વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w18 નવેમ્બર પાન ૨૮-૩૦
  • કૃપા—વાણી-વર્તનથી દેખાઈ આવતો ગુણ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કૃપા—વાણી-વર્તનથી દેખાઈ આવતો ગુણ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવા બધા પર કૃપા બતાવે છે
  • ઈસુએ અપાર કૃપા બતાવી
  • બીજાઓ માટે સારાં કામ કરીને કૃપા બતાવીએ
  • કૃપાનો ગુણ કઈ રીતે કેળવી શકીએ?
  • દયા બધાને ગમે છે
  • કૃપા બતાવવાથી થતા ફાયદા
  • યહોવાહના સેવકોએ દિલથી દયા બતાવવી જ જોઈએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • હંમેશાં “કરુણાનો નિયમ” પાળતા રહીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • દયા વિનાના જગતમાં દયાળુ બનો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • ઈશ્વરની અપાર કૃપા માટે આભાર માનીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
w18 નવેમ્બર પાન ૨૮-૩૦

કૃપા વાણી-વર્તનથી દેખાઈ આવતો ગુણ

  • પ્રેમ

  • આનંદ

  • શાંતિ

  • ધીરજ

  • કૃપા

  • ભલાઈ

  • શ્રદ્ધા

  • નમ્રતા

  • સંયમ

કૃપા એટલે દયા બતાવવી. કૃપા બતાવવાથી વ્યક્તિને દિલાસો અને ખાતરી મળે છે. કોઈ આપણી સંભાળ રાખે તો આપણે તેમનો આભાર માનીએ છીએ. આપણા પર કૃપા બતાવવામાં આવે ત્યારે આપણને બધાને એ ગમે છે. આપણે કઈ રીતે બીજાઓ પર કૃપા બતાવી શકીએ? કઈ રીતે એ ગુણ કેળવી શકીએ?

બીજાઓ પર કૃપા કે દયા રાખવા શું કરવું જોઈએ? તેઓનું ધ્યાન રાખવું જોઈએ. વાણી-વર્તનથી દેખાઈ આવવું જોઈએ કે આપણે ખરેખર બીજાઓની સંભાળ રાખીએ છીએ. એવું દેખાડો કરવા માટે નહિ, પણ સાચા દિલથી કરવું જોઈએ. જો વ્યક્તિ માટે ઊંડો પ્રેમ અને લાગણી હોય, તો સહેલાઈથી કૃપા બતાવી શકાય છે. એ પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતો એક ગુણ છે. એ બધા ગુણો ઈશ્વરભક્તોએ કેળવવા જોઈએ. (ગલા. ૫:૨૨, ૨૩) આપણે પણ કૃપા બતાવવી જોઈએ. ચાલો જોઈએ કે યહોવા અને તેમના દીકરા ઈસુએ કઈ રીતે કૃપા બતાવી છે. એ પણ જોઈશું કે આપણે કઈ રીતે તેઓને અનુસરી શકીએ.

યહોવા બધા પર કૃપા બતાવે છે

યહોવા કૃપા બતાવે છે. તે બધાનો વિચાર કરે છે, ‘ઉપકાર ન માનનારાઓ અને દુષ્ટોનો’ પણ. (લુક ૬:૩૫) યહોવા “સારા અને ખરાબ લોકો પર સૂર્ય ઉગાડે છે તથા નેક અને દુષ્ટ લોકો પર વરસાદ વરસાવે છે.” (માથ. ૫:૪૫) યહોવાએ માણસો પર કૃપા બતાવી છે, અનેક જીવન-જરૂરી વસ્તુઓ આપી છે. જેઓ યહોવાને સર્જનહાર તરીકે સ્વીકારતા નથી, તેઓ પણ એ વસ્તુઓ વાપરી શકે છે અને જીવનનો આનંદ માણી શકે છે.

આદમ અને હવાએ પાપ કર્યું ત્યારે, યહોવાએ તેઓ પર દયા બતાવી. તેઓએ ‘અંજીરીનાં પાંદડાં સીવીને પોતાના માટે કપડાં બનાવ્યાં હતાં.’ યહોવા જાણતા હતા કે તેઓને યોગ્ય વસ્ત્રોની જરૂર પડશે. કેમ કે એદન બાગની બહાર ‘કાંટા તથા કાંટાળી’ જગ્યા હતી. યહોવાએ તેઓ પર દયા બતાવી અને ‘ચામડાનાં કપડાં’ બનાવી આપ્યાં. દયાનો કેટલો અદ્‍ભુત દાખલો!—ઉત. ૩:૭, ૧૭, ૧૮, ૨૧.

યહોવા “સારા અને ખરાબ લોકો” પર દયા બતાવે છે. તે પોતાના વિશ્વાસુ ભક્તો પર ખાસ દયા બતાવે છે. ચાલો પ્રબોધક ઝખાર્યાના સમયનો વિચાર કરીએ. મંદિરને ફરીથી બાંધવાનું કામ લોકોએ પડતું મૂક્યું હતું. એ જોઈને એક દૂતને બહુ દુઃખ થયું. દૂતે એ વિશે યહોવા સાથે વાત કરી ત્યારે તેમણે ધ્યાનથી સાંભળ્યું. તેમણે પ્રેમથી દૂતને ‘દિલાસો’ આપ્યો. (ઝખા. ૧:૧૨, ૧૩) ચાલો પ્રબોધક એલિયા વિશે જોઈએ. તે ઘણા નિરાશ થઈ ગયા હતા. એટલે તેમણે યહોવા પાસે મોત માંગ્યું. યહોવાએ એલિયાની લાગણીઓ પર ધ્યાન આપ્યું અને હિંમત આપવા એક દૂતને મોકલ્યા. યહોવાએ ખાતરી આપી કે એલિયા એકલા નથી. એ સમયે એલિયાને ખરેખર એવા જ પ્રેમાળ શબ્દો અને મદદની જરૂર હતી. એના લીધે તે પોતાની સોંપણી પૂરી કરી શક્યા. (૧ રાજા. ૧૯:૧-૧૮) યહોવાની જેમ કૃપા બતાવવામાં કોણે સૌથી સારો દાખલો બેસાડ્યો છે?

ઈસુએ અપાર કૃપા બતાવી

ઈસુ હંમેશાં બીજા લોકોનો વિચાર કરતા. તે દયાના સાગર હતા. એ માટે તે જાણીતા હતા. તે કઠોર કે ઘમંડી ન હતા. તેમને બીજાઓ માટે લાગણી હતી. તેમણે કહ્યું, ‘ઓ સખત મજૂરી કરનારાઓ અને બોજથી દબાયેલાઓ, તમે બધા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ, કેમ કે મારી ઝૂંસરી ઉપાડવામાં સહેલી છે.’ (માથ. ૧૧:૨૮-૩૦) એટલે લોકો તેમની પાછળ પાછળ જતા. ઈસુનું “હૈયું કરુણાથી ભરાઈ આવ્યું” એટલે તેમણે લોકોને ખોરાક પૂરો પાડ્યો. તેમણે નબળા અને બીમાર લોકોને સાજા કર્યા. તેમણે યહોવા વિશે તેઓને “ઘણી વાતો” શીખવી.—માર્ક ૬:૩૪; માથ. ૧૪:૧૪; ૧૫:૩૨-૩૮.

શાના પરથી કહી શકાય કે ઈસુના દિલમાં લોકો માટે દયા હતી? ઈસુ લોકોના સંજોગો સમજતા અને તેઓ સાથે સારી રીતે વર્તતા. એક વાર કેટલાક લોકો ઈસુને શોધતા શોધતા તેમની પાસે આવ્યા. ઈસુ આરામ કરવા ચાહતા હતા તોપણ, તેમણે “પ્રેમથી” લોકોની વાત સાંભળી. (લુક ૯:૧૦, ૧૧) દાખલા તરીકે, એક સ્ત્રી લોહી વહેવાની બીમારીથી પીડાતી હતી. નિયમશાસ્ત્ર પ્રમાણે તે અશુદ્ધ ગણાતી. તે ઈસુના ઝભ્ભાને અડકી કેમ કે તેને આશા હતી કે તે સાજી થઈ જશે. એ માટે ઈસુએ તેને ઠપકો ન આપ્યો. (લેવી. ૧૫:૨૫-૨૮) તે સ્ત્રી ૧૨ વર્ષથી પીડાતી હતી. ઈસુને તેના પર દયા આવી. તેમણે કહ્યું: ‘દીકરી, તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે. શાંતિથી જા અને આ બીમારીમાંથી સાજી થા.’ (માર્ક ૫:૨૫-૩૪) દયાનો કેવો સરસ દાખલો!

બીજાઓ માટે સારાં કામ કરીને કૃપા બતાવીએ

આગળ જોઈ ગયા તેમ, કૃપા વર્તનમાં દેખાઈ આવે છે. એ વાત ઈસુએ ભલા સમરૂનીના ઉદાહરણથી સમજાવી હતી. સમરૂનીઓ અને યહુદીઓ એકબીજાના દુશ્મન હતા. લૂંટારાઓએ એક યહુદી માણસને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો હતો. પણ એક સમરૂનીના દિલમાં દયા ઊભરાઈ આવી. તેણે પેલા માણસના ઘા પર મલમ-પટ્ટી કરી અને તેને ધર્મશાળામાં લઈ ગયો. પછી, તેણે ધર્મશાળાની દેખરેખ રાખનારને પૈસા આપ્યા અને ઘાયલ માણસની કાળજી લેવાનું કહ્યું. જો વધારાનો ખર્ચ થાય તો એ પણ આપવાની ખાતરી આપી. સમરૂનીએ ફક્ત દયા બતાવી જ નહિ, પણ એવાં કાર્યો પણ કર્યાં!—લુક ૧૦:૨૯-૩૭.

કૃપા ઘણી વાર કાર્યોથી બતાવી શકાય છે. ઉત્તેજન આપનારા અને સમજી-વિચારીને બોલેલા શબ્દોથી પણ દયા બતાવી શકાય છે. એટલે જ, બાઇબલ કહે છે, “પોતાના મનની ચિંતા માણસને વાંકો વાળી દે છે; પણ માયાળુ શબ્દો તેને ખુશ કરે છે.” (નીતિ. ૧૨:૨૫) આપણામાં કૃપા અને ભલાઈ હશે તો બીજાઓને ઉત્તેજન આપી શકીશું.a આપણા પ્રેમાળ શબ્દો બતાવી આપશે કે આપણે તેઓની સંભાળ રાખીએ છીએ. એનાથી તેઓને ઉત્તેજન મળશે અને તેઓ મુશ્કેલીઓનો સામનો કરી શકશે.—નીતિ. ૧૬:૨૪.

કૃપાનો ગુણ કઈ રીતે કેળવી શકીએ?

“ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે” માણસોને બનાવ્યા છે. એટલે આપણે બધા કૃપાનો ગુણ કેળવી શકીએ છીએ. (ઉત. ૧:૨૭) ચાલો રોમન લશ્કરના અધિકારી જુલિયસનો વિચાર કરીએ. પાઊલને તેની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. તેણે પાઊલ પર ‘દયા બતાવી અને પાઊલ સીદોન શહેરમાં પોતાના મિત્રોને ત્યાં જઈને મહેમાનગતિ માણી શકે, એવી છૂટ આપી.’ (પ્રે.કા. ૨૭:૩) થોડા સમય પછી, પાઊલ અને તેમના સાથીઓનું વહાણ ભાંગી ગયું. એ સમયે માલ્ટા ટાપુના રહેવાસીઓએ તેઓ પર ‘ઘણી દયા’ બતાવી. ઠંડી હોવાથી રહેવાસીઓએ તેઓ માટે તાપણું પણ કર્યું. (પ્રે.કા. ૨૮:૧, ૨) તેઓએ જે કર્યું એ વખાણવા લાયક હતું. પણ, દયાળુ વ્યક્તિ બનવા કોઈક વાર બીજાઓ માટે દયા બતાવવી જ પૂરતું નથી, એનાથી વધારે પણ સમાયેલું છે.

ઈશ્વરને ખુશ કરવા કૃપાનો ગુણ આપણા સ્વભાવમાં વણાઈ જવો જોઈએ. એ આપણા રોજબરોજના જીવનમાં દેખાઈ આવવો જોઈએ. એટલે યહોવા આપણને કૃપા ‘પહેરી લેવા’ જણાવે છે. (કોલો. ૩:૧૨) ખરું કે, આ ગુણ કેળવવો હંમેશાં સહેલું હોતું નથી. શા માટે? કદાચ આપણો સ્વભાવ શરમાળ હોય, આપણને ડર લાગતો હોય, વિરોધનો સામનો કરતા હોઈએ કે પછી આપણામાં સ્વાર્થી વલણની છાંટ હોય. આપણે કઈ રીતે આ મુશ્કેલીઓમાંથી બહાર આવી શકીએ? પવિત્ર શક્તિ પર ભરોસો રાખવો જોઈએ. દયા બતાવવામાં યહોવાએ સુંદર દાખલો બેસાડ્યો છે. આપણે એને અનુસરવું જોઈએ.—૧ કોરીં. ૨:૧૨.

એવાં કયા પાસાંઓ છે, જ્યાં દયા બતાવવામાં આપણે સુધારો કરવાની જરૂર છે? પોતાને પૂછો: ‘શું હું બીજાઓની વાત ધ્યાનથી સાંભળું છું? શું હું બીજાઓની જરૂરિયાતો પર ધ્યાન આપું છું? છેલ્લે ક્યારે મેં અજાણ્યા લોકો પર દયા બતાવી હતી?’ આપણે અમુક ધ્યેય રાખી શકીએ. જેમ કે, આસપાસના લોકોને સારી રીતે ઓળખવાનો પ્રયત્ન કરીએ, ખાસ કરીને મંડળના લોકોને. એમ કરવાથી આપણે તેઓનાં સંજોગો અને જરૂરિયાતો વિશે જાણી શકીશું. બીજાઓ આપણા પર કૃપા બતાવે તો આપણને ગમે છે. એવી જ રીતે, આપણે પણ બીજાઓ પર કૃપા બતાવવી જોઈએ. (માથ. ૭:૧૨) કૃપાનો ગુણ કેળવવા મહેનત કરીશું અને યહોવા પાસે મદદ માંગીશું તો, એ મહેનત રંગ લાવશે.—લુક ૧૧:૧૩.

દયા બધાને ગમે છે

પ્રેરિત પાઊલે જણાવ્યું કે અમુક ગુણો તેમને ઈશ્વરના સેવક તરીકે ઓળખાવવા મદદ કરે છે. એમાં દયાનો પણ સમાવેશ થતો હતો. (૨ કોરીં. ૬:૩-૬) પાઊલે વાણી-વર્તન દ્વારા બતાવી આપ્યું કે તેમને બીજાઓની ચિંતા છે. એટલે લોકોને તેમની પાસે જવું ગમતું હતું. (પ્રે.કા. ૨૮:૩૦, ૩૧) એવી જ રીતે, જો આપણાં વાણી-વર્તનમાં દયા દેખાશે, તો લોકો પણ સત્ય તરફ ખેંચાશે. આપણે લોકોને દયા બતાવવી જોઈએ. અરે, આપણો વિરોધ કરનારાઓને પણ દયા બતાવવી જોઈએ. એમ કરીશું તો પથ્થર દિલના લોકો પીગળી જશે. (રોમ. ૧૨:૨૦) સમય જતાં, તેઓ કદાચ ખુશખબર સાંભળવા તૈયાર થશે.

નવી દુનિયામાં ગણ્યા ગણાય નહિ એટલા લોકો સજીવન થશે. તેઓમાંના ઘણા કદાચ પહેલી વાર સાચી કૃપાનો અનુભવ કરશે. તેઓ એની કદર કરશે અને બીજાઓને કૃપા બતાવશે. જે કૃપા નહિ બતાવે, તેને ઈશ્વરના રાજ્યમાં હંમેશ માટે જીવવા મળશે નહિ. ઈશ્વર જેઓને હંમેશ માટેનું જીવન આપશે, તેઓ એકબીજા સાથે પ્રેમ અને દયાથી વર્તશે. (ગીત. ૩૭:૯-૧૧) જરા વિચારો તો ખરા, દુનિયામાં બધે શાંતિ અને સલામતી હશે! આપણે હમણાં કઈ રીતે કૃપા બતાવી શકીએ?

કૃપા બતાવવાથી થતા ફાયદા

બાઇબલ જણાવે છે કે, ‘દયાળુ માણસ પોતાનું ભલું કરે છે.’ (નીતિ. ૧૧:૧૭) દયાળુ વ્યક્તિ બધાને ગમે છે. તેઓ પણ સામે દયા બતાવે છે. ઈસુએ કહ્યું હતું: “જે માપથી તમે માપી આપો છો, એ માપથી તેઓ તમને પણ પાછું માપી આપશે.” (લુક ૬:૩૮) દયાળુ વ્યક્તિ સહેલાઈથી મિત્રો બનાવે છે અને મિત્રતા નિભાવે છે.

પ્રેરિત પાઊલે એફેસસનાં ભાઈ-બહેનોને અરજ કરી: “એકબીજા સાથે માયાળુ અને કૃપાળુ થાઓ, એકબીજાને દિલથી માફ કરો.” (એફે. ૪:૩૨) જ્યારે બધાં ભાઈ-બહેનો એકબીજાને દયા બતાવે છે અને મદદ કરે છે, ત્યારે મંડળને ફાયદો થાય છે. એવાં ભાઈ-બહેનો બીજાઓને તોડી પાડતાં નથી કે મહેણાં-ટોણાં મારતાં નથી. નુકસાન કરતી વાતો, ચાડી-ચુગલી કરતાં નથી. પોતાના શબ્દોથી બીજાઓને ઉત્તેજન આપે છે. (નીતિ. ૧૨:૧૮) પરિણામે, મંડળમાં બધા સંપીને ખુશીથી યહોવાની સેવા કરી શકે છે.

સાચે જ, કૃપા વાણી-વર્તનમાં દેખાઈ આવતો ગુણ છે. યહોવા પ્રેમ અને ઉદારતા બતાવે છે. આપણે કૃપા બતાવીએ છીએ ત્યારે, યહોવાને અનુસરીએ છીએ. (એફે. ૫:૧) આમ, આપણે મંડળની એકતામાં વધારો કરીએ છીએ. સાથે સાથે, બીજાઓને પણ સાચી ભક્તિ તરફ દોરી લાવીએ છીએ. ચાલો, આપણે કૃપા બતાવવામાં સારો દાખલો બેસાડીએ.

a “પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણો” શૃંખલાના નવ લેખોમાં આવતો લેખ ભલાઈ વિશે હશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો