વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w02 ૧/૧ પાન ૨૯-૩૧
  • વડીલો બીજાઓને જવાબદારી ઉપાડવાની તાલીમ આપો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વડીલો બીજાઓને જવાબદારી ઉપાડવાની તાલીમ આપો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવાહને પગલે ચાલો
  • જવાબદારી સોંપતા ગભરાશો નહિ
  • વડીલો, બીજાઓને તાલીમ આપો!
  • મહત્ત્વની સેવા આપતા સહાયક સેવકો
    યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • સહાયક સેવકો કઈ સેવા આપે છે?
    યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?
  • ‘ભેટ તરીકે મળેલા માણસોની’ કદર કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • ભાઈઓ—શું તમે સહાયક સેવક બનવાનો ધ્યેય રાખ્યો છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
w02 ૧/૧ પાન ૨૯-૩૧

વડીલો બીજાઓને જવાબદારી ઉપાડવાની તાલીમ આપો

આખી દુનિયામાં યહોવાહના સાક્ષીઓનાં મંડળોમાં જવાબદારી ઉપાડી શકે એવા યોગ્ય ભાઈઓની ખૂબ જ જરૂર છે. એનાં ત્રણ મુખ્ય કારણો છે.

પહેલું કારણ એ છે કે ‘નાનકડામાંથી બળવાન પ્રજા થશે’ એવું યહોવાહે વચન આપ્યું હતું અને તે આજે એ પૂરું કરી રહ્યા છે. (યશાયાહ ૬૦:૨૨) તેમની કૃપાથી છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ ૧૦ લાખ નવા લોકો બાપ્તિસ્મા પામીને યહોવાહના સાક્ષીઓ બન્યા છે. તેથી, બાપ્તિસ્મા પામેલી આ નવી વ્યક્તિઓને સત્યમાં દૃઢ કરવા અને પ્રગતિ કરવા મદદ આપે એવા જવાબદાર ભાઈઓની ખાસ જરૂર છે.​—⁠હેબ્રી ૬:૧.

બીજું, ઘણાં વર્ષોથી સેવા કરી રહેલા અમુક વડીલો ઉંમર અને બીમારીને કારણે હવે પહેલાંની જેમ મંડળની જવાબદારી ઉપાડી શકતા નથી.

ત્રીજું કારણ એ છે કે ઘણા ઉત્સાહી વડીલો હવે હૉસ્પિટલ લિઍઝોન સમિતિ, બાંધકામ સમિતિમાં અથવા સંમેલન માટે હોલ બાંધવાની સમિતિમાં સેવા આપી રહ્યા છે. તેથી, અમુક કિસ્સામાં તેઓએ મંડળની કેટલીક જવાબદારીઓ બીજા ભાઈઓને સોંપવી પડે છે.

તો પછી, જવાબદારી ઉપાડી શકે એવા યોગ્ય ભાઈઓની જરૂરિયાતને કઈ રીતે પૂરી કરી શકાય? એક મુખ્ય રીત છે, તાલીમ આપવાથી. બાઇબલ મંડળના વડીલોને “એવા વિશ્વાસુ” ભાઈઓને તાલીમ આપવાનું ઉત્તેજન આપે છે, જેઓ પછીથી “બીજાઓને પણ શીખવી શકે.” (૨ તીમોથી ૨:​૨) “તાલીમ” આપવાનો અર્થ, યોગ્યતા કે નિપુણતા મેળવવા શીખવવું થાય છે. ચાલો આપણે જોઈએ કે કઈ રીતે વડીલો બીજા ભાઈઓને તાલીમ આપી શકે, જેથી તેઓ પણ જવાબદારી ઉપાડવા માટે લાયક બને.

યહોવાહને પગલે ચાલો

એમાં કંઈ નવાઈ નથી કે ઈસુ ખ્રિસ્ત જે કંઈ કરતા એ માટે તે યોગ્ય, હોશિયાર અને કુશળ હતા! તેમને તાલીમ આપનાર ખુદ યહોવાહ પરમેશ્વર હતા. તો પછી, કેવી તાલીમે ઈસુને કુશળ બનાવ્યા હતા? યોહાન ૫:૨૦માં ઈસુ ત્રણ કારણો જણાવે છે: “[૧] બાપ દીકરા પર પ્રેમ કરે છે, [૨] પોતે જે કંઈ કરે છે તે બધું તે તેને દેખાડે છે; અને [૩] તે તેને એ કરતાં મોટાં કામ દેખાડશે.” (આ લેખમાં અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) આ દરેક પાસાને ધ્યાનથી તપાસવાથી સમજી શકાશે કે બીજાઓને કઈ રીતે શીખવી શકાય.

ઈસુએ પ્રથમ જે કહ્યું એની નોંધ લો: “બાપ દીકરા પર પ્રેમ કરે છે.” ઉત્પત્તિની શરૂઆતથી યહોવાહ અને તેમના પુત્ર વચ્ચે ગાઢ સંબંધ છે. નીતિવચનો ૮:૩૦ એ સંબંધ પર વધુ પ્રકાશ ફેંકે છે: ‘કુશળ કારીગર તરીકે હું [ઈસુ] તેની [યહોવાહ પરમેશ્વર] સાથે હતો; અને હું દિનપ્રતિદિન તેને સંતોષ આપતો [પ્રિય, NW] હતો, સદા હું તેની આગળ હર્ષ કરતો હતો.’ હા, ઈસુને ખાતરી હતી કે યહોવાહની નજરમાં પોતે ‘પ્રિય’ હતા. તેમ જ પોતાના પિતા સાથે કામ કરવાથી પોતે જે આનંદ મેળવ્યો એ ઈસુએ છુપાવ્યો ન હતો. ખ્રિસ્તી વડીલો અને તેઓ પાસેથી તાલીમ મેળવતા ભાઈઓ વચ્ચે ગાઢ સંબંધ હોય એ કેવું સારું કહેવાય!

પછી ઈસુ બીજું પાસું બતાવતા કહે છે કે પિતા “જે કંઈ કરે છે તે બધું તે તેને દેખાડે છે.” આ શબ્દોથી આપણને ખાતરી થાય છે કે નીતિવચનો ૮:૩૦માં જણાવ્યા પ્રમાણે વિશ્વને ઉત્પન્‍ન કરવામાં આવ્યું ત્યારે ઈસુ, યહોવાહની ‘સાથે હતા.’ (ઉત્પત્તિ ૧:​૨૬) આમ, વડીલો પણ યહોવાહનું અનુકરણ કરીને, સેવકાઈ ચાકરોને પોતાની જવાબદારી સારી રીતે ઉપાડતાં શીખવી શકે. જોકે તાજેતરમાં જેઓને સેવકાઈ ચાકરો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેઓને જ ફક્ત એ જવાબદારી ઉપાડવા માટે મદદની જરૂર છે એમ નથી. જે ભાઈઓ વર્ષોથી સેવા કરતા આવ્યા છે, પરંતુ તેઓને હજી વડીલો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા નથી, તેઓ વિષે શું? (૧ તીમોથી ૩:૧) એવા ભાઈઓને ક્યાં સુધારો કરવાની જરૂર છે, એ વિષે વડીલોએ તેઓને સ્પષ્ટ સલાહ આપવી જોઈએ જેથી તેઓ જરૂરી સુધારા કરી શકે.

દાખલા તરીકે, કદાચ સેવકાઈ ચાકર ભરોસાપાત્ર અને મન લગાડીને પોતાની જવાબદારી ઉપાડતો હોય શકે. કદાચ તેની પાસે શીખવાની સારી આવડત પણ હોય શકે. તેમ જ તે કદાચ મંડળમાં ઘણું સારું પણ કરતો હોય શકે. તેમ છતાં, તેને કદાચ ખબર પણ નહિ હોય કે પોતાનું વર્તન ભાઈબહેનો સાથે જરા કઠોર છે. વડીલોએ “જ્ઞાનથી આવેલી નમ્રતા” બતાવવાની જરૂર છે. (યાકૂબ ૩:​૧૩) જો એક વડીલ પ્રેમથી સેવકાઈ ચાકરને ઉદાહરણો આપીને તેને ક્યાં સુધારો કરવાની જરૂર છે, એ સ્પષ્ટ રીતે સમજાવે અને અમુક સૂચનો આપે તો, શું એનાથી તેને લાભ નહિ થશે? જો વડીલોનું ‘બોલવું હમેશાં કૃપાયુક્ત તથા સલૂણું’ હશે તો, તેમની સલાહ જરૂર સ્વીકારવામાં આવશે. (કોલોસી ૪:૬) એ જ રીતે સેવકાઈ ચાકર પણ સલાહ લેવા તૈયાર હશે તો, વડીલોનું કામ ઘણું સહેલું થઈ જશે.​—⁠ગીતશાસ્ત્ર ૧૪૧:૫.

જોકે અમુક મંડળોમાં વડીલો, સેવકાઈ ચાકરોને હંમેશા લાભદાયી સલાહ અને નિયમિત તાલીમ આપે છે. દાખલા તરીકે, બીમાર કે મોટી ઉંમરના ભાઈ-બહેનોની મુલાકાત લેતી વખતે વડીલો યોગ્ય સેવકાઈ ચાકરને પોતાની સાથે લઈ જાય છે. આ રીતે સેવકાઈ ચાકર ભાઈઓને ઉત્તેજન આપતા શીખશે. જોકે સત્યમાં પ્રગતિ કરવા સેવકાઈ ચાકર ઘણું કરી શકે એમ છે.​—⁠નીચે આપેલું “સેવકાઈ ચાકરો શું કરી શકે,” બૉક્સ જુઓ.

ઈસુ બધી રીતે કુશળ હતા એનું ત્રીજું કારણ એ છે કે, યહોવાહે ભાવિનો વિચાર કરીને તેમને તાલીમ આપી હતી. ઈસુએ કહ્યું કે તેમના પિતા તેમને “એ કરતાં મોટાં કામ” દેખાડશે. ઈસુએ પૃથ્વી પર જે અનુભવ કર્યો, એનાથી તે વધુ ગુણો કેળવી શક્યા અને એનાથી ભાવિમાં પોતાની જવાબદારી ઉપાડવા માટે તે એનો ઉપયોગ કરી શકશે. (હેબ્રી ૪:​૧૫; ૫:​૮, ૯) દાખલા તરીકે, મરી ગયેલા અબજો લોકોને સજીવન કરીને, તેઓનો ન્યાય કરવાની ભારે જવાબદારી ઈસુને જલદી જ આપવામાં આવશે!​—⁠યોહાન ૫:​૨૧, ૨૨.

વડીલોએ સેવકાઈ ચાકરોને તાલીમ આપતી વખતે, તેઓને ભાવિ માટે તૈયાર કરવા જોઈએ. આજે મંડળની જવાબદારી ઉપાડવા માટે કદાચ પૂરતા વડીલો અને સેવકાઈ ચાકરો છે એવું લાગી શકે. પરંતુ, થોડા વખતમાં જો નવું મંડળ બનાવવામાં આવે તો શું? જો બીજાં અનેક મંડળોની જરૂર પડે તો, શું પૂરતા વડીલો અને સેવકાઈ ચાકરો હશે? છેલ્લાં ત્રણ વર્ષોમાં આખી દુનિયામાં ૬,૦૦૦ કરતાં વધારે નવાં મંડળો બનાવવામાં આવ્યાં હતાં. એ નવાં મંડળોની કાળજી રાખવા માટે કેટલા વડીલો અને સેવકાઈ ચાકરોની જરૂર પડી હશે એનો વિચાર કરો!

વડીલો, શું તમે યહોવાહનું અનુકરણ કરીને સેવકાઈ ચાકરોને તાલીમ આપતી વખતે, વ્યક્તિગત રીતે તેઓ સાથે ગાઢ સંબંધ બાંધો છો? શું તમે તેઓને પોતાની જવાબદારી ઉપાડતા શીખવો છો? શું તમે ભાવિ વિષે વિચારો છો? ઈસુને જે રીતે યહોવાહે તાલીમ આપી એનું અનુકરણ કરવાથી આપણે પુષ્કળ આશીર્વાદો મેળવીશું.

જવાબદારી સોંપતા ગભરાશો નહિ

વર્ષોથી ઘણા અનુભવી વડીલો ભારે જવાબદારીઓ ઉપાડતા આવ્યા છે. તેઓએ કદાચ અગાઉ બીજાઓને અમુક કામ સોંપ્યું હશે. પરંતુ, એનાં પરિણામો સારા નહિ આવ્યાં હોય. તેથી, તેઓને કદાચ એવું લાગતું હશે કે ‘જો કંઈક સારી રીતે કરવું હોય તો, એ મારે જ કરવું પડશે!’ પરંતુ, જો તેઓ આવું વલણ રાખશે તો બાઇબલમાં જણાવેલી યહોવાહની ઇચ્છા પ્રમાણે, શું બિનઅનુભવી માણસો કંઈ શીખી શકશે?​—⁠૨ તીમોથી ૨:૨.

યોહાન માર્કને, પ્રેષિત પાઊલ સાથે કામ કરવાની સોંપણી મળી હતી. પરંતુ, તે પાઊલને પામ્ફુલ્યામાં છોડીને ઘરે પાછા ચાલ્યા ગયા ત્યારે, પાઊલ તેનાથી નારાજ હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૮, ૩૯) તેમ છતાં, પાઊલે બીજાઓને તાલીમ આપવાનું ચાલુ રાખ્યું. તેમણે પછી બીજા એક યુવાન તીમોથીને પસંદ કર્યો અને તેને મિશનરિ કાર્ય માટે તાલીમ આપી.a (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧-૩) બેરિઆમાં મિશનરિઓએ સખત વિરોધનો સામનો કરવો પડ્યો હોવાથી, પાઊલ ત્યાં રહે એ શક્ય ન હતું. તેથી, નવા મંડળને અનુભવી ભાઈ સીલાસ અને તીમોથીના હાથમાં સોંપીને તે ત્યાંથી જતા રહ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૩-​૧૫) ખરેખર, સીલાસ પાસેથી તીમોથી ઘણું શીખ્યા હશે. પછીથી, તીમોથી વધુ જવાબદારી લેવા તૈયાર થયો ત્યારે, પાઊલે તેને થેસ્સાલોનીકાના મંડળને ઉત્તેજન આપવા મોકલ્યો.​—⁠૧ થેસ્સાલોનીકી ૩:૧-૩.

પાઊલ અને તીમોથીનો સંબંધ નામ પૂરતો જ ન હતો. તેઓ વચ્ચે સારો સંબંધ હતો. પાઊલ, કોરીંથના મંડળને લખતી વખતે, તીમોથીને ત્યાં મોકલવાનું વિચારી રહ્યા હતા. ત્યારે તેમણે તીમોથી વિષે આમ લખ્યું: “તે પ્રભુમાં મારૂં પ્રિય તથા વિશ્વાસુ બાળક છે.” પછી તેમણે કહ્યું: ‘દરેક મંડળીમાં હું જે રીતે શીખવું છું એ વિષે તે [તીમોથી] તમને યાદ દેવડાવશે.’ (૧ કોરીંથી ૪:​૧૭) પાઊલ પાસેથી તીમોથી શીખવા તૈયાર હતા, એથી તે વધુ જવાબદારી ઉપાડવા માટે લાયક બન્યા. જોકે પાઊલની જેમ આજે પણ ઘણા અનુભવી વડીલો મન લગાડીને યુવાન ભાઈઓને શીખવે છે. એનો ઘણા યુવાનોએ લાભ લીધો હોવાથી તેઓ શીખવવામાં કુશળ બન્યા છે. તેથી, તેઓ આજે સેવકાઈ ચાકરો, વડીલો અથવા પ્રવાસી નિરીક્ષકો તરીકે સેવા આપે છે.

વડીલો, બીજાઓને તાલીમ આપો!

હા, સાચે જ યશાયાહ ૬૦:૨૨ની ભવિષ્યવાણી આજે પૂરી થઈ રહી છે. ખરેખર, યહોવાહ ‘નાનકડામાંથી બળવાન પ્રજા’ બનાવે છે. એ પ્રજા “બળવાન” રહે એ માટે સારી વ્યવસ્થા હોવી જ જોઈએ. વડીલો, વિચારો કે મંડળમાં બાપ્તિસ્મા પામેલા કયા ભાઈઓ છે? વળી, તેઓને કેવી તાલીમ આપી શકાય જેથી તેઓ વધારે જવાબદારી ઉપાડવા માટે લાયક બની શકે? ખાતરી કરો કે દરેક સેવકાઈ ચાકરને ખબર હોય કે પોતે પ્રગતિ કરવા ક્યાં સુધારો કરવાની જરૂર છે. વહાલા ભાઈઓ, સુધારો કરવા માટે તમને કોઈ પણ સલાહ મળે એ પ્રમાણે કરતા રહો. તમારી આવડત, જ્ઞાન અને અનુભવ વધારવા માટે બનતું બધું જ કરો. આવી ગોઠવણ પર યહોવાહનો આશીર્વાદ ચોક્કસ આવશે.​—⁠યશાયાહ ૬૧:૫.

[ફુટનોટ]

a પછીથી, પાઊલે ફરીથી યોહાન માર્ક સાથે કામ કર્યું હતું.​—⁠કોલોસી ૪:૧૦.

[પાન ૩૦ પર બોક્સ]

સેવકાઈ ચાકરો શું કરી શકે

વડીલો તાલીમ આપે તેમ, સેવકાઈ ચાકરોએ પણ પ્રગતિ કરવા પોતાનાથી બનતું બધુ જ કરવું જોઈએ.

​—⁠સેવકાઈ ચાકરોને જે કામ સોંપવામાં આવ્યું હોય એને તેઓએ દિલ લગાડીને કરવું જોઈએ અને ભરોસાપાત્ર બનવું જોઈએ. તેઓએ બાઇબલ અભ્યાસ કરવાની આદત પાડવી જોઈએ. આપણે અભ્યાસ કરીને કેટલું જીવનમાં લાગુ પાડીએ છીએ, એના પરથી મોટા ભાગે આપણી પ્રગતિ દેખાઈ આવશે.

​—⁠એક સેવકાઈ ચાકર મંડળમાં વાર્તાલાપ આપવા માટેની તૈયારી કરતો હોય ત્યારે, તેણે એની માહિતી કઈ રીતે રજૂ કરવી, એ વિષે અનુભવી વડીલ પાસેથી મદદ લેતા અચકાવું જોઈએ નહિ.

​—⁠સેવકાઈ ચાકર પોતે જે રીતે વાર્તાલાપ આપે છે એમાં ક્યાં સુધારા કરવાની જરૂર છે એ માટે સલાહ આપવા તે કોઈ વડીલને નોંધ લેવાનું કહી શકે.

સેવકાઈ ચાકરોએ વડીલો પાસેથી સલાહ માંગવી જોઈએ અને એને સ્વીકારીને લાગુ પાડવી જોઈએ. આ રીતે, તેઓની “પ્રગતિ સર્વેના જાણવામાં” આવશે.​—⁠૧ તીમોથી ૪:​૧૫.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો