૨ ઈશ્વરને આપણી કંઈ પડી નથી શું એ સાચું છે?
તમે કદાચ સાંભળ્યું હશે: “જો ઈશ્વરને આપણી પડી હોત, તો તેણે દુઃખ-તકલીફોને આ દુનિયા પરથી કાઢી નાખ્યા હોત. ઈશ્વરને બીજાઓની ચિંતા હશે, પણ મારી તો તેને કંઈ જ પડી નથી.”
બાઇબલ શું શીખવે છે: દુઃખ-તકલીફો પાછળ ઈશ્વર યહોવાહનો હાથ નથી. (યાકૂબ ૧:૧૩) તે ચાહે તો દુષ્ટતાને દૂર કરી શકે છે. પણ મનુષ્યની શરૂઆત થઈ એ સમયથી જ તેમના રાજ પર શંકા ઉઠાવવામાં આવી છે. એ શંકા દૂર કરવા તેમણે અમુક સમય માટે દુષ્ટતાને ચાલવા દીધી છે. પરંતુ મનુષ્યના ભલા માટે યહોવાહ ચોક્કસ પગલાં લેશે. દુષ્ટ લોકોએ ઊભી કરેલી બધી જ તકલીફોને દૂર કરશે.—ઉત્પત્તિ ૩:૧-૬; યશાયાહ ૬૫:૧૭.a
ઈશ્વર બધા મનુષ્યોની સંભાળ રાખે છે. એટલું જ નહિ તે દરેક વ્યક્તિમાં ઊંડો રસ લે છે. તેમને આપણા વિષે ઝીણામાં ઝીણી માહિતી છે, જેની કદાચ આપણને પણ ખબર નથી. માત્થી ૧૦:૨૯-૩૧ કહે છે: ‘પૈસાની બે ચકલી વેચાતી નથી શું? તોપણ તમારા પિતાની ઇચ્છા વગર તેમાંથી એકે જમીન પર પડનાર નથી. અને તમારા માથાના વાળ પણ બધા ગણેલા છે. તે માટે બીહો મા; ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.’
સત્ય જાણવાનો ફાયદો: જો કોઈ વ્યક્તિને આપણી પડી ના હોય અથવા ક્રૂર રીતે વર્તે, તો તેનાથી આપણે દૂર રહીએ છીએ. ઘણાને શીખવવામાં આવ્યું છે કે ઈશ્વરને આપણી કંઈ પડી નથી, એટલે તેઓ ઈશ્વરથી દૂર રહે છે. જ્યારે તેઓને કોઈ રસ્તો દેખાતો ન હોય ત્યારે જ ઈશ્વરને યાદ કરે છે. પરંતુ ઈશ્વર યહોવાહ ખરેખર તમારી કાળજી રાખે છે. એ જાણવાથી ચોક્કસ તમને તેમના વિષે શીખવાની અને તેમની સાથે મિત્રતા બાંધવાની પ્રેરણા મળશે.
તમે કદાચ ઈશ્વરને પ્રાર્થના કરી હશે, પણ વિચારતા હશો કે શું તેમણે એ સાંભળી હશે? શું તે પ્રાર્થનાનો જવાબ આપશે? બાઇબલ આપણને ખાતરી આપે છે કે યહોવાહ “પ્રાર્થનાના સાંભળનાર” છે. જેઓ પણ ખરા દિલથી પ્રાર્થના કરે છે, તેઓની પ્રાર્થના તે જરૂર સાંભળે છે.—ગીતશાસ્ત્ર ૬૫:૨.
ઈશ્વર ચાહે છે કે ‘તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.’ (૧ પીતર ૫:૭) આપણે ઘણી ચિંતામાં ડૂબેલા હોઈએ, ત્યારે પણ તેમના પર આધાર રાખવો જોઈએ. બાઇબલ કહે છે: ‘આશાભંગ થએલાઓની પાસે યહોવાહ છે, અને નમ્ર લોકોને તે તારે છે.’—ગીતશાસ્ત્ર ૩૪:૧૮. (w11-E 10/01)
[ફુટનોટ]
a ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે એ વિષે વધારે જાણવા, પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું અગિયારમું પ્રકરણ જુઓ.
[પાન ૫ પર ચિત્રનું મથાળું]
જો ઈશ્વરને આપણી કંઈ પડી ન હોય, તો શું તે પ્રાર્થના કરવા કહે!