વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૧૦/૧૫ પાન ૭-૧૧
  • સૃષ્ટિ ઈશ્વરને પ્રગટ કરે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સૃષ્ટિ ઈશ્વરને પ્રગટ કરે છે
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • પુરાવા અને યોગ્ય કારણો પર શ્રદ્ધા બંધાય છે
  • સૃષ્ટિના સર્જનમાં ઈશ્વરની શક્તિ પુરવાર થાય છે
  • પ્રકૃતિ ઈશ્વરનું ડહાપણ પ્રગટ કરે છે
  • ઈશ્વરને મહિમા આપવામાં લોકોને મદદ કરો
  • યુવાનો, તમારી શ્રદ્ધા મજબૂત કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • શું તમે ઈશ્વરે આપેલી ભેટની કદર કરો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • કોઈએ સૃષ્ટિ રચી છે એવો હું કેવી રીતે પુરાવો આપી શકું?
    સજાગ બનો!—૨૦૦૬
  • સર્જનહારમાં શ્રદ્ધા મજબૂત કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૧૦/૧૫ પાન ૭-૧૧

સૃષ્ટિ ઈશ્વરને પ્રગટ કરે છે

‘ઓ અમારા ઈશ્વર યહોવા, મહિમા પામવાને તમે જ યોગ્ય છો. કેમ કે તમે જ સર્વને ઉત્પન્‍ન કર્યાં.’​—પ્રકટી. ૪:૧૧.

જવાબમાં તમે શું કહેશો?

  • “કિલ્લાઓ” જેવી ખોટી દલીલોનો જવાબ આપવા આપણે શું કરવું જોઈએ?

  • સૃષ્ટિ કઈ રીતે યહોવાની શક્તિ અને ડહાપણને પ્રગટ કરે છે?

  • યહોવામાં શ્રદ્ધા મજબૂત કરવા માબાપ કઈ રીતે બાળકોને મદદ કરી શકે?

૧. આપણી શ્રદ્ધા અડગ રાખવા શું કરવું જોઈએ?

ઘણા લોકો કહે છે કે તેઓ કોઈ વાત પર ત્યારે જ વિશ્વાસ કરશે જ્યારે તેમની આંખે જોશે. એવા લોકો યહોવામાં વિશ્વાસ મૂકી શકે એ માટે આપણે તેઓને કઈ રીતે મદદ કરી શકીએ? બાઇબલ જણાવે છે, ‘ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી.’ (યોહા. ૧:૧૮) તો પછી, આપણે કઈ રીતે “તે અદૃશ્ય ઈશ્વર”માં શ્રદ્ધા અડગ રાખી શકીએ? (કોલો. ૧:૧૫) સૌ પ્રથમ તો આપણે એવા શિક્ષણને પારખવાની જરૂર છે, જે યહોવા વિશેના સત્યને આડે આવે છે. પછી, આપણે બાઇબલમાંથી કારણો આપતાં કુશળ રીતે ‘ઈશ્વરની વિરુદ્ધ કરવામાં આવેલી જૂઠી દલીલોʼને તોડી પાડીએ.—૨ કોરીં. ૧૦:૪, ૫.

૨, ૩. કયાં બે શિક્ષણને લીધે લોકો ઈશ્વરના સત્યને જોઈ શકતા નથી?

૨ એક પ્રચલિત અને જૂઠું શિક્ષણ છે, ઉત્ક્રાંતિવાદ. એના લીધે લોકો ઈશ્વરના સત્યને જોઈ શકતા નથી. મનુષ્યનું એ શિક્ષણ બાઇબલના સુમેળમાં બિલકુલ નથી અને લોકો પાસેથી સુંદર ભાવિની આશા છીનવી લે છે. ઉત્ક્રાંતિ શીખવે છે કે જીવનની શરૂઆત આપમેળે થઈ છે. જો એમ હોય તો મનુષ્યના જીવનનો કોઈ જ હેતુ નથી.

૩ બીજી બાજુ, પોતાને ખ્રિસ્તીઓ કહેવડાવતા કેટલાક લોકો ઉત્પત્તિવાદમાં માને છે. બાઇબલના શબ્દોનો ખોટો અર્થ કાઢતા તેઓ શીખવે છે કે આખું વિશ્વ, પૃથ્વી અને એમાંનું જીવન અમુક હજાર વર્ષો પહેલાં ઉત્પન્‍ન કરવામાં આવ્યું. તેઓનું કહેવું છે કે ઈશ્વરે અમુક હજાર વર્ષો પહેલાં બધું ફક્ત ૨૪ કલાકના ૬ દિવસોમાં બનાવી દીધું. આમ, પોતાની માન્યતાના સુમેળમાં ન હોય એવા વૈજ્ઞાનિક પુરાવાઓની તેઓ અવગણના કરે છે. પરિણામે, તેઓના એવાં શિક્ષણને લીધે લોકોને લાગી શકે કે બાઇબલ વાજબી અને સચોટ નથી. ઉત્પત્તિવાદમાં માનનારા આપણને પ્રથમ સદીના એવા લોકોની યાદ અપાવે છે, જેઓને ઈશ્વર માટે ઉત્સાહ હતો ખરો પણ “તે જ્ઞાન વગર”નો હતો. (રોમ. ૧૦:૨) આપણે કઈ રીતે બાઇબલની મદદથી ઉત્ક્રાંતિવાદ અને ઉત્પત્તિવાદના “કિલ્લાઓ” જેવી દલીલોનો જવાબ આપી શકીએ?a આપણે એવું ત્યારે જ કરી શકીશું, જ્યારે બાઇબલ જે શીખવે છે એનું સચોટ જ્ઞાન લેવા મહેનત કરીશું.

પુરાવા અને યોગ્ય કારણો પર શ્રદ્ધા બંધાય છે

૪. આપણી શ્રદ્ધા શાના આધારે હોવી જોઈએ?

૪ બાઇબલ શીખવે છે કે જ્ઞાનને ખજાનાની જેમ કીમતી ગણવું જોઈએ. (નીતિ. ૧૦:૧૪) યહોવા ઇચ્છે છે કે આપણે પુરાવા અને યોગ્ય કારણોને આધારે તેમના પર શ્રદ્ધા રાખીએ, માનવીય ફિલસૂફી કે ધાર્મિક માન્યતાઓને આધારે નહિ. (હિબ્રૂ ૧૧:૧ વાંચો.) ઈશ્વરમાં શ્રદ્ધા અડગ રાખવા, પહેલાં તો આપણને ખાતરી થવી જોઈએ કે યહોવા ઈશ્વરનું અસ્તિત્વ છે. (હિબ્રૂ ૧૧:૬ વાંચો.) એવું આપણે ફક્ત માનવા ખાતર નહિ, પણ સાબિતીઓ અને આપણી સમજ-શક્તિના આધારે માનીએ.—રોમ. ૧૨:૧.

૫. ઈશ્વરના અસ્તિત્વની ખાતરી કરાવતું કયું એક કારણ આપણી પાસે છે?

૫ ભલે આપણે ઈશ્વરને જોઈ શકતા નથી, પણ તેમનું અસ્તિત્વ છે એવી ખાતરી કરાવતું એક સરસ કારણ પ્રેરિત પાઊલે આપ્યું છે, ‘તેમના અદૃશ્ય ગુણો, એટલે તેમનું સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ, જગત ઉત્પન્‍ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે.’ (રોમ. ૧:૨૦) કોઈ વ્યક્તિ ઈશ્વરના અસ્તિત્વ પર શંકા ઉઠાવે ત્યારે, પ્રેરિત પાઊલના શબ્દોથી તેને કઈ રીતે મદદ આપી શકાય? ઈશ્વરની શક્તિ અને ડહાપણ પુરવાર કરતા સૃષ્ટિનાં અમુક ઉદાહરણો પર તેનું ધ્યાન દોરી શકીએ.

સૃષ્ટિના સર્જનમાં ઈશ્વરની શક્તિ પુરવાર થાય છે

૬, ૭. આપણું રક્ષણ કરતા બે કવચો કઈ રીતે યહોવાની શક્તિ પ્રગટ કરે છે?

૬ પૃથ્વીનું વાતાવરણ અને ચુંબકીય ક્ષેત્ર યહોવાની શક્તિ પ્રગટ કરે છે. એ બે એવાં કવચ છે, જેનાથી આપણને રક્ષણ મળે છે. દાખલા તરીકે, પૃથ્વીનું વાતાવરણ આપણને શ્વાસ લેવા હવા આપે છે. ઉપરાંત, અંતરિક્ષમાં રહેલી ઘણી ઉલ્કાઓથી આપણું રક્ષણ કરે છે. એ ઉલ્કાઓ પૃથ્વી પર પડતા ઘણું નુકસાન કરી શકે છે. પરંતુ, વાતાવરણમાં આવતા જ એ બળી જાય છે. અને નુકસાનને બદલે, રાતના આકાશમાં એ સુંદર ચમકારો બની જાય છે.

૭ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું કેન્દ્ર પૃથ્વીના પેટાળમાં છે. એ ક્ષેત્રને લીધે આપણે ઘણાં જોખમથી બચી જઈએ છીએ. પૃથ્વીના ભૂગર્ભના મધ્ય ભાગમાં ખાસ કરીને પીગળેલું લોઢું છે. એના લીધે શક્તિશાળી ચુંબકીય આવરણ બને છે, જે આખી પૃથ્વીને ઢાંકે છે અને અવકાશમાં દૂર સુધી પહોંચે છે. સૂર્યમાં થતા પ્રચંડ ધડાકાઓમાંથી હાનિકારક કિરણો નીકળે છે. જો ચુંબકીય આવરણ ન હોય તો એ કિરણોથી પૃથ્વી પર બધું બળીને રાખ થઈ જાય. સાચે જ, એ આવરણ માટે આપણે કેટલા આભારી છીએ! ચુંબકીય ક્ષેત્ર હાનિકારક કિરણોને ફંટાવે છે, એની સાબિતી આપણને ઉત્તર અને દક્ષિણ ધ્રુવના આકાશમાં જોવા મળે છે. ત્યાં રંગબેરંગી પ્રકાશનો અદ્‍ભુત નજારો જોવા મળે છે. એમાં કોઈ શંકા નથી કે યહોવા “મહા સમર્થ અને બળવાન” છે.—યશાયા ૪૦:૨૬ વાંચો.

પ્રકૃતિ ઈશ્વરનું ડહાપણ પ્રગટ કરે છે

૮, ૯. જીવન ટકાવી રાખતાં ચક્રોમાં કઈ રીતે યહોવાનું ડહાપણ જોવા મળે છે?

૮ પૃથ્વી પર જીવન ટકાવી રાખતાં ચક્રોમાં પણ ઈશ્વરનું ડહાપણ પ્રગટ થાય છે. કલ્પના કરો કે, તમે એવા ગીચોગીચ શહેરમાં છો, જેની ફરતે દીવાલ છે. શહેરમાં તાજું પાણી આવવાનો કે કચરો નિકાલ કરવાનો કોઈ રસ્તો નથી. આવું શહેર જલદી જ ઉકરડો બની જશે અને રહેવા લાયક નહિ રહે. અમુક રીતે, આપણી પૃથ્વી પણ દીવાલવાળા શહેર જેવી છે. એમાં તાજું પાણી મર્યાદિત માત્રામાં છે અને પૃથ્વી બહાર કચરો ફેંકવાનો ખાસ કોઈ રસ્તો નથી. છતાં, પૃથ્વી કરોડો જીવ-સૃષ્ટિને પેઢી દર પેઢી ટકાવી રાખે છે. કઈ રીતે? એનામાં જીવન જરૂરી વસ્તુઓનું નવીનીકરણ (રીસાઇકલ) કરવાની અદ્‍ભુત ક્ષમતા છે.

૯ ઑક્સિજન સાઇકલનો (પ્રાણવાયુ ચક્રનો) વિચાર કરો. કરોડો જીવો શ્વાસ લેતી વખતે ઑક્સિજન લે છે અને કાર્બન ડાયૉક્સાઇડ (અંગારવાયુ) બહાર કાઢે છે. એવું સતત થયા કરે છે છતાં, આપણા વાતાવરણમાં ક્યારેય ઑક્સિજન ખૂટી પડતો નથી. શા માટે? એનો જવાબ ફોટોસિન્થેસિસ (પ્રકાશ સંશ્લેષણ) નામની એક અદ્‍ભુત પ્રક્રિયામાં જોવા મળે છે. લીલી વનસ્પતિ એ પ્રક્રિયામાં કાર્બન ડાયૉક્સાઇડ, પાણી, સૂર્ય પ્રકાશ અને પોષક તત્ત્વોની મદદથી કાર્બોહાઇડ્રેટ્‌સ (શર્કરા) અને ઑક્સિજન બનાવે છે. આપણે જ્યારે ઑક્સિજન લઈએ છીએ ત્યારે આ ચક્ર પૂરું થાય છે. ખરેખર, વનસ્પતિ દ્વારા યહોવા ‘જીવન અને શ્વાસોચ્છવાસ સર્વને આપે છે.’ (પ્રે.કૃ. ૧૭:૨૫) એ કેવું અદ્‍ભુત ડહાપણ!

૧૦, ૧૧. મોનાર્ક પતંગિયું અને ડ્રૅગનફ્લાય કઈ રીતે યહોવાની અગાધ બુદ્ધિ પ્રગટ કરે છે?

૧૦ આપણા ગ્રહ પર જાત જાતની જીવ-સૃષ્ટિ જોવાં મળે છે. એ બધાને જોઈને યહોવાની અગાધ બુદ્ધિનો પરચો મળે છે. પૃથ્વી પર લગભગ ૨૦ લાખથી ૧૦ કરોડ જુદાં જુદાં પ્રકારનાં જીવજંતુઓ છે. (ગીતશાસ્ત્ર ૧૦૪:૨૪ વાંચો.) એમની રચનામાં જોવા મળતું ઈશ્વરનું ડહાપણ નોંધપાત્ર છે.

વાણિયાની આંખની રચના પરથી યહોવાનું ડહાપણ જોઈ શકાય છે; મોટું કરેલું ચિત્ર જુઓ (ફકરો ૧૧ જુઓ)

૧૧ મોનાર્ક પતંગિયાનો વિચાર કરો. તેનું મગજ બૉલ-પૅનની અણીના ટપકાં જેટલું જ છે. છતાં, કૅનેડાથી મૅક્સિકોના એક ખાસ જંગલની આશરે ૩,૦૦૦ કિ.મી. લાંબી મુસાફરી કરવાની તેનામાં આવડત છે. એટલી લાંબી મુસાફરી તે સૂર્યની મદદથી કરે છે. પણ, સૂર્યની દિશા બદલાય ત્યારે શું? યહોવાએ તેના નાનકડા મગજની એવી રચના કરી છે કે ભલે સૂર્યની દિશા બદલાય, એ પતંગિયું ખરી દિશામાં ઊડી શકે છે. હવે, ડ્રૅગનફ્લાયની (વાણિયાની) આંખનો વિચાર કરો. એની બંને આંખોમાં લગભગ ત્રીસ-ત્રીસ હજાર લેન્સ હોય છે. એનું નાનકડું મગજ એટલા બધા લેન્સમાંથી આવતા દરેક તરંગને સમજે છે અને આસપાસ થતી નાનામાં નાની હલચલ પારખી લે છે.

૧૨, ૧૩. યહોવાએ કોષની જે રીતે રચના કરી છે, એમાંની કઈ બાબતથી તમને નવાઈ લાગે છે?

૧૨ દરેક જીવિત વસ્તુ કોષોથી બનેલી છે. યહોવાએ કોષની રચના અજાયબ રીતે કરી છે. દાખલા તરીકે, આપણું શરીર આશરે ૧,૦૦૦ ખરબ કોષોથી બનેલું છે. દરેક નાનકડા કોષમાં ગુણ સૂત્ર હોય છે, જેને ડી.એન.એ. (ડીઓક્સી રાઈબોન્યુક્લિક ઍસિડ) કહેવાય છે. આપણા આખા શરીરને બનાવવા માટેની મોટા ભાગની માહિતી ડી.એન.એ.માં હોય છે.

૧૩ એમાં કેટલી માહિતી છે? એ સમજવા ચાલો, એક ગ્રામ ડી.એન.એ.ની સરખામણી કૉમ્પ્યુટરની એક સી.ડી. સાથે કરીએ. સી.ડી. પાતળા પ્લાસ્ટિકની બનેલી હોય છે, તો પણ એમાં આખા શબ્દકોશની માહિતી આવી શકે છે. એ જાણીને આપણને નવાઈ લાગે છે. જ્યારે કે, એક ગ્રામ ડી.એન.એ.માં લગભગ ૧૦ ખરબ સી.ડી.ની માહિતી સંગ્રહ કરવાની ક્ષમતા છે, એ કેટલું અદ્‍ભુત કહેવાય! બીજા શબ્દોમાં કહીએ તો, એક ચમચી સુકાઈ ગયેલા ડી.એન.એ.માં એટલી માહિતી છે કે, આજે માણસોની જે કુલ વસ્તી છે એટલી વસ્તી ફરી ઊભી થઈ શકે અને એ પણ એક વાર નહિ, ૩૫૦ વાર!

૧૪. વૈજ્ઞાનિકોએ જે શોધી કાઢ્યું છે એ પરથી યહોવા વિશે તમને કેવું લાગે છે?

૧૪ રાજા દાઊદે કહ્યું કે માનવ શરીરને રચવા માટેની એ જરૂરી માહિતીને યહોવાએ જાણે પુસ્તકમાં લખી છે. યહોવા સાથે વાત કરતા તે કહે છે, ‘મારો ગર્ભ તમારી આંખોએ જોયો છે અને મારું એક પણ અંગ થએલું ન હતું, ત્યારે પણ તેઓ સર્વ, તેમ તેઓના ઠરાવેલા સમયો તમારા પુસ્તકમાં લખેલા હતા.’ (ગીત. ૧૩૯:૧૬) જોઈ શકાય છે કે, પોતાના શરીરની રચના પર વિચાર કરવાથી દાઊદ યહોવાને મહિમા આપવા પ્રેરાયા. તાજેતરનાં વર્ષોમાં માનવ શરીર વિશે વૈજ્ઞાનિકોએ ઘણું શોધી કાઢ્યું છે. એ જોઈને આપણા આશ્ચર્યમાં વધારો થાય છે કે, યહોવાએ કેવી અજોડ રીતે આપણને બનાવ્યા છે! આપણે પણ દાઊદના શબ્દો સાથે સહમત થઈએ છીએ. તેમણે યહોવાને કહ્યું, ‘ભય તથા આશ્ચર્ય પમાડે એવી રીતે મને રચવામાં આવ્યો છે, માટે હું તમારી ઉપકારસ્તુતિ કરીશ. તમારાં કામ આશ્ચર્યકારક છે, એ મારો જીવ સારી રીતે જાણે છે.’ (ગીત. ૧૩૯:૧૪) દુઃખની વાત છે કે, સૃષ્ટિને જોતા પણ લોકો ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારતા નથી.

ઈશ્વરને મહિમા આપવામાં લોકોને મદદ કરો

૧૫, ૧૬. (ક) આપણાં સાહિત્યએ કઈ રીતે યહોવાની રચના કરવાની કળા માટે કદર વધારી છે? (ખ) “આનો રચનાર કોણ?”નો કયો લેખ તમને ખાસ ગમ્યો?

૧૫ આપણા મહાન ઈશ્વર વિશે સૃષ્ટિ જે પ્રગટ કરે છે, એ જોવા સજાગ બનો! લાખો લોકોને મદદ કરતું આવ્યું છે. દાખલા તરીકે, વર્ષ ૨૦૦૬ના ઑક્ટોબર-ડિસેમ્બર મહિનામાં ખાસ અંક બહાર પાડવામાં આવ્યો હતો. એનો વિષય હતો, “આ બધું આવ્યું કેવી રીતે?” એ અંક, ઉત્ક્રાંતિવાદ અને ઉત્પત્તિવાદથી અંજાઈ ગયેલા લોકોની આંખો ખોલવા બહાર પાડવામાં આવ્યો. એના વિશે એક બહેને અમેરિકાની શાખા કચેરીને લખ્યું, ‘એ અંક આપવાની ઝુંબેશ ખૂબ સારી રહી. મારી પાસેથી એક સ્ત્રીએ એ અંકની ૨૦ પ્રતો લીધી. તે સ્ત્રી શાળામાં જીવવિજ્ઞાન શીખવે છે અને તેણે એ મૅગેઝિનો પોતાના વિદ્યાર્થીઓને આપવા લીધાં હતાં.’ આપણા એક ભાઈએ લખ્યું, ‘હું લગભગ ૭૫ વર્ષનો છું અને ૧૯૪૦થી પ્રચારકાર્યમાં સતત ભાગ લઉં છું. છતાં, સજાગ બનો!ના એ અંકની ઝુંબેશમાં મને જેટલી મજા આવી એટલી પહેલાં ક્યારેય આવી નહોતી!’

૧૬ હાલનાં વર્ષોમાં સજાગ બનો!ના મોટા ભાગના અંકોમાં લેખ “આનો રચનાર કોણ?” જોવા મળે છે. એ ટૂંકા લેખો સૃષ્ટિની રચના કેટલી અદ્‍ભુત છે, એના પર પ્રકાશ પાડે છે. તેમ જ, બતાવે છે કે માણસોએ કઈ રીતે મહાન ઉત્પન્‍નકર્તાએ બનાવેલી સૃષ્ટિની નકલ કરવાના પ્રયત્નો કર્યા છે. ઉપરાંત, સૃષ્ટિની રચના માટે યહોવાનો આભાર માનવા આપણને ૨૦૧૦ની પુસ્તિકા વોઝ લાઈફ ક્રિએટેડ?માં વધારે માહિતી પૂરી પાડવામાં આવી. યહોવાની રચના કરવાની કળાના વખાણ કરી શકીએ માટે, એ સાહિત્યમાં સુંદર ચિત્રો અને આકૃતિઓ પણ મૂકવામાં આવ્યાં છે. વાંચેલી માહિતી પર વિચાર કરવા, એ લેખોના દરેક ભાગના અંતે અમુક સવાલો આપવામાં આવ્યા છે. શું પ્રચારકાર્યનાં વિવિધ પાસાઓમાં તમે એ પુસ્તિકા આપવાનો આનંદ માણ્યો છે?

૧૭, ૧૮. (ક) માબાપો પર કઈ જવાબદારી છે? (ખ) સર્જન વિશેની પુસ્તિકાઓનો તમે કુટુંબ તરીકેની ભક્તિમાં કઈ રીતે ઉપયોગ કર્યો છે?

૧૭ માબાપો, શું બાળકો સાથે તમે કુટુંબ તરીકેની ભક્તિમાં એ સુંદર પુસ્તિકાનો અભ્યાસ કર્યો છે? એમ કરીને તમે બાળકોને યહોવા માટે કદર વધારવા મદદ કરો છો. કદાચ તમારાં બાળકો તરુણ છે અને હાઈસ્કૂલમાં ભણવા જાય છે. એ કિસ્સામાં, ઉત્ક્રાંતિવાદ જેવા જૂઠા શિક્ષણમાં માનનારાનું તેઓ ખાસ નિશાન બની શકે છે. વૈજ્ઞાનિકો, શાળામાં શિક્ષકો, પ્રકૃતિ પર બનાવવામાં આવેલી દસ્તાવેજી ફિલ્મો એ શિક્ષણને ટેકો આપે છે. અરે, અમુક ફિલ્મો અને ટી.વી. પ્રોગ્રામ પણ ઉત્ક્રાંતિને હકીકત તરીકે રજૂ કરે છે. એની જોખમભરી અસરથી તમે તમારા તરુણને બચાવી શકો છો. તમે ૨૦૧૦ની પુસ્તિકા ધ ઓરીજીન ઑફ લાઈફ—ફાઈવ ક્વેશ્ચન્સ વર્થ આસ્કીંગમાંથી તેમની સાથે અભ્યાસ કરી શકો છો. એ પુસ્તિકા તરુણોને “વિવેકબુદ્ધિ” એટલે કે સમજી-વિચારીને નિર્ણય લેવાની ક્ષમતા કેળવવા ખાસ મદદ કરે છે. (નીતિ. ૨:૧૦, ૧૧) તેમ જ, શાળામાં કે બીજી જગ્યાએ શીખવવામાં આવેલી બાબતો કેટલી ખરી છે, એ તેઓ પુસ્તિકાની મદદથી પારખી શકે છે.

બાળકો પોતાની શ્રદ્ધા વિશે પૂરા ભરોસાથી જણાવી શકે માટે માબાપો, તેઓને તૈયાર કરો (ફકરો ૧૭ જુઓ)

૧૮ ઉત્ક્રાંતિને પુરવાર કરતા અવશેષો વૈજ્ઞાનિકોને મળી આવ્યા છે, એવો દાવો કરનારા ન્યૂઝ રિપોર્ટ અમુક વાર બતાવવામાં આવે છે. અથવા વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં કોઈ જીવની પુનઃ રચના કરી છે, એવાં રિપોર્ટ પણ જોવા મળે છે. રિપોર્ટ સાચા છે કે ખોટા એ જોવા વિદ્યાર્થીઓને ધ ઓરીજીન ઑફ લાઈફ પુસ્તિકા ઘણી મદદ આપશે. માબાપો, આ પુસ્તિકાનો ઉપયોગ કરી તમે બાળકોને તૈયાર કરી શકશો. આમ, ઈશ્વરમાં તેમની શ્રદ્ધાનો ખુલાસો કોઈ માંગે તો તેઓ પૂરા ભરોસાથી તે આપી શકશે.—૧ પીતર ૩:૧૫ વાંચો.

૧૯. આપણી પાસે કયો લહાવો છે?

૧૯ આપણું સંગઠન ઘણી શોધખોળ અને મહેનત કરીને સાહિત્ય તૈયાર કરે છે. સાહિત્ય દ્વારા યહોવાના મહાન ગુણો વિશે સમજવા આપણને મદદ મળે છે. એ સાહિત્યમાંના પુરાવા આપણાં મનને યહોવા માટે મહિમાથી ભરી દે છે. (ગીત. ૧૯:૧, ૨) યહોવા સાચે જ માન અને મહિમાના હકદાર છે! આવા મહાન સર્જનહારને માન અને મહિમા આપવાં, એ આપણા માટે ખરેખર એક મોટો લહાવો છે!—૧ તીમો. ૧:૧૭.

a ઉત્પત્તિવાદમાં માનનારા વ્યક્તિઓને વધારે મદદ કરવા, વોઝ લાઈફ ક્રિએટેડ? પુસ્તિકાનાં પાન ૨૪થી ૨૮ જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો