વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w14 ૭/૧ પાન ૯-૧૧
  • તમે લાલચનો સામનો કરી શકો છો!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમે લાલચનો સામનો કરી શકો છો!
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • હિંમત ન હારો!
  • લાલચનો સામનો કઈ રીતે કરશો?
    સજાગ બનો!—૨૦૧૫
  • માનવ નબળાઈઓ પર વિજય મેળવવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • સાવધ રહીએ, પાપથી દૂર રહીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • લાલચનો સામનો કરવા હું શું કરી શકું?
    યુવાનો પૂછે છે
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
w14 ૭/૧ પાન ૯-૧૧
એક યુવાન, એકાંતમાં પોતાની અંધારી રૂમમાં કૉમ્પ્યુટર પર જાતીય લાગણી ઉશ્કેરતા ચિત્રો જુએ છે

તમે લાલચનો સામનો કરી શકો છો!

“મારો મકસદ પોર્નોગ્રાફી જોવાનો ન હતો. પણ, હું ઇન્ટરનેટ વાપરવા લાગ્યો ત્યારે અચાનક અશ્લીલ જાહેરાત મારી આગળ આવી ગઈ. વિચાર્યા વગર મેં એના પર ક્લીક કર્યું અને એ ખુલી ગઈ.”—કોડી.a

“કામ પર એક રૂપાળી છોકરી મારી સાથે ચેનચાળા કરવા લાગી. એક દિવસ તેણે કહ્યું, ‘ચાલ હોટલમાં જઈને મજા માણીએ.’ હું સમજી ગયો કે તે શું કહેતી હતી.”—દિલેન.

ઘ ણા લોકો મજાકમાં કહેતા હોય છે કે, “હું લાલચ સિવાય બીજા બધાનો સામનો કરી શકું છું.” એનાથી જાણવા મળે છે કે અમુક લોકોને લાલચો ગમતી હોય છે. જ્યારે કે બીજાઓ લાલચને દુશ્મન ગણે છે જેના પર તેઓ જીત મેળવવા માગે છે. તમારા વિશે શું? લાલચ આવે ત્યારે શું તમે લલચાઈ જશો કે એનો સામનો કરશો?

જોકે, બધી જ પ્રકારની લાલચથી ગંભીર ફાંદામાં ફસાતા નથી. જેમ કે, ડાયટિંગ કરતી વખતે કેકનો એક ટુકડો ખાવાથી શરીરને નુકસાન થતું નથી. જ્યારે કે, જાતીય અનૈતિકતા તરફ દોરી જતી હોય એવી લાલચોને વશ થવાથી ખરાબ પરિણામ ભોગવવું પડી શકે. એટલે જ, બાઇબલ ચેતવણી આપે છે: ‘જે વ્યભિચાર કરે છે તે મૂર્ખ છે; તે પોતાનું જીવન બરબાદ કરે છે.’—નીતિવચનો ૬:૩૨, ૩૩, ઈઝી-ટુ-રીડ વર્ઝન.

અનૈતિક લાલચ અચાનક જ આવી જાય તો તમે શું કરશો? બાઇબલ એનો જવાબ આપે છે, ‘ઈશ્વરની તો એવી ઇચ્છા છે કે, તમે પવિત્ર થાઓ; તમે વ્યભિચારથી દૂર રહો. તમારામાંનો દરેક પોતાના શરીરને સંયમમાં રાખતા શીખે, એને પવિત્ર રાખે, એનું ગૌરવ સાચવે.’ (૧ થેસ્સાલોનીકી ૪:૩, ૪, સંપૂર્ણ) તમે એવી મજબૂત ઇચ્છા કઈ રીતે કેળવી શકો? મદદ કરી શકે એવા ત્રણ પગલાંનો ચાલો વિચાર કરીએ.

પગલું ૧: નજર ફેરવી લો

જાતીય લાગણી ઉશ્કેરતા ચિત્રો જોયા કરવાથી ખોટી વાસના ભડકે છે. જોવું અને ઇચ્છા રાખવી એ વચ્ચે શું સંબંધ છે? એ વિશે ચેતવણી આપતા ઈસુએ કહ્યું, “સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.” એનું મહત્ત્વ સમજાવતા તેમણે કહ્યું, “જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે.” (માથ્થી ૫:૨૮, ૨૯) ઈસુનો કહેવાનો અર્થ શો હતો? લાલચનો સામનો કરવા મક્કમ રહેવું જોઈએ અને કામવાસના ઉશ્કેરતા ચિત્રો કે દૃશ્યોથી નજર ફેરવી લેવી જોઈએ.

એક યુવાન સ્ટોરમાં જાતીય લાગણી ઉશ્કેરતા ચિત્રોથી નજર ફેરવી લે છે

જાતીય લાગણી ઉશ્કેરતું કંઈ પણ જુઓ તો નજર ફેરવી દો

સાહિત્યમાં, ટીવી કે ઇન્ટરનેટ પર કે કોઈ વ્યક્તિને જુઓ જેનાથી જાતીય લાગણી ઉશ્કેરાતી હોય તો, તરત જ તમારી નજર ફેરવી લો. એવી ખરાબ બાબતોથી તમારા મનનું રક્ષણ કરો. કુવૉનભાઈ જે પહેલાં પોર્નોગ્રાફી જોવાના બંધાણી હતા તે જણાવે છે: “હું કોઈ આકર્ષક સ્ત્રીને જોઉં ત્યારે બે-ત્રણ વાર તેને જોવાનું મન થાય છે. પણ, હું બીજી બાજુ જોઉં અને પોતાને કહું છું: ‘યહોવાને પ્રાર્થના કર. અત્યારે જ પ્રાર્થના કરવાની જરૂર છે.’ પ્રાર્થના કર્યા પછી જોવાનું મન થતું નથી.”—માથ્થી ૬:૯, ૧૩; ૧ કોરીંથી ૧૦:૧૩.

ઈશ્વરભક્ત અયૂબે જણાવ્યું: “મેં મારી આંખો સાથે કરાર કર્યો છે; મારે કુમારિકા પર નજર શા માટે કરવી જોઈએ?” (અયૂબ ૩૧:૧) કેમ નહિ કે આપણે પણ આવો મક્કમ નિર્ણય કરીએ?

આમ કરો: જાતીય લાગણી ઉશ્કેરતું કંઈ પણ જોવામાં આવે તો, તરત જ નજર ફેરવી દો. બાઇબલના લેખકનું અનુકરણ કરો જેમણે આમ પ્રાર્થના કરી: “વ્યર્થતામાંથી મારી દૃષ્ટિ ફેરવ.”—ગીતશાસ્ત્ર ૧૧૯:૩૭.

પગલું ૨: વિચારોને કાબૂમાં રાખો

અપૂર્ણતાને લીધે ઘણી વાર આપણે વાસનાઓ સામે લડવું પડે છે. બાઇબલ જણાવે છે: “દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે, અને પાપ પરિપક્વ થઈને મોતને ઊપજાવે છે.” (યાકૂબ ૧:૧૪, ૧૫) તમે આવા ખતરનાક ફાંદાને કઈ રીતે ટાળી શકો, જેમાંથી આઝાદ થવું મુશ્કેલ હોય?

કપડાંની દુકાનમાં એક યુવાનને ખરાબ વિચારો આવે છે ત્યારે પ્રાર્થના કરે છે

ખોટા વિચારો મનમાં આવે ત્યારે એ બંધ કરો અને પ્રાર્થના કરો

મનમાં ખરાબ ઇચ્છા જાગે ત્યારે, એને વશ થવું કે નહિ એની પસંદગી તમારા હાથમાં છે એ ભૂલશો નહિ. એ ઇચ્છાઓ સામે લડો. એને તમારા મનમાંથી કાઢી નાખો. અનૈતિક કલ્પનાઓ કરવાનું બંધ કરો. ટ્રૉયભાઈ પોર્નોગ્રાફી જોવાના બંધાણી હતા, તે જણાવે છે: “મનમાંથી ખોટા વિચારો કાઢીને ઉત્તેજન આપતી બાબતો પર મન લગાડવા મેં ખૂબ મહેનત કરી. એ એટલું સહેલું ન હતું. હું ઘણી વાર નિષ્ફળ ગયો, તોપણ ધીરે ધીરે હું મન પર કાબૂ રાખતા શીખ્યો.” એલ્સાબહેન તરુણ વયમાં જાતીય અનૈતિકતા તરફ લલચાયા હતા. જાતીય ઇચ્છા વિરુદ્ધ લડવા તેમણે ખૂબ મહેનત કરી. તે જણાવે છે: “વ્યસ્ત રહેવાથી અને યહોવાને પ્રાર્થના કરવાથી હું ખોટા વિચારોને કાબૂમાં રાખી શકી.”

આમ કરો: ખોટા વિચારો મનમાં આવે ત્યારે, વિચારવાનું તરત જ બંધ કરો અને પ્રાર્થના કરો. ‘જે કંઈ સત્ય, જે કંઈ માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ કીર્તિમાન અને કોઈ સદ્‍ગુણ કે પ્રશંસા હોય, તો એ બાબતોનો વિચાર’ કરીને ખોટી ઇચ્છાઓ સામે લડત આપો.—ફિલિપી ૪:૮.

પગલું ૩: સમજી વિચારીને પગલાં ભરો

ઇચ્છા, લાલચ અને તક ભેગાં મળે ત્યારે વ્યક્તિ સહેલાઈથી મુશ્કેલીમાં ફસાય જાય છે. (નીતિવચનો ૭:૬-૨૩) એનો શિકાર ન બનીએ માટે શું કરી શકીએ?

એક યુવાન ઘરમાં બધા હોય ત્યારે કૉમ્પ્યુટરનો ઉપયોગ કરે છે

“મારી આજુબાજુમાં કોઈ હોય ત્યારે જ હું ઇન્ટરનેટનો ઉપયોગ કરું છું”

બાઇબલ સરસ સલાહ આપે છે: “ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે; પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે.” (નીતિવચનો ૨૨:૩) એટલે, સમજી વિચારીને પગલાં ભરો. કેવી બાબતોથી ખોટી ઇચ્છાઓ જાગી શકે એનો વિચાર કરો અને એવી બાબતોથી દૂર રહો. (નીતિવચનો ૭:૨૫) પોર્નોગ્રાફીની કુટેવ પર જીત મેળવનાર ફિલિપભાઈ જણાવે છે: “ઘરના બધા જોઈ શકે એવી જગ્યાએ મેં મારું કૉમ્પ્યુટર રાખ્યું છે. તેમ જ, અશ્લીલ સાઈટને ખોલતા રોકે એવો પ્રોગ્રામ (ઇન્ટરનેટ ફિલ્ટર સોફ્ટવેર) ઇનસ્ટોલ કર્યો છે. મારી આજુબાજુ કોઈ હોય ત્યારે જ હું ઇન્ટરનેટનો ઉપયોગ કરું છું.” આગળ જણાવ્યું એ ટ્રૉયભાઈ જણાવે છે: “હું જાતીય લાગણીઓ ઉશ્કેરતી ફિલ્મો જોવાનું ટાળું છું. તેમ જ, સેક્સ વિશે વાત કરતા હોય એવા લોકો સાથે હું ભળતો નથી. હું પોતાને જોખમમાં મૂકવા માગતો નથી.”

આમ કરો: તમારી નબળાઈઓની સાચા દિલથી તપાસ કરો. તેમ જ, લાલચમાં નાખી શકે એવી પરિસ્થિતિથી કઈ રીતે દૂર રહેશો એ વિશે વિચાર કરો.—માથ્થી ૬:૧૩.

હિંમત ન હારો!

તમારા અથાગ પ્રયત્નો છતાં, તમે લાલચ સામે નબળા પડી જાવ અને ફસાઈ જાવ તો શું? હિંમત ન હારો અને પ્રયત્ન કરવાનું છોડશો નહિ. બાઇબલ જણાવે છે: “નેક માણસ સાતવાર પડી પડીને પણ પાછો ઊઠે છે.” (નીતિવચનો ૨૪:૧૬) એક પિતાની જેમ ઈશ્વર આપણને ‘પાછા ઊઠવા’ મદદ કરશે. શું તમે તેમની પ્રેમાળ મદદ સ્વીકારશો? એમ હોય તો પ્રાર્થનામાં મદદ માંગતા કદી અચકાશો નહિ. બાઇબલનો અભ્યાસ કરીને તમારી શ્રદ્ધા મજબૂત કરો. તમારા નિર્ણયને મક્કમ કરવા મંડળની સભાઓનો લાભ લો. એનાથી તમારા નિર્ણયને વળગી રહેવા ઈશ્વરના આ વચનમાંથી હિંમત મળશે: ‘હું તને બળવાન કરીશ, તને મદદ કરીશ.’—યશાયા ૪૧:૧૦, ઈઝી-ટુ-રીડ વર્ઝન.

લેખની શરૂઆતમાં જણાવેલા કોડીભાઈ કહે છે: “પોર્નોગ્રાફીની ખરાબ આદત છોડવા મેં ખૂબ મહેનત કરી. જોકે, અનેક વાર હું એ કુટેવમાં પાછો ફસાઈ જતો. પણ ઈશ્વરની મદદથી આખરે એ આદત છોડવામાં સફળ થઈ શક્યો.” લેખની શરૂઆતમાં જણાવેલા દીલેનભાઈ પણ કહે છે: “મારી સાથે કામ કરતી છોકરીના કહેવાથી હું સહેલાઈથી સેક્સ માણી શક્યો હોત. પણ, એમ ન કરવાનો મારો નિર્ણય મક્કમ હતો. એટલે, હું શુદ્ધ અંત:કરણ રાખી શક્યો. સૌથી મહત્ત્વનું તો મારા નિર્ણયથી યહોવાને ગર્વ થયો છે.”

તમારો નિર્ણય મક્કમ હશે અને લાલચનો સામનો કરશો, તો ખાતરી રાખી શકો કે યહોવાને તમારાથી પણ ગર્વ થશે.—નીતિવચનો ૨૭:૧૧. (w14-E 04/01)

a આ લેખમાં નામ બદલવામાં આવ્યાં છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો