વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w11 ૩/૧ પાન ૨૮-૩૨
  • યિર્મેયાહની જેમ જાગૃત રહો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યિર્મેયાહની જેમ જાગૃત રહો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • મહત્ત્વનો સંદેશો
  • લોકો માટે પ્રેમ
  • ઈશ્વરે આપેલી હિંમત
  • સોંપેલા કામનો આનંદ માણીએ
  • સોંપેલા કામ માટે ‘જાગતા રહો’
  • ઈશ્વરભક્ત યિર્મેયાહ જેવી હિંમત રાખો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • યિર્મેયાહના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • યહોવાએ યર્મિયાને પ્રચાર કરવા મોકલ્યા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • યિર્મેયા યહોવાનો સંદેશો આપતા રહ્યા
    મારી બાઇબલ વાર્તાઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
w11 ૩/૧ પાન ૨૮-૩૨

યિર્મેયાહની જેમ જાગૃત રહો

“મારૂં વચન સંપૂર્ણ કરવા સંબંધી હું [યહોવાહ] જાગૃત છું.”​—યિર્મે. ૧:૧૨.

૧, ૨. યહોવાહ “જાગૃત” છે, એને કઈ રીતે બદામના ઝાડ સાથ સરખાવી શકાય?

ઈસ્રાએલ અને લેબેનનના પહાડી વિસ્તારમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ઘણી ઠંડી હોય છે. એ મહિનાઓમાં વૃક્ષો પર ફૂલો હોતા નથી, પણ બદામના ઝાડ પર ફૂલો ખીલવા લાગે છે. આખું ઝાડ સફેદ અને ગુલાબી ફૂલોથી ભરાઈ જાય છે. એટલે જ હિબ્રૂમાં બદામના ઝાડના નામનો મૂળ અર્થ થાય “જાગવું” કે “ઊઠવું.”

૨ યહોવાહે યિર્મેયાહને પોતાના પ્રબોધક તરીકે પસંદ કર્યા ત્યારે તેમને બદામના ઝાડને ફણગો ફૂટે છે એનું સંદર્શન આપ્યું. એ સંદર્શનનો શું અર્થ થતો હતો? યહોવાહ સમજાવે છે: “મારૂં વચન સંપૂર્ણ કરવા સંબંધી હું જાગૃત છું.” (યિર્મે. ૧:૧૧, ૧૨) જેમ બીજા વૃક્ષો કરતાં બદામને વહેલી કળીઓ આવે, એવી રીતે યહોવાહ પણ જાણે કે “પ્રાતઃકાળે” એટલે કે વહેલા ઊઠે છે. આમ કરવાનું કારણ એ છે કે તે પોતાના પ્રબોધકોને વહેલા મોકલીને આજ્ઞા ન પડવાના પરિણામો વિષે લોકોને ચેતવી શકે. (યિર્મે. ૭:૨૫) જ્યાં સુધી ભાખેલા શબ્દો પૂરા ન થયા ત્યાં સુધી યહોવાહ જાણે “જાગૃત” રહ્યા. યહુદાહના લોકોએ તેમનું સાંભળ્યું નહિ, એટલે ઈ.સ. પૂર્વે ૬૦૭માં તેઓ પર ન્યાય ચુકાદો લાવ્યા. યહોવાહે પ્રબોધકો દ્વારા જે કહ્યું હતું એ એના યોગ્ય સમયે પૂરું થયું.

૩. યહોવાહ વિષે આપણે શું ખાતરી રાખી શકીએ?

૩ આજે પણ યહોવાહ પોતાની ઇચ્છા પૂરી કરવા “જાગૃત” છે. તે કદી પણ પોતાના વચનોથી ફરી જતાં નથી. યહોવાહ “જાગૃત” છે, એની તમારા પર શું અસર થાય છે? શું તમે માનો છો કે યહોવાહ પોતાના વચનો પૂરા કરવા ૨૦૧૧માં પણ સજાગ છે? જો આપણને એમાં કોઈ શંકા હોય તો હમણાં જ એને દૂર કરીએ. ભક્તિમાં ધીમા પાડી દેતી કોઈ પણ બાબતમાંથી બહાર નીકળીએ અને જાગૃત રહીએ. (રૂમી ૧૩:૧૧) પ્રબોધક તરીકે યિર્મેયાહ જાગૃત રહ્યા. તે કઈ રીતે અને શા માટે ઈશ્વરે સોંપેલા કામમાં સજાગ રહી શક્યા? એનાથી યહોવાહે સોંપેલા કામમાં મંડ્યા રહેવા આપણને કઈ રીતે મદદ મળે છે? ચાલો જોઈએ.

મહત્ત્વનો સંદેશો

૪. યિર્મેયાહને સંદેશો જાહેર કરતી વખતે કેવું લાગ્યું? શા માટે તેમનો સંદેશો મહત્ત્વનો હતો?

૪ યહોવાહે યિર્મેયાહને પ્રબોધક તરીકે પસંદ કર્યા ત્યારે તે આશરે ૨૫ વર્ષના હતા. (યિર્મે. ૧:૧, ૨) પણ યિર્મેયાહને લાગતું કે તે હજી બાળક જ છે, એટલે એ દેશના વડીલો અને અધિકારીઓ સામે બોલી નહિ શકે. (યિર્મે. ૧:૬) એ શહેરના લોકો “પોતપોતાના માર્ગમાં” ચાલતા હતા. યહોવાહની ભક્તિમાં ‘પાછા પડી જતા હતા.’ તેઓને જણાવેલો ન્યાય ચુકાદાનો સંદેશો એકદમ કડક હતો. એ સંદેશો ખાસ તો યાજકો, જૂઠા પ્રબોધકો અને અધિકારીઓ માટે નામોશી ભરેલો હતો. (યિર્મે. ૬:૧૩; ૮:૫, ૬) એ સંદેશામાં યિર્મેયાહે શું કહ્યું? તેમણે કહ્યું કે ચાર સદીઓથી ભક્તિ માટે વપરાતા સુલેમાનના મંદિરનો નાશ થશે. યરૂશાલેમ અને યહુદાહ ખંડેર બની જશે. તેના રહેવાસીઓને બંદી બનાવીને લઈ જવામાં આવશે. યિર્મેયાહના સંદેશામાં લોકોના જીવન-મરણનો સવાલ હતો.

૫, ૬. (ક) યિર્મેયાહ જેવા અભિષિક્ત વર્ગનો યહોવાહ આજે કેવી રીતે ઉપયોગ કરે છે? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૫ આજના સમયમાં પણ યહોવાહે ચેતવણી આપવા માટે ખાસ ગોઠવણ કરી છે. યિર્મેયાહ જેવો અભિષિક્ત વર્ગ આપણને આ દુનિયાના થનાર ન્યાય વિષે ચેતવે છે. ઘણા દાયકાઓથી તેઓ છેલ્લા દિવસોના મહત્ત્વ વિષે જણાવી રહ્યા છે. (યિર્મે. ૬:૧૭) બાઇબલ જણાવે છે કે યહોવાહ સમયના પાબંધ છે. તેમના ન્યાયનો દિવસ એના યોગ્ય સમયે આવશે. લોકો ધારતા નહિ હોય ત્યારે અચાનક આવશે.​​—સફા. ૩:૮; માર્ક ૧૩:૩૩; ૨ પીત. ૩:૯, ૧૦.

૬ યહોવાહ પોતાના વચનો પૂરા કરવા જાગૃત છે, એટલે નવી દુનિયા એના ચોક્કસ સમયે લાવશે. એ જાણીને અભિષિક્ત વર્ગ અને યહોવાહના બીજા ભક્તોએ આ સંદેશો જોરશોરથી જાહેર કરવો જોઈએ. એ કામ કરવા તેઓએ જાગૃત રહેવું જોઈએ. તેઓનો સંદેશો તમને કેવી રીતે અસર કરે છે? ઈસુએ કહ્યું હતું કે આપણે ઈશ્વરના રાજ્યના પક્ષમાં નિર્ણય લેવાની જરૂર છે. તેથી ચાલો આપણે ત્રણ ગુણો પર વિચાર કરીએ જેનાથી સોંપેલું કામ પૂરું કરવા યિર્મેયાહ સજાગ રહી શક્યા. એમ કરવાથી આપણે પણ યિર્મેયાહની જેમ બની શકીએ.

લોકો માટે પ્રેમ

૭. મુશ્કેલ સંજોગોમાં યિર્મેયાહ શા માટે સંદેશો જાહેર કરી શક્યા?

૭ મુશ્કેલ સંજોગો હોવા છતાં યિર્મેયાહને સંદેશો જાહેર કરવા ક્યાંથી પ્રેરણા મળી? તેમને લોકો માટે ઘણો પ્રેમ હતો. તે જાણતા હતા કે ઢોંગી આગેવાનોને લીધે લોકોને મુશ્કેલીઓ સહેવી પડી હતી. (યિર્મે. ૨૩:૧, ૨) એટલે તે લોકો સાથે ખૂબ જ પ્રેમ અને દયાથી વર્તતા. તે ઇચ્છતા હતા કે તેઓ સંદેશો સાંભળે અને જીવતા રહે. તેમને લોકોની એટલી ચિંતા હતી કે આવનાર આફત વિષે સાંભળીને તે પોતે રડી પડ્યા. (યિર્મેયાહ ૮:૨૧; ૯:૧ વાંચો.) યિર્મેયાહને યહોવાહના નામ અને લોકો માટે કેટલો પ્રેમ અને ચિંતા હતી, એ યિર્મેયાહનો વિલાપ પુસ્તકમાં જોવા મળે છે. (યિ.વિ. ૪:૬, ૯) આજે ‘લોકો પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થએલા’ છે. તેઓને જોઈને શું તમને પણ દિલાસો આપતો સંદેશો જાહેર કરવાનું મન થતું નથી!​—માથ. ૯:૩૬.

૮. શું બતાવે છે કે સતાવણી છતાં યિર્મેયાહે દિલમાં ખાર ન રાખ્યો?

૮ યિર્મેયાહ જે લોકોનું ભલું ઇચ્છતા હતા, તેઓએ જ તેમનું દિલ દુભાવ્યું. તેમ છતાં તેમણે લોકો પર ખાર ન રાખ્યો. તે ખૂબ જ નમ્ર અને સહનશીલ રહ્યા. દુષ્ટ રાજા સિદકીયાહે તેમને મારી નાખવાનો હુકમ કર્યો, ત્યારે પણ યિર્મેયાહે તેમને યહોવાહનું માનવા આજીજી કરી. (યિર્મે. ૩૮:૪, ૫, ૧૯, ૨૦) શું તમે પણ યિર્મેયાહની જેમ લોકોને પ્રેમ બતાવો છો?

ઈશ્વરે આપેલી હિંમત

૯. કેવી રીતે કહી શકીએ કે યિર્મેયાહને હિંમત ઈશ્વર પાસેથી મળી હતી?

૯ યહોવાહે જ્યારે યિર્મેયાહને જવાબદારી સોંપી, ત્યારે તેમણે કામમાંથી છટકવા બહાના કાઢ્યા. આ બતાવે છે કે તે જન્મથી હિંમતવાન અને નીડર ન હતા. પણ પ્રબોધક તરીકે તેમણે જે હિંમત બતાવી, એ ઈશ્વરમાં ભરોસો મૂકવાથી મળી હતી. યહોવાહે ‘પરાક્રમી તથા વીર’ તરીકે યિર્મેયાહને હિંમત અને ટેકો આપ્યા, જેથી તે કામ પૂરું કરી શકે. (યિર્મે. ૨૦:૧૧) યિર્મેયાહે જે હિંમત બતાવી એ લોકો ભૂલ્યા નહિ. એટલે ઈસુનું પૃથ્વી પરનું સેવાકાર્ય જોઈને લોકો કહેતા કે યિર્મેયાહ ફરીથી સજીવન થયા છે.​—માથ. ૧૬:૧૩, ૧૪.

૧૦. શા માટે કહી શકાય કે અભિષિક્તજનો “પ્રજાઓ તથા રાજ્યો પર” નિમાયેલા છે?

૧૦ યહોવાહ “સર્વ પ્રજાઓના રાજા” છે. એટલે જ તેમણે યિર્મેયાહને પ્રજાઓ અને રાજ્યોને ન્યાયનો સંદેશો જાહેર કરવાનું કામ સોંપ્યું. (યિર્મે. ૧૦:૬, ૭) કયા અર્થમાં યિર્મેયાહ જેવા અભિષિક્તજનો “પ્રજાઓ તથા રાજ્યો પર” નિમાયેલા છે? (યિર્મે. ૧:૧૦) તેઓને પણ વિશ્વના રાજા તરફથી કામ મળ્યું છે. એટલે તેઓની ફરજ છે કે પ્રજાઓ અને રાજ્યોને ઈશ્વરનો સંદેશો જણાવે. એ સંદેશો જણાવવા યહોવાહે તેઓને અધિકાર આપ્યો છે, અને સરળ ભાષામાં બાઇબલ પણ આપ્યું છે. એ સંદેશો સર્વ પ્રજાઓ અને રાજ્યોનો નાશ કરી દેવા વિષે છે. એ નાશ ક્યારે અને કોણ લાવશે એ ઈશ્વરે નક્કી કર્યું છે. (યિર્મે. ૧૮:૭-૧૦; પ્રકટી. ૧૧:૧૮) યિર્મેયાહ જેવા અભિષિક્તજનોએ નિર્ણય કર્યો છે કે થાક્યા વગર યહોવાહના ન્યાયનો સંદેશો આખી પૃથ્વી પર ફેલાવશે.

૧૧. મુશ્કેલ સંજોગોમાં પણ પ્રચાર કરતા રહેવા આપણે શું કરવું જોઈએ?

૧૧ આજે આપણે ચારેય બાજુથી વિરોધ, ઉદાસીનતા કે કસોટીઓનો સામનો કરવો પડે છે. આવા સમયમાં નિરાશ થઈ જઈ શકીએ છીએ. (૨ કોરીં. ૧:૮) પણ ચાલો આપણે યિર્મેયાહની જેમ ઉત્સાહથી સોંપાયેલા કામમાં લાગુ રહીએ. યહોવાહમાં પૂરો ભરોસો રાખીએ. તેમની પાસે મદદ માગીશું તો તે ચોક્કસ આપણને ‘હિંમત’ આપશે. (૧ થેસ્સા. ૨:૨) જેમ યહોવાહની વિરુદ્ધ જવાથી યરૂશાલેમનો નાશ થયો, તેમ આજે સર્વ ચર્ચ અને એની સંસ્થાઓનો પણ નાશ થશે. ઈશ્વરના ભક્તો તરીકે આપણે આ સંદેશો જાહેર કરવા હંમેશાં જાગૃત રહેવું જોઈએ. યિર્મેયાહ જેવા અભિષિક્તજનો ફક્ત ‘પ્રભુના કોપના દિવસ’ વિષે જ નહિ, “પ્રભુની કૃપા” વિષે પણ જણાવે છે.​—યશા. ૬૧:૧, ૨, IBSI; ૨ કોરીં. ૬:૨.

સોંપેલા કામનો આનંદ માણીએ

૧૨. કેવી રીતે કહી શકીએ કે યિર્મેયાહને ઈશ્વરના કામમાં આનંદ મળતો? એ જાળવી રાખવાનું મુખ્ય કારણ શું હતું?

૧૨ યિર્મેયાહને ઈશ્વરના કામમાં આનંદ મળતો. તેમણે યહોવાહને કહ્યું, ‘તારાં વચનો મને પ્રાપ્ત થયાં ને મેં એને ખાધાં; અને તારાં વચનોથી મારા હૃદયમાં આનંદ તથા હર્ષ ઉત્પન્‍ન થયો; કેમ કે, હે યહોવાહ, તારા નામથી હું ઓળખાઉં છું.’ (યિર્મે. ૧૫:૧૬) યહોવાહ તરફથી વાત કરવાને અને તેમનો સંદેશો જણાવવાને યિર્મેયાહ એક લહાવો ગણતા હતા. પણ યિર્મેયાહે જ્યારે લોકોની મશ્કરીઓ પર ધ્યાન આપ્યું ત્યારે તે પોતાનો આનંદ ગુમાવી બેઠા. જ્યારે તે ફરીથી સંદેશાનું મહત્ત્વ અને મૂલ્ય સમજ્યા ત્યારે આનંદ પાછો મેળવ્યો.​—યિર્મે. ૨૦:૮, ૯.

૧૩. આનંદ જાળવી રાખવા બાઇબલનો ઊંડો અભ્યાસ કરવો કેમ જરૂરી છે?

૧૩ આજે આપણે કઈ રીતે પ્રચારમાં આનંદ જાળવી રાખી શકીએ? એ માટે બાઇબલમાંથી “ભારે ખોરાક” એટલે કે ઈશ્વરનું ઊંડું જ્ઞાન લેતા રહીએ. (હેબ્રી ૫:૧૪) ઊંડો અભ્યાસ કરવાથી વિશ્વાસ મજબૂત થાય છે. (કોલો. ૨:૬, ૭) એનાથી આપણને ખબર પડે છે કે કેવા કામો કરવાથી યહોવાહ ખુશ થાય છે. જો આપણને બાઇબલ વાંચવા અને અભ્યાસ કરવા સમય કાઢવો અઘરું લાગતું હોય, તો જીવનમાં થોડા ફેરફાર કરવા જોઈએ. જો દરરોજ થોડી મિનિટો પણ બાઇબલ વાંચીશું અને મનન કરીશું, તો યહોવાહને સારી રીતે ઓળખી શકીશું. એમ કરવાથી યિર્મેયાહની જેમ આપણા “હૃદયમાં આનંદ તથા હર્ષ ઉત્પન્‍ન” થશે.

૧૪, ૧૫. (ક) યિર્મેયાહ સોંપાયેલા કામમાં મંડ્યા રહ્યા, એનાથી શું પરિણામ આવ્યું? (ખ) ખુશખબર ફેલાવીને આપણે શું કરીએ છીએ?

૧૪ યિર્મેયાહ પડતું મૂક્યા વગર લોકોને ન્યાયનો સંદેશો જણાવતા રહ્યા. પણ યિર્મેયાહના દિલમાં તો હજી ‘બાંધવા તથા રોપવાનો’ સંદેશો હતો. (યિર્મે. ૧:૧૦) તેમના સંદેશાથી અમુક સારા પરિણામ આવ્યા. અમુક યહુદીઓ યરૂશાલેમના ઈ.સ. પૂર્વે ૬૦૭ના વિનાશમાંથી બચી ગયા. અમુક બીજી પ્રજાઓના લોકો પણ બચ્યા, જેમ કે રેખાબીઓ, એબેદ-મેલેખ અને બારૂખ. (યિર્મે. ૩૫:૧૮, ૧૯; ૩૯:૧૫-૧૮; ૪૩:૫-૭) એ લોકો યિર્મેયાહના મિત્રો હતા અને યહોવાહને ભજતા હતા. જેમ યિર્મેયાહ અભિષિક્તજનોને દર્શાવે છે, તેમ આ મિત્રો પૃથ્વી પર આશા રાખનાર ‘મોટી સભાના’ લોકોને દર્શાવે છે. (પ્રકટી. ૭:૯) મોટી સભાના લોકોનો વિશ્વાસ બાંધવા અભિષિક્તો રાજી-ખુશીથી મહેનત કરે છે. આ મોટી સભાના લોકોને પણ નમ્ર દિલના લોકોને સત્ય વિષે જણાવવાથી ઘણો આનંદ મળે છે.

૧૫ ખુશખબર ફેલાવીને આપણે સમાજ સેવા જ નહિ, પણ ઈશ્વરની ભક્તિ કરીએ છીએ. લોકો સાંભળે કે ન સાંભળે, યહોવાહે સોંપેલું કામ કરવાથી આપણને ઘણો આનંદ મળે છે.​—ગીત. ૭૧:૨૩; રૂમી ૧:૯ વાંચો.

સોંપેલા કામ માટે ‘જાગતા રહો’

૧૬, ૧૭. પ્રકટીકરણ ૧૭:૧૦ અને હબાક્કૂક ૨:૩ કઈ રીતે બતાવે છે કે આપણે અંતના સમયમાં છીએ?

૧૬ પ્રકટીકરણ ૧૭:૧૦ની ભવિષ્યવાણી બતાવે છે કે આપણે મહત્ત્વના સમયમાં જીવી રહ્યા છીએ. એમાં જણાવેલી સાતમી જગતસત્તા જે એંગ્લો અમેરિકાથી ઓળખાય છે, તે અસ્તિત્વમાં આવી ગઈ છે. એના વિષે બાઇબલ જણાવે છે કે “તે [સાતમી જગતસત્તા] આવશે ત્યારે તેને થોડી જ વાર રહેવાનું થશે.” એ ‘થોડી વારનો’ અંત આવી પહોંચ્યો છે. આ દુષ્ટ દુનિયાના અંત વિષે હબાક્કૂકે ખાતરી આપી છે કે ‘એ સંદર્શન હજી નીમેલા વખતને માટે છે, તે ખોટું પડશે નહિ; જોકે તેને વિલંબ થાય, તોપણ તેની વાટ જો.’​—હબા. ૨:૩.

૧૭ પોતાને પૂછો: ‘શું મારા જીવનથી દેખાય આવે છે કે આપણે છેલ્લા સમયમાં જીવી રહ્યા છે? શું હું એવા નિર્ણયો લઉં છું જે બતાવે છે કે અંત જલદી જ આવવાનો છે? કે પછી શું મને અંત આવવા વિષે શંકા છે?’

૧૮, ૧૯. શા માટે આ સમય ધીમા પડવાનો નથી?

૧૮ અભિષિક્ત વર્ગનું કામ હજી પૂરું થયું નથી. (યિર્મેયાહ ૧:૧૭-૧૯ વાંચો.) તેઓ જાણે “લોઢાના સ્તંભ” કે ‘કિલ્લાબંધ નગરની’ જેમ યહોવાહની ભક્તિમાં અડગ રહ્યા છે. એ જોઈને આપણને કેટલો આનંદ થાય છે. તેઓએ ‘સત્યથી કમર બાંધી’ છે, એટલે કે ઈશ્વરે સોંપેલું કામ પૂરું કરવા બાઇબલમાંથી શક્તિ મેળવતા રહે છે. (એફે. ૬:૧૪) મોટી સભાના સભ્યોએ પણ ઈશ્વરની ઇચ્છા પૂરી કરવાનો નિર્ણય કર્યો છે. તેઓ પણ અભિષિક્ત વર્ગને એ કામ આગળ ધપાવવા પૂરો સાથ આપી રહ્યા છે.

૧૯ ઈશ્વરના કામમાં ધીમા ન પડી જઈએ માટે યિર્મેયાહ ૧૨:૫ના શબ્દો પર વિચાર કરો. (વાંચો.)a આપણા બધા પર પરીક્ષણો આવે છે જેને ‘માણસો સાથેની શરતદોડ’ સાથે સરખાવી શકીએ. જેમ “મોટી વિપત્તિ” નજીક આવે તેમ આપણે વધારે પરીક્ષણોનો સામનો કરવો પડશે. (માથ. ૨૪:૨૧) એ સમયને જાણે ‘ઘોડાઓ સાથેની હરિફાઈ’ જોડે સરખાવી શકીએ. માણસોની દોડ કરતાં ઘોડાઓની દોડમાં આપણને વધારે શક્તિની જરૂર પડે છે. એટલે હમણાં પરીક્ષણનો સામનો કરીશું તો ભાવિની મુશ્કેલીઓ માટે તૈયાર રહી શકીશું.

૨૦ તમે શું કરવાની મનમાં ગાંઠ વાળી છે?

૨૦ આપણે બધા યિર્મેયાહને અનુસરી શકીએ છીએ. યહોવાહે સોંપેલા પ્રચાર કામને સફળતાથી પૂરું કરી શકીએ છીએ. પ્રેમ, હિંમત અને આનંદ જેવા ગુણોને લીધે યિર્મેયાહ ૬૭ વર્ષ સુધી ઈશ્વરનું કામ કરતા રહી શક્યા. શરૂઆતમાં જોઈ ગયા તેમ, ખીલેલા બદામના ફૂલો આપણને યાદ દેવડાવે છે કે પોતાના વચનો પૂરા કરવા યહોવાહ “જાગૃત” છે. જેમ યિર્મેયાહ ઈશ્વરના કામમાં “જાગૃત” રહી શક્યા, તેમ આપણે પણ રહી શકીએ છીએ. (w11-E 03/15)

[ફુટનોટ]

a યર્મિયા ૧૨:૫ (કોમન લેંગ્વેજ): “પ્રભુએ ઉત્તર આપ્યો, ‘હે યર્મિયા, જો તું માણસો સાથેની શરતદોડમાં થાકી જાય છે, તો પછી તું ઘોડાઓ સાથે કઈ રીતે હરિફાઈ કરી શકે? જો તું સલામત પ્રદેશમાં નિર્ભય રહી શકતો નથી, તો યર્દન નદીની ગીચ ઝાડીમાં તારું શું થશે?’”

શું તમને યાદ છે?

• કઈ રીતે પ્રેમ બતાવવાથી યિર્મેયાહ સોંપાયેલા કામમાં ‘જાગૃત’ રહી શક્યા?

• શા માટે આપણને ઈશ્વર તરફથી હિંમતની જરૂર છે?

• યિર્મેયાહ કઈ રીતે પોતાનો આનંદ જાળવી રાખી શક્યા?

• તમારે કેમ ‘જાગૃત રહેવું’ જોઈએ?

[પાન ૩૧ પર ચિત્રો]

વિરોધ છતાં શું તમે પ્રચારમાં મંડ્યા રહેશો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો