વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • bh પ્રકરણ ૭ પાન ૬૬-૭૫
  • તમારા ગુજરી ગયેલા ફરી જીવતા થશે!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમારા ગુજરી ગયેલા ફરી જીવતા થશે!
  • પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • મથાળાં
  • સરખી માહિતી
  • પરિવારમાં મરણનો ડંખ
  • “લાજરસ, બહાર આવ!”
  • સજીવન થયેલા લોકોના અનુભવોમાંથી શીખીએ
  • ગુજરી ગયેલાને ઈશ્વર જીવતા કરશે!
  • અમુકને સ્વર્ગમાં જીવવાનું વરદાન મળશે
  • ગુજરી ગયેલાં સગાં-વહાલાં અને દોસ્તોને જીવતાં કરવામાં આવશે!
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • ગુજરી ગયેલાઓ માટે આશા—તેઓને પાછા જીવતા કરવામાં આવશે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • ગુજરી ગયા છે તેઓની આશાનો સૂરજ ઊગ્યો છે!
    ગુજરી ગયેલાનું દુઃખ સહેવું કઈ રીતે?
  • ગુજરી ગયેલાઓ જીવતા થશે—એનો અર્થ શું થાય?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
વધુ જુઓ
પવિત્ર બાઇબલ શું શીખવે છે?
bh પ્રકરણ ૭ પાન ૬૬-૭૫

સાત

તમારા ગુજરી ગયેલા ફરી જીવતા થશે!

  • આપણને કેમ ખાતરી છે કે ગુજરી ગયેલા ફરી જીવશે?

  • ગુજરી ગયેલા લોકો માટે યહોવા શું કરશે?

  • કોને કોને સજીવન કરવામાં આવશે?

૧-૩. આપણી પાછળ કયો દુશ્મન પડ્યો છે? બાઇબલ એના વિશે શું શીખવે છે? એ જાણીને આપણા જીવને કેમ ટાઢક વળે છે?

માનો કે કોઈ ખતરનાક દુશ્મન તમારી પાછળ પડ્યો છે. તમારાથી વધારે ઝડપે દોડે છે. તમારાથી એ ઘણો બળવાન. તે રાક્ષસ જેવો છે, કેમ કે તેણે અનેક મિત્રોને ઠંડે કલેજે પતાવી દીધા છે. તેનાથી જીવ બચાવવા તમે ભાગો છો. પણ તે ધીમે ધીમે નજીક આવતો જાય છે. હવે બચવાનો કોઈ જ રસ્તો નથી. અચાનક કોઈ તમારી મદદે દોડી આવે છે. એ તમારા દુશ્મનથી પણ જોરાવર છે. તમને કહે છે કે ‘ડરીશ નહિ, તને કંઈ નહિ થાય.’ હવે તમને કેવું લાગે છે?

૨ મરણ આપણો જાની દુશ્મન છે. એ દુશ્મન આપણા બધાની પાછળ પડ્યો છે. એ સર્વ મનુષ્યોનો શિકાર કરે છે. છઠ્ઠા પ્રકરણમાં આપણે શીખી ગયા કે કોઈ જ એના પંજામાંથી છટકી શકતું નથી. એ રાક્ષસે આપણાં ઘણાં સગાં-વહાલાંને ભરખી લીધાં છે. પણ ગભરાશો નહિ! ખુદ પરમેશ્વર યહોવા આપણી મદદે દોડી આવ્યા છે. તે આપણને મોતના પંજામાંથી છોડાવશે. યહોવા આ દુશ્મનથી પણ વધારે જોરાવર છે. તેમણે એના પર જીત મેળવી છે. તે એનું નામ-નિશાન મિટાવી દેશે. પછી કોઈ મરશે જ નહિ! બાઇબલ કહે છે, “જે છેલ્લો શત્રુ નાશ પામશે તે તો મરણ છે.” (૧ કરિંથી ૧૫:૨૬) આ તો કેવી ખુશખબર!

