મરણપ્રસંગ વિશે યહોવાના સાક્ષીઓના વિચારો શું છે?
યહોવાના સાક્ષીઓ બાઇબલ પ્રમાણે યોગ્ય હોય એ રીતે મરણપ્રસંગ રાખે છે. નીચે અમુક બાઇબલ શિક્ષણ વિશે જણાવ્યું છે અને તેઓ એ પ્રમાણે મરણ પછીની વિધિ રાખે છે.
પ્રિયજનના મોત વખતે શોક કરવો સ્વાભાવિક છે. જ્યારે ઈસુના શિષ્યોના કુટુંબમાં કોઈનું મરણ થયું ત્યારે તેઓ રડ્યા હતા. (યોહાન ૧૧:૩૩-૩૫, ૩૮; પ્રેરિતોનાં કાર્યો ૮:૨; ૯:૩૯) પ્રિયજનના મોત વખતે આપણને પણ બહુ દુ:ખ થાય છે. જોકે આવા સમયે આપણે દારૂ પીતા નથી કે મજાક-મસ્તી કરતા નથી. (સભાશિક્ષક ૩:૧, ૪; ૭:૧-૪) એના બદલે, આવી દુ:ખની ઘડીમાં આપણે બીજાઓને હમદર્દી બતાવીએ છીએ.—રોમનો ૧૨:૧૫.
ગુજરી ગયેલા કશું જ જાણતા નથી. અમુક લોકોનું માનવું છે કે ગુજરી ગયેલા લોકો કોઈકને કોઈક રૂપમાં જીવે છે અને જીવતા લોકોને મદદ કરે છે અથવા નુકસાન કરે છે. જોકે બાઇબલ પ્રમાણે એ ખોટું છે. (સભાશિક્ષક ૯:૫, ૬, ૧૦) ખોટી માન્યતાને લીધે જ લોકો ગુજરી ગયેલા પાછળ ઘણા બધા રિવાજો કરે છે. જેમ કે, શબ પાસે આખી રાત જાગવું, ધામધૂમથી અંતિમક્રિયા કરવી, દર વર્ષે મરણ દિવસ ઊજવવો, ગુજરી ગયેલાઓ માટે બલિદાન ચઢાવવાં, મરેલા સાથે વાત કરવી અને તેની પૂજા કરવી તેમજ વિધવા કે વિધુર થયા હોય એના રિવાજો કરવા. જોકે યહોવાના સાક્ષીઓ કોઈ પણ સંસ્કૃતિ કે જાતિમાંથી આવ્યા હોય, તેઓ આવા રિવાજો પાળતા નથી. તેઓ બાઇબલની આ આજ્ઞા પાળે છે, ‘પોતાને અલગ કરો અને અશુદ્ધ વસ્તુને અડકશો નહિ.’—૨ કોરીંથીઓ ૬:૧૭.
ગુજરી ગયેલા માટે આશા રહેલી છે. બાઇબલમાંથી શીખવા મળે છે કે એક એવો સમય આવશે જ્યારે ગુજરી ગયેલા લોકોને જીવતા કરવામાં આવશે. પછી ક્યારેય કોઈનું મરણ નહિ થાય. (પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫; પ્રકટીકરણ ૨૧:૪) એ આશાને લીધે જ પહેલાંના ઈશ્વરભક્તોને દિલાસો મળ્યો હતો. આપણે પણ શ્રદ્ધા રાખીએ છીએ કે પ્રિયજનોને જીવતા કરવામાં આવશે. એટલે આપણે હદ ઉપરાંત શોક કરતા નથી.—૧ થેસ્સાલોનિકીઓ ૪:૧૩.
બાઇબલમાં સલાહ આપી છે કે આપણે મર્યાદામાં રહેવું જોઈએ. (નીતિવચનો ૧૧:૨) આપણે માનીએ છીએ કે મરણપ્રસંગે “પોતાની વસ્તુઓનો દેખાડો” કરવો અથવા સમાજમાં કેટલું મોટું નામ છે એ બતાવવું ખોટું છે. (૧ યોહાન ૨:૧૬) આપણે મરણપ્રસંગ ધામધૂમથી નથી કરતા. એ પ્રસંગ દુનિયાના લોકોની જેમ મનોરંજન માટે કે લોકોને બતાવવા નથી કરતા. જેમ કે, મોંઘાં કૉફિન, મોંઘાં કપડાં કે ઘરેણાં વાપરવાં.
અમે લોકોને દબાણ નથી કરતા કે મરણપ્રસંગ વિશે અમારી માન્યતા પ્રમાણે તેઓ પણ કરે. અમે બાઇબલનો આ સિદ્ધાંત પાળીએ છીએ, “આપણે દરેકે ઈશ્વરને હિસાબ આપવો પડશે.” (રોમનો ૧૪:૧૨) જ્યારે પણ તક મળે ત્યારે, “નરમાશથી અને પૂરા આદર સાથે” આપણી માન્યતા વિશે લોકોને જણાવીએ છીએ.—૧ પિતર ૩:૧૫.
કોઈ યહોવાનું સાક્ષી ગુજરી જાય ત્યારે તેઓ શું કરે છે?
સ્થળ: દરેક કુટુંબ જાતે નક્કી કરી શકે છે કે મરણ વિશેનો કાર્યક્રમ ક્યાં રાખવો. પોતાના ઘરે, પ્રાર્થનાઘરમાં, કબ્રસ્તાનમાં કે સ્મશાનમાં.
પ્રવચન: જેનું મરણ થયું હોય તેના કુટુંબના સભ્યો અને દોસ્તોને દિલાસો મળે એ માટે એક પ્રવચન રાખવામાં આવે છે. એમાં સમજાવવામાં આવે છે કે બાઇબલમાં મરણ વિશે શું જણાવ્યું છે અને ભવિષ્યમાં આપણા પ્રિયજનોને કેવી રીતે જીવતા કરવામાં આવશે. (યોહાન ૧૧:૨૫; રોમનો ૫:૧૨; ૨ પિતર ૩:૧૩) શક્ય હોય તો પ્રવચનમાં ગુજરી ગયેલી વ્યક્તિના સારા ગુણો વિશે, તે કેવી રીતે ઈશ્વરને વફાદાર રહી અને આપણે તેની પાસેથી શું શીખી શકીએ એ વિશે જણાવી શકાય.—૨ શમુએલ ૧:૧૭-૨૭.
એ પછી બાઇબલ આધારિત એક ગીત ગાઈ શકાય. (કોલોસીઓ ૩:૧૬) છેલ્લે પ્રાર્થના કરી શકાય, જેથી બધાને દિલાસો મળે.—ફિલિપીઓ ૪:૬, ૭.
પૈસા કે દાન માંગવામાં નથી આવતાં: અમે કોઈ પણ ધાર્મિક વિધિ કે સભાઓ માટે લોકો પાસેથી પૈસા કે દાન નથી માંગતાં. અરે, મરણપ્રસંગના કાર્યક્રમ માટે પણ પૈસા નથી માંગતા.—માથ્થી ૧૦:૮.
કોણ આવી શકે: યહોવાના સાક્ષી નથી તેઓ પણ આ પ્રવચન સાંભળવા પ્રાર્થનાઘરમાં આવી શકે છે. અમારી બીજી સભાઓની જેમ આ સભામાં પણ દરેક જણ આવી શકે છે.
શું સાક્ષીઓ બીજા ધર્મના લોકોના મરણપ્રસંગમાં જાય છે?
એવા પ્રસંગમાં જવું કે ના જવું એ દરેક સાક્ષી પોતે નક્કી કરે છે. તે બાઇબલમાંથી શીખેલી વાતોને આધારે નિર્ણય લે છે. (૧ તિમોથી ૧:૧૯) જોકે યહોવાના સાક્ષીઓ એવી કોઈ પણ ધાર્મિક વિધિમાં ભાગ નથી લેતા, જે બાઇબલ સિદ્ધાંતોની વિરુદ્ધ હોય.—૨ કોરીંથીઓ ૬:૧૪-૧૭.