ભાઈઓને પ્રગતિ કરવા મદદ કરો
‘દરેક જણ પૂરી રીતે કેળવાયા પછી પોતાના ગુરુ સરખો થશે.’—લુક ૬:૪૦.
૧. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે મંડળનો પાયો નાખવા તેમણે શું કર્યું?
પ્રેરિત યોહાને પોતાના પુસ્તકના અંતમાં લખ્યું: “ઈસુએ કરેલાં બીજાં કામો પણ ઘણાં છે, જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલાં બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ જગતમાં થાય નહિ, એમ હું ધારું છું.” (યોહા. ૨૧:૨૫) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે લોકોને પ્રચાર કરવા તેમણે સખત મહેનત કરી. તેમણે થોડા સમયમાં પુરુષોને શોધ્યા અને તાલીમ આપી. આ રીતે તેમણે એક મંડળનો પાયો નાખ્યો, જેથી તેમના સ્વર્ગમાં ગયા પછી પણ તેઓ પૃથ્વી પર કામ ચાલુ રાખી શકે. ૩૩ની સાલમાં ઈસુ સ્વર્ગમાં ગયા ત્યારે આ મંડળની સંખ્યા ખૂબ જ નાની હતી. પરંતુ થોડા જ સમયમાં એની સંખ્યા હજારોમાં થવાની હતી.—પ્રે.કૃ. ૨:૪૧, ૪૨; ૪:૪; ૬:૭.
૨, ૩. (ક) બાપ્તિસ્મા પામેલા ભાઈઓ પ્રગતિ કરે એ કેમ ખૂબ જ જરૂરી છે? (ખ) આપણે આ લેખમાં શાની ચર્ચા કરીશું?
૨ આજે સિત્તેર લાખ કરતાં વધારે ભાઈ-બહેનો એ સંગઠનનો ભાગ છે. તેઓ એક લાખ કરતાં વધારે મંડળોમાં રહીને રાજ્યની ખુશખબર ઉત્સાહથી ફેલાવી રહ્યા છે. મંડળોની સંખ્યા વધતી હોવાથી આગેવાની લેવા ભાઈઓની ખૂબ જ જરૂર છે. જેમ કે, મંડળમાં જવાબદારી ઉપાડવા વડીલોની ઘણી જ જરૂર છે. જેઓ આવો લહાવો મેળવવા પ્રયત્ન કરે છે, તેઓની કદર કરવામાં આવે છે. આમ કરીને તેઓ ‘સારા કામની ઇચ્છા રાખે છે.’—૧ તીમો. ૩:૧.
૩ જોકે, જવાબદારી ઉપાડવા ભાઈઓ આપોઆપ લાયક બની જતા નથી. ભણતર, આવડત કે અનુભવોને આધારે તેઓ તૈયાર થઈ શકતા નથી. જવાબદારી ઉપાડવા તેઓ બાઇબલના નીતિ-નિયમો પ્રમાણે ચાલતા હોવા જોઈએ. ભાઈઓ સત્યમાં પ્રગતિ કરે અને જવાબદારી ઉપાડવા લાયક બને એ માટે તેઓને શું મદદ કરી શકે? ઈસુએ કહ્યું: ‘દરેક જણ પૂરી રીતે કેળવાયા પછી પોતાના ગુરુ સરખો થશે.’ (લુક ૬:૪૦) આ લેખમાં આપણે જોઈશું કે શિષ્યોને મોટી જવાબદારી ઉપાડવા ઈસુએ કેવી મદદ કરી. એ પણ જોઈશું કે આપણે એમાંથી શું શીખી શકીએ.
“મેં તમને મિત્ર કહ્યા છે”
૪. ઈસુએ કઈ રીતે બતાવી આપ્યું કે શિષ્યોને પોતાના મિત્રો ગણે છે?
૪ ઈસુએ પોતાના શિષ્યોને નીચા ગણ્યા નહિ પણ પોતાના મિત્ર ગણ્યા. ઈસુએ તેઓ સાથે ઘણો સમય વિતાવ્યો. તેઓમાં ભરોસો મૂક્યો અને ‘પોતાના પિતા પાસેથી જે સાંભળ્યું હતું એ બધું તેઓને જણાવ્યું.’ (યોહાન ૧૫:૧૫ વાંચો.) શિષ્યોએ એક વખત ઈસુને પૂછ્યું: “તારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે?” (માથ. ૨૪:૩, ૪) ઈસુએ જ્યારે એ સવાલનો જવાબ આપ્યો, ત્યારે તેઓને કેટલી ખુશી થઈ હશે! ઈસુએ શિષ્યોને પોતાના વિચારો જણાવ્યા, પોતાની લાગણીઓ વ્યક્ત કરી. એ સમજવા ઈસુને જે રાતે પકડવામાં આવ્યા એ સમયનો વિચાર કરો. ઈસુ પોતાની સાથે પીતર, યાકૂબ અને યોહાનને ગેથસેમાની વાડીમાં લઈ ગયા. તે ખૂબ જ તણાવમાં હતા, એટલે યહોવાહને પ્રાર્થના કરી. જોકે તેઓ ઈસુની પ્રાર્થના સાંભળી શક્યા નહિ હોય, પણ ચોક્કસ તેઓ સમયની ગંભીરતા સમજી શક્યા હશે. (માર્ક ૧૪:૩૩-૩૮) આ બનાવ પહેલાં પણ જ્યારે ઈસુનું “રૂપાંતર થયું” એ જોઈને ચોક્કસ તેઓ પર ઊંડી અસર થઈ હશે! (માર્ક ૯:૨-૮; ૨ પીત. ૧:૧૬-૧૮) ઈસુએ શિષ્યો સાથે જે ગાઢ મિત્રતા રાખી, એના લીધે તેઓ મોટી જવાબદારી સારી રીતે ઉપાડી શક્યા.
૫. મંડળના વડીલો, ભાઈ-બહેનોને મદદ કરવા શું કરે છે?
૫ ઈસુની જેમ મંડળના વડીલો પણ બીજાઓને પોતાના મિત્ર ગણે છે. તેઓને બનતી બધી મદદ પૂરી પાડે છે. વડીલો મંડળના ભાઈ-બહેનો પર ઘણો પ્રેમ રાખે છે, અને તેઓમાં ઊંડો રસ લે છે. વડીલોએ અમુક બાબતો ખાનગી રાખવાની હોય છે, પણ એનો અર્થ એ નથી કે તે બધું જ છુપાવે છે. વડીલો, ભાઈ-બહેનો પર ભરોસો મૂકે છે અને બાઇબલમાંથી શીખેલું જણાવે છે. યુવાન સેવકાઈ ચાકરોને વડીલો પોતાથી નીચા ગણતા નથી. એને બદલે એ યુવાનો સત્યમાં વધારે પ્રગતિ કરશે અને મંડળની સંભાળ રાખવામાં મદદ કરશે એવો વડીલો ભરોસો રાખે છે.
“મેં તમને નમૂનો આપ્યો છે”
૬, ૭. ઈસુએ પોતાના શિષ્યો માટે સારો દાખલો બેસાડવા શું કર્યું? એની તેઓ પર કેવી અસર થઈ?
૬ ઈસુના શિષ્યોને શાસ્ત્ર માટે ઘણો પ્રેમ હતો, છતાં અમુક વાર તેઓના વિચારોમાં ઉછેર અને સમાજની અસર દેખાઈ આવતી હતી. (માથ. ૧૯:૯, ૧૦; લુક ૯:૪૬-૪૮; યોહા. ૪:૨૭) એવું બનતું ત્યારે ઈસુ કંઈ તેઓને ભાષણ આપવા કે ધમકી આપવા બેસી જતા ન હતા. એવી માંગ કરતા ન હતા, જે શિષ્યો માટે કરવી મુશ્કેલ હોય. તેમ જ એવી કોઈ પણ બાબત કરવા કહ્યું નહિ, જે પોતે કરતા ન હોય. એને બદલે ઈસુએ પોતાના દાખલાથી શીખવ્યું.—યોહાન ૧૩:૧૫ વાંચો.
૭ ઈસુએ પોતાના શિષ્યો માટે કેવો દાખલો બેસાડ્યો? (૧ પીત. ૨:૨૧) ઈસુએ પોતાનું જીવન સાદું રાખ્યું, જેથી બીજાઓને સહેલાઈથી સંદેશો જણાવી શકે. (લુક ૯:૫૮) તેમણે પોતાના વિચારો નહિ, પણ યહોવાહ પાસેથી જે શીખ્યા હતા એ શીખવ્યું. (યોહા. ૫:૧૯; ૧૭:૧૪, ૧૭) ઈસુ ખૂબ જ નમ્ર હતા. લોકો તેમની પાસે જતાં જરાય અચકાતા નહિ. તે જે પણ કરતા એમાં તેમનો પ્રેમ દેખાઈ આવતો. (માથ. ૧૯:૧૩-૧૫; યોહા. ૧૫:૧૨) ઈસુએ જે દાખલો બેસાડ્યો એની અસર શિષ્યોમાં દેખાઈ આવી. દાખલા તરીકે યાકૂબને મારી નાખવામાં આવ્યા, ત્યાં સુધી તે પૂરી હિંમતથી યહોવાહને વિશ્વાસુ રહ્યા. (પ્રે.કૃ. ૧૨:૧, ૨) શિષ્ય યોહાન પણ ૬૦ કરતાં વધારે વર્ષો સુધી ઈસુને પગલે ચાલતા રહ્યા.—પ્રકટી. ૧:૧, ૨, ૯.
૮. યુવાનો અને બીજાઓ માટે સારો દાખલો બેસાડવા વડીલો શું કરે છે?
૮ યુવાન ભાઈઓ માટે સારો દાખલો બેસાડવા વડીલો શું કરે છે? તેઓ બીજાઓને પ્રેમ અને નમ્રતા બતાવે છે. ભાઈ-બહેનોને મદદ કરવા પોતાનો સમય અને શક્તિ વાપરે છે. (૧ પીત. ૫:૨, ૩) ઉપરાંત દૃઢ વિશ્વાસ બતાવવામાં, સારી રીતે શીખવવામાં, ખ્રિસ્તી જીવન જીવવામાં અને પ્રચારમાં સારો દાખલો બેસાડે છે. જ્યારે બીજાઓ તેઓના દાખલાને અનુસરે છે ત્યારે વડીલોને ઘણી ખુશી મળે છે.—હેબ્રી ૧૩:૭.
‘ઈસુએ તેઓને આજ્ઞા આપીને મોકલ્યા’
૯. આપણે શાના આધારે કહી શકીએ કે ઈસુએ શિષ્યોને પ્રચાર કામ ચાલુ રાખવા સારી તાલીમ આપી હતી?
૯ ઈસુએ બાર શિષ્યો સાથે આશરે બે વર્ષ સુધી પૂરા ઉત્સાહથી સંદેશો ફેલાવ્યો. પછી તેઓને અમુક સૂચનો આપીને વધારે લોકોને સંદેશો ફેલાવવા મોકલ્યા. (માથ. ૧૦:૫-૧૪) ઈસુએ હજારો લોકોને ચમત્કારિક રીતે ખોરાક પૂરો પાડ્યો. એમ કરતાં પહેલાં તેમણે શિષ્યોને જણાવ્યું કે લોકોને કેવી રીતે ગોઠવવા અને ખોરાક કેવી રીતે વહેંચવો. (લુક ૯:૧૨-૧૭) આ બતાવે છે કે ઈસુએ સાફ અને યોગ્ય માર્ગદર્શન આપીને શિષ્યોને તાલીમ આપી. સારી તાલીમ અને ઈશ્વરની શક્તિ દ્વારા શિષ્યોને પછીથી ઘણી મદદ મળી હતી. એ કારણે તેઓ ૩૩ની સાલમાં અને પછીથી જે મોટા પાયે પ્રચાર કામ શરૂ થયું એને માટે સારી ગોઠવણ કરી શક્યા.
૧૦, ૧૧. વ્યક્તિને પ્રગતિ કરવા ભાઈ-બહેનો અને વડીલો કઈ રીતે મદદ કરી શકે?
૧૦ વ્યક્તિ જ્યારે બાઇબલ અભ્યાસ સ્વીકારે ત્યારથી જ તેને શીખવવાનું શરૂ કરીએ છીએ. તે સારી રીતે વાંચી શકે અને સમજી શકે એ માટે તેને કદાચ મદદની જરૂર પડે. આપણે અભ્યાસની સાથે સાથે બીજી બાબતોમાં પણ મદદ આપતા રહેવું જોઈએ. જો તે નિયમિત રીતે સભામાં આવશે તો તેને તાલીમ મળતી રહેશે. એનાથી તે જોઈ શકશે કે શા માટે દેવશાહી સેવા શાળામાં ભાગ લેવો જોઈએ અને બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક બનવા પ્રગતિ કરવી જોઈએ. બાપ્તિસ્મા પામ્યા પછી તેને રાજ્યગૃહનું સમારકામ કરવા જેવી બાબતોમાં મદદ કરવા જણાવી શકાય. અમુક સમય પછી તે ભાઈને એ જોવા મદદ કરી શકાય કે સેવકાઈ ચાકર બનવા તેને શું કરવાની જરૂર છે.
૧૧ બાપ્તિસ્મા પામેલા ભાઈને જ્યારે મંડળમાં જવાબદારી સોંપવામાં આવે, ત્યારે વડીલો તેને જરૂરી સૂચનો આપશે. જવાબદારી કેવી રીતે નિભાવવી એ સમજવા મદદ કરશે. તેની પાસેથી શું આશા રાખવામાં આવે છે એ જણાવશે. જો તેને જવાબદારી ઉપાડવામાં તકલીફ પડતી હોય, તો વડીલો તેને પ્રેમાળ રીતે મદદ કરશે. તેઓ તરત એવું ધારી નહિ લે કે એ જવાબદારી ઉપાડવા તે લાયક નથી. એને બદલે જણાવશે કે કયા પાસામાં તેણે વધારે મહેનત કરવાની જરૂર છે. એ પ્રમાણે કરવા તે શું કરી શકે એ વિષે પણ માહિતી આપશે. જ્યારે ભાઈઓ તાલીમ મેળવીને જવાબદારી ઉપાડે છે ત્યારે તેઓને ખુશી મળે છે, એ જોઈને વડીલો પણ ખુશ થાય છે.—પ્રે.કૃ. ૨૦:૩૫.
“જ્ઞાની માણસ સારી સલાહ પર લક્ષ આપે છે”
૧૨. ઈસુની સલાહ કેમ અસરકારક હતી?
૧૨ ઈસુએ શિષ્યોને તાલીમ આપવા દરેકની જરૂરિયાત અનુસાર સલાહ આપી. અમુક સમરૂનીઓએ જ્યારે ઈસુને સ્વીકાર્યા નહિ, ત્યારે યાકૂબ અને યોહાન તેઓ પર આકાશમાંથી આગ પાડવા માગતા હતા. એ વખતે ઈસુએ તેઓને સુધાર્યા. (લુક ૯:૫૨-૫૫) એક વાર યાકૂબ અને યોહાનની માતા ઈસુને અરજ કરે છે કે તેના દીકરાઓને સ્વર્ગના રાજ્યમાં સારું સ્થાન મળે. એ વખતે ઈસુ તેઓને સાફ જણાવે છે, “જેઓને સારુ મારા બાપે સિદ્ધ કરેલું છે તેઓના વગર બીજાઓને મારે જમણે હાથે ને ડાબે હાથે બેસવા દેવું એ મારું નથી.” (માથ. ૨૦:૨૦-૨૩) ઈસુએ જે પણ સલાહ આપી એ શાસ્ત્રના સિદ્ધાંતોને આધારે હતી. એ સલાહ એકદમ સ્પષ્ટ હતી અને અલગ-અલગ સંજોગોમાં કેવી રીતે વર્તવું એ માટે મદદ કરતી હતી. ઈસુએ શિષ્યોને શાસ્ત્રના આધારે નિર્ણય લેતા શીખવ્યું. (માથ. ૧૭:૨૪-૨૭) ઈસુ જાણતા હતા કે શિષ્યોમાં ખામીઓ છે, અને અમુક એવી બાબતો છે જે તેઓ નહિ કરી શકે. તેમ છતાં, ઈસુએ હંમેશાં પ્રેમથી પ્રેરાઈને શિષ્યોને સલાહ આપી.—યોહા. ૧૩:૧.
૧૩, ૧૪. (ક) કોને સલાહની જરૂર છે? (ખ) કોઈ વ્યક્તિ સત્યમાં પ્રગતિ કરતી ન હોય, તો તેને અનુરૂપ વડીલો કેવી કેવી સલાહ આપી શકે?
૧૩ જે ભાઈઓ મંડળમાં જવાબદારી ઉપાડવા ચાહે છે, તેઓને બાઇબલમાંથી સલાહની જરૂર પડશે. નીતિવચનો ૧૨:૧૫ જણાવે છે, “જ્ઞાની માણસ સારી સલાહ પર લક્ષ આપે છે.” એક યુવાન ભાઈ જણાવે છે, ‘મને એવું લાગતું કે હું જવાબદારી ઉપાડવા લાયક નથી. પણ એક વડીલની મદદથી મારા વિચારમાં ફેરફાર કરી શક્યો અને જવાબદારી માટે સારું વલણ કેળવી શક્યો.’
૧૪ જો વડીલોના ધ્યાનમાં આવે કે ભાઈનું વલણ તેને પ્રગતિ કરતા અટકાવે છે, તો તેઓ તરત તેને મદદ કરશે. તેઓ ‘નમ્ર ભાવે’ તેના વિચારોમાં ફેરફાર કરવા પહેલ કરશે. (ગલા. ૬:૧) અમુક વાર મંડળમાં કોઈ ભાઈનું વલણ બદલવા સલાહ આપવાની જરૂર લાગે. જેમ કે, કોઈ ભાઈને સોંપેલું કામ જો તે કરવા ખાતર જ કરે, તો વડીલો તેને ઈસુને અનુસરવા ઉત્તેજન આપી શકે. ઈસુએ પ્રચાર કામમાં સખત મહેનત કરી હતી, અને તેમના પગલે ચાલવા શિષ્યોને કહ્યું હતું. (માથ. ૨૮:૧૯, ૨૦; લુક ૮:૧) બની શકે કે કોઈ ભાઈનો ઇરાદો તો પદવી મેળવવાનો જ હોય, તો વડીલો શું કરી શકે? પદવી મેળવવામાં શું જોખમ રહેલું છે, એ વિષે ઈસુએ શિષ્યોને જે સલાહ આપી એ પર વડીલો ધ્યાન દોરી શકે. (લુક ૨૨:૨૪-૨૭) કદાચ કોઈ ભાઈને બીજાઓને માફ કરવું સહેલું લાગતું ન હોય તો શું કરી શકાય? એવા સમયે વડીલો, ઈસુએ આપેલા દૃષ્ટાંતમાંથી શીખવી શકે. એમાં એક ચાકર પોતાના દેવાદારનું થોડું દેવું માફ કરતો નથી, જ્યારે કે તેનું મોટું દેવું માફ કરવામાં આવ્યું હતું. આમાંથી તેને મહત્ત્વનો બોધપાઠ મળશે. (માથ. ૧૮:૨૧-૩૫) જો જરૂર લાગે તો ભાઈને વહેલી તકે સલાહ આપવી જોઈએ.—નીતિવચનો ૨૭:૯ વાંચો.
ખુદને “તાલીમ” આપો
૧૫. મંડળમાં વધારે કરવા ભાઈને તેનું કુટુંબ કઈ રીતે મદદ કરી શકે?
૧૫ ખરું કે કોઈ ભાઈ મંડળમાં પ્રગતિ કરે એ માટે વડીલો તેને તાલીમ આપવા આગેવાની લે છે. પરંતુ બીજાઓએ પણ મદદ કરવી જોઈએ. દાખલા તરીકે એ ભાઈ મંડળમાં વધારે કરે એ માટે કુટુંબે તેમને મદદ કરવી જોઈએ. તે વડીલ હોય તો પોતાની જવાબદારી સારી રીતે નિભાવવા પ્રેમાળ પત્ની અને બાળકો સાથ આપી શકે. કુટુંબીજનો સમજે છે કે તેમને પોતાનો થોડો સમય અને શક્તિ બીજાઓ માટે વાપરવી પડશે. તે ભાઈ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શકે એ માટે કુટુંબ ઘણું જતું કરે છે. કુટુંબ જે રીતે સાથ આપે છે, એ જોઈને ભાઈને ઘણી ખુશી મળે છે. વડીલોના કુટુંબો જે ભોગ આપે છે, એની આપણે ઘણી કદર કરીએ છીએ.—નીતિ. ૧૫:૨૦; ૩૧:૧૦, ૨૩.
૧૬. (ક) વ્યક્તિએ મંડળમાં પ્રગતિ કરવી હોય, તો એની મુખ્ય જવાબદારી કોની છે? (ખ) મંડળમાં લહાવા મેળવવા માટે ભાઈ શું કરી શકે?
૧૬ કોઈ ભાઈને પ્રગતિ કરવા બીજાઓ મદદ કરશે, પણ મુખ્ય જવાબદારી તો તેની પોતાની જ છે. (ગલાતી ૬:૫ વાંચો.) જોકે બીજાઓને મદદ કરવા અને પ્રચારમાં વધારે કરવા સેવકાઈ ચાકર કે વડીલ હોવું જરૂરી નથી. પરંતુ જો તે એવી જવાબદારી ઉપાડવા ચાહતો હોય, તો તેણે શાસ્ત્રમાં આપેલી લાયકાતો પૂરી કરવી જોઈએ. (૧ તીમો. ૩:૧-૧૩; તીત. ૧:૫-૯; ૧ પીત. ૫:૧-૩) એ લાયકાતો પૂરી કરવા તે પોતે શું કરી શકે? તે વિચારી શકે કે હજુ તેણે ક્યાં પ્રગતિ કરવાની જરૂર છે. એ માટે તે નિયમિત બાઇબલ વાંચન કરે તેમ જ ખંતથી અભ્યાસ કરે. જે પણ વાંચે એના પર મનન કરે, દિલથી પ્રાર્થના કરે અને પૂરા ઉત્સાહથી પ્રચારમાં ભાગ લે. આમ કરીને તે તીમોથીને આપેલી પાઊલની આ સલાહ લાગુ પાડે છે: ‘ઈશ્વરની સાચી રીતે સેવા કરવા તારી જાતને તાલીમ આપ.’—૧ તિમો. ૪:૭, ઈઝી-ટુ-રીડ વર્ઝન.
૧૭, ૧૮. જો ભાઈને જવાબદારી નિભાવી નહિ શકે એવી ચિંતા હોય કે પ્રગતિ કરવાની ઇચ્છા થતી ન હોય, તો એમાંથી બહાર આવવા શું મદદ કરી શકે?
૧૭ પરંતુ જો કોઈ ભાઈને પોતે જવાબદારી નિભાવી નહિ શકે એવી ચિંતા હોય તો તે શું કરી શકે? તે વિચારી શકે કે યહોવાહ અને ઈસુએ આપણા માટે કેટલું બધું કર્યું છે. એ પણ વિચારી શકે કે યહોવાહ “રોજ આપણો બોજો ઊંચકી લે છે.” (ગીત. ૬૮:૧૯) એટલે આપણે ખાતરી રાખી શકે કે યહોવાહ ચોક્કસ ભાઈઓને જવાબદારી ઉપાડવા મદદ કરશે. જો ભાઈ હજુ સેવકાઈ ચાકર કે વડીલ ન હોય, તો તે ધ્યાનમાં રાખી શકે કે મંડળની સંભાળ રાખવા જવાબદાર ભાઈઓની ઘણી જરૂર છે. આવા મુદ્દાઓ પર વિચાર કરવાથી ભાઈને પ્રગતિ કરવા મદદ મળશે. તે પ્રાર્થનામાં ઈશ્વરની શક્તિ માંગી શકે. એની મદદથી તે મનની શાંતિ અને પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શકશે. આ ગુણોને લીધે તે પોતાની ચિંતામાંથી બહાર આવી શકશે. (લુક ૧૧:૧૩; ગલા. ૫:૨૨, ૨૩) વ્યક્તિ પૂરી ખાતરી રાખી શકે કે જેના ઇરાદા સારા હોય છે, એને યહોવાહ ચોક્કસ આશીર્વાદ આપે છે.
૧૮ કદાચ ભાઈને પ્રગતિ કરવાની ઇચ્છા થતી ન હોય, તો તેને શું મદદ કરશે? પ્રેરિત પાઊલે લખ્યું: “ઈશ્વર તમારા જીવનમાં કાર્ય કરી તમને તેમની ઇચ્છાને આધીન થવાનું મન આપે છે અને તેમની ઇચ્છા પૂર્ણ કરવા સહાય કરે છે.” (ફિલિ. ૨:૧૩, IBSI) મંડળમાં વધારે કરવાની ઇચ્છા ઈશ્વર તરફથી મળે છે. તેમ જ ભક્તિમાં વધારે કરવા યહોવાહ પોતાની શક્તિથી મદદ પૂરી પાડે છે. (ફિલિ. ૪:૧૩) ભાઈ પોતે પણ ઈશ્વરને પ્રાર્થના કરી શકે, જેથી ઈશ્વર તેને મદદ કરે.—ગીત. ૨૫:૪, ૫.
૧૯. યહોવાહ ‘સાત પાળકો તથા આઠ સરદારોʼને ઊભા કરશે, એનો શું અર્થ થાય?
૧૯ વડીલો બીજાઓને તાલીમ આપવા જે મહેનત કરે છે, એને યહોવાહ આશીર્વાદ આપે છે. જેઓ મંડળમાં જવાબદારી ઉપાડવા પ્રયત્ન કરે છે, તેઓ પણ યહોવાહના આશીર્વાદ અનુભવી શકે છે. બાઇબલમાંથી આપણને ખાતરી મળે છે કે ઈશ્વરના લોકો મધ્યે ‘સાત પાળકો તથા આઠ સરદારો’ હશે. એટલે આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે યહોવાહના મંડળમાં જવાબદારી લેવા માટે પૂરતા ભાઈઓ હશે. (મીખા. ૫:૫) આજે ઘણા ભાઈઓ નમ્રભાવે ઈશ્વરભક્તિમાં જવાબદારી ઉપાડવા તૈયાર થઈ રહ્યા છે. એ કેટલો મોટો આશીર્વાદ કહેવાય કે તેઓને સારી તાલીમ મળી રહી છે! (w11-E 11/15)
તમે કેવો જવાબ આપશો?
• શિષ્યો મોટી જવાબદારી ઉપાડવા લાયક બને, એ માટે ઈસુએ કેવી મદદ કરી?
• ભાઈઓને જવાબદારી ઉપાડવા મદદ કરે ત્યારે, વડીલો કઈ રીતે ઈસુને અનુસરી શકે?
• કોઈ ભાઈ મંડળમાં પ્રગતિ કરે એ માટે કુટુંબ શું કરી શકે?
• મંડળમાં જવાબદારી ઉપાડવા માટે ભાઈ પોતે શું કરી શકે?
[પાન ૩૧ પર ચિત્રો]
બાઇબલ વિદ્યાર્થીને પ્રગતિ કરવા તમે કેવી તાલીમ આપશો?
[પાન ૩૨ પર ચિત્ર]
ભાઈઓ કઈ રીતે બતાવી શકે કે પોતે જવાબદારી ઉપાડવા પ્રયત્ન કરી રહ્યા છે?