વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w09 ૯/૧ પાન ૯-૧૩
  • ઈસુ જેવો સ્વભાવ કેળવીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુ જેવો સ્વભાવ કેળવીએ
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈસુ જેવો નમ્ર સ્વભાવ કેળવીએ
  • ઈસુની જેમ આપણે પણ બીજાઓ સાથે માયાળુ બનીએ
  • કઠોર દુનિયામાં માયાળુ બનીએ
  • યહોવાહના સેવકોએ દિલથી દયા બતાવવી જ જોઈએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • કૃપા—વાણી-વર્તનથી દેખાઈ આવતો ગુણ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • ઈસુ જેવો પ્રેમ બીજાઓને બતાવીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • દયા વિનાના જગતમાં દયાળુ બનો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
w09 ૯/૧ પાન ૯-૧૩

ઈસુ જેવો સ્વભાવ કેળવીએ

‘ખ્રિસ્ત ઈસુને અનુસરીને એક મનના થાઓ.’—રૂમી ૧૫:૬.

૧. શા માટે ઈસુ જેવો સ્વભાવ કેળવવો જોઈએ?

ઈસુએ લોકોને કહ્યું, ‘મારી પાસે આવો કેમકે હું મનમાં નમ્ર તથા દીન છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો.’ (માથ. ૧૧:૨૮, ૨૯) આ શબ્દો પરથી આપણને જોવા મળે છે કે ઈસુ કેટલા પ્રેમાળ હતા. ખરું કે ઈશ્વરના દીકરા હોવાથી, તેમની પાસે અપાર સત્તા અને શક્તિ હતી. તેમ છતાં તેમણે હંમેશા બીજાઓને અને ખાસ કરીને લાચાર લોકોને હમદર્દી બતાવી, પ્રેમ બતાવ્યો. એવો સ્વભાવ કેળવવા ઈસુએ આપણા માટે સૌથી સારો દાખલો બેસાડ્યો છે.

૨. ઈસુ વિષે કઈ પાંચ બાબતો શીખવા મળશે?

૨ આ લેખ અને બીજા બે લેખોમાં શીખવા મળશે કે કેવી રીતે આપણે ઈસુ જેવો સ્વભાવ કેળવવી શકીએ. કેવી રીતે ‘ખ્રિસ્ત જેવું મન’ કેળવી શકીએ? (૧ કોરીં. ૨:૧૬) એ માટે આપણે આ પાંચ બાબતો જોઈશું: ઈસુ નમ્ર અને દિન હતા. તે માયાળુ હતા. તેમણે યહોવાહની આજ્ઞા પાળી. તે હિંમતવાન હતા. તેમણે હંમેશાં બીજાઓને પ્રેમ બતાવ્યો.

ઈસુ જેવો નમ્ર સ્વભાવ કેળવીએ

૩. (ક) ઈસુએ કેવી રીતે શિષ્યોને નમ્રતા વિષે શીખવ્યું? (ખ) ઈસુએ શિષ્યોની નબળાઈઓ જોઈને શું કર્યું?

૩ ઈસુ તન મનથી પવિત્ર હતા તોય અપૂર્ણ અને પાપી લોકોની સેવા કરવા પૃથ્વી પર આવ્યા. તે જાણતા હતા કે અમુક લોકો તેમને મારી નાખશે. તેમ છતાં, તે અન્યાય સહીને રાજી ખુશીથી લોકોની સેવા કરતા રહ્યાં. (૧ પીત. ૨:૨૧-૨૩) આપણે પણ ઈસુના દાખલાને ‘ધ્યાનમાં રાખવો’ જોઈએ. એમ કરીશું તો, બીજાઓની નબળાઈઓ કે ભૂલો જોઈએ ત્યારે શાંત મન રાખી શકીશું. (હેબ્રી ૧૨:૨) ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે “મારી ઝૂંસરી તમે પોતા પર લો” અને મારી પાસેથી શીખો. (માથ. ૧૧:૨૯) શિષ્યો શીખ્યા કે ઈસુ દીન હતા. ભલે શિષ્યોમાં નબળાઈઓ હતી પણ ઈસુએ ધીરજ બતાવી હતી. ઈસુએ મરણની આગલી રાતે શિષ્યોના પગ ધોયા. એનાથી શિષ્યોને શીખવા મળ્યું કે ઈસુ કેટલા “નમ્ર” છે. આ શિષ્યો કદીએ ભૂલ્યા નહિ. (યોહાન ૧૩:૧૪-૧૭ વાંચો.) પછીથી, ઈસુએ એકાંતમાં પ્રાર્થના કરતી વખતે પીતર, યાકૂબ, અને યોહાનને જણાવ્યું કે “જાગતા રહો.” પણ તેઓ ઊંઘી ગયા. ઈસુ એ જોઈને ગુસ્સે ન થયા પણ દયા બતાવી. કેમ કે તે જાણતા હતા કે શિષ્યોમાં નબળાઈઓ છે. એટલે ઈસુએ પીતરને પૂછ્યું કે ‘પીતર, શું તું ઊંઘે છે?’ પછી ઈસુએ કહ્યું કે ‘જાગતા રહો અને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો. તમે સારું કરવા ઇચ્છો છો પણ તમારું શરીર નબળું છે.’—માર્ક ૧૪:૩૨-૩૮.

૪, ૫. ભાઈ-બહેનોની નબળાઈઓ સહન કરવા ઈસુના દાખલામાંથી શું શીખવા મળે છે?

૪ હવે ધારો કે કોઈ ભાઈ કે બહેન દેખાદેખીનું વલણ બતાવે છે. તેને કંઈ કહેવામાં આવે તો તરત ખોટું લાગી જાય છે. તેને વડીલો અને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરનું” માર્ગદર્શન સ્વીકારવામાં પણ સમય લાગે છે. (માથ. ૨૪:૪૫-૪૭) એવા ભાઈ કે બહેન સાથે વર્તવું મુશ્કેલ લાગી શકે. જો આવું વલણ દુનિયાના લોકો બતાવે તો આપણને ગુસ્સો નહિ આવે. પણ મંડળના ભાઈ-બહેનો આવું વલણ બતાવે ત્યારે ગુસ્સો આવી શકે. એટલે શાંત મન રાખવું જોઈએ. આપણે પોતાને પૂછવું જોઈએ કે હું કેવી રીતે એ ભાઈ-બહેન માટે ‘ખ્રિસ્ત જેવું મન’ બતાવી શકું? આપણે યાદ રાખવું જોઈએ કે શિષ્યોની નબળાઈ જોઈને ઈસુ ક્યારેય ગુસ્સે થયા ન હતા.

૫ એક દાખલો લઈએ. ઈસુએ પીતરને કહ્યું કે હોડીમાંથી બહાર આવ અને પાણી પર ચાલીને મારી પાસે આવ. શરૂઆતમાં પીતર પાણી પર ચાલ્યા. પણ આજુબાજુ તોફાની મોજાં જોઈને તે ડરી ગયા અને ડૂબવા લાગ્યા. એ સમયે શું ઈસુ ગુસ્સે થયા? શું પીતરને કહ્યું ‘સારું થયું. તું આજ દાવનો છે.’ ના, એના બદલે ‘ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો, ને તેને કહ્યું, તારામાં ઓછો વિશ્વાસ છે. તેં શંકા કેમ કરી?’ (માથ. ૧૪:૨૮-૩૧) જો મંડળમાં પણ કોઈનો વિશ્વાસ મજબૂત ન હોય તો, આપણે ઈસુની જેમ તેમને મદદ કરવી જોઈએ. આ રીતે આપણે ઈસુની જેમ દયા બતાવીશું.

૬. મોટી પદવી મેળવવા વિષે ઈસુએ શિષ્યોને શું કહ્યું?

૬ શિષ્યો ઘણી વાર ઝઘડતા હતા કે તેઓમાં સૌથી મોટું કોણ. યાકૂબ અને યોહાન ચાહતા હતા કે સ્વર્ગના રાજ્યમાં તેઓ ઈસુની જમણી અને ડાબી બાજુ બેસે. પીતર અને બીજા શિષ્યોને એ વિષે ખબર પડી ત્યારે, તેઓ બન્‍ને ભાઈ પર ગુસ્સે થયા. પણ શું ઈસુ ગુસ્સો થયા? ના, તે જાણતા હતા કે શિષ્યોને નાનપણથી મોટી પદવી મેળવવાનું શીખવવામાં આવ્યું છે. એટલે ‘ઈસુએ તેઓને પાસે બોલાવીને કહ્યું, કે તમે જાણો છો કે વિદેશીઓના રાજાઓ પ્રજા પર ધણીપણું કરે છે, ને જેઓ મોટા છે તેઓ લોકો પર અધિકાર ચલાવે છે. પણ તમારામાં એવું ન થાય. તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તે તમારો સેવક થાય. અને જે કોઈ તમારામાં મુખ્ય થવા ચાહે, તે તમારો દાસ થાય. જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણા લોકની ખંડણીને સારૂ પોતાનો જીવ આપવાને આવ્યો છે.’—માથ. ૨૦:૨૦-૨૮.

૭. મંડળમાં સંપ જાળવવાં શું કરવું જોઈએ?

૭ ઈસુની જેમ નમ્ર સ્વભાવ કેળવવા આપણે વિચારવું જોઈએ કે “સર્વમાં જે સૌથી નાનો છે તેજ મોટો છે.” (લુક ૯:૪૬-૪૮) એવું વિચારવાથી આપણે મંડળમાં સંપ જાળવી રાખીશું. જેમ એક પિતા ચાહે છે કે તેના કુટુંબમાં બધા સંપીને રહે તેમ, યહોવાહ ચાહે કે મંડળમાં “ભાઈઓ સંપસંપીને રહે.” (ગીત. ૧૩૩:૧) સર્વ ભક્તો એકતામાં રહે એ માટે ઈસુએ પ્રાર્થના કરી: ‘હું તેઓમાં અને તું મારામાં, એમ બધા એક થઈએ. જેથી જગત જાણે કે તેં મને મોકલ્યો છે, અને જેમ તેં મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તેઓના પર પણ પ્રેમ રાખ્યો છે.’ (યોહા. ૧૭:૨૩) એટલે મંડળમાં સંપ હશે તો બીજાઓ જોઈ શકશે કે આપણે ઈસુ અને ઈશ્વરના ભક્તો છીએ. ભાઈ-બહેનો સાથે સંપીને રહેવા આપણે ઈસુની જેમ તેઓની નબળાઈઓ ભૂલી જવી જોઈએ. ઈસુ હંમેશા બીજાઓની ભૂલો માફ કરતા હતા. તેમણે શીખવ્યું કે બીજાના અપરાધ માફ કરીશું તો જ યહોવાહ આપણને માફ કરશે.—માત્થી ૬:૧૪, ૧૫ વાંચો.

૮. વર્ષોથી જે ભાઈ-બહેનો ઈસુ જેવો સ્વભાવ કેળવવા કોશિશ કરે છે તેઓ પાસેથી શું શીખવા મળે છે?

૮ વર્ષોથી ઘણા ભાઈ-બહેનો ઈસુ જેવો સ્વભાવ કેળવવા કોશિશ કરે છે. તેઓ પાસેથી પણ આપણે ઘણું શીખી શકીએ છીએ. તેઓ ઈસુની જેમ બીજાઓની નબળાઈઓ જોઈને દયા બતાવે છે. બીજાઓની ‘નિર્બળતાને સહન કરે’ છે. એના લીધે મંડળમાં સંપ વધે છે. એટલું જ નહિ મંડળમાં બીજાઓને પણ ઈસુ જેવો સ્વભાવ બતાવવા ઉત્તેજન મળે છે. રોમના ભાઈ-બહેનોને ઈસુ જેવો સ્વભાવ કેળવવા પાઊલે ઉત્તેજન આપતા લખ્યું: ‘તમે એક ચિત્તે તથા એક અવાજે, ઈશ્વરનો, એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતાનો, મહિમા પ્રગટ કરો. એ માટે તમે ખ્રિસ્ત ઈસુને અનુસરીને એક જ મનના થાઓ, એવું વરદાન ધીરજ તથા દિલાસો ઈશ્વર તમને આપે.’ આપણે પણ પાઊલ જેવી ઇચ્છા રાખીએ છીએ. (રૂમી ૧૫:૧, ૫, ૬) મંડળમાં સંપ હશે તો બધા એક રાગે યહોવાહની સ્તુતિ કરી શકશે.

૯. ઈસુ જેવું વલણ બતાવવા શા માટે યહોવાહની શક્તિ જરૂરી છે?

૯ ઈસુએ કહ્યું કે પોતે “નમ્ર” છે. નમ્રતા, ઈશ્વરની શક્તિનો એક ગુણ છે. એટલે ઈસુ જેવું વલણ બતાવવા આપણને યહોવાહની શક્તિની પણ જરૂર છે. એ માટે આપણે યહોવાહને પ્રાર્થના કરીએ. ત્યાર પછી “પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, માયાળુપણું, ભલાઈ, એકનિષ્ઠા, નમ્રતા અને સંયમ” જેવા ગુણો બતાવવા પ્રયત્ન કરીએ. (ગલા. ૫:૨૨, ૨૩) જો ઈસુની જેમ નમ્ર અને દીન બનીશું તો આપણે યહોવાહને ખુશ કરીશું.

ઈસુની જેમ આપણે પણ બીજાઓ સાથે માયાળુ બનીએ

૧૦. ઈસુએ કેવી રીતે બીજાઓ પર માયા રાખી?

૧૦ માયાળુપણું પણ ઈશ્વરની શક્તિનો એક ગુણ છે. ઈસુએ બીજાઓ પર માયા રાખી. ઈસુ જેઓને પણ મળ્યા તેઓનો ‘આવકાર કર્યો.’ (લુક ૯:૧૧ વાંચો.) એમાંથી આપણે શું શીખી શકીએ? એ જ કે માયાળુ બનવા શાંત સ્વભાવ રાખીએ. બીજાની લાગણીઓ ધ્યાનમાં રાખીએ. દયાળુ બનીએ. ઈસુએ હંમેશા લોકોને દયા બતાવી “કેમકે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થએલા તથા વેરાઇ ગએલા હતા.”—માથ. ૯:૩૫, ૩૬.

૧૧, ૧૨. (ક) ઈસુએ સ્ત્રીને કઈ રીતે દયા અને હમદર્દી બતાવી? (ખ) આ બનાવમાંથી આપણને શું શીખવા મળે છે?

૧૧ ઈસુના કાર્યોમાં પણ દયા અને હમદર્દી દેખાતી હતી. એ સમજવા એક બનાવ જોઈએ. બાર વર્ષથી એક સ્ત્રીને લોહીવા હતો. તે જાણતી હતી કે ઈશ્વરના નિયમ પ્રમાણે તે કોઈને અડકે તો, એ વ્યક્તિ અશુદ્ધ થશે. તેમ જ, યહોવાહની ભક્તિમાં કોઈ ભાગ ન લઈ શકે. (લેવી. ૧૫:૨૫-૨૭) જોકે તે એ પણ જાણતી હતી કે ઈસુ બીજાઓને હમદર્દી અને દયા બતાવતા હતા. એટલે તેણે વિચાર્યું કે “જો હું માત્ર તેના લૂગડાને અડકું તો હું સાજી થઈશ.”

૧૨ જ્યારે આ સ્ત્રી હિંમતથી ઈસુને અડકે છે ત્યારે તેમણે આસપાસ નજર ફેરવી. ઈસુ જાણવા ચાહે છે કે કોણ તેમને અડક્યું. એનાથી સ્ત્રીને બીક લાગી. તેને લાગ્યું કે ઈસુ તેને શિક્ષા કરશે, કેમ કે તેણે ઈશ્વરનો નિયમ તોડ્યો હતો. એટલે તરત જ તેણે ઈસુને પગે પડીને બધું સાચેસાચું કહી દીધું. પણ શું ઈસુએ તેને શિક્ષા કરી? બિલકુલ નહિ! તેમણે સ્ત્રીને “કહ્યું, કે દીકરી, તારા વિશ્વાસે તેને બચાવી છે; શાંતિએ જા.” (માર્ક ૫:૨૫-૩૪) આ સાંભળીને સ્ત્રીને કેટલો દિલાસો મળ્યો હશે!

૧૩. (ક) ઈસુ કેવી રીતે ફારોશીઓથી અલગ હતા? (ખ) બાળકો સાથે ઈસુ કેવી રીતે વર્ત્યા?

૧૩ કઠણ દિલના ફરોશીઓ બીજાઓ પર મોટા મોટા નિયમો લાદતા હતા. ઈસુ પાસે સત્તા હતી તોપણ તેમણે કદીયે એમ કર્યું નહિ. (માથ. ૨૩:૪) એના બદલે ઈસુએ ધીરજથી બીજાઓને યહોવાહના માર્ગ વિષે શીખવ્યું. માયા રાખી અને પ્રેમ બતાવ્યો. તે મિત્ર બનીને બીજાઓની લાગણીઓ સમજ્યા. (નીતિ. ૧૭:૧૭; યોહા. ૧૫:૧૧-૧૫) અરે બાળકોને પણ ઈસુ પાસે જવું ગમતું હતું. બાળકોને મળીને ઈસુને પણ ઘણો આનંદ થતો હતો. કોઈ પણ બાળક ઈસુ પાસે આવતું ત્યારે તે હંમેશાં તેને સમય આપતા. દાખલા તરીકે, એક વખત ધર્મગુરુઓની જેમ જ શિષ્યો પણ દલીલ કરવા લાગ્યા કે ‘તેઓમાં સૌથી મોટું કોણ.’ એ સમયે અમુક બાળકો ઈસુ પાસે આવવા માગતા હતા. પણ શિષ્યોએ બાળકોને ધમકાવ્યા. એ ઈસુને જરાય ગમ્યું નહિ. તેમણે શિષ્યોને કહ્યું: “બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને વારો મા; કેમકે દેવનું રાજ્ય એવાંઓનું છે. હું તમને ખચીત કહું છું, કે જે કોઈ બાળકની માફક દેવનું રાજ્ય સ્વીકારશે નહિ, તે એમાં પ્રવેશ કરશે જ નહિ.”—માર્ક ૧૦:૧૩-૧૫.

૧૪. બાળકોને પ્રેમ બતાવીશું તો, શું પરિણામ આવશે?

૧૪ ઈસુએ જે બાળકોને પ્રેમ બતાવ્યો હતો તેઓનો વિચાર કરો. તેઓએ મોટા થઈને ઘણી વાર યાદ કર્યું હશે કે ઈસુએ તેઓને કેટલો પ્રેમ બતાવ્યો હતો. ‘તેઓને બાથમાં લીધાં, ને તેઓ પર હાથ મૂકીને આશીર્વાદ’ આપ્યો હતો. (માર્ક ૧૦:૧૬) આજે વડીલો અને આપણે ઈસુની જેમ બાળકોને પ્રેમ બતાવીએ છીએ. એનાથી બાળકો જાણશે કે આ જ લોકો યહોવાહના ભક્તો છે. એટલું જ નહિ, બાળકો મોટા થઈને પણ એ પ્રેમ કદી ભૂલશે નહિ.

કઠોર દુનિયામાં માયાળુ બનીએ

૧૫. શા માટે લોકો માયાળુ નથી?

૧૫ આજે લોકોને લાગે છે કે માયાળુ બનવું અઘરું છે. એટલે રોજ નોકરી કે રસ્તા પર અને સ્કૂલમાં આપણે બીજાનું કઠોર વલણ સહન કરવું પડે છે. ઈશ્વરનો સંદેશો ફેલાવીએ ત્યારે પણ કઠોર વલણ જોવા મળે છે. એવું વલણ જોઈને આપણને નવાઈ લાગતી નથી. પાઊલ દ્વારા યહોવાહે જણાવ્યું કે ‘છેલ્લા સમયમાં માણસો સ્વાર્થી અને પ્રેમરહિત હશે.’—૨ તીમો. ૩:૧-૩.

૧૬. મંડળમાં ઈસુ જેવું વલણ બતાવવા શું કરવું જોઈએ?

૧૬ મંડળમાં કોઈ પણ દુનિયાના લોકો જેવું વલણ બતાવતું નથી. પણ ઈસુ જેવો સ્વભાવ કેળવવા કોશિશ કરે છે. એનાથી આપણને ઉત્તેજન મળે છે. આપણે પણ મંડળમાં બીજાને મદદ કરવી જોઈએ. કેમ કે, ઘણા ભાઈ-બહેનો બીમારી કે તકલીફો સહન કરતા હોય છે. અને દુઃખની વાત છે કે “છેલ્લા સમયમાં” એવી તકલીફો વધારે થશે. પહેલી સદીના ભાઈ-બહેનોને પણ આવી તકલીફ સહન કરવી પડી હતી. પણ ભાઈ-બહેનો એકબીજાને મદદ કરતા હતા. આજે આપણે પણ તેઓની જેમ કરવું જોઈએ. એ માટે પાઊલે સલાહ આપી કે “બીકણોને ઉત્તેજન આપો, નિર્બળોને આશ્રય આપો, સઘળાંની સાથે સહનશીલ થાઓ.” (૧ થેસ્સા. ૫:૧૪) આ સલાહ પાળવા ઈસુ જેવું વલણ કેળવવું જોઈએ.

૧૭, ૧૮. આપણે કઈ રીતે ઈસુની જેમ માયાળુ બની શકીએ?

૧૭ ઈસુની જેમ આપણી પણ જવાબદારી છે કે ‘માણસોનો સ્વીકાર કરીને’ માયા રાખીએ. આપણે જાણતા હોય તેઓને જ નહિ, પણ પહેલી વાર મળ્યા હોય તેઓને પણ માયા અને દયા બતાવવી જોઈએ. (૩ યોહા. ૫-૮) બીજાઓને દયા બતાવવા ઈસુએ પહેલ કરી હતી. એવી જ રીતે આપણે પણ પહેલ કરવી જોઈએ.—યશા. ૩૨:૨; માથ. ૧૧:૨૮-૩૦.

૧૮ માયાળુ બનવાની સૌથી સારી રીત કઈ છે? એવું કંઈ કરીએ જેથી વ્યક્તિને લાગે કે આપણે તેમની સંભાળ રાખીએ છીએ. તેમના સંજોગો સમજીએ છીએ. જ્યારે પણ મદદ કરવાનો મોકો મળે ત્યારે તરત જ કરીએ. પાઊલે કહ્યું કે ‘એકબીજાને ગાઢ પ્રેમ બતાવો. માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.’ (રૂમી ૧૨:૧૦) એ માટે આપણે ઈસુની જેમ બીજાઓ માટે પ્રેમ બતાવવો પડશે અને માયા કેળવવી પડશે. બીજાઓ માટે ‘નિષ્કપટ પ્રેમ’ રાખવો પડશે. (૨ કોરીં. ૬:૬) નિષ્કપટ પ્રેમમાં શાનો સમાવેશ થાય છે એ વિષે પાઊલે કહ્યું કે ‘પ્રેમ સહનશીલ તથા પરોપકારી છે. પ્રેમ અદેખાઈ કરતો નથી. પ્રેમ આપવડાઈ કરતો નથી. ફૂલાઈ જતો નથી.’ (૧ કોરીં. ૧૩:૪) ભાઈ-બહેનો માટે મનમાં કડવાશ રાખવાને બદલે આપણે પાઊલની આ સલાહ પાળવી જોઈએ: ‘તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી આપી તેમ તમે એકબીજાને માફ કરો.’—એફે. ૪:૩૨.

૧૯. ઈસુ જેવા નમ્ર અને માયાળુ બનીએ ત્યારે કેવા આશીર્વાદો મળે છે?

૧૯ દરેક સંજોગોમાં ઈસુ જેવા નમ્ર અને માયાળુ બનીએ ત્યારે આપણને ઘણા આશીર્વાદો મળે છે. આમ કરવાથી યહોવાહની કૃપા આપણા મંડળ પર રહે છે. બધા જ ભાઈ-બહેનો ઈશ્વરના ગુણો કેળવી શકશે. ઈસુને અનુસરીને બીજાઓને મદદ કરીએ છીએ ત્યારે આપણને ખુશી મળે છે. સાથે સાથે મંડળમાં એકતા વધે છે જેનાથી યહોવાહને ખુશી મળે છે. તેથી ચાલો આપણે બધા ઈસુની જેમ નમ્રતા અને માયા બતાવતા રહીએ. (w09 9/15)

તમે સમજાવી શકો?

• ઈસુએ કઈ રીતે બતાવ્યું કે તે ‘નમ્ર તથા દીન છે?’

• ઈસુએ કઈ રીતે બીજાઓ પર માયા રાખી?

• આપણે કઈ રીતે ઈસુ જેવા નમ્ર અને માયાળુ બની શકીએ?

[પાન ૧૦ પર ચિત્ર]

પીતરની જેમ કોઈ ભાઈની શ્રદ્ધા ડગવા લાગે ત્યારે શું આપણે તેને મદદ કરીશું?

[પાન ૧૨ પર ચિત્ર]

મંડળમાં પ્રેમ અને સંપ વધારવા તમે શું કરી શકો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો