વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w10 ૯/૧ પાન ૨૮-૩૨
  • આજે આગેવાની લેતા ઈસુ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આજે આગેવાની લેતા ઈસુ
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈસુ પૃથ્વી પરના ચાકરને શુદ્ધ કરે છે
  • પૃથ્વીની ફસલની કાપણી
  • ઈસુ મંડળની આગેવાની લે છે
  • “પ્રભુ ઈસુ, આવ”
  • ઈસુ પોતાની જીત પૂરી કરે છે
  • ‘જુઓ, હું સર્વકાળ તમારી સાથે છું’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • ‘ખ્રિસ્ત આપણા આગેવાન છે’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • શું તમે “સત્યનો આત્મા” મેળવ્યો છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • જીવનના ઝરામાંથી પાણી પીવા માટે યોગ્ય ગણાયા
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
w10 ૯/૧ પાન ૨૮-૩૨

આજે આગેવાની લેતા ઈસુ

“તે જીતતો તથા જીતવા સારૂ નીકળ્યો.”—પ્રકટી. ૬:૨.

૧, ૨. (ક) ઈસુ ૧૯૧૪માં રાજા બન્યા પછી શું કરશે એના વિષે બાઇબલ શું કહે છે? (ખ) ઈસુએ રાજા બન્યા પછી કેવાં પગલાં લીધાં?

યહોવાહે ૧૯૧૪માં ઈસુને સ્વર્ગમાં મસીહી રાજ્યના રાજા બનાવ્યા. ઈસુ અત્યારે શું કરતા હશે? શું તે મંડળોમાં જે થઈ રહ્યું છે એ જોવા, રાજગાદીએ બેસીને કોઈ કોઈ વાર પૃથ્વી પર નજર નાખતા હશે? આપણને જો એમ લાગતું હોય, તો આપણા વિચારો બદલવાની જરૂર છે. ગીતશાસ્ત્ર અને પ્રકટીકરણનું પુસ્તક બતાવે છે કે ઈસુ શૂરવીર રાજા છે, જે ઘોડા પર બેસી લડવા નીકળ્યા છે. તે ‘જીતતા તથા જીતવા સારૂ નીકળ્યા’ છે. તે ચોક્કસ ‘વિજય’ પામશે.—પ્રકટી. ૬:૨; ગીત. ૨:૬-૯; ૪૫:૧-૪.

૨ ઈસુ રાજા બન્યા પછી, સૌથી પહેલા તેમણે ‘અજગર અને તેના દૂતો’ પર જીત મેળવી. મીખાએલ સર્વ દૂતોના પ્રમુખ હોવાથી, તેમણે શેતાન અને તેના દુષ્ટ દૂતોને સ્વર્ગમાંથી પૃથ્વી પર ફેંકી દીધા. (પ્રકટી. ૧૨:૭-૯) પછી ઈસુ કરારના દૂત તરીકે યહોવાહ સાથે પૃથ્વી પરના મંદિર એટલે મંડળની હાલત જોવા આવ્યા. (માલા. ૩:૧) તેમને જોવા મળ્યું કે ચર્ચોના ખ્રિસ્તીઓ સૌથી વધારે ગુનેગાર છે. તેઓ જે ઈશ્વરને ભજવાનો દાવો કરે છે, તેમને છોડીને ‘મહાન બાબેલોન’ સાથે જોડાઈને ખૂનખરાબી અને રાજકારણમાં ડૂબેલા છે.—પ્રકટી. ૧૮:૨, ૩, ૨૪.

ઈસુ પૃથ્વી પરના ચાકરને શુદ્ધ કરે છે

૩, ૪. (ક) યહોવાહના ‘કરારના દૂત’ તરીકે ઈસુએ કેવાં કામો કર્યાં? (ખ) મંડળમાં ભક્તિની ગોઠવણની તપાસ કરવાથી શું માલૂમ પડ્યું? (ગ) આગેવાન તરીકે ઈસુએ મંડળની જવાબદારી કોને સોંપી?

૩ યહોવાહ અને ‘કરારના દૂત’ ઈસુ પૃથ્વી પર મંડળમાં ભક્તિની ગોઠવણ જોવા આવ્યા. તેઓએ જોયું કે અમુક જણ ચર્ચોનો જરાય ભાગ ન હતા. તેઓ પૂરા દિલથી યહોવાહને જ ભજતા હતા. એ અભિષિક્તો એટલે “લેવીના પુત્રોને” પણ શુદ્ધ કરવાની જરૂર હતી. તેઓ વિષે સદીઓ પહેલાં પ્રબોધક માલાખીએ આમ લખ્યું: “તે [યહોવાહ] રૂપું ગાળનાર તથા શુદ્ધ કરનારની પેઠે બિરાજશે, ને તે લેવીના પુત્રોને શુદ્ધ કરીને ચોખ્ખા સોનારૂપા જેવા કરશે; અને તેઓ યહોવાહને ન્યાયીપણાથી અર્પણો ચઢાવશે.” (માલા. ૩:૩) એ અભિષિક્તોને શુદ્ધ કરવા યહોવાહે ‘કરારના દૂત’ ઈસુને મોકલ્યા.

૪ ઈસુએ જોયું કે એ અભિષિક્તો અન્‍નની જેમ ઈશ્વરનું જ્ઞાન સાચા ભક્તોને સમયસર પૂરું પાડવા મહેનત કરતા હતા. તેઓ ચડતી અને પડતીમાં પણ યહોવાહના રાજ્ય વિષે ૧૮૭૯થી બાઇબલ આધારિત માહિતી વોચટાવર મૅગેઝિનમાં બહાર પાડે છે. ઈસુએ કહ્યું હતું કે ‘જગતના અંતના’ સમયે પોતાના ઘરનાંને જોવા આવશે ત્યારે, માલૂમ પડશે કે ચાકર વર્ગ ‘વખતસર ખાવાનું’ પૂરું પાડે છે કે નહિ. એટલે ઈસુ એને “પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે.” (માથ. ૨૪:૩, ૪૫-૪૭) ઈસુ મંડળના આગેવાન હોવાથી “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વર્ગને ઈશ્વરના રાજ્યને લગતાં બધાં કામ સોંપે છે. તેમ જ, તે પોતાના “ઘરનાંને” અને ‘બીજાં ઘેટાંને’ ગવર્નિંગ બૉડી દ્વારા માર્ગદર્શન પૂરું પાડે છે.—યોહા. ૧૦:૧૬.

પૃથ્વીની ફસલની કાપણી

૫. યોહાને સંદર્શનમાં મસીહી રાજાને શું કરતા જોયા?

૫ ઈસુ ૧૯૧૪માં મસીહી રાજા બન્યા. તે મસીહી રાજા તરીકે “પ્રભુને દહાડે” શું કરશે, એ વિષે પણ ઈશ્વરભક્ત યોહાનને એક સંદર્શન થયું હતું. તેમણે લખ્યું: “મેં જોયું, તો જુઓ, ઊજળું વાદળું ને તેના પર મનુષ્યપુત્રના જેવો એક પુરુષ બેઠેલો હતો, તેના માથા પર સોનાનો મુગટ હતો, અને તેના હાથમાં ધારવાળું દાતરડું હતું.” (પ્રકટી. ૧:૧૦; ૧૪:૧૪) પછી યોહાને સાંભળ્યું કે યહોવાહના એક દૂતે એ પુરુષને હાંક મારી કે “પૃથ્વીની ફસલ પૂરેપૂરી પાકી ગઈ છે.” એ માટે દૂત તે પુરુષને એટલે કે મસીહી રાજાને દાતરડા વડે ફસલ કાપી લેવા કહે છે.—પ્રકટી. ૧૪:૧૫, ૧૬.

૬. ઈસુએ ઉદાહરણ દ્વારા કઈ રીતે સમજાવ્યું કે સમય જતાં શું બનશે?

૬ “પૃથ્વીની ફસલ” આપણને ઈસુનું એક ઉદાહરણ યાદ કરાવે છે. એ છે ઘઉં અને કડવા દાણાનું ઉદાહરણ. એમાં ઈસુ પોતાને ઘઉં વાવનાર તરીકે ઓળખાવે છે, જે સારા ઘઉંની ફસલ મેળવવાની આશા રાખે છે. એ સારા ઘઉં ‘રાજ્યના છોકરાં’ એટલે કે અભિષિક્તો છે, જેઓ ઈસુની સાથે તેમના રાજ્યમાં રાજ કરશે. પરંતુ, રાત્રે દુશ્મન ‘શેતાન’ આવીને કડવા દાણા વાવી જાય છે. એ કડવા દાણા ‘શેતાનના છોકરાં’ છે. ઘઉં વાવનાર કામદારોને કહે છે કે કાપણી એટલે કે “જગતના અંત” સુધી, ઘઉં અને કડવા દાણાને સાથે ઊગવા દો. કાપણીના સમયે તે પોતાના દૂતો મોકલીને ઘઉં અને કડવા દાણા જુદા પાડશે.—માથ. ૧૩:૨૪-૩૦, ૩૬-૪૧.

૭. ઈસુ કઈ રીતે “પૃથ્વીની ફસલ” એકઠી કરી રહ્યા છે?

૭ યોહાને જોયેલા સંદર્શન પ્રમાણે, આજે ઈસુ ધરતી પર કાપણી કરી રહ્યા છે. ‘પૃથ્વીની ફસલની’ શરૂઆત ૧,૪૪,૦૦૦માંના બાકી રહેલાને ભેગા કરવાથી થઈ. તેઓ ઈસુએ ઉદાહરણમાં જણાવેલા ઘઉંને દર્શાવે છે. પહેલા વિશ્વયુદ્ધ પછી સાચા ખ્રિસ્તીઓ અને ચર્ચના ખ્રિસ્તીઓમાં મોટો ફરક જોવા મળ્યો. એટલી હદે કે લોકો પણ એ ફરક જોઈ શક્યા. એ કારણે ‘પૃથ્વીની ફસલનો’ બીજો ભાગ એટલે કે “બીજાં ઘેટાં” એકઠા કરવાનું પણ શક્ય બન્યું. ખરું કે તેઓ ‘રાજ્યનાં છોકરાં’ નથી, પણ રાજીખુશીથી ઈશ્વરના રાજ્યની પ્રજા બનેલી “મોટી સભા” છે. તેઓને ‘સર્વ કુળ, લોક અને ભાષામાંથી’ એકઠા કરવામાં આવે છે. તેઓ સ્વર્ગમાંના મસીહી રાજ્યને આધીન રહે છે, જે ઈસુ ખ્રિસ્ત અને ૧,૪૪,૦૦૦ ‘પવિત્રોથી’ બનેલું છે.—પ્રકટી. ૭:૯, ૧૦; દાની. ૭:૧૩, ૧૪, ૧૮.

ઈસુ મંડળની આગેવાની લે છે

૮, ૯. (ક) શું બતાવે છે કે ઈસુ આખા મંડળના જ નહિ પણ દરેક વ્યક્તિનાં ચાલચલણ જુએ છે? (ખ) આ પાન પરના ચિત્ર પ્રમાણે શેતાનના કયા ‘ઊંડા મર્મોથી’ આપણે દૂર રહેવું જોઈએ?

૮ આગળના લેખમાં જોયું કે ઈસુ પહેલી સદીના દરેક મંડળની હાલત સારી રીતે જાણતા હતા. હવે તે રાજા બન્યા હોવાથી તેમને ‘સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર આપવામાં આવ્યો છે.’ એટલે તે પોતે આખી પૃથ્વી પરનાં મંડળો અને વડીલોની આગેવાની લે છે. (માથ. ૨૮:૧૮; કોલો. ૧:૧૮) યહોવાહે ઈસુને અભિષિક્તોની “મંડળીના શિર તરીકે” પસંદ કર્યા છે. (એફે. ૧:૨૨) આજે યહોવાહના ભક્તોથી બનેલાં એક લાખથી વધારે મંડળોમાં જે કંઈ ચાલે છે, એ આગેવાન ઈસુ સારી રીતે જાણે છે.

૯ ઈસુએ પહેલી સદીમાં થુઆતૈરા મંડળને આ સંદેશો મોકલ્યો હતો: ‘ઈશ્વરનો પુત્ર, જેની આંખો અગ્‍નિની જ્વાળા જેવી છે તે કહે છે કે તારાં કામ હું જાણું છું.’ (પ્રકટી. ૨:૧૮, ૧૯) એ મંડળના અમુક લોકો વ્યભિચાર જેવાં કામો અને મોજશોખમાં ડૂબેલા હતા. તેઓને ઠપકો આપતા ઈસુએ આમ કહ્યું: ‘મન અને અંતઃકરણનો પારખનાર હું છું; તમને દરેકને હું તમારાં કામ પ્રમાણે બદલો આપીશ.’ (પ્રકટી. ૨:૨૩) એ બતાવે છે કે ઈસુ આખા મંડળનાં જ નહિ, દરેક વ્યક્તિનાં ચાલચલણ પણ જુએ છે. થુઆતૈરા મંડળમાં ‘શેતાનના ઊંડા મર્મો ન જાણનારાને’ ઈસુએ શાબાશી આપી. (પ્રકટી. ૨:૨૪) એ જ રીતે, આજે પણ ‘શેતાનના ઊંડા મર્મોથી’ દૂર રહેનારા નાના-મોટા દરેકને ઈસુ શાબાશી આપે છે. એવા ભક્તો ઇન્ટરનેટ, હિંસક વિડીયો ગેમ કે પછી દુનિયાના છૂટછાટવાળા વિચારોથી દૂર રહે છે. યહોવાહના ભક્તો ઈસુને પગલે ચાલવા ઘણા પ્રયત્નો કરે છે અને ઘણું જતું કરે છે. એ જોઈને ઈસુને કેટલો આનંદ થતો હશે!

૧૦. ઈસુ મંડળના વડીલોને દોરે છે એ શાનાથી બતાવવામાં આવ્યું છે? વડીલોએ શું સ્વીકારવું જોઈએ?

૧૦ ઈસુ વડીલો દ્વારા મંડળોની પ્રેમથી સંભાળ રાખે છે. (એફે. ૪:૮, ૧૧, ૧૨) પહેલી સદીના બધા વડીલોને યહોવાહે સ્વર્ગમાં જવા પસંદ કર્યા હતા. પ્રકટીકરણ બતાવે છે કે તેઓ જાણે ઈસુના જમણા હાથમાં તારા છે. (પ્રકટી. ૧:૧૬, ૨૦) આજે બધાં મંડળોના વડીલો મોટે ભાગે ‘બીજાં ઘેટાંમાંના’ છે. તોપણ, એમ કહી શકાય કે તેઓ ઈસુની દોરવણી નીચે છે, કેમ કે તેઓને પણ ઘણી પ્રાર્થના અને યહોવાહની દોરવણીથી પસંદ કરવામાં આવે છે. (પ્રે.કૃ. ૨૦:૨૮) તેઓ સ્વીકારે છે કે ઈસુએ અમુક અભિષિક્ત વડીલોની ગવર્નિંગ બૉડી બનાવી છે, જેઓ બધા જ શિષ્યોને માર્ગદર્શન આપે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૬, ૨૮-૩૦ વાંચો.

“પ્રભુ ઈસુ, આવ”

૧૧. કેમ એવી તમન્‍ના રાખીએ છીએ કે આપણા આગેવાન અને રાજા ઈસુ જલદી આવે?

૧૧ ઈસુએ પ્રેરિત યોહાનને ઘણી વાર સંદર્શનમાં કહ્યું કે પોતે જલદી જ આવે છે. (પ્રકટી. ૨:૧૬; ૩:૧૧; ૨૨:૭, ૨૦) ઈસુ જલદી જ આવીને મહાન બાબેલોન અને શેતાનની દુષ્ટ દુનિયાનો ન્યાય કરવાની વાત કરતા હતા. (૨ થેસ્સા. ૧:૭, ૮) અગાઉથી જણાવવામાં આવેલા બનાવો જલદી પૂરા થાય, એવી તમન્‍નાથી વૃદ્ધ યોહાન આમ પોકારી ઊઠે છે: “આમેન; હે પ્રભુ ઈસુ, આવ.” આપણે દુષ્ટ દુનિયાના છેલ્લા દિવસોમાં જીવીએ છીએ. આપણી પણ દિલની તમન્‍ના છે કે આગેવાન અને રાજા ઈસુ જલદી જ પૃથ્વી પર યહોવાહના રાજ્યમાં રાજ કરે. તેમ જ, યહોવાહનું નામ પવિત્ર મનાવે અને તેમના જ રાજમાં બધાનું ભલું છે એ સાબિત કરી આપે.

૧૨. દુષ્ટ દુનિયાનો વિનાશ કર્યા પહેલાં ઈસુ શું કરશે?

૧૨ શેતાન અને તેની દુષ્ટ દુનિયાનો ઈસુ નાશ કરે એ પહેલાં, ૧,૪૪,૦૦૦માંના છેલ્લા સભ્યોને આખરી મુદ્રા કરાશે. બાઇબલ કહે છે કે ૧,૪૪,૦૦૦માંના બધાને મુદ્રા નહિ થઈ જાય ત્યાં સુધી, શેતાનની દુષ્ટ દુનિયાનો વિનાશ નહિ થાય.—પ્રકટી. ૭:૧-૪.

૧૩. ‘મોટી વિપત્તિની’ શરૂઆતમાં કઈ રીતે દેખાઈ આવશે કે ઈસુ રાજા તરીકે પૃથ્વી પર પગલાં લે છે?

૧૩ ઈસુનું ‘આગમન’ ૧૯૧૪માં થયું, એટલે કે તે સ્વર્ગમાં રાજા બન્યા. એ દુનિયાના લોકોએ ધ્યાનમાં લીધું નથી. (૨ પીત. ૩:૩, ૪) જોકે યહોવાહના ન્યાયચુકાદા પ્રમાણે ઈસુ બહુ જ જલદીથી શેતાનની દુષ્ટ દુનિયાનો નાશ કરશે ત્યારે, લોકોએ એ સ્વીકારવું જ પડશે. એ સમયે ‘પાપના માણસનો’ એટલે કે પાદરીઓનો નાશ થશે ત્યારે, સાફ દેખાઈ આવશે કે ઈસુનું પૃથ્વી પર ‘આગમન’ થયું છે. (૨ થેસ્સાલોનીકી ૨:૩, ૮ વાંચો.) એ પાક્કો પુરાવો આપશે કે યહોવાહે ઈસુને દુષ્ટ દુનિયાનો ન્યાય કરવા મોકલ્યા છે. (૨ તીમોથી ૪:૧ વાંચો.) મહાન બાબેલોનમાં સૌથી વધારે ગુનેગાર ચર્ચો છે. એનો અને એની સંસ્થાઓનો પ્રથમ નાશ કરવામાં આવશે. પછીથી, ‘વેશ્યાની’ જેમ રાજકારણ સાથે સંબંધો રાખનાર મહાન બાબેલોન, એટલે કે માણસે બનાવેલા સર્વ ધર્મોનો નાશ થશે. એનો નાશ કરવાનો વિચાર યહોવાહ નેતાઓના દિલમાં મૂકશે. (પ્રકટી. ૧૭:૧૫-૧૮) એ રીતે ‘મોટી વિપત્તિની’ શરૂઆત થશે.—માથ. ૨૪:૨૧.

૧૪. (ક) શા માટે મોટી વિપત્તિની શરૂઆતના દિવસો ઓછા કરાશે? (ખ) યહોવાહના ભક્તો માટે ‘માણસના દીકરાની નિશાનીનો’ શું અર્થ થશે?

૧૪ ઈસુએ જણાવ્યું હતું કે “પસંદ કરેલાઓની ખાતર” એટલે કે પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તો માટે એ મોટી વિપત્તિના દિવસો ઓછા કરાશે. (માથ. ૨૪:૨૨) માણસોએ બનાવેલા ધર્મોનો નેતાઓના હાથે નાશ થશે ત્યારે, યહોવાહ પોતાના અભિષિક્તો અને બીજાં ઘેટાંનો નાશ થવા દેશે નહિ. ઈસુએ એમ પણ કહ્યું કે “તે દહાડાઓની વિપત્તિ પછી” સૂરજ, ચંદ્ર અને તારાઓમાં નિશાનીઓ દેખાશે. એના પછી ‘માણસના દીકરાની નિશાની સ્વર્ગમાં દેખાશે.’ એનાથી પૃથ્વી પરનાં સઘળા દેશો “શોક કરશે.” પરંતુ, અભિષિક્તો અને પૃથ્વી પર રહેનારા ભક્તો શોક કરશે નહિ. પણ ‘નજર ઉઠાવીને માથાં ઊંચાં કરશે, કેમ કે તેઓનો ઉદ્ધાર પાસે આવ્યો છે.’—માથ. ૨૪:૨૯, ૩૦; લુક ૨૧:૨૫-૨૮.

૧૫. ઈસુ બીજી એક રીતે આવશે ત્યારે શું કરશે?

૧૫ ‘માણસના દીકરા’ ઈસુ પૂરેપૂરી જીત મેળવે એ પહેલાં, તે બીજી એક રીતે આવશે. એના વિષે ઈસુએ આમ કહ્યું હતું: “જ્યારે માણસનો દીકરો પોતાના મહિમામાં સર્વ પવિત્ર દૂતો સુદ્ધાં આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે. અને સર્વ દેશજાતિઓ તેની આગળ એકઠી કરાશે; અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદી પાડશે. અને ઘેટાંને તે પોતાને જમણે હાથે, પણ બકરાંને ડાબે હાથે રાખશે.” (માથ. ૨૫:૩૧-૩૩) એ બતાવે છે કે ઈસુ ‘સર્વ દેશજાતિઓનો’ ન્યાય કરીને તેઓના બે ભાગ પાડશે: એક તો “ઘેટાં” જેવા ભક્તો, જેઓએ ઈસુના ધરતી પરના અભિષિક્ત ભાઈઓને પૂરો સાથ આપ્યો. બીજો ભાગ “બકરાં” જેવા લોકો, “જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી.” (૨ થેસ્સા. ૧:૭, ૮) ઘેટાં જેવા નમ્ર લોકોને યહોવાહ ‘ન્યાયી’ ગણે છે. તેઓને પૃથ્વી પર “સાર્વકાલિક” એટલે કે અમર જીવન મળશે. પણ બકરાં જેવા લોકોનો “સાર્વકાલિક” એટલે કે હંમેશ માટે નાશ કરાશે.—માથ. ૨૫:૩૪, ૪૦, ૪૧, ૪૫, ૪૬.

ઈસુ પોતાની જીત પૂરી કરે છે

૧૬. આપણા આગેવાન ઈસુ કઈ રીતે પોતાની જીત પૂરી કરશે?

૧૬ ઈસુ ૧,૪૪,૦૦૦ પર મુદ્રા કરવાનું પૂરું કરશે, જેઓ રાજા અને યાજકો બનશે. તેમ જ, ઘેટાં જેવાં લોકોને તે પોતાના જમણા હાથે જીવન આપવા માટે રાખશે. પછી તે ‘જીતવા સારું’ નીકળી પડશે. (પ્રકટી. ૫:૯, ૧૦; ૬:૨) ઈસુ શક્તિશાળી દૂતો અને સજીવન કરાયેલા પોતાના ભાઈઓની આગેવાની લઈને, શેતાનની દુનિયાના રાજકારણ, લશ્કર અને વેપારી જગતનો નાશ કરશે. (પ્રકટી. ૨:૨૬, ૨૭; ૧૯:૧૧-૨૧) શેતાનની દુષ્ટ દુનિયાનો પૂરેપૂરો નાશ થશે ત્યારે જ ઈસુની જીત પૂરી થશે. ઈસુ હજાર વર્ષ માટે શેતાન અને તેના દુષ્ટ દૂતોને કેદ કરશે.—પ્રકટી. ૨૦:૧-૩.

૧૭. ઈસુ હજાર વર્ષના રાજમાં પોતાનાં બીજાં ઘેટાંને ક્યાં દોરી જશે? આપણે કેવો નિર્ણય લેવો જોઈએ?

૧૭ મોટી વિપત્તિમાંથી બચી જનારાં બીજાં ઘેટાંની “મોટી સભા” વિષે યોહાને આમ કહ્યું: “રાજ્યાસનની મધ્યે જે હલવાન છે, તે તેઓનો પાળક થશે, અને જીવનના પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી લઈ જશે.” (પ્રકટી. ૭:૯, ૧૭) ઈસુ હજાર વર્ષના રાજમાં પણ બીજાં ઘેટાંને માર્ગદર્શન આપશે, જેઓ તેમનું સાંભળે છે. તેમ જ, તે તેઓને અમર જીવન તરફ દોરી જશે. (યોહાન ૧૦:૧૬, ૨૬-૨૮ વાંચો.) ચાલો આપણે દરેક નક્કી કરીએ કે રાજા અને આગેવાન ઈસુનું હંમેશ માટે માનતા રહીએ! (w10-E 09/15)

આપણે શું શીખ્યા?

• સ્વર્ગમાં રાજા બન્યા પછી ઈસુએ કેવાં પગલાં લીધાં?

• ઈસુ મંડળમાં કોના દ્વારા દોરવણી આપે છે?

• આપણા આગેવાન ઈસુ બીજી કઈ રીતોએ આવશે?

• હજાર વર્ષના રાજમાં પણ ઈસુ આપણને કઈ રીતે માર્ગદર્શન આપશે?

[પાન ૩૧ પર ચિત્રનું મથાળું]

શેતાનની દુષ્ટ દુનિયાનો અંત બતાવશે કે પૃથ્વી પર ઈસુનું રાજ આવ્યું છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો