ઈબ્રાહીમ વિશ્વાસુ હતા
રાત્રે ચારેબાજુ શાંતિ છવાયેલી હતી. ઈબ્રાહીમને આકાશમાં ઝગમગતા તારા જોઈને યહોવાએ આપેલું આ વચન યાદ આવ્યું: ‘અગણિત તારાઓ જેટલી તારી પ્રજા થશે.’ (ઉત્પત્તિ ૧૫:૫) ઈબ્રાહીમને તારાઓ જોવાથી યહોવાનું વચન યાદ આવતું હતું. તારાઓ તેમને ખાતરી આપતાં હતાં કે યહોવાનું વચન સાચું પડશે. ઈબ્રાહીમ જાણતા હતા કે યહોવાએ વિશ્વ રચ્યું હોવાથી તેમની પાસે અપાર શક્તિ છે. એના પરથી તેમને પૂરી ખાતરી હતી કે વચન પ્રમાણે તે બાળક પણ જરૂર આપશે. એવો તેમનો વિશ્વાસ હતો.
વિશ્વાસ શાને કહેવાય? આપણે કોઈ બાબત જોઈ શકતા ન હોય, પણ એના નક્કર પુરાવામાં માનવું, બાઇબલ પ્રમાણે “વિશ્વાસ” કહેવાય છે. વ્યક્તિને ઈશ્વરમાં અતૂટ વિશ્વાસ હોય તો તેમણે આપેલા વચન પર તે વિચાર કરશે. તેના મને જાણે એ વચનો સાચા પડી ગયા બરાબર છે.
ઈબ્રાહીમે કઈ રીતે વિશ્વાસ બતાવ્યો? તેમણે પોતાના જીવનથી બતાવી આપ્યું કે ઈશ્વરના વચનમાં અતૂટ ભરોસો છે. એટલે જ યહોવા જે દેશ બતાવવાના હતા એમાં જવા તેમણે પોતાની જન્મભૂમિ છોડી. તે પરદેશી તરીકે કનાનમાં રહ્યાં. તેમને અતૂટ વિશ્વાસ હતો કે ઈશ્વરના વચન પ્રમાણે પોતાની પ્રજા એ દેશનો વારસો પામશે. એવા જ વિશ્વાસથી તે ઈસ્હાકની કુરબાની આપવા તૈયાર થયા. જરૂર પડ્યે યહોવા ઈસ્હાકને સજીવન કરશે, એવો તેમને પૂરો વિશ્વાસ હતો.—હિબ્રૂ ૧૧:૮, ૯, ૧૭-૧૯.
ઈબ્રાહીમ ફક્ત ભાવિનું વિચારતા હતા. ઈબ્રાહીમ અને સારાહ કનાન કરતાં ઉર શહેરમાં એશઆરામથી જીવતા હોઈ શકે. તોપણ ‘જે દેશમાંથી નીકળ્યા એ પર તેઓએ ચિત્ત રાખ્યું નહિ.’ (હિબ્રૂ ૧૧:૧૫) પણ યહોવા કઈ રીતે તેઓને અને તેઓની પ્રજાને ભાવિમાં આશીર્વાદ આપશે એનો વિચાર કર્યો.—હિબ્રૂ ૧૧:૧૬.
શું યહોવા પર ભરોસો મૂકવા ઈબ્રાહીમ પાસે યોગ્ય કારણ હતું? ચોક્કસ હતું! કેમ કે યહોવાએ આપેલાં બધા જ વચનો પૂરા થયા હતા. સમય જતાં, ઈબ્રાહીમનાં બાળકોમાંથી મોટી પ્રજા બની અને ઈસ્રાએલ નામથી ઓળખાઈ. યહોવાએ આપેલા વચન પ્રમાણે ઈસ્રાએલીઓ કનાન દેશમાં વસ્યા.—યહોશુઆ ૧૧:૨૩.
એમાંથી આપણે શું શીખી શકીએ? આપણને પૂરી ખાતરી છે કે યહોવા પોતાના વચનો જરૂર નિભાવશે. ભલેને મનુષ્યની નજરે અશક્ય લાગે, તોય યહોવા માટે “સર્વ શક્ય છે” એવો ભરોસો રાખીએ.—માત્થી ૧૯:૨૬.
ઈબ્રાહીમના દાખલામાંથી આપણને ઘણું જ શીખવા મળે છે. જેમ કે, અગાઉ માણેલા સુખ પર ચિત્ત લગાડવાને બદલે ભાવિમાં આવનાર સુખનો વિચાર કરીએ. આપણા જેસનભાઈ પણ એવું જ કરતા શીખ્યા છે. બીમારીને લીધે તે સાવ જ અપંગ થઈ ગયા છે. તે કહે છે: “હું સ્વીકારું છું કે ઘણી વાર હું પહેલાંના સુખની નાનીનાની બાબતોમાં ખોવાઈ જાઉં છું. જેમ કે, પહેલાંની જેમ હું હવે મારી પત્ની અમેન્ડાને ભેટી શકતો નથી.”
તોપણ, જેસનભાઈને યહોવાએ આપેલાં વચનોમાં અતૂટ ભરોસો છે. જેમ કે, આખી પૃથ્વી સુંદર બગીચા જેવી બની જશે. ઈશ્વરના માર્ગે ચાલતા સર્વ મનુષ્યો કાયમ જીવશે. ત્યારે કોઈ જાતની બીમારી નહિ હોય.a (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯; યશાયા ૩૫:૫, ૬; પ્રકટીકરણ ૨૧:૩, ૪) જેસનભાઈ કહે છે: “હું પોતાને યાદ કરાવું છું કે બહુ જ જલદી આંસુભરી દુનિયા ખુશીઓથી ભરાઈ જશે. ત્યારે કોઈ જાતનું દુઃખ કે ચિંતા નહિ હોય. અરે, એનું નામનિશાન મટી જશે.” ઈબ્રાહીમની જેમ જેસનભાઈને પણ યહોવામાં અતૂટ શ્રદ્ધા છે. આપણી માટે કેવો સુંદર દાખલો! (w12-E 01/01)
[ફુટનોટ્સ]
a આના વિષે વધારે જાણવા યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલું પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકના પ્રકરણ ૩, ૭ અને ૮ જુઓ.