સાદી, સરળ અને યહોવાહને પસંદ હોય એવી દફનવિધિ
લોકો રડી રહ્યાં છે. તેઓએ કાળાં કપડાં પહેર્યા છે. જમીન પર પડીને છાતી કૂટી રહ્યાં છે. જ્યારે કે બીજી બાજુ મોટે અવાજે સંગીત વાગી રહ્યું છે, લોકો નાચી રહ્યાં છે. ખાઈ-પીને મઝા કરી રહ્યાં છે. અમુકે તો એટલું પીધું છે કે હોશમાં પણ નથી. તમે અંદાજો લગાવી શકો કે અહીં શું બની રહ્યું છે? દુનિયાના અમુક દેશોમાં મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવા લોકો આવી વિધિ કરે છે.
યહોવાહના ઘણા સાક્ષીઓ એવા સમાજમાં રહે છે જ્યાં તેઓના સગાં-વહાલાં અને પડોશીઓ અંધશ્રદ્ધામાં માનતા હોય. ગુજરી ગએલાથી ડરતા હોય. દુનિયા ફરતે લાખો લોકો માને છે કે મરી ગયા પછી પણ વ્યક્તિનો આત્મા બીજા લોકોને મદદ અથવા નુકસાન કરી શકે છે. આવી માન્યતાને લીધે લોકો મૂએલી વ્યક્તિ માટે ઘણી વિધિ કરે છે. કોઈ સગું-વહાલું ગુજરી જાય ત્યારે દુઃખ થાય એ સ્વાભાવિક છે. દાખલા તરીકે, ઈસુ અને તેમના શિષ્યોનું કોઈ વહાલું ગુજરી ગયું ત્યારે તેઓ પણ દુઃખી થયા. (યોહા. ૧૧:૩૩-૩૫, ૩૮; પ્રે.કૃ. ૮:૨; ૯:૩૯) પણ તેઓએ પોતાનું દુઃખ વ્યક્ત કરવા એવા કોઈ રિવાજો પાળ્યા ન હતા, જેને યહોવાહ ધિક્કારે. (લુક ૨૩:૨૭, ૨૮; ૧ થેસ્સા. ૪:૧૩) કેમ કે તેઓ જાણતા હતા કે મરણ પછી વ્યક્તિનું શું થાય છે.
બાઇબલ સાફ જણાવે છે, ‘જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે. પણ મૂએલા કંઈ જાણતા નથી. તેમનો પ્રેમ તેમ જ તેમનાં દ્વેષ તથા ઇર્ષા હવે નષ્ટ થયાં છે. કેમકે જે તરફ તેઓ જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.’ (સભા. ૯:૫, ૬, ૧૦) ‘શેઓલ’ એટલે ગુજરી ગએલા મનુષ્યોની હાલત, જ્યાં તેઓ મોતની નીંદરમાં છે. આ બતાવે છે કે વ્યક્તિ ગુજરી જાય ત્યારે તેને કશું ભાન રહેતું નથી. એટલે તે કંઈ વિચારી શકતી નથી. કશું અનુભવી શકતી નથી. કોઈની સાથે વાત કરી શકતી નથી. બાઇબલનું આ સત્ય જાણીને આપણે દફનવિધિ કરતી વખતે કેવા સિદ્ધાંતો ધ્યાનમાં રાખવા જોઈએ?
‘મલિન વસ્તુને અડકો નહિ’
યહોવાહના સાક્ષીઓ ગમે તે નાત જાતમાંથી આવ્યા હોય, તેઓ માને છે કે આપણામાં આત્મા જેવું કંઈ નથી. એટલે વ્યક્તિ મર્યા પછી ક્યાંય જતી નથી. કોઈને નુકસાન કરી શકતી નથી. બસ મોતની નીંદરમાં હોય છે. તેથી તેઓ આત્માને લગતા કોઈ રીત-રિવાજો પાળતા નથી. જેમ કે, દફનવિધિ વખતે ખાઈ-પીને ઉજવણી કરતા નથી. દર વર્ષે મરણ દિવસ ઊજવતા નથી. મૂએલા માટે કોઈ અર્પણ ચઢાવતા નથી. વિધવા માટેના રિવાજો પાળતા નથી. આ બધી બાબતોમાં શેતાનના વિચારો જોવા મળે છે, જે શીખવે છે કે વ્યક્તિમાં આત્મા જેવું કંઈક હોય છે. શરીર મરે પણ આત્મા અમર રહે છે. પણ આવા રિવાજો ઈશ્વરની નજરે અશુદ્ધ છે. (હઝકી. ૧૮:૪) યહોવાહના સાક્ષીઓ આવા કોઈ રીત-રિવાજોમાં ભાગ લેતા નથી. કેમ કે, તેઓ “પ્રભુની મેજની સાથે ભૂતપિશાચોની મેજના ભાગીદાર થઈ શકતા નથી.” (૧ કોરીં. ૧૦:૨૧) તેઓ આ આજ્ઞા પાળે છે: ‘તમે તેઓમાંથી નીકળી આવો, અને અલગ થાઓ. મલિન વસ્તુને અડકો મા.’ (૨ કોરીં. ૬:૧૭) સમાજમાં રહીને આવા ખોટા રીત-રિવાજોથી દૂર રહેવું હર વખતે સહેલું નથી.
આફ્રિકા અને બીજી અમુક જગ્યાઓમાં લોકો એવું માને છે કે અમુક રીત-રિવાજો ન પાળીએ તો, તેઓના પૂર્વજોના આત્માને શાંતિ નહિ મળે. જો રીત-રિવાજો પાળવામાં ભૂલ થઈ જાય તો, એને મોટું પાપ ગણવામાં આવે છે. એનાથી પૂર્વજોનો શ્રાપ કુટુંબ પર આવી શકે. યહોવાહના સાક્ષીઓ આવા ખોટા રીત-રિવાજો પાળતા નથી. એટલે તેઓની નિંદા કરવામાં આવે છે. લોકો મધ્યે ઉતારી પાડવામાં આવે છે. કુટુંબીજનો તેઓ સાથે ખરાબ વહેવાર કરે છે. તહોમત મૂકે છે કે તેઓને સમાજમાં કોઈની પડી નથી અને મૂએલા માટે કોઈ માન નથી. યહોવાહના સાક્ષીઓ આ બધુંય સહન કરે છે. તેમ છતાં, તેઓમાં કોઈ ગુજરી જાય તો, સત્યમાં નથી એવા સગાં-વહાલાંઓએ અમુક વખતે આવીને જબરજસ્તીથી ખોટા રિવાજો પ્રમાણે દફનવિધિ કરી છે. આવા સમયે ખોટા રિવાજોમાં ભાગ લઈશું તો યહોવાહ સાથેના સંબંધ પર કેવી અસર પડશે? આવા સંજોગોમાં ન ફસાવા શું કરવું જોઈએ? યહોવાહના સિદ્ધાંતો પ્રમાણે કેવી રીતે દફનવિધિ કરી શકીએ?
બીજાઓને તમારી માન્યતા જણાવો
અમુક દેશમાં સમાજની મુખ્ય વ્યક્તિઓ અને દૂરના સગાં-વહાલાં મરણ વિધિ કરે છે. તેથી યહોવાહના સાક્ષીઓએ પોતાની માન્યતા વિષે તેઓને પહેલેથી જણાવવું જોઈએ. ચોખવટ કરવી જોઈએ કે દફનવિધિ બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે કરવામાં આવશે. તેમ જ, યહોવાહના સાક્ષીઓ જ એની ગોઠવણ કરશે. (૨ કોરીં. ૬:૧૪-૧૬) આમ કરવું બહુ જરૂરી છે, જેથી ત્યાં હાજર યહોવાહના બીજા સાક્ષીઓને ઠોકર ન લાગે. એટલું જ નહિ, જેઓ આપણી માન્યતાઓ જાણે છે તેઓને પણ ખોટું નહિ લાગે.
સત્યમાં આપણું કોઈ સગું-વહાલું ગુજરી જાય ત્યારે, મંડળમાંથી કોઈને દફનવિધિની ગોઠવણ કરવાની જવાબદારી સોંપી શકીએ. મંડળના વડીલો એ જવાબદાર વ્યક્તિને બાઇબલમાંથી સૂચનો આપી શકે, જેથી દફનવિધિ યહોવાહના સિદ્ધાંતો પ્રમાણે થાય. પણ સત્યમાં નથી એવાં સગાં-વહાલાંને ખોટા રીત-રિવાજો પ્રમાણે કરવું હોય તો શું? એવા સંજોગોમાં આપણે તેઓને હિંમતથી પણ માન આપીને આપણી માન્યતા વિષે જણાવવું જોઈએ. (૧ પીત. ૩:૧૫) પણ તોય તેઓને ખોટા રીત-રિવાજો પાળવા જ હોય તો આપણે શું કરી શકીએ? એ વખતે આપણે નક્કી કરવું જોઈએ કે દફનવિધિમાં રહેવું છે કે નહિ. (૧ કોરીં. ૧૦:૨૦) જો દફનવિધિ ખોટા રિવાજો પ્રમાણે હોય તો, આપણે બીજા કોઈ સમયે કિંગ્ડમ હૉલ કે બીજી કોઈ જગ્યાએ બાઇબલ આધારે ટોકની ગોઠવણ કરી શકીએ. એનાથી સત્યમાં છે તેઓને ‘પવિત્ર શાસ્ત્રમાંથી દિલાસો’ મળશે. (રૂમી ૧૫:૪) ભલે ત્યાં વ્યક્તિનું શબ ન હોય, પણ આ રીતે કરીશું તો યહોવાહની નજરે માન્ય હશે. (પુન. ૩૪:૫, ૬, ૮) ખરું કે સત્યમાં નથી તેઓ ખોટા રિવાજો પાળવા આપણને દબાણ કરશે. આપણા દુઃખી સંજોગોમાં ટેન્શન વધારશે. પણ આપણે યહોવાહની ઇચ્છા પ્રમાણે કરીશું તો, તે કદીયે ભૂલશે નહિ. આપણને “પરાક્રમની અધિકતા” એટલે કે શક્તિ આપશે.—૨ કોરીં. ૪:૭.
દફનવિધિ વિષે પોતાની ઇચ્છા લખી રાખો
દફનવિધિ વિષે વ્યક્તિ પોતાની ઇચ્છા લખી રાખે તો શું ફાયદો થશે? સત્યમાં નથી તેઓ જાણશે કે વ્યક્તિની ઇચ્છા શું હતી. તેઓ એ ઇચ્છાને માન આપશે. લખાણમાં શું વિગત હોવી જોઈએ? કેવી રીતે કરવામાં આવે, ક્યાં કરવામાં આવે અને કોણ એની ગોઠવણ કરશે એ બધું લખી રાખવું જોઈએ. (ઉત. ૫૦:૫) તમે જે લખ્યું છે એના પર સહી કરો ત્યારે કોઈ હાજર હોય તો વધારે સારું. બાઇબલના સિદ્ધાંતો પર મનન કરીને નિર્ણય લીધો છે તેઓ જાણે છે કે તબિયત બગડી જાય કે ઘરડાં થાય એ પહેલાં આમ લખી રાખવું વધારે સારું થશે.—નીતિ. ૨૨:૩; સભા. ૯:૧૨.
અમુકને આમ લખી રાખવું અઘરું લાગે છે. તેમ છતાં, એમ કરીને આપણે કુટુંબીજનો માટે માન અને પ્રેમ બતાવીએ છીએ. (ફિલિ. ૨:૪) આપણે લખાવી ન રાખીએ તો શું બની શકે? કુટુંબીજનો પર જૂઠા રીત-રિવાજો પ્રમાણે કરવાનું દબાણ આવી શકે.
યહોવાહની ઇચ્છા પ્રમાણે કરીએ
આફ્રિકાના અમુક ભાગોમાં લોકો દફનવિધિ વખતે દેખાડો કરે છે. તેઓનું માનવું છે કે એનાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે. બીજા અમુક પોતાની “સંપત્તિ” બતાવવા દેખાડો કરે છે. (૧ યોહા. ૨:૧૬, ઇઝી ટુ રીડ વર્ઝન) આ રીતે દફનવિધિ કરવા ઘણો સમય, શક્તિ અને માલમિલકત વાપરવામાં આવે છે. અરે અમુક તો, મૂએલી વ્યક્તિનો મોટો ફોટો બનાવીને જાહેર જગ્યાઓમાં મૂકે છે. તેઓને લાગે છે કે આમ કરવાથી ઘણા બધા લોકો દફનવિધિમાં હાજરી આપશે. એટલું જ નહિ, મરેલી વ્યક્તિના ફોટાવાળું ટી-શર્ટ બનાવીને હાજર રહેલા લોકોને પહેરવા આપે છે. લોકોની વાહવાહ મેળવવા મોંઘામાં મોંઘી કૉફિન ખરીદે છે. આફ્રિકાના એક દેશમાં પ્લેન, બોટ અને કાર જેવા આકારની કૉફિન બનાવવામાં આવે છે. લોકો પોતાનો મોભો અને અમીરી બતાવવા આવી કૉફિન ખરીદે છે. મરેલી વ્યક્તિને કૉફિનમાંથી કાઢીને શણગારેલા ખાટલામાં મૂકે છે. જો સ્ત્રી મરી જાય તો, તેને લગ્નનો સફેદ ડ્રેસ પહેરાવે. મેકઅપ કરે અને દાગીના પહેરાવે. હવે સવાલ થાય કે શું આવા રીત-રિવાજો યહોવાને ગમે છે?
આવા રિવાજો પાળે છે તેઓ યહોવાહના સિદ્ધાંતો જાણતા નથી. અમુકને એ પ્રમાણે કરવાની કંઈ પડી નથી. પણ યહોવાહમાં પૂરો વિશ્વાસ રાખે છે તેઓ આવા રીત-રિવાજોમાં કોઈ ભાગ લેતા નથી. આપણે જાણીએ છીએ કે અયોગ્ય રિવાજો ‘ઈશ્વર પાસેથી નથી, પણ જગતથી છે. જગત તથા તેની લાલસા જતાં રહે છે.’ (૧ યોહા. ૨:૧૫-૧૭) આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ કે દેખાદેખીમાં કોઈ ખોટું કામ કરી ન બેસીએ. (ગલા. ૫:૨૬) જોવા મળ્યું છે કે મરેલી વ્યક્તિના આત્માનો ડર રાખે છે એવા સમાજમાં દફનવિધિ વખતે મોટો જમણવાર રાખવામાં આવે છે. આવા વખતે દેખરેખ રાખવી મુશ્કેલ થઈ પડે. લોકો મૂએલાની ઉપાસના કરવા લાગે ત્યારે તેઓનું વર્તન અનૈતિક થઈ શકે. એવી દફનવિધિમાં લોકો જોર જોરથી રડારોળ કરતા હોય છે. મૂએલી વ્યક્તિ જાણે જીવે છે એ રીતે તેની સાથે વાતો કરે છે. તેમ જ, તેને ઘણી વાર ભેટે છે. અમુક વખતે તો, તેઓ પૈસા કે બીજી વસ્તુઓ પણ શબ સાથે મૂકે. જો આવી બાબતો આપણા દફનવિધિમાં થાય તો યહોવાહનું નામ બદનામ થશે.—૧ પીત. ૧:૧૪-૧૬.
આપણે જાણીએ છીએ કે ગુજરી ગયેલી વ્યક્તિનું શું થાય છે. એટલે આપણને હિંમત મળે છે કે દફનવિધિ વખતે કોઈ પણ ખોટા રિવાજો ન પાળીએ. (એફે. ૪:૧૭-૧૯) ઈસુ સૌથી મહાન હતા તોપણ તેમને સાદી રીતે દફનાવવામાં આવ્યા હતા. (યોહા. ૧૯:૪૦-૪૨) “ખ્રિસ્તનું મન” કેળવે છે તેઓ દફનવિધિ એકદમ સાદી અને સરળ રાખે છે. (૧ કોરીં. ૨:૧૬) દફનવિધિ સાદી અને સરળ હશે તો ઈશ્વરના સિદ્ધાંતો પ્રમાણે હશે. એનાથી આપણા પ્રસંગનું માન જળવાઈ રહેશે અને ત્યાં હાજર રહેલા લોકોનું પણ માન જળવાઈ રહેશે.
શું મોજશોખ કરવા જોઈએ?
અમુક એવા રિવાજ હોય છે જેમાં દફનવિધિ પછી સગાં-વહાલાં, પડોશીઓ અને બીજા બધા ભેગા થઈને જમણવાર કરે. મોટા અવાજે સંગીત પર નાચે. આવી ઉજવણીમાં મોટે ભાગે લોકો ઘણો દારૂ પીને અનૈતિક કામો કરે છે. ઘણા લોકો દાવો કરે છે કે મોજશોખ કરવાથી દુઃખ હળવું થાય છે. અમુકને લાગે છે કે આ સમાજની એક પ્રથા છે એટલે કરવી જોઈએ. થોડાકને લાગે છે કે એમ કરવાથી ગુજરી ગયેલી વ્યક્તિને આદર અને માન મળે છે. તેના આત્માને મુક્તિ મળે છે, જેથી તે પૂર્વજોના આત્માઓ સાથે મળી જાય.
પણ યહોવાહના ભક્તો બાઇબલની સલાહ કીમતી ગણે છે: “દુઃખ એ હાસ્ય કરતાં વધારે સારું છે. મોઢા પરનું દુઃખ અંત:કરણને શુદ્ધ બનાવે છે.” (સભા. ૭:૩ ઈઝી ટુ રીડ વર્ઝન) આપણે સાદી અને સરળ રીતે દફનવિધિ કરીએ છીએ. કેમ કે, આપણી પાસે સજીવન થવાની આશા છે. યહોવાહમાં પૂરી શ્રદ્ધા છે તેઓ “જન્મના દિવસ કરતાં મરણનો દિવસ સારો” ગણે છે. (સભા. ૭:૧) દફનવિધિમાં મોજશોખ કરવામાં આવતા હોય તો એમાં આપણે ભાગ લેતા નથી. એવી વિધિઓમાં અંધશ્રદ્ધા અને અનૈતિકતા જોવા મળે છે. આપણે એવી વિધિઓમાં ભાગ લઈએ તો, યહોવાહને માન આપતા નથી અને તેમના ભક્તોને ઠોકરરૂપ બનીએ છીએ.
બીજાઓથી અલગ થાઓ
સત્ય જાણતા નથી તેઓને મૂએલાનો ડર છે. પણ આપણે એવી ખોટી માન્યતાઓમાં ફસાયેલા નથી. (યોહા. ૮:૩૨) “પ્રકાશનાં સંતાનો” હોવાથી આપણે યહોવાહના સિદ્ધાંતો પ્રમાણે દુઃખ અને શોક પાળીએ છીએ. એ દુઃખના સમયમાં આપણે બધાનું માન જળવાઈ રહે એ રીતે સાદી વિધિ કરીએ છીએ. કેમ કે આપણને સજીવન થવાની આશા છે. (એફે. ૫:૮; યોહા. ૫:૨૮, ૨૯) “આશા નથી” તેઓમાંથી ઘણા દુઃખ બતાવવા દેખાડો કરે છે. પણ આપણને સજીવનની આશા હોવાથી દેખાડો નહિ કરીએ. (૧ થેસ્સા. ૪:૧૩) એ આશાને લીધે આપણે માણસોનો ડર નહિ રાખીએ. તેમ જ, આપણને ઈશ્વરની ભક્તિ શુદ્ધ રાખવા હિંમત મળશે.—૧ પીત. ૩:૧૩, ૧૪.
આપણે બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે કરીશું તો, લોકો “ઈશ્વરની સેવા કરનારની તથા તેની સેવા નહિ કરનારની વચ્ચેનો, ભેદ સમજશે.” (માલા. ૩:૧૮) એવો સમય આવશે જ્યારે મરણ નહિ હોય. (પ્રકટી. ૨૧:૪) એ વચન પૂરું થવાની રાહ જોઈએ ત્યાં સુધી ચાલો આપણે દફનવિધિના જૂઠા રીત-રિવાજો ન પાળીએ. આમ કરવાથી આપણે દુનિયાના લોકોથી અલગ તરી આવીશું.—૨ પીત. ૩:૧૪. (w09 2/15)
[પાન ૧૨ પર ચિત્ર]
દફનવિધિ વિષે વ્યક્તિ પોતાની ઇચ્છા લખી રાખે એ સારું છે