વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w24 જુલાઈ પાન ૧૪-૧૯
  • સાવધ રહીએ, પાપથી દૂર રહીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સાવધ રહીએ, પાપથી દૂર રહીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • નબળાઈઓ પારખીએ અને સાવધ રહીએ
  • કઈ રીતે સાવધ રહેવું?
  • હંમેશાં સાવધ રહીએ
  • હંમેશાં સાવધ રહો, આશીર્વાદો મેળવો
  • ખોટી ઇચ્છાઓ સામે જીત મેળવીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • માનવ નબળાઈઓ પર વિજય મેળવવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • લાલચનો સામનો કઈ રીતે કરશો?
    સજાગ બનો!—૨૦૧૫
  • બાપ્તિસ્મા પછી પણ ઈસુની ‘પાછળ ચાલતા રહો’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
w24 જુલાઈ પાન ૧૪-૧૯

અભ્યાસ લેખ ૨૯

ગીત ૫૨ દિલની સંભાળ રાખીએ

સાવધ રહીએ, પાપથી દૂર રહીએ

“જાગતા રહો અને પ્રાર્થના કરતા રહો, જેથી તમે કસોટીમાં આવી ન પડો.”—માથ. ૨૬:૪૧.

આપણે શું શીખીશું?

આ લેખ યાદ અપાવશે કે આપણાથી મોટી ભૂલ ન થઈ જાય એ માટે શું કરવું જોઈએ. એ પણ યાદ અપાવશે કે એવી કઈ બાબતોથી સાવધ રહેવાની જરૂર છે, જે આપણને મોટી ભૂલ કરવા તરફ દોરી જઈ શકે છે.

૧-૨. (ક) ઈસુએ પોતાના શિષ્યોને શાનાથી ચેતવ્યા? (ખ) શિષ્યો કયા કારણના લીધે ઈસુને છોડીને જતા રહ્યા? (ચિત્રો પણ જુઓ.)

ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું: “મન તો તૈયાર છે, પણ શરીર કમજોર છે.” (માથ. ૨૬:૪૧ખ) એ શબ્દોથી ઈસુ શું કહેવા માંગતા હતા? તે જાણતા હતા કે આપણામાં સારું કરવાની ઇચ્છા છે, પણ પાપી વલણના લીધે ભૂલો કરી બેસીએ છીએ. જોકે ઈસુ એ શબ્દો કહીને આપણને પણ આ ચેતવણી આપી રહ્યા હતા: પોતાના પર વધારે પડતો ભરોસો રાખવો ન જોઈએ. ઈસુએ એ શબ્દો કહ્યા એના થોડા જ કલાકો પહેલાં શિષ્યોએ ઈસુને કહ્યું હતું કે તેઓ તેમનો સાથ કદી નહિ છોડે. (માથ. ૨૬:૩૫) તેઓનો ઇરાદો તો સારો હતો, પણ તેઓને એ ખબર ન હતી કે મુશ્કેલ સમયમાં તેઓ સહેલાઈથી કમજોર પડી જશે. એટલે જ ઈસુએ તેઓને ચેતવતા કહ્યું હતું: “જાગતા રહો અને પ્રાર્થના કરતા રહો, જેથી તમે કસોટીમાં આવી ન પડો.”—માથ. ૨૬:૪૧ક.

૨ દુઃખની વાત છે કે ઈસુએ આપેલી જાગતા રહેવાની સલાહ પાળવાનું શિષ્યો ચૂકી ગયા. સૈનિકો ઈસુની ધરપકડ કરવા આવ્યા ત્યારે શું શિષ્યો ઈસુની સાથે રહ્યા, કે ડરીને ભાગી ગયા? શિષ્યો સાવધ ન રહ્યા, એટલે જે ન કરવાનું હતું એ કરી બેઠા. તેઓ ઈસુને છોડીને જતા રહ્યા.—માથ. ૨૬:૫૬.

ચિત્રો: ઈસુ અને તેમના પ્રેરિતો રાતે ગેથશેમાને બાગમાં છે. ૧. ઈસુ તેમના પ્રેરિતો સાથે વાત કરે છે. ૨. પ્રેરિતો ઊંઘે છે. ૩. ઈસુને પકડવામાં આવ્યા ત્યારે પ્રેરિતો ત્યાંથી જતા રહે છે.

ઈસુએ તેમના શિષ્યોને કહ્યું હતું કે તેઓ જાગતા રહે અને સાવધ રહે, જેથી કસોટીમાં આવી ન પડે. પણ તેઓ ઈસુને છોડીને જતા રહ્યા (ફકરા ૧-૨ જુઓ)


૩. (ક) યહોવાને વફાદાર રહેવા કેમ પોતાના પર વધારે પડતો ભરોસો ન કરવો જોઈએ? (ખ) આ લેખમાં શાની ચર્ચા કરીશું?

૩ આપણે પોતાના પર વધારે પડતો ભરોસો ન કરવો જોઈએ. આપણે ક્યારેય એવું ન વિચારવું જોઈએ કે મારાથી કોઈ ભૂલ નહિ થાય. હા, એ સાચું છે કે આપણે એવું કંઈ કરવા નથી માંગતા, જેનાથી યહોવા દુઃખી થાય. પણ પાપની અસર હોવાને લીધે આપણે બહુ સહેલાઈથી ખોટું કામ કરવા લલચાઈ શકીએ છીએ. (રોમ. ૫:૧૨; ૭:૨૧-૨૩) આપણી સામે અચાનક એવા સંજોગો ઊભા થઈ શકે, જેમાં ખોટું કરવાની લાલચ જાગે. એવામાં યહોવા અને તેમના દીકરા ઈસુને વફાદાર રહેવા શું કરી શકીએ? ઈસુની સલાહ પાળીને જાગતા રહીએ, જેથી પાપ કરી ન બેસીએ. આ લેખમાં જોઈશું કે આપણે કેવી રીતે સાવધ રહી શકીએ. સૌથી પહેલા જોઈશું કે કયા સંજોગોમાં સૌથી વધારે સાવધ રહેવાની જરૂર છે. એ પછી જોઈશું કે કઈ રીતે સાવધ રહી શકીએ અને છેલ્લે જોઈશું કે હંમેશાં સાવધ રહેવા શું કરવાની જરૂર છે.

નબળાઈઓ પારખીએ અને સાવધ રહીએ

૪-૫. આપણે કેમ નાની નાની ભૂલો કરવાથી પણ દૂર રહેવું જોઈએ?

૪ બની શકે કે કોઈ ભૂલ એટલી મોટી ન હોય, પણ એના લીધે યહોવા સાથેનો આપણો સંબંધ નબળો પડી શકે. એ નાની ભૂલ આપણને મોટી ભૂલ કરવા દોરી જઈ શકે.

૫ આપણા બધા સામે ખોટું કરવાની લાલચ આવે છે. પણ બધામાં અલગ અલગ નબળાઈઓ રહેલી છે. એટલે કોઈ ખાસ બાબત આપણને ખોટું કામ કરવા લલચાવી શકે. દાખલા તરીકે, એક વ્યક્તિ વ્યભિચાર કરવાની લાલચ સામે લડતી હશે. તો બીજી વ્યક્તિ ગંદી આદતો સામે લડતી હશે. જેમ કે, હસ્તમૈથુન કરવું અથવા પોર્નોગ્રાફી જોવી. તો કોઈ વ્યક્તિ માણસોનો ડર, ઘમંડ, જલદી ગુસ્સે થઈ જવું અને એવી બીજી નબળાઈઓ સામે લડી રહી હશે. યાકૂબે કહ્યું હતું તેમ, “દરેક માણસ પોતાની ઇચ્છાઓથી લલચાય છે અને કસોટીમાં ફસાય છે.”—યાકૂ. ૧:૧૪.

૬. આપણને પોતાના વિશે શું ખબર હોવી જોઈએ?

૬ શું તમે જાણો છો કે તમારામાં કઈ નબળાઈઓ છે? કદાચ કોઈક કહે, ‘મારામાં કોઈ નબળાઈ નથી અથવા હું મનથી એટલો મજબૂત છું કે કોઈ ભૂલ નહિ કરું.’ પણ એમ વિચારવું જોખમી છે. (૧ યોહા. ૧:૮) યાદ કરો, પાઉલે કહ્યું હતું કે ‘જેઓ ઈશ્વરનાં ધોરણો પ્રમાણે ચાલે છે,’ તેઓ પણ જો ધ્યાન ન રાખે તો લાલચમાં ફસાઈ શકે છે. (ગલા. ૬:૧) એટલે પારખવું જોઈએ કે આપણામાં કઈ નબળાઈઓ છે અને એ સ્વીકારવી જોઈએ.—૨ કોરીં. ૧૩:૫.

૭. આપણે શાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? દાખલો આપીને સમજાવો.

૭ પોતાની નબળાઈઓ પારખ્યા પછી શું કરવું જોઈએ? નબળાઈઓનો સામનો કરવા મહેનત કરવી જોઈએ. એ સમજવા બાઇબલ સમયનો એક દાખલો લઈએ. એ સમયે શહેર ફરતે મોટી અને મજબૂત દીવાલો હતી, પણ એના દરવાજા સૌથી નબળા હતા. ત્યાં સહેલાઈથી હુમલો થઈ શકતો હતો. એટલે દરવાજા આગળ વધારે ચોકીદારો પહેરો ભરતા હતા. એવી જ રીતે, જો આપણને પોતાની નબળાઈ ખબર હોય, તો એના પર ખાસ ધ્યાન આપવું જોઈએ.—૧ કોરીં. ૯:૨૭.

કઈ રીતે સાવધ રહેવું?

૮-૯. નીતિવચનો ૭માં જણાવેલો યુવાન પાપ કરવાથી કઈ રીતે દૂર રહી શક્યો હોત? (નીતિવચનો ૭:૮, ૯, ૧૩, ૧૪, ૨૧)

૮ આપણે કઈ રીતે સાવધ રહી શકીએ, જેથી પાપ કરી ન બેસીએ? એ માટે ચાલો નીતિવચનો અધ્યાય ૭માં જણાવેલા યુવાનનો દાખલો જોઈએ. તે યુવાન એક વ્યભિચારી સ્ત્રી સાથે વ્યભિચાર કરી બેઠો. કલમ ૨૨માં જણાવ્યું છે કે એ યુવાન “તરત” એ સ્ત્રીની પાછળ ગયો. પણ એની આગળની કલમોથી ખબર પડે છે કે એ બધું અચાનક નહિ, ધીરે ધીરે થયું હતું. એ યુવાને એવા ઘણા મૂર્ખ નિર્ણયો લીધા, જેના લીધે તે એ પાપ કરવા દોરાયો.

૯ તે યુવાને કયા મૂર્ખ નિર્ણયો લીધા? સૌથી પહેલા, સાંજના સમયે ‘તે એવા રસ્તા પર થઈને ગયો, જેના નાકે એ વ્યભિચારી સ્ત્રી રહેતી હતી.’ પછી તે એ સ્ત્રીના ઘર તરફ આગળ વધ્યો. (નીતિવચનો ૭:૮, ૯ વાંચો.) ત્યાર બાદ, જ્યારે તેણે એ સ્ત્રીને જોઈ, ત્યારે તે તેનાથી દૂર ન ગયો. એને બદલે, તેણે એ સ્ત્રીને ચુંબન કરવા દીધું. જ્યારે તે જણાવતી હતી કે તેણે શાંતિ-અર્પણો ચઢાવ્યાં છે, ત્યારે તે યુવાને તેની વાત ધ્યાનથી સાંભળી. એવું કહીને કદાચ તે બતાવવા માંગતી હતી કે તે ખરાબ નથી. (નીતિવચનો ૭:૧૩, ૧૪, ૨૧ વાંચો.) શું એ યુવાન એ જોખમથી બચી શક્યો હોત? હા, જો તેણે મૂર્ખ નિર્ણયો ન લીધા હોત અને સાવધ રહ્યો હોત, તો એ લાલચથી બચી શક્યો હોત અને પાપ કરી બેઠો ન હોત.

૧૦. નીતિવચનોમાં બતાવેલા માણસની જેમ આજે એક ઈશ્વરભક્ત કઈ રીતે પાપમાં ફસાઈ શકે?

૧૦ એ યુવાન માણસ સાથે જે બન્યું એ કોઈ પણ ઈશ્વરભક્ત સાથે બની શકે છે. કદાચ કોઈ ઈશ્વરભક્ત મોટી ભૂલ કરી બેસે અને તેને લાગે કે બધું અચાનક થઈ ગયું. અથવા તે કદાચ કહે, “ખબર નહિ, આ બધું કેમનું બની ગયું.” પણ જો તે ધ્યાનથી વિચારે કે એવું કઈ રીતે બન્યું, તો તેને કદાચ ખ્યાલ આવે કે તે સમજદારીથી વર્ત્યો ન હતો. તેણે એવાં પગલાં ભર્યાં હતાં, જેના લીધે તે પાપ કરી બેઠો. જેમ કે, તેણે એવા લોકો સાથે દોસ્તી કરી હશે, જેઓ યહોવાને પ્રેમ નથી કરતા. તેણે એવું મનોરંજન કે વેબસાઇટ જોઈ હશે અથવા વારંવાર એવી જગ્યાઓએ ગયો હશે, જે યહોવાના સેવકો માટે યોગ્ય નથી. એવું પણ બની શકે કે તેણે પ્રાર્થના કરવાનું, બાઇબલ વાંચવાનું, સભાઓમાં અને પ્રચારમાં જવાનું છોડી દીધું હશે. નીતિવચનોમાં બતાવેલા યુવાન માણસની જેમ એ ઈશ્વરભક્તથી પણ “તરત” કે અચાનક પાપ થયું નહિ હોય.

૧૧. આપણે પાપ કરી ન બેસીએ એ માટે શું કરવું જોઈએ?

૧૧ આપણને શું શીખવા મળ્યું? આપણે ફક્ત પાપ કરવાથી જ નહિ, એ તરફ દોરી જતાં કામોથી પણ દૂર રહેવું જોઈએ. એ યુવાન માણસ અને વ્યભિચારી સ્ત્રીના અહેવાલ પછી સુલેમાને એ જ મુદ્દો સમજાવ્યો. તેમણે આ સલાહ આપી: “ફંટાઈને તું [એ સ્ત્રીના] માર્ગે જતો નહિ.” (નીતિ. ૭:૨૫) તેમણે એમ પણ કહ્યું: “તું એ સ્ત્રીથી દૂર રહેજે, તેના ઘરના બારણે ફરકતો પણ નહિ.” (નીતિ. ૫:૩, ૮) જો આપણે પણ પોતાનું રક્ષણ કરવા માંગતા હોઈએ, તો જરૂરી છે કે એવાં કામોથી અને સંજોગોથી દૂર રહીએ, જે પાપ કરવા તરફ દોરી જાય છે.a પણ એવાં કામો વિશે શું, જે કરવા ખ્રિસ્તીઓ માટે ખોટું નથી? જો તમે જાણતા હો કે એમાંનું કોઈ કામ તમને ખરાબ કામ કરવા લલચાવી શકે છે, તો તમારે એ ન કરવું જોઈએ.—માથ. ૫:૨૯, ૩૦.

૧૨. અયૂબે કયો પાકો નિર્ણય લીધો હતો અને એના લીધે તે કઈ રીતે લાલચથી બચી શક્યા? (અયૂબ ૩૧:૧)

૧૨ પાપ કરવા દોરી જાય એવા સંજોગોથી દૂર રહેવા શું કરવું જોઈએ? સાવધ રહેવાનો પાકો નિર્ણય લેવો જોઈએ. અયૂબે એવું જ કર્યું હતું. તેમણે પોતાની “આંખો સાથે કરાર કર્યો” હતો કે કોઈ પણ સ્ત્રીને ખરાબ નજરે જોશે નહિ. (અયૂબ ૩૧:૧ વાંચો.) એ પાકા નિર્ણયને લીધે તે વ્યભિચારના જોખમથી બચી શક્યા. તેમની જેમ આપણે પણ મનમાં ગાંઠ વાળી શકીએ કે એવી દરેક બાબતથી દૂર રહીશું, જે આપણને લાલચમાં ફસાવી શકે છે.

૧૩. આપણે કેમ પોતાના વિચારોનું રક્ષણ કરવું જોઈએ? (ચિત્રો પણ જુઓ.)

૧૩ આપણે પોતાના વિચારોનું પણ રક્ષણ કરવું જોઈએ. (નિર્ગ. ૨૦:૧૭) અમુકને લાગે છે, ‘જો હું મારી કલ્પનાઓમાં ખોટું કામ કરું, તો એમાં શું વાંધો છે? હું હકીકતમાં થોડી એવું કામ કરી રહ્યો છું?’ પણ એવો વિચાર બહુ જ ખતરનાક છે. એવા વિચારોમાં ડૂબેલી વ્યક્તિના દિલમાં એવું ખોટું કામ કરવાની ઇચ્છા પ્રબળ થાય છે. આમ કરીને તે તો જાણે હાથે કરીને આફત નોંતરે છે અને હવે તેણે પોતે જ એ આફતથી દૂર રહેવા લડત આપવાની છે. એ સાચું છે કે અમુક વાર આપણા મનમાં ખોટા વિચારો આવશે. પણ મહત્ત્વનું એ છે કે ખોટો વિચાર આવે કે તરત એને મનમાંથી કાઢી નાખીએ અને એને બદલે મનમાં સારા વિચારો ભરીએ. એમ કરીને આપણે ખોટા વિચારોને જડમૂળથી દૂર કરીએ છીએ અને એને લાલસા બનતા અટકાવીએ છીએ. કેમ કે લાલસા સામે લડવું બહુ જ અઘરું છે અને એ આપણને મોટી ભૂલ કરવા દોરી જઈ શકે છે.—ફિલિ. ૪:૮; કોલો. ૩:૨; યાકૂ. ૧:૧૩-૧૫.

ચિત્રો: ૧. એક ભાઈ રાતે ટી.વી. જુએ છે. ૨. તે કામની જગ્યાએ એક સ્ત્રીને ખોટી નજરે જુએ છે. ૩. તે અને પેલી સ્ત્રી એક બારમાં બેસીને દારૂ પીએ છે.

આપણે એવાં દરેક કામ અને સંજોગથી દૂર રહેવું જોઈએ, જે લાલચ તરફ દોરી જઈ શકે છે (ફકરો ૧૩ જુઓ)


૧૪. લાલચથી પોતાનું રક્ષણ કરવા બીજું શું કરી શકીએ?

૧૪ લાલચથી પોતાનું રક્ષણ કરવા બીજું શું કરી શકીએ? આપણને પૂરી ખાતરી હોવી જોઈએ કે યહોવાના નિયમો પાળવાથી હંમેશાં આપણું ભલું થશે. અમુક વાર યહોવાની જેમ વિચારવું અને તેમના જેવી લાગણીઓ કેળવવી આપણા માટે અઘરું હોય છે. પણ જો સખત મહેનત કરીશું, તો મનની શાંતિ મળશે.

૧૫. જો ખરાં કામો કરવાની ઇચ્છા કેળવીશું, તો કઈ રીતે લાલચ સામે પોતાનું રક્ષણ કરી શકીશું?

૧૫ આપણે ખરાં કામો કરવાની ઇચ્છા કેળવવી જોઈએ. એ માટે ‘બૂરાઈને ધિક્કારવાનું અને ભલાઈને ચાહવાનું’ શીખવું જોઈએ. જો એમ કરીશું, તો ખરાં કામો કરવાનું અને પાપ તરફ દોરી જાય એવા સંજોગોથી દૂર રહેવાનો નિર્ણય વધારે મક્કમ થશે. (આમો. ૫:૧૫) ખરાં કામો કરવાની ઇચ્છા કેળવવાનો બીજો પણ એક ફાયદો થશે. જો અચાનક આપણી સામે એવા સંજોગો આવી જાય, જેના માટે આપણે તૈયાર ન હોઈએ અથવા જેને ટાળી શકતા ન હોઈએ, તો એવા સંજોગોમાં પણ સાવધ રહી શકીશું અને પાપ કરી નહિ બેસીએ.

૧૬. યહોવા માટેનો પ્રેમ વધે એવાં કામોમાં લાગુ રહીશું તો કઈ રીતે સાવધ રહી શકીશું? (ચિત્રો પણ જુઓ.)

૧૬ ખરાં કામો કરવાની ઇચ્છા કઈ રીતે કેળવી શકીએ? એવાં કામોમાં વ્યસ્ત રહીએ જેનાથી યહોવા માટેનો પ્રેમ વધે છે. સભાઓમાં જઈએ છીએ અને પ્રચાર કરીએ છીએ ત્યારે, યહોવાને ખુશ કરવાની ઇચ્છા વધે છે અને આપણે ખોટાં કામો કરવા લલચાઈ જતા નથી. (માથ. ૨૮:૧૯, ૨૦; હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) બાઇબલ વાંચન, એનો અભ્યાસ અને મનન કરવાથી બૂરાઈને ધિક્કારવાનો અને જે ખરું છે એમાં મંડ્યા રહેવાનો ઇરાદો વધારે પાકો થાય છે. (યહો. ૧:૮; ગીત. ૧:૨, ૩; ૧૧૯:૯૭, ૧૦૧) યાદ કરો, ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું: “પ્રાર્થના કરતા રહો, જેથી તમે કસોટીમાં આવી ન પડો.” (માથ. ૨૬:૪૧) જ્યારે સ્વર્ગમાંના આપણા પિતા સાથે પ્રાર્થનામાં સમય વિતાવીએ છીએ, ત્યારે તેમની મદદ સ્વીકારીએ છીએ અને તેમને ખુશ કરવાનો ઇરાદો વધારે મક્કમ કરીએ છીએ.—યાકૂ. ૪:૮.

યહોવા માટેનો પ્રેમ વધે એવાં કામો કરતા રહીશું તો સાવધ રહી શકીશું (ફકરો ૧૬ જુઓ)b


હંમેશાં સાવધ રહીએ

૧૭. પિતરની કઈ નબળાઈ તેમના પર વારંવાર હાવી થતી હતી?

૧૭ કદાચ પોતાનામાંથી અમુક નબળાઈઓ દૂર કરી શકીએ છીએ, પણ અમુક નબળાઈઓ સામે લાંબો વખત લડવું પડી શકે છે. પ્રેરિત પિતરનો દાખલો લો. માણસોના ડરને લીધે તેમણે ત્રણ વાર ઈસુને ઓળખવાની ના પાડી દીધી હતી. (માથ. ૨૬:૬૯-૭૫) જ્યારે પિતરે યહૂદી ન્યાયસભા સામે ઈસુ વિશે હિંમતથી પ્રચાર કર્યો, ત્યારે તેમને લાગ્યું હશે કે તેમનો ડર દૂર થઈ ગયો છે. (પ્રે.કા. ૫:૨૭-૨૯) પણ અમુક વર્ષો પછી “સુન્‍નતને ટેકો આપતા લોકોના ડરથી” તેમણે થોડા સમય માટે બીજી પ્રજાના લોકો સાથે ખાવા-પીવાનું બંધ કરી દીધું. (ગલા. ૨:૧૧, ૧૨) ફરી એક વાર માણસોનો ડર પિતર પર હાવી થઈ ગયો હતો. કદાચ તે ક્યારેય એ ડર પૂરી રીતે મનમાંથી કાઢી શક્યા ન હતા.

૧૮. શું એવું બની શકે કે કોઈ નબળાઈ પર કાબૂ કરી લીધો હોય, એ ફરી આપણા પર હાવી થઈ જાય? સમજાવો.

૧૮ આપણી સાથે પણ એવું બની શકે છે. એવું લાગી શકે કે આપણે કોઈ નબળાઈ પર જીત મેળવી લીધી છે, પણ કદાચ એ ફરી આપણને લલચાવે. એ સમજવા એક ભાઈનો દાખલો લઈએ. તે કહે છે: “મેં દસ વર્ષથી પોર્નોગ્રાફી જોવાનું છોડી દીધું હતું. મને ખાતરી થઈ ગઈ હતી કે મેં એ નબળાઈ પર જીત મેળવી લીધી છે. પણ એ નબળાઈ ખૂંખાર જાનવર જેવી હતી, જે લાગ મળતા જ હુમલો કરવા લપાઈને બેઠી હતી.” ખુશીની વાત છે કે ભાઈ હિંમત ન હાર્યા. તે સમજી ગયા કે તેમણે દરરોજ આ નબળાઈ સામે લડતા રહેવું પડશે, કદાચ આ દુષ્ટ દુનિયામાં જીવે ત્યાં સુધી એવું કરતા રહેવું પડશે. પોર્નોગ્રાફીથી દૂર રહેવા ભાઈ હવે પહેલાં કરતાં પણ વધારે સાવધ રહે છે. તેમની પત્ની અને મંડળના વડીલો પણ તેમને મદદ કરતા આવ્યાં છે.

૧૯. જો કોઈ નબળાઈ દૂર થઈ ન હોય, તો શું કરી શકીએ?

૧૯ ધારો કે, તમારી કોઈ નબળાઈ હજી દૂર થઈ નથી. પણ એ તમને પાપ કરવા દોરી ન જાય એ માટે શું કરી શકો? ઈસુની આ સલાહ પાળતા રહો: “જાગતા રહો.” એટલે કે લાલચમાં ફસાઈ ન જાઓ એ માટે સાવધ રહો. ભલે તમને લાગતું હોય કે તમારું મન મક્કમ છે, તોપણ હંમેશાં એવા સંજોગોથી દૂર રહો, જે તમને લલચાવી શકે છે. (૧ કોરીં. ૧૦:૧૨) એ નબળાઈ સામે લડવા તમે જે પગલાં ભર્યાં હતાં, એ પ્રમાણે આગળ પણ કરતા રહો. નીતિવચનો ૨૮:૧૪માં લખ્યું છે: “સુખી છે એ માણસ, જે હંમેશાં સાવધ રહે છે.”—૨ પિત. ૩:૧૪.

હંમેશાં સાવધ રહો, આશીર્વાદો મેળવો

૨૦-૨૧. (ક) જો હંમેશાં સાવધ રહીશું, તો કયા આશીર્વાદો મળશે? (ખ) જો પોતાનાથી બનતું બધું કરીશું, તો યહોવા આપણા માટે શું કરશે? (૨ કોરીંથીઓ ૪:૭)

૨૦ હંમેશાં સાવધ રહેવા ઘણી મહેનત કરવી પડે છે. પણ ખાતરી રાખી શકીએ કે આપણી મહેનત પાણીમાં નહિ જાય. પાપ કરીએ છીએ ત્યારે “થોડા સમય માટે” જ આનંદ મળે છે. પણ યહોવાના નિયમો પાળીએ છીએ ત્યારે વધારે ખુશી મળે છે. (હિબ્રૂ. ૧૧:૨૫; ગીત. ૧૯:૮) કેમ કે યહોવાએ આપણને તેમના જેવા બનાવ્યા છે, જેથી તેમના માર્ગો પ્રમાણે જીવી શકીએ. (ઉત. ૧:૨૭) યહોવાની વાત માનીએ છીએ ત્યારે આપણું અંતઃકરણ સાફ રહે છે અને ભાવિમાં હંમેશ માટે જીવવાની આશા મળે છે.—૧ તિમો. ૬:૧૨; ૨ તિમો. ૧:૩; યહૂ. ૨૦, ૨૧.

૨૧ એ સાચું છે કે “શરીર કમજોર છે.” પણ એનો એ અર્થ નથી કે આપણે લાચાર છીએ અને પોતાની નબળાઈ દૂર કરવા કંઈ કરી શકતા નથી. યહોવા આપણી સાથે છે. આપણી નબળાઈ દૂર કરવા તે જરૂરી તાકાત આપવા તૈયાર છે. (૨ કોરીંથીઓ ૪:૭ વાંચો.) બાઇબલમાં લખ્યું છે કે ઈશ્વર જે તાકાત આપે છે એ માણસની તાકાત કરતાં ઘણી ચઢિયાતી છે. પણ પોતાની નબળાઈ દૂર કરવા પહેલા પોતે તાકાત લગાવવી પડશે, મહેનત કરતા રહેવું પડશે. જો પોતાનાથી બનતું બધું કરીશું, તો ખાતરી રાખી શકીશું કે યહોવા આપણી પ્રાર્થનાઓ સાંભળશે અને જરૂર હોય ત્યારે વધારે તાકાત પૂરી પાડશે. (૧ કોરીં. ૧૦:૧૩) હા, યહોવાની મદદથી આપણે સાવધ રહી શકીશું અને પાપથી દૂર રહી શકીશું.

તમે શું કહેશો?

  • કયા સંજોગોમાં આપણે સાવધ રહેવું જોઈએ?

  • સાવધ રહેવા આપણે શું કરી શકીએ?

  • આપણે કેમ હંમેશાં સાવધ રહેવું જોઈએ?

ગીત ૪ ઈશ્વર સાથે સારું નામ બનાવીએ

a જો કોઈએ મોટી ભૂલ કરી હોય, તો તેને ક્યાંથી મદદ મળી શકે? એ વિશે વધારે જાણવા દુઃખ જશે, સુખ આવશે પુસ્તકના પાઠ ૫૭, મુદ્દા ૧-૩ અને નવેમ્બર ૨૦૨૦, ચોકીબુરજ, પાન ૨૭-૨૯ પર આપેલા આ લેખના ફકરા ૧૨-૧૭ જુઓ: “ભાવિ પર નજર રાખો.”

b ચિત્રની સમજ: એક ભાઈ સવારે દરરોજનું વચન વાંચે છે. બપોરે જમતી વખતે બાઇબલ વાંચે છે અને સાંજે અઠવાડિયા દરમિયાન થતી સભામાં હાજર રહે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો