‘યહોવાની સેવા કરીએ’
‘કામમાં આળસુ ન થાઓ, યહોવાની સેવા કરો.’—રોમ. ૧૨:૧૧.
૧. દુનિયાના લોકો કરતાં રોમનો ૧૨:૧૧માં “સેવા” વિશેના વિચારો કઈ રીતે જુદા છે?
“સેવક” શબ્દ સાંભળતાં જ વ્યક્તિના મનમાં કેવો વિચાર આવે છે? દુનિયાના લોકો માટે “સેવક” એટલે જેના પર હુકમ ચલાવવામાં આવે, જેને ઘણું સતાવવામાં આવે અને જેની સાથે અન્યાય કરવામાં આવે. પરંતુ, આપણા માટે એનો અર્થ સાવ જુદો જ છે. બાઇબલ સેવકને એક પ્રેમાળ માલિકની રાજીખુશીથી સેવા કરનાર તરીકે વર્ણવે છે. હકીકતમાં તો, પ્રથમ સદીના ખ્રિસ્તીઓને ‘યહોવાની સેવા’ કરવાનું ઉત્તેજન આપ્યું ત્યારે, પ્રેરિત પાઊલે તેઓને યહોવા માટે પ્રેમને લીધે સેવા કરવા જણાવ્યું. (રોમ. ૧૨:૧૧) એવી સેવામાં શાનો સમાવેશ થાય છે? શેતાન અને તેની દુનિયાના ગુલામ ન બની બેસીએ, માટે આપણે શું કરી શકીએ? અને યહોવાના વફાદાર સેવક બની રહેવાથી કયા આશીર્વાદો મળે છે?
‘હું મારા માલિકને ચાહું છું’
૨. (ક) હિબ્રૂ સેવક કયા કારણથી છૂટો ન થવાનું નક્કી કરતો? (ખ) સેવક પોતાનો કાન વીંધાવા ઇચ્છે તો એનો શો અર્થ થતો?
૨ ઈસ્રાએલીઓને આપેલા નિયમોમાંથી જોવા મળે છે કે આપણી પાસે યહોવા કેવા પ્રકારની સેવા ઇચ્છે છે. એક હિબ્રૂ સેવકને તેની સેવાના સાતમા વર્ષે છૂટો કરવામાં આવતો. (નિર્ગ. ૨૧:૨) પરંતુ, જો તે સેવક પોતાના માલિક પ્રત્યે પ્રેમ રાખતો હોય અને તેની સેવામાં લાગુ રહેવા માંગતો હોય, તો એ માટે યહોવાએ એક નોંધપાત્ર જોગવાઈ કરી હતી. માલિક સેવકને બારણા પાસે લઈ જતો અને તેનો કાન વીંધતો. (નિર્ગ. ૨૧:૫, ૬) કાન વીંધવા પાછળ ખાસ કારણ હતું. હિબ્રૂ ભાષામાં “આજ્ઞાપાલન”ને “કાને સાંભળવા” સાથે સરખાવી શકાય છે. આમ, કાન વીંધાવીને સેવક બતાવતો કે તે પોતાના માલિકનું કહ્યું કરતો રહેવા માંગે છે. એ બાબતને યહોવા માટે આપણા સમર્પણ સાથે સરખાવી શકાય. આપણે યહોવાને સમર્પણ કરીને જાણે કહીએ છીએ કે યહોવા માટેના પ્રેમના લીધે તેમનું કહેવું માનતા રહીશું.
૩. આપણે ઈશ્વરને શા માટે સમર્પણ કરીએ છીએ?
૩ બાપ્તિસ્મા લેતા પહેલાં જ આપણે યહોવાની સેવા કરવાનું નક્કી કર્યું હતું. આપણે એ સમર્પણ કોઈ દબાણમાં આવીને નહિ, પણ રાજીખુશીથી કર્યું. યહોવા માટેનો પ્રેમ આપણને પ્રેરે છે કે તેમની ઇચ્છા પ્રમાણે કરીએ અને તેમનું કહેવું સાંભળીએ. આપણાં બાળકો પણ યહોવાને સમર્પણની સાબિતી આપવા રાજીખુશીથી બાપ્તિસ્મા લે છે, માબાપનાં દબાણને લીધે નહિ. આપણને માલિક યહોવા પ્રત્યે પ્રેમ છે, તેથી તેમને સમર્પણ કરીએ છીએ. પ્રેરિત યોહાને લખ્યું, “આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ, એ જ ઈશ્વર પરનો પ્રેમ છે.”—૧ યોહા. ૫:૩.
સેવક છતાં મુક્ત
૪. ‘ન્યાયીપણાના સેવક’ બનવા શું જરૂરી છે?
૪ યહોવાએ તેમના સેવક બનવાનો લહાવો આપ્યો માટે આપણે કેટલા આભારી છીએ! ખ્રિસ્તના બલિદાનમાં વિશ્વાસ મૂકવાને લીધે આપણે પાપની ગુલામીમાંથી મુક્ત થઈએ છીએ. ખામીઓ હોવા છતાં, આપણે યહોવા અને ઈસુના અધિકારને રાજીખુશીથી આધીન રહીએ છીએ. પ્રેરિત પાઊલે લખ્યું, “તમે પણ પોતાને પાપના સંબંધમાં મૂએલા, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરના સંબંધમાં જીવતા, ગણો.” પછી, તેમણે ચેતવણી આપતા લખ્યું, ‘શું તમે નથી જાણતા કે જેની આજ્ઞા પાળવા માટે તમે પોતાને સેવક તરીકે સોંપો છો, એટલે જેની આજ્ઞા તમે પાળો છો તેના સેવક તમે છો; ગમે તો મોતને અર્થે પાપના અથવા ન્યાયીપણાને અર્થે આજ્ઞાપાલનના? પણ ઈશ્વરને ધન્ય હો કે તમે પાપના સેવક હોવા છતાં, જે બોધ તમને કરવામાં આવ્યો તે તમે દિલથી સ્વીકાર્યો. એ પ્રમાણે પાપથી મુક્ત થઈને તમે ન્યાયીપણાના સેવક થયા.’ (રોમ. ૬:૧૧, ૧૬-૧૮) પાઊલના આ શબ્દોની નોંધ લો: ‘બોધ તમે દિલથી સ્વીકાર્યો.’ સાચે જ, યહોવાને સમર્પણ કરવાથી આપણે તેમના ‘ન્યાયીપણાના સેવક’ થયા છીએ.
૫. આપણે કઈ લડાઈ લડવી પડે છે અને કેમ?
૫ સમર્પિત જીવન જીવવા આપણે ઘણાં નડતરોનો સામનો કરવો પડે છે. આપણે બે લડાઈ લડવી પડે છે. એક, જે પાઊલે પણ લડી અને એના વિશે કહેતા લખ્યું, “મારા નવા સ્વભાવ પ્રમાણે હું ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરવામાં આનંદ માનું છું. પરંતુ મારો જૂનો સ્વભાવ નવા સ્વભાવ સાથે લડાઈ કરે છે. એમાં જૂનો સ્વભાવ જીતે છે, અને મને પાપનો ગુલામ બનાવે છે.” (રોમ. ૭:૨૨, ૨૩, IBSI) વારસામાં આપણને પાપ મળ્યું હોવાથી આપણે શરીરની ઇચ્છાઓ સામે લડતા રહેવું પડે છે. પ્રેરિત પીતરે સલાહ આપી, ‘સ્વતંત્ર હોવા છતાં દુષ્ટતાને છુપાવવા તમારી સ્વતંત્રતાનો ઉપયોગ ન કરો, પણ ઈશ્વરના સેવકોને શોભે તેમ વર્તો.’—૧ પીત. ૨:૧૬.
૬, ૭. શેતાન આ દુનિયાને કઈ રીતે આકર્ષક બનાવે છે?
૬ આપણી બીજી લડાઈ કોની વિરુદ્ધ છે? એ દુષ્ટ દૂતોના કાબૂમાં રહેલી દુનિયાની વિરુદ્ધ છે. આ દુનિયા પર સત્તા ચલાવનાર શેતાન બધી જ તરકીબો અપનાવે છે, જેથી યહોવા અને ઈસુ પ્રત્યેની આપણી વફાદારી તૂટે. શેતાન ચાહે છે કે આપણે આ દુનિયાની ભ્રષ્ટ બાબતોથી લલચાઈને, તેના ગુલામ બનીએ. (એફેસી ૬:૧૧, ૧૨ વાંચો.) એમ કરવા, તે દુનિયાની ચકાચૌંધથી આપણને આકર્ષે છે. પરંતુ, પ્રેરિત યોહાને ચેતવણી આપી કે “જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. કેમ કે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે.”—૧ યોહા. ૨:૧૫, ૧૬.
૭ દુનિયા ફરતે લોકો વધુને વધુ ધનસંપત્તિ મેળવવા માંગે છે. શેતાન લોકોને એવું માનવા લલચાવે છે કે, અઢળક પૈસા જ સુખ લાવે છે. ચારે તરફ મોટા મોટા શોપીંગ મોલ જોવા મળે છે. જાહેરાતો પણ એવું બતાવે છે કે “જેટલી વધારે વસ્તુઓ એટલી લહેરની જિંદગી!” ટ્રાવેલ એજન્સીઓ આકર્ષક સ્થળોના ટૂર પૅકેજ ગોઠવે છે. આવા ટૂર પૅકેજમાં ફરવા દુન્યવી લોકો સાથે જવાનું હોય છે. સાચે જ, આપણી આસપાસ બધું જ જાણે કહી રહ્યું છે કે જીવનઢબ બદલો, દુનિયાનાં ધોરણો અપનાવો!
૮, ૯. આપણી સામે કયો ખતરો છે અને શા માટે એ મોટો ખતરો બની શકે?
૮ પ્રથમ સદીના ખ્રિસ્તી મંડળમાં પણ અમુક ભાઈ-બહેનો દુનિયા જેવું વિચારવાં લાગ્યાં હતાં. તેઓ વિશે ચેતવણી આપતા પીતરે કહ્યું, ‘તેઓ ભ્રષ્ટ ભોગવિલાસમાં જીવન ગુજારે છે. તમારામાં તેઓ ડાઘ અને કલંકરૂપ છે. તેઓ પાપમાં રચ્યાપચ્યા રહે છે અને નીતિમાન હોવાનો ઢોંગ કરીને તમારી સાથે પ્રેમભોજનમાં જોડાઈને તમને છેતરે છે. તેઓ પોતાના પાપમય જીવન વિશે બણગાં ફૂંકે છે. અને જેઓ દુષ્ટ જીવનમાંથી હમણાં જ મુક્ત થયા છે તેઓને શારીરિક દુર્વાસનાઓથી લલચાવીને પાપમાં પાડે છે. નિયમમાંથી જ સ્વતંત્રતા આપવાનો દાવો કરનાર આ ઉપદેશકો પોતે જ પાપ અને વિનાશના ગુલામ છે. કારણ કે માણસ જેનાથી જીતાય છે તેનો તે ગુલામ બને છે.’—૨ પીત. ૨:૧૩, ૧૮, ૧૯, IBSI.
૯ “આંખોની લાલસા” પૂરી કરનાર વ્યક્તિ મુક્ત થતી નથી. પરંતુ, દુનિયાના માલિક શેતાનની તે ગુલામ બની જાય છે. (૧ યોહા. ૫:૧૯) ધનદોલત પાછળ પડવું, એ સૌથી મોટો ખતરો છે. એની ગુલામીમાંથી મુક્ત થવું ઘણું અઘરું છે.
સંતોષ આપતી કારકિર્દી
૧૦, ૧૧. આજે શેતાન ખાસ કરીને કોને પોતાનો શિકાર બનાવે છે? ઉચ્ચ શિક્ષણને લીધે આપણા યુવાનો માટે કઈ બાબતો અઘરી બની શકે છે?
૧૦ એદન બાગમાં શેતાને બિનઅનુભવી વ્યક્તિને શિકાર બનાવી હતી. એવી જ રીતે, આજે તે ખાસ કરીને યુવાનો પર હુમલો કરે છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિ યહોવાની સેવા કરવાનું નક્કી કરે છે, ત્યારે શેતાન જરાય ખુશ થતો નથી. શેતાન ચાહે છે કે યહોવાને સમર્પણ કરનાર દરેક વ્યક્તિ તેમની સેવા કરવામાં નિષ્ફળ જાય.
૧૧ ચાલો, કાન વીંધાવા તૈયાર થનાર સેવકનો ફરી વિચાર કરીએ. કાન વીંધાવતી વખતે તેણે થોડો સમય દર્દ સહ્યું હશે. પણ, પછીથી વીંધેલો કાન બધાને નિશાની આપે છે કે તે માલિક સાથે રહેવા માંગે છે. એવી જ રીતે, આપણા યુવાનો માટે દુન્યવી દોસ્તો જેવું જીવન ન જીવવાનો નિર્ણય લેવો કઠણ બની શકે છે. અરે, એમ કરવું કેટલીક વાર દર્દ સહેવા જેવું બની શકે. આજે શેતાને એવો વિચાર આખી દુનિયામાં ફેલાવ્યો છે કે સફળ કારકિર્દી દ્વારા વ્યક્તિને સંતોષ મળે છે. પરંતુ, આપણા માટે ઈશ્વરભક્તિને મહત્ત્વ આપવું વધારે જરૂરી છે. ઈસુએ શીખવ્યું, “જેઓ જાણે છે કે તેઓને આધ્યાત્મિક બાબતોની જરૂરિયાતો છે તેઓને ધન્ય છે.” (માથ. ૫:૩, ઈઝી-ટુ-રીડ વર્ઝન) સમર્પિત ભક્તો શેતાનની નહિ પણ યહોવાની ઇચ્છા પ્રમાણે જીવે છે. યહોવાના નિયમોમાં તેઓ હર્ષ પામે છે અને રાતદિવસ એના પર મનન કરે છે. (ગીતશાસ્ત્ર ૧:૧-૩ વાંચો.) આજે, મોટા ભાગનું ઉચ્ચ શિક્ષણ સમય માંગી લે છે. એવું શિક્ષણ લેવા માંગતી વ્યક્તિ પાસે યહોવાની સેવા અને બાઇબલ પર મનન કરવા સમય બચતો નથી.
૧૨. આજે યુવાનો પાસે કઈ પસંદગી રહેલી છે?
૧૨ યહોવાના સેવક માટે સાંસારિક માલિક જીવન અઘરું બનાવી શકે છે. કોરીંથીના પહેલા પત્રમાં પાઊલે લખ્યું, ‘ઈશ્વરે જ્યારે તમને તેડ્યા ત્યારે તમે જો ગુલામ હો, તો એ બાબતની તમે ચિંતા ન કરો. પરંતુ જો તમે મુક્ત બની શકો, તો મુક્ત બનો.’ (૧ કોરીં. ૭:૨૧, ઈઝી-ટુ-રીડ વર્ઝન) જો સેવકનું જીવન માલિકને લીધે અઘરું બનતું હોય તો તેણે છૂટા થવું સારું છે. આજે, ઘણા દેશોમાં અમુક ઉંમર સુધી શાળાનું શિક્ષણ લેવું ફરજિયાત છે. એના પછી, આગળ ભણવાની પસંદગી વિદ્યાર્થીએ પોતે કરવાની હોય છે. આ દુનિયામાં પોતાની કારકિર્દી બનાવવા વ્યક્તિ ઉચ્ચ શિક્ષણ લે છે. પણ જો યહોવાનો સેવક એમ કરવા જશે, તો પૂરા સમયની સેવા કરવાની સ્વતંત્રતા ગુમાવી બેસશે.—૧ કોરીંથી ૭:૨૩ વાંચો.
તમે કયા માલિકની સેવા કરશો?
કયું શિક્ષણ લેવું—ઉચ્ચ કે ઉત્તમ?
૧૩. યહોવાના સેવકોને કેવા શિક્ષણથી વધારે ફાયદો થાય છે?
૧૩ કોલોસીનાં ભાઈ-બહેનોને ચેતવતા પાઊલે લખ્યું, “સાવધાન રહો, રખેને ફિલસૂફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહિ, પણ માણસોના સંપ્રદાય પ્રમાણે ને જગતનાં તત્ત્વો પ્રમાણે છે, તેથી કોઈ તમને ફસાવે.” (કોલો. ૨:૮) આ દુનિયાના જ્ઞાનીઓ ‘માણસોના સંપ્રદાય પ્રમાણેની ફિલસૂફી અને ખાલી આડંબરને’ ટેકો આપે છે. આજે, ઉચ્ચ શિક્ષણ ફક્ત શૈક્ષણિક અભ્યાસ પર ભાર મૂકે છે. એવા અભ્યાસથી વ્યક્તિ ડિગ્રી તો મેળવે છે, પણ વ્યવહારું જીવનમાં એ શિક્ષણ તેને કામ લાગતું નથી. આમ, તે રોજબરોજના જીવનમાં આવતા પડકારોનો ઉકેલ લાવવા કાબેલ બનતી નથી. જ્યારે કે, યહોવાના સેવકો એવું શિક્ષણ લે છે, જેનાથી રોજગાર માટે જરૂરી આવડતો કેળવી શકે. અને સાદું જીવન જીવીને યહોવાની સેવામાં લાગુ રહી શકે છે. તેઓ પાઊલની આ સલાહ પ્રમાણે કરે છે: “સંતોષસહિતનો ભક્તિભાવ એ મોટો લાભ છે; પણ આપણને જે અન્નવસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ.” (૧ તીમો. ૬:૬, ૮) દુનિયા જે પદવીઓ અને ખિતાબો આપે એ લેવાને બદલે, યહોવાના સેવકો તેમની સેવામાં વ્યસ્ત રહે છે. આમ, તેઓ જાણે ઈશ્વર તરફથી મળતા “ભલામણપત્રો” મેળવવા સખત મહેનત કરે છે.—૨ કોરીંથી ૩:૧-૩ વાંચો.
૧૪. ફિલિપી ૩:૮ પ્રમાણે યહોવા અને ખ્રિસ્તના સેવક બનવાના લહાવાને પાઊલે કેવો ગણ્યો?
૧૪ પ્રેરિત પાઊલનો વિચાર કરો. તેમણે યહુદી નિયમોના શિક્ષક ગમાલીએલ પાસે શિક્ષણ લીધું હતું. પાઊલે જે શિક્ષણ લીધું એની સરખામણી આજના યુનિવર્સિટીના ઉચ્ચ શિક્ષણ સાથે કરી શકાય. પરંતુ, તેમને ઈશ્વર યહોવા અને ખ્રિસ્તના સેવક બનવાનો લહાવો મળ્યો ત્યારે, તેમણે પોતાના શિક્ષણને કેવું ગણ્યું? તે લખે છે, ‘વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે, હું એ બધાંને હાનિ જ ગણું છું. તેમને લીધે મેં સઘળાનું નુકસાન સહન કર્યું અને એને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું.’ (ફિલિ. ૩:૮) પાઊલના એ તારણના આધારે આજે યુવાનો અને તેઓનાં માબાપ શિક્ષણ લેવા વિશે સારી પસંદગી કરી શકે છે. (ચિત્રો જુઓ.)
ઉત્તમ શિક્ષણથી લાભ મેળવો
૧૫, ૧૬. યહોવાની સંસ્થા કયું શિક્ષણ આપે છે અને એનો મુખ્ય હેતુ શો છે?
૧૫ ઉચ્ચ શિક્ષણ આપતી દુનિયાની સંસ્થાઓમાં આજે કેવો માહોલ જોવા મળે છે? મોટા ભાગે રાજકીય કાવાદાવા અને સામાજિક ચળવળોની શરૂઆત ત્યાંથી જ થતી હોય છે. (એફે. ૨:૨) જ્યારે કે, યહોવાની સંસ્થાના મંડળોમાં પ્રેમ અને એકતા જોવાં મળે છે. ત્યાં આપણને ઉત્તમ શિક્ષણ આપવામાં આવે છે. દર અઠવાડિયે આપણને દેવશાહી સેવા શાળામાંથી લાભ લેવાની તક મળે છે. ઉપરાંત, પાયોનિયરો માટે પણ ખાસ શાળાઓની ગોઠવણ કરવામાં આવી છે. જેમ કે, કુંવારા ભાઈઓ માટેની (ભાઈઓ માટે બાઇબલ શાળા) અને યુગલો માટેની (યુગલો માટે બાઇબલ શાળા) શાળાઓ. એ બધી શાળાઓ આપણને માલિક યહોવાની આજ્ઞા પાળવા મદદ કરે છે.
૧૬ ઉપરાંત, ચોકીબુરજ પ્રકાશનોની વિષયસૂચિ (વોચ ટાવર પબ્લિકેશન ઇન્ડેક્સ) અને સીડી-રોમ પર વોચટાવર લાઇબ્રેરીમાં પણ સત્યનો કીમતી ખજાનો રહેલો છે. આપણા બાઇબલ શિક્ષણનો મુખ્ય હેતુ યહોવાની ભક્તિ છે. એ શિક્ષણ દ્વારા આપણે લોકોને ઈશ્વરના મિત્ર બનવા મદદ કરીએ છીએ. (૨ કોરીં. ૫:૨૦) આમ, તેઓ પણ બીજાઓને શીખવવા કાબેલ બને છે.—૨ તીમો. ૨:૨.
સેવકનું ઈનામ
૧૭. ઉત્તમ શિક્ષણ પસંદ કરવાથી કેવા આશીર્વાદો મળે છે?
૧૭ ઈસુએ આપેલા તાલંતના ઉદાહરણમાં બે વિશ્વાસુ ચાકરોને તેઓનાં કામ માટે વખાણવામાં આવે છે. એનાથી તેઓ અને માલિક, બંને ખુશ થાય છે. એ પછી માલિક તેઓને વધારે જવાબદારી સોંપે છે. (માથ્થી ૨૫:૨૧, ૨૩ વાંચો.) ઉત્તમ શિક્ષણની પસંદગી કરીને આપણે જીવનનો હેતુ અને ખુશી મેળવી શકીએ છીએ. ભાઈ માઈકલનો અનુભવ જોઈએ. શાળામાં તે સારાં નંબરથી પાસ થયા ત્યારે તેમના શિક્ષકે તેમને ઑફિસમાં બોલાવ્યા. શિક્ષકે યુનિવર્સિટીનું ઉચ્ચ શિક્ષણ લેવા ભાઈને ભલામણ કરી. પરંતુ, ભાઈએ ઉચ્ચ શિક્ષણને બદલે રોજગાર માટેના ટૂંકા ગાળાના કોર્સની પસંદગી કરી, જેથી પાયોનિયરીંગ સાથે પોતાની જરૂરિયાત પણ પૂરી કરી શકે. એ સાંભળી શિક્ષકોને ઘણી નવાઈ લાગી. શું માઈકલે ખોટો નિર્ણય લીધો હતો? તે કહે છે: ‘એક પાયોનિયર અને હવે મંડળના એક વડીલ તરીકે મને જે શિક્ષણ મળ્યું એને હું ઘણું કીમતી ગણું છું. ઈશ્વરના એ શિક્ષણને લીધે મને ઘણા લહાવા અને આશીર્વાદ મળ્યા છે. ઉચ્ચ શિક્ષણ લઈને હું કદાચ ઘણા પૈસા કમાયો હોત, પણ એ યહોવાની સેવામાં મળતા આશીર્વાદ સામે કંઈ ન હોત. હું ખુશ છું કે મેં ઉચ્ચ શિક્ષણની પસંદગી ન કરી.’
૧૮. શા માટે ઉત્તમ શિક્ષણની પસંદગી કરવી જોઈએ?
૧૮ ઉત્તમ શિક્ષણ આપણને ઈશ્વર યહોવાની ઇચ્છા વિશે શીખવે છે અને તેમના સેવક બનવા મદદ કરે છે. એનાથી આપણને ‘વિનાશીપણાની ગુલામીમાંથી મુક્ત’ થવાની અને ‘ઈશ્વરના પુત્રો સાથે મહિમાવંત સ્વતંત્રતાના ભાગીદાર’ બનવાની આશા મળે છે. (રોમ. ૮:૨૧, કોમન લેંગ્વેજ) સૌથી મહત્ત્વનું તો, આપણા માલિક યહોવાને પ્રેમ બતાવવાની એ સૌથી સારી રીત છે.—નિર્ગ. ૨૧:૫.