ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ
‘તેઓનું દુઃખ હું જાણું છું’
‘પવિત્ર, પવિત્ર, પવિત્ર છે ઈશ્વર યહોવાહ.’ (યશાયાહ ૬:૩) યહોવાહ જેવા પવિત્ર બીજું કોઈ જ નથી. કદાચ તમને થાય કે ‘એવા પવિત્ર ઈશ્વરને મારા જેવા મામૂલી, પાપી ઇન્સાનની શું પડી હોય?’ ચાલો આપણે નિર્ગમન ૩:૧-૧૦ જોઈએ. યહોવાહે મુસાને જે શબ્દો કહ્યા, એમાંથી આપણને ઘણો દિલાસો મળશે.
મુસા ઘેટાં ચરાવતા હતા ત્યારે, એક દિવસ તેમણે અજબ ઝાડવું જોયું. એ અગ્નિથી બળતું હતું, પણ “ભસ્મ થતું નહોતું.” (બીજી કલમ) મુસા એની નજીક ગયા. ઝાડવામાંથી યહોવાહે દૂત દ્વારા મુસાને કહ્યું: “અહીં નજીક ના આવતો; તારા પગમાંથી તારાં ચંપલ ઉતાર, કેમકે જે જગાએ તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે.” (પાંચમી કલમ) યહોવાહનો દૂત જે જગ્યાએ હતો, એ જમીન પણ પવિત્ર બની ગઈ હતી!
યહોવાહે મુસા સાથે શા માટે વાત કરી? યહોવાહે કહ્યું: “મેં મિસરમાંના મારા લોકનું દુઃખ નિશ્ચે જોયું છે, ને તેમના મુકાદમોને લીધે તેમનો વિલાપ સાંભળ્યો છે; કેમકે તેઓનો ખેદ [દુઃખ] હું જાણું છું.” (સાતમી કલમ) લોકોના દુઃખથી ઈશ્વર અજાણ ન હતા. તેઓનો પોકાર તેમણે સાંભળ્યો હતો. લોકોનું દુઃખ, તેમનું પોતાનું દુઃખ બની ગયું હતું. એટલે યહોવાહે કહ્યું કે ‘તેઓનું દુઃખ હું જાણું છું.’ એ શબ્દો વિષે એક પુસ્તક કહે છે કે “એમાં દિલની કોમળ લાગણી અને પ્રેમ છલકાય છે.” મુસાને કહેલા શબ્દોમાં લોકો માટેનો યહોવાહનો પ્રેમ દેખાઈ આવે છે.
લોકોનું દુઃખ જોઈને અને પોકાર સાંભળીને, યહોવાહે ફક્ત એમ ન કહ્યું કે ‘અરેરે! બિચારા લોકો!’ તેમણે લોકોને મિસરમાંથી છોડાવીને, ‘દૂધમધની રેલછેલવાળા દેશમાં’ લાવવાની ગોઠવણ કરી. (આઠમી કલમ) એ માટે તેમણે મુસાને કહ્યું, ‘હવે ચાલ, મિસરમાંથી મારા લોકને કાઢી લાવ.’ (દસમી કલમ) મુસાએ એમ જ કર્યું. ઈસવીસન પૂર્વે ૧૫૧૩માં મુસા ઈસ્રાએલી લોકોને મિસરમાંથી છોડાવી લાવ્યા.
યહોવાહ કદીયે બદલાતા નથી. આપણને સો ટકા ખાતરી છે કે તે આપણાં દુઃખો જુએ છે ને જાણે છે. મદદ માટેનો આપણો પોકાર સાંભળે છે. તે આપણને બિચારા ગણીને બેસી રહેતા નથી. પણ પોતાના ભક્તોને મદદ કરવા તરત જ પગલાં લે છે, ‘કેમકે તે આપણી સંભાળ રાખે છે.’—૧ પીતર ૫:૭.
યહોવાહનો સાથ હોય તો પછી બીજું શું જોઈએ! તેમની મદદથી આપણા જેવા પાપી, મામૂલી ઇન્સાન પણ તેમનાં ધોરણો પ્રમાણે બને એટલું ચાલી શકીએ છીએ. (૧ પીતર ૧:૧૫, ૧૬) યહોવાહની ભક્તિ કરતી એક બહેન ડિપ્રેસ અને નિરાશ રહેતી હતી. તેને મુસા અને ઝાડવાના અહેવાલમાંથી ઘણો દિલાસો મળ્યો. તે કહે છે કે “જો યહોવાહ ધૂળને પણ પવિત્ર બનાવી શકે છે, તો મારા માટે પણ આશા છે.”
શું તમને આવા પવિત્ર ઈશ્વર યહોવાહ વિષે વધારે જાણવું નહિ ગમે? આપણે તેમની સાથે પાકો નાતો બાંધી શકીએ છીએ. યહોવાહ ‘આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળનાં છીએ એવું તે જાણે છે.’—ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪. (w09 3/1)