ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ
યહોવાહે દરેકને પસંદગી કરવાની છૂટ આપી છે
દરેક માબાપે પોતાનાં બાળકો માટે સારો દાખલો બેસાડવો જોઈએ. એનાથી બાળકોને સારા ગુણો કેળવવા મદદ મળશે અને તેઓ જીવનમાં સારા નિર્ણય લઈ શકશે. પણ દુઃખની વાત છે કે મોટા ભાગનાં માબાપ પોતાનાં બાળકો માટે સારો દાખલો બેસાડતા નથી. શું એવાં બાળકો પોતાનાં માબાપ જેવાં જ બનશે? એનો જવાબ આ હકીકતમાંથી મળે છે: યહોવાહે આપણું સર્જન એ રીતે કર્યું છે કે દરેકને કોઈ પણ બાબતે પસંદગી કરવાની છૂટ છે. ચાલો બીજો રાજાઓ ૧૮:૧-૭માંથી હિઝકીયાહનો વિચાર કરીએ.
હિઝકીયાહ “યહુદાહના રાજા આહાઝનો દીકરો” હતો. (કલમ ૧) આહાઝ પોતાની પ્રજાને યહોવાહની ભક્તિથી દૂર લઈ ગયો. એ દુષ્ટ રાજાએ બઆલની પૂજા કરી અને માનવ બલિદાન ચઢાવ્યાં. અરે, હિઝકીયાહના એક કે એથી વધારે ભાઈઓના બલિદાન પણ ચઢાવવામાં આવ્યાં હતાં. આહાઝે યહોવાહના મંદિરના દરવાજા બંધ કરાવ્યા અને “પોતાને સારૂ યરૂશાલેમને ખૂણેખાંચરે વેદીઓ બનાવી.” આમ, તેણે “યહોવાહને રોષ ચઢાવ્યો.” (૨ કાળવૃત્તાંત ૨૮:૩, ૨૪, ૨૫) સાચે જ, હિઝકીયાહના પિતા ખૂબ જ ખરાબ હતા. શું એનો અર્થ એ થાય કે પોતાના પિતા જેવા બનવા સિવાય હિઝકીયાહ પાસે કોઈ પસંદગી ન હતી?
આહાઝ પછી હિઝકીયાહ રાજગાદીએ બેઠો. તેણે બતાવી આપ્યું કે તે કંઈ આંખો મીંચીને તેના પિતાને પગલે નહિ ચાલે. હિઝકીયાહે “યહોવાહની દૃષ્ટિમાં જે સારૂં હતું તે કર્યું.” (કલમ ૩) હિઝકીયાહે યહોવાહમાં પૂરો ભરોસો મૂક્યો અને “યહુદાહના જે સર્વ રાજા થઈ ગયા તેઓમાં તેના જેવો બીજો કોઈ નહોતો.” (કલમ ૫) તેના રાજના પહેલા જ વર્ષે તેણે યહોવાહની ભક્તિ પાછી શરૂ કરવા કમર કસી. તેણે દેવદેવીઓ માટેનાં ઉચ્ચસ્થાનો કાઢી નાખ્યાં. યહોવાહનું મંદિર ફરી ખોલ્યું અને તેમની ભક્તિ ફરીથી શરૂ કરી. (કલમ ૪; ૨ કાળવૃત્તાંત ૨૯:૧-૩, ૨૭-૩૧) હિઝકીયાહ ‘યહોવાહને વળગી રહ્યો અને તે તેની સાથે હતા.’—કલમ ૬, ૭.
યુવાન રાજકુમાર હિઝકીયાહને તેના પિતાના ખરાબ માર્ગે ન ચાલવા શાનાથી મદદ મળી? આપણે તેની માતા અબી વિષે બહુ જાણતા નથી. શું એવું હોઈ શકે કે તેની માતાએ સારો દાખલો બેસાડ્યો હોય? કે પછી હિઝકીયાહના જન્મ પહેલાંથી પ્રબોધ કરનાર, યશાયાહના સારા દાખલામાંથી તેને મદદ મળી હોય?a બાઇબલ એ વિષે કોઈ ચોક્કસ માહિતી આપતું નથી. પણ એક વાત સાફ છે કે હિઝકીયાહે જે માર્ગ પસંદ કર્યો, એ તેના પિતાએ લીધેલા ખોટા માર્ગથી સાવ અલગ હતો.
માબાપે સારો દાખલો બેસાડ્યો ન હોવાથી જેઓને બાળપણમાં ખરાબ અનુભવ થયા હોય, તેઓ માટે હિઝકીયાહે સારો દાખલો બેસાડ્યો છે. બની ગયેલા બનાવોને આપણે ન તો બદલી શકીએ કે ન એ દુઃખદ અનુભવોના ઘા રુઝાવી શકીએ. પણ એવા અનુભવોને લીધે આપણા ભાવિ પર અંધકાર છવાઈ જવા ન દઈએ. આપણે હાલમાં એવી પસંદગી કરી શકીએ, જેનાથી આપણું ભાવિ ઉજ્જવળ થઈ જાય. હિઝકીયાહની જેમ આપણે પણ સાચા ઈશ્વર યહોવાહને વળગી રહીને, તેમની જ ભક્તિ કરવાનું પસંદ કરીએ. એમ કરવાથી આપણને હમણાં જીવનમાં સંતોષ મળે છે. તેમ જ, ભાવિમાં યહોવાહની નવી દુનિયામાં સુખચેનથી અમર જીવનની આશા છે. (૨ પીતર ૩:૧૩; પ્રકટીકરણ ૨૧:૩, ૪) પ્રેમાળ ઈશ્વર યહોવાહે આપણને પસંદગી કરવાની સુંદર ભેટ આપી છે, એ માટે કેટલા આભારી છીએ! (w10-E 09/01)
[ફુટનોટ્સ]
a આશરે ઈસવીસન પૂર્વે ૭૭૮-૭૩૨ સુધી યશાયાહે પ્રબોધ કર્યો. હિઝકીયાહે ઈસવીસન પૂર્વે ૭૪૫માં રાજ કરવાનું શરૂ કર્યું ત્યારે તે ૨૫ વર્ષનો હતો.