વાચકો તરફથી પ્રશ્નો
શું શબને બાળવું ખ્રિસ્તીઓ માટે યોગ્ય ગણાય?
શબને બાળવા વિશે બાઇબલ કોઈ વાંધો ઉઠાવતું નથી.
બાઇબલમાં એવા અહેવાલો છે, જેમાં વ્યક્તિઓના શબને કે હાડકાંને બાળવામાં આવ્યાં હોય. (યહો. ૭:૨૫; ૨ કાળ. ૩૪:૪, ૫) શું એનો અર્થ એવો થતો કે તેઓ માન સાથે દફનાવાને લાયક ન હતા? ના. શબને બાળવાનો અર્થ કાયમ એવો ન થતો.
એ વાત રાજા શાઊલ અને તેના ત્રણ દીકરાના મરણના અહેવાલ પરથી સાબિત થાય છે. પલિસ્તીઓ વિરુદ્ધના યુદ્ધમાં એ ચારેય માર્યા ગયા. મરણ પામનાર શાઊલના ત્રણ દીકરાઓમાં દાઊદના ખાસ મિત્ર અને વફાદાર સાથી યોનાથાન પણ હતા. તેઓના મરણની યાબેશ-ગિલઆદના શૂરવીર ઈસ્રાએલીઓને ખબર પડી ત્યારે, તેઓએ ચારેય શબ શોધીને બાળી નાંખ્યાં અને હાડકાં દફનાવી દીધાં. એ કામની જાણ થતાં દાઊદે તેઓની પ્રશંસા કરી.—૧ શમૂ. ૩૧:૨, ૮-૧૩; ૨ શમૂ. ૨:૪-૬.
બાઇબલ આશા આપે છે કે મરણ પામેલા લોકો સજીવન થશે. એટલે કે મરણ પામેલી વ્યક્તિને ઈશ્વર ફરીથી જીવન આપશે. કોઈ મૃત વ્યક્તિને બાળવામાં આવે તોપણ, યહોવા માટે એ વ્યક્તિને નવું શરીર આપી ફરી જીવતી કરવી કંઈ અઘરું નથી. ત્રણ હિબ્રૂ યુવાનોનો વિચાર કરો. નબૂખાદનેસ્સાર રાજાએ તેઓને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેવાનો હુકમ કર્યો હતો. એ યુવાનોને એવો ડર ન હતો કે, તેઓ બળી જશે તો ઈશ્વર તેઓને સજીવન નહિ કરી શકે. (દાની. ૩:૧૬-૧૮) જુલમી નાઝી છાવણીમાં યહોવાના વફાદાર ભક્તોને મારી નાખીને બાળવામાં આવ્યા હતા. તેઓને પણ ડર ન હતો કે યહોવા તેઓને સજીવન કરી શકશે કે નહિ. ઈશ્વરના ઘણા વફાદાર ભક્તો વિસ્ફોટમાં કે પછી, અવશેષ પણ ન રહે એ રીતે માર્યા ગયા છે. છતાં, તેઓ સજીવન થશે એવી ખાતરી છે.—પ્રકટી. ૨૦:૧૩.
કોઈ વ્યક્તિને સજીવન કરવા યહોવાને તેના જૂના શરીરની જરૂર પડતી નથી. એની સાબિતી આપણને ગુજરી ગયેલા અભિષિક્તો પરથી મળે છે, જેઓને સ્વર્ગમાં સજીવન કરવામાં આવ્યા છે. ઈસુને સ્વર્ગદૂત જેવા શરીરમાં ‘સજીવન કરવામાં આવ્યા.’ એ જ રીતે અભિષિક્તોને પણ સ્વર્ગમાં દૂતો જેવા શરીરમાં સજીવન કરવામાં આવે છે. તેઓનું વ્યક્તિત્વ એ જ રહે છે, પણ પૃથ્વી પરનું શરીર સ્વર્ગમાં જતું નથી.—૧ પીત. ૩:૧૮; ૧ કોરીં. ૧૫:૪૨-૫૩; ૧ યોહા. ૩:૨.
આપણને શ્રદ્ધા છે કે ઈશ્વર પોતાનાં વચનો પૂરાં કરી શકે છે અને તે એમ કરવા ઇચ્છે પણ છે. (પ્રે.કૃ. ૨૪:૧૫) તેથી, સજીવન થવાની આપણી આશા એ શ્રદ્ધા પર નિર્ભર કરે છે. શબનું શું કરવામાં આવે છે, એનાથી આપણી આશા પર કોઈ ફરક પડતો નથી. ખરું કે, આપણે વિગતવાર જાણતા નથી કે પહેલાંના સમયમાં ઈશ્વરે ચમત્કાર કરીને લોકોને સજીવન કઈ રીતે કર્યા અથવા ભાવિમાં તે એમ કઈ રીતે કરશે. છતાં, આપણે યહોવા પર ભરોસો રાખી શકીએ, કેમ કે ઈસુને સજીવન કરીને તેમણે આપણને “ખાતરી” આપી છે.—પ્રે.કૃ. ૧૭:૩૧; લુક ૨૪:૨, ૩.
તેમ છતાં, ઈશ્વરભક્તો તરીકે આપણે સમાજનાં ધારાધોરણો, લોકોની લાગણીઓ અને કાયદાને ધ્યાનમાં રાખીને શબનો નિકાલ કરવો જોઈએ. (૨ કોરીં. ૬:૩, ૪) મરણ પામેલી વ્યક્તિના શરીરને બાળવામાં આવે કે દાટવામાં આવે, એ નિર્ણય વ્યક્તિ પોતે અગાઉથી જણાવી શકે અથવા તેનું કુટુંબ લઈ શકે.