દુષ્ટ જગતમાં “પ્રવાસી” તરીકે રહીએ
‘એ સઘળાંએ વિશ્વાસમાં પોતા વિષે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ.’—હેબ્રી ૧૧:૧૩.
૧. ઈસુએ પોતાના શિષ્યો વિષે શું કહ્યું?
ઈસુએ પોતાના શિષ્યો વિષે કહ્યું કે “તેઓ જગતમાં છે.” પણ “જેમ હું જગતનો નથી, તેમ તેઓ પણ જગતના નથી.” (યોહા. ૧૭:૧૧, ૧૪) ઈસુના શબ્દો સાફ બતાવે છે કે તેઓએ જગતનો ભાગ બનવાનું ન હતું. એનું મુખ્ય કારણ એ છે કે ‘આ જગતʼનો અધિકારી શેતાન છે. (૨ કોરીં. ૪:૪) તેઓએ આ દુનિયામાં રહીને પણ એનો ભાગ બનવાનું ન હતું. તેઓએ “પરદેશી તથા પ્રવાસી” તરીકે રહેવાનું હતું.—૧ પીત. ૨:૧૧.
તેઓ “પ્રવાસી” તરીકે જીવ્યા
૨, ૩. આપણે કેમ કહી શકીએ કે હનોખ, નુહ, ઈબ્રાહીમ અને સારાહ “પરદેશી તથા પ્રવાસી” તરીકે જીવ્યા?
૨ યહોવાહના વિશ્વાસુ ભક્તો હંમેશાં દુષ્ટ દુનિયાથી અલગ તરી આવ્યા. જળપ્રલય આવ્યો એ પહેલાંના ભક્તો હનોખ અને નુહ ‘ઈશ્વરની સંઘાતે ચાલ્યા’ હતા. (ઉત. ૫:૨૨-૨૪; ૬:૯) તેઓ જે સમયમાં જીવ્યા એ દુષ્ટ લોકોથી ભરેલો હતો. એવા લોકોને તેઓએ ઈશ્વરનો ન્યાયચુકાદો હિંમતથી જણાવ્યો. (૨ પીતર ૨:૫; યહુદા ૧૪, ૧૫ વાંચો.) એ દુષ્ટ જગતમાં પણ તેઓએ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કર્યું. એ કારણને લીધે જ ‘ઈશ્વર હનોખ પર પ્રસન્ન’ હતા, તેમ જ નુહને ‘પોતાના જમાનાનો ન્યાયી તથા સીધો માણસ’ ગણ્યો.—હેબ્રી ૧૧:૫; ઉત. ૬:૯.
૩ ઈબ્રાહીમ અને સારાહનો વિચાર કરો. તેઓ ઉર શહેરમાં આરામદાયક જીવન જીવતા હતા. પણ ઈશ્વરે જ્યારે તેઓને કહ્યું ત્યારે તેઓએ પોતાનું ઘરબાર છોડીને પ્રવાસી તરીકેનું જીવન પસંદ કર્યું. (ઉત. ૧૧:૨૭, ૨૮; ૧૨:૧) પાઊલે લખ્યું: ‘ઈબ્રાહીમને વિશ્વાસ હોવાથી જે સ્થળ વારસામાં મળવાનું હતું, ત્યાં જવાનું આમંત્રણ મળ્યાથી તેમણે આજ્ઞા પાળી. પોતે ક્યાં જાય છે, એ ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યા. વિશ્વાસથી તેમણે જાણે કે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો, અને વચનના સહવારસો ઈસ્હાક તથા યાકૂબની સાથે તે તંબુઓમાં રહ્યા.’ (હેબ્રી ૧૧:૮, ૯) એવા વિશ્વાસુ ઈશ્વરભક્તો વિષે પાઊલે કહ્યું: ‘એ સઘળાં વિશ્વાસમાં મરણ પામ્યાં, તેઓને વચનોનાં ફળ મળ્યાં નહિ, પણ એને દૂરથી જોઈને એનો આવકાર કર્યો, ને પોતા વિષે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ.’—હેબ્રી ૧૧:૧૩.
ઈસ્રાએલીઓ માટે ચેતવણી
૪. ઈસ્રાએલીઓ વચનના દેશમાં ગયા એ પહેલાં તેઓને કેવી ચેતવણી આપવામાં આવી હતી?
૪ સમય જતાં ઈબ્રાહીમના ઘણા વંશજો થયા, જેમાંથી ઈશ્વરે ઈસ્રાએલી પ્રજા બનાવી. પછી તેઓને નિયમો આપ્યા અને રહેવા માટે જમીનો આપી. (ઉત. ૪૮:૪; પુન. ૬:૧) પણ ઈસ્રાએલી લોકોએ ભૂલવાનું ન હતું કે એ જમીનના માલિક તો યહોવાહ છે. (લેવી. ૨૫:૨૩) તેઓ તો ભાડૂઆત હતા, જેઓએ માલિકની ઇચ્છા પ્રમાણે કરવાનું હતું. તેઓએ યાદ રાખવાનું હતું કે ‘માણસ ફક્ત રોટલીથી જ જીવતો નથી,’ કેમ કે દરેક સારી બાબતો ઈશ્વર તરફથી છે. (પુન. ૮:૧-૩) ઈસ્રાએલીઓ વચનના દેશમાં ગયા એ પહેલાં તેઓને ચેતવણી આપવામાં આવી: ‘એમ થશે કે જ્યારે યહોવાહ તમારા ઈશ્વર જે દેશ તમને આપવાના તેમણે તમારા પિતૃઓની આગળ, એટલે ઈબ્રાહીમની આગળ, ઈસ્હાકની આગળ તથા યાકૂબની આગળ સોગન ખાધા હતા તેમાં તમને લાવે; એટલે મોટાં ને ઉત્તમ નગરો જે તમે બાંધ્યાં નથી, ને સર્વ સારી વસ્તુઓથી ભરેલાં ઘર કે જે તમે ભર્યાં નથી, ખોદેલા કૂવા જે તમે ખોદ્યા નથી, દ્રાક્ષવાડીઓ ને જૈતવૃક્ષો જે તમે વાવ્યાં નથી તેમાં લાવે, ને તમે ખાઈને સંતોષી થાવ; ત્યારે સાવધાન રહો, રખેને યહોવાહ તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી, એટલે ગુલામીના ઘરમાંથી કાઢી લાવ્યા તેમને તમે ભૂલી જાવ.’—પુન. ૬:૧૦-૧૨.
૫. ઈશ્વરે શા માટે ઈસ્રાએલી પ્રજાનો નકાર કર્યો? તેમણે કઈ નવી પ્રજા પસંદ કરી?
૫ યહોવાહે જે કરવાની ના પાડી હતી એ જ તેઓએ કર્યું. તેઓ વચનના દેશમાં પોતાના ઘરોમાં રહેવા લાગ્યા. તેઓ પાસે પુષ્કળ ખોરાક અને દ્રાક્ષદારૂ હતો. આમ તેઓ એશઆરામી જીવન જીવવા પાછળ પડી ગયા, અને યહોવાહને ભૂલી ગયા. સમય જતાં જે બન્યું એ વિષે નહેમ્યાહના દિવસોમાં અમુક લેવીઓએ અફસોસ વ્યક્ત કર્યો હતો. (નહેમ્યાહ ૯:૨૫-૨૭ વાંચો.) તેઓએ જણાવ્યું કે ઈસ્રાએલીઓ ‘સમૃદ્ધિથી તૃપ્ત થયા,’ અને ઈશ્વરની વિરુદ્ધ ગયા. ઈસ્રાએલી લોકોને ચેતવવા ઈશ્વરે જે પ્રબોધકોને મોકલ્યા તેઓને પણ મારી નાખ્યા. તેથી યહોવાહે તેઓને તરછોડી દીધા અને દુશ્મનોના હાથમાં જવા દીધા. (હોશી. ૧૩:૬-૯) ઈસ્રાએલીઓ જ્યારે રોમની સત્તા નીચે હતા ત્યારે તેઓએ મસીહાને પણ મારી નાખ્યા. તેથી યહોવાહે તેઓનો નકાર કર્યો, અને પોતાને માટે નવી પ્રજા પસંદ કરી. એ પ્રજા ‘ઈશ્વરના ઈસ્રાએલ’ તરીકે ઓળખાય છે.—માથ. ૨૧:૪૩; પ્રે.કૃ. ૭:૫૧, ૫૨; ગલા. ૬:૧૬.
“તમે જગતના નથી”
૬, ૭. (ક) આ દુનિયા વિષે ઈસુએ તેમના શિષ્યોને શું કહ્યું હતું? (ખ) પ્રેરિત પીતરે શા માટે ખ્રિસ્તીઓને શેતાનની દુનિયાનો ભાગ ન બનવા કહ્યું?
૬ ખ્રિસ્તી મંડળના શિર ઈસુએ પોતાના શિષ્યો વિષે સાફ જણાવ્યું હતું કે તેઓ શેતાનની દુનિયાનો ભાગ નથી. મરણના થોડા જ સમય પહેલાં તેમણે શિષ્યોને કહ્યું: “જો તમે જગતના હોત તો જગત પોતાનાંના ઉપર પ્રેમ રાખત; પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે, તે માટે જગત તમારા પર દ્વેષ રાખે છે.”—યોહા. ૧૫:૧૯.
૭ સમય જતાં ખ્રિસ્તીઓ દુનિયામાં ચારેય બાજુ ફેલાવા લાગ્યા. (૧ પીત. ૧:૨) તેઓ જ્યાં પણ ગયા તેઓએ કોઈ પણ રીતે શેતાનની દુનિયાનો ભાગ બનવાનું ન હતું. તેઓની આસપાસ રહેતા લોકોના રીતરિવાજોથી દૂર રહેવાનું હતું. ઈસુના મરણના આશરે ૩૦ વર્ષ પછી પ્રેરિત પીતરે એ સમયના ખ્રિસ્તીઓને લખ્યું: “વહાલાઓ આ દુનિયામાં તમે પરદેશી તથા પ્રવાસી જેવા છો. તેથી હું તમને વિનંતી કરું છું કે શરીરની ઇચ્છાઓથી પોતાને દૂર રાખો, કેમ કે એ ઇચ્છાઓ તમારી સામે લડે છે. વિદેશી લોકોમાં તમે તમારાં આચરણ સારાં રાખો.”—૧ પીત. ૨:૧૧, ૧૨, NW.
૮. એક ઇતિહાસકારે, પહેલી સદીના ખ્રિસ્તીઓ વિષે શું જણાવ્યું?
૮ રોમન રાજ હેઠળ, એ સમયના ખ્રિસ્તીઓ “પરદેશી તથા પ્રવાસી” તરીકે જીવ્યા હતા. એક ઇતિહાસકાર જણાવે છે કે ‘અડગ રહેવાને લીધે તેઓએ સખત સતાવણીનો વારંવાર સામનો કરવો પડ્યો. તેઓ જૂઠી ધાર્મિક વિધિઓમાં ભાગ લેતા ન હતા, એટલે તહોમત મૂકવામાં આવ્યું કે તેઓ ઈશ્વરમાં માનતા નથી. અરે, તેઓને “માણસજાતને નફરત કરનારા” કહેવામાં આવ્યા. એનું કારણ એ હતું કે તેઓ જૂઠી ભક્તિ કે અનૈતિકતા સાથે સંકળાયેલા મનોરંજન કે તહેવારોમાં ભાગ લેતા ન હતા.’
જગતમાં તલ્લીન ન થઈ જાવ
૯. આપણે “માણસજાતને નફરત કરનારા” લોકો નથી, એની સાબિતી શામાંથી મળે છે?
૯ ‘હાલના ભૂંડા જગતʼની હાલત જોતા આપણે પણ પહેલાંના ખ્રિસ્તીઓની જેમ દુનિયાના લોકોથી અંતર જાળવવું જોઈએ. (ગલા. ૧:૪) એમ કરવાને લીધે લોકોને આપણા વિષે ગેરસમજ થાય છે, એટલે અમુક તો આપણને નફરત કરે છે. હકીકતમાં તો આપણે “માણસજાતને નફરત કરનારા” લોકો નથી, પણ પ્રેમ બતાવનારા છીએ. એ માટે જ આપણે રાજ્યની સુવાર્તા જણાવવા લોકોના ઘરે ઘરે જઈએ છીએ. (માથ. ૨૨:૩૯; ૨૪:૧૪) આપણને પૂરી ખાતરી છે કે ઈસુ ખ્રિસ્ત દ્વારા યહોવાહ પોતાનું રાજ સ્થાપન કરશે. તે જલદી જ માણસોની અન્યાયી સરકારોને દૂર કરશે, અને પોતાનું ન્યાયી રાજ લાવશે.—દાની. ૨:૪૪; ૨ પીત. ૩:૧૩.
૧૦, ૧૧. (ક) દુનિયાનો કામ પૂરતો જ લાભ ઉઠાવવા આપણે શું કરવું જોઈએ? (ખ) દુનિયામાં તલ્લીન ન થઈ જઈએ એ માટે આપણે શું કરી શકીએ?
૧૦ યહોવાહના ભક્તો તરીકે આપણે જાણીએ છીએ કે આ દુષ્ટ જગતનો અંત ખૂબ જ પાસે છે. તેથી આપણે એમાં ભળી જવાને બદલે પાઊલના શબ્દોને ધ્યાનમાં રાખીએ: ‘ભાઈઓ, હું કહું છું કે સમય થોડો રહેલો છે; માટે પોતાની પાસે કશું નહિ રાખનારા જેવા થાવ; અને આ જગતના વહેવારમાં તલ્લીન થઈ ગયેલા જેવા ન થાવ; કેમ કે આ જગતનો ડોળદમાક જતો રહે છે.’ (૧ કોરીં. ૭:૨૯-૩૧) આપણે આ જગતમાં રહેવું પડતું હોવાથી એનો કેટલો ઉપયોગ કરીએ છીએ? આપણે આધુનિક ટૅક્નોલૉજીનો સારો ઉપયોગ કરીએ છીએ, જેથી વધારે લોકો સુધી સંદેશો પહોંચાડી શકીએ. એના દ્વારા દુનિયા ફરતે સેંકડો ભાષાઓમાં બાઇબલનો સંદેશો ફેલાવી શકીએ છીએ. આપણે આ દુનિયામાંથી ફક્ત જીવન-જરૂરી બાબતો માટે જ કમાઈએ છીએ. તેમ જ જરૂરી હોય એવી ચીજવસ્તુઓ જ વસાવીએ છીએ. ઉપરાંત આપણે દુનિયાની ઊંચી પદવીઓ અને નોકરી-ધંધાને યોગ્ય સ્થાને રાખીએ છીએ. આમ આપણે આ દુનિયામાં તલ્લીન થઈ જતા નથી.—૧ તીમોથી ૬:૯, ૧૦ વાંચો.
૧૧ બીજી એક રીતે પણ આપણે દુનિયાનો પૂરેપૂરો લાભ ઉઠાવવાનું ટાળીએ છીએ. એ છે કે આપણે ઉચ્ચ શિક્ષણને વધારે મહત્ત્વ આપતા નથી. લોકો માને છે કે ઉચ્ચ શિક્ષણ વગર સારા પગારવાળી નોકરી નહિ મળે. પણ આપણે ‘પરદેશીઓ’ હોવાથી ‘મોટી મોટી બાબતો પર મન લગાડતા’ નથી. (રોમ. ૧૨:૧૬; યિર્મે. ૪૫:૫) પરંતુ આપણે ઈસુની આ સલાહને જીવનમાં ઉતારીએ છીએ: “સાવધાન રહો, અને સર્વ પ્રકારના લોભથી દૂર રહો; કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.” (લુક ૧૨:૧૫) એટલા માટે યુવાન ભાઈ-બહેનોને વારંવાર ઉત્તેજન આપવામાં આવે છે કે તેઓ ઈશ્વરભક્તિમાં વધારે કરવાનો ધ્યેય રાખે. પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે એટલું જ ભણતર લે. તેમ જ ‘પૂરા હૃદયથી, જીવથી અને પૂરા સામર્થ્યથી’ યહોવાહની ભક્તિ કરવા પર પોતાનું ધ્યાન લગાડે. (લુક ૧૦:૨૭) આમ કરવાથી તેઓ ‘ઈશ્વરની નજરમાં ધનવાન’ બની શકશે.—લુક ૧૨:૨૧; માત્થી ૬:૧૯-૨૧ વાંચો.
જીવનની ચિંતાઓમાં દબાઈ ન જાવ
૧૨, ૧૩. માત્થી ૬:૩૧-૩૩ના ઈસુના શબ્દોને ધ્યાનમાં લઈએ છીએ, ત્યારે કઈ રીતે દુનિયાના લોકોથી અલગ તરી આવીએ છીએ?
૧૨ ચીજવસ્તુઓ માટે પણ યહોવાહના ભક્તોનું વલણ દુનિયાના લોકો કરતાં સાવ અલગ છે. આ વિષે ઈસુએ પોતાના અનુયાયીઓને કહ્યું: ‘અમે શું ખાઈએ, અથવા શું પીઈએ, અથવા શું પહેરીએ, એમ કહેતાં ચિંતા ન કરો. કારણ કે એ સઘળાં વાનાં વિદેશીઓ શોધે છે; કેમ કે તમારા આકાશમાંના પિતા જાણે છે કે એ બધાની તમને અગત્ય છે. પણ તમે પહેલાં તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.’ (માથ. ૬:૩૧-૩૩) ઘણા ભાઈ-બહેનો પોતાના અનુભવથી કહી શક્યા છે કે તેઓને જે બાબતોની જરૂર હતી એ ઈશ્વરે પૂરી પાડી છે.
૧૩ ‘સંતોષી રહીને ભક્તિ કરવામાં મોટો લાભ છે.’ (૧ તીમો. ૬:૬) પણ દુનિયાના લોકો જરાય એવું વિચારતા નથી. દાખલા તરીકે, જ્યારે કોઈ યુવાન વ્યક્તિ લગ્ન કરે, ત્યારે તેને બધું જ જોઈએ છે. પોતાની ગાડી હોય ઘર હોય. ઘરમાં બધી સગવડ હોય, આધુનિક સાધનો હોય. જ્યારે કે આપણે ‘પરદેશી’ તરીકે જીવીએ છીએ, માટે પોતાની ઇચ્છાઓ પર કાબૂ રાખીએ છીએ. ગજા બહારની કોઈ વસ્તુ ખરીદતા નથી. અરે ઘણા ઉત્સાહી ભાઈ-બહેનો ભક્તિમાં વધારે કરવા પોતાનો સમય અને શક્તિ વાપરે છે. એ માટે તેઓએ ઘણી એશઆરામી વસ્તુઓ જતી કરી છે. ઘણા પાયોનિયરીંગ કરે છે, બેથેલમાં સેવા આપે છે તો ઘણા મિશનરી અને પ્રવાસી નિરીક્ષકો તરીકે સેવા આપે છે. તેઓ પૂરા દિલથી યહોવાહની સેવા કરે છે, માટે આપણે તેઓની દિલથી કદર કરવી જોઈએ.
૧૪. દાણા વાવનારના દૃષ્ટાંતમાંથી આપણે શું શીખી શકીએ?
૧૪ ઈસુએ દાણા વાવનારના દૃષ્ટાંતમાં કહ્યું “આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દાબી નાખે છે.” જો ઈશ્વરનું વચન દબાઈ જશે તો આપણે ઈશ્વરભક્તિમાં ધીમા પડી જઈશું. (માથ. ૧૩:૨૨) પણ જો આપણે આ દુનિયામાં પ્રવાસી અને પરદેશી તરીકે જીવીશું, તો એ ફાંદામાં નહિ ફસાઈએ. એને બદલે ઈશ્વરના રાજ્યને જીવનમાં પ્રથમ રાખીશું, તો “આંખ નિર્મળ” રાખી શકીશું.—માથ. ૬:૨૨.
“જગત તથા તેની લાલસા જતાં રહે છે”
૧૫. આ દુનિયા વિષે યોહાને શું જણાવ્યું?
૧૫ શેતાનની દુનિયાની ઘડીઓ ગણાઈ રહી છે. એટલે આપણે પોતાને “પરદેશી તથા પ્રવાસી” ગણીએ છીએ. (૧ પીત. ૨:૧૧; ૨ પીત. ૩:૭) જગતનો અંત આવશે એવો ભરોસો હશે, તો એ આપણી પસંદગી, ઇચ્છા અને ધ્યેયોમાં દેખાઈ આવશે. પ્રેરિત યોહાને સાથી ભાઈ-બહેનોને સલાહ આપી કે જગત અને એની બાબતો પર પ્રેમ ન રાખે, કેમ કે ‘જગત તથા તેની લાલસા જતાં રહે છે, પણ જે ઈશ્વરની ઇચ્છા પૂરી કરે છે તે સદા રહે છે.’—૧ યોહા. ૨:૧૫-૧૭.
૧૬. કઈ રીતે કહી શકીએ કે યહોવાહે આપણને દુનિયાના લોકોથી અલગ કર્યા છે?
૧૬ ઈસ્રાએલી પ્રજાને કહેવામાં આવ્યું હતું, કે જો તેઓ યહોવાહની આજ્ઞાઓ પાડશે તો ‘સર્વ લોકોમાંથી તેઓ ઈશ્વરનું ખાસ ધન થશે.’ (નિર્ગ. ૧૯:૫) ઈસ્રાએલીઓ જ્યારે વિશ્વાસુ રહેતા ત્યારે તેઓનું જીવન અને ભક્તિ બીજા લોકોથી અલગ તરી આવતું. એવી જ રીતે આજે પણ યહોવાહના લોકો શેતાનની દુનિયાથી અલગ દેખાઈ આવે છે. આપણને કહેવામાં આવ્યું છે કે ‘અધર્મ તથા દુન્યવી વાસનાનો ત્યાગ કરીને હાલના જમાનામાં સંયમથી, પ્રામાણિકપણે તથા ભક્તિભાવ રાખીને વર્તવું. મહાન ઈશ્વર તથા આપણા તારનાર ઈસુ ખ્રિસ્તના મહિમાના પ્રગટ થવાની ધન્ય આશાની ઘડીની વાટ જોવી. ઈસુએ આપણા માટે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોક તૈયાર કરે.’ (તીત. ૨:૧૧-૧૪) અહીંયા “લોક” એ અભિષિક્તો અને તેમને સાથ આપતા “બીજાં ઘેટાં”ના લાખો લોકોને દર્શાવે છે.—યોહા. ૧૦:૧૬.
૧૭. હમણાં આ દુષ્ટ દુનિયામાં પ્રવાસી તરીકેનું જીવન જીવીશું, તો કેમ કદી પસ્તાવું નહિ પડે?
૧૭ અભિષિક્તોને ‘આશા’ છે કે તેઓ ઈસુ ખ્રિસ્ત સાથે સ્વર્ગમાંથી રાજ કરશે. (પ્રકટી. ૫:૧૦) બીજા ઘેટાંના સભ્યોને આશા છે કે તેઓ પૃથ્વી પર હંમેશ માટે જીવશે. એ આશા પૂરી થશે ત્યારે તેઓએ પ્રવાસી અને પરદેશી તરીકેનું જીવન જીવવું નહિ પડે. તેઓ પાસે સુંદર ઘરો હશે અને પુષ્કળ ખાવા-પીવાનું હશે. (ગીત. ૩૭:૧૦, ૧૧; યશા. ૨૫:૬; ૬૫:૨૧, ૨૨) ઈસ્રાએલીઓ વારેવારે યહોવાહને ભૂલી જતા, પણ તેઓ એમ નહિ કરે. તેઓ હંમેશાં યાદ રાખશે કે પોતાની પાસે જે પણ છે, એ ‘આખી પૃથ્વીના ઈશ્વર’ યહોવાહ પાસેથી મળ્યું છે. (યશા. ૫૪:૫) આપણી આશા સ્વર્ગની હોય કે પૃથ્વી પરની, જો હમણાં આ દુનિયામાં પ્રવાસી તરીકેનું જીવન જીવીશું તો કદી પસ્તાવું નહિ પડે. (w11-E 11/15)
તમે કેવો જવાબ આપશો?
• પ્રાચીન સમયના ઈશ્વરભક્તો કઈ કઈ રીતે પરદેશી તરીકેનું જીવન જીવ્યાં?
• પહેલી સદીના ખ્રિસ્તીઓ કઈ રીતે દુનિયાના લોકોથી અલગ તરી આવ્યા?
• દુનિયામાં તલ્લીન ન થઈ જઈએ એ માટે આપણે શું કરી શકીએ?
• પ્રવાસી તરીકેનું જીવન જીવીશું, તો કેમ કદી પસ્તાવું નહિ પડે?
[પાન ૨૧ પર ચિત્ર]
પહેલી સદીના ખ્રિસ્તીઓ હિંસા અને અનૈતિક મનોરંજનથી દૂર રહ્યા