૩ ચાલો પહેલા એ જોઈએ કે મોતનો ડંખ કેવો હોય છે અને ગુજરી ગયેલાના કુટુંબની શી હાલત થાય છે. પણ હિંમત ન હારતા. નિરાશ ન થતા. ગુજરી ગયેલાં આપણાં સગાં-વહાલાંને યહોવા પોતે જીવતા કરશે. (યશાયા ૨૬:૧૯) બાઇબલ એને ‘પુનરુત્થાન’ કે ‘સજીવન’ કરવું કહે છે.

પરિવારમાં મરણનો ડંખ

૪. (ક) કોઈ ગુજરી જાય ત્યારે ઈસુ આપણું દુઃખ સમજી શકે છે. એનાથી યહોવા વિશે શું શીખી શકીએ? (ખ) ઈસુને કોની સાથે ઘર જેવો સંબંધ હતો?

૪ શું તમારું કોઈ સગું-વહાલું ગુજરી ગયું છે? તમારા અંતરનો એ ઘા હજી રુઝાયો નહિ હોય. એ દુઃખ, એ જુદાઈ સહન નથી કરી શકાતા. આવી પળોમાં આપણને બાઇબલ દિલાસો આપે છે. (૨ કરિંથી ૧:૩, ૪) બાઇબલ જણાવે છે કે આપણું એ દુઃખ યહોવા સમજે છે. ઈસુ સમજે છે. તેમણે પોતે એનો અનુભવ કર્યો હતો. ચાલો આપણે ઈસુનો અનુભવ જોઈએ. એના પરથી આપણે સમજી શકીશું કે કોઈ ગુજરી જાય ત્યારે, યહોવાનું દિલ પણ કેવું રડી ઊઠે છે. (યોહાન ૧૪:૯) ઈસુ જ્યારે યરૂશાલેમ જતા, ત્યારે તેમના દોસ્ત લાજરસના ઘરે જરૂર જતા. લાજરસની સાથે તેની બે બહેનો, મરિયમ અને માર્થા પણ રહેતી હતી. તેઓ યરૂશાલેમ નજીક બેથાનિયા ગામમાં રહેતા હતા. ઈસુનો તેઓ સાથે ઘર જેવો સંબંધ. બાઇબલ કહે છે કે ‘માર્થા તથા તેની બહેન તથા લાજરસ ઉપર ઈસુ પ્રેમ રાખતા હતા.’ (યોહાન ૧૧:૫) આપણે છઠ્ઠા પ્રકરણમાં જોઈ ગયા તેમ, લાજરસ ગુજરી ગયો.

૫, ૬. (ક) લાજરસનાં સગાં-વહાલાં અને મિત્રોની સાથે શોક પાળતા ઈસુને કેવું લાગ્યું? (ખ) ઈસુએ શોક પાળ્યો, એ જાણીને આપણને કેવો દિલાસો મળે છે?

૫ ઈસુએ સાંભળ્યું કે તેમનો દોસ્ત લાજરસ હવે નથી. તેમને કેવું લાગ્યું? બાઇબલ કહે છે કે લાજરસનાં સગાં-વહાલાં સાથે ઈસુ શોક પાળવા લાગ્યા. તેઓનું દુઃખ ઈસુ સહી ન શક્યા. ‘તેમનું હૈયું ભરાઈ આવ્યું. તેમણે નિસાસો નાખ્યો અને રડી પડ્યા.’ (યોહાન ૧૧:૩૩, ૩૫) શું ઈસુ એટલે રડી પડ્યા કે હવે લાજરસને ફરી જોઈ નહિ શકે? ના, એવું ન હતું. ઈસુ તો થોડી જ વારમાં ચમત્કાર કરીને લાજરસને જીવતો કરવાના હતા. (યોહાન ૧૧:૩, ૪) તોપણ મરણ લોકોને કેટલા દુઃખી કરે છે, એનો ઈસુને અનુભવ થયો. તેમની આંખો છલકાઈ ગઈ.

૬ એનાથી આપણને કેટલો દિલાસો મળે છે! આપણે જોઈએ છીએ કે યહોવા અને ઈસુથી કોઈનું મોત સહન થતું નથી. પણ યહોવા તો પલભરમાં મરણને મિટાવી શકે છે! ચાલો જોઈએ કે તેમણે ઈસુ દ્વારા લાજરસ માટે શું કર્યું.

“લાજરસ, બહાર આવ!”

૭, ૮. માણસની નજરે લાજરસ માટે કેમ કોઈ આશા ન હતી? તોપણ ઈસુએ શું કર્યું?

૭ લાજરસને એક ગુફામાં દફનાવ્યો હતો. એ ગુફાને એક મોટા પથ્થરથી બંધ કરી દીધી હતી. લાજરસ ગુજરી ગયાને ચાર દિવસો થયા હતા. ઈસુએ લાજરસનાં સગાં સાથે એ ગુફા આગળ આવીને પેલો પથ્થર ખસેડવા કહ્યું. માર્થા તરત પોકારી ઊઠી, ‘ના, પ્રભુ! હવે તો મારા ભાઈનું શરીર ગંધાવા લાગ્યું હશે.’ (યોહાન ૧૧:૩૯) માણસની નજરે હવે લાજરસ માટે કોઈ જ આશા બચી ન હતી.

લાજરસને ઈસુ પાછો જીવતો કરે છે, તેને કબરમાંથી બહાર બોલાવે છે તેમ કુટુંબ અને મિત્રોના ચહેરા પર ખુશી જોવા મળે છે

લાજરસ જીવતો થયો ત્યારે બધા રાજી રાજી થઈ ગયા.—યોહાન ૧૧:૩૮-૪૪

૮ તોપણ કોઈએ ગુફા પરનો પથ્થર ખસેડ્યો. પછી ઈસુએ મોટેથી બૂમ પાડી: ‘લાજરસ, બહાર આવ!’ પછી શું બન્યું? ‘ત્યારે જે મરી ગયેલો હતો તે બહાર આવ્યો.’ (યોહાન ૧૧:૪૩, ૪૪) જરા કલ્પના કરો: લાજરસની બહેનો, સગાં-વહાલાં, પડોશીઓ બધા જ જાણતા હતા કે લાજરસ ચાર ચાર દિવસથી ગુજરી ગયો હતો. પણ એ જ લાજરસ હવે જીવતો-જાગતો તેઓની આગળ ઊભો હતો! લોકોના માનવામાં જ નહિ આવ્યું હોય. ઘણાની આંખો ખુશીથી છલકાઈ ઊઠી હશે!

એલીયાએ નાના છોકરાને જીવતા કર્યા પછી વિધવા પોતાના દીકરાને ભેટે છે

એલિયાએ એક વિધવાના દીકરાને જીવતો કર્યો.—૧ રાજા ૧૭:૧૭-૨૪

૯, ૧૦. (ક) ચમત્કાર કરતા પહેલાં ઈસુએ શું કર્યું? એ શું બતાવે છે? (ખ) સજીવન થયેલા લોકોના અનુભવો વાંચીને કેવી ગૅરંટી મળે છે?

૯ ઈસુએ આ ચમત્કાર પોતાની શક્તિથી કર્યો ન હતો. તેમણે એ ચમત્કાર પહેલાં યહોવાને પ્રાર્થના કરી, જેથી સર્વ જાણે કે ખુદ યહોવાએ લાજરસને જીવતો કર્યો છે. (યોહાન ૧૧:૪૧, ૪૨) પહેલાના જમાનામાં યહોવાએ બીજા લોકોને પણ જીવતા કર્યા હતા. લાજરસ સિવાય બીજી આઠ વ્યક્તિઓને યહોવાએ સજીવન કરી હતી.a આ બનાવો તમે જરૂર વાંચો. એનો વિચાર કરો. આ બનાવો શીખવે છે કે યહોવા કોઈ ભેદભાવ રાખતા નથી. તેમણે નાના-મોટા, કોઈ પણ નાત-જાતના સ્ત્રી-પુરુષને સજીવન કર્યા. આ બનાવોની ખુશીનો અનુભવ કરો! દાખલા તરીકે, ઈસુએ ગુજરી ગયેલી એક નાનકડી છોકરીને જીવતી કરી. તેના માબાપ માની જ ન શક્યા. તેઓ હરખથી ઘેલા ઘેલા થઈ ગયા! (માર્ક ૫:૪૨) યહોવાનો એ આશીર્વાદ તેઓ જિંદગીભર ભૂલ્યા નહિ હોય.

પિતર દરકાસને જીવતી કરે છે

ઈશ્વરભક્ત પિતરે દરકાસ નામની સ્ત્રીને જીવતી કરી.—પ્રેરિતોનાં કૃત્યો ૯:૩૬-૪૨

૧૦ ખરું કે યહોવાની શક્તિથી ઈસુએ જેઓને સજીવન કર્યા, તેઓ પાછા ગુજરી ગયા. પણ એ બનાવો સાબિતી આપે છે કે યહોવા અને ઈસુ, ગુજરી ગયેલાને ચોક્કસ જીવતા કરશે! એ આપણને ગૅરંટી આપે છે!

સજીવન થયેલા લોકોના અનુભવોમાંથી શીખીએ

૧૧. સજીવન થયેલા લાજરસનો દાખલો કેવી રીતે સભાશિક્ષક ૯:૫નું સત્ય સાબિત કરે છે?

૧૧ બાઇબલ શીખવે છે કે “મૃત્યુ પામેલા તો કંઈ જાણતા નથી.” જે કોઈ મરણ પામે, તેનામાં કશું જ જીવતું રહેતું નથી. લાજરસનો દાખલો આ સત્ય સાબિત કરે છે. જ્યારે લાજરસને સજીવન કરવામાં આવ્યો, ત્યારે તેણે એમ ન કહ્યું કે પોતે સ્વર્ગમાં હતો, ત્યાં કેટલું સારું હતું. તેણે એમ પણ ન કહ્યું કે પોતે નરકમાં હતો, ત્યાં તેને રિબાવવામાં આવતો હતો. ના, લાજરસે એવું કંઈ જ ન કહ્યું. ગુજરી ગયા પછી તે ‘કંઈ જાણતો’ ન હતો. (સભાશિક્ષક ૯:૫) લાજરસ ચાર દિવસ માટે બસ મરણની ઊંઘમાં હતો.—યોહાન ૧૧:૧૧.

૧૨. આપણે કેમ પૂરી ખાતરીથી કહી શકીએ કે લાજરસ સાચે જ સજીવન થયો હતો?

૧૨ લાજરસનો કિસ્સો બતાવે છે કે મરણની ઊંઘમાંથી વ્યક્તિને જીવતી કરવી, એ હકીકત છે, કોઈ કલ્પના નથી. ઈસુએ ઘણા લોકો સામે આ ચમત્કાર કર્યો હતો. ત્યાં કેટલાક ધર્મગુરુઓ પણ હતા. તેઓ ઈસુના દુશ્મન હતા, તોપણ તેઓએ આ ચમત્કાર માનવો પડ્યો. તેઓએ કહ્યું: “આપણે શું કરીએ? કેમ કે એ માણસ [ઈસુ] તો ઘણા ચમત્કારો કરે છે.” (યોહાન ૧૧:૪૭) લોકોના ટોળેટોળા સજીવન થયેલા લાજરસને જોવા ગયા. ઘણા લોકો ઈસુમાં માનવા લાગ્યા. જીવતો-જાગતો લાજરસ મોટો પુરાવો હતો કે ઈશ્વરે જ ઈસુને ધરતી પર મોકલ્યા છે. પણ આ બનાવથી ધર્મગુરુઓનો ગુસ્સો આસમાને જઈ ચડ્યો. તેઓએ ઈસુ અને લાજરસ, બંનેને મારી નાખવાનું કાવતરું ઘડ્યું.—યોહાન ૧૧:૫૩; ૧૨:૯-૧૧.

૧૩. આપણે કેમ કહી શકીએ કે યહોવા ગુજરી ગયેલાને ચોક્કસ જીવતા કરશે?

૧૩ લાજરસ સિવાય બીજા ગુજરી ગયેલા લોકો વિશે શું? શું ઈશ્વર તેઓને પણ સજીવન કરશે? હા, ચોક્કસ! ઈસુએ પોતે કહ્યું હતું કે એવો સમય આવશે જ્યારે ગુજરી ગયેલાને ઈશ્વર જીવતા કરશે. (યોહાન ૫:૨૮) યહોવાએ જ આપણને જીવન આપ્યું છે, આપણી રચના કરી છે. એટલે જેઓ ગુજરી ગયા છે, તેઓને જીવતા કરવા તેમના માટે કોઈ મોટી વાત નથી. પણ શું ઈશ્વર ગુજરી ગયેલા કરોડો લોકોને યાદ રાખી શકે? ચોક્કસ! તે તો આખી સૃષ્ટિના સરજનહાર છે. જરા વિચારો, આકાશમાં અબજોના અબજો તારાઓ છે. ઈશ્વર એ દરેકને નામથી બોલાવે છે! (યશાયા ૪૦:૨૬) એ જ રીતે તે સર્વ ગુજરી ગયેલાને, અરે તેઓ વિશેની રજેરજ માહિતીને પણ યાદ રાખે છે.

૧૪, ૧૫. અયૂબના કહેવા પ્રમાણે, યહોવા શું કરવા આતુર છે?

૧૪ શું યહોવા ગુજરી ગયેલાને સજીવન કરવા ચાહે છે? એમાં કોઈ સવાલ જ નથી. બાઇબલ તો જણાવે છે કે યહોવાના દિલની આરજૂ એ જ છે. હજારો વર્ષો પહેલાં અયૂબ નામના ઈશ્વરભક્તે પૂછ્યું હતું: “શું મરેલો માણસ સજીવન થાય?” અયૂબે પોતે જ પૂરી શ્રદ્ધાથી જવાબ આપ્યો કે ‘જો હું મરીશ, તોપણ સમય આવ્યે ઈશ્વર મને યાદ કરીને સજીવન કરશે.’ તેમણે યહોવાને કહ્યું કે ‘તમે મને બોલાવશો ને હું તમને ઉત્તર આપીશ, તમારા હાથનાં કામો પર તમે મમતા રાખો છો.’—અયૂબ ૧૪:૧૩-૧૫.

૧૫ ગુજરી ગયેલાને યહોવા ભૂલી નથી જતા. તેઓ પર તે મમતા રાખે છે. તેઓને જીવતા કરવા માટે યહોવા ખૂબ આતુર છે. હવે સવાલ થાય કે શું તે બધા જ ગુજરી ગયેલાને સજીવન કરશે? ક્યારે? ક્યાં? ચાલો આપણે જોઈએ.

ગુજરી ગયેલાને ઈશ્વર જીવતા કરશે!

૧૬. ગુજરી ગયેલાને કેવી ધરતી પર જીવતા કરવામાં આવશે?

૧૬ જૂના જમાનામાં ગુજરી ગયેલાને ઈશ્વરે જીવતા કર્યા. એ ગૅરંટી આપે છે કે આવતા દિવસોમાં યહોવા એનાથી પણ વધારે કરશે. બાઇબલ જણાવે છે કે જેઓ સજીવન થયા હતા, તેઓ ફરીથી પોતાના કુટુંબ સાથે રહ્યા. એ જ રીતે, યહોવા ગુજરી ગયેલાને જીવતા કરશે ત્યારે, તેઓ પણ પોતાના કુટુંબ, મિત્રો સાથે રહેશે. પણ એક મોટો ફરક હશે. ત્રીજા પ્રકરણમાં આપણે શીખી ગયા તેમ, તેઓને આજના જેવી દુનિયામાં નહિ, પણ સ્વર્ગ જેવી ધરતી પર જીવતા કરવામાં આવશે. પછી ન કોઈ લડાઈ-ઝઘડા, ન લૂંટફાટ. ન બીમારી, ન ઘડપણ. અરે મરણને પણ મિટાવી દેવાશે. આપણે બધાય સુખ-શાંતિમાં જીવીશું. પછી તો આપણને કદીયે મોતનો ડંખ નહિ લાગે! આપણે કાયમ માટે, હા યુગોના યુગો જીવીશું.

૧૭. યહોવા કોને કોને સજીવન કરશે?

૧૭ શું ગુજરી ગયેલા બધાને સજીવન કરવામાં આવશે? ઈસુએ કહ્યું કે જે ગુજરી ગયેલાને ઈશ્વર યાદ રાખે છે, તેઓ સર્વને તે જીવતા કરશે. (યોહાન ૫:૨૮, ૨૯) પ્રકટીકરણ ૨૦:૧૩ કહે છે: “સમુદ્રે પોતાનામાં જેઓ મૂએલાં હતાં તેઓને પાછાં આપ્યાં, અને મરણે તથા હાડેસે પણ પોતાનામાં જેઓ મૂએલાં હતાં, તેઓને પાછાં આપ્યાં.” આ કલમમાં ‘હાડેસ’ જાણે એવી કોઈ જગ્યા છે, જ્યાં બધા મોતની નીંદરમાં છે. (પાન ૨૧૧-૨૧૨ પર જુઓ.) યહોવા એ અબજો લોકોને જીવતા કરશે. ઈશ્વરભક્ત પાઉલે કહ્યું: ‘ન્યાયીઓ તથા અન્યાયીઓ સજીવન થશે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) ચાલો એ જરા વધારે સમજીએ.

સજીવન કરવામાં આવતા હોવાથી કબરો ખાલી થાય છે તેમ સુંદર ધરતી પર લોકો ખુશીથી પોતાના વહાલાંઆને ફરી મળે છે

ગુજરી ગયેલા સુંદર ધરતી પર જીવતા થશે. પોતાના સગાં, મિત્રો સાથે ખુશીથી ઝૂમી ઊઠશે

૧૮. સજીવન થનારા ‘ન્યાયી’ લોકોમાં કોણ કોણ હશે? યહોવાના આ આશીર્વાદ વિશે તમને કેવું લાગે છે?

૧૮ એ કલમમાં ‘ન્યાયીઓ’ કોણ છે? ઈસુ ધરતી પર આવ્યા એ પહેલાંના યહોવાના સર્વ ભક્તો. જેમ કે નૂહ, ઇબ્રાહિમ, સારા, મૂસા, રૂથ, એસ્તેર અને બીજા અનેક. હિબ્રૂના અગિયારમા અધ્યાયમાં આવા અમુક ભક્તોની અતૂટ શ્રદ્ધાની વાત થાય છે. આ ‘ન્યાયી’ લોકોમાં, યહોવાના બીજા ભક્તો પણ છે જેઓ આપણા જમાનામાં ગુજરી ગયા છે. કદાચ આપણે ગુજરી જઈએ તો, યહોવા આપણને પણ જીવતા કરશે! એટલે જ આપણને મોતનો કોઈ ડર નથી.—હિબ્રૂ ૨:૧૫.

૧૯. ‘અન્યાયીઓ’ કોણ છે? યહોવા તેઓને કેવો આશીર્વાદ આપશે?

૧૯ એ કલમમાં જણાવેલા ‘અન્યાયીઓ’ કોણ છે? એ એવા અબજો લોકો છે જેઓ યહોવાને ઓળખતા પહેલાં, ભજતા પહેલાં ગુજરી ગયા. યહોવા તેઓને ભૂલશે નહિ. તેઓને પણ સજીવન કરશે. પછી તેઓ યહોવાને ઓળખી શકશે. તેમની દિલથી ભક્તિ કરી શકશે. નજીકમાં આવનાર હજાર વર્ષના યુગમાં સર્વ ગુજરી ગયેલાને જીવતા કરવામાં આવશે. મનુષ્યો પર સુખનો સૂરજ ઊગશે! સજીવન થયેલા લોકોને યહોવાના ભક્તો સાથે તેમને ભજવાનો મોકો મળશે. બાઇબલ આ યુગને ‘ન્યાયનો દિવસ’ કહે છે.b

૨૦. શું જેઓ ગુજરી ગયા છે તેઓ સર્વ સજીવન થશે?

૨૦ તો પછી એવા લોકોનું શું થશે, જેઓ જીવતા હતા ત્યારે જાણી-જોઈને ઘોર પાપ કર્યા હતા? બાઇબલ જણાવે છે કે યહોવાએ તેઓનો ન્યાય કર્યો છે. ઈશ્વર તેઓને જીવતા કરવાને લાયક ગણતા નથી. તે તેઓને સજીવન નહિ કરે. તો તેઓનું શું થશે? તેઓનું કોઈ નામ-નિશાન નહિ રહે. ઈસુએ આ લોકોનો સર્વનાશ એક જગ્યા સાથે સરખાવ્યો. એ જગ્યાનું નામ ‘ગેહેન્‍ના’ હતું, જે જૂના જમાનાના યરુશાલેમ શહેરની બહાર આવેલી હતી. (લૂક ૧૨:૫) ત્યાં શહેરનો બધો કચરો બાળવામાં આવતો. ઈસુના જમાનામાં યહૂદીઓ દુષ્ટ ગુનેગારોના શબ પણ ત્યાં ફેંકી દેતા. તેઓ એવું માનતા કે એવા અધર્મીઓની સજીવન થવાની વાત તો બાજુએ રહી, તેઓ તો અંતિમ સંસ્કાર માટે પણ લાયક નથી. આમ, ગેહેન્‍ના એટલે હંમેશ માટેનો વિનાશ. જાણી-જોઈને ઘોર પાપ કરનારાઓને પણ, ઈશ્વર એવા જ ગણે છે. જલદી જ ઈસુ જીવતા અને મરેલા સર્વનો ન્યાય કરશે. પણ છેલ્લો નિર્ણય તો ખુદ યહોવા લેશે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૪૨) યહોવા કદીયે એવા લોકોને સજીવન નહિ કરે, જેમની રગે-રગમાં દુષ્ટતા વહે છે અને જેઓ સુધરવા તૈયાર જ નથી.

અમુકને સ્વર્ગમાં જીવવાનું વરદાન મળશે

૨૧, ૨૨. (ક) અમુક સજીવન થઈને ક્યાંના જીવનનું વરદાન મેળવશે? (ખ) સજીવન થઈને સૌ પ્રથમ કોને સ્વર્ગમાં જીવવાનું વરદાન મળ્યું?

૨૧ બાઇબલ કહે છે કે અમુક ગુજરી ગયેલાને સ્વર્ગમાં જીવવાનું વરદાન મળશે. બાઇબલ ફક્ત એક જ વ્યક્તિ વિશે જણાવે છે, જેને આવા જીવનનું વરદાન મળ્યું હતું. એ છે, ઈસુ ખ્રિસ્ત.

૨૨ ઈસુને મારી નાખવામાં આવ્યા ત્યારે, યહોવાએ તેમને કબરમાં જ રહેવા દીધા નહિ. તેમણે ઈસુને મરણની ઊંઘમાંથી બેઠા કર્યા. તેમને જીવન આપ્યું. (ગીતશાસ્ત્ર ૧૬:૧૦; પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૩૪, ૩૫) યહોવાએ ઈસુને મનુષ્ય તરીકે સજીવન કર્યા નહિ. ઈશ્વરભક્ત પિતર સમજાવે છે કે યહોવાએ ઈસુને સ્વર્ગદૂત તરીકે સજીવન કર્યા. (૧ પિતર ૩:૧૮) આ એક મોટો ચમત્કાર હતો! ઈસુ સ્વર્ગદૂત તરીકે જીવતા થયા. (૧ કરિંથી ૧૫:૩-૬) આ રીતે સૌથી પહેલા ઈસુને સ્વર્ગમાં જીવવાનું વરદાન મળ્યું. (યોહાન ૩:૧૩) તેમના પછી યહોવાના બીજા ઘણા ભક્તોને પણ એવું વરદાન મળ્યું.

૨૩, ૨૪. ઈસુની ‘નાની ટોળીʼમાં કોણ છે અને તેઓની સંખ્યા કેટલી છે?

૨૩ મરણ પહેલાં ઈસુને ખબર હતી કે પોતે જલદી જ પાછા સ્વર્ગમાં જશે. એટલે તેમણે શિષ્યોને કહ્યું કે ‘હું તમારે માટે જગ્યા તૈયાર કરવાને જાઉં છું.’ (યોહાન ૧૪:૨) જેઓ સ્વર્ગના જીવન માટે પસંદ થયા હતા, તેઓને ઈસુએ ‘નાની ટોળી’ કહ્યા. (લૂક ૧૨:૩૨) આ નાની ટોળીમાં કેટલા લોકો છે? પ્રકટીકરણ ૧૪:૧માં યોહાન નામના ઈશ્વરભક્ત કહે છે: ‘પછી મેં જોયું, તો જુઓ, સિયોન પહાડ પર ઈસુ ખ્રિસ્ત ઊભેલા હતા. અને તેમની સાથે એક લાખ ચુમ્માળીસ હજાર ઈશ્વરભક્તો હતા. તેઓનાં કપાળ પર તેમનું તથા તેમના પિતાનું નામ લખેલું હતું.’

૨૪ સ્વર્ગમાં જનારા આ ૧,૪૪,૦૦૦ લોકોમાં પહેલી સદીના ઈસુના શિષ્યો પણ છે. તેઓને ક્યારે સજીવન કરવામાં આવ્યા? ઈશ્વરભક્ત પાઉલે જણાવ્યું કે એ ઈસુ ખ્રિસ્તના રાજ દરમિયાન થશે. નવમા પ્રકરણમાં જોઈશું કે આપણે એ જ સમયમાં જીવીએ છીએ. એટલે ૧,૪૪,૦૦૦માંથી મોટા ભાગના સ્વર્ગમાં છે. બહુ થોડા હવે ધરતી પર બાકી છે. તેઓમાંથી કોઈ મરણ પામે ત્યારે, તરત જ તે સ્વર્ગમાં સજીવન થાય છે. (૧ કરિંથી ૧૫:૫૧-૫૫) પણ ગુજરી ગયેલા બીજા બધા સુંદર ધરતી પર જીવશે.

૨૫. આઠમા પ્રકરણમાં શાના વિશે શીખીશું?

૨૫ યહોવા હવે જલદી જ મરણને મિટાવી દેશે. સદાને માટે દફનાવી દેશે! (યશાયા ૨૫:૮) પણ જેઓ સ્વર્ગમાં જશે તેઓ ત્યાં શું કરશે? સ્વર્ગમાં તેઓ એક ખાસ સરકાર કે રાજ્ય ચલાવશે. તેઓ મનુષ્યો પર રાજ કરશે. આવો, આ સરકાર વિશે આઠમા પ્રકરણમાં વધારે શીખીએ.

a એ બનાવો બાઇબલની આ કલમોમાં છે: ૧ રાજાઓ ૧૭:૧૭-૨૪; ૨ રાજાઓ ૪:૩૨-૩૭; ૧૩:૨૦, ૨૧; માથ્થી ૨૮:૫-૭; લૂક ૭:૧૧-૧૭; ૮:૪૦-૫૬; પ્રેરિતોનાં કૃત્યો ૯:૩૬-૪૨; ૨૦:૭-૧૨.

b ન્યાયના દિવસે બીજું શું થશે? શાને આધારે મનુષ્યનો ન્યાય થશે? એ વિશે વધારે જાણવા પાન ૨૧૨-૨૧૫ જુઓ.

બાઇબલ આમ શીખવે છે

  • ગુજરી ગયેલાને યહોવાએ જીવતા કર્યા છે. બાઇબલમાં આપેલા એ બનાવોથી આપણી શ્રદ્ધા વધે છે.—યોહાન ૧૧:૩૯-૪૪.

  • યહોવા ગુજરી ગયેલાને સજીવન કરવા બેતાબ છે.—અયૂબ ૧૪:૧૩-૧૫.

  • ગુજરી ગયેલા સર્વને જીવતા કરવામાં આવશે.—યોહાન ૫:૨૮, ૨૯.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો