વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w11 ૪/૧ પાન ૧૭-૨૧
  • ઈશ્વરને મહિમા મળે એવા નિર્ણય લઈએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરને મહિમા મળે એવા નિર્ણય લઈએ
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • શા માટે સારા નિર્ણય લેવા જોઈએ?
  • સારા નિર્ણય લેવા કેમ અઘરું છે?
  • સારા નિર્ણય લેવાના છ પગલાં
  • બીજાઓને સારા નિર્ણય લેવા મદદ કરો
  • શ્રદ્ધા રાખો—સમજી-વિચારીને નિર્ણય લો!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • તમે કઈ રીતે યોગ્ય નિર્ણયો લઈ શકો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • આપણે સારા નિર્ણયો કઈ રીતે લઈ શકીએ?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • સમજદારીથી જીવનમાં નિર્ણયો લો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
w11 ૪/૧ પાન ૧૭-૨૧

ઈશ્વરને મહિમા મળે એવા નિર્ણય લઈએ

“બુદ્ધિમાન માણસ જોઈ વિચારીને આગળ વધે છે.”​—નીતિ, ૧૪:૧૫. IBSI.

૧, ૨. (ક) કોઈ પણ નિર્ણય લેતી વખતે સૌથી મહત્ત્વનું શું છે? (ખ) આપણે કયા પ્રશ્નોની ચર્ચા કરીશું?

દરરોજ આપણે અનેક નિર્ણયો લેવા પડે છે. અમુક તો સાવ મામૂલી હોય છે, તો અમુક આપણા આખા જીવનને અસર કરે છે. કોઈ પણ નિર્ણય લઈએ સૌથી મહત્ત્વનું શું છે? એ જ કે આપણા નિર્ણયોથી ઈશ્વરને મહિમા મળે.​—૧ કોરીંથી ૧૦:૩૧ વાંચો.

૨ શું તમને નિર્ણય લેવો સહેલું લાગે છે? જો આપણે સત્યમાં પ્રગતિ કરવી હોય તો સારું અને ખરાબ પારખવાની જરૂર છે. એ મુજબ પોતે સારા નિર્ણય લેવાની જરૂર છે. એ જવાબદારી બીજાઓ પર ઢોળવી ન જોઈએ. (રૂમી ૧૨:૧, ૨; હેબ્રી ૫:૧૪) શા માટે આપણે સારા નિર્ણય લેતા શીખવું જોઈએ? શા માટે સારો નિર્ણય લેવો અઘરું હોઈ શકે? આપણે શું કરી શકીએ, જેથી આપણા નિર્ણયોથી ઈશ્વરને મહિમા મળે?

શા માટે સારા નિર્ણય લેવા જોઈએ?

૩. ઈશ્વરને મહિમા મળે એવા નિર્ણય લેવા શું કરવું જોઈએ?

૩ જો આપણે બાઇબલના ધોરણો પ્રમાણે નિર્ણય લેતા અચકાઈએ, તો શું બની શકે? સ્કૂલમાં કે કામ પર લોકો એવું ધારશે કે આપણને બાઇબલમાં પૂરો ભરોસો નથી. અથવા આપણે સહેલાઈથી પોતાની માન્યતા બદલી નાખીશું. તેઓ આપણને ‘ઘણાઓનું અનુસરણ કરવાનું’ દબાણ કરી શકે. જેમ કે, જૂઠું બોલવા, ચોરી કરવા અથવા એવા ખોટાં કામોને છૂપાવી રાખવા દબાણ કરી શકે. (નિર્ગ. ૨૩:૨) પણ જે વ્યક્તિ ઈશ્વરને મહિમા મળે એવા નિર્ણય લેવા ચાહે છે તે શું કરશે? તે ડરીને એવા લોકો સાથે જોડાઈ નહિ જાય. તેઓની હામાં હા નહિ મીલાવે. એવું પણ કંઈ નહિ કરે જેના લીધે બાઇબલથી કેળવાયેલું તેનું દિલ ડંખે.​—રૂમી ૧૩:૫.

૪. અમુક લોકો કેમ આપણા માટે નિર્ણયો લેવા માગે છે?

૪ અમુક લોકો આપણા માટે નિર્ણયો લેવા માગશે. કદાચ મિત્રોને લાગે કે આપણા ભલા માટે તેઓની સલાહ પાળવી જોઈએ. ભલે ઘરેથી દૂર રહેતા હોઈએ, તોપણ કુટુંબીજનોને લાગે કે આપણા માટે મહત્ત્વના નિર્ણય લેવા તેઓની ફરજ છે. દાખલા તરીકે સારવારનો વિચાર કરો. બાઇબલ સાફ કહે છે કે લોહીની આપ-લે ના કરવી જોઈએ. (પ્રે.કૃ. ૧૫:૨૮, ૨૯) પણ એ સિવાય કેવી સારવાર લઈ શકીએ એ વિષે બાઇબલ કંઈ જણાવતું નથી. એટલે દરેકે બાઇબલ સિદ્ધાંતો મુજબ પોતે નિર્ણય લેવો પડશે કે તે કેવી સારવાર લેશે.a સગાં-વહાલાં કોઈ સારવાર લેવા આપણા પર ઘણું દબાણ કરે, પણ બાપ્તિસ્મા પામેલા દરેકે “પોતાનો બોજો ઊંચકવો” પડશે. (ગલા. ૬:૪, ૫) આપણે માણસોને નહિ, યહોવાહને ખુશ કરવા જોઈએ. તેમની આગળ સાફ દિલ રાખવું સૌથી મહત્ત્વનું છે.​—૧ તીમો. ૧:૫.

૫. આપણો વિશ્વાસ ભાંગી ન પડે માટે શું કરવું જોઈએ?

૫ નિર્ણય લેવામાં ઢચુપચું હોઈશું તો જોખમમાં આવી પડીશું. યાકૂબે લખ્યું કે જે વ્યક્તિ નિર્ણય લેવામાં ઢચુપચું છે તે “પોતાનાં સઘળાં કાર્યમાં અસ્થિર છે.” (યાકૂ. ૧:૮) એ સમજવા સુકાન વગરની એક નાવમાં બેઠેલા માણસનો વિચાર કરો. તોફાની સમુદ્રમાં એ નાવ આમતેમ ડોલા ખાઈને આખરે ભાંગી જાય છે. જે વ્યક્તિ નિર્ણય લેવામાં ઢચુપચું છે, તે સુકાન વગરની નાવ જેવો છે. બીજા લોકોના વિચારોને લીધે તે નિર્ણય લેવામાં ડોલા ખાશે. આમ કદાચ તેનો વિશ્વાસ ભાંગી જશે. તેણે જે પરિણામ ભોગવવું પડે, એ માટે તે બીજાનો વાંક કાઢશે. (૧ તીમો. ૧:૧૯) એવું ન થાય માટે આપણે શું કરવાની જરૂર છે? “વિશ્વાસમાં દૃઢ” થવાની જરૂર છે. (કોલોસી ૨:૬, ૭ વાંચો.) દૃઢ થવા આપણે બાઇબલમાં પૂરો ભરોસો છે એવા નિર્ણયો લેતા શીખવાની જરૂર છે. (૨ તીમો. ૩:૧૪-૧૭) તેમ છતાં એવી કઈ બાબતો છે, જે સારા નિર્ણય લેવાનું અઘરું બનાવે છે?

સારા નિર્ણય લેવા કેમ અઘરું છે?

૬. કેવી બીકના લીધે આપણને નિર્ણય લેવાનું અઘરું લાગી શકે?

૬ શા માટે સારા નિર્ણય લેવાનું અઘરું લાગી શકે? બીકના લીધે. ખોટો નિર્ણય લઈ લેવાની બીક, નિર્ણયમાં નિષ્ફળ જવાની બીક કે પછી બીજાઓ આપણી મશ્કરી કરશે એવી બીક. તમનેય કદાચ આવું થયું હશે. પણ ઈશ્વર અને બાઇબલ માટેના પ્રેમને લીધે એ બીકને દૂર કરી શકીએ. કઈ રીતે? કોઈ પણ મહત્ત્વના નિર્ણય લેતા પહેલાં બાઇબલ અને આપણા સાહિત્યમાંથી માર્ગદર્શન મેળવીએ. આમ કરવાથી આપણે ઓછી ભૂલો કરીશું. એનું કારણ એ છે કે બાઇબલ ‘ભોળાને ચતુરાઈ, જુવાન પુરુષને જ્ઞાન તથા વિવેકબુદ્ધિ’ આપે છે.​—નીતિ. ૧:૪.

૭. દાઊદ રાજાના દાખલામાંથી શું શીખવા મળે છે?

૭ શું આપણે હંમેશાં ખરો જ નિર્ણય લઈશું? ના, કેમ કે આપણે બધા જ ભૂલો કરીએ છીએ. (રૂમી ૩:૨૩) દાખલા તરીકે દાઊદ રાજા ઘણા સમજુ અને વિશ્વાસુ માણસ હતા, છતાં તેમણે અમુક ખોટા નિર્ણય લીધા. જેના કારણે તેમણે અને બીજાઓને ઘણું સહેવું પડ્યું. (૨ શમૂ. ૧૨:૯-૧૨) જોકે એ ભૂલોને લીધે દાઊદે નિર્ણય લેવાનું છોડી ના દીધું. તે એવા નિર્ણય લેતા રહ્યા, જેનાથી યહોવાહની કૃપા મેળવી શકે. (૧ રાજા. ૧૫:૪, ૫) આપણે ભૂલો કરીએ છતાં દાઊદની જેમ નિર્ણય લેવાનું ચાલુ રાખીએ. પૂરી ખાતરી રાખીએ કે યહોવાહ આપણી ભૂલો અને પાપોને માફ કરે છે. જો આપણે યહોવાહને પ્રેમ કરતા રહીએ અને તેમની આજ્ઞાઓ પાળીએ, તો તે જરૂર સાથ આપશે.​—ગીત. ૫૧:૧-૪, ૭-૧૦.

૮. લગ્‍ન વિષે પાઊલે જે કહ્યું, એમાંથી આપણે શું સમજી શકીએ?

૮ નિર્ણય લેતી વખતે ચિંતા ઓછી કરવા શું કરી શકીએ? એ મનમાં રાખી શકીએ કે આપણી પાસે નિર્ણય લેવા એક કરતાં વધારે સારી પસંદગી રહેલી છે. દાખલા તરીકે પાઊલે લગ્‍ન વિષે જે કહ્યું એનો વિચાર કરો. તેમણે લખ્યું: “પોતાની જાત પર સંયમ ન રાખી શકવાને કારણે કોઈને પરણવું હોય તો તેને પરણવા દો. એ વાજબી છે. એ પાપ નથી. પરંતુ કોઈ માણસ અપરિણીત રહેવાનો મક્કમ નિર્ણય કરે તો તે ડહાપણ ભરેલું છે.” (૧ કોરિં. ૭:૩૬-૩૮, IBSI) પાઊલ અહીંયા જણાવે છે કે કુંવારા રહેવું સારું છે, પણ ફક્ત એ જ સારો નિર્ણય નથી.

૯. બીજાઓને આપણા નિર્ણય વિષે કેવું લાગશે, શું એવી ચિંતા કરવી જોઈએ? સમજાવો.

૯ બીજાઓને આપણા નિર્ણય વિષે કેવું લાગશે શું એવી ચિંતા કરવી જોઈએ? અમુક હદે હા. એ સમજવા ચાલો પાઊલે ખોરાક વિષે જે વાત કરી એનો વિચાર કરીએ. તેમના સમયમાં બજારમાં વેચાતું અમુક માંસ દેવ-દેવીઓને ચઢાવ્યું છે કે નહિ એવી ભાઈ-બહેનોને શંકા હતી. પાઊલે કહ્યું કે એ ખાવું કે નહિ એનો નિર્ણય વ્યક્તિ પોતે લઈ શકે. તેમણે એમ પણ કહ્યું, “જો ખાવાની વસ્તુથી મારો ભાઈ ઠોકર ખાય, તો મારો ભાઈ ઠોકર ન ખાય એ માટે હું કદી પણ માંસ નહિ ખાઉં.” (૧ કોરીં. ૮:૪-૧૩) તેથી આપણે વિચારવું જોઈએ કે આપણા નિર્ણયથી બીજાઓ પર કેવી અસર થશે. જોકે સૌથી વધારે તો એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણા નિર્ણયથી યહોવાહ સાથેના સંબંધમાં કેવી અસર પડશે. (રૂમી ૧૪:૧-૪ વાંચો.) તેથી ઈશ્વરને મહિમા મળે એવા નિર્ણય લેવા બાઇબલના કયા સિદ્ધાંતો ધ્યાનમાં રાખવા જોઈએ?

સારા નિર્ણય લેવાના છ પગલાં

૧૦, ૧૧. (ક) કુટુંબમાં, દરેકે નિર્ણય લેતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? (ખ) મંડળ માટે નિર્ણય લેતી વખતે વડીલોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ?

૧૦ ઘમંડી ન બનો. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વિચારવું જોઈએ કે ‘શું આ નિર્ણય લેવાનો હક ખરેખર મારો છે કે બીજાનો?’ રાજા સુલેમાને લખ્યું: “અહંકાર આવે છે, ત્યારે ફજેતી પણ આવે છે; પણ નમ્ર જનો પાસે જ્ઞાન હોય છે.”​—નીતિ. ૧૧:૨.

૧૧ અમુક હદ સુધી માબાપ તેમના બાળકોને નિર્ણય લેવાની છૂટ આપે છે. જોકે બાળકોએ એ ધારી ના લેવું જોઈએ કે કોઈ પણ નિર્ણય લેવાનો તેઓને હક છે. (કોલો. ૩:૨૦) પત્નીઓ અને માતાઓ પાસે કુટુંબમાં અમુક નિર્ણય લેવાની જવાબદારી છે. તેમ છતાં હજુ તેઓએ પતિને આધીન રહેવું જોઈએ. (નીતિ. ૧:૮; ૩૧:૧૦-૧૮; એફે. ૫:૨૩) પતિઓએ પણ સ્વીકારવું જોઈએ કે નિર્ણય લેવાનો તેમનો હક મર્યાદિત છે. તેઓએ હજી ખ્રિસ્તને આધીન રહેવાનું છે. (૧ કોરીં. ૧૧:૩) વડીલો મંડળ માટે ઘણા નિર્ણયો લે છે. તેમ છતાં તેઓએ બાઇબલમાં ‘જે લખેલું છે તેની હદ ઓળંગીને જવું ન જોઈએ.’ (૧ કોરીં. ૪:૬) વિશ્વાસુ ચાકર જે માર્ગદર્શન આપે છે એ મુજબ જ તેઓએ ચાલવું જોઈએ. (માથ. ૨૪:૪૫-૪૭) આપણી પાસે જેટલો હક હોય એ મુજબ જ નિર્ણય લેવો જોઈએ. જો એમ નહિ કરીએ તો આપણને અને બીજાઓને ઘણું દુઃખ થશે.

૧૨. (ક) આપણે કેમ બધી વિગતો તપાસવી જોઈએ? (ખ) વિગતો તપાસવા શું કરવું જોઈએ?

૧૨ બધી વિગતો તપાસો. સુલેમાને લખ્યું ‘સમજી-વિચારીને મહેનત કરનારને પુષ્કળ ફળ મળે છે; પણ દરેક ઉતાવળિયો કંગાળ થાય છે.’ (નીતિ. ૨૧:૫) શું તમે કોઈની સાથે ધંધો શરૂ કરવાનું વિચારો છો? લાગણીવશ થઈને વગર વિચાર્યે પગલાં ન લો. પ્રથમ તો બધી વિગતો તપાસો. અનુભવી વ્યક્તિની મદદ લો. એ વિષય પર કયા બાઇબલ સિદ્ધાંતો લાગુ પડે છે એનો વિચાર કરો. (નીતિ. ૨૦:૧૮) પછી બે લિસ્ટ બનાવો. એકમાં લખો કે એ ધંધાથી તમારા પર કેટલો ખર્ચ આવશે. બીજામાં લખો કે એ ધંધો કરવાથી કેવો ફાયદો થશે. કંઈ પણ નક્કી કરો એ પહેલાં ‘બેસીને ખર્ચ ગણો.’ (લુક ૧૪:૨૮) એ પણ વિચાર કરો કે જે નિર્ણય લેશો એનાથી શું તમને પૈસાની તાણ પડશે? તેમ જ એનાથી યહોવાહ સાથેનો તમારો સંબંધ નબળો તો નહિ પડી જાય ને! આવી બાબતો પર વિચાર કરવા સમય અને મહેનત માગી લે છે. જો ખર્ચ બરાબર રીતે ગણશો તો તમે ઉતાવળે ખોટો નિર્ણય નહિ લો. તેમ જ એનાથી આવતા દુઃખ અને ચિંતાથી બચશો.

૧૩. (ક) યાકૂબ ૧:૫માંથી આપણને કેવી ખાતરી મળે છે? (ખ) પ્રાર્થના કરવાથી શું લાભ થાય છે?

૧૩ સમજણ માટે પ્રાર્થના કરો. જો આપણે નિર્ણય લેવા ઈશ્વરની મદદ માગીએ તો જરૂર એનાથી તેમને મહિમા મળશે. યાકૂબે લખ્યું, ‘તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતો નથી, તેની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે.’ (યાકૂ. ૧:૫) ઈશ્વર પાસે ડહાપણ માગતા શરમાવું ન જોઈએ. (નીતિ. ૩:૫, ૬) પણ જો આપણે પોતાની સમજણ પ્રમાણે વર્તીશું તો ખોટાં પગલાં લઈ બેસીશું. તેથી ચાલો આપણે ડહાપણ માટે પ્રાર્થના કરીએ. બાઇબલમાંથી એ નિર્ણયને લગતા સિદ્ધાંતો શોધીએ. આમ કરીને ઈશ્વરની શક્તિથી પારખી શકીશું કે એ નિર્ણય લેવા પાછળ આપણો ઇરાદો શું છે.​—હેબ્રી ૪:૧૨; યાકૂબ ૧:૨૨-૨૫ વાંચો.

૧૪. નિર્ણય લેવામાં શું ન કરવું જોઈએ?

૧૪ પોતે નિર્ણય લો. પ્રાર્થના કર્યા પહેલાં ઉતાવળે નિર્ણય ન લો. તેમજ બધી વિગતો તપાસ્યા વગર ઉતાવળે નિર્ણય ન લો. સમજદાર વ્યક્તિ “જોઈ વિચારીને આગળ વધે છે.” (નીતિ. ૧૪:૧૫, IBSI) બીજી બાજુ, જે વ્યક્તિ સમજદાર નથી તે એમ વિચારે છે કે કાલે નિર્ણય લઈશ. બીજો દિવસ આવે ત્યારે નિર્ણય ન લેવા બીજા બહાનાં કાઢે છે. (નીતિ. ૨૨:૧૩) ભલે તે વ્યક્તિ નિર્ણય લેવાનું ટાળે છે, પણ હકીકતમાં તેણે બીજાઓને નિર્ણય લેવાનો હક આપી દીધો છે.

૧૫, ૧૬. નક્કી કર્યા પ્રમાણે કરવા શું જરૂરી છે?

૧૫ નક્કી કર્યા પ્રમાણે કરો. સારા નિર્ણય લેવા ઘણી મહેનત અને સમય માગી લે છે. પણ જો એ મુજબ પગલાં ન લઈએ તો એ બધું જ નકામું છે. સુલેમાને લખ્યું “જે કંઈ કામ તારે હાથ લાગે તે મન લગાડીને કર.” (સભા. ૯:૧૦) નક્કી કર્યા પ્રમાણે થાય એ માટે બનતું બધું જ કરવા તૈયાર રહેવું જોઈએ. દાખલા તરીકે મંડળમાં કોઈ ભાઈ કે બહેન નક્કી કરે કે તેને પાયોનિયરીંગ કરવું છે. જો તે મનોરંજન અને કામકાજમાં ઓછો સમય કાઢે અને પ્રચારમાં વધારે મહેનત કરે, તો તે નક્કી કર્યા પ્રમાણે કરી શકશે.

૧૬ ઘણી વખત સૌથી સારા નિર્ણય પ્રમાણે પગલાં લેવા સહેલું નથી. શા માટે? કેમ કે “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” (૧ યોહા. ૫:૧૯) આપણે ‘આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટ દૂતોના લશ્કરોની સામે’ લડીએ છીએ. (એફે. ૬:૧૨) પાઊલ અને યહુદાએ જણાવ્યું હતું કે જેઓ ઈશ્વરને મહિમા આપવા ચાહે છે, તેઓએ સખત લડત લડવી પડશે.​—૧ તીમો. ૬:૧૨; યહુ. ૩.

૧૭. ભલે અમુક નિર્ણયો પ્રમાણે કરવું સહેલું ના હોય, છતાં યહોવાહ શું ચાહે છે?

૧૭ સમયે સમયે પોતાના નિર્ણય તપાસો અને જરૂર પડ્યે એમાં ફેરફાર કરો. કોઈ વાર આપણે જે નિર્ણય લીધો હોય એ મુજબ થતું નથી. એનું કારણ એ છે કે “સમય અને સંજોગોની અસર” બધાને થાય છે. (સભા. ૯:૧૧, કોમન લેંગ્વેજ) ભલે અમુક નિર્ણયો પ્રમાણે કરવું સહેલું ના હોય, છતાં યહોવાહ ચાહે છે કે એમ કરતા રહીએ. જેમ કે, સમર્પણ વખતે આપેલ વચન અથવા લગ્‍ન વખતે લીધેલા સોગંદ પ્રમાણે જીવીએ. (ગીતશાસ્ત્ર ૧૫:૧, ૨, ૪ વાંચો.) જોકે ઘણા નિર્ણયો બહુ મોટા હોતા નથી. સમજદાર વ્યક્તિ પોતાના નિર્ણયો પર વિચાર કરશે, અને જરૂર પડે એમાં ફેરફાર કરશે. પણ ઘમંડી કે હઠીલી વ્યક્તિ નિર્ણયમાં ફેરફાર કરવા તૈયાર નહિ થાય. (નીતિ. ૧૬:૧૮) સમજદાર વ્યક્તિ પોતાના જીવનથી ઈશ્વરને મહિમા આપવા ચાહે છે.

બીજાઓને સારા નિર્ણય લેવા મદદ કરો

૧૮. માબાપ કઈ રીતે બાળકને સારા નિર્ણય લેતા શીખવી શકે?

૧૮ બાળકો પણ યહોવાહને મહિમા મળે એવા નિર્ણયો લઈ શકે છે. એ માટે માબાપે તેઓને શીખવવું જોઈએ. જો માબાપ પોતે સારો દાખલો બેસાડે, તો બાળકો સારા નિર્ણય લેતા શીખશે. (લુક ૬:૪૦) તેઓ બાળકને સમજાવી શકે કે અમુક નિર્ણય લેવા તેઓએ શું કરવું પડ્યું. કદાચ તેઓ બાળકને અમુક નિર્ણય લેવાની છૂટ આપી શકે. જ્યારે બાળક સારા નિર્ણય લે, ત્યારે તેને શાબાશી આપવી જોઈએ. જો તેના નિર્ણયથી કઈ ખોટું પરિણામ આવે ત્યારે માબાપ શું કરી શકે? તેઓને લાગી શકે કે બાળકને એમાંથી બચાવવું જોઈએ. જોકે એમ કરવાથી બાળકને ફાયદો નહિ થાય. દાખલા તરીકે કોઈ માબાપ તેમના યુવાન છોકરાને લાઇસન્સ મેળવવા મદદ કરે. એ યુવાન ટ્રાફિકનો કોઈ નિયમ તોડે અને તેને દંડ થાય છે. કદાચ માબાપ વિચારે કે એ દંડ ભરી દઈએ. પણ એમ કરવાને બદલે માબાપ એ યુવાનને કામ કરીને દંડ ભરવા કહી શકે. આમ યુવાન પોતાની જવાબદારી સારી રીતે સમજી શકશે.​—રૂમી ૧૩:૪.

૧૯. આપણે બીજાઓને શું શીખવવું જોઈએ?

૧૯ ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે તેઓએ બીજાઓને શીખવવું જોઈએ. (માથ. ૨૮:૨૦) આપણે બીજાઓને સારા નિર્ણયો લેતા શીખવીએ, પણ તેઓ માટે નિર્ણય ના લેવા જોઈએ. આપણે તેઓને બાઇબલ સિદ્ધાંતો પર વિચાર કરવા મદદ કરવી જોઈએ, જેથી તેઓ સારા નિર્ણય લેતા શીખી શકે. છેવટે તો ‘દરેકને પોતપોતાનો હિસાબ ઈશ્વરને આપવો પડશે.’ (રૂમી ૧૪:૧૨) તેથી ચાલો આપણે એવા નિર્ણયો લઈએ જેનાથી ઈશ્વરને મહિમા મળે. (w11-E 04/15)

[ફુટનોટ]

a આ વિષે વધારે માહિતી માટે “લોહીના અંશો એટલે શું? મારા જ લોહીથી મારી સારવાર કરવા વિષે મને કેવું લાગશે?” નવેમ્બર ૨૦૦૬ની આપણી રાજ્ય સેવા જુઓ.

જવાબમાં શું કહેશો?

• આપણે શા માટે સારા નિર્ણયો લેતા શીખવું જોઈએ?

• બીકના લીધે શું થઈ શકે? બીકને દૂર કરવા શું કરી શકીએ?

• ઈશ્વરને મહિમા મળે એવા નિર્ણય લેવા કયા છ પગલાં લઈશું?

[પાન ૨૦ પર બોક્સ/ચિત્ર]

સારા નિર્ણય લેવાના પગલાં

૧ ઘમંડી ન બનો

૨ બધી વિગતો તપાસો

૩ સમજણ માટે પ્રાર્થના કરો

૪ પોતે નિર્ણય લો

૫ નક્કી કર્યા પ્રમાણે કરો

૬ નિર્ણય તપાસો અને એમાં ફેરફાર કરો

[પાન ૧૯ પર ચિત્ર]

જે વ્યક્તિ નિર્ણય લેવામાં ઢચુપચું છે, તે તોફાની સમુદ્રમાં સુકાન વગરની નાવ જેવો છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો