વાચકો તરફથી પ્રશ્નો
પ્રેરિત પાઊલે ન્યાયસભા આગળ કહ્યું, “હું ફરોશી છું.” શું એનો અર્થ એમ થાય કે તેમણે પોતાના ખ્રિસ્તી વિશ્વાસ સાથે તડજોડ કરી હતી?
પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૬માં પાઊલે જે કહ્યું એ સમજવા આપણે આસપાસની કલમો સમજવાની જરૂર છે.
યરૂશાલેમના એક યહુદી ટોળાએ પાઊલને માર માર્યા. એ ટોળા સામે પાઊલ પોતાના બચાવમાં બોલવા લાગ્યા. તેમણે કહ્યું કે ‘તે પોતે આ યરૂશાલેમ શહેરમાં ગમાલીએલના ચરણમાં ઊછરેલા, અને પૂર્વજોના નિયમ પ્રમાણે પૂરેપૂરી રીતે શીખેલા છે.’ જોકે ટોળાએ પાઊલને વધારે બોલવા દીધા નહિ. થોડી જ વારમાં તેઓ પાઊલ પર ફરી ગુસ્સે થયા. પરંતુ રક્ષક ટુકડીનો એક સરદાર પાઊલને કિલ્લામાં લઈ ગયો. ત્યાં સૈનિકો તેમને કોરડા મારીને તપાસ કરવાના જ હતા ત્યારે પાઊલે કહ્યું: “જે માણસ રૂમી છે અને જેને ગુનેગાર ઠરાવવામાં આવ્યો નથી, તેને તમારે કોરડા મારવા એ શું કાયદેસર છે?”—પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૨૭-૨૨:૨૯.
બીજા દિવસે સરદાર પાઊલને યહુદીઓની ઉચ્ચ ન્યાયસભામાં લઈ ગયો. પાઊલે ત્યાં શું જોયું? ન્યાયસભા સાદુકીઓ અને ફરોશીઓની બનેલી હતી. પાઊલે પછી ન્યાયસભા આગળ કહ્યું: “ભાઈઓ, હું ફરોશી છું, મારા બાપદાદા ફરોશી હતા; અને ઈસ્રાએલની આશા તથા મૂએલાંના પુનરુત્થાન સંબંધી મારો ન્યાય કરવામાં આવે છે.” તેમના આમ કહેવાનું શું પરિણામ આવ્યું? સાદુકીઓ અને ફરોશીઓ વચ્ચે ઉગ્ર તકરાર ઊભી થઈ ને તેઓમાં ભાગલા પડી ગયા. “કેમ કે સાદુકીઓ માને છે, કે પુનરુત્થાન નથી, અને દૂત અથવા આત્મા પણ નથી; પણ ફરોશીઓ એ બન્ને વાત માન્ય કરે છે.” ત્યારે ફરોશીઓના પક્ષના કેટલાક શાસ્ત્રીઓ ગુસપુસ કરીને કહેવા લાગ્યા: “અમને આ માણસમાં કંઈ અપરાધ માલૂમ પડતો નથી.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૬-૧૦.
પાઊલ તો જોશીલા ખ્રિસ્તી તરીકે જાણીતા હતા. તે કોઈ રીતે ન્યાયસભાને ખાતરી કરાવી શકતા ન હતા કે પોતે ફરોશીઓના પંથના છે. ફરોશીઓ પણ પોતાના બધા જ શિક્ષણને ન સ્વીકારે એવી કોઈ વ્યક્તિને પોતાના પંથમાં સ્વીકારે નહિ. તેથી પાઊલે કહ્યું કે પોતે ફરોશી છે ત્યારે તેમના કહેવાનો બીજો અર્થ થતો હતો. તે ખરેખર ફરોશી છે એવો કંઈ અર્થ થતો ન હતો. ત્યાં બેઠેલા ફરોશીઓ પણ એ બરાબર સમજ્યા હતા કે પાઊલ ખરેખર શું કહેવા માંગે છે.
તો પછી, ‘હું ફરોશી છું’ એમ કહીને પાઊલ શું સાબિત કરવા માંગતા હતા? ત્યાર પછી તેમણે શું કહ્યું એના પર ધ્યાન આપો: “ઈસ્રાએલની આશા તથા મૂએલાંના પુનરુત્થાન સંબંધી મારો ન્યાય કરવામાં આવે છે.” આમ કહેવા પાછળ પાઊલનો મતલબ એ હતો કે તે ફક્ત એ જ બાબતમાં ફરોશીઓ જેવા હતા. કેમ કે ફરોશીઓ પણ પુનરુત્થાનમાં માનતા. જ્યારે કે સાદુકીઓ માનતા ન હતા. આમ, પાઊલ અને ફરોશીઓ પુનરુત્થાનની બાબતમાં એક હતા.
ફરોશીઓ, પાઊલની બીજી ખ્રિસ્તી માન્યતાઓમાં પણ માનતા હતા. જેમ કે, તેઓ પુનરુત્થાન, દૂત અને નિયમશાસ્ત્રની અમુક બાબતોમાં માનતા હતા. (ફિલિપી ૩:૫) આવા અમુક શિક્ષણને લીધે પાઊલ પોતાને ફરોશીઓ જેવા કહી શકતા હતા. ત્યાં હાજર ફરોશીઓ પણ પાઊલ ખરેખર શું કહે છે એ સમજી ગયા હતા. આમ પાઊલે પોતાનો પરિચય આપીને પૂર્વગ્રહથી પીડાતી યહુદી ન્યાયસભા સમક્ષ પોતાનો બચાવ યોગ્ય રીતે જ કર્યો.
જો પાઊલે તડજોડ કરી હોત તો, યહોવાહની કૃપા તેમના પર ન હોત. પાઊલ ન્યાયસભામાંથી નીકળ્યા ત્યારે શું બન્યું એની નોંધ લો. એ રાતે ઈસુએ પોતે પાઊલને કહ્યું: “હિંમત રાખ; કેમ કે જેમ મારે વિષે તેં યરૂશાલેમમાં સાક્ષી આપી છે, તેમ તારે રોમમાં પણ સાક્ષી આપવી પડશે.” આમ, પાઊલ પર ઈશ્વરની કૃપા હોવાથી આપણે જરૂર કહી શકીએ કે પાઊલે પોતાના ખ્રિસ્તી વિશ્વાસ સાથે તડજોડ કરી ન હતી.—પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૧૧.