વાચકો તરફથી પ્રશ્નો
શું આપણે સરકારી અધિકારીઓને બક્ષિસ કે ભેટ આપી શકીએ કે પછી એ લાંચ કહેવાય?
ભલે આપણે ગમે એ દેશમાં રહેતા હોઈએ, પરંતુ ખ્રિસ્તી તરીકે આપણે ત્યાંના સંજોગો જોઈને એ મુજબ બુદ્ધિપુર્વક વર્તવું જોઈએ. બધા દેશના કાનૂન સરખા હોતા નથી. એક દેશમાં બક્ષિસ કે ભેટ આપવી સ્વીકાર્ય હોય તો, બીજા દેશમાં એ અયોગ્ય અને ગેરકાનૂની હોય શકે. (નીતિવચનો ૨:૬-૯) આપણે ખ્રિસ્તી તરીકે હંમેશાં યાદ રાખીએ કે જે કોઈ ‘યહોવાહના મંડપમાં’ રહેવા ઇચ્છતું હોય તેણે લાંચ આપવી કે લેવી ન જોઈએ.—ગીતશાસ્ત્ર ૧૫:૧, ૫; નીતિવચનો ૧૭:૨૩.
લાંચ એટલે શું? ધ વર્લ્ડ બુક એન્સાયક્લોપેડિયા અનુસાર, ‘અધિકારી કે હોદ્દો ધરાવતી વ્યક્તિને કંઈક વસ્તુ કે રકમ આપીને પોતાનું કામ કઢાવી લેવું, જેમાં નિયમોનો ભંગ થતો હોય.’ તેથી ભલે આપણે ગમે એ દેશમાં રહેતા હોઈએ, આપણી ભૂલ છાવરવા વકીલ કે પોલીસને કોઈ રકમ કે ભેટ આપીએ તો એ લાંચ છે. તેવી જ રીતે, વેઈટીંગ લિસ્ટ કે લાઈનમાં વહેલા આગળ જવા ગિફ્ટ કે પૈસા આપવા એ પણ લાંચ છે. એમ કરીને આપણે બીજાઓ માટે ખરો પ્રેમ બતાવતા નથી.—માત્થી ૭:૧૨; ૨૨:૩૯.
કેટલાક દેશોમાં અધિકારીઓને બક્ષિસ આપવામાં ન આવે ત્યાં સુધી બાળકનું શાળામાં નામ નોંધતા નથી. બક્ષિસ વગર વ્યક્તિને દવાખાનામાં પણ દાખલ કરતા નથી કે પછી વિઝાના દસ્તાવેજો પર સહી કરતા નથી. અથવા તેઓ જાણીજોઈને મોડું કર્યા કરે છે. આવા સમયે, શું યોગ્ય સેવા મેળવવા કોઈ અધિકારીને બક્ષિસ કે ભેટ આપવી એ લાંચ છે?
બક્ષિસ આપવી કે નહિ એના પ્રત્યેનું વલણ બધા દેશોમાં અલગ અલગ હોય છે. અમુક દેશોમાં લોકો આવી બક્ષિસની આશા રાખે છે. અમુક ભાઈબહેનોને લાગી શકે કે નિયમનો ભંગ થતો ન હોય તો અધિકારીઓને તેમના કામ માટે બક્ષિસ આપીને તેઓ બાઇબલ સિદ્ધાંતોને તોડતા નથી. કેટલાક દેશોમાં તો કર્મચારીઓના ઓછા પગારમાં થોડી આવક ઉમેરાય એ રીતે જોઈને બક્ષિસ આપવામાં આવે છે. જોકે, આપણે યાદ રાખવું જોઈએ કે યોગ્ય સેવા માટે ભેટ આપવી અને પોતાનું કામ કઢાવવા નિયમ તોડીને લાંચ આપવા વચ્ચે આભ-જમીનનો તફાવત છે.
બીજી તર્ફે, આવી બક્ષિસ આપવાનો રિવાજ હોય છે ત્યાં કેટલાક ભાઈબહેનોએ ઇન્સ્પેક્ટર, કસ્ટમ ઑફિસર કે બીજાઓને એ આપવી પડતી નથી. કારણ કે સાક્ષીઓ પ્રમાણિકતા માટે જાણીતા છે. આથી, ઘણી વાર કોઈ કામ માટે બીજા લોકોએ બક્ષિસ આપવી પડે છે ત્યારે, આપણા ભાઈબહેનોને બક્ષિસ વગર એ કામ કરી આપવામાં આવે છે.—નીતિવચનો ૧૦:૯; માત્થી ૫:૧૬.
ટૂંકમાં કહીએ તો, એ દરેક ભાઈબહેનનો પોતાનો નિર્ણય છે કે તેઓએ કોઈ યોગ્ય સેવા માટે કે અન્યાય ટાળવા બક્ષિસ આપવી જોઈએ કે નહિ. તેમ છતાં, તેઓએ એવો માર્ગ પસંદ કરવો જોઈએ કે જેથી પાછળથી તેમનું અંતઃકરણ ન ડંખે તેમ જ યહોવાહના નામને લાંછન ન લગાડે. બીજાઓ પણ એનાથી ઠોકર ન ખાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.—માત્થી ૬:૯; ૧ કોરીંથી ૧૦:૩૧-૩૩; ૨ કોરીંથી ૬:૩; ૧ તીમોથી ૧:૫.