવતાર લે છે. બાળકને ઘરની અંદર જ રાખવામાં આવે છે, અને નજીકના કુટુંબીજનો સિવાય કોઈને તેને જોવા આવતું નથી.’

લોકો શા માટે નામ આપતા પહેલાં, થોડા દિવસો સુધી રાહ જૂએ છે? ઘાનાનો ઇતિહાસ વિષેનું અંગ્રેજી પુસ્તક કહે છે: ‘બાળકનો જન્મ થાય ત્યારે પહેલાં આઠ દિવસ એ ખરેખર માનવ નથી. તે હજું એવી કોઈ દુનિયામાંથી આવેલું છે જ્યાં આત્માઓ ભટકતા હોય છે. જ્યારે બાળકને નામ આપવામાં આવે, ત્યારે એ સફર પૂરી થાય છે ને હવે તે પૂરી રીતે માનવ બને છે. પણ જો માબાપને એવી બીક હોય કે તેઓનું બાળક જીવશે નહિ, તો તેઓ બાળકને નામ આપશે નહિ. જો બાળક બચે, તો જ તેઓ તેને નામ આપે છે. આ વિધિ બાળક અને માબાપ માટે ખૂબ મહત્ત્વની છે. ફક્ત આ વિધિ પાળવાથી જ આત્મા સારો અવતાર લઈ શકે છે અને ખરેખર ફરી માણસ બની શકે છે.’

આ નામ પાડવાની વિધિ, કુટુંબના કોઈ વડિલ કરે છે. લોકો પોતપોતાની રીતે આ વિધિઓ કરે છે. પણ દરેક વિધિમાં લોકો ખાસ પીણાં રેડે છે. પૂર્વજોનો આભાર માનતા પ્રાર્થાના કરે છે કેમ કે આત્માએ સફળતાથી આવતાર લીધો છે. આ વિધિઓ સિવાય, લોકો બીજા અનેક રિવાજો પાળે છે.

આ વિધિમાં બાળકનું નામ જાહેર કરવાનો ભાગ ખૂબ જ મહત્ત્વનો છે. માબાપ બાળકનું નામ પસંદ કરી શકે છે. પણ ઘણી વાર સગા-વહાલાઓ કોઈ ખાસ નામ પાડવાનું ખૂબ દબાણ કરે છે. અમુક નામના અર્થ તેઓની માન્યાતાને સૂચવે છે, જેમ કે ‘ગયા અને ફરી પાછા આવ્યા,’ ‘મા ફરી વાર આવી,’ કે ‘પીતા પાછા આવ્યા છે.’ બીજા નામ પૂર્વજો માટે ચેતવણી હોય છે કે તેઓ બાળકનો આત્મા પાછો ન લઈ જાય.

બાળક જન્મે ત્યારે એ ખરેખર ખુશીનો પ્રસંગ હોય છે. અમુક રિવાજોમાં માબાપ પરથી, બીજા કોઈ આળખીતાના નામ પરથી બાળકનું નામ પાડે છે. અથવા જન્મ વખતે જે કોઈ સંજોગ ઊભો થયો હોય, એના પરથી નામ આપવામાં આવે છે. આ રિવાજો એમ તો ખોટા નથી. ભલે ગમે તેમ હોય, ફક્ત માબાપ જ બાળકને નામ આપવાનો નિર્ણય લઈ શકે છે. પણ માબાપએ ખૂબ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ એવા કોઈ રિવાજ કે વિધિ ન પાળે જેનાથી એમ લાગે કે તેઓ આત્મામાં અને પુર્નજનમમાં મને છે.

ઘણા સમાજો નામ પાડવાની વિધિઓ ખૂબ મહત્ત્વની ગણે છે. પણ માબાપ જે યહોવાહની ભક્તિ કરતા હોય, તેઓને ધ્યાન રાખવું જોઈએ કે તેઓ એવી વિધિઓ ન પાળે જેનાથી બીજા સાક્ષીઓ ઠોકર ખાય. જો તેઓ ધ્યાન નહિ રાખે, તો સમાજના લોકો પણ ખૂબ મૂંઝાઈ જશે. દાખલા તરીકે, જો માબાપ સાક્ષી હોય પણ નવા જન્મેલા બાળકને અમુક દિવસો સુધી ઘરની અંદર જ રાખે, તો લોકો શું વિચારશે? અથવા, તેઓ નામ પાડે ત્યારે જ બાળકને બહાર લાવે, તો શું લોકો એમ નહિ વિચારે કે ‘તેઓના ધર્મમાં અને આપણા ધર્મમાં કોઈ ફરક નથી.’ નામ પાડતી વખતે પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ. બાળકને એવું કોઈ નામ ન આપો જેનો અર્થ બાઇબલના શિક્ષણ વિરુદ્ધ હોય.

બાળકને નામ ક્યારે આપવું જોઈએ? કેવું નામ આપવું જોઈએ? આના જવાબો મેળવવા માટે આ સલાહ યાદ રાખો: “સર્વ દેવના મહિમાને અર્થે કરો.” (૧ કોરીંથી ૧૦:૩૧-૩૩) મૂએલાંઓને ખુશ કરવાની ‘રીતરિવાજોને વળગી રહેવા માટે તમે ઈશ્વરના નિયમોને કદીયે નકાર’ ન કરો. (માર્ક ૭:૯,૧૩, IBSI) ફક્ત જીવતા-જાગતા ઈશ્વર યહોવાહને જ ખુશ રાખો.

શું આત્માઓ નવો આવતર લઈ શકે છે?

ઘણા માને છે કે વ્યક્તિ મરણ પામે ત્યારે તે એક નવી સફર ચાલું કરે છે. તે આ દુનિયામાંથી બીજી દુનિયામાં જાય છે, જ્યાં બીજા આત્માઓ ભટકતા હોય છે. તેઓ માને છે કે આ આત્માઓ તેઓને આશીર્વાદો કે સજા આપી શકે છે. આત્માને ખુશ રાખવા માટે તેઓ અંતિમ સંસ્કાર કે દફન કરતી વખતે અનેક વિધિઓ પાળે છે.

આત્માને ખુશ રાખવા માટે ઘણા લોકો પોક મૂકીને ખૂબ રડે છે. બીજાઓ શબને દફનાવીને મોટી ખુશીની મહેફિલ ગોઠવે છે. ત્યાં તેઓ ખૂબ ખાય છે ને પીએ છે. તેઓ જોર જોરથી સંગીતો વગાડીને નાચતા જ રહે છે. લોકો આવી વિધિઓ પર ખૂબ ભાર મૂકે છે. ભલે પરિવાર ખૂબ ગરીબ હોય, તો પણ આવી મહેફિલ ગોઠવશે. તેઓ આખું જીવન પેટ પર પાટા બાંધીને જીવશે જેથી તેઓ મૂએલાં સગા માટે ‘સારું દફન કરી શકે.’

ઘણા વર્ષોથી હવે, યહોવાહના સાક્ષીઓ બાઇબલમાંથી બતાવી રહ્યા છે કે આવી વિધિઓ ખોટી છે. જેમ કે મૂએલાંના શબ આગળ દિન ને રાત જાગતા રહેવું, વિધિ પ્રમાણે કોઈ ખાસ પીણાં રેડવા, મૂએલાં સાથે વાત કરવી કે દર વર્ષે એનું મૃતદિન ઉજવવો. સાક્ષીઓ એ પણ બતાવે છે કે આત્મા જેવું કંઈ નથી. ખરેખર, આવી અનેક વિધિઓ ઈશ્વરના નજરે “અશુદ્ધ” છે. (યશાયાહ ૫૨:૧૧) એ માન્યતાઓ બાઇબલમાંથી નથી, પણ માણસોની ‘નકામી છેતરપિંડીમાંથી’ આવી છે.—કોલોસી ૨:૮,  પ્રેમસંદેશ.

દબાણ હેઠળ હિંમતવાન બનો

મૂએલાંઓના આત્માને ખુશ રાખવા એ અમુક દેશના લોકો બહુ જ મહત્ત્વનું ગણે છે. આવી ખોટી વિધિઓથી દૂર રહેવું સહેલું નથી. અમુક લોકો વિચારે છે કે, જો આપણે વિધિઓ ન પાળીએ તો લોકો વિચારશે કે આપણે પાપી છીએ, આપણે મૂએલાંને કંઈ માન આપતા નથી કે આપણી સંસ્કૃતિને સાવ છોડી દીધી છે. આવા દબાણ હેઠળ આવીને કે કચકચ સાંભળીને અમુક સાક્ષીઓએ ડરીને બાઇબલ વિરુદ્ધ વિધિઓમાં ભાગ લીધો છે. (૧ પીતર ૩:૧૪) બીજા સાક્ષીઓ એવું વિચારે છે કે ‘આપણે આવી વિધિઓથી દૂર રહી શકતા નથી કેમ કે એ તો આપણી સંસ્કૃતિ છે.’ અમુક સાક્ષીઓએ એમ પણ વિચાર્યું છે કે, ‘જો આપણે એ વિધિઓ ન પાળીએ, તો સમાજના લોકો સર્વ સાક્ષીઓની નફરત કરશે.’

આપણે જાણીજોઈને કોઈને ગુસ્સે કરવા નથી. પણ આપણને ખબર છે કે બાઇબલને વળગી રહેવાથી, દુનિયા આપણી નફરત કરશે. (યોહાન ૧૫:૧૮, ૧૯; ૨ તીમોથી ૩:૧૨; ૧ યોહાન ૫:૧૯) આપણે હિંમતવાન બનવાની જરૂર છે. આપણે દુનિયાના લોકોની જેમ અંધાકારમાં રહેવું જોઈએ નહિ. (માલાખી ૩:૧૮; ગલાતી ૬:૧૨) શેતાન ઈસુ પર ખૂબ દબાણ લાવ્યો કે તે યહોવાહને છોડી દે. પણ દર વખતે ઈસુએ હિંમતથી શેતાન અને તેની લાલચોનો ઇનકાર કર્યો. (માત્થી ૪:૩-૭) જ્યારે લોકો આપણને કોઈ વિધિમાં ભાગ લેવાનું દબાણ કરે, ત્યારે ચાલો આપણે ઈસુની જેમ એનો ઇનકાર કરીએ. આપણે માણસોથી ડરવું ન જોઈએ. તેઓને ખુશ રાખવાને બદલે, ચાલો આપણે ફક્ત યહોવાહને જ તે ખુશ રાખીએ. એ કઈ રીતે કરી શકાય? બાઇબલ સત્ય સ્વીકારો અને કદીયે દબાણ હેઠળ ખોટી વિધિમાં ભાગ ન લો.—નીતિવચનો ૨૯:૨૫; પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯.

માણસોના બદલે યહોવાહને ખુશ રાખો

જ્યારે કોઈ પ્યારા સગા-વહાલા ગુજરી જાય છે, ત્યારે દુઃખનો પાર રહેતો નથી. (યોહાન ૧૧:૩૩, ૩૫) આપણે તેઓ માટે સારી દફન વિધિ કરીએ છીએ અને આપણે હંમેશાં તેઓને યાદ કરતા રહીએ છીએ. પણ આ દુઃખી હાલતમાં આપણે એવી કોઈ વિધિ ન પાળવી જોઈએ જે યહોવાહને ન ગમતી હોય. પણ આ કરવું સહેલું નથી. કદાચ આપણે એવી સંસ્કૃતિમાં મોટા થયા હોય જ્યાં મોટા ભાગના લોકો આત્માથી ખૂબ ડરતા હોય છે ને એવી બધી વિધિ પાળતા હોય છે. શોક પાળતી વખતે સાચા નિર્ણયો લેવા સહેલા નથી. પણ ચાલો આપણને એવી કોઈ વિધિથી દૂર રહીએ જે બાઇબલ શિક્ષણ વિરુદ્ધ છે. જો એમ કરીશું તો, “કરુણાનો પિતા તથા સર્વ દિલાસાનો દેવ” આપણને સાથ દેશે. (૨ કોરીંથી ૧:૩, ૪) તેમ જ, બીજા પ્યારા ભાઈ-બહેનો પણ આપણને સાથ દેશે. આપણને પૂરી ખાતરી છે કે યહોવાહ નજીકમાં સર્વ મૂએલાંને સજીવન કરશે. આ જાણીને આપણને કેટલો દિલાસો મળે છે.

યહોવાહ આપણને ‘અંધકારમાંથી પોતાના પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે.’ (૧ પીતર ૨:૯) તેમના સંગમાં આવવાથી આપણે કેટલા ખુશ થઈએ છીએ. જીવનમાં ઘણા સુખ-દુઃખ આવે છે. એક પળ આપણે નવા જન્મેલા બાળકનો આનંદ માણતા હોઈ શકીએ ને બીજી પળમાં પ્યારા દોસ્તનો શોક પાળતા હોઈ શકીએ. જીવનમાં ભલે ગમે તે થાય, ચાલો આપણે યહોવાહને ચાહતા રહીએ ને તેમની નજરમાં જે સારું છે, તે જ કરીએ. કદીયે ખોટી વિધિઓ અને માન્યતાઓ સાથે ભેળસેળ ન કરવો જોઈએ. ચાલો આપણે ‘પ્રકાશનાં સંતાનોની’ જેમ ચાલતા રહીએ.—એફેસી ૫:૮.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો