હંમેશાં “કરુણાનો નિયમ” પાળતા રહીએ
લીસાબહેન અને એનબહેનને યહોવાના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખવું ગમતું હતું.a તેઓને આજે પણ બાઇબલ વાંચવું અને એના પર મનન કરવું બહુ ગમે છે. જોકે તેઓ બીજા કોઈ કારણને લીધે બાઇબલના શિક્ષણ તરફ આકર્ષાયાં હતાં. એ વિશે લીસાબહેન કહે છે, “ભાઈ-બહેનો બીજાઓને ખૂબ જ પ્રેમ કરે છે અને તેઓની સંભાળ રાખે છે. એની મારા પર ઊંડી અસર થઈ.” એનબહેન પણ કહે છે, “બાઇબલના શિક્ષણથી પણ વધારે મારા દિલને એ સ્પર્શી ગયું કે ભાઈ-બહેનો બીજાઓને કેટલો પ્રેમ કરે છે અને કેટલી મદદ કરે છે.” એ બંને બહેનોના શબ્દોથી દેખાઈ આવે છે કે પ્રેમ અથવા કૃપાના ગુણની તેઓ પર ઘણી અસર થઈ.
આપણે કઈ રીતે કૃપા બતાવીને બીજાઓનો ઉત્સાહ વધારી શકીએ? (૧) આપણી વાતોથી અને (૨) આપણાં કામોથી. એ પણ જોઈશું કે આપણે કોને કૃપા બતાવવી જોઈએ.
આપણી વાતોથી
નીતિવચનો અધ્યાય ૩૧માં એક સારી પત્ની વિશે જણાવ્યું છે. તેની “જીભ પર કરુણાનો નિયમ” છે. (નીતિ. ૩૧:૨૬, ફૂટનોટ) એટલે કે તે હંમેશાં કૃપાળુ અથવા માયાળુ શબ્દો બોલે છે. એ તેનો “નિયમ” છે. પતિઓ અને પિતાઓએ પણ બોલતી વખતે એ “નિયમ” પાળવો જોઈએ. ઘણાં માબાપો સારી રીતે જાણે છે કે જો તેઓ બાળકો સાથે ગુસ્સાથી વાત કરશે, તો બાળકો પર એની ખરાબ અસર પડશે. અરે, બાળકો તેઓની વાત પણ નહિ માને. પણ જો તેઓ બાળકો સાથે પ્રેમ અને કોમળતાથી વાત કરશે, તો બાળકો તેઓની વાત સાંભળશે અને એ પ્રમાણે કરશે પણ ખરાં.
ભલે આપણાં બાળકો હોય કે ન હોય, આપણે કઈ રીતે માયાળુ શબ્દોનો ઉપયોગ કરી શકીએ? એનો જવાબ આપણને નીતિવચનો ૩૧:૨૬ના પહેલા ભાગમાંથી જોવા મળે છે. ત્યાં લખ્યું છે, “તે બુદ્ધિની વાતો કહે છે.” એનો અર્થ એમ થાય કે આપણે બોલતા પહેલાં બે વાર વિચાર કરવો જોઈએ કે આપણે શું બોલીશું અને કેવી લાગણી સાથે બોલીશું. આપણે પોતાને પૂછી શકીએ, ‘હું જે કહીશ એનાથી વાતનું વતેસર થશે કે પછી શાંતિ જળવાશે?’ (નીતિ. ૧૫:૧) આમ કરીશું તો સમજી-વિચારીને બોલીશું.
નીતિવચનોના પુસ્તકમાં લખ્યું છે કે “વગર વિચાર્યે બોલવું તલવારના ઘા જેવું છે.” (નીતિ. ૧૨:૧૮) આપણે કંઈ પણ બોલતા પહેલાં વિચારવું જોઈએ કે આપણી વાતોથી અને બોલવાની રીતથી બીજાઓને કેવું લાગશે. આ રીતે આપણે પોતાની જીભને કાબૂમાં રાખી શકીશું. જો આપણે પોતાનાં જીવનમાં “કરુણાનો નિયમ” પાળીશું એટલે કે માયાળુ શબ્દો બોલીશું, તો અપમાનજનક વાતો કરીને બીજાઓને દુઃખ નહિ પહોંચાડીએ. (એફે. ૪:૩૧, ૩૨) એના બદલે આપણે લોકો સાથે પ્રેમથી વાત કરીશું, જેથી તેઓની હિંમત વધે. આ બાબતમાં આપણે યહોવા પાસેથી શીખી શકીએ. તેમના સેવક એલિયા બહુ ડરી ગયા હતા. એ વખતે યહોવાએ એક દૂત દ્વારા તેમની હિંમત વધારી. બાઇબલમાં લખ્યું છે કે દૂતે “કોમળ” રીતે વાત કરી. (૧ રાજા. ૧૯:૧૨) આપણી વાતોની સાથે સાથે કામોમાં પણ કૃપાનો ગુણ દેખાય આવવો જોઈએ. ચાલો એ વિશે વધારે જોઈએ.
આપણાં કામોથી
જો આપણે વાતોમાં અને કામોમાં કૃપા બતાવીશું તો યહોવાને અનુસરી શકીશું. (એફે. ૪:૩૨; ૫:૧, ૨) લીસાબહેન વિશે આપણે આગળ જોઈ ગયા. તે જણાવે છે કે યહોવાના સાક્ષીઓ તેમના કુટુંબ સાથે કઈ રીતે વર્ત્યા. તે કહે છે, “અમારે અચાનક ઘર બદલવાનું થયું અને અમારી પાસે વધારે સમય ન’તો. બે યુગલ પોતાના કામથી રજા લઈને અમને મદદ કરવા આવ્યાં. તેઓ યહોવાના સાક્ષીઓ હતાં. એ વખતે હું બાઇબલનો અભ્યાસ પણ ન’તી કરતી.” આ વાત લીસાબહેનના દિલને એટલી સ્પર્શી ગઈ કે તેમણે બાઇબલનો અભ્યાસ શરૂ કર્યો.
એનબહેન સાથે પણ એવું જ કંઈક બન્યું. તે કહે છે, “દુનિયા એટલી ખરાબ થઈ ગઈ છે કે કોઈના પર ભરોસો જ ન કરી શકાય. એટલે હું જ્યારે યહોવાના સાક્ષીઓને મળી ત્યારે તેઓ પર તરત ભરોસો ન કરી શકી. હું વિચારવા લાગી કે તેઓને મારી કેમ આટલી ચિંતા છે. પણ મને અહેસાસ થયો કે જે બહેન મને બાઇબલમાંથી શીખવી રહ્યા હતા, તેમને સાચે જ મારી ચિંતા છે. એટલે હું તેમના પર ભરોસો કરવા લાગી.” એનું શું પરિણામ આવ્યું? તે આગળ જણાવે છે, “હું જે શીખતી હતી હવે એના પર વધારે ધ્યાન આપવા લાગી.”
મંડળનાં ભાઈ-બહેનોએ લીસાબહેન અને એનબહેનને પ્રેમ અને કરુણા બતાવ્યાં ત્યારે, તેઓ પર ઊંડી અસર થઈ. એના લીધે તેઓ બાઇબલમાંથી શીખવા લાગ્યાં. તેઓ યહોવા અને તેમના ભક્તો પર ભરોસો કરવા લાગ્યાં.
યહોવાની જેમ કૃપા બતાવીએ
કદાચ અમુક લોકોનાં ઉછેર અને સંસ્કૃતિને લીધે તેઓ માટે પ્રેમથી અને સ્માઈલ આપીને વાત કરવી સહેલી છે. એ ખરેખર સારી વાત કહેવાય. પણ આપણે ફક્ત ઉછેર અને સંસ્કૃતિને લીધે જ બીજાઓને કૃપા બતાવતા હોઈએ તો આપણે યહોવાની જેમ કૃપા નથી બતાવતા.—પ્રેરિતોનાં કાર્યો ૨૮:૨ સરખાવો.
જો આપણે યહોવાની જેમ કૃપા બતાવવા માંગતા હોઈએ, તો તેમની પવિત્ર શક્તિની મદદથી જ એ ગુણ બતાવી શકીએ છીએ. (ગલા. ૫:૨૨, ૨૩) એ ગુણ કેળવવા પવિત્ર શક્તિ પ્રમાણે વિચારીએ અને કામો કરીએ. એમ કરીને આપણે યહોવાને અનુસરીએ છીએ. આપણે બતાવી આપીએ છીએ કે યહોવાને પ્રેમ કરીએ છીએ. આપણે ઈસુને પણ અનુસરવા માંગીએ છીએ. એટલે બીજાઓમાં ઊંડો રસ લઈએ છીએ અને તેઓને દિલથી પ્રેમ કરીએ છીએ. યહોવા અને લોકો માટેનો પ્રેમ જ આપણને કૃપા બતાવવા ઉત્તેજન આપે છે. જ્યારે એમ કરીએ છીએ ત્યારે યહોવા આપણાથી ઘણા ખુશ થાય છે.
કોને કૃપા બતાવવી જોઈએ?
આપણે એવા લોકોને કૃપા બતાવીએ છીએ જેઓ આપણને કૃપા બતાવે છે અથવા જેઓને આપણે ઓળખતા હોઈએ. (૨ શમુ. ૨:૬) કૃપા બતાવવાની એક રીત છે, આભાર માનવો. (કોલો. ૩:૧૫) પણ ત્યારે શું જ્યારે આપણને લાગે કે વ્યક્તિ કૃપાને લાયક નથી?
આપણામાંથી કોઈ પણ યહોવાની કૃપાને લાયક નથી. છતાં તે આપણા પર કૃપા બતાવે છે. બાઇબલમાં એને “અપાર કૃપા” કહેવામાં આવી છે. ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં એ શબ્દનો ઘણી વાર ઉપયોગ થયો છે. અપાર કૃપા બતાવવામાં યહોવા સૌથી અજોડ છે. બાઇબલમાંથી શીખવા મળે છે કે કઈ રીતે આપણે બીજાઓ પર કૃપા બતાવી શકીએ. તો આપણને સવાલ થાય કે યહોવા કઈ રીતે આપણા પર કૃપા બતાવે છે?
યહોવા પૃથ્વી પર રહેતા લાખો-કરોડો લોકોને બધી જ વસ્તુઓ પૂરી પાડે છે, જે તેઓને જીવવા માટે જરૂરી છે. (માથ. ૫:૪૫) લોકો યહોવાને ઓળખતા ન હતા, ત્યારથી તે તેઓ પર કૃપા બતાવતા આવ્યા છે. (એફે. ૨:૪, ૫, ૮) તેમણે માણસજાત માટે પોતાના એકના એક વહાલા દીકરાને આપી દીધા. પ્રેરિત પાઉલે લખ્યું કે યહોવાએ “અપાર કૃપા” બતાવીને પોતાના દીકરાને લોકોનાં પાપ માટે આપી દીધા. (એફે. ૧:૭) એટલું જ નહિ, આપણે ઘણી વાર પાપ કરીને યહોવાના દિલને દુઃખ પહોંચાડીએ છીએ. તેમ છતાં તે આપણને યોગ્ય માર્ગદર્શન આપતા રહે છે અને શીખવતા રહે છે. તેમની સલાહ અને શબ્દો જાણે “ઝરમર વરસાદ” જેવાં છે. (પુન. ૩૨:૨) યહોવાની અપાર કૃપા માટે તેમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. યહોવાએ અપાર કૃપા ન બતાવી હોત તો, આપણી પાસે ભાવિની કોઈ આશા ન હોત.—૧ પિતર ૧:૧૩ સરખાવો.
યહોવાએ આપણા પર કેટલી કૃપા કરી છે એ વિશે વિચારીએ છીએ ત્યારે આપણું મન આભારથી છલકાઈ જાય છે. આપણને પણ બીજાઓ પર કૃપા બતાવવાનું મન થાય છે. આપણે ફક્ત અમુક લોકોને જ નહિ, પણ બધા જ લોકોને કૃપા બતાવવી જોઈએ. એ આપણાં જીવનનો ભાગ હોવો જોઈએ. (૧ થેસ્સા. ૫:૧૫) આપણે દરરોજ આપણાં કુટુંબીજનો, ભાઈ-બહેનો, સાથે કામ કરનારા, સાથે ભણનારા અને પડોશીઓને પ્રેમ અને કૃપા બતાવીશું તો તેઓને ઘણી રાહત મળશે. આપણને મળીને તેઓને એવું લાગશે કે જાણે કડકડતી ઠંડીમાં તાપણું મળી ગયું હોય.
શું તમારા કુટુંબમાં કે મંડળમાં એવું કોઈ છે, જેમના માટે તમે કંઈ કરી શકો અથવા બે મીઠા બોલ બોલીને તેમની હિંમત વધારી શકો? બની શકે કે કોઈ ભાઈ કે બહેનને પોતાના ઘર કે બગીચાની દેખરેખ રાખવા અથવા જરૂરી સામાન લાવવા માટે મદદ જોઈતી હોય. કદાચ એવું પણ બને કે પ્રચારમાં તમે એવા કોઈને મળો જેને મદદની જરૂર હોય. શું તમે તેમના પર કૃપા બતાવશો?
ચાલો આપણે યહોવાને અનુસરીને વાતો અને કામોથી બતાવીએ કે આપણે “કરુણાનો નિયમ” પાળીએ છીએ.
a નામ બદલ્યાં છે